ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામતી 'અમૃતા' નવલકથા પરંપરા અને પ્રયોગનો મનોહર સુમેળ સાધતી કૃતિ છે. ઈ.સ. ૧૯૬૫માં પ્રકાશિત થયેલી 'અમૃતા' રઘુવીર ચૌધરીની પ્રતિનિધિ નવલકથા છે. ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર 'જ્ઞાનપીઠ એવોર્ડ' થી વિભૂષિત 'અમૃતા'માં આધુનિક નવલકથાનો વિશિષ્ટ ઉન્મેષ દર્શાવતો વળાંક પણ જોવા મળે છે.
-એમ કલ્પનોની રમણીયતા 'અમૃતા'માં વારંવાર અનુભવાય છે. અહીં પ્રતીકો પણ છે. આ કૃતિમાં અંધકાર, પંખી, ગોગલ્સ, કાચ, રણ, દરિયો, સર્પ, ઉદર, ફાનસ, મંદિર, મહેલ જેવાં તત્વોય પ્રતીક તરીકે યોજાયેલાં જોવા મળશે. અમૃતા, ઉદયન અને અનિકેતના આંતરમનની સૂક્ષ્મતર લાગણીઓ અને અર્થોને મૂર્ત રૂપ અર્પવા રઘુવીર ચૌધરીએ લગભગ સાદ્યંતપણે કલ્પનો/પ્રતીકોનો વિનિયોગ કર્યો છે. પાત્રોના સંવેદનપટુ ચિત્તમાં જન્મતી લાગણીઓ આ રીતે મૂર્ત ચિત્રો રૂપે પ્રત્યક્ષ થતી રહે છે. સ્વાતંત્ર્યોત્તર સમયની આપણી નવી કવિતાની જેમ આ કૃતિમાં દશ્યાત્મક, શ્રુતિમૂલક, ગતિપરક, સ્પર્શપરક, સ્વાદમુલક - એમ તરેહતરેહનાં કલ્પનો સાથે લેખકે કામ પાડ્યું છે. નોંધનીય મુદ્દો એ છે કે ભિન્ન ભિન્ન સંદર્ભોમાં આવર્તિત થતાં કલ્પનો, પ્રતીકો કૃતિના સંવેદનજગતને આંતરિક સ્તરોએથી સાંકળી આપે છે. ઉદયનના મન પર આખોય ભૂતકાળ એકાએક ઓથાર બની રહે એવી ક્ષણનું આ આલેખન જુઓ :
'અમૃતા'નું વિષયવસ્તુ ત્રિવિધ વિચારસરણી વચ્ચેનો સંઘર્ષ અને સમન્વય છે. એક સ્ત્રી અને બે પુરુષોના પારસ્પરિક મૈત્રીમૂલક સંબંધમાં સર્જાતા વૈચારિક સંઘર્ષ અને લાગણીના તુમુલ ઉથલપાથલની કથા 'અમૃતા' દ્વારા કહેવાઈ છે. પ્રયોગશીલ રહેવા છતાં રઘુવીર ચૌધરી નવલકથાની રસમયતાને અને કલાત્મક આયામોને સફળતાથી સિદ્ધ કરી શક્યા છે. યંત્રવિજ્ઞાને સર્જેલી વિષમ માનવીય પરિસ્થિતિ વચ્ચે રૂંધામણ અનુભવતા બૌદ્ધિકોની આંતરવેદના તથા મનોસંઘર્ષને તેઓ 'અમૃતા'માં મર્મસ્પર્શી અભિવ્યક્તિ આપી શક્યા છે. લેખકે 'અમૃતા'માં અભિવ્યક્તિના એક વિશિષ્ટ ઓજાર તરીકે કરેલો પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ તપાસવાનો અહીં ઉપક્રમ છે.
સ્વાતંત્ર્યોત્તરકાલીન ગુજરાતી સાહિત્યમાં અભિવ્યક્તિના એક વિશિષ્ટ ઓજાર તરીકે કલ્પન અને પ્રતીકને પ્રતિષ્ઠા મળે છે. અમૂર્તનું મૂર્તિકરણ અને ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ એ કલ્પનનાં અનિવાર્ય લક્ષણો મનાય છે; તો પ્રતીકમાં, પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન થાય છે.
પ્રથમ દષ્ટિએ ગુજરાતી નવલકથાની પ્રણયત્રિકોણ જન્ય રૂઢ કથાપરંપરાના અનુસરણનો આભાસ કરાવતી પરંતુ તત્વત: ત્રણ પરિપક્વ વિચારસરણીના ત્રિપરિમાણી વિચારસંઘર્ષનું કલાત્મક નિરૂપણ કરતી આ કથા છે. 'અમૃતા'ના પાત્રો સમાજના બૌદ્ધિક વર્ગના પ્રતિનિધિ છે. એમની જીવન સમસ્યાને નવલકથાકારે આરંભમાં જ સ્પષ્ટ કરી દીધી છે. ઉદયન પ્રત્યે સમર્પણ ભાવ અનુભવતી અમૃતા ઉદયનના મિત્ર અનિકેતના પરિચય પછી ઉદયન અને અનિકેત પરત્વે વરણીજન્ય દ્વિધાભાવનો ભોગ બને છે.
"છોડ પરના બે ગુલાબ અમૃતા તરફ નમેલા હતા એટલું જ નહીં એ બંને અમૃતાનું ધ્યાન પણ ખેંચતાં હતાં. તેમ છતાં બંનેના અભિનિવેશમાં ભેદ જરૂર હતો. એક ફક્ત ઝૂકેલું જ લાગે, એનું મૌન સુંદર લાગે. બીજું કંઈક તિર્યક્ લાગે. વાતાવરણ તરફ એ ઉદાસ લાગે. પણ એનું લક્ષ હતું ત્યાં વ્યંગની તીખાશ પ્રગટાવે. અમૃતાએ ઈચ્છ્યું – એક ગુલાબ વીણી લઉં ? બીજું હાલે નહીં તે રીતે છોડને સાચવીને એકને ઉપાડી લઉં ?" (પૃ. – ૯)
એ વાક્યખંડ દ્વારા લેખકે અમૃતાના મનમાં ઉદ્દ્ભવેલા વરણીના પ્રશ્નને પ્રતીકાત્મક રીતે વર્ણવ્યો છે. ગુલાબના છોડ પરનાં બે ગુલાબ દ્વારા લેખકે અનિકેત - ઉદયનમાંથી કોની વરણી કરવી, તેની અમૃતાના મનમાં જાગતી સમસ્યાનો સંકેત આપ્યો છે. શરૂઆતના જ પ્રકરણમાં નવલકથાની કેન્દ્રિય સમસ્યાને આ રીતે આલેખ્યા પછી વાચકની જિજ્ઞાસાને જાગૃત કરીને કથાપ્રવાહને આગળ લઈ જવાનું સરળ બની જાય છે. ગુલાબના પ્રતીક દ્વારા ભાવકમાં કૂતુહલ જગાડીને લેખક વરણીના પ્રશ્નને બૌદ્ધિક આયામ સાથે કથામાં વણી લે છે. આરંભની આ પ્રતીકયોજનામાં ધ્યાનાકર્ષક અને સાર્થ પ્રતીકાત્મકતા તો 'કૂંડાની ભીની કાળી માટી પર એક અપૂર્ણ વિકસિત ગુલાબ ઊંધું પડીને કરમાઈ રહ્યું હતું.' અમૃતાના સંદર્ભમાં સમજી શકાય.
નવલકથાને આરંભે જ, "આકાશમાં ધૂમ્રપટ રચતું વાયુયાન દર્શાવીને નવલકથાકારે ધૂમ્રપટના આરંભવાળો છેડો આકાશમાં નિરાધાર લટકતો હતો." "ખાલીપણામાં ફેલાઈ જવા માટે એ પટ" આદિ શબ્દોથી ઉદયનના મન/જીવનની રિક્તતા, ઉદાસીનતા, ધૂમ્મસિયા મન:સ્થિતિને વ્યંજિત કરી છે; તો અમૃતાની સામે નાજુક પંખીને બેસીને પાંખો ફફડાવતું દર્શાવીને અમૃતાની નિર્દોષતા, પ્રસન્નતા, મહત્વાકાંક્ષાનો નિર્દેશ આપીને તરત મુંબઈના સમુદ્રની ત્રીજી ઉપસ્થિતિ દાખવીને, મહાનગર મુંબઈની ભાવિ વિભિષિકાને નિર્દેશી છે. પહેલે જ પાને આકાશ, સમુદ્ર, પંખીનો સંદર્ભ અહીં અનેક અર્થવર્તુળો રચી આપે છે. ઉદયન, અમૃતા, અનિકેતના પ્રણયત્રિકોણને સંદર્ભે, નવલકથામાં અનેક સ્થળે દરિયો, નદી વગેરે જળાશયો, વિવિધ પરિસ્થિતિ, ચૈતસિક ગતિવિધિને નિર્દેશે છે. પ્રથમ સર્ગમાં તો સમુદ્રના અનેક કલ્પનો, વર્ણનો સુદ્ધાં એ ત્રણેયના જીવનની વિષમતા, વહેણ ને વમળોના સંકેત આપતા રહે છે. નવલકથાને પ્રારંભે જ અમૃતા - ઉદયન દરિયાકિનારાના અમૃતાના ઘરમાં, સંધ્યાકાળે મળ્યાં છે. અહીં જ સંધ્યાકાળની ઉપસ્થિતિ, ઉદયન - અમૃતાના પ્રણયજીવનના સંધિકાળને, ને કરુણ ભાવિની ઘોર અંધારી રાત્રીને સૂચવી દે છે. જુઓ :
"અમૃતા, તારી કલ્પિત સરહદ, નામે ક્ષિતિજ, અત્યારે સંધ્યાના રંગોથી ભભકી રહી છે. થોડી વાર પછી એ સઘળી ભભક સમુદ્રના આભ્યંતર અંધકારમાં શમી જશે. અંધકાર બહાર આવશે. અને જે અલગ અલગ પદાર્થો દેખાય છે તેમના અવકાશને પૂરી દેશે. પછી જોનારને સઘળું અંધકાર રૂપે દેખાશે." (પૃ. - ૧૦)
ઉદયનના ટેબલ ઉપર દોસ્તોયેવસ્કીનું પુસ્તક 'નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ' - 'ભોંયતળિયાનો આદમી' છે. (પૃ. – ૧૭) એ પુસ્તકનું નામ જ ઉદયનના વ્યક્તિત્વને સૂચવતું કલ્પન બની રહે છે. અમૃતાના એક રૂમમાં, વિન્સન્ટ વાન ઘોઘનું 'સોરો'નું ચિત્ર છે. પૃ. - ૨૬ ઉપર દર્શાવ્યું છે કે ઉદયન ઘણીવાર એને ત્યાં આવે ત્યારે એ ચિત્રને જોઈ રહે છે. એ ચિત્ર પણ ઉદયનની ઉદાસીનનતા, વિષાદનું પ્રતીક બની રહે છે. ગોગલ્સનું ફૂટવું, ઉદયનના ભ્રમનિરાસનું સૂચન કરે છે.
પારસીઓના ટાવર ઓફ સાઈલેન્સનો સંદર્ભ, (પૃ. ૭૮) ઉદયનની મનોરુગ્ણતા, મરણોત્તર જીવનને સૂચવે છે. પાંદડાં ખરી ગયેલા વૃક્ષની છબી (પૃ. ૮૨) ઉદયનના જીવનના યથાર્થનો ખ્યાલ આપે છે.
પૃ. - ૩૮ થી ૪૯માં, નૌકાવિહારનું વર્ણન છે. ત્રણે પાત્રો દરિયામાં ચાંદની રાતે નૌકાવિહારે નીકળે છે, ત્યાં ચંદ્ર, ચાંદની, વાદળ, દરિયો, દરિયામાં ભરતી અને ઓટ, અનરાધાર વરસાદ, નૌકા, હલેસા, પામનાં વૃક્ષો, આદિ પ્રાકૃતિક તત્વો, એ ત્રણેના સ્નેહ સંબંધને ને ત્રણેની ચેતનામાં ચાલતી હલચલને નિર્દેશે છે. નૌકાવિહારનો પ્રતીકાત્મક પ્રસંગ આલેખાયો છે, જે નવલકથાની રહસ્યમયતાનો અપ્રતિમ નિર્દેશ કરે છે. નૌકાચાલનની નાની એવી વિગત પણ અનિકેત – ઉદયનના ચરિત્ર વિશેષને સ્ફૂટ કરી આપે એ રીતે નિરૂપાઈ છે. ઉદયન નૌકાના હલેસા કરવત ચલાવવાની પદ્ધતિએ મારે છે જ્યારે અનિકેત એ જ કામ વલોણું વલોવવાની શૈલીએ કરે છે. કરવતનું કાર્ય અને વલોણાની નિપજ આ બે મિત્રોની જીવનશૈલીનું કેવું પ્રતીકાત્મક બયાન કરે છે. નાયિકાનું નામ 'અમૃતા' પણ ભારતીય યુવતીના સર્વકાલીન પ્રતીક રૂપ બની રહે છે. નૌકાવિહારના પ્રસંગે બને છે તેમ જીવનનાં વમળોમાં ફંગોળાય છે, પણ બધી કસોટીમાંથી તે પાર ઉતરે છે.
પૃ. ૧૦૧ ઉપર સમુદ્રની બૃહદ રિક્તતાને અપલક દૃષ્ટિ માંડીને જોતી, ને રંગવિહીન સંધ્યાની અંતિમ ચમકથી રહસ્યમય વેદના શ્વાસમાં અનુભવતી અમૃતાની વેદના, રિક્તતા એ કલ્પનો દ્વારા સૂચવાય છે.
"ઝૂલે બેઠાં બેઠાં રાતરાણીની ગંધનો ભાર એની મુકુલિત અભિલાષાઓને સતેજ કરીને ફલિત કરવા મથનારા કશાક અસ્ફુટ દર્દની રમણા જગાવી જતો."
'અમૃતા' નવલકથાના ત્રણેય પાત્રોની ઉત્કટ સંકુલ લાગણીઓ વ્યક્ત કરતા સંદર્ભો પૈકી અનેકમાં કલ્પનો/પ્રતીકોની વિશિષ્ટ ભાત જોવા મળશે. અમૃતાની આનંદસમાધિની ક્ષણો (પૃ. ૨૪-૩૦), અમૃતાની કારમી એકલતાની લાગણી (પૃ. ૨૫૪-૨૫૫), ઉદયનની વર્તમાન શૂન્યતા (પૃ. ૧૪૮-૧૫૦), અમૃતા અને અનિકેતની ગૂઢ ઝંખના (પૃ. ૧૨૦-૧૨૮), અમૃતાનો આંતરસંઘર્ષ (પૃ. ૧૦૧-૧૦૩), અમૃતા અને ઉદયનનો આગવો મિજાજ (પૃ. ૭૬-૮૨), અમૃતાનું સમર્પણ (પૃ. ૨૬૨-૨૭૪) ઉદયનનો મુમૂર્ષાનો ભાવ (પૃ. ૨૭૫-૨૮૩,૩૦૬) સંવેદનનું સર્ રિયલ રૂપ (પૃ. ૧૬૩-૧૬૭), રિક્તતાની ક્ષણો (પૃ. ૧૩૮-૧૩૯), ઉદયનની વિરતિ (પૃ. ૨૭૫-૨૭૭,૨૯૮) આવી આવી ક્ષણોમાં અમૃતા, ઉદયન અને અનિકેતની અનુભૂતિ ઊર્મિકાવ્યની ઘનતા અને તીવ્રતા ધારણ કરે છે. રઘુવીર ચૌધરીની કવિત્વશક્તિનું એમાં હ્રદ્ય અનુસંધાન થવા પામ્યું છે.
અનિકેતને આવેલું સ્વપ્ન પણ એ જ ભૂમિકાએ વિહરતું દેખાય છે. જો કે કેટલાક ટુકડાઓમાં કલ્પનોનો વિસ્તાર આયાસપૂર્વકનો દુરાકૃષ્ટ કે આગંતુક લાગે છે. (પૃ. ૨૦૩ થી ૨૦૯)
'અમૃતા'ની કથનરીતિમાં લગભગ સાતત્યપૂર્વક યોજાયેલાં કલ્પનો અને પ્રતીકો એમાં મળતી વૈવિધ્યભરી ઐન્દ્રિક સમૃદ્ધિ અને અર્થમયતાને કારણે વિશેષ ઉલ્લેખનીય બની રહે છે. થોડાક દષ્ટાંતો.:
"વાતાવરણમાં ઉકળાટ હતો. એ ટેક્સી કરીને રૂમ પર પંહોચી ગયો. સ્વિચ દબાવી. અજવાળું ન થયું. લાઈટર સળગાવીને એ ફ્યૂઝ તપાસવા લાગ્યો. ખંડિત થયેલો પ્રવાહ પાંચેક મિનિટમાં ચાલુ થઈ ગયો. રૂમને વધારે પડતો પ્રકાશિત જોઈને એણે ફરી અંધારું કર્યું. એને લાગ્યું કે અત્યારે અંધારું વધુ અનુકૂળ છે. સ્મરણને અંધારા સાથે વધુ ફાવે છે. આ મકાનને ઘર બનાવવાની ત્યારે એ અભિલાષા સેવતો. પોતાના એકાકી જીવનમાં અમૃતા પોતાનું સમગ્ર જાગ્રત નારીત્વ લઈને આવશે અને પોતે ત્યારે હળવો ફૂલ થઈને અમૃતાના અંકુરિત વક્ષનો ધબકાર અનુભવતો એના પાલવમાં ઢંકાઈ જશે... ત્યારે પ્રતિબિંબ બની જઈને અમૃતાનાં મદિર લોચનોમાં આશ્રય મેળવી લેશે. અને વિશાળ શૂન્યતામાંથી મુક્ત થઈ જશે.'' ( પૃ. ૯૪-૯૫)
કૃતિના જુદા જુદા ભાવસંદર્ભોમાં ભૂતકાળનાં સ્મૃતિસંવેદનો અને સાહચર્યો કેવી રીતે ગૂંથાઈ આવે છે તેનું આ બીજું દષ્ટાંત જુઓ :
"અમૃતા ઊભી થાય અને બેસે તેનું પ્રતિબિંબ ફક્ત ઉદયનનાં ગોગલ્સમાં જ પડી શકે તેમ હતું, આંખોમાં નહીં. પોતાનો અને પોતાની આજુબાજુનો વર્તમાનકાળ એના માટે અત્યારે જડવત્ હતો. એને થયું કે ભૂતકાળ એટલે અપરિવર્તનશીલતા, જેમાં હવે ગતિસંચાર ન થઈ શકે. જે ઘર અધૂરું હોલવાઈ ગયેલું તેને ફરીથી સળગાવીને પૂરેપૂરું સળગી ચૂકેલું જોઈ ન શકાય. ભૂતકાળ એટલે..." (પૃ. ૧૪૯)
વચ્ચેના સમયમાં બદલાઈ ગયેલાં લાગતાં અમૃતા-ઉદયનનાં, છેવટની પળનાં સંવેદનનું સ્વસ્થ ધીરગંભીર રૂપ નૈયાના ભાવપ્રતીક દ્વારા ઊપસે છે :
"એની પોપચાં ઢળેલી આંખો જાણે પ્રલયના પૂરમાં સઢ ઓઢીને તરતી બે નૈયા..." (પૃ. ૨૯૧)
પૃ. ૧૦૨ પર હિમશિખર એક અતિ પ્રભાવશાળી કેન્દ્રીય પ્રતીક બની રહે છે. અમૃતા અને અનિકેતના ભાવજગતના સૂક્ષ્મ ઉદાત્ત અંશો હિમશિખરના પ્રતીકરૂપે સાકાર થયા છે. એના વિનિયોગથી તેમના લાગણીમય સંકુલોને આંતરિક સ્તરેથી સાંકળી લેવાનું શક્ય બન્યું છે.
'સર્પ' પણ જાતીય ઇચ્છા, આવેગ કે એવાં બીજાં વિચારવલણોનું પ્રતીક બને છે. અમૃતા અને અનિકેત બંનેના મનમાં જાગેલી એકબીજા માટેની કામના સર્પના પ્રતીકથી સૂચવાઈ છે.
"હજુ અંધારું થયું ન હતું. બંનેના હ્રદય-પ્રદેશમાં પણ ઉજાસ હતો. ત્યાં વાડ નીચેના ઘાસમાંથી નીકળીને સામે જતું ભંફોડી કે ચિતળિયા જેવું સાપોલિયું અમૃતાને એકાએક દેખાયું." (પૃ.-૧૨૭) "અનિકેતની છાતી પર પહોંચ્યા પછી એ મોં ઊંચું કરે છે. જોઈ રહે છે. કહે છે કે સાપને આંખ નથી હોતી." (પૃ.-૨૦૨)
પણ આ પ્રતીક અમુક સીમિત સંદર્ભોમાં જ અર્થક્ષમ રીતે પ્રયોજાયું છે.
અમૃતા, ઉદયન અને અનિકેતના આંતરિક મનનાં સૂક્ષ્મસંકુલ સંચલનો અનેક વાર આ પ્રતીકોમાં એકત્ર થતાં રહ્યાં છે. એ રીતે આંતરિક સ્તરેથી કૃતિનાં સંવેદનોનું સંયોજન થતું રહ્યું છે. પ્રકૃતિદર્શનથી જાગી ઊઠેલા ભાવસ્પંદનોને સાદશ્યો અને કલ્પનોથી ઇંદ્રિયગોચર કરી આપવાનો પ્રયોગ પણ અહીં અનેક્વાર થયો છે. એમાં નિસર્ગની છબિઓને ઝિલાતી જોઈ શકાય છે. :
- "અમૃતાની સંગોપિત સૃષ્ટિ અંધ પંખીની જેમ ફફડી ઊઠી." (પૃ. ૧૨૩)
- ''પર્વતો ઊંચા છે તેથી જ તો નદીઓ એમના તરફથી સમુદ્ર ભણી દોડે છે. અને સમુદ્રની લવણતામાં શોષાતી રહે છે.' (પૃ. ૨૦૦)
- ''તામ્રવર્ણી માટી પર ઊતરતો અંધકાર." (પૃ.-૨૦૧)
- "પરોઢ સુધી તીખી વેદના એના મર્મકોષોને વિદારતી રહી." (પૃ. ૨૯૪)
- ''આથમતા સૂર્યનાં કિરણો ઊંચાંનીચાં મકાનોનાં એકરૂપતા વિનાનાં છાપરાં પર અંતિમ ક્ષણો ભોગવી રહ્યાં છે." (પૃ. ૨૯૬)
- જેવાં અનેક દશ્ય-શ્રાવ્ય કલ્પનો કથનનિવેદન નહિ, પણ આલેખનરીતિનું હ્રદ્ય પરિણામ છે. કલ્પનનિર્ભર નિરૂપણરીતિનો તેમાં સારી રીતે પ્રયોગ થયો છે. એ ઇંદ્રિયગત અધ્યાસોનું નવીન રૂપાંતર સાધે છે. જોકે એમાંનું બધું જ Image ની કક્ષાએ નથી પહોંચતું. કેટલુંક શબ્દચિત્રો બનીને અટકી જાય છે.
'અમૃતા'માં સર્વત્ર આવી કલ્પનજન્ય ચારુતા કે પ્રતીકાત્મક અર્થછાયાઓ છે, એમ કહેવાનો આશય નથી, પણ આને કારણે કેટલીકવાર એ 'કાવ્યના સ્તર પર નિરૂપણ પામતી', તો દેખાય છે. અમૃતા, ઉદયન અને અનિકેતના ચિત્તનાં સૂક્ષ્મ સંકુલ ભાવસંવેદનોને વ્યક્ત કરવામાં પ્રાણવાન તાજગીભર્યાં કલ્પનો/પ્રતીકોનો અહીં વિશેષ રીતનો ઉપયોગ થયો છે. ત્રણેય પાત્રોના સંવાદમાં વિવિધ પ્રતીકોની ઇન્દ્રજાળ ગૂંથીને માનવચિત્તની સૂક્ષ્મ અને અતિ ગૂઢ દુનિયાની ઝલક ઝીલવાનો સર્જકે પ્રયત્ન કર્યો છે.
રઘુવીર ચૌધરી આધુનિક વાર્તાકાર ખરા. પ્રતીકો, કલ્પનો આદિનો, આધુનિક વાર્તાકારની સજગતાથી ને લગાવથી તેઓ વિનિયોગ પણ કરે છે; પણ એમને પ્રતીકવાદી, કલ્પનવાદી કે પ્રયોગખોર કહી શકાય એમ નથી. પ્રતીકો, કલ્પનો આદિનો એમણે અતિરેક કર્યો નથી. પ્રતીકો, કલ્પનો ભાગ્યે જ દુર્બોધ બની રહે છે, આસ્વાદમાં અવરોધક નથી. એ બધું જ અભિવ્યક્તિનો અંશ બનીને નવલકથામાં એકંદરે ગૂંથાઈ ગયું હોવાથી એની આસ્વાદક્ષમતામાં ભાગ્યે જ ક્યાંય વાંધો આવે. દરિયો, રણ, સૂર્ય, પવન, સાપ, ઉંદર, ફાનસ, વૃક્ષો, ફૂલો, મૃગજળ, નદી, આદિ અંગેના પ્રતીકો ને કલ્પનોનો આધુનિક વાર્તાકારની જેમ, વિશિષ્ટ વિનિયોગ કર્યો છે, પણ લેખક મોટા ભાગે પ્રમાણભાન ચૂક્યા નથી. આકાર અને રચનારીતિની બાબતમાં, આમેય, આત્યંતિક કોટિના પ્રયોગો કરવાનું લેખકનું એવું ખાસ વલણ નથી.
આમ, આ નવલકથામાં નવલકથાકારે આધુનિક કવિતામાં આવે, એવાં વિવિધ કલ્પનો અને પ્રતીકોનો સમુચિત વિનિયોગ કર્યો છે. પાત્રોના અંતસ્તત્વને જાણવા સમજવામાં કે એમની મન:સ્થિતિ, વિચારોને પ્રગટ કરવામાં એ બધું એકંદરે સાર્થક બની રહે છે.
સંદર્ભગ્રંથો :
ડૉ. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર – ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, તળાજા.