Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
'પર્જન્યસૂક્ત' પર્જન્યની નવીન દિશાઓ ખોલતું કાવ્ય

કવિ હરીશ મીનાશ્રુ હાલમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા’ છે. ત્યારબાદ તેમની પાસેથી ‘તાંબુલ’, ‘તાંદુલ’, ‘પર્જન્યસૂક્ત’, ‘સુનો ભાઈ સાધુ’, ‘પંખીપદારથ’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘પંખીપદારથ’, ‘બનારસ ડાયરી’, ‘નાચિકેતસૂત્ર’ વગેરે જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘પર્જન્યસૂક્ત’ તેમનો અછાંદસ કાવ્યરચનાઓનો સંગ્રહ છે.

‘પર્જન્યસૂક્ત’ કાવ્યસંગ્રહમાં બે વિભાગમાં પ્રેમ અને પર્જન્ય વિષયોનાં કાવ્યો સમાવવામાં આવ્યા છે. કાવ્યસંગ્રહની ઓડીયો સીડીમાં હરીશ મીનાશ્રુ આ સંગ્રહની કેફિયતમાં જણાવે છે કે “‘પર્જન્યસૂક્ત’ કાવ્યસંગ્રહમાં બે કાવ્યસૂકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘પર્જન્યસૂક્ત’ અને ‘પ્રેમસૂક્ત’. એક અર્થમાં આ કાવ્યસંગ્રહમાં બે જ કાવ્ય છે. પર્જન્યનું અને બીજું પ્રેમનું. સહેજ ઝીણવટથી પારખીશું તો સમજાશે કે વિશિષ્ટ અર્થમાં આ એક જ કાવ્યનો કાવ્યસંગ્રહ છે. એ બિંદુએ પર્જન્ય અને પ્રેમ બંને એકાકાર થઈ જાય છે. ભારતીય કવિતા પણ not to beની કવિતા કરતા પણ વિશેષ to beની કવિતા છે. આ ક્રિયાપદ to be પ્રેમ અને પર્જન્ય બંનેમાં અગત્યનું છે. આમ, આ કાવ્યસંગ્રહ હોવાની અને પલળવાની કવિતાનો સંગ્રહ છે.” 'પર્જન્યસૂક્ત'નાં પચ્ચીસ કાવ્યોમાં પર્જન્યની વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આ કાવ્યોમાં પર્જન્યની પ્રકૃતિ, માનવ તથા કવિહૃદય પર થતી અસરોને પોતાની કલ્પનાના બળે કાવ્યમય રીતે નિરૂપી છે. હરીશ મીનાશ્રુએ વૃષ્ટિ થવાથી પૃથ્વી જળમય બની જાય છે અને તેથી ભ્રમણકક્ષામાં તે અધિક સ્નેહમય બની જાય છે તેનું કાવ્યમય નિરૂપણ કરે છે જુઓ,
“લથડતી જતી લથબથ
મદિરામાં ઝબોળેલી ગર્ભમંથરા પૃથ્વીને
સૂર્ય સ્નેહ થકી સાહી લે છે.
ચિરવિરહની
વ્યાકુળ ભ્રમણકક્ષામાં”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૫)

અહીં પૃથ્વી વરસાદ વરસવાથી લથબથ થઈ ગઈ છે. પણ વૃષ્ટિમાં વરસતા પાણીને બદલે મદીરામાં ઝબોળાયેલી કલ્પી છે. આવી મદિરાથી તરબોળ ધરા પરત્વે સૂર્ય વિરહના તાપને ત્યજીને પૃથ્વીને અપનાવી લે છે. સૂર્યનો આ સ્નેહ પણ ઈચ્છતો હોવા છતાં ભ્રમણ કક્ષાની મર્યાદાને લીધે સ્પર્શી શકતો નથી. પણ ધરા પરત્વેનો તેનો પ્રેમ વધી જાય છે. પર્જન્યની પ્રકૃતિના તત્વો પર થતી અસર સર્જક પોતાની કલ્પનાને બળે વિષય તરીકે અસરકારક રીતે નિરૂપી છે. પ્રકૃતિના તત્વો ઉપર થતી વરસાદની અસર પણ કવિ સુંદર રીતે કાવ્યમાં ઢાળી શકે છે:
“ટુહુરવ ભીંજ્યા હોઠે
ઝૂલે અધખીલ્યો ઉચ્ચાર,
આર્ત માટીનાં
એનાં અધખીલ્યાં સ્તન.
જળની આભાથી ચળકતી એની ત્વચા,
સદ્ય સ્ફૂર્ત દુર્વાકુરોની રજતરૂંવાટી
ને ઉપર ઝરી ચૂકેલા મેઘનું ઓજસ.
(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૨)

“જળમાં ટમરે કીરકબૂતર
ટમકે શક્કરખોરાં
ચિનુકબાળ દ્રુમદાડિમ નીમતરુ
ટમકે બબુલ બિંજોરાં”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૨૮)

માનવીની પ્રેમવિષયક સંવેદનાઓ ઉપર પર્જન્યની પ્રાગઢ અસરને તેઓ લયાત્મક રીતે રજૂ કરે છે. પર્જન્યની ધરા પર અસર કવિના હૃદયમાં આગવી રીતે ઝીલાય છે. પૃથ્વીનાં તત્વો પર વૃષ્ટિનો પ્રભાવ અહીં નોખી રીતે રજૂઆત પામે છે. ધરતીની માટી જળસ્પર્શ થવાથી જીવંત બને છે. તેની સુંદરતાને અર્ધખુલ્યા સ્તન સાથે કાવ્યમાં દર્શાવીને માટીની સુંદરતા અધિક કરી દીધી છે. વળી સપાટી પર પાણી ફરી વળવાથી તેનો ચળકાટ પણ અનેરો લાગે છે. આ બધી પરિસ્થિતિના કારણરૂપ પર્જન્ય પોતાની અધિકાર સ્થિતિ સ્થાપિત કરતો હોય તેમ ભીંજેલી ધરા ઉપર ઓજસપૂર્ણ રીતે વર્તે છે. પક્ષીજગત અને વનસ્પતિજગત પર થતી અસરને પણ કવિએ પોતાની કવિતામાં અસરકારક રીતે વણી છે.

પર્જન્યની માનવ ઉપર થતી અસરને કવિએ વિદ્વતાપૂર્ણ રીતે નિરૂપી છે.
“અહીં તો
પ્રિય અને પર્જન્ય
નથી કો અન્ય-
કેવળ;
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધાન”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૬)

“નયન થકી રે નેહ
નીતરે નેવાં પરથી નીર
ઘરમાં પલળ્યાં પ્રિયજન
કુંજે ભીંજ્યા કોયલકીર”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૪)

“સ્તનમંડળ પર મેહુલમોતી
ત્રફડે તગતગ જળની જ્યોતિ
ગોપવનીતાનાં લયવ્યાકુળ
ચળકે ચરણાં ચીર”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૪)

“મોરનું મ્હેણું આષાઢે સાંખવું સારું નહીં
આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં

એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૫)

આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
કે તને અંગતપણું તારું પલળતું સાંભરે(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૮)

પર્જન્યની પ્રેમીઓ ઉપર થતી અસરને કવિએ ઝીણવટ ભરી રીતે રજૂ કરી છે. વરસાદી સ્પર્શના અસરની તાદૃશ્યતા કેળવવા માટે શારીરિક સ્પંદનો અને ચેષ્ટાઓને કવિએ પૂરતી ખપમાં લીધી છે. 'પ્રિય અને પર્જન્ય'ને એકસાથે રજૂ કરીને વિરહ ભાવના ઓછી થતી કવિએ બતાવી છે. આ બંનેના મિલનથી તે અન્ય દુનિયાથી નિર્ભ્રાન્ત થઈ જાય છે. છેવટે બંને (પ્રિય અને પર્જન્ય) જળમાં અંતર્ધાન થાય એટલે કે સંતોષ પામે છે. અહીં વિષયને કાવ્યમાં કવિપ્રતિભાના બળે ગૂંથવાની આગવી રીત દર્શાવી છે. વૃષ્ટિ થવાથી ઘરના નેવાની સાથે નયનના નેહ રજૂ કરવાથી વિષયની તાદૃશ્યતા તો વધે જ છે સાથે-સાથે માનવીય ભાવો પણ સુંદર રીતે રજૂ થયા છે. વળી, માનવીય ભાવોને પ્રકૃતિનાં તત્વોની સાથે ભેળવીને પ્રકૃતિનાં તત્વોમાં રજૂ કરી જીવંત રીતે નિરૂપ્યાં છે. વરસાદની મોસમમાં પ્રિયજનોની વિરહ-વ્યથાને કાર્ય-કારણની રૂએ દર્શાવી છે. જે તેમની કાવ્યરચનાઓને અન્ય પર્જન્ય ઉપર રચાયેલી કવિતાઓથી નોખા તારવે છે.

સંગ્રહના વીસમા ગીતમાં સ્ત્રી માનસ ઉપર થતી પર્જન્યની અસર દર્શાવી છે.
“નીતરતે ડિલ હું તો ઊભી નાવણીયામાં
આઘેથી કોક બુચકારે હોજી
ફલફૂડી જાત મારી ઓગળતી ફૂલ ફૂલ
જળનો દડુલ મને મારે હોજી

પાતળિયો પાધરો પેઠો, સહેલી જાણે
પનઘટ પધાર્યું પાણીયારે હોજી
સોના ઈંઢોણી રૂપા બેડલું રે બાઈ, મને
મોતીએ મઢી છે મણિયારે હોજી

રૂંગું ચડે તો મને રોડે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હોજી
ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હોજી

માટીના ઢેફામાં ધબક્યું જોબનિયું
વંઠેલીને તે પણ વારે હોજી
અને કરી પાનબાઈ બોલે, ખલુડીબાઈ
ડોકું ધુણાવે હોંકારે હોજી”(‘પર્જન્યસૂક્ત’,પૃ-૨૫)

નાવણિયામાં, પાણીયારામાં, રવેશીમાં, માટીના ઢેફામાં વગેરે જેવા વિવિધ પ્રકારે સ્ત્રીમાનસ પર થતી અસર અને તેનાથી રજૂ થતો શૃંગાર કાવ્યની શોભા વધારે છે. સહેલી, વંઠેલી, પાનબાઈ, ખલુડીબાઇના સ્થળ સંદર્ભે આવતા ઉલ્લેખો પણ નોંધપાત્ર છે. પર્જન્યને પિયુ રૂપે નિરૂપી સ્ત્રીસહજ સંવેદનાઓને કવિએ આબાદ ઝીલી છે. હરીશ મીનાશ્રુની કવિતામાં વિષય ગમે તે હોય પણ અધ્યાત્મભાવ તેમાં અવશ્ય હોય જ. આ કાવ્યસંગ્રહમાં પર્જન્યની સાથે પણ અધ્યાત્મભાવને સફળ રીતે ગૂંથ્યો છે.
“છન્ છનન્ વરસાદમાં વિસ્મય રઝળવા નીકળું
બોધિવૃક્ષે ક્યાં કહ્યામાં છે, પલળવા નીકળ્યું

શુષ્ક માણસને ફૂટી લીલી યશોધર પાંદડી
માટીનું મન બે ય કાંઠે કોને મળવા નીકળ્યું”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૭)

“અબરખ લયમાં લળે
દ્રુમની ડાળી ઝૂલણહાર-
ઝૂલતાં વનમાળી પંખી રે
બાંધી જલધારાથી મંદ ઝકોરે
ઝગમગતો ફુલહોલ,
બોલતો બોલ
બપૈયો હ્રદય વિદારે,
બુંદબુંદ્ જેવું બ્રહ્મ ભરમતું
કેવળ ડ્રાૐકારે!”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૨૨)

“પાણીમાં દર્પ ઓગળે સૃષ્ટિ સમસ્તનો
અમને ચડ્યો છે કેફ કલંદર નો, મસ્ત નો
મૌલા, કબૂલ કર તું ઇબાદતની નવી રીત
સ્થાપું છું સંપ્રદાય હું બારીશ મરસ્તનો”(‘પર્જન્યસૂક્ત’,પૃ. ૨૭)

અહીં બોધિવૃક્ષ પણ વરસાદથી આકર્ષાય છે અને તેનું આત્મસંયમીપણું ખોઈ બેસે છે. આવી પર્જન્યની અસરથી અધ્યાત્મનાં તત્વોને પણ કવિએ વરસાદથી ભીંજાતાં કલ્પ્યાં છે. વરસાદના સંગીતમાં ભળતા લયની સાથે અધ્યાત્મની પણ અનોખી રજૂઆત છે. વરસાદના બુંદબુંદમાં કવિ બ્રહ્મને જુએ છે. દેડકાના ડ્રાઉં - ડ્રાઉંમાં ડ્રાૐકારની રજૂઆત પર્જન્ય અને બ્રહ્મની એકબીજા સાથે અનોખી રીતે કરી છે. વરસાદના પાણીમાં સઘળું ઓગળે એની સાથે સૃષ્ટિનો દર્પ પણ ઓગળે છે. તેની પ્રતિક્રિયા રૂપે કવિ બારીશ પરસ્તીનો સંપ્રદાય પણ સ્થાપવા તૈયાર થઈ જાય છે. પર્જન્યની આવી અલૌકિક અનુભૂતિ જ કવિને 'પર્જન્યસૂક્ત' રચવા પ્રેર્યા છે. આમ, અધ્યાત્મની પણ પર્જન્યની સાથે વિશિષ્ટ રીતે રજૂઆત કરી છે. તેમની કવિતાના વિષયની રજૂઆત વિશે અજયસિંહ ચૌહાણ નોંધે છે કે,"પર્જન્યસૂક્તનાં કાવ્યોમાં પર્જન્ય પોતે વૈદિક વરસાદનું મીથ બની જાય છે. હરીશ મીનાશ્રુની કવિતામાં મોટાભાગના અભ્યાસીઓને આધ્યાત્મિકતા જ દેખાય છે પણ માત્ર એવું નથી. હરીશ મીનાશ્રુનાં કાવ્યોમાં પ્રેમ પીડાની સેર પણ વણાઇ છે. એ પ્રેમ લૌકિક પણ છે અને પરલૌકિક પણ છે. એમનો ઉત્કટ પ્રેમ જ ભક્તિ બને છે નારદે પણ ભક્તિસૂત્રોમાં ભક્તિને પરમ પ્રેમ સ્વરૂપ કહી છે. ‘પ્રેમસૂક્ત’ની આ કવિતા માનુષી અને લૌકિક એવા બંન્ને પરિમાણોને તાકે છે."

આ ઉપરાંત કવિની કવિત્વ શક્તિ પર્જન્યની અસરમાંથી આબાદ કઈ રીતે રહી શકે? પર્જન્યની તેમણે પોતાની કવિપ્રતિભા પર થયેલી અસરને કાવ્યમાં વણી છે.
“આ ક્ષણે ટપક્યું તે ટીંપુ
એટલે તો આર્દ્ર છે
કે એમાં
મારુ સફળ મનુષ્યત્વ જાણે ઓગળી જશે.
- પછી
એ નભોનીલ દ્રાવણમાં
કલમ બોળીને હું
કવિતા લખું તો લખું!”(‘પર્જન્યસૂક્ત’,પૃષ્ઠ.૫)

“હું કવિ-
ઋણી છું આ ઋતુનો!”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૧૬)

“આ કંઠ તરસના અધિપતિ શ્રી ભાવ અરજીના ચરણ તળે
પર્જન્યોની પાર કમળની પાંદડીઓ સુખધામ બને”(‘પર્જન્યસૂક્ત’,પૃ.૩૦)

કવિની રચનાઓમાં પર્જન્યનો આવતો ઉલ્લેખ પોતાના કવિમાનસ પર થયેલી વરસાદની અસરને દર્શાવે છે. આ કાવ્યમાં કવિ પોતાની કલ્પના શક્તિને ખિલવવા માટે વર્ષાઋતુનો આભાર પણ માને છે. વળી, આ કાવ્યના રસપાન થવાથી ભાવક પણ અનુપમ શાંતિનો અનુભવ કરી શકશે એવી કલ્પનામય રજૂઆત કાવ્યની નિરાળી વિષયગૂંથણી સાથે રજૂ થઈ છે.

આમ, ‘પર્જન્યસૂક્ત’ના પ્રથમ ભાગમાં પર્જન્યની પ્રકૃતિનાં તત્વો, મનુષ્યો, વિરહીજનો, કવિપ્રતિભા અને અધ્યાત્મભાવના સાથે વિષયનિરૂપણની સુંદર રજૂઆત થયેલી જણાય છે.

સંદર્ભ પુસ્તકો –

  1. ‘પર્જન્યસૂક્ત’, મીનાશ્રુ હરીશ, ડિવાઇન પ્રકાશન અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૧
  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્ર. આ. ૨૦૧૦
  3. શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર –નવેમ્બર ૨૦૧૧, પૃ. ૨૫૦


અરવિંદકુમાર ડી. ઠાકોર, મુલાકાતી વ્યાખાતા, કે.સી.શેઠ આર્ટ્સ કૉલેજ વીરપુર મો. નં . ૯૬૮૭૯૧૧૪૨૦ Email-arvindthakor420@gmail.com