Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘અભાવોમા ભાવને શોધતા સર્જકનું(કવિનું) જીવનચિત્ર : ‘મોલ ભરેલું ખેતર’(કવિ રાવજીનું જીવનચિત્ર) લે. મણિલાલ હ. પટેલ’

‘તરસ્યા મલકનો મેઘ’, ‘બોલ વાલમના’ અને‘મોલભરેલું ખેતર’ આમ ત્રણ મહત્વના સર્જકોના જીવનચિત્રો આલેખનાર મણિલાલ હ. પટેલ કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક તરીકે જાણીતા છે. મહત્વની વાત એ પણ છે કે ઉપરના ત્રણેય જીવનચિત્રો ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત થયા છે. મણિલાલ હ.પટેલે ‘તરસ્યા મલકનો મેઘ’માં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલનું જીવનચિત્ર ખૂબ વિગતે રજૂ કર્યું છે. આ સિવાયના બીજા(‘બોલ વાલમના’)જીવનચિત્રમાંસ્વ. કવિ મણિલાલ દેસાઈ અને ‘મોલભરેલું ખેતર’ નામનાત્રીજાજીવનચિત્રમાં સ્વ. કવિ રાવજી પટેલના જીવન વિશે વાત કરી છે.

સ્વ. કવિ રાવજી પટેલના સર્જન વિશે ઘણા સંશોધનો થાય છે પરંતુ આ સર્જક-કવિનું આયુષ્ય ખૂબ ટૂંકું હતું અને એકલવાયો જીવ. માટે આ કવિ-સર્જક વિશે માહિતી જે પ્રાપ્ત થાય છે. તેમાં તેના મિત્રો-પરિવાર અને સર્જનમાંથી. માટે ટૂંકું આયુષ્ય ભોગવીને આ ગૂર્જર ધરાને અલવિદા કહેનાર આ સર્જક મુખ્યત્વે કવિ તરીકે આધુનિકમાં જાણીતો છે. ‘મોલ ભરેલા ખેતર’માં લેખક મણિલાલ હ. પટેલે કુલ આઠ પ્રકરણમાં સ્વ. રવજીના જીવનને રજૂ કર્યું છે. જે અનુક્રમે આ મુજબ છે ૧.સૌને વ્હાલો રાવજી ૨.રાવજીનું ઘર-કુટુંબ ૩.વલ્લવપુરા અને રાવજી ૪. શિક્ષણ અને સંઘર્ષ ૫. સરહદો ઓળંગી જતું દર્દ ૬.પારદર્શક રાવજી ૭. મોલ ભરેલું ખેતર ૮.સર્જક રાવજી પટેલ. જયારે પરિશિષ્ટમાં “૧. ‘અશ્રુઘર’:પ્રકરણ-૬, ૨. ‘ઝંઝા’નો અંશ, ૩. ‘વૃત્તિ’: પ્રકરણ-૩, ૪. સૈનિકનાં બાળકો: (ટૂંકી વાર્તા) ૫.રાવજીના કેટલાક પત્રો”રજૂ કર્યું છે. આ પરિશિષ્ટમાં રહેલું સર્જન તેના જીવનને સમજવામાં મદદરૂપ થયું છે.

બીજી મહત્વની વાત એ છે કે સ્વ. રાવજીના જીવન વિશે પોતે જ આત્મકથા થોડી લખી હતી ને તેને તે સમયે ફાડી નાખી હતી માટે અહીં મણિલાલ હ. પટેલ ઘણી બધી વિગતો તેમના સર્જનથી, અનુમાનથી રજૂ કરી છે. માટે આ કવિનું સર્જન તેના જીવનચિત્ર રજૂ કરવામાં મદદરૂપ થયું છે. મણિલાલ હ. પટેલે‘સૌને વ્હાલો રાવજી’ નામના પ્રકરણમાં કવિ રાવજીનો જન્મ, જન્મ સ્થળ, ગામ, ત્યાંની પ્રકૃતિ, ગામનું વર્ણન તથા આસપાસના પરિવેશના વર્ણન દ્વારા રાવજીનું સર્જનમાં તેના અભાવો, અગવડો તથા ગરીબાઈ કેવી રીતે મદદરૂપ થઈ હશે તે જાણી શકાય છે. આવા અભાવો વચ્ચે પણ આ કવિ એ જે રચનાઓ આપી છે. તેમાં તેને ગામની. પ્રકૃતિને ખપ લીધી છે. તે જોતા મણિલાલ હ. પટેલ નોંધે છે કે ‘ઝાઝું ભણ્યા વિના ને કાવ્યશાત્રોને અડ્યા વિના આ કવિએ જે કથા, કવિતા, વાર્તા સરજ્યાં તે સાચ્ચે જ ચમત્કાર લાગે છે. ઘડીક પન્નાલાલ પટેલ તથા એમનું સર્જન યાદ આવી જાય છે. આવા સર્જન માટે જે તે ઘર-ગામ-પાદર-સીમ-વગડોય છાનાંમાનાં મદદ કરતાં હશે એમ માનવાનું મન થાય છે.’(પૃ.-૫) જેવા શબ્દો તેના સર્જનને જોતા યથાર્થ લાગે છે.

બીજું પ્રકરણ ‘રાવજીનું ઘર-કુટુંબ’ છે. આ પ્રકરણ આ પુસ્તકનું મહત્વનું છે. મણિલાલ હ. પટેલે આ પ્રકરણમાં રાવજીના ગામ વિશેનું જે વર્ણન કર્યું છે તે જુઓ, ‘રાવજીનું વલ્લવપુરા આજેય-ભલે વીજળી, સડક આવ્યાં હોય તોય-અસલ ગામડું છે. એ બેઠા ઘાટનાં, જાણે બેવડ વળી ગયાં ન હોય-ગરીબના ભારથી- એવાં ઘર...! આડાંઅવળાં, શેરી-ફળિયાં વગરનાં ઘર...સાંકડાં, ઊબડ-ખાબડ ભીંતો-પડાસાળો-આંગણાંવાળાં ઘર ! સાચ્ચે જ વલ્લવપુરા હજી અસલના વખતનું તળ ગામડું છે. જોવું ગમે પણ અગવડોમાં જેને ફાવે તેને જ રહેવું ફાવે એવું છે એ ગામ. રાવજીનો નાનો ભાઈ રમણ ત્યાં મોજથી રહે છે. આખું ગામ જાણે રમણમાં સચવાયેલું લાગે...’ (પૃ.૬)જીવનકથાકારને રાવજીના ભાઈ દ્વારા તથા ગામના અન્ય સભ્યો દ્વારા તેના કુટુંબ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં રાવજીના પિતા, કાકા, ભાઈઓ, ભત્રીજાઓ તથા સંતાનોનો પરિચય મળે છે. રાવજીના પિતાના કુટુંબ વિશેનો આલેખ જુઓ,
‘ચતુર શનાભાઈ પટેલ
વાઘજી શનાભાઈ પટેલ
ડાહ્યાભાઈ શનાભાઈ પટેલ
મણિલાલ શનાભાઈ પટેલ’
છોટાલાલ(રાવજીના પિતા) અને ચંચળબા(રાવજીના માતા)નો પરિવાર:
રાવજી (૧૫-૧૧-૧૯૩૯, પ્રથમ સંતાન)
રમણ (૧-૬-૧૯૪૨, હયાત છે.)
શાંતાબહેન (૨૦૧૩માં ગુજરી ગયાં)
મનુભાઈ (અકાળે પાંત્રીસની ઉંમરે ગુજરી ગયેલો)
અરવિંદ(અકાળે સાડત્રીસની ઉંમરે ગુજરી ગયેલો)
કૈલાસ બહેન (હયાત છે: સાસરી મંજીપુરા)
ચીમન (ચાર વર્ષની વયેજ ગુજરી ગયેલો)
રાવજી અને રમણ બંને ભાઈઓ કંડારી(કરજણ) ગામે બે સગીબહેનોને પરણેલા.’’ (પૃ.૯)

આ પ્રકરણ એ દૃષ્ટિએ મહત્વનું છે કે હવે રાવજીના પિતા-દાદા વિશે માહિતી આપે તેવા માણસો ધીરે ધીરે લુપ્ત થતા થાય છે. બીજી મહત્વની વાત એ છે કે રાવજીની પુત્રી-અપેક્ષાના પરિવારની માહિતી પણ આપી છે.

‘વલ્લવપુરા અને રાવજી’ નામના ત્રીજા પ્રકરણમાં મણિલાલ હ. પટેલે વલ્લવપુરામાં પોતે વિવિધ વિદ્યાર્થીઓ સાથે જે મુલાકાત દરમ્યાન થયેલા અનુભવોને રજૂ કર્યો છે. હજુ પણ શહેરની હવા જેને અડી નથી એવું આ વલ્લવપુરા ગામની સીમ, ખેતર, તળાવ, પ્રકૃતિ વર્ણનમાં તથા રાવજીની કવિતા, નવલકથામાં જે વર્ણન પ્રાપ્ત થાય છે તેનો ભાવ મણિલાલ હ. પટેલે વિગતે રજૂ કર્યો છે.

પ્રકરણ ચાર (શિક્ષણ અને સંઘર્ષ)માં મણિલાલ હ. પટેલ રાવજીને શિક્ષણ દરમ્યાન પડેલા સંઘર્ષને રજૂ કર્યો છે. ૧ થી ૪ ધોરણ વલ્લવપુરા, ૫ થી ૮ એ ડાકોર હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હાઇસ્કૂલ દરમ્યાન કવિતા લખવી તથા કોલેજના અભ્યાસ દરમ્યાન લખાએલ ‘અશ્રુઘર’ નવલકથાના નિવેદનમાંથી પ્રાપ્ત થતી માહિતી તથા રામચંદ્ર પટેલ પરના પત્રમાંલખ્યું હતું કે ‘કવિતા એટલે સંભોગ’ કરવો જેવી વાત મણિલાલ હ. પટેલે નોંધી છે.

ઉચ્ચ અભ્યાસ અર્થે ‘સીટી આર્ટ્સ કૉલેજ’માં એફ.વાયમાં દાખલ થાય તે દરમ્યાન વિવિધ એવી જગ્યાએ(સંદેશ,જનસત્તા, કુમાર) નોકરી કરે છે. એફ.વાય પાસ કરીને એસ.વાય. માટે‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ’માં પ્રવેશ લે છે.આ સમય દરમ્યાન રાવજીની કવિતા વિવિધ સામયિકોમાં પ્રગટ થાય છે. ગોરધન બહ્મભટ્ટ, પ્રો. ચીમનલાલ ત્રિવેદી, કવિ ચિનુ મોદી વગેરે મિત્રોના સંપર્કમાં આવે છે અને તેના કાવ્ય-સર્જનની દિશામાં આગળ વધે છે. આ તમામ બાબતોની નોંધ જીવનકથાકારે કરી છે.

‘સરહદો ઓળંગી જતું દર્દ’ નામના પ્રકરણમાં મણિલાલ હ. પટેલે ટી.બી.ના દર્દને રાવજી એ પોતાના સર્જનમાં રજૂ કર્યું છે. પોતાના રોગનું તે ‘૧૯૬૩ થી ૧૯૬૮’ દરમ્યાનતે સારવાર લે છે તેનું વર્ણન મણિલાલ હ. પટેલે કર્યું છે. મિત્રો દ્વારા મળતી મદદ તથા રાવજી પ્રત્યેનો પ્રેમ વ્યકત કરતા નોંધે છે કે ‘હવેઅમરગઢમાં રાવજી છે ને એને મળવા સારુ ચિનુ મોદી, લાભશંકર ઠાકર, સુભાષ શાહ વગેરે આવતા-જતા રહે છે. મિત્રો પૈસા મોકલે છે ને રાવજીને બુટ તથા ટીશર્ટ પહેરવાનું મન થાય છે. મિત્રો એ ય ઈચ્છા પૂરી કરે છે. મુકુન્દ પરીખ ને સ્નેહરશ્મિ પણ પૈસા મોકલે છે ને પત્રો લખે છે. રાવજીએ દરેક વેળાએ સૌ મિત્રોને પત્રો લખ્યા છે... ને પત્રોમાંય રાવજીનું સર્જક વ્યક્તિત્વ ચમકી ઊઠેલું પમાય છે. આ ગાળામાં રાવજી ‘કાપુરુષ’ નવલકથા પૂરી કર્યાનું નોંધે છે- પત્રોમાં, પણ એ મળતી નથી. આણંદ સેનેટોરિયમમાં ‘અશ્રુઘર’ પછી એણે ૧૪૧ પાનાંનીડાયરી-આત્મકથા લખીને ફાડી નાખેલી એનો એ વસવસો વ્યકત કરે છે ને મળવા આવેલા ગુલાબદાસ બ્રોકરને કહે છે: બ્રોકર સાહેબ, મારે જીવવું છે –ટચલી આંગળીના નખ સુધી ! બ્રોકરની આંખ ભીની થાય છે. હવે ક્ષય ઉપરાંત ડાયાબિટીશ અને કિડનીનું દર્દ પણ ઉમેરાય છે. રાવજી ધુને ચઢી જાય છે.(પૃ.૨૬)

આ ઉપરાંત કયા વર્ષે કઈ કવિતા રચી, તેના ભાવસંવેદનો જીવનકથાકારે કવિતા સાથે રજૂ કર્યા છે. માટે કવિતાની સાથે રાવજીના જીવનને સમજવામાં મદદરૂપ થાય છે.

‘પારદર્શક રાવજી’ નામનાછઠ્ઠા પ્રકરણમાં ઉસ્માન પઠાણ સાથેના પત્રનો સંદર્ભ નોંધતા લખ્યું છે કે ‘ઉસ્માનભાઈ, મારી શારીરિક ખોડખાંપણો જોઇને લોકો મને અને મારામાં સમાયેલા સત્વને સાચી રીતે ઓળખી શકશે નહીં; જુઓ આ રહી મારા શરીરનીખોડખાંપણો : મારી એક આંખમાં ફૂલ છે. મારા બંને હાથનાં આંગળાં ઉપરના નખ ટૂંકા અને બુઠ્ઠા છે, ચહેરા પર ડાઘ છે, ગરદન સ્હેજ નમેલી છે. ફેફસામાં અને મૂત્રાશયમાં કમજોરી છે. જેને લીધે પેશાબમાં આલબ્યૂમીન જાય છે. આવી શારીરિક ક્ષતિઓ મારા સર્જનમાં ઓછી કંઈ ક્ષતિયુક્ત બનાવી શકવાની ?? મારા સર્જન ઉપર એની કાંઈ જ અસર પડી નથી.’ (પૃ.૨૯) આ ઉપરાંત રાવજીની જરૂરિયાત માટે નોકરી શોધવી, લખવાની તાલાવેલી, અમદાવાદનો અનુભવ, મુકુન્દ પરીખ સાથે ‘શબ્દ’ સામયિકના એક-બે અંકો કાઢે છે, પત્નીપર ગુસ્સે થઈ જાય છે તે પ્રસંગ, મિત્ર એહમદની મદદ, કવિચંદ્રશંકર ભટ્ટના ઘર પરનો પ્રસંગ તથા ગામના વિવિધ પાત્રોનું સર્જનમાં જોવા મળતું સ્થાન વગેરેનું આલેખન રચનાકારે કર્યું છે.

‘મોલ ભરેલું ખેતર’ નામના પ્રકરણ પરથી આ પુસ્તકનું નામ સર્જકે આપ્યું છે. ‘મોલ ભરેલું ખેતર’ સમો રાવજી પાકે તે પહેલાં જ ખરી જાય છે. જેનો ભાવ આ પ્રકરણમાં ગુથાયો છે.ટી.બી.ના રોગને કારણે કુટુંબને અને મિત્રો ને જાણ થઈ છે કે રાવજી હવે લાંબુ આયુષ્ય નહીં જીવી શકે. તેને ટ્રેનમાં ગામ લાવવામાં આવે છે. તે દુ:ખ પ્રસંગનું વર્ણન કરતાં મણિલાલ હ. પટેલ નોંધે કે ‘એક મોલ ભરેલું ખેતર પૂર્ણપણે પાકે એ પહેલાં વઢાઈ ગયું હતું... વલ્લવપુરાનો ખોળો ખાલી થઈ ગયો હતો ને શબ્દની ઓસરી સૂની, સાવ સૂની થઇ ગઈ હતી.’ (પૃ.૩૬-૩૭)આ મૃત્યુની ઘટનાએ સમગ્ર ગામ, મિત્રોમાં એક શોકની લાગણી પ્રસરાવી દે છે. રાવજીના મૃત્યુ પછી પત્નીનું પિયરમાં રહેવું, બે ત્રણ વર્ષ બાદ તેનું પણ મરણ થાય છે. પુત્રી અપેક્ષાને દાદા-દાદી, કાકા-કાકી ઉછેર કરે છે.અને તેને માતા-પિતાનીખોટ ન સાલે એમ મોટી કરે છે. અપેક્ષાના લગ્ન સોજીત્રા ગામે થાય છે. તે ત્રણ સંતાનોની ‘મા’ બને છે.

રાવજીના મૃત્યુ પછી કવિ મિત્રો દ્વારા તેના કાવ્ય પઠણ દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ડૉ. ફકીરભાઈ પટેલના આર્થિક સહાયથી ૧-લાખ રૂપિયાનું દાન આપવામાં આવે છે ને ૨૦૧૭મા રાવજીની અર્ધપ્રતિમા મુકાય છે. તે રીતે પણ રાવજીને યાદ કરે છે.

પ્રકરણ-૮ ‘સર્જક રાવજી પટેલ’મા મણિલાલ હ. પટેલે રાવજીની સર્જકતાની ચર્ચા કરી છે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણમાં ગામની આસપાસની શાળામાં સંઘર્ષ કરતાં રાવજી શિક્ષણ લે છે. અને આગળ યુનિવર્સીટીનો આભ્યાસ માટે અમદાવાદ જાય છે. ત્યાં‘કુમાર’ સામયિક સાથેના સંપર્કમાં આવે છે. પોતાની પરિસ્થિતિ, રોગોનો હુમલો આ બધાની વચ્ચે તેને સર્જકતાને જીવતી રાખી છે. અને નીચે મુજબનું સર્જન કર્યું છે.

  1. 'અશ્રુઘર’(લઘુનવલ) ૧૯૬૫‘ઝંઝા’(નવલકથા) ૧૯૬૬
  2. ‘અંગત’(કાવ્યગ્રંથ) ૧૯૭૧ (મરણોત્તર પ્રકાશન)
  3. ‘વૃત્તિ અને વાર્તા’૧૯૭૭ (મરણોત્તર પ્રકાશન)

ઉપરના તમામ સર્જનમાં પોતાના જીવન અનુભવોને તેને કળાના ઘોરણે રહીને વાચા આપી છે.તેની કવિતા, નવલકથા, વાર્તા વગેરેમાં જીવનમાં રહેલા અભાવોહોવા છતાં સર્જન કર્યું છે. પોતાની ભીતરની સંવેદનાને વાચા આપી છે.જીવનકથાકારે તેની કવિતાની વિશેષતા, કવિતાના વિવિધ સંવેદનો, નવલકથાના પાત્રો અને રાવજીનું અંગત જીવન તથા તેની ભાષામાં કૃષિજીવન, પ્રકૃતિનો સુગમ થયેલો સમન્વયને તારવી આપ્યું છે.મણિલાલ હ. પટેલ રાવજીની સર્જકતા વિશે નોંધે છે કે ‘કવિ તરીકે રાવજી કૃષિજીવનના આલેખક તરીકે સાહિત્યના ઇતિહાસમાં ઓળખાતો રહેશે...ગુજરાતી કવિતા અને કથાક્ષેત્રે રાવજી પટેલનું સર્જકકર્મ હંમેશાં યાદ કરાતું રહેશે.’ ( પૃ.૬૧)

આ ઉપરાંત મણિલાલ હ. પટેલે પરિશિષ્ટમાં “૧. ‘અશ્રુઘર’:પ્રકરણ-૬, ૨. ‘ઝંઝા’નો અંશ, ૩. ‘વૃત્તિ’: પ્રકરણ-૩, ૪. સૈનિકનાં બાળકો: (ટૂંકી વાર્તા) ૫.રાવજીના કેટલાક પત્રો” વગેરે પ્રકરણ મૂક્યા છે. આ પરિશિષ્ટ એ અર્થમાં અર્થસભર છે કે આપરિશિષ્ટમાં મૂકેલ સર્જનના અંશો રાવજીના જીવનને સમજવામાં મદદરૂપ થાય છે.તેનાથી રાવજીનું જીવન વધુ સ્પષ્ટ થાય છે.

આ ઉપરાંત મણિલાલ હ. પટેલે જીવનક્થામાં તેના મહત્વના કાવ્યોની ચર્ચા સાથે તેના જીવનની મહત્વની ઘટનાને સસંદર્ભ રજૂ કરી છે.ખૂબ ટૂંકું જીવન જીવી ગયેલા આ સર્જક વિશે માહિતી પણ ખૂબ ઓછી મળે છે. તેઅર્થમાં ઉપરની બાબતો મહત્વની છે. ‘મોલ ભરેલું ખેતર’ જીવનચિત્ર વાંચતા આપણને મણિલાલ હ. પટેલ રાવજીના ભાવસંવેદનો વિશે જે અનુમાનો કરે છે, તેમાં નિબંધકાર મણિલાલ હ. પટેલ યાદ આવી જાય છે. આ ઉપરાંત ‘મૉલ ભરેલું ખેતર’ જેવું શીર્ષક ઉચિત છે. પરંતુમુખપૃષ્ઠ પર ‘મૉલ’ વિવૃત જોવા મળે છે જયારે કૃતિની અંદર દરેક જગ્યાએ ‘મોલ’ સંવૃત જોવા મળે છે. આ ભેદ કેમ છે? આ સિવાય આ પુસ્તકમાં પ્રૂફરીડીંગની ક્યાંક ભૂલો જોવા મળે છે. જેમકે કાવ્યનું શીર્ષક ‘ઠાગઠૈયા(સાચું-ઠાગાઠૈયા), શબ્દોની જોડણીમાં(હમેશાં- હંમેશાં) વગેરે ભૂલો દેખાય છે. આ સિવાય કવિ સ્વ. રાવજી પટેલના સર્જનમાં આવતા પ્રકૃતિ-કૃષિ વિષયક વિષયોમાં મણિલાલ હ. પટેલના દેશીય જીવનના અનુભવોનો-સર્જનનો લાભ આ જીવનકથાને મળ્યો છે. તેને હું મહત્વની વિશેષતા માનું છું.

ખરેખર અભાવો, અપૂરતી સગવડો, અને ગરીબી વગેરેની વચ્ચે પણ રાવજી એ ભાવને શોધ્યો છે. પોતાની પ્રબળ જિજીવિષાને કારણે જ આ કવિને ડોક્ટર પણ કહી દે છે કે આ માણસ છ મહિનાથી વધુ નહીં જીવે છતાં રાવજીતેપછીબે વર્ષ જીવે છે.કદાચ ટાઇમસર રોગોનું નિવારણ થયું હોત તો રાવજી આજે પણ જીવતો હોત!. પરંતુ આજે રાવજી સ્થૂળદેહે નહીં પણ અક્ષર દેહે તો ગુજરાતી પ્રજાના માનસમાં જીવતો જ છે. આટલું ઉમદા જીવનચરિત્ર આપનાર મૂળના સર્જક ‘મણિલાલ હ. પટેલ’ને વંદન...

સંદર્ભ-

  1. મોલ ભરેલું ખેતર(કવિ રાવજી પટેલનું જીવનચિત્ર), લે. મણિલાલ હ. પટેલ, પ્રકાશન-ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૮
  2. રાવજી પટેલ. સાહિત્ય સર્જક શ્રેણી , મણિલાલહ. પટેલ,પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, બીજી આવૃત્તિ-૨૦૧૬
  3. રાવજી પટેલના કાવ્યો, સં. રઘુવીર ચૌધરી,આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૨
  4. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ડૉ. રમેશએમ. ત્રિવેદી, આદર્શ પ્રકાશન, અમદાવાદ, બારમી આવૃત્તિ-૨૦૧૬

ડૉ.નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા- 396230, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી. મો. 9879779580 Email: ngr12687@gmail.com