ઉડિયા સાહિત્યસર્જનનાં ‘સંક્રાંતિપુરુષ’ કહેવાય એવા ફકીરમોહનનો જન્મ ઓડીસાના બાલેશ્વર જિલ્લાના મલ્લિકાશપુરમાં થયો હતો. પિતા લક્ષ્મીચરણ સેનાપતિ અને માતા તુલસીદેવી સેનાપતિના પુત્રનું બાળપણનું નામ વ્રજમોહન હતું. ૧૩ જાન્યુઆરી ૧૮૪૩ માં જન્મેલા બાળ વ્રજમોહને માતા-પિતાની છત્રછાયા હેઠળ અલ્પ છતાં વાત્સલ્યસભર બાળપણ વિતાવ્યું. બાળપણ ફકીરવેશે જ વીત્યું તેથી તેનું નામ જ ફકીરમોહન પડી ગયું હતું. જીવન અને જગતનું ભાથું તેમના પાસે અઢળક હતું જે એમનાં સાહિત્યમાંથી પસાર થતાં આપણને સમજાય છે.
ફકીરમોહન પાસેથી આપણને ઇયત્તા અને ગુણવત્તા દ્રષ્ટિએ જે સાહિત્ય પ્રાપ્ત થયું છે તેમાં ‘રેવતી’,‘પેટેન્ડ મેડિસિન’,‘ ડાક–મુનશી’, ‘સભ્ય જમીનદાર’ વગેરે જેવી વાર્તાઓ ‘છ મણ આઠ ગૂઠા’(છ વીઘા જમીન),‘માંમુ’, ‘પ્રાયશ્ચિત’,‘ લછમાં’ જેવી નવલકથા પ્રાપ્ત થાય છે. ફકીરમોહને એક અપૂર્વ આત્મકથા લખી છે જેમાં આદિવાસીઓના બળવા સામે એક સરકારી અધિકારીએ કઈ રીતે સફળતાપૂર્વક કામ લીધું અને કેવા કૃત્ય કરી એવા દાવપેચ અજમાવવા પડ્યા એની વાત કરવામાં આવી છે.
પાત્ર, પરિવેશ, ઘટનાસ્થળ અને કાળ સમય સાથે બદલાય છે. પરંતુ માનવીનાં જીવનની પરિસ્થિતી દરેક સમુદાયમાં એક સરખી જ જોવા મળે છે. “છ વીધા જમીન’ નવલકથામાં પણ આપણને ઉડિયા સમાજજીવનનું ચિત્રણ જોવા મળે છે. ૧૪ વર્ષની વયે ઇ.સ ૧૮૫૭માં આઝાદીનો સંગ્રામ થયો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સાહિત્યનો સમન્વય થયો હતો. સાહિત્યમાં વાસ્તવદર્શી અભિગમ જોવા મળતો હતો. ફકીરમોહને ‘છ વીઘા જમીન’ પંચાવન વર્ષની વયે લખી. જેની પ્રથમ આવૃતિ ૧૯૮૨ માં પ્રગટ થઈ હતી. ગુજરાતી ભાષામાં આ નવલકથાનો અનુવાદ મીરાં ભટ્ટે કર્યો છે.
કાલિંદીચરણ પાણિગ્રહી આ નવલકથા વિશે કહે છે, ‘ આ વાર્તાની ભૂમિકા, એની ભાષા અને એમાં દોરેલા રેખાચિત્રો એ બધાના મૂળ દેશની ધરતીમાં ખૂબ ઊંડે સુધી પહોચી ગયેલા છે.’ શેખ દિલદાર મિદનાપુરનો મોટો જમીનદાર હતો. દારૂની લતને લીધે વિલાસી જીવન જીવતો દીલદારમિયાં અલીમિયાં નામે ઓળખાતા શેખ કરમતઅલીનો પુત્ર આ દિલદારમિયા હતો. મિયાંને માત્ર ફારસીમાં પોતાનું નામ લખતા આવડતું ને થાણા પર સિપાહીગીરીની નોકરી મળી ગઈ. તેથી અલીમિયાં જમીનદારીમાં ખૂબ પૈસા કમાયા. તેને માત્ર પોતાના પુત્ર દીલદરમિયાને ભણાવવાનો શોખ હતો. પણ તે કઈ જ ભણ્યો નહીં અને પિતાની મિલકત પરથી પણ હાથ ધોઈ બેઠો.રામચંદ્ર મંગરાજ પણ આ જ વિભાગમાં વહીવટનું કારકુની કામ કરતો. મહેસૂલી વિભાગની મોટા ભાગની રકમ તે હડપ કરી જતો. લોકોની સંપતિ ભેગી કરીને ઘન લૂટવામાં રામચંદ્રે દારૂડિયા દીલદારમિયાનો પણ ખૂબ લાભ લીધો.
ગોવિંદપુર ગામ ત્રણ વિભાગમાં વહેચાયેલું હતું. બ્રાહ્મણ,વણકર અને જમીનદારવાસ. બ્રાહ્મણવાસનું નામ ‘શાસન’ હતું. રામચંદ્ર મંગરાજની હવેલી ખેડૂતવાસમાં આવેલી હતી.આ રામચંદ્રને ત્રણ દીકરા અને એક દીકરી હતી જેનું નામ માલતી હતું.મંગરાજની પત્ની હોવા છતાંય ઘરમાં સૌથી વધારે ધાક ચંપાની હતી જે તેની પત્ની ન હતી. ચંપા વિશે કોઈ ખરાબ હરફ પણ ન ઉચ્ચારી શકે. માટે જ લોકો કહેતા કે
‘ખબરદાર! ગોબરા જેના ચોકીદાર.!
અહી ‘ગોબરા’ નામ છે અને ‘જેના’ એ જાતિ છે. અને ‘ખબરદાર’ ચંપાનું નામ છે.
આ ગામમાં એક વણિક કુટુંબ રહેતું હતું. જેનું નામ ભાગિયાચંદ હતું તે મુખી ગોવિંદચંદનો દીકરો હતો. પિતાએ વાઘસિંહ વંશ પાસેથી તેની પડતીના દિવસોમાં મોકાની જમીન લીધી હતી. આ ઉપજાઉ જમીનમાં મબલખ પાક થતો કારણકે ધોવાણનું પાણી આ જમીનમાં જ જતું હતું. પરિણામે આ જમીન પર રામચંદ્રની નજર પડી. અને તેણે ચંપાની મદદથી બંને દંપતિની સંપતિ હડપ કરવાનું કાવતરું રચ્યું. આમ પણ આ મંગરાજે પહેલા પણ વાઘસિંહ વંશની તમામ મિલકત પર નજર નાખી હતી અને કઈ ને કઈ વાતે ઝઘડીને રતનપુરમાં અટકચાળો કરતો ત્યાંના ખેતરમાં પોતાની ગાયો પહોચાડી અને ખેડૂતોના ઊભા પાકને તે નુકશાન કરતો. તો ક્યારેક કોઈને જેલભેગા કરવામાં તે બે પૈસાનો ખર્ચ પણ કરતા અચકાતો નહીં. વાઘસિંહ વંશનું વિચ્છેદ કરવામાં મોટો ફાળો પણ આ મંગરાજનો હતો. તેણે આખા ગામ પર ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું હતું ત્યારથી જ લોકો તેના પર વેરવૃતિ રાખીને બેઠા હતા.
વણિક દંપતી ભગિયા અને સારિયાને કોઈ બાળક ન હતું. ભગિયા સારિયા અને નેત નામની ગાય એ જ એમનું પરિવાર. સારિયા પોતાનું માતૃત્વ આ નેત પર વરસાવતી અને પોતાના માતૃત્વને પોષતી હતી. એક દિવસ ચંપા ભોળી સારિયાને તક મળતા પોતાની વાતમાં ફસાવે છે અને પોતાનું વાંજિયાપણું દૂર કરવા માટે તેને મંગલામાતાનું મંદિર બંધાવી આપવા પોતાની ખેતીની જમીન ગીરવે મૂકવાનું કહે છે. આ તરફ મારિયા રાંકડી બને શું કરવું એ જ સમજી શકતી નથી.
આ તરફ એ રાત્રે મંગરાજના ઓરડે ચાકરડી ચંપા સાથે મંગરાજ પોતે રચેલા પ્રપંચની વાત કરે છે ભગિયાએ ચંપાની વાતમાં આવીને પુત્રપ્રાપ્તિનાં લોભે પોતાનું ખેતર ગીરવી મૂકી દીધું. મંગરાજે એની ગાય પણ વ્યાજ પેટે ઝૂટવી લીધી. પરિણામે ભગિયા પાગલ જેવો થઈ ગયો. અને ગંદો બની ‘મારી સારિયા રે સારિયા મારી છ વીઘા આઠ ગૂઠા રે, છ વીઘા આઠ ગૂઠા.’આમ કહી નાચ્યા કરે, બૂમબરડા કરે અને ચાતક પંખીની જેમ રડતો, ઝાપટ મારતો તો ક્યારેક પોતાના કપડાં ફાડતો અને મંગરાજને જોઈ કરડવા દોડતો. આ તરફ મંગરાજે સારિયાની વાડીની પાછળ લાકડીથી સારિયાનું ખૂન મંગરાજે કર્યું. અને તેની બાતમી ચોકીદાર ગોબરા જેના, સના રાણા તથા બીજા આઠ જેટલા લોકોએ એવી બાંહેધરી પણ આપી કે તેની લાશ જૂના ખેસમાં વિટળાયેલી હતી તે વણકરબાઇ સારિયાની જ હતી.
એક તરફ પત્નીનું મોત થાય છે તો બીજી તરફ પોતાના અધમ કૃત્યોનું પોત પ્રકાશમાં આવે છે અને મંગરાજની પોલ ધીમે ધીમે પાધરી થાય છે. મંગરાજને જેલ જવાનો વખત આવે છે ત્યારે સિપાઈ ગોપીસિંહ લાલરામને રામચંદ્રનાં વકીલ બનવાની ભલામણ કરે છે વકીલ જામીન અપાવવા દસ હજાર રૂપિયાની માંગણી કરે છે. કચેરીમાં મંગરાજ પર આરોપ મૂકવામાં આવે છે ત્યારે સરકારી વકીલ અને લાલારામ વચ્ચે વાટાઘાટ થાય છે. દરમ્યાન બાવીસ પાનાનું લખાણ થાય છે. લેખક અહી ટીખળ કરતાં લખે છે, ‘આરોપીના જવાબ લઈ લેવાયા બાદ બંને પક્ષના વકીલોના ભાષણ થયા. ખુબા ખેચતાણ ચાલતી રહી. દરમ્યાન, સાહેબ ચાર હાથ લાંબુ કોઈ છાપું વાંચી લઈને પોતાનું જમવાનું પણ પતાવી આવ્યા.’ અંતે કટકની કોરટમાં છ મહિનાની જેલ અને પાચસોનો દંડ મંગરાજને થાય છે અને એ પણ જો તે વસૂલ ના થાય તો બીજા ત્રણ મહિનાની કેદ એવી સજા ફરમાવવામાં આવે છે.
આ તરફ ચાકરડી ચંપા અને ગોવિંદ હજામ પણ ગોપી સાહુની દુકાને નાસી છૂટવાના ઇરાદે મંગરાજની મિલકત લઈ આવી ચડે છે અને મંગરાજની સંપતિનો હકદાર થવા ગોવિદ ચાંપાની હત્યા કરે છે પોતે પણ હોળીમાંથી ઝંપલાવી પકડાઈ જવાની બીકે કૂદી પડે છે અને મગરનાં મોએ ઝડપાઇ જાય છે. જોગાનુજોગ જ્યાં ગોવિંદે ચંપાની હત્યા કરી હતીતે જગ્યાએ જમાદાર આવી એવું કહે છે લાશનું સાપના ડંખથી જ મૃત્યુ થયું છે આ લાશને પણ ત્યાં જ નાખવામાં આવે છે જ્યાં મગરે ગોવિંદને કરડી ખાધો હતો.આ તમામ ઘટના ગોપી સાહુની દુકાને બને છે પછીથી એ જગ્યાને ચૂડેલનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે.
‘અપૂર્વ મિલન’ નામના પ્રકરણમાં પાગલખાનામાં રહેતો ભગિયા એક વખત મંગરાજનું નાક કરડી ખાય છે. ગોબરા જેના અને મંગરાજ પણ એક જ ઓરડીમાં રહે છે તે બંને વચ્ચે પણ ઝઘડો થાય છે અને કેદી નંબર ૯૭૭ નામે ઓળખાતા ગોબરા જેનાનું મોત થાય છે. ૯૫૭ નંબરનો દર્દી છે મંગરાજ. તેનું દિવસે ને દિવસે ભયંકર બીમારીમાં શરીર સપડાય છે તેની બીમારી ખૂબ વધવાથી ઘરે મોકલવામાં આવે છે ત્યાં તેની સારવાર હોશિયાર વૈધ ગોપી વણકર(કવિરાજ ગોપી) મરણપથારીએ પડેલા મંગરાજને બચાવે છે પરંતુ તેની દવા હવે મંગરાજને ઉપકારક રહેતી નથી અંતે મરણપથારીએ પડેલા મંગરાજને એક વખત રાક્ષસી જેવુ કંકાલ દેખાય છે. અને વિકૃત અવસ્થા ધારણ કરતી આ મુર્તિ કહે છે ‘આપી દે,મારી છ વીઘા આઠ ગૂઠા આપી દે !’ અને મંગરાજ પાછો સ્વપ્નમાં બબડે છે, ‘“છ-વી-આ-ગુ,છ-વી-આ-ગુ’” આમ બોલતો બોલતો જ મરણને શરણ થવા જાય છે અને તેને આકાશમાં એક ત્યાં જ આવાજ આવે છે,‘રામ બોલ,હરિ બોલ.’
નવલકથાનો મુખ્ય રસ કરૂણ છે. સત્યાવીસ પ્રકરણ અને ૧૮૯ પૃષ્ઠની આ નવલકથામાં વાસ્તવદર્શી જીવનનું આલેખન છે. અહી ભગિયા સારિયા અને મંગરાજની પત્ની જેવાં દયાળુ અને પરોપકારી લોકો છે. મંગરાજની પત્નીની વાત કરતાં લેખક કે છે કે “આ દુનિયામાં તેનું પોતાનું કોઈ હોય તો તે માત્ર આ તુલસી- ક્યારો જ છે.” અંતે તેની પત્નીનું મૃત્યુ પણ એ ક્યારા પાસે જ થાય છે. ચંપા, ગોવિંદ, મંગરાજની મોતની સ્થિતિ અને તેની અંતે થતી કફોડી હાલત થથરાવી જાય છે. મંગરજને પોતાનું એકઠું કરેલું ઘન પણ અંતે કશા ખપમાં આવતું નથી અને તેની સંપતિ હડપ કરનાર પણ કમોતે જ મરે છે. અને મંગરાજને અંતે પોતે કરેલા અધમ કૃત્યનો પારાવાર પસ્તાવો થાય છે.
રુકુણી, રેવતી, માળીયા, શંકારી, જેમાનીમાં, ભીમામાસી, ચેમી, નકફોડી, તેરી, વિમાલી, શુકી, પાટ, કૌશુલી વગેરે સ્ત્રીઓ આપણી આસપાસ જ રહેતી સ્ત્રીમાની એક હોય એવી પ્રતીતિ થાય છે.અહી લેખકે જાણે એક ગામને નવલકથામાં જીવંત કર્યું હોય એમ પાત્રોની દુનિયા આપણી સમક્ષ ઊભી કરી છે. ગામડાની અભણ પ્રજા પોતાના દુ:ખ દૂર કરવા વડની ડાળી પાસે સિંદૂરની મૂર્તિનાં મંદિરને એટલા જ ભાવથી પૂજે છે અને એક વખત ત્યાં ખાડો જોઈને લોકો કહેતા ફરે છે કે માં કોઇની મદદે આવી હશે ત્યારે મંગરાજ કહે, ‘વાઘની ગુફા છે.’ પણ ભીમા ઘાયજાની મા એ કહ્યું, ‘મે માતાને અને વાઘને સાચે જોયા છે.’ ન્યાયતંત્રની પણ અહી ઠેકડી ઉડાવતા પંગુ સમાજનું વાસ્તવદર્શી આલેખન કર્યું છે અંધશ્રદ્ધા, વહેમ, રિવાજો, નિંદા વગેરે જેવી માનસિક અને સામાજિક પરિસ્થિતી નવલકથાને વેગવંતી બનાવે છે. લેખકે જે કઈ કહેવાનું છે એ અહી હાસ્ય,રમુજ વ્યંગ દ્વારા લેખકે થોડે ઘણું કહી દીધું છે.
સંદર્ભ:
ચાર્વી ભટ્ટ, ભુજ-કચ્છ, MO.9427013372