હું ઊભો હતો ત્યાંથી આ રસ્તો ક્યાં નહીં પહોંચે
ઘરથી સંસદ સુધી? નહીં,
એથીય આગળ સંવેદના વિહીન માણસ સુધી!
ને ત્યાં સામેનાં ઓવરબ્રિજથી આ તરફ આવી રહ્યું હતું એક દંપતિ ;
માથે કોથળો,
હાથે થેળો
ને થેળા પકડી ચાલતા બાળકો
રસ્તાની બાજુએ આવી બેઠું.
એક કોથળીમાંથી
સૂકા રોટલા ને
ડબ્બામાંથી સૂકા મરચાની સૂકી ચટણી.
ઉખડ બેસી
પાંચેય ખાઈ રહ્યા હતાં.
એ.સી.માં જીવનારાઓનું આવું ગળે ઉતરે?
નહીં, ગળું ફાટી જાય એવો સ્વાદ હશે.
પેલી મોટી દુકાનની મિસ્ટાન
એ બાળકોએ ક્યારેક માંગણી કરી હશે?
કે બેસવા માટે ખુરશી, ઊંઘવા માટે ખાટલોય નસીબ હશે ખરો?
આ બાળકો શાળાનાં પગથિયા ચઢશે ખરા?
એમને રસ્તા,
ઓવરબ્રિજ,
બિલ્ડિંગ જ ઊભા કરવા મજુરનું બિરુદ મળ્યું છે.
ક્યાંક બપોરે થાકીને જરા આરામ કરવાનુંય ક્યાં મળે?
આ વૃક્ષોનું જો નિકંદન કાઢી નાખ્યું છે વિકાસના નામે..!
વૃદ્ધાવસ્થા સમયે આરામથી જીવશું
એ સ્વપ્ન આવે
તે પહેલા
એમને કોઈ જીવલેણ રોગ તરાપ મારી બેઠો હશે.
શું વારસો ને
વાતાવરણમાં વિકસી
વિચરતા રહેવું કે
આ માથેથી
પગનાં તળિયા સુધી
પરસેવાનો રેલો
એ જ એમની જિંદગી...?