Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘અરવલ્લી’: લલિત નવલકથાના આયામો

ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછી નવલકથાઓ છે જે લલિત નવલકથાઓ હોય. તેમાંની એક એ આ ‘અરવલ્લી’. પ્રસ્તુત નવલકથામાં લેખક કિશોરસિંહ સોલંકીએ પોતાની માતૃભૂમિ પાસે આવેલ અરવલ્લીની પર્વતમાળા અને તેની આસપાસના વિસ્તારને પરિવેશ તરીકે લઈ વનવાસી સભ્યતા, વન અને સભ્ય સમાજ વચ્ચેનું અંતર તથા વનનું સૌંદર્ય રસપ્રદ શૈલીમાં વર્ણવ્યું છે.

‘અરવલ્લી’ નવલકથાનું વિષયવસ્તુ ખૂબ સાદું છે. નવલકથાનો નાયક જાસોર ખાતે આર.એફ.ઓ.ની ફરજ બજાવતી વખતે વનવાસીઓ અને પ્રકૃતિ સાથે પરિચય કેળવે છે અને પોતાના મૂલ્યોને વળગી રહેવા માટે મથામણ કરે છે. પોતાની ફરજને જ ધર્મ સમજી છેવટે ઉપરી દ્વારા સસ્પેન્ડ થાય છે. પરંતુ નવલકથાના વસ્તુમાં આસપાસની ઘટનાઓ, ઋતુઓ, જંગલી પ્રાણીઓ, જીવ જંતુઓ વગેરેનું વર્ણન અને તે બધાનું અરવલ્લી સાથેનું સગપણ દર્શાવી લેખક નવલકથાના શીર્ષકની યથાર્થતા સાબિત કરે છે. નાયક નવલકથાના અંત ભાગમાં પણ પોતાની સાથે અન્યાય થતો હોવા છતાં સ્થિતપ્રજ્ઞ બની અરવલ્લીનો સાક્ષાત્કાર કરે છે. કેટલીક જગ્યાએ નવલકથાનું વસ્તુ તેમાં કરાયેલા વર્ણનો આગળ ફિક્કું લાગે છે. પરંતુ તેને લલિત નવલ તરીકે જોતા આ ક્ષતિ સહજ અને સ્વીકાર્ય ગણી શકાય.

આ નવલકથાની ભાષા ઉચ્ચ પ્રકારની છે. વ્યાકરણના ખૂબ સરસ ઉદાહરણો અહીં દરેક પ્રકરણમાંથી તારવી શકાય. પ્રકૃતિનું વર્ણન હોવાથી સજીવારોપણ અલંકારનો લેખકે ખૂબ છૂટથી ઉપયોગ કર્યો છે. જેમ કે, “ઉનાળાના સૂરજની કરડાકી આંખો મને ડરાવી રહી છે.” (પૃ.૧૭) કેટલીક જગ્યાએ લેખકની પદ્યમય ગદ્ય ભાષા પણ જોવા મળે છે. તળપદી કહેવતો, શબ્દાર્થો અને રૂઢીપ્રયોગો પણ ઉપયોગમાં લેવાયા છે જેમકે, “ફાતડા રડે અને કમાડિયા ખાય.” (પૃ.૮૭) “આભની અને ગાભની જલ્દી ખબર ના પડે.” (પૃ.૧૪૧) “નાદાન હે, ખાખરીયું કરે હેં” (પૃ.૧૮૩) લેખકની તળપદી અને શિષ્ટ બંને શૈલી પરની પકડ અહીં સંવાદોમાં જોઈ શકાય છે. નાયક કથાનું વર્ણન કરતો હોઇ તેના સંવાદો સ્વગત હોઇ કેટલીકવાર સંવાદો વાચકના પોતાના હોય તેવા જણાય છે. આ નવલકથામાં ચિંતનાત્મક ગદ્ય પણ વિપુલ પ્રમાણમાં વપરાયેલું જોવા મળે છે. આ નવલકથાનું વર્ણન કરતો નાયક જિજ્ઞાસુ વૃત્તિનો હોય તેમ લાગે છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની તેની ધગશ નવલકથાના અંતિમ ચરણ સુધી જોઈ શકાય છે. તે જંગલ ખાતાનો અફસર હોવા છતાં ઋજુતા ધરાવે છે, જે વનવાસીઓને પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્ય નથી. તે વનવાસીઓ સાથે ઘરોબો કેળવવાનો પ્રયત્ન કરતો અને તેમના રીતિરિવાજોમાં સક્રિય રીતે ભાગ લેતો જણાય છે. સરકારી અફસર તરીકે કેટલીક જગ્યાએ નાયક બંધબેસતો પણ જણાતો નથી. તે લોક કલ્યાણના કામો કરવા માટે કેટલીક જગ્યાએ નેતાગીરીનો ગુણ પણ ધરાવે છે. તેનો આવો પ્રેમાળ, ભ્રષ્ટાચાર વિહીન ગુણાચાર તેના ઉપરીને ખટકે છે. છતાં તે કંઈ ગણકાર્યા વિના પોતાના કાર્યો ચાલુ રાખે છે.

લેખકે અહીં નાયકના સાથી હમીરસિંહને જંગલના જ્ઞાનકોશ સમો વર્ણવ્યો છે. નાયક દ્વારા પૂછવામાં આવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ તેના દ્વારા લાવવામાં આવે છે. વળી તે સ્થાનિક હોવાથી લોકો સાથેની તેની ઓળખાણનો લાભ તે પોતાના ઉપરી એવા નાયકને આપે છે. જેનાથી નવલકથામાં વિવિધ પાત્રોની અને તેમના અંગત જીવનના પ્રસંગોની શૃંખલા સર્જાય છે. ગરીબ લેંબો, વાઘનો શિકાર કરનાર વાઘજી, રેવાપુરી જેવા પુજારી, વાઘના પગમાંથી લાકડાની ફાંસ કાઢનાર માધુસિંહ, પ્રભુ વગેરે આવા ગૌણ પાત્રો છે.

આગળ નોંધ્યું તેમ કથાનો નાયક અરવલ્લીની ગિરિમાળામાં આવેલ બનાસકાંઠા જિલ્લાની જાસોર રેન્જના આર.એફ.ઓ. તરીકે નિમણૂક પામેલ છે. તેના હાથ નીચે છે બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હમીરસિંહ. એ બે મુખ્ય પાત્રો ઉપરાંત ખબરી લેંબો, બાબુ, વાઘાજી, પ્રભુ, મુનિ બાવા, રેવાપુરી, ડી.એફ. ઓ., માધુ સિંહ, રમેશ, વિજય, હેમંત જેવા ગૌણ પાત્રો છે. નવલકથામાં અરવલ્લી પર્વતમાળાને પણ એક પાત્ર જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ તો અરવલ્લી મુખ્યપાત્રો કરતાં પણ પ્રભાવશાળી જણાય છે.

પ્રસ્તુત નવલકથાની પાત્રસૃષ્ટિમાં એકમાત્ર નકારાત્મક પાત્ર ડી.એફ.ઓ.નું છે. પરંતુ આ પાત્ર પણ ખલનાયક તરીકે ચિતરાયું નથી. અલબત્ત આ સમગ્ર નવલકથામાં કોઈ ખલનાયક જ નથી જે તેનું ધ્યાનાકર્ષક પાસું ગણી શકાય. પાત્રાલેખનમાં લેખકની ચીવટ જોઈ શકાય છે વળી કથાવસ્તુને કેટલાક પાત્રો અસર કરતા નથી. પાત્ર પરિચય માટેની લેખકની વર્ણન શક્તિ દાદ માંગી લે તેવી છે. જેમકે પ્રથમ પગલાના અગિયારમા ભાગમાં લેંબાનું વર્ણન-"હું કપડા બદલીને બહાર નીકળ્યો. તો લીમડીની નીચે બેઠેલો લાંબો એકદમ ઉભો થઈને મારી આગળ આવીને સાષ્ટાંગ પ્રણામ કરીને ઉભો રહ્યો. શરીરે એકદમ પાતળો પણ ઉતરતા ઉનાળા જેવી જુવાની દેખાઇ. એના માથાના વાળમાં આખો વગડો લ્હેરાતો હતો અને વધેલી દાઢીમાં હંડીઓ થતી હોય એવું લાગતું હતું, શરીર તો બળી ગયેલા બાવળિયાના થડ જેવું હતું શરીર ઉપર માત્ર એક અંગરખું અને લંગોટી હતી, એની આંખોમાં યાતના હતી. મને જોડેલા બે હાથમાં કંપ હતો." ( પૃ ૪૮)

પ્રકૃતિના દરેક પાસા પર નાયક દ્વારા લેખકના વિચારો રજૂ થયા છે જે તેને લલિતનિબંધની નજીક લાવીને મૂકે છે. નવલકથામાં ધ્રુવ ભટ્ટ લિખિત ‘તત્વમસિ’ સાથે કેટલીક સમાનતાઓ પણ જોવા મળે છે. સુધરેલી સભ્યતાનો એક પ્રતિનિધિ જંગલમાં જઈ આદિવાસી સંસ્કૃતિને જાણે છે, માણે છે, તેના પર ચિંતન કરે છે અને પછી પોતાનું મૂલ્યાંકન કરે છે. ફક્ત પરિવેશ જુદો છે. ‘તત્વમસિ’માં કેન્દ્રસ્થાને રેવા છે, તો અહીં અરવલ્લી છે. પરંતુ ‘અરવલ્લી’ને જો કોઈ બાબત બધાથી અલગ પાડે છે તો તે તેમાં આવતા વર્ણનો છે. આ નવલકથાની શરૂઆતમાં ઉનાળાનું અને તેના રૂપનું સકારાત્મક અને નકારાત્મક વર્ણન જોવા મળે છે ધીમે ધીમે પ્રકૃતિના પ્રેમમાં પડતા નાયકની મનોદશાનું વર્ણન જેમકે, "આકાશ, પવન, પાણી, પૃથ્વી અને પ્રકાશ-વિશ્વના એ પાંચ મૂળ ઘટકોનો સમન્વય મારી આંખ સામે જોઈ રહ્યો છું. પંચમહાભૂતોનું એક નવું રૂપ હું મેળવી રહ્યો છું" (પૃ.૧૪૪) તો ગામડા ગામમાં શિયાળો બેસવાની નિશાનીઓને ખેતીના પરિવેશમાં દર્શાવતું વર્ણન, ‘શિયાળે શીતળ વાયુ વાય, પાન ખરે ઘઉં પેદા થાય’ એ દિવસો શરૂ થઈ ગયા છે. જાણે શરદ નિવૃત્તિ લઈને જાય છે ત્યારે એનું સ્થાન હેમંત લેવા માટે સામે જ ઊભી છે ખેતરમાં લોકો ખળામાં અનાજ ઉપણતા હોય છે, કોઈ ઘઉંનું વાવેતર કરતું હોય છે તો કોઈ ખેતરોમાં રાયડો શેઢા ઢાંકતો વધતો હોય છે. ક્યાંક એરંડા આરડી રહ્યા હોય છે...."(પૃ ૨૨૮) જેવા સંવાદો અહીં ઉલ્લેખનીય છે. માત્ર વન જ ઋતુફેર અનુભવે છે તેમ નથી. ખેતરો પણ બદલાતી ઋતુ જણાવી શકે છે એવો નિર્દેશ આ વર્ણનમાં સ્પષ્ટ જણાય છે.

વનવાસીઓ સાથે ધીમે ધીમે ઘરોબો કેળવતો નાયક કહેવાતા સભ્ય સમાજ અને વનવાસીઓની તુલના કરવા માંડે છે. શરુઆતમાં ગરીબોને કરુણાથી જોતો નાયક સમય જતાં પોતાનો દ્રષ્ટિકોણ બદલવા મજબૂર થઈ જાય છે. આ સમયે લેખકે નાયકના વિચારોમાં પોતાના વિચારો આ રીતે સ્પષ્ટ કર્યા છે. “આ લોકો ગરીબ જરૂર છે પણ મનનાં માલદાર છે. એમનું જીવન દર્પણ જેવું છે, કશુંજ ગોપનીય નહિ. ભલાં-ભોળાં, હોલા જેવાં. કોઈ એમ કહે કે, ‘ગરીબ છું’ ત્યારે મને અત્યંત દુઃખ થાય છે. એમને ક્યાં ખબર છે કે સૌથી મોટામાં મોટો ગરીબ હું છું, અરે! મારાથી પણ ગરીબો મારા નગરના ઉદ્યોગપતિઓ છે!”(પૃ.૬૨) એ જ રીતે વન અને શહેરની ભીડ અને નિર્જનતા અંગે નાયક મિશ્ર ભાવો અનુભવે છે. આ સિવાય વનવાસીઓની સંસ્કૃતિના અભિન્ન અંગ એવા ભોપાઓનું વર્ણન પણ તલસ્પર્શી રીતે કર્યું છે, તો વનવાસીઓના લગ્ન, ગૃહ પ્રવેશ, હોળી અને નવરાત્રિ જેવા તહેવારો તથા દિવાસાની લીલવણ પૂજાના પ્રસંગો પણ ખૂબ જ સાહજિકતાથી આવરી લીધા છે. વનવાસીઓના ઘરોમાં જોવા મળતાં ચિત્રોની ઉત્કટતા અને પ્રચુરતા અંગે લેખક અહીં ખજૂરાહોના પ્રસિદ્ધ કામશિલ્પોનો ઉલ્લેખ ચૂકતા નથી. વનવાસીઓ આ બાબતે જેટલું સ્વાતંત્ર્ય ભોગવે છે તેનાથી આશ્ચર્ય પામી લેખક વર્ષો પહેલાની ભારતીય સંસ્કૃતિને આજની વનવાસી સંસ્કૃતિ સાથે સરખાવે છે.

અરવલ્લીના પર્યાવરણ મુજબ ઉનાળાની ભીષણતા, વરસાદની અગત્યતા અને શિયાળાની રમણીયતાના દર્શન અરવલ્લીમાં જોવા મળે છે તેની સાથે સાથે આ ઋતુઓની વૃક્ષો, પશુ-પક્ષીઓ અને માનવમન પરની અસરો પણ વર્ણવી છે. પશુ-પંખીઓ અને વનસ્પતિઓની લાક્ષણિકતાઓ, આયુર્વેદિક ઔષધિઓ અને તેના ઉપયોગો વગેરેને વર્ણનોમાં આબાદ રીતે સમાવી લીધાં છે. લેખકની સર્વગ્રાહી કલમ આ બધું એક જ લખાણમાં ગોઠવવામાં સહેજ પણ કચાશ દેખાડતી નથી. કેટલાક વર્ણનોમાં આ લઘુવર્ણનો સૌંદર્ય બક્ષે છે. ક્યાંય પણ કથાને ખેંચવામાં આવી હોય તેવો ભાવ ભાવકને થતો નથી.

આ નવલકથાનું બીજું ધ્યાનાકર્ષક અને જમા પાસું છે નભોમંડળના નક્ષત્રો, તારાઓ, ગ્રહોની લાક્ષણિકતાઓ, ઋતુની સાથે સાથે તેમાં આવતા પરિવર્તન અને લોક માન્યતાઓની અસરકારક રજૂઆત. ઋતુ સાથે આકાશના સંબંધનું આ વર્ણન ખૂબજ સુંદર છે: "આ તો મહા માસ એટલે સૃષ્ટિના વિકાસનો મહિનો. વૃક્ષોએ પહેરેલા પર્ણોના કપડાં જુના થયા હોવાથી નવા પર્ણ પહેરી લીધા ત્યારે આકાશ ક્યાં પાછું પડે એમ છે? પુનર્વસુની જોડી, પુષ્ય નક્ષત્ર, મઘાની દાતરડી, વસુકીના નેતરાં અને દ્રૌપદીનો ચોટલો જોવાની દ્રષ્ટિ અને દાનત જોઈએ. આકાશને વાંચવું એટલે પરમાત્મા સાથે સંગોષ્ઠી કરવી, એ અત્યારે હું કરી રહ્યો છું. હું આકાશની આટલી નજીક ક્યારેય નહોતો!" (પૃ.૨૫૯) લેખક આકાશદર્શનની સાથે-સાથે મૂળરાજ સોલંકી અને વિંછુડાની લોકકથા અને રુદ્રમહાલયની ખાતમુહુર્તની કથા જોડી દે છે. આ ઉપરાંત ભડલીવાક્યોનો પણ ઉપયોગ કરે છે, "માહ માંઘે ને કાંબળ કાંધે" (પૃ.૨૩૯) આ ઉપરાંત કેટલાક વર્ણનોમાં અરવલ્લીને લગતા મહાભારત ઈત્યાદિ સંસ્કૃત સાહિત્યના ઉલ્લેખોનું વર્ણન પણ લેખક દ્વારા થયેલું છે (જેમ કે પૃ.૧૧૮, પ્રકરણ ૨૭)

આમ, અરવલ્લી એ પ્રકૃતિ, વનવાસીઓ, ખેતી, ઋતુઓ, નભોમંડળ, સરકારી તંત્ર વગેરે વિષયરૂપી મોતીઓને સાંકળતી એક સૂત્રમાળા સમી ભારોભાર લાલિત્ય ધરાવતી નવલકથા છે. આ મોતીઓને એકસૂત્ર કરવાનું કાર્ય લેખકે ખુદ અરવલ્લીની પર્વતમાળા પાસે કરાવ્યું છે. રચનાની દ્રષ્ટિએ થોડીક અલગ પડતી આ લલિત નવલ ગુજરાતી ભાષા વૈભવનો આસ્વાદ કરાવતી સંકીર્ણ રચના છે.

સંદર્ભગ્રંથ:

  1. ‘અરવલ્લી’, કિશોરસિંહ સોલંકી, તૃતિય આવૃત્તિ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.

ઝલક દિનેશભાઇ પટેલ, પીએચ.ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.