ગોકીરો મચી ગયો; ‘બારઆવાંકામૂઢોકો’ ‘આબગામરૂ’ ‘વટકાલાઈઢી’ ‘ગ-યો-એ-ને-લખ્ખ’ ‘બહા-મૂ-ર-કો’ ‘વટલાઆઈણે-ગ-યો’ ‘આબરૂમૂકોમૂકોમારો’.... પડ્યો બોલ ફેલાઈને એકબીજા અવાજમાં ભળી જતો’તો. એ અવાજમાંની ગરમીથી માથેમોઢે ઢાંકેલો કાનિયો પથારીમાં ફફડતો’તો, ધ્રૂજવા ઊપડેલો; જાણે માતા આવી. સાથે કશું બડબડ થવા લાગ્યું તે મા ઊઠી ગયેલી.
‘એય કાનિયા. કાનિયા. શું થાય છે?’
‘ભૂલ’ ‘થઈ-ગઈ ભૈ... સઆઆબ,’ ‘કોઈ’ ‘દિવસ કોઈ...’ ‘દિ...’ ‘નંઈ કરું ફરી’ ‘કોઈ..’ ...કહેતો કાનિયો સફાળો બેઠો થઈ ગયો. ‘શું બોલતો’તો ભૈ?’, ‘શું થયું?’, ‘સપનું આયું?’, ‘શું ભૂલ થઈ ગઈ?’... એવા પ્રશ્નો મા પૂછતી રહી પણ કાનિયો ફાટી આંખે દરવાજા તરફ તાકી રહેલો. એની ધ્રુજારી હજી શમી નહોતી. માએ એને પાણી ભરી આપ્યું એ કળશ્યો એ ઊંચા મોંએ ગટગટાવી ગયો, ગટકગટક. થોડું પાણી હડપચીએથી રેલાઈને ગળાના હૈડિયા પરથી છાતી પર રેલાયું, જાણે ટાઢી કરવી હોય એમ છાનો છમકારો કાનિયે સાંભળ્યો ય ખરો.
‘કંઈ નંઈ મા,..’ ‘એ તો એમ જ..’ ‘બીક લાગી ગયેલી.’ કહેતો એ ઊભો થયો અને દાતણ લઈ વંડીએ બેસવા જાય ત્યાં માનો છણકો સંભળાયો, ‘પથારી પ-લા ળી...પા’. કાનિયો નીચે જોવા ગયો પણ સામે પની ડોશી આંગણું વાળતી’તી એ દેખાઈ... સય્ળસય્ળ-સય્ળસય્ળ... ને એ અવાજ સાથે બીજો એક અવાજે ત્રુટક પણ સ્પષ્ટ ‘આવાં લખ્ખણ? હેં!’ એના કાને પડ્યો. એણે નજર નીચી ઢાળીને ફેરવી તો બીજી બાજુ રામાકાકા; બળદની રાશ ઝાલી ઊભેલા, સામું જોતા પૂંઠે હાથ ફેરવતા. ફરી એક અવાજ ‘ગામમાં કોઈ બીજું ના મળ્યું તે, આ. આ?’માં ‘આણે તો ગામ લજાયું’ સેળભેળ થવા લાગ્યો. કાનિયો સમસમી ગયો. પાછો વઈ આવી હોય એમ શરીરમાં ધ્રૂજવા ઊપડ્યો. ઝપસપ દાતણ ઘસતોકને કુલ્લી કર્યા વિના જ મોં ધોઈ લૂછતો અંદર પેસી ગયો અને પળવારમાં ‘મા, ખેતર જઉં’ બોલતો ઘરમાંથી બહાર નીકળી ગયો. ‘એ જોજે, રૂપલી કાચીથી હાચવીને જજે, સવારના પો-ર-માં એ.... વાં-ઝ-ણી-નું... મોં...’ ઘરમાંથી નીકળેલો માનો અવાજ પીઠે અથડાયો.
હજી વાસના નાકે પહોંચ્યો ત્યાં તો ઘાંટાઘાંટથી કાન ભરાઈ ગયા... ‘આબરૂ કાઢી હરામખોરે’, ‘પેલાં આવું સાંભળ્યું નતું’, ‘પલટાઈ ગયો દિયોરનો’, ‘નાતમાંથી કાઢી મૂકો’, ‘ગામબહાર મૂકો’ ...એકસાથે કેટલાંય ધોળાંફગ્ગ ફાળિયાં ઊંચાંનીચાં થતાં એને ટગર આંખે જોઈ રહેલાં. ‘ધબ્બ’, અને પાછળ જ ‘ખીખીખીખી’, ‘ક્યાં જાય છે’ના અવાજ સાથે જગલો ડોકાયો. ‘મારે છે શું કામ, આટલું જોરથી... કૈં નંઈ એ તો ખેતરે. ચાલ તુંયે.’ એની પૂંઠે અથડાતા ‘એનાં લખ્ખણ તો જુઓ’, ‘આ સંસ્કાર આલ્યા..’ અવાજો અવગણતો કાનિયો ડાફોળિયાં મારતો ચાલવા લાગ્યો. ‘પેલ્લા વડલે જઈએ.’ કહીને જગલો જોડાયો.
ધબ્બા સાથે કાનિયો ભૂતકાળમાં સરી પડેલો; એવો હતો એ જોરદારનો. લચક ખાઈને પડુંપડું થયેલા કાનિયાને થયેલું કચકચાવીને ફેંટ મારી દે પણ; એણે કહેલું, ‘કાનિયા, જો....જોતો ખરો, કોણ છે. ઓળખે છે?’ ‘ના બે, કોણ છે, હેં? બવ જોરદાર છે.’ કાનિયો ફાટ્ટી આંખે જોઈ રહેલો. એની જ વાતો કરતાં ખેતર તરફ વળેલા ને ફરી આંખો ફાટી ગઈ. બાજુના પરમાકાકાના ખેતરમાં એ જ છોકરી, ઘાઘરી-ટોપ પહેરેલી. લુખ્ખા સોનેરી જીંથરાં હવામાં ફરફરી રહેલાં, ચુંદડી જેમ, પણ ચુંદડી હતી નહીં. હાથ એકધારા લયથી સૂંડલામાંથી પથ્થર ઉપાડતા ને દૂર ઘા કરતા. એ વખતે એ શરીર ધનુષની પણછ જેવું વળ ખાતું, પણ એટલું તંગ ન થતું; કમનીય ઘઉંવર્ણું, જાણે મેલ ખાઈ ગયેલા કપાસનો પોલ.
‘રતલી, બપોર પેલાં ચાર વાઢી લેજે.’ના જવાબમાં ‘હોવ્વે’ સંભળાયું એટલે કાનિયાના પૈસા પડી ગયા. એ અવાજમાં માર્દવ નહોતો પણ કાનિયાને થયું, આહા શો મંદિરની ઘંટડી જેવો મીઠ્ઠડો અવાજ. પથ્થરથી પંખી ઉડાડતી એ કાયા આડી ઊભી હતી ત્યાંથી ત્રાંસમાં એણે ય કાનિયાને જોઈ લીધો, એકવાર; પછી બીજી વાર ને ત્રીજી વાર તો.... શ્યામળા કાનની પટીએથી ગાલ સુધી રતાશ ફેલાઈ ગયેલી લાગી. એને થયેલું, એ આંખો એને કશું કહે છે. એ શરીરમાં આવેલો ઉછાળ દેખાડવા માટેનો છે. એને લાલચ થઈ જોઈ રહેવાની. સાથે સંકોચે. પણ નજર હતી કે રહી રહીને ટકરાતી રહેલી. રતલીના શરીરમાંયે જાણે વીજળીઓ દોડતી હતી તે હરણીની જેમ આ ખૂણેથી પેલે ખૂણે ખેતરમાં ફરી વળતી હતી. હરણીના કાનની જેમ એની આંખોય ચોકન્ના હતી જાણે, તે ચાર થઈ જતી.
‘કાનિયા, કાનિયા જો લ્યા, અંય જ જોઈ રહી છે. જો લ્યા. હસે છે એકલીએકલી.’ જગલો બોલ્યા કરતો પણ કાનિયાને દેખાતો નહોતો, માત્ર અવાજ સંભળાતો હતો. એના શ્વાસ થંભી ગયેલા જાણે ને પછી ઊંડો ખેંચાતો ત્યારે... એક સુગંધ ભળી જતી.
ચાર લઈને રતલી ચાલી ગયેલી. કાનિયો એને જતી જોઈ રહેલો ક્યાંય સુધી, દેખાતી બંધ થઈ પછીયે, દૂર સુધી, એકધારો. પછીનો આખો દિવસ એ એ રસ્તે તાકતો રહેલો, હમણાં આવશે. આવશે. આવશે તો ખરીને... ને એમ જ દિવસ વીતી ગયો. આવું કેટલા દિવસ ચાલ્યું એની કાનિયાને ખબર નહીં, પણ રોજ થતું. ને એવી અનેક રાતો કાનિયાએ સવારની રાહમાં પસાર કરેલી. પણ રતલી જેનું નામ. ટસની મસ ના થાય. ચાળા કર્યા કરે. વધારે ને વધારે વધારતી જાય. આંખના ઉલાળ ને નજરનાં બાણ. એકલી એકલીના ખિખિયાટા અને સાવ નજીકના શેઢેથી દૂરનાએ છટકી જવું. કૂવાના થાળે ગાગર સીંચી ભરે, પછી કાનિયાના દેખતાં માથાબોળ. નીતરતી રતલીને જોઈ એ રાતે તો કાનિયો ઊંઘમાંય ઊંહકારા કરી ગયેલો તે પથારીયે પલળી ગયેલી.
વડલે ગલ્લેથી જગલાએ બીડીઓને એવું કંઈ લીધું, કોઈ જુએ નહીં એમ. ‘ચાલ, જઈએ, ખેતરે.’ એ બોલેલો. કાનિયો કંઈ બોલ્યો નહીં એટલે જગલાએ ફરી કહ્યું, ‘ખેતર નથી જવું લ્યા!’ કાનિયો ‘શું? શેતુર પાડવા જવું છે? ચાલ.’ ‘અલ્યા, ક્યાં હતો? સાંભળતોય નથી ને, પાછો. અત્યારે શેતુર ક્યાં હોય? સીઝન છે?’ કાનિયો તાકી રહેલો એને કંઈ બોલ્યા-ચાલ્યા વિના, એટલે જગલે પૂછ્યું, ‘શું થયું છે કાનિયા, સાચું કે. આખે રસ્તે કંઈ બોલ્યો નથી, આયો ત્યારનો.’ ‘કંઈ નંઈ’, એટલું જ બોલેલો કાનિયો ને અવળું ફરી ગયેલો. પછી ‘મેં ક્યાં કંઈ કર્યું છે તે...’ એના બોલવાનો અવાજ સાંભળી ‘એ એ લ્યા, રોવે છે, તું? શું થયું?’ એમ બોલતો જગલો એને ઓટલે ખેંચી ગયો. ‘મને થોડી ખબેર હતી કે એ હલકી છે? તે... હવે થઈ ગયું બે, આંખો ચાર થઈ ગઈ. મારાં ક્યાં લગન.... તને તો ખબેર....’ એ વધારે બોલતો પણ વચ્ચે જ જગલો બોલવા માંડ્યો, ‘એવાને પ્રેમ થોડા કરાય દિયોર. ખેતરમાં પાડી ના દિયે એક-બે વાર. એની કોણ ના પાડે છે? હૌ કરે છે, કોણ નથી કરતું એ કેને એના ભાગિયા-દાડિયાની બૈરી જોડે, દિયોરનું. તારેય...’
અને, કાનિયાને પેલી રાત યાદ આવી ગઈ જેના સપનાની બપોરે એ ને રતલી જુવારના ખેતરમાં વચ્ચે કંતાન પાથરીને સંતાયાં’તાં એકબીજાંને ઢાંકીને. પવન નો’તો તોય કેવા છોડવા હલતા’તા!
એ બપોરે રતલીએ રીતસરનો એને બોલાવેલો, સામેથી, ‘આય’. કેવી માથાબોળ પાણીઢોળ કરેલું. પાછી તો થાળે બેસીને ઘાઘરી ઊંચી કરી પીંડીઓ ને સાથળ કેવી ચોળતી’તી મારી સામું જોઈ જોઈ. નાડી થોડી ઢીલી કરી પેડુએ... ત્રાંસમાં જોતી હસતી માથું ડોલાવી બોલાવતી હોય એમ કરતી’તી. પણ એની જ હિંમત નહોતી. જાણી ગયેલો ને કે રતલી તો પાતળી પરમાર છે, રૂપની ભરમાર. પડ્યા એમાં તો ગયા કામથી. ને આજે,
સવારથી ઉચાટ રહ્યા કરે છે. ગામ જીવવા નહીં દે જો.... પણ હું ક્યાં એને ઘરમાં ઘાલી બેઠો છું. પણ ઘાલવી તો છે ને, એવું કોઈ અંદરથી બોલ્યું. ત્યાં કાનિયાની પીઠે પાછો એક જોરનો ધબ્બો પડ્યો ને ‘ઓ માડી રે’ બોલાઈ ગયું. સાથે જગલાનો અવાજ, ‘ગાળો કેમ બોલે છે? પાછો કે’છે બેસ છોનીમોની. લ્યા, એક તો તને સાથ આલું ને....’ કાનિયો જગલા સામું એકીટસ જોઈ રહ્યો એટલે જગલો ખીખી કરતો હસી પડ્યો. ‘હેંડ લ્યા, જઈએ’ કહેતો કાનિયાનો હાથ પકડી આગળ થયો. કાનિયો ઢસડાતો હોય એમ સૂનમૂન ચાલતો રહ્યો.
ઢાળિયા ખેતરથી વાંક લીધો કે સામું પોતાનું ખેતર દેખાતું’તું પણ કાનિયાની નજર તો બાજુના ખેતરે ચોંટી રહેલી. એની ઝાંપલી દેખાતી થઈ એટલામાં તો રૂપલીકાકી માથે ચારનો ભારો લઈ બહાર નીકળતી દેખાઈ. કાનિયાની પારેવા જેવી બે આંખ એને આવતી તાકી રહી. હાથ ઉલાળતી રૂપલીકાકીના એક હાથમાં રાડું હતું એ પાસે આવતાંમાં જ કાનિયાની પૂંઠે ઠપકાર્યું ને થોડો ત્રાંસ લઈ અવળી ફરી, ‘હમણે આવું’ જેવું કંઈ બોલતી જગલા સામું ત્રાંસમાં જોતી નીકળી ગઈ. કાનિયે પાછું વળીને જોયું, ખેતર પહોંચતાં પહેલાં ફરી જોયું અને પછી જોતો રહેલો ધનુષની પણછ જેવી પીઠ પાછળ ક્યાંય સુધી.
જગલો દોડીને કૂદકો મારી ખેતરમાં ઘૂસી ગયેલો. ઝાંપલી યે ખોલવા નહીં રહેલો, હૂડુડુ કરતોકને. કાનિયો આગળ જોવું કે પાછળની અવઢવ સાથે ઝાંપલી ખોલી ખેતરમાં ઘૂસ્યો ને એની નજર સામેના ખેતરના કૂવાથાળ પર જડાઈ ગઈ. ઘાઘરી-ટોપ પહેરેલી રતલી ગાગર ભરી માથાબોળ થઈ રહેલી ને થોડે દૂર, ખેતરની ઓરડી પાછળ એક આકાર ફાટ્ટી આંખે પેડુને તાકવાની રાહ જોતી હતી. કાનિયો એ જોઈને ફસડાઈને બેસી પડ્યો, બેય કાને હાથ દાબીને આંખ ભીંસીને.
અજિત મકવાણા, પ્લોટ નં. 662/2, સેક્ટર નં. 13/એ, ગાંધીનગર - 382016, ગુજરાત ajitmakw@gmail.com