Included in the UGC-CARE list (Group B Sr. No 172)
અસ્પૃશ્યતા જેવી ગંભીર સમસ્યાને નિરૂપતી નવલકથા : ‘નેળિયું’

મોહન પરમારની ‘નેળિયું’ દલિત નવલકથા ગ્રામીણ પરિવેશમાં અસ્પૃશ્યતાની સમસ્યા લઇને આવે છે. આ પહેલાં મોહન પરમારે લલિત કથા સાહિત્યના પ્રવાહમાં વહેતા રહીને ‘ભેખડ’ (1982), ‘વિક્રિયા’ (1990), ‘કાલગ્રસ્ત’ (1990) જેવી બિનદલિત નવલકથાઓનું સર્જન કર્યું છે. તેમજ ‘કોલાહલ’ (1980) અને ‘નકલંગ’ (1991) વાર્તાસંગ્રહ દ્વારા પોતાની સર્જકતાનો વાચકો અને વિવેચકોને પરિચય કરાવ્યો છે. ગુજરાતી સાહિત્યના અગ્રણી વાર્તાકાર તરીકે મોહન પરમારનું નામ ઉલ્લેખનીય છે.

‘નેળિયું’ નવલકથાનું વિષયવસ્તુ આકર્ષક અને રસપ્રદ છે. લેખક ભાવકોને પોતાના કથાપ્રવાહમાં પકડી રાખે છે. તેમજ ભાવકના મનમાં તેઓ કથાનિમિત્તે ઘણા પ્રશ્નો ઉભા કરીને એક રસિક સંભાવાના જન્માવી છે. સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ કે વર્ણભેદની અસરો વ્યક્તિના અચેતન મનમાં પણ પડેલી હોય છે. પરંતુ જે વ્યક્તિ અસ્પૃશ્યતા કે વર્ણવ્યવસ્થા વિશે જાણતી જ ન હોય તે પોતાની જાતિ વિશે કે અન્ય સમાજ વિશે કેવી પ્રક્રિયા તેના મનમાં જન્માવે છે તે જાણવું રસપ્રદ અને મહત્વનું બની રહે છે. જાતિનું લેબલ માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં કેવા પરિમાણો રચી આપે છે તે પણ આ નવલકથામાંથી સિદ્ધ થાય છે.

કથાનું વસ્તુ કંઇક આવું છે- તૂરી (દલિત) જતિનો એક એન્જિનિયર વગડામાં રસ્તાની બાજુમાં અકસ્માતનો કે દુશ્મનોના હુમલાનો ભોગ બની, ઘાયલ થઇને બેભાન અવસ્થામાં પડ્યો છે. તેને ગામડાના એક પટેલ દંપતી – તોરલ અને જીવણભાઇ પોતાને ઘેર લઇ જઇને સારવાર કરી સાજો કરે છે. જીવણભાઇ પોતે દેશી દવાઓના જાણકાર છે. પણ ભાનમાં આવેલો માણસ પોતાની યાદદાસ્ત ગૂમાવી બેઠો છે. પોતાના અતિત સાથેનો સંદર્ભ પણ તૂટી ગયો છે : ‘હું કોણ છું ? મારા મા-બાપ કોણ છે ? હું કેમ ઘાયલ થયો ? મને કોણે માર્યો ? આમાંથી એ કશું જાણતો નથી. એટલું જ નહિ, તે જ્ઞાતિપ્રથા હરિજન, પટેલ અસ્પૃશ્યતા એ વિશે પણ ભૂલી જાય છે. હરિજનો પ્રત્યે અન્ય મનુષ્યો શા માટે અસ્પૃશ્યતા રાખે છે એ પણ એની સજમજણમાં આવતું નથી. આ માણસના કપડાં, વાણી અને વર્તન પરથી પટેલ દંપતી માની લે છે કે આ કોઇ શિક્ષિત અને સારા ઘરની વ્યક્તિ છે. આવી નાજુક પરિસ્થિતિ સર્જીને લેખકે મોટી સંભાવના ઉભી કરી છે. લેખકે આટલી ભૂમિકા રજુ કર્યા પછી સ્મૃતિલોપ પામેલા મુખ્ય પાત્ર પર જ પોતાનું ધ્યાન કેન્દ્રસ્થ કરે છે. સ્મૃતિલોપ પામેલાં આ મણસને લોકો ‘સાહેબ’ કહે છે અને છેવટ સુધી એની એ જ ઓળખ બની રહે છે. જીવણભાઇ અને તોરલ સીધાસાદા સેવાભાવી અને ભલાભોળા ગ્રામીણજન છે. તેઓ દિલ દઇને સાહેબની સરભરા કરે છે. તોરલની સાહેબ પરત્વેની સહાનુભૂતિ, એમના વચ્ચે ફૂટતાં પ્રેમના અંકુરો વગેરેનું લેખકે સૂક્ષ્મતાથી નિરૂપણ કર્યું છે. નવલકથાનો મોટો ભાગ સાહેબ અને તોરલ વચ્ચેના પ્રણયસંબંધો રોકે છે પણ લેખકને તેમની વચ્ચે પરંપરા મુજબ પ્રણય ત્રિકોણ સર્જવાનો રસ નથી. તેમને તો ગ્રામજીવનમાં ઊંડા મૂળ નાખીને વકરેલા અસ્પૃશ્યતાના મહારાક્ષસ પર પ્રકાશ ફેંકવામાં રસ છે. એટલે લેખકે એવું આયોજન કર્યુ છે કે સાહેબ ગામમાં બધી કોમના લોકો સાથે સંપર્કમાં આવી તેમના આદરપાત્ર બને. ગામડાના હરિજનોને જોતાં જ એમનું હ્રદય વિશેષપણે એમના તરફ ખેંચાય છે. એમના વાસમાં જઇને સાહેબ ચા-પાણી કરે છે. એમની મુસીબતો જાણે છે. તેમજ ગામના લોકોના દલિત તરફનો અણગમો તેમને ખૂંચે છે. દલિત વાસની ચંપા નામની સુંદર ને નિડર યુવતી તેમનાથી આકર્ષાય છે. ગામના સરપંચ અભેસીંગ સાહેબને પોતાની પુત્રી રૂપબાના શિક્ષણ અને પોતાનાં ખેતરના હિસાબ-કિતાબ માટે રાખી લેવાનો પ્રયત્ન કરે છે. અભેસીંગની પુત્રી રૂપબા પણ સાહેબથી આકર્ષાય છે. આમ, કથામાં મુખ્ય પાત્ર પર તોરલ ઉપરાંત બીજા બે સ્ત્રી પાત્રો ચંપા અને રૂપબા મોહિત થાય છે. આ પ્રકારનું આલેખન પરંપરાની ચીલાચાલુ નવલકથામાં હોય છે તેવું અહીં પણ જોવા મળે છે. દલિત નવલકથાના નાયકની પ્રતિબદ્ધતા એવા દલિતો પરત્વે હોવી જોઇએ કે જેમણે અન્યાયો સહન કર્યા છે.

આ કથામાં જીવણભાઇ નો સાથી જેઠો, મિલ બંધ પડવાથી પાછો આવેલો મણિલાલ કે સરકારી કારકુન હોવા છતાં કશી સામાજિક પ્રતિષ્ઠા પામી નહીં શકેલ દિનેશ કે આખી જિંદગી સવર્ણોની ગુલામીમાં પસાર કરનાર શિવાબાપા સાથે નાયકનું કશું સામાજિક કે વૈચારિક અનુસંધાન નથી એવો અભિપ્રાય આપતાં કિરીટ દૂધાતે નોંધ્યુ છે કે, ‘નાયક એવો દલિત છે કે જેને સવર્ણોએ પોતાના તરફી બનાવી દીધો છે. લોકો તેને ‘સાહેબ’ કહીને માન આપે છે ત્યારે તેને મોક્ષ મળ્યો હોય એવો આનંદ થાય છે. જેઠો, મણિલાલ, દિનેશ અને શિવાબાપાની વેદનાથી નાયક ને લેખકે દૂર રાખ્યો છે.[1] અહીં કિરીટ દૂધાત દલિત સર્જકો પાસે કેવા પ્રકારની પ્રતિબદ્ધતા હોવી જોઇએ તેમજ પરંપરાથી ઉફરા જઇને આલેખન કરવા તરફ લક્ષ્ય રાખવું જોઇએ એ તરફ ધ્યાન દોરે છે. મોહન પરમાર આ કથા દ્વારા એ સિદ્ધ કરવા ઇચ્છે છે કે જાતિપ્રથાના કારણે માનવસંબંધોમાં કેવા પ્રવાહ પલટાં આવે છે તે સૂચવે છે.

સાહેબ અને તોરલ સિદ્ધપુર જાય છે. તોરલ તળાવમાં નહાવા પડે છે. પછી અત્યંત ભાવુક પરિસ્થિતિમાં લેખકે તોરલ પાસે સાહેબની હથેળીમાં ચુંબન કરાવ્યું છે. તોરલના પિયર સિદ્ધપુર પાસેના ગામમાં સાહેબ જાય છે. ત્યાંના ભવાયા-તૂરી લોકો પ્રત્યે એમનું હ્રદય ખેંચાય છે. ગામમાં એક બાજુ પટેલો અને હરિજનો તો બીજી તરફ ઠાકરડા અને દરબાર વચ્ચે મારામારીની ઘટનાઓ દ્વારા સંઘર્ષ નિર્માણ થાય છે, ત્યારે સાહેબની દરમિયાનગીરીથી સમાધાન થાય છે. સર્જક સાહેબને ગામડાના તમામ વર્ગોમાં આદરપાત્ર થતાં દર્શાવીને નાયક તરીકે તેમનું આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ આલેખે છે.

ગ્રામ્યજીવનમાં કોમ-કોમ વચ્ચેના કલહ અને સંઘર્ષ, સરપંચની જોહુકમી, શોષણ, અન્યાય, દલિતો પ્રત્યે અન્ય કોમનું વલણ, હરિજન યુવાનોનો ઉચ્ચ વર્ણ પ્રત્યેનો આક્રોશ આ બધાનું ઔચિત્યપૂર્ણ આલેખન કર્યા પછી લેખક રહસ્યસ્ફોટ કરે છે. સાહેબને આઘાત લાગે એ રીતે જીવણભાઇ અને તોરલ સાથેનો વર્તાવ સામા છેડાનો બની જાય છે. જીવણભાઇ અને તોરલનો એક મહેમાન સાથેનો સંવાદ સાહેબના કાને પડતાં તે ચોંકી ઉઠે છે. એ પોતે વણકર-ચમાર કોમથી ઉતરતી ગણાતી કોમનો ભવાયો-તૂરી છે. જીવણભાઇ શહેરમાં જઇને સાહેબ વિશે માહિતી મેળવી લાવ્યા કે તે પી.ડબલ્યુ.ડી. માં ડેપ્યુટી એન્જિનિયર છે. તેને પત્ની અને છોકરાં પણ છે. આ જાણ્યા પછી પટેલ દંપતીની વૃત્તિઓ બદલાઇ જાય છે. ‘હું કોઇ જાતનો છું તેની જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી આ બધુ જળવાઇ રહ્યું ને જેવું જાણ્યુ કે હું હરિજન છું ત્યારે... તે સાંજે તો તોરલ મને જે ઇશારા કરીને ઉતરી આવેલી રાતને માણવાના સપનાં સજેલાં તે બધુ મારી હલકી જાતિને કારણે કડડભૂસ કરતું ભાંગી પડ્યું.’[2] કોમવાદી વલણો માણસના અંતરમાં કેવા જડબેસલાક ચોંટી ગયા છે તેનું વિચારચક્ર સાહેબના મનોગતમાં ચાલ્યું. તેમનાં મનમાં તો ધરતી માર્ગ આપે તો સમાઇ જાઉં એવું મંથન ચાલે છે ત્યાં તોરલના શબ્દો સંભળાયા : ‘વાન જરા ઉજળો દીઠો અનઅ મોં જરા રૂપાળું જોયું એટલઅ વાંણીયા બાંમણ હશી ઇમ માનીનઅ આંય લાયા. જો પેલેથી ખબર પડી જઇ હોત કઅ આ તો ઢેડ છઅ તો દવાખાને જ ના મોકલી દેત...’[3] આ પછી સાહેબના મનમાં તીવ્ર આક્રોશ, રોષ, વેદના અને નિરાશા જાગે છે : ‘જાતિને નિર્મૂળ કર્યાં સિવાય પ્રતિભાશાળી વ્યક્તિને આપણે ક્યારેય ઓળખી શકવાના નથી.’[4] સાહેબ પોતે વિચારે છે : ‘બે બાજું કાંટાળા થોરથી લથબથતું આ ધૂળિયું નેળિયું હું કયા ભવે પાર કરી શકીશ ?’[5] સાહેબ નેળિયામાંથી બહાર નિકળવા મથામણ કરે છે પણ જાતિવાદના નેળિયામાંથી કદી બહાર આવી શકશે નહિ એવી તીવ્ર વેદના અનુભવે છે.

‘નેળિયું’ શીર્ષક પ્રતીકાત્મક બની રહે છે અને વિષયવસ્તુને સાર્થક બનાવે છે. મધુસુદન પારેખે ‘નેળિયું’ નવલકથાને ગ્રામજીવનની એક સુંદર વિચારપ્રેરક નવલકથા લેખાવતાં ઉચિત નોંધ્યું છે : ‘વાર્તાકારે નેળિયાના પ્રતીક દ્વારા આપણા દેશમાં સંકુચિતતા છે તે ચીંધી છે. અને સાહેબ પોતે જે વેદના છેવટે વેઠે છે તે સાહેબની એકલાની નથી, આખા દલિત સમાજની છે. પણ લેખકને કોમ કોમ વચ્ચેના આંતરવિગ્રહમાં રસ નથી. એટલે સાહેબ પણ સમાધાનવૃત્તિના માર્ગે નેળિયામાંથી રાજમાર્ગ તરફનો રસ્તો શોધવાની મથામણ કરતાં દર્શાવાયાં છે.[6] આ કથામાં નાયક સંઘર્ષ કરવાની સ્થિતિમાં જ નથી. લેખકે એને અંતે સમાધાનપૂર્વક નેળિયામાંથી બહાર નીકળી જવા મથતો દર્શાવ્યો છે. કિરીટ દૂધાતે ‘નેળિયું’ને ‘દલિત નવલકથાની હથેળીમાં ચૂંબન’ ગણાવી છે અને ચીલાચાલુ નવલકથાથી વિશેષ આ નવલકથામાં કશું નથી એવો બળાપો પણ વ્યક્ત કર્યો છે.

મોહન પરમારની આ પ્રથમ દલિત નવલકથા છે. ‘નેળિયું’ નવલકથા દ્વારા દલિતનવલકથા ક્ષેત્રે એમણે પોતાની સર્જકશક્તિનો આગવો પરિચય આપ્યો છે. તેમણે વિષયને અનુરૂપ ઘટનાઓની માંડણી કરી છે. ગ્રામ્યજીવનનાં વિવિધ પાત્રોની તળપદી બોલીનું સામર્થ્ય તેમની પાસે છે, અને તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. મોહન પરમારે વાર્તાની જેમ નવલકથા ક્ષેત્રે પણ તેમની સર્જકતાનો પરિચય કરાવ્યો છે. સમગ્રતયા જોતાં, આ નવલકથા એક સબળ-સફળ કૃતિ બની રહે છે.

સંદર્ભનોંધ :

  1. ‘દસમો દાયકો’ : ઑક્ટોબર-ડિસેમ્બર : 1993, વર્ષ-3, અંક-4, પૃ.28-29
  2. ‘નેળિયું’ : મોહન પરમાર, (1992), પૃ. 375-76
  3. એજન, પૃ. 376
  4. ‘નેળિયું’ : મોહન પરમાર, (1992), પૃ. 378
  5. એજન, પૃ. 388
  6. 1991ની સાલનું ગ્રંથસ્થ વાડ્મય, મદુસુદન પારેખ, પૃ. 21

ઝાલા યોગેશકુમાર મફાજી, પીએચ.ડી. શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, કડી સર્વ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટી, ગાંધીનગર. મો.નં. ૯૬૬૪૭૯૨૫૧૩ yogeshsinhzala7414@gmail.com