ગુજરાતી સાહિત્ય અમૃતકળશ છે. તેમાં કેટલાં બધાં કિંમતી રત્નો છે. આ સર્વ રત્નોમાંથી જ્યારે બાળસાહિત્યને આપણે લઈએ તો અન્ય સ્વરૂપોની તુલનાએ આપણે ત્યાં બાળસાહિત્યનું ખેડાણ બહુ ઓછું થયું છે, પરંતુ જેટલું ખેડાણ બાળસાહિત્યમાં થયું તે ખૂબ ઉમદા છે. બાળસાહિત્ય એટલે સમાજનો એવો એક અંશ જ્યાંથી મનુષ્યનાં વ્યક્તિત્વનો પીંડ બંધાવાની શરૂઆત થાય છે. બાળકની સૃષ્ટિ કિલકિલાટથી ભરેલી, પમરાટથી વ્યાપેલી ને ભગવાનનાં ઉત્તમ ફૂલોથી ખીલેલી છે.
બાળસૃષ્ટિ વિશે આપણે કેટલું જાણીએ છીએ? ને કેવું? આ જ વિકટ પ્રશ્ન છે. આપણે બાળક છીએ એમ કહીને ગોકળગાયની માફક છટકી જઇએ છીએ. ક્યારેય આ સૃષ્ટિને પામવાની કોશિશ સુધ્ધાં નથી કરતાં. જેવી રીતે કોઈ ફૂલને યોગ્ય પોષણ ન મળતાં તે કરમાય જાય છે, તેવી જ રીતે માણસના અસ્તિત્વની કળી એટલે બાળક. આ સમયે તેને જે વાતાવરણ મળે છે તેના આધારે સમાજને ગાંધીજી અને હિટલર જેવાં વ્યક્તિની ભેટ મળે છે. બાલ્યાવસ્થાએ યોગ્ય પવન ફૂંકાય એ જ અપેક્ષિત છે. બાળસાહિત્ય આ દિશામાં ધણા બધાં અંશે ઉમદા કાર્ય કરી રહ્યું છે. આવા ઉમદા હેતુ સાથે ખેડા જિલ્લાના અને આણંદ શહેરના જૂની પેઢીના વિખ્યાત કવિ, લેખક અને બાળસાહિત્યકાર ઉમિયાશંકર ઠાકર બાળસાહિત્યમાં ઉત્તમ એવી કીર્તિકથાઓ આપે છે. જેનું સંપાદન જગદીશ ઉ. ઠાકરે કર્યું છે. 'કીર્તિકથાઓ' ની પ્રથમ આવૃત્તિ ૨૦૧૨માં પ્રકાશિત થઈ છે. પુસ્તકનું શીર્ષક 'કીર્તિકથાઓ' છે જે વાંચતાં જ એ ખબર પડે છે કે અહીં કોઈ સામાન્ય માણસની વાત નથી પરંતુ સાધારણ માણસમાં રહેલી અસાધારણ શક્તિઓના ફળ સ્વરૂપે એમણે જે કીર્તિ મેળવી છે તેને બાળકો સમક્ષ ઉજાગર કરનારી આ કથાઓ છે. તેમણે બાળનાટિકાઓ પણ આપી છે. બાળકો આ આવી કથાઓ વાંચે, વિચારે અને આચરણમાં મૂકી, પોતાનું જીવન ઘડતર સંસ્કાર અને વિકાસ કરી, જીવન ઉન્નત બનાવી, સારાં નાગરિક બની અન્યને મદદરૂપ બની જીવન સાર્થક બનાવે તે જરૂરી છે.
'કીર્તિકથાઓ' માં લેખકે એક થી એક ચડિયાતી એવી બાર કથાઓ આપી છે. પ્રથમ કથા 'શિવાજી અને યવન અબળા'માં શિવાજી ઘોડિયે સૂતા સૂતા માતાના કંઠના મીઠાં હાલરડાં સાંભળતા કરી મૂકે છે. શિવાજી બાળક છે અને માતા જીજાબાઇ હીઁચકો નાખતાં- નાખતાં હાલરડાં ગાય છે. આ હાલરડાં ફકત બાળકને સુવડાવવા માટે નથી પણ એમાંથી ઉત્તમ સંસ્કારોનું સંવર્ધન પણ શિવાજીમાં થાય છે. હાલરડાંનાં એક સૂરમાં દશાનન રાવણ પણ આવે છે ને શિવાજી એ વાતને બરાબર સમજી જાય છે કે પરસ્ત્રી માતા સમાન પૂજનીય છે અને તેની વિરુદ્ધમાં જનાર સદા અધોગતિને પામે છે. ભર્યા દરબારમાં સિપાઈ યવનની પુત્રવધૂને શિવાજીને ભેટ ધરે છે ત્યારે શિવાજી તે સ્ત્રીમાં પોતાની બહેનની છબીને જુએ છે અને એક હિન્દુ રાજા મુસલમાન સ્ત્રીને ધર્મની બહેન માની રક્ષણ કરે છે. આવા ઉમદા વિચારોવાળો શિવાજી ખરેખર શ્રેષ્ઠ રાજા તો છે જ સાથે ઉત્તમ સંસ્કારોથી પૂર્ણ માણસ તરીકે અહીં ઉઘાડ પામે છે. શિવાજી જેવા સંસ્કારો બાળમાનસને ઘડવાનું અને સંકોરવાનું કામ કરે છે. બાળપણથી જ આવા પ્રકારના સંસ્કારો બાળકોના ઘડતરનું અવિભાજ્ય અંગ બને છે.
'ખરેખરા મિત્રો' કથામાં પિથિયાઝન અને ડેમનની મિત્રતાથી એક ક્રૂર એવો ડાયોનીસિયસ પ્રભાવિત થઈને હિંસાને ત્યજતો દર્શાવ્યો છે. સમાજમાં ડાયોનીસિયન જેવાં ધાતકી રાજા છે તો સામે પક્ષે ખરી નિર્દોષતા ખેરવતાં માણસો પણ છે. જરૂર તો ફકત એટલી જ છે કે માણસ સત્તાને છોડી માણસમાં રહેલાં મનુષ્યતત્ત્વને પ્રેમ કરે. જે બાળપણમાં ગરીબી નીચે કચડાયો છે પણ એક સ્ત્રી એને રોજ ફળો ખાવા આપે છે. આ સ્ત્રીની ઉદારતાનાં ચંદ્રને નેપોલિયન પોતાનાં અંતરના ગોખલે સંઘરીને રાખે છે. પછી તો જીવનમાં નેપોલિયન ખૂબ તડકી - છાંયડી વેઠીને આખા યુરોપને ધ્રુજાવનાર શ્રેષ્ઠ પુરૂષ બને છે. શ્રેષ્ઠ પુરૂષ કહેવા માત્રથી એ શ્રેષ્ઠ બની જતો નથી પણ એ પેલી સ્ત્રી જે હવે તો વૃધ્ધડોશી બની ગઈ હશે તેનાં ઉપકારનો બદલો વાળવા ગામમાં જાય છે. આ ઘટના તેને શ્રેષ્ઠતત્ત્વ પ્રદાન કરે છે.યુરોપનો પ્રતાપી રાજા નેપોલિયન પેલી ફળ આપનારી ડોશીનાં પગે પડીને કહે છે કે, "માજી, આપનો ઉપકાર તો મારાથી ભૂલાય એમ નથી. પ્રભુકૃપાએ હું આપનું દેવું આજે ચૂકવી શકું છું."
આ વાત એની મોટાઈ ને સાચપણ દેખાડે છે. માણસ પોતાના ઉપકારનો બદલો યોગ્ય સમયે વાળે તે જ એની સાચી માણસાઈ કહેવાય અને તો જ એણે મેળવેલી કીર્તિ અવિચળ રહે.
'પરોપકારની અવધિ'માં રાજા પોતાની પ્રજા માટે તપ કરવા ઘનઘોર જંગલમાં જતો ને પ્રજાના કલ્યાણઅર્થે પ્રાર્થના કરતો ચિતરાયો છે. એક રીતે અહીં જિંદગીની નક્કર વાસ્તવિકતા જોવા મળે છે. રાષ્ટ્રપ્રેમનો ખરો દિવો તો આવા વ્યક્તિ એજ ખરા અર્થમાં પ્રજ્જવલિત રાખ્યો છે. ભારતીય સાહિત્યમાં આવા વ્યક્તિ છે પરંતુ વિશ્વ સાહિત્યમાં પણ સર ફિલિપ સિડની અને કેસેબિયન્કા જેવા પાત્રો યુધ્ધની ભયંકર વાસ્તવિકતા સામે ટકી રહેતા પાત્રો તરીકે ઉપસી આવે છે. એકબાજુ યુદ્ધની ભીષણ જ્વાળા છે તો બીજી બાજુ અફાટ એવાં સમુન્દ્રમાં કેસેબિયન્કાનો પિતા તેને રાહ જોવા કહે છે. ખૂબ તોપોમાંથી ગોળીઓનો વરસાદ થાય છે. વહાણના સઢ તૂટીને સમુદ્રના પાણીમાં તરવા લાગે છે. ટપોટપ માણસો મરે છે. વહાણમાં ક્યાંય જગ્યા નથી એટલાં બધાં કાંણાં પડી ગયાં છે પણ કેસેબિયન્કાને પોતાના પિતા પર વિશ્વાસ છે કે એ જરૂર આવશે. "બેટા,આ જગ્યાએ જ ઊભો રહેજે, હું કહું નહિ ત્યાં સુધી આ જગ્યા છોડીશ નહિ. બરાબર સાચવજે, હોં, માતૃભૂમિ ફ્રાન્સને ખાતર; મારે પોતાને ખાતર; તારા દેશને ખાતર. જાન જાય તો ય આ જગ્યા છોડીશ નહિ."
બાળક ભયજનક સપાટીએ છે છતાં વિશ્વાસની એક દોરી એને બાંધી રાખે છે. આવો અડગ અને ટેકિલો એ બાળક હતો જે સમાજ માટે આદર્શ બને છે. વીરતા, સાહસ અને નીડરતાના ગુણોનો વિકાસ આવી કથાઓ દ્વારા બાળકોના ચિત્તમાં કબજા જમાવી શકે છે.
ગુરૂકુળ પરંપરા સાથે આજના શિક્ષણ તરફ અંગુલીનિર્દેશ કરે છે સાચી વિદ્યા અને સાચી ગુરુ ભક્તિ કોને કહેવાય એ 'ગુરુભક્ત કચ’, 'ઉપમન્યુની કસોટી’, 'વેદ', 'કૃષ્ણ – સુદામા’, 'એકલવ્ય' આ કથાઓમાં પ્રત્યક્ષપણે દેખાય છે. દેવયાનીનાં વિવાહપ્રસ્તાવને છોડી ગુરુ ભક્તિમાં લીન થયેલો કચ દેવયાનીનાં શાપનો ભોગ બનવાનું પસંદ કરે છે પણ તે પોતાની ગુરુભક્તિથી વિમુખ બનતો નથી. દેવયાનીની ઈચ્છા કચ સાથે લગ્ન કરવાની હતી પરંતુ કચ કહે છે કે, "મોટીબેન, એવું ખોટું બોલ મા. શુક્રાચાર્ય મારા પિતા થાય. તું એમની પુત્રી. તું મારી ધર્મની બેન, તારી સાથે મારાથી કેમ પરણાય?ગુરુની કન્યાને પરણું તો હું પાપી કહેવાઉં, માટે બેન, એ વાત રહેવા દે, આપણે ભાઈબેનની પેઠે રહીશું? પિતાની સેવા કરીશું ને આનંદે રહીશું."માં કચ ગુરૂપુત્રીનો શાપ માથે ચઢાવે પણ ગુરુને દગો દેતો નથી. જે એણે ગુરુને આપેલી સાચી ગુરુદક્ષિણા છે. અને ઉપમન્યુ ગુરુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં મુશ્કેલીમાં પડે છે ને ગુરુ જ એ મુશ્કેલીમાંથી તેમને ઉગારે છે 'કૃષ્ણ - સુદામા' વાર્તા ખૂબ ઉત્તમ છે. વિશ્વનો નાથ એક ગુરુ પત્નીની આજ્ઞાનું એટલી જ સહજતાથી પાલન કરે છે.
'એકલવ્ય' કથામાં એકલવ્ય ભીલ છે એટલે ગુરુ એને બાણવિદ્યા શીખવતાં નથી પરંતુ તેને ફક્ત આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે. બીજી તરફ અર્જુનને પોતાની વિદ્યા પર અભિમાન થાય છે અને ઈતિહાસ એવું કહે છે કે જ્યારે વિદ્યામાં અભિમાન પ્રવેશે છે ત્યારે તે વિદ્યાનો સમૂગળો નાશ થાય છે એવું કાંઈક અહીં બન્યું છે. એકલવ્ય કૂતરાના મુખને પોતાની બાણવિદ્યાથી આખું ભરી દે છે. આ જોઈને દ્રોણાચાર્ય અને અર્જુન એકલવ્યની ઝૂંપડીએ જાય છે ત્યારે અર્જુનને એ સત્યની ઝાંખી થઈ જાય છે કે અર્જુનથી પણ શ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય છે અને ગુરુ પણ દુનિયાને અર્જુન જેવાં શ્રેષ્ઠ ધનુર્ધારીની ભેટ આપે છે અને ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માંગી લે છે આમાં એક રીતે દ્રોણાચાર્યના મનમાં ઈર્ષા છે જે અર્જુનથી ચડિયાતો કોઈ ધનુર્ધારી થાય એ સહી શકતા નથી. સામે એકલવ્ય પણ પ્રબળ વિશ્વાસવાળોને પરમ ગુરુભક્ત છે એકલવ્યને એ ખબર છે કે જો તે પોતાના જમણાં હાથનો અંગૂઠો ગુરુદક્ષિણામાં આપશે તો એની બાણવિદ્યા અફળ બની જશે. આ બધી બાબતોને નજર અંદાજ કરી તે ફ્ટ દઈને અંગૂઠો ગુરુના ચરણોમાં ભેટ આપી દે છે. આ કથા શ્રેષ્ઠતાના મહિમાને ઉજાગર કરતી ઉત્તમ કથા બની રહે છે.
સંગ્રહની છેલ્લી કથા 'લાકડાં વેચતાં શિષ્યો' જીવનની નક્કર વાસ્તવિકતાને બખૂબી રજૂ કરતી બની રહે છે. વલ્લભીપુર નગરીનો જે રીતે નાશ થયો છે તેની આ કથા છે. બાળ માનસ પર એ અસર જન્માવવા માંગે છે કે ખરેખર જ્યારે ગુરુ તપ કરવા બેસે છે ને શિષ્યોને વલ્લભીપુર નગરીના લોકો ભિક્ષા આપતા નથી ત્યારે શિષ્યો લાકડાં વેચીને અનાજ મેળવવા જતાં પોતાના માથાનાં વાળને ગુમાવે છે. ગુરુ તપ માંથી ઊઠે છે ને તેને એક કુંભારની સ્ત્રીને વલ્લભીપુર નગરીને છોડીને જવાનું કહે છે. પાછળથી આખી વલ્લભીપુર નગરીને ગુરુ શાપ આપે છે, બીજી તરફ કુંભારની સ્ત્રી ભાવનગરમાં રૂવાપરી મા તરીકે પૂજાય છે ને વલ્લભીપુર સદાયને માટે માયાહીન નગરી બનીને રહી જાય છે.
બારેબાર વાર્તામાં એક રીતે આધુનિક શિક્ષણથી જે બાળકનાં મન ઊધઈની માફક ખવાય ગયાં છે ને છતાં તેમાં કોઈ ચેતન તત્ત્વ દેખાતું નથી એ વસ્તુને સ્થાને પૌરાણિક કથાવસ્તુનાં સહારે શિક્ષણમાં ગુરૂકુળ પરંપરા આવે એ હેતુ સ્પષ્ટ દેખાય આવે છે. ગુરુ પોતાના શિષ્યોને એની આવડત પ્રમાણે કલા શિખવતા જ્યારે સાંપ્રતમાં દરેકને સમાન ગણીને શિખવવામાં આવે છે, આ વિરોધાભાસ સ્પષ્ટ થાય છે. કૃષ્ણ જેવાં પાત્ર એ દર્શાવી જાય છે કે ગુરુ અને ગુરુ પત્નીની અવજ્ઞા કરવાથી શિષ્ય અધોગતિને પામે છે.
ઔદ્યોગિકરણના દુષ્પરિણામો સૌથી વધુ બાળક પર જોવા મળે છે. શહેરીકરણના લીધે ગામડાઓ તૂટયાં છે ને શહેરોમાં વિભક્ત કુટુંબોની એક પરંપરા ઊભી થઈ છે. ઘરમાં પતિ - પત્ની બંને જો નોકરી અથવા વ્યવસાય કરતા હોય તો બાળક હંમેશા ઘરમાં એકલો જ રહેવાનો. બાળક એકલવાયાનો ભોગ બને છે. જ્યારે પહેલાંના સમયમાં બા - દાદા પોતાના પૌત્ર - પૌત્રીઓને રોજ સાંજે ખોળામાં સુવડાવીને અલગ - અલગ વાર્તાઓ કહેતા. તેથી બાળક આપોઆપ એમાંથી ઘણું શીખી જતો અને તેને મૂલ્યશિક્ષણ લેવા કોઇ વિશ્વવિદ્યાલયમાં જવું પડતું નહીં. આજે મૂલ્યશિક્ષણનો ખૂબ મોટા પાયે હાસ થયો છે. જે ૨૧મી સદીના શિક્ષણને અમુક અંશે જવાબદાર છે. આવી કીર્તિકથાઓનો વધારેમાં વધારે ફેલાવો થાય, બાળકો વાંચતા થાય, સમજે તો બાળકરૂપી આવનારી પેઢી આપોઆપ સુંદરમ્ બનશે.
બધી કથાઓમાં પાત્રગત ખાસિયતોથી માંડીને કથાવસ્તુની ગુંથણી, તેની રસસિધ્ધિ, ભાવની ઉત્કટતા, સંવાદોની રોચકતા સુપેરે વ્યક્ત થઇ છે. પૌરાણિક પાત્રો પોતાની અલગ વિશેષતા સાથે રજૂ થયાં છે. શિવાજીનાં રાજ્યથી માંડીને યુદ્ધ, દરિયો, નેપોલિયન, વેદ, અર્જુન, એકલવ્ય, શાપિતનગરી આ બધી વસ્તુઓ એક રીતે શુદ્ધ એવી અજોડ ભારતીય પરંપરા સાથે વિશ્વસાહિત્યની પરંપરાને સાંકળે છે. આ કથાઓ ક્યાંક અફાટ એવા દરિયાનાં યુદ્ધમાં આપણને લઇ જાય ને ભીષણ તોપોની વચ્ચે ઝઝૂમતા કરી દે છે તો ક્યાંક નેપોલિયનની ઉદારતામાં ડોકિયું કરાવે છે. ક્યાંક પેલાં વલ્લભીપુરનાં શિષ્યોની કરૂણતાને સંવેદના સાથે જોડી દે છે તો ક્યાંક એકલવ્યનાં આત્મવિશ્વાસમાં આપણને ખેંચી જાય છે.
જીવનમૂલ્યો જાળવવા, જીવતા રાખવાની એક મથામણ આ કથામાં દૃષ્ટિગોચર થાય છે. સ્વયંશિસ્તની એક આખી રો ઊભી દેખાય છે. અર્થચ્છાયાઓથી સભર કથાની ભાષા લાઘવયુક્ત છે. બાળક જાતે કથાઓ વાંચી શકે, એમાંથી પોતાને ખપમાં આવતી સામગ્રી લઈ શકે એવા ઉદ્દેશ્ય સાથે લખાયેલી આ કથાઓની ભાષા પણ એટલી જ સરળ, મધુર અને ચિત્રાત્મક છે. ક્યાંક કોઈ કથા ભાંગેલ તુટેલ નથી. સમગ્રતયા સમાંતર ગતિ કરે છે. કથાઓ દ્વારા નવો અર્થ બહાર આપવાની મથામણ થકી લેખક જીવનના સત્યને ઉજાગર કરે છે. કાંટાળીવાડોમાં સુંદર ઊગેલાં ગુલાબો જેવાં કથાઓનાં પાત્રો છે જે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પણ રસ્તો શોધી કાઢે છે. અહીં બાળપણમાં પડેલાં સંસ્કારો બાળકનાં જીવનઘડતરમાં ઉપયોગી થઇ પડે છે. ઉમિયાશંકર ઠાકરના માનસમાં છુપાયેલો શિશુ આ કથાઓ દ્વારા બહાર આવે છે.
સર્જકનું અનુભવ વિશ્વ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે બહોળો છે. સર્જકની આગવી સૂઝ, સમજ અને વિચારો કથાઓમાં વૈવિદ્ય સભર છે. કથાઓમાં સ્પષ્ટ દેખાતું વાતાવરણ, ઘટિત ઘટનાઓ, પ્રાપ્ત થયેલું દર્શન, માનવતાના બી, સર્જકની ભાષા, જીવનના વિવિધ તબક્કાઓ વગેરે ઉઘાડ પામે છે. પૌરાણિક કથાવસ્તુને લઈને લેખક આજના અણુવિજ્ઞાનમાં બાળકને યોગ્ય દિશા નિર્દેશ કરે છે અને વસુધૈવ કુંટુંબકમ્ ની ભાવના જે આજે ઓછી થતી જાય છે એમાં ઉમેરો કરે છે.
આવી કથાઓ વધારેમાં વધારે આ સમાજમાં આવે એવી સાંપ્રત સમયમાં ખૂબ મોટી માંગ છે, કારણકે આવી કથાઓ હવે ઝાઝી કહેવાતી નથી. મોબાઈલ અને ટેલિવિઝનનાં યુગમાં જ્યારે બાળકને મુકવામાં આવે છે ત્યારે બાળક ખીલવાની બદલે કરમાતો જાય છે ને હરિફાઈનાં યુગમાં બાળક પોતાની રીતે વિચારવાનું છોડી ને સમાજમાં પોતાની પ્રતિષ્ઠાને વધારે માન આપવા જાય છે. અત્યારે ધોરણ ૧૦ અને ૧૨માં આભ્યાસ કરતા નાસીપાસ થયેલા બાળકોના આત્મહત્યાના કેસ વધી રહ્યા છે તેનું કારણ બાળકમાં આત્મવિશ્વાસની ઊણપ છે. બાળકનાં મનમાં એવો ભય ઊભો થાય છે કે અમુક ટકાવારી લાવવી ફરજિયાત છે. હવે જેમાં નાનપણથી જ આત્મવિશ્વાસનાં છોડવાઓ ન ખીલવા દીધાં હોય એ મોટા થઈને શું કરી શકવાના. માણસમાં પોતાની જાત પરનો આત્મવિશ્વાસ ક્યાંથી આવે ? કોઈ ફેક્ટરીમાંથી આવે ? ના. એ તો બાળપણમાં વાંચેલી ને પરિવારના સભ્યોની પાસેથી સાંભળેલી કીર્તિ કથાઓથી આવે છે બાળકનાં જીવનઘડતરના પાયાની બાબતો જ આવી કીર્તિકથાઓ છે. કહેવાય છે ને કે "જેના મૂળિયાં મજબૂત હોય એ ઝાડ કોઈ દિ'નો પડે. એમ બાળસાહિત્યમાં આ જ વસ્તુનો નિર્દેશ છે કે બાળકને ઘડવાનો છે, સંસ્કારોથી શણગારવાનો છે, ઉત્તમ પ્રકારના ખાતરો નાખી બાળકનાં વિચારો શુધ્ધ કરવાના છે અને આવનાર ભવિષ્ય માટે એક સારો નાગરિક સમાજને આપવાનો છે.
'કીર્તિકથાઓ'માં સુખ છે, તો મનુષ્ય જાતની સંવેદનાઓનો ઇતિહાસ પણ છે. દુ:ખોની આખી લાઈન છે તો સામે આનંદોત્સવ પણ છે. બાળકને જે જ્ઞાન ગુરુ આપે છે અને પોતે પ્રયોગોથી શીખે છે તેને ચિરંજીવ બનાવવાની મથામણ છે. વાર્તાઓમાં કૌતુક છે, બાળકની સંવેદનાની એક ઘંટડી છે. નવી ઊર્જા છે, બાળક માટે આવી કથાઓ વધુ લખાય, વંચાય તે જરૂરી છે.
અલ્પા કુવાડિયા, પીએચ. ડી. વિદ્યાર્થી, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠઃ અમદાવાદ Mo. 7285073314 Email : alpakuvadiya11@gmail.com