ગુજરાતી સાહિત્યમાં ડાયરી કે રોજનીશી સાહિત્ય સ્વરૂપ સંદર્ભે પ્રવર્તતું દારિદ્રય જાણીતું છે. કારણ કે આ સ્વરૂપ સર્જનાત્મક અભિવ્યક્તિ માટે મુશ્કેલ બની રહે છે. આવા અલ્પધન ગુજરાતી ડાયરી સાહિત્યમાં ચાલુ સદીના બીજા દાયકામાં (૨૦૧૬)માં પ્રો.નરેશ શુક્લ ‘ડાંગ ડાયરી’ લઈને આવે છે. કૃતિનું શીર્ષક જ એના પ્રદેશ વિશેષને ઉજાગર કરે છે. નરેશ શુક્લ વ્યવસાયે અધ્યાપક અને હાડે સર્જક, વિવેચક જીવ છે. ગુજરાતી સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ માટેનો તેમનો રઝળપાટ જાણીતો છે. લેખક અમદાવાદની સરકારી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે વ્યવસ્થિત ગોઠવાયા પછી એકાએક થયેલી બદલીને લીધે ક્ષોભ, નિરાશા કે વેદના જેવાં ભાવો અનુભવે છે. કશાકથી છુટા પડી ગયાની લાગણી અનુભવાય છે. મહાનગરની સગવડો છોડીને અત્યંત દૂર્ગમ અને છેવાડાના વિસ્તાર એવાં ડાંગમાં હવે અગવડો પનારે પડવાની છે તેની લેખકને જાણ છે. આથી જ તેનું મન વિષાદની વેદના અનુભવે છે. આ ડાયરીનું કદ લઘુકાય છે. લેખકના દોઢ-બે વર્ષના ડાંગ વસવાટનું અનુભવ જગત અહીં ડાયરીના કેન્દ્રમાં છે. ૭મી મે ૨૦૦૭ના અઢી વાગ્યાના સુમારે આવતો આચાર્યશ્રીનો એક ફોન સર્જકના મનોજગતને હચમચાવી નાખે છે. આમ તા.૦૭/૦૫/૨૦૦૭થી ૨૫/૦૧/૨૦૦૯ સુધીનો સમય અહીં આલેખાયો છે. અલબત આ ડાયરી સળંગ લખાઈ નથી. વચ્ચે કેટલાય દિવસો છૂટી જાય છે એ પણ અહીં નોંધવું જોઈએ. પણ જે કંઈ અહીં આલેખાયું છે તે સર્જકની રગેરગમાં વ્યાપી વળેલું ડાંગ ને એ નિમિત્તે અનુભવાયેલું સંવેદન જગત.
આ ડાયરી સંવેદ્ય બની છે તેના કેટલાંક વાના છે. સરકારી તંત્ર દ્વારા થયેલ બદલીને કારણે લેખકને હવે શહેરની સગવડોનો ત્યાગ કરીને નાછૂટકે અત્યંત છેવાડાનાં દુર્ગમ વિસ્તારમાં મને-કમને જવું પડે છે. આને લીધે હતાશાનો ભાવ મનમાં ઉદ્દભવે છે. ડાંગ વસવાટના પ્રારંભના દિવસોમાં લેખક કશાકથી વિખૂટા પડી ગયાની લાગણી અનુભવે છે. અહીં ગોઠવાવું ઘણું મુશ્કેલ લાગે છે પણ આવી હતાશ સ્થિતિમાં પણ લેખક પોતીકી અનુભૂતિને બહુ તાટસ્થ્ય ભાવે આલેખે છે. પ્રારંભની હતાશા, બેચેની કે ગમગીનીમાં ડાંગનો કુદરતી વૈભવ શાતારૂપ પણ બને છે. લેખકનું અવલોકન સુક્ષ્મ છે. દરેક પ્રસંગ કે પરિસ્થિતિમાંનો વિશેષ એ સહજતાથી ચીંધી બતાવે છે. ઋતુ-ઋતુઓની વિવિધ રમણાઓની પ્રકૃતિ પર થતી અસર લેખક નીરખે છે અને આત્મસાત પણ કરે છે. લેખક વેકેશન બાદ ડાંગ આવે છે ત્યારે વર્ષાઋતુના એ લીલપવરણા ડાંગી અસબાબને મન ભરીને જુએ છે ત્યારે વીસ દિવસ પૂર્વેનું ડાંગ એની આંખ સામે ખડું થાય છે. તેઓ લખે છે- “વીસ દિવસ પહેલાં અહીં ફરજ પર હાજર થવા આવ્યો ત્યારે ડાંગ સાવ નિસ્તેજ, સુક્કું અને પીળું પડી ગયેલું દેખાતું હતું. પાંદડા ખરી જવાથી બોડાં થઈ ગયેલાં સાગના ઊંચાં વૃક્ષો, વાંસના ફરકડી જેમ ખરી પડતાં સુક્કાં પાંદડાં અને એમની વચ્ચેથી દેખાતાં કાળાંભમ્મર પથ્થરો અને લાલ માટી સુક્કાં પાંદડાંનું ઊડતું સામ્રાજ્ય. આજે સવારે વાંસદા છોડ્યું ત્યારથી બસની બારીમાંથી ફાટી આંખે જોઈ રહ્યો હતો ડાંગના નવા રૂપને! છેલ્લા કેટલાય દિવસથી અહીં વરસાદ ચાલુ હતો એટલે બધું તરબતર રસસભર. એકદમ ઘટ્ટ લીલાં મોટાં થાળી જેવાં પાંદડાંથી છવાઈ ગયો છે સાગ. ઘાસ અને વેલા-પાંદડાંથી બધું જ ભરાઈ ગયું છે. એમાં સંતાકૂકડી રમતાં ઝરણાં દોડાદોડ કરી રહ્યાં છે. એ બધાં ક્યાંક ભેગાં થાય ને ઠલવાય છે વહેળાઓમાં ને પછી નદીઓમાં. નદીઓમાં છે લાલ-ઘટ્ટ સ્નિગ્ધ લાગતું પાણી. અહીંની ધૂળમાં ઘમરોળાયેલું પાણી બિન્દાસ્ત બની વહે છે પથ્થરોને ઠેબે ચડાવતું.” (પૃ.૦૭/૦૮) ઉપરોક્ત અવતરણમાં ડાંગના સુકા અને લીલપવરણા બન્ને સ્વરૂપને લેખક શબ્દબદ્ધ કરે છે.
ગાંધીનગરથી આહવા જતી વખતે ભારે વરસાદને કારણે રસ્તામાં મુસાફરી દરમિયાન પડેલી મુશ્કેલીઓનો ચિતાર પણ આપે છે. સાથી અધ્યાપક મિત્રો, બસના અન્ય મુસાફરો વગેરે પણ લેખકની કલમે આલેખન પામે છે. અચાનક થયેલ બદલીને લીધે જીવનનો ઉત્સાહ ઓસરી ગયો છે ને એમાં વળી તાવના કારણે લેખક વધુ નિરુત્સાહી બને છે. આ ઉદ્વેગ, નિરાશા, એકલતા, વિષાદ જેવાં મનમાં ઘર કરી ગયેલાં ભાવો નીચેના અંશોમાં પ્રગટ થયા વિના રહેતા નથી. જેમકે- “બધું ધીમું ધીમું ને દૃશ્યને કોઈ પણ ડખલ પહોંચાડ્યા વિનાનું ચાલ્યાં કરે છે. સમય અહીં અળશિયાની ગતિએ ચાલે છે......... અહીં જાણે કોઈએ ગમગીનીનો શ્રાપ આપ્યો હોય એવું છે.........કોઈને અહીં પરિવર્તનની જરૂર પડતી નથી, ઈચ્છા પણ નથી. સઘળાં કુતૂહલો જાણે કે મરી પરવાર્યા હોય એમ જીવ્યે જાય છે!” (પૃ.૧૨)
બદલીને કારણે ડાંગમાં અનુભવાતી એકલતામાં હવે જાણે પ્રકૃતિ જ એકમાત્ર આલંબન બની રહે છે. લેખક એકવખત આકાશમાં તારોડિયું જુએ છે. એકમાંથી ચાર-પાંચ તારોડિયા દેખાય છે અને એ તારોડિયામાં દૂર વસતા સ્વજનોનાં ચહેરાઓનું સાયુજ્ય રચાય છે. લેખક લખે છે- “આજે એને આ તારાઓમાં જોઉં છું. એના કેટલાય ચહેરા વિસ્તરે છે. કોઈમાં એ મલકાય છે તો કોઈમાં એ છલકાય છે, તો ક્યાંક એ સૂચનાઓ આપતી હોય છે, તો ક્યાંક એ વિચારોમાં ડૂબેલી તો ક્યાંક......જોયા કરું છું.” (પૃ.૧૫)
આ ડાયરીના કેટલાક પ્રકરણો તો ડાયરી અંશોની સીમામર્યાદાઓને ઓળંગીને લલિતનિબંધની શક્યતાઓને તાકે છે. ખાસ કરીને ડાયરીમાં આવતાં સ્થળ વિશેષોના વર્ણનો આ વર્ગમાં આવે છે. લેખક સાથી અધ્યાપક મિત્રો સાથે સો-સવાસો કિલોમીટર દૂર આવેલ નવાપુર સ્થળે જવાનું નક્કી કરે છે માત્ર ચા પીવા માટે. બીજો કશોય આશય નહિ, માત્ર ચા પીવા માટે આટલું દૂર જવાનું? પણ ના પ્રકૃતિપ્રેમી સર્જકને આ ચોપાસ ખીલેલી પ્રકૃતિની ભવ્યતાને આકંઠ પાન કરવું છે. પ્રકૃતિના આ વૈભવને સર્જક આ રીતે વર્ણવે છે.- “લીલા કલરનાં આટલા બધાં વૈવિધ્યોને અલગ પાડવા કોઈ નામ જ ન આપી શકાય. લીલો રંગ અત્યારનો રાજા છે. બધા કલર એનાં ગુલામ થઈ ગયેલા લાગે. એમાંથી ડોકાતા કાળા, લાલ-બદામી પથ્થરો પણ આંખને ખૂંચે નહીં પણ જાણે કે લીલાશને વધારે ઉપસાવી આપે! એક પૂરી થાય ત્યાં જ ક્યાંકથી જોડાઈ જતી ટેકરીઓનો પાર નથી. કશુંય સમથળ નથી એટલે નજરને આરામ નથી. વચ્ચે વચ્ચે કિલકારીઓ કરતાં ઝરણાં, અલ્લડ નવોઢા જેવી પથરાયેલી પૂર્ણા નદી ખુલ્લા દિલે આવકારતી ખીણો ને કોતરો.” (પૃ.૨૮) અહીં માત્ર પ્રકૃતિવર્ણન જ નથી એ પ્રકૃતિને નિમિત્તે લેખકે અનુભવેલા વિવિધ ભાવસંવેદનો પણ અહીં આલેખન પામ્યા છે. ડાંગનું લોકજીવન, પ્રાકૃતિક સંપદાની વિવિધતા વગેરેનું આલેખન સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણ દૃષ્ટિની સાક્ષી પૂરે છે.
બારદા ચનખલના વર્ણનો પણ પ્રકૃતિના વૈભવને આલેખે છે- “નજર પહોંચે ત્યાં સુધી જુઓ તો ઘાસની બિછાત પથરાય ગઈ છે. વચ્ચે વચ્ચે સાગ, સાદડ, બેરડાનાં ઊંચાં વૃક્ષો, એમાં વચ્ચે આવતા વાંસના ઢૂ઼્ંગા –એ બધાને ગાઢ આલિંગનમાં જકડીને વળગેલી વેલીઓનાં ઊંચા, ઉત્સુકતાભર્યા હાથ જેવા પાંદડાં, એનાં વિવિધરંગી ફૂલો ને એને હળવી ચૂમી કરીને ઊડા ઊડ કરતાં પતંગિયાં!” (પૃ.૧૮)
સર્જકનું અવલોકન એકદમ સુક્ષ્મ છે. પ્રકૃતિનું સાહજિક પરિવર્તન પણ લેખક નોંધે છે.-
“ઘાસ સુકાઈને પીળા રંગનું થવા લાગ્યું છે. આ સુક્કારો નીચેથી શરૂ થયો છે. પછી આ રંગમાં ફેરવાયા છોડવા. એમ પીળાશ ઉપર ચઢતી જાય છે. હજી નદીકાંઠે થોડી લીલાશ છે પણ પાનખર એનેય ભરખી જશે બંનેનો આ જંગ બહુ લાંબો ચાલે એમ લાગતું નથી.” (પૃ.૩૩)
સરકારી તંત્ર દ્વારા દાઢમાં રાખીને થતી બદલીઓમાં લેખકને ઘણો પક્ષપાત અનુભવાય છે. આને કારણે મનોજગતમાં ઘણી ઊથલપાથલ સર્જાય છે. આવા સાંવેગિક-માનસિક સંચલનોનું આલેખન પણ આ ડાયરીને વિશેષ મહત્વ અર્પે છે.
“આ વર્ષનો અંતિમ દિવસ પણ ભૂતકાળ બની જશે.આ જગતમાં મારા તરફથી કશા જ ઉમેરણ વિના.મારા જેવા કરોડો જીવો જન્મે છે ને પાછા સમયમાં વિલીન થઈ જાય છે. બસ એમ જ ચાલ્યા કરે છે.હું વધુ ને વધુ ક્ષીણ થઈ રહ્યો છું.ભવ્ય સ્વપ્નો જોતો,એ ઉત્સાહ હાથમાંથી સરી રહ્યો છે.” (પૃ.૩૪)
“કોઈ ભુલાયેલી કથાના પાત્ર જેમ જીવું છું.આજકાલ કોઈનાય સંપર્કમાં નથી.” (પૃ.૪૭)
“હું અંદરથી ખવાઈ ગયો કે શું? મે મારી બારીઓ,બારણાં બંધ કરી દીધાં છે કે શું? કેમ નથી થઈ શકતો હું અભિવ્યક્ત? મારા શબ્દો પર કોણે મારી દીધાં છે તાળાં?જિંદગીમાં એવું કંઈ જ બચ્યું નથી જેને હું શબ્દરૂપ આપી શકું? મનમાં ભરી’તી એ સિસૃક્ષા ક્યાં ગઈ?” (પૃ.૪૭)
ડાંગની હરિયાળીથી પ્રભાવિત થયેલ લેખક પ્રકૃતિના અનેકવિધ સ્વરૂપોને આલેખે છે સાથે તેની વાસ્તવિકતાને પણ ઉજાગર કરે છે. જેમકે-‘રમ્ય જણાતા જંગલમાં બધું જ રમ્ય છે એવું નથી! આમેય માણસનાં પગલાં જ્યાં જ્યાં પડ્યાં છે ત્યાં ત્યાં રમ્યતા ક્યાં સુધી બચવાની?”...‘ખાઉલા-પીઉલા ને નાચુલાનું’ કલ્ચર, સરકાર દ્વારા આ વિસ્તારને અપાતી પુષ્કળ ગ્રાન્ટો, છોકરા-છોકરીઓ વચ્ચે નાની વયથી જ ‘મનખો માણવા’ની શરૂઆત, વાંગણ ગામમાંથી બે દિવસ પહેલાં જ એક દીપડાનું પાંચ-છ વર્ષના બાળકને ઉપાડી જવું વગેરે.
સાહિત્ય કલાનું માધ્યમ ભાષા છે. લેખકે ભાષા પાસેથી ઘણું સારું કામ લીધું છે. ભાષા સાદી અને સરળ છે. ટૂંકા ટૂંકા વાક્યોમાં વિહરનારી ભાષા પ્રકૃતિના આલેખનોમાં રમણે ચઢે છે ત્યારે લાલિત્યનો અનુભવ કરાવી જાય છે. વર્ણનોમાં આવતા ઉપમા, ઉત્પ્રેક્ષા કે સજીવારોપણ વગેરે જેવા અલંકારોનું નિરૂપણ ‘ડાંગ ડાયરી’ને ઊંચું સાહિત્યિક મૂલ્ય અર્પે છે. તો ક્યારેક ભાવ સંવેદનને અનુરૂપ કાવ્યપંક્તિઓ પણ પ્રયોજે છે. કેટલીક જગ્યાએ વાક્યાંતે આવતો દર્શક સર્વનામનો વિનિયોગ લેખકની શૈલીના વ્યાકરણી દરરજાનો પરિચય આપે છે
“નાનાં ઝરણાં ખોવાઈ ગયાં એમના દાદાના દેશમાં! નવયૌવના નદીઓ થોડી ઠરેલ થઈ ને હવે તો એ પણ કોઈ ચિન્તામાં પેઠી હોય એવી થઈ ગઈ છે. ઘાસ સુકાઈને પીળા રંગનું થવા લાગ્યું છે. આ સુક્કારો નીચેથી શરૂ થયો છે. પછી આ રંગમાં ફેરવાયા છોડવા એમ પીળાશ ઉપર ચઢતી જાય છે. હજી નદીકાંઠે થોડી લીલાશ છે પણ પાનખર એનેય ભરખી જશે. બંનેનો આ જંગ બહુ લાંબો ચાલે એમ લાગતું નથી.(પૃ.૩૨/૩૩)
“હજી પતંગિયાં ક્યાંક સંતાઈને સાજ સજી રહ્યાં હોય એમ લાગે છે, કેમ કે દેખાતાં નથી. અંધારું થાય એટલે સૂર્યના ટાબરિયા-આગિયા નીકળી પડે છે અજવાળાં પાથરવા.”(પૃ.૫૬)
“અત્યારે તો ડુંગરા દૂઝવા લાગ્યા છે. ઠેર ઠેરથી પાણી નીકળે છે, રોડ ઉપર પણ પાણી વહી રહ્યું છે, કેટલીયે નાની નાની નીકો મળી ઝરણાં થાય છે ને એ દોડી પડે છે બાળકો જેમ-જેમ‘ચાંગળુંક જળ હું પણ આપીશ’ની ભાવના સાથે જે ગતિએ દોડી રહ્યાં છે, તે જોઈને વિસ્ફારિત થઈ જવાય છે. પાંદડે-પાંદડું નીતરે છે, એકે એક તણખલું તરબતર છે. લીલાશ અને ભીનાશ જુદાં છે ને બેયનું સંયુક્ત સામ્રાજ્ય છવાઈ ગયું છે.”(પૃ.૬૪)
આમ ‘ડાંગ ડાયરી’ સમગ્રતયા આપણા રોજનીશી સાહિત્યમાં આગવી ભાત રચે છે. અહીં લેખકના અંગત ભાવ સંવેદનોની સાથે સાથે ડાંગની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન, એમની ઉત્સવપ્રિયતા,વાસ્તવિકતા સમેત ડાંગનું સઘળું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે.
સંદર્ભ-
ડૉ.અશ્વિનકુમાર વી. બારડ, મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-તાલાળા(ગીર) જિ-ગીર સોમનાથ મો.૯૯૨૪૬૫૮૮૪૬ Email:-ashvinbarad98@gmail.com