“અરે યાર ! લોકડાઉન તો ફરીથી લંબાયું..ક્યારે ખુલશે? હું તો કંટાળી ગયો છું.”આકાશે અકળામણ અનુભવતા કહ્યું.
“આ લોકડાઉન શું છે દિકરા?” પથારીમાં પડેલ વૃદ્ધ દાદાએ પુછ્યું.
“લોકડાઉનની હવે તમને ખબર ના પડે દાદા...કામ કાજ સિવાય બહાર જવાનું જ નહીં. ઘરની અંદર જ રહેવાનું સમજ્યા?”
“હા બેટા, મને તો ખબર ના પડે આ લોકડાઉનની ! હું તો ન જાણે કેટલાય દિવસોથી, ના..ના... કેટલાય વર્ષોથી લોકડાઉનમાં જ છું. આ જ પથારીમાં ને આ જ ખૂણામાં.. મારુ લોકડાઉન તો કયારે ખુલશે? મરું ત્યારે ખુલે તો ખુલે બાકી રામ જાણે ! દાદાજીએ ભીની આંખો લૂછી અને આકાશ સામે જોઇ રહ્યાં.
ભરત મકવાણા,
શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજ,પાટણ
મો.ન.81530 57234