આ જમાનામાં વ્યવસાય એ કોઈપણ વ્યક્તિની અનિવાર્ય પ્રવૃત્તિ બની રહ્યો છે. પરિણામે દરેક વ્યક્તિ જીવનને પાટે ચડાવવા મથામણ કરતું હોય છે. હવે જ્યારે કોઈને નવો વ્યવસાય શરૂ કરવો હોય ત્યારે પરિવિચારણાઓ કરવી આવશ્યક છે. આમાં જગ્યાથી લઈને શણગાર સુધીની તમામ બાબતો ધ્યાને લેવાય છે પણ એક બાબતને સતત નજરઅંદાજ કરવામાં આવે છે, તે છે વ્યવસાયના નામકરણમાં જોડણીની તપાસ. દેશના બંધારણે આપણને સ્વવિકાસ અર્થે કમાણી કરવાની છૂટ આપી છે અને ભાષાએ આપણને અભિવ્યક્ત થવાની, નહીં કે આપણા વ્યવસાયથી દેશ કે ભાષાનું નિકંદન કાઢવાની. જોડણી બાબતનો વિચાર કરવો એ એકદમ નાનું લાગતું કાર્ય જો વિચારવા બેસો તો અતિમહત્ત્વનું છે કેમકે, જે-તે વ્યક્તિ જોડણી ખોટી તો લખશે પણ એ પછી પોતાની નવી શાખાના પ્રચારાર્થે મોટી મોટી જાહેરાતો કરશે. આ ખોટાડી જોડણીનો ભોગ કેટલા લોકો બનશે એનું કોઈ માપ ખરું? અરે સાહેબ! તમારે કોઈ નિબંધ નથી લખવાના. એકાદ-બે શબ્દ પણ સાચા ન લખી શકો? વળી નામકરણમાં ખોટી જોડણી કરીને તમે શું કરો છો? તમારા હિત માટે શું ભાષાની બલી ચડાવવાની? અને તમે ફેલાવેલી ખોટી જોડણીને કાલે કોઈ બાળક વાંચશે ત્યારે? તમને સાચાં માનીને એ પણ ખોટી જોડણી કરતું થઈ જશે. આ ભાષાનિકંદનનું પાપ તમારી નવી વ્યાવસાયિક શાખા ભોગવવા તૈયાર છે? શું તમે તમારા આર્થિક લાભ ખાતર ખોટી જોડણી થકી ભાષાનો સર્વનાશ કરવાનો પ્રચાર કરો છો? અહીં આ બાબતોને લઈને ગુજરાતી ભાષાની જોડણી સંદર્ભે ભારપૂર્વક કેટલીક વાત રજૂ કરું છું અને આ વાત એવા તમામ વ્યક્તિને લાગુ પડે છે જે જાહેર જનતા સુધી પહોંચવા માટે ગુજરાતી ભાષામાં એકાદ શબ્દ લખવાનું વિચારતાં હોય.
મારા સુધ્ધાં કોઈને પણ ગુજરાતી ભાષાની ખોટી જોડણી કરવાનો અધિકાર નથી. ભાષાએ આપણને સામેની વ્યક્તિ સુધી અભિવ્યક્ત થવાની કેટલી ઉત્તમ સગવડ પૂરી પાડી છે તો આપણે તેની આંતરિક વ્યવસ્થાને સમજીએ કેમ નહીં? ગુજરાતી ભાષામાં શબ્દરચના કેમ કરવી એ બાબતે આજ સુધીમાં ઘણી ચર્ચા પણ થઈ ચૂકી છે. જોડણીને સમજવા માટે આપણી પાસે ‘સાર્થ’, ‘ભગવદ્ગોમંડલ’ જેવા મૂલ્યવાન જોડણીકોષ પણ રહેલા છે તો તમને એમનો ઉપયોગ કરતા બળ શેનું પડે છે? એ વાત ખરી કે કદાચ કોઈ નાણાંભીડને કારણે મુંજાતું હોય, કોષ ખરીદી ન શકે. તો આ બંને કોષની આ જ નામથી ઍપ્લિકેશન પણ બનેલી છે. પ્લૅસ્ટોર પરથી તેમને નિશુલ્ક મેળવીને જોડણી બાબતે મુંજવતા પ્રશ્નોનો હલ કરી શકાય એમ છે. વ્હૉટ્સએપ પરના સારા સંદેશાને લખાણમાં સાવ અર્થહીન રાખીને બીજા સુધી પહોંચાડવા કરતા આ બંને કોષ પર નજર કરીને એ પ્રમાણેનું લખાણ આગળ મોકલવામાં આવેને તોય ભાષાની સેવા કરવાનું પુણ્ય મળશે.
કેટલાક લોકો પાસેથી એવું પણ સંભાળ્યું છે કે જોડણીમાં અમે હ્રસ્વ કરીએ કે દીર્ઘ ફેર શું પડે? અમે જે કહેવા માગીએ છીએ એ તમને સમજાય જાય એટલે બહું થયું! પણ મિત્ર, જો આમજ ચાલતું હોય તો તું ધાન ખાય કે ધૂળ ફેર શું પડે? ખાને લે, કેમ? લગ્નના ફેરા જમણી બાજુથી ફરવાને બદલે ડાબી બાજુથી ફરે તો ના ચાલે? જો તમારું આ ચાલે તો ગમે તેવી જોડણી ચાલે. મહાશયશ્રી, ભાષા વાત કે વિચારોને વ્યક્ત કરવા શબ્દોનો પોશાક પહેરે છે. એને આમ લઘરવઘર લૂગડાંમાં અભિવ્યક્ત કરીને ફાંકા મારવાનો કોઈને હક્ક નથી. ભાષાને વ્યવસ્થિત રૂપમાં લખવી એ આપણી ૫૧(ક) અંતર્ગતની બંધારણીય ફરજ છે.
તમે એક વાતને ગંભીર પણે સમજો કે કોઈ પણ બાળક વાંચતાં શીખતું હશે એટલે તે તેની આસપાસનાં લખાણને વાંચતું થશે. જે કંઈ તેની નજર તળેથી પસાર થશે તે તરત વાંચી કાઢશે. આ સમયે તેની નજર સમક્ષ આવનાર કોઈ પણ શબ્દ તેની માનસપ્રતિમા બનશે. આવું વારંવાર બન્યા પછી જ્યારે લખવાનું થશે ત્યારે એ પેલો શબ્દ યાદ કરવાનો પ્રયત્ન કરશે જે તેની આંખ તળેથી ભૂતકાળમાં પસાર થયેલો અને મોટા ભાગે એ જ લખશે જે તેણે લખેલું જોયું હતું. હવે વિચારો કે એ લખેલું સાચું જ હતું તેની ખાતરી કેટલી? આપણી સાથે પણ સતત આવું જ થતું આવ્યું છે. આ બાબતનો પુરાવો આપવાની મારે કોઈ જરૂર નહીં પડે કેમકે આપણી આસપાસ રહેલાં જાહેર લખાણો તેની સાક્ષી પુરશે. કહેવાનો અર્થ એટલો જ કે હાલ મોટા પાયે જોડણીનો ખોટો પ્રચાર થઈ રહ્યો છે અને એ પ્રચારનો ભોગ બનનાર આપણે સૌ કે કોઈ મુગ્ધ બાળક તેને સાચી માની લઈને જે-તે લખાણ કરવાના. પરિણામે ગુજરાતી ભાષાની જોડણી સંદર્ભે સતત વિમાસણ વધતી જવાની. આ વિમાસણને નાથવાની શરૂઆત તમારાથી થાય એવો આશય આ લેખમાં રહેલો છે.
જાહેર જીવનમાં પ્રવર્તમાન ગુજરાતી ભાષાના શબ્દો ફૂટબોલ જેવા થઈ ગયા છે. જેને જેમ ગમે તેમ લાત મારીને એકબીજા તરફ ફેંક્યા કરે છે. આ બાબતે જાહેર સંસ્થાઓ, સરકારી કાર્યાલયો, સમાચારપત્રો અને તેમાં આવતી જાહેરાતો, ટેલિવિઝન, રસ્તા પરના લખાણો, દુકાનો કે હૉટેલ પરના લખાણો ખાસ જવાબદાર છે કેમકે, મોટાભાગના લોકો શિષ્ટ ગુજરાતીના પુસ્તકો કરતાં આ બાબતોની વધું નજીક જીવે છે. માટે પોતાના અંગત સ્વાર્થને ભાષામધ્યમે અભિવ્યક્ત કરતાં લોકોએ પૂરી તકેદારી સાથે જે-તે લખાણ કરવાનું રહેશે, એ સમજીને કે ગુજરાતી ભાષા તેના પિતાશ્રીની સંપત્તિ નથી. મારા જોવામાં આવેલા જોડણીદોષોની વાત કરું તો પાર આવે એમ નથી તેમ છતા અહીં એવા જાહેર લખાણોની નોંધ લઉં છું જેમાં થોડું ધ્યાન આપવામાં આવે તો જોડણીદોષ ટાળી શકાય એમ છે.
મોટામોટા અક્ષરોમાં દીવાલો બગાડીને નવીનવી બાયું સાથે જાહેરાતો કરતા લોકોને ગુજરાતી શબ્દના બંધારણને સમજવાનો તો સમય જ નથી! ગુજરાતી ભાષામાં શબ્દની આગળ(પૂર્વપ્રત્યય) અને પાછળ(પરપ્રત્યય) એમ બે રીતે પ્રત્યય લાગે છે પણ આવી કેટલા પ્રચારકોને ખબર છે? ગુજરાતીના પૂર્વ અને પરપ્રત્યયોને જોયા વગર ખોટું લાખનારાનો પાર નથી : ‘અતીથી ગૃહ’, સરકારના પ્રતીનીધિ’, ‘વૃક્ષ બચાવો અભીયાન’, ‘જળહળતું પરીણામ’, ‘પૂછડા પરીવાર’, ‘નીષ્પક્ષ લડશે’, નીરામિષ આહાર’, ‘શારીરીક શિક્ષણ’, ‘રણજીત સ્માર્ટ’, ‘ઇંદ્રજીત બરફડિશ’, ‘દલીત-શોષીત-પીડીતોને મળશે ન્યાય’, ‘લીખીતંગ ફલાણા’, ‘દૈનીક સમાચાર’, ‘મહાદેવ કીલનીક’, ‘સીરામીક ઉદ્યોગ’ ‘અનુભવી શિક્ષીકા’, ‘પ્રાથમીક કક્ષા’, ‘ઔતિહાસીક સફર’, ‘પૌષ્ટીક ખાણું’, ‘સ્વસ્તીક પૂજન’, ‘અંબીકા જ્વેલરી’ વગેરે જેવા શબ્દોમાં હ્રસ્વ-દીર્ઘ ‘ઇ’/’ઈ’ અંગે કોઈ ખ્યાલ રખાયો નથી, અહીં રહેલા ઘાટા વર્ણો તેની સાક્ષી પૂરે છે. થોડી કાળજી રાખવામાં આવે તો નિયમો સાવ સરળ જણાશે જેમકે, પૂર્વ પ્રત્યયો-સંસ્કૃતના ઉપસર્ગો (સંધિનો નિયમ ન લાગે ત્યારે) હંમેશાં હ્રસ્વ ‘ઇ’-‘ઉ’ સ્વરૂપે જ લખાય છે : ‘અતિ’ (અતિશય, અતિરેક, અતિથિ), ‘પ્રતિ’(પ્રતિકાર, પ્રતિનિધિ, પ્રતિબિંબ), ‘અધિ’(અધિકારી, અધિકૃત), ‘અભિ’(અભિજિત, અભિયાન), ‘પરિ’(પરિવાર, પરિપૂર્ણ), ‘નિ’(નિગમ, નિચોડ), ‘નિ:’(નિ:શુલ્ક, નિ:સંતાન), ‘નિશ્’(નિશ્ચિંત, નિશ્ચય, નિષ્ફળ), ‘નિર્’(નિર્દોષ, નિરામિષ), ‘વિ’(વિકિરણ, વિજ્ઞાન), ‘સુ’(સુવિચાર, સુકન્યા, સુગ્રીવ), ‘ઉત્’(ઉત્તર, ઉત્ક્રાંતિ), ‘ઉપ’(ઉપલબ્ધ, ઉપગ્રહ), ‘અનુ’(અનુકૂળ, અનુકરણ) વગેરે. તો કેટલાક પરપ્રત્યયો હંમેશાં હ્રસ્વ ‘ઇ’ સ્વરૂપે જ લખાય છે : ‘ઇક’(શારીરિક, પૌષ્ટિક, પ્રાથમિક, ક્લિનિક, સિરામિક), ‘ઇકા’(પુસ્તિકા, શિક્ષિકા, અંબિકા), ‘ઇત’(રણજિત, ઇંદ્રજિત, પીડિત, પંડિત, શોષિત, લિખિતંગ,), ‘ઇલ’(અનિલ, શિથિલ, કારગિલ), ‘ઇષ્ઠ’(કનિષ્ઠ, વરિષ્ઠ), ‘ઇષ્ટ’(અનિષ્ટ, અંત્યેષ્ટિ, ક્લિષ્ટ) વગેરે. આ જોયા તે હ્રસ્વ તેમ બીજા કેટલાક પરપ્રત્યયો હંમેશાં દીર્ઘ ‘ઈ’ સ્વરૂપે લખાય છે : ‘અનીય’(આદરણીય, માનનીય), ‘ઈન’(રંગીન, નવીન, અર્વાચીન), ‘ઈય’(રાજકીય, ભારતીય), ‘ઈશ’(ગિરીશ, જગદીશ), ‘ઈક્ષ’(નિરીક્ષા, સમીક્ષા) વગેરે. આટલા પ્રત્યયો ઉપરાંત સંધિનો થોડો ખ્યાલ પણ જરૂરી છે. ‘પરિ’ શબ્દ પાછળ ‘ઈક્ષા’ પ્રત્યય લગતા ‘રી’ દીર્ઘ બનશે એ સંધિના કારણે: પરિ+ઈક્ષા =પરીક્ષા, પ્રતિ+ઈક્ષા=પ્રતીક્ષા, પ્રતિ+ઇતિ=પ્રતીતિ, જાતિ+ઇય=જાતીય, સુ=ઉક્તિ =સૂક્તિ વગેરે. પરંતુ કેટલીક વાર સંધિમાં રહેલા પ્રત્યયને ધ્યાનમાં લેવાતો નથી જેમકે, ‘સુ-સ્વાગતમ’. અહીં સુ+આગતમ=સ્વાગતમ થયું છે તો દરવાજે ‘સુ-સુ-આગતમ’ લખીને તમે શું કહેવા ધાર્યું છે? શબ્દનું સ્વરૂપ જો પકડી શકાય તો જોડણી સાવ સહેલી છે અને ના પકડી શકાય તો જોડણીકોષ તો છે જ પણ સાવ આડેધડ લખીને શાબ્દિક અર્થનું પતન ના કરશો.
ગુજરાતી ભાષાના વિભક્તિના પ્રત્યયો અંગે જાહેર શબ્દોમાં ભાગ્યે જ તકેદારી રાખવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં ‘અમદાવાદ થી સુરત’, ‘તમે કેમેરા ની નજર માં છો’, ‘બાપા ની મોજ’, ‘કુતરા થી સાવધાન’, ‘વાંદરા ની ધમાલ’, ‘ગુજરાતી ભાષા નું વ્યાકરણ’, ‘ખિસ્સાકાતરુ થી સાવધાન’’, ‘પશાભાઈ ની ચાલી’, ‘દવા ની દુકાન’ ‘સરકાર ના પૈસા’ વગેરે જેવા લખાણો જોવા મળે. આ લોકોને કોણે છૂટ આપી હશે આમ લખવાની? ગુજરાતી બોલતા આવડે એટલું પૂરતું નથી. તેના લેખનના નિયમોથી વાકેફ હોવું પણ જરૂરી છે. અંગ્રેજીમાં ‘Ahmedabad to Surat’ એમ લખો ત્યારે ‘to’ અલગ રહેશે પણ એ એમનો નિયમ છે. પેલા ઘરની રીત તો જુઓ. ગુજરાતીમાં જેટલા વિભક્તિના પ્રત્યયો છે તે બધા ‘અનુગ’(Post Position) કહેવાય છે, એ એટલા જ માટે કેમકે તેમને હંમેશાં શબ્દની સાથે-શબ્દની પાછળ જોડીને લખવામાં આવે છે. આવા અનુગ ગુજરાતી ભાષામાં માત્ર પાંચ છે : ‘એ’, ‘ને’, ‘થી’, ‘માં’, ‘નો-ની-નું-ના’. આ પાંચ પ્રત્યયને સાચવવાના છે. એટલે હવે તમે ફરી ઉપર નજર કરશો તો જાણ થશે કે અનુગોની હાલત કેવી થઈ છે. બિચારાને ભેગા રાખો જુદા પાડીને તમને શું મળવાનું? પરિવહનનો ધંધો કરતા લોકોએ તો ‘થી’ અનુગની આબરૂ કાઢી છે. બે ગામ કે શહેરના નામની વચ્ચે ‘થી’ અનુગને લબડતો જ રાખે. પણ હવે સુધરો. અનુગો શબ્દની સાથે જોડીને લખતા લખાણ પણ સારું લાગશે : ‘દાદાએ બાળકોને રબ્બરના દડાથી મેદાનમાં રમવા જવાનું કહ્યું.’ અનુગ સાથે એ પણ સમજો કે આ વાક્યમાં રહેલા ‘માં’ અનુગનો અર્થ ‘ની અંદર’ એવો થાય છે. પણ હિન્દીના અનુકરણથી ગુજરાતીમાં ‘માતા’ માટે ઠેરઠેર ‘માં’ લખેલું જોવા મળે છે જેમકે, ‘જય ચામુંડામાં’, ‘માં નો માંડવો’, ‘માંડી’(માડી), ‘માં તારી મહેર’, ‘અંબેમાં’, ‘માઁ ભવાની’ વગેરે. આ લખેલું તદ્દન ખોટું છે. આમ લખેલું હોય તેનો અર્થ ‘ની અંદર’ થવાનો, ‘જય ચામુંડા-ની અંદર’. આ તો ભાષા સાથે માતાજીનું પણ અપમાન નથી? હિન્દીમાં ‘માતા’ માટે ‘માઁ’ લખી શકાય છે કેમકે એ ભાષામાં ‘માં-ની અંદર’ એવો અર્થ આપતો ‘મેં’ પ્રત્યય અલગથી છે. પણ ગુજરાતી ભાષામાં આવું નથી માટે માતાના સંદર્ભમાં ‘મા’ શબ્દ પર અનુસ્વાર ન કરવો. એક જાણીતું વાક્ય યાદ રાખો ‘આખો સાગર નાનો લાગે જ્યારે ‘મ’ને માત્ર કાનો લાગે.’ વળી કેટલાંક તો ‘મા’ ઉપર અનુસ્વાર કરવાથી વધીને ત્રિશૂલ દોરીને તો કેટલાંક મોરપીંછ દોરીને કલાકારી બતાવે છે. ધૂળ પડી તમારી એ કળામાં, કળા સાથે ભાષાકીય કૌશલ હોવું પણ જરૂરી છે. આ બાબતની નોંધ ‘આર્ટ’નું કામ કરનારા પણ લે. બહુ રૂપાળા અક્ષરોમાં વાહનો પર કોતરી-કોતરીને લખે પણ કોઈ વખત જોડણી પર ધ્યાન આપ્યું? આપણે તો ભાઈ લેરી લાલા ને પૈસા વાલા...
જાહેરમાર્ગો પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી હૉટેલોએ ‘કાઠીયાવાડ’ શબ્દને સાવ વગોવી નાખ્યો છે. હૉટેલોવાળાને બીજા લોકોને ‘કાઠિયાવાડી’ ખવરાવવાનો ભારે ચસ્કો લાગ્યો છે પણ જોડણીને તો તેલમાં તળે છે. રાતે જુઓ તો રૂપાળા શબ્દોમાં ‘કાઠીયાવાડી…કાઠીયાવાડી’ એમ લબૂકઝબૂક લબૂકઝબૂક થતું હોય છે. સરખું જુઓ તો એ લબકારા ‘સાવ ખોટું છે...સાવ ખોટું છે’ એમજ થાય છે. આ જ રીતે લખાયેલા ‘જય ખોડીયાર’, ‘કરીયાવર’, ‘કરીયાણાની દુકાન’, ‘હરીયાળી જગ્યા’, ‘કડીયાકામ માટે મળો’, ‘ભગવતી ભજીયા’, ‘ઈસ્કોન ગાંઠીયા’, ‘સમીયાણા સર્વિસ’ ‘વિડીયો લેબ’, ‘એફ. એમ. રેડીયો’, ‘ઢીંકણાં સુખડીયા’ જેવા શબ્દો ગુજરાતી ભાષાની અધોગતિ નોતરી રહ્યા છે. લેખન બાબતે નિયમ એવો છે એ ‘ય’ પૂર્વે આવતો ‘ઇ’ હ્રસ્વ રહે છે. માટે ઉપરના શબ્દોને ‘ખોડિયાર’, ‘કરિયાવર’, ‘કડિયો’, ‘ભજિયાં’, ‘ગાંઠિયા’, ‘વીડિયો’, ‘રેડિયો’ એ રીતે જ લખવા પડે. ‘ભજીયા’ એમ દીર્ઘ લખ્યા પછી પણ સંતોષ ન થતા કેટલાક તો ‘જી’ને દીર્ઘ કરી નીચેની તરફ ખૂબ લંબાવીને એમાં ભજિયાં દોરે ને વળી પાછી એમાંથી વરાળ પણ નીકળતી દેખાડે! શક્ય હોય તો આમનું ખાવું જ નહીં, પછી ક્યાં જવાના? આમાં એક બાબતનો ખ્યાલ રાખવાનો રહે કે ‘ભારતીય’, ‘માનનીય’, ‘વંદનીય’ જેવા શબ્દોમાં ‘ઈ’ હ્રસ્વ નહીં બને કેમકે તેમાં ‘ઈય’, ‘અનીય’ જેવા દીર્ઘ પરપ્રત્યય લાગ્યા છે.
બીજી તરફ જુઓ તો વાહનવાળાને પાવરનો પાર નહીં. નવું કે જૂનું લઈ આવે ને તરત જ લખાવે ‘ઈર્ષ્યાળુંને આશિર્વાદ/આર્શિવાદ’. મહાશય, ઈર્ષ્યા કરતા તો તમારી દયા વધુ આવે એમ છે! દયા એ બાબતની કે ગુજરાતી ભાષા આવડવા છતા તમને એ જ ખબર નથી પડી કે તમને આવડી શું ગયું છે! એટલે તો શબ્દોની પથારી ફેરવી છે જુઓ : ‘યોગ્ય શિર્ષક આપો’, ‘કિર્તન મંડળી’, ‘દિર્ઘ દૃષ્ટિની ખામી’, મંદિરનો જિર્ણોદ્ધાર’, ‘ગુરુ પુર્ણિમાં’, ‘મુર્તિની પૂજા’, ‘સંપુર્ણ સારવાર’, ‘ઉર્જા મંત્રાલય’ વગેરે શબ્દોમાં કરેલા ઘાટા ‘ઈ’-‘ઊ’ દીર્ઘ આવે કેમકે રેફ પૂર્વેના ‘ઈ’-‘ઊ’ દીર્ઘ લખાય એ જોડણીનો નિયમ છે. એટલે ઉપરના ખોટા શબ્દો આમ લખાશે : ‘શીર્ષક’, ‘કીર્તન’, ‘દીર્ઘ’, ‘જીર્ણ’, ‘પૂર્ણિમા’, ‘મૂર્તિ’, ‘સંપૂર્ણ’, ‘ઊર્જા’. જોકે કેટલાક તત્સમ કે પરભાષાના શબ્દોમાં આ નિયમ કામ નથી કરતો તેથી એ શબ્દો હ્રસ્વ રહ્યા છે જેવાકે, ‘આયુર્વેદ’, ‘ઉર્વશી’, ‘માધુર્ય’, ‘કારકિર્દી’ વગેરે. આ ઉપરાંત ‘નિર્ગુણ’, ‘નિર્જન’, ‘દુર્ગુણ’, ‘દુર્લભ’ વગેરેમાં ‘ઇ’-‘ઉ’ દીર્ઘ નહીં બને કેમકે આ શબ્દોમાં આગળ વાત કરી એ પ્રમાણે પૂર્વપ્રત્યય રહેલા છે.
ઉજ્જવળ ભવિષ્યની જાહેરાતો કરતી શૈક્ષણિક સંસ્થાઓના નામમાં પણ છબરડા હોય છે. ‘ફલાણી ફલાણી આર્ટસ કોલેજ’, ‘જીગ્નેશ સ્પેરપાર્ટ્સ’, ‘આર્યન વર્કસ’, ‘મોર્ડન યુગ’ આવું તમે સોનાના અક્ષરે લખો તોય એ કથીર સમાન છે. કોઈ પણ વર્ણની પૂર્વે આવતો ‘ર્’ તેની પછીના વર્ણ ઉપર રેફ સ્વરૂપે લાગે છે એટલે ર્+ટ=ર્ટ બને પણ ‘ર્’ પછી હલંત વર્ણ આવે તો ‘ર્’નો રેફ તેની પછી આવતા પૂર્ણ વર્ણ પર લાગે. ‘આટ્-ર્સ’ શબ્દમાં ‘ટ્’ હલંત હોવાથી રેફ ‘સ’ ઉપર લાગશે. માટે ઉપરના શબ્દોને ‘જિગ્નેશ સ્પેરપાટ્-ર્સ’, ‘આયર્ન વર્ક્સ’, ‘મૉડર્ન યુગ’ એમ લખવા પડે. ‘માર્ક્સ’, ‘વર્ત્સ્ય’ વગેરેમાં પણ એવું થશે પણ લખે કોણ? ઉચ્ચારણ સ્પષ્ટ હોવા છતાં ઘણાં ‘અનુસ્નાતકો’ ‘યુનિવર્સિટી’ શબ્દને ‘યુનિર્વસિટી’ એવું લખે છે, એ બધાએ ફરીથી શાળામાં દાખલ થવાની જરૂર છે, પણ ત્યાં બીજો પ્રશ્ન એ થશે કે સાચું ભણાવશે કોણ? ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા પાઠ્યપુસ્તકોમાં જ જોડણીની અસંખ્ય ભૂલો રહેલી છે! અહીં તો ત્રીજો નવો પ્રશ્ન એ થશે કે ખોટું શીખી જતાં બાળકનું શું થશે? અને છેલ્લે ભાષાનું? મરાઠી લોકો ‘મરાઠી’ ભાષાને શાસ્ત્રીય દરજ્જો આપાવવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે શું આપણે ફક્ત જોડણી બાબતે સજાગ ન થઈ શકીએ?
‘કોલેજ’ શબ્દમાં રહેલા ‘ઑ’નું ઉચ્ચારણ ગુજરાતી ‘ઓ’ કરતાં ભિન્ન છે એવું ઘણા અંગ્રેજી શબ્દોમાં બન્યું છે. એ ઉચ્ચારણને ભિન્ન દર્શાવવા ગુજરાતીમાં વિવૃત્ત ‘ઍ’-‘ઑ’ રહેલા છે પણ આવી ખબર હોય તો તો મગજને ખોટું ભારણ થાય ને! માટે જ સરેઆમ ખોટા લખેલા શબ્દોનો રાફડો ફાટ્યો છે : ‘ઓગષ્ટ મહિનો’, ‘કોંગ્રેસ પાર્ટી’, ‘કોફી કાફે’, ‘જનરલ ઓફિસ’, ‘નિષ્ણાંત એન્કર’, ‘પરિમલ પેલેસ’, ‘પૂછડા ઓર્થોપેડીક સર્જન’, ‘સરકારી ઓથોરિટી’, ‘સિવીલ કોર્ટ’, ‘સીવિલ એંજીનીયર’, ‘સીવીલ હોસ્પિટલ ગાંધીનગર’, ‘સોનેટ ગુચ્છ’ વગેરે. ગુજરાતીના ‘ઓ’ કરતા અંગ્રેજીના ‘ઑ’નું ઉચ્ચારણ સહેજ પ્હોળું છે માટે ઉપરના ખોટાડા શબ્દોને ‘કૉલેજ’, ‘ઑગસ્ટ’, ‘કૉંગ્રેસ’, ‘કૉફી’, ‘ઑફિસ’, ‘નિષ્ણાત ઍન્કર’, ‘પૅલેસ’, ‘ઑર્થોપેડિક’, ‘ઑથોરિટી’, ‘સિવિલ કૉર્ટ’, ‘સિવિલ એંજિનિયર’, ‘સિવિલ હૉસ્પિટલ’, ‘સૉનેટ’ એમ જ લખવા પડે. ઉપરાંત ‘ઍકેડેમી’, ‘ઍપલ’, ‘ચૅરિટેબલ’, ‘મૅરેજ’, ‘ઑક્ટોબર’, ‘ઑટોમોબાઇલ’, ‘કૉલ’, ‘કૉન્સ્ટેબલ’, ‘ગૉગલ્સ’, ‘ચૉકલેટ’, ‘ટૉઇલેટ’, ‘ડૉક્યુમેન્ટ’, ‘નૉન-સ્ટૉપ’, ‘નૉલેજ’, ‘પૉલિસી’, ‘પૉલ્યુશન’, ‘રૉયલ’, ‘સૉક્રેટિસ’, ‘સૉફ્ટડ્રિંક’ વગેરે શબ્દોને પણ વિવૃત્ત લખવા જરૂરી છે.
જોડણીની દુર્દશા કરવામાં સરકારી કચેરીઓ પણ બાકી નથી. ‘જીલ્લા શિક્ષણ તાલીમ ભવન’ આવું લખેલું હોય ત્યાં કેવી તાલીમ મળતી હશે? ‘જીલ્લા સેવા સદન’ લખતા પહેલા એ વિચારો કે ‘તમારું સદન’ એક સેવામાં બીજી ફરજ ભૂલે છે. આવી બીજી પુષ્કળ ફરજચૂક મળે : ‘જીંદગી ને પ્રેમ કરો’, ‘ઈસ્ત્રી સેલ’, ‘પીત્તળના વાસણ’, ‘ધીંગાણું થયું’, ‘ચીઠ્ઠી ખોલો ઇનામ જીતો’, ‘મૂશ્કેલીથી તરત રાહત’, ‘ફૂગ્ગાવાળો’, ‘ગૂસ્સો ગાયબ’ વગેરે. અહીં આપણી ફરજ છે કે જોડાક્ષર પૂર્વેના ‘ઇ’-‘ઉ’ને તેના નિયમ મુજબ હ્રસ્વ લખવા. માટે ‘જિલ્લો’, ‘જિંદગી’, ‘ઇસ્ત્રી’, ‘પિત્તળ’, ‘ધિંગાણું’, ‘ચિઠ્ઠી’, ‘મુશ્કેલી’, ‘ફુગ્ગો’, ‘ગુસ્સો’ વગેરે શબ્દોમાં ‘ઇ’-‘ઉ’ હ્રસ્વ લખાશે. પરંતુ કેટલાક સંસ્કૃત કે પરભાષાના શબ્દોમાં જોડાક્ષર હોવા છતા ‘ઇ’-‘ઉ’ દીર્ઘ જ રહે છે જેમકે, ગ્રીષ્મ, તીવ્ર, પૂજ્ય, ભીષ્મ, ભૂખ્યું, મૂલ્ય, શૂન્ય, સૂક્ષ્મ, સૂત્ર, શીઘ્ર વગેરે. આવા શબ્દો માટે ઉત્તમ પ્રકાશનના પુસ્તકોનું વાચન અને જોડણીકોષનો સંપર્ક અગત્યનો બની રહે છે.
જોડાક્ષર પૂર્વેની જોડણી તો સમજ્યા એ સાથે જોડાક્ષરોનો ખ્યાલ પણ જરૂરી છે. એ ખ્યાલને તડકે રાખ્યો છે માટે તો જાહેર સ્થળોએ કે વાહનોમાં ‘શ્રધ્ધા શબૂરી’ એમ લખાય છે. આવું અપાર છે : ‘વિધ્યાનગર રેલ્વે સ્ટેશન’, ‘ઉધ્યોગ શાળા’, ‘પશ્વિમ રેલ્વે’, ‘પાશ્વાત્ય સાહિત્ય’, ‘દ્વંદ યુધ્ધ’, ‘સહસ્ત્ર સિંધુ’, ‘સ્ત્રગ્ધરા છંદ’, ‘શીઘ્ર વકૃત્વ’, ‘મહત્વનો સેમિનાર’, ‘અમારી પાર્ટીનું ચિન્હ પૂછડું છે’, ‘પ્રલ્હાદ નગર’ ‘દ્રષ્ટિબિંદુ બદલો’ વગેરે. અહીં રહેલા જોડાક્ષરોને સુધારવામાં આવે તો આમ લખવા પડે : ‘શ્રદ્ધા સબુરી’, ‘વિદ્યાનગર રેલવે સ્ટેશન’, ‘ઉદ્યોગ શાળા’, ‘પશ્ચિમ રેલવે’, ‘પાશ્ચાત્ય સાહિત્ય’, ‘દ્વંદ્વ યુદ્ધ’, ‘સહસ્ર સિંધુ’, ‘સ્રગ્ધરા છંદ’, ‘શીઘ્ર વક્તૃત્વ’, ‘મહત્ત્વનો સેમિનાર’, ‘પાર્ટીનું ચિહ્ન(હ્+ન)’, ‘પ્રહ્લાદ નગર’. ‘દ્’ પછી ‘ઋ’ સ્વર લાગે તો જોડાક્ષર નહીં બને પણ જોડાણ થતાં ‘દૃ’ અક્ષર બનશે. આમ થતા ‘દૃષ્ટિબિંદુ બદલો’ એવું લખાશે. દૃષ્ટિબિંદુ બદલવાની શિખામણ આપનારને જ જોડણી બદલવાની જરૂર છે. જોડાક્ષરોને દૃઢ કરવા નીચેના વર્ણસંયોજનને સમજો :
ક્+ષ=ક્ષ(ક્ષેત્રફળ), જ્+ઞ=જ્ઞ(યજ્ઞોપવિત), ઠ્+ઠ=ઠ્ઠ(ઠઠ્ઠાચિત્ર) ત્+ત=ત્ત(ઉત્તમ, સત્ત્વ), ત્+ર=ત્ર(વાત્રક), દ્+દ=દ્દ(મુદ્દત), દ્+ધ=દ્ધ(બુદ્ધિ), દ્+મ=દ્મ(પદ્માવતી), દ્+ય=દ્ય(વિદ્યાર્થી), દ્+ર=દ્ર(દ્રાવણ), દ્+વ=દ્વ(વિદ્વાન), શ્+ચ=શ્ચ(પશ્ચિમ), શ્+ર=શ્ર(આશ્રય), સ્+ર=સ્ર(સ્રોત), સ્+ત્ર=સ્ત્ર(વસ્ત્રભંડાર) વગેરે. જોડાક્ષરોની આ સમજ ઉચ્ચારણને પણ લાગુ પડે. માટે ‘ગધ્ય’ નહીં પણ ‘ગદ્ય’, ‘સ્ત્રોત’ નહીં પણ ‘સ્રોત’, ‘હદય’ નહીં પણ (હ્+ઋ=હૃ) હૃદય એમ જ ઉચ્ચારણ કરવાનું રહેશે.
આ સિવાય અનુસ્વારને બહુ ઓછો ધ્યાનમાં લેવાય છે. એમાં મુખ્યત્વે બે પ્રકારની ભૂલો થાય છે. એક તો જ્યાં જરૂર નથી ત્યાં અનુસ્વાર મુકાય છે : માતાના અર્થમાં ‘માં’ શબ્દ પર તથા ‘નિષ્ણાંત’, વર્તણૂંક’માં ‘ણ’ પર આમ બન્યું છે, અને બીજે જ્યાં જરૂર હોય ત્યાં મુકાતો નથી : ‘નહી’, ‘અહી’ શબ્દોમાં બન્યું છે તેમ. ‘અહીં’, ‘નહીં’ દીર્ઘ લખાય ત્યારે અનુસ્વાર આવશે. ગુજરાતીના નપુંસકલિંગ શબ્દોનું બહુવચન થતાં ‘આ’ નહીં પણ ‘આં’ પ્રત્યય લાગશે : ‘કૂતરું-કૂતરાં’, ‘સસલું-સસલાં’, ‘છોકરું-છોકરાં’, ‘ફૂલડું-ફૂલડાં’, ‘તૂમડું-તૂમડાં’, ‘નાણું-નાણાં’ વગેરે. નપુંસકલિંગના બહુવચન સિવાય સ્ત્રીઓમાં માનાર્થે બહુવચન કરતાં વિશેષણ અને ક્રિયાપદને અનુસ્વાર લાગશે. જેમકે, ‘મારા બા આવ્યા.’ એમ નહીં પણ ‘મારાં બા આવ્યાં’ એમ લખવું પડે જ્યારે બાપુ વિષે ‘મારા બાપુ આવ્યા’ એમ લખાશે. (એ યાદ રહે કે ‘બા’ શબ્દ પર અનુસ્વાર નહીં આવે.) એટલે જાહેર સ્થળે ‘ભલે પધાર્યા’ એમ લખેલું હોય તો એ માત્ર પુરુષોને જ લાગું પડે. નિયમ મુજબ ‘ભલે પધાર્યાં’ એમ લખાયું હોય તો જ સ્ત્રીઓનો સમાવેશ થાય. ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ અને ‘વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી’ -માં ‘વડા’ એ વિશેષણ પર રહેલા અનુસ્વારને આધારે જે-તે વ્યક્તિની લિંગનું સૂચન થતું હોય છે માટે ‘મુખ્યમંત્રી આવ્યા’ એમ લખાતા એ સમજાશે કે આવનાર પુરુષ છે અને ‘મુખ્યમંત્રી આવ્યાં’ એમ લખતા આવનાર મહિલા છે એમ સ્પષ્ટ થશે. આનો અર્થ એ થયો કે પુરુષ મુખ્યમંત્રી પાછળ ‘આવ્યાં’ લખશો તો તમે તેને સ્ત્રીલિંગમાં મૂકો છો! આમ, અનુસ્વાર વિશે અહીં લખવા બેસું તો વાત લાંબી બને એમ છે. ગુજરાતી ભાષામાં અનુસ્વાર ક્યાં કરવો અને ક્યાં ન કરવો એ બાબતની સંપૂર્ણ સમજ તમને યુટ્યુબની ‘Edu Safar’ ચૅનલ પર રહેલા ડૉ. રક્ષાબેન દવેના વીડિયોમાંથી મળી રહેશે.
જાહેર ઉપયોગમાં લેવાતા પણ ખોટી રીતે લખાતા જેટલા શબ્દો ધ્યાનમાં આવ્યા તેમાંથી કેટલાકને અહીં સમાવીને તેને યોગ્ય રીતે કેમ લખવા એ બાબત સ્પષ્ટ કરી છે. આ સિવાય હજી ઘણું ઘણું ખોટું લખાય રહ્યું છે. તો એ માટે આપણે સૌએ સજાગ બનવાની જરૂર છે. સંતાનોને વારસામાં સંપત્તિ ન આપો તો ચાલશે પણ નબળી ભાષા આપશો તો તમે તેનું ભવિષ્ય બગાડી રહ્યાં છો. ગુજરાતી ભાષાની જોડણી સુધારવા કોઈ એકે નહીં પણ સરકારના પાઠ્યપુસ્તકોથી માંડીને વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંપાદકો-તંત્રીઓ, પ્રકાશકો, દુકાનદારો, ટીવી ચૅનલો, વાહન ચાલકો વગેરે એટલેકે ગુજરાતીમાં લખનાર દરેકે જાગૃત થવું જરૂરી છે. ડૉલરની કામણીમાં આંધળા બનેલા યુટ્યુબ ચેનલવાળા, ટીકટોકના લિરિક મેકર્સ કે વિવિધ ઍપ્સથી વીડિયો બનાવનાર દરેકે ગુજરાતીમાં ‘ક’ લખતા પહેલા પોતાને કે મોટાને અથવા જોડણીકોષને પૂછી લેવું કે, ‘ક’ કેમ લખાય. જોડણીની આ વાત તમારાં સુધી પહોંચી શકી તેનો આનંદ છે, બસ તમારે હવે આ વાતને એવા મહાશયો સુધી લઈ જવાની છે જેઓ જોડણીને જાણ્યા કે સમજ્યા વિના આપણી ગુજરાતી ભાષાની લેખનવ્યવસ્થા બગાડી રહ્યાં છે.