સાહિત્યકાર હોય કે પછી સામાન્ય માણસ હોય આખરે છે તો બન્ને મનુષ્ય જ.પણ બન્ને વચ્ચે ફર્ક માત્ર એટલો છે કે સામાન્ય માણસ પોતાની લાગણીને,પોતાના સુખ દુ:ખને માત્ર જીવી જાણે છે.જયારે એક સાહિત્યકાર પોતાની તમામ લાગણીને જીવવાની સાથે સાથે સાહિત્યમાં પણ રજૂ કરે છે અને પોતાની લાગણીને,સંવેદનાને અન્ય સુધી પહોંચાડે છે. આપણે ત્યાં વાલ્મીકિ કૃત 'રામાયણ'થી લઈને અત્યારે જે કાંઈ સાહિત્ય રચાય છે તેમાં સર્જક પોતાની લાગણીને ભાવ,પ્રતીક,કલ્પન જેવા જુદા જુદા માધ્યમ દ્વારા સાહિત્યમાં રજૂ કરે છે.પછી વાલ્મીકિ હોય કે નરસિંહ,મીરાં,દયારામ હોય કે અત્યારના કોઈ સર્જક હોય.દરેકના સાહિત્યમાં તેમના અંગત અનુભવો તો થોડા ઘણાં અંશે ઉમેરાતા જોવા મળે છે.સર્જકના અંગત અનુભવની સાથે જ સર્જક પોતાની આસપાસની સૃષ્ટિ ,પ્રસંગો ,ઘટનાઓ વગેરેનું વર્ણન કરતો હોય છે.
અહીં આપણે જે ગીત રચનાની વાત કરવાની છે એ એક એવા સર્જકની રચના છે જેમના સંગ્રહ દ્વારા સાહિત્યમાં પ્રથમ વખત સૌંદર્યવાદી વલણ ઉમેરાય છે અને પ્રસિધ્ધ બને છે.એટલે કે ' બારીબહાર' અને ' સરવાણી' જેવાં કાવ્યસંગ્રહના સર્જક કવિ પ્રહલાદ પારેખના ગીતકાવ્યની ચર્ચા કરવાનો ઉપક્રમ રહ્યો છે.આપણે સૌ જાણીએ છીએ તેમ કવિ પ્રહલાદ પારેખનો સમય એટલે આપણા દેશની આઝાદીનો ખૂબ જ નજીકનો સમયગાળો હતો.આથી આ સમયે રચાયેલ આ ગીતકાવ્ય હિમ્મત અને જુસ્સો ઉત્પન્ન કરાવનાર છે.જેની પ્રેરણાથી વીર જવાનોમાં એક પ્રકારનું શૌર્ય તથા હિમ્મત જાગૃત થાય છે.આ કાવ્ય વાંચતાની સાથે જ આત્મવિશ્વાસ,આસ્થા અને શ્રધ્ધાનું એક અલગ જ વાતાવરણ નિર્માણ પામે છે.પ્રહલાદ પારેખના આવા ઉત્તમ ગીતકાવ્ય 'આપણે ભરોસે'ની ચર્ચા કરવાનો મારો ઉપક્રમ છે.
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….
'આપણે ભરોસે' આ ગીતકાવ્યનું શીર્ષક જ ઘણું કહી જાય છે.આ શીર્ષકના બે શબ્દો ' આપણે' અને ' ભરોસે' આ બે શબ્દો પર જ આપણે એક લેખ કે વ્યાખ્યાન પણ આપી શકીએ એટલા અર્થ સભર આ બે શબ્દો છે.કવિ અહીં' આપણે' અને' ભરોસે' આ બે શબ્દો દ્વારા કર્તા ( સર્જનહાર)તથા શ્રધ્ધા આ બન્ને વિષયોને પરસ્પર જોડી તેનો સમન્વય કરે છે. કવિ અહીં કહેવા માંગે છે કે આપણે જીવનમાં જે કંઈ છીએ ,જે કંઈ કરીએ છીએ,જાણીએ- માણીએ છીએ તે સર્વમાં આપણે પોતે તો કારણભૂત કે પ્રેરણારૂપ હોઈએ જ છીએ પણ સાથે સાથે આપણી શ્રધ્ધા,આપણો આત્મવિશ્વાસ પણ પ્રેરણારૂપ ને કારણભૂત બને છે. કાવ્યનો આરંભ જ કવિ પુરુષાર્થની પ્રધાનતા દ્વારા કરે છે,અને કહે છે -
"આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ."
આપણા આર્યકાલીન પ્રાચીન વેદાદિ મહાન અધ્યાત્મ ગ્રંથોમાં હજારો વર્ષોથી કહેવાય છે કે; ' પુરુષાર્થથી પ્રારબ્ધ ઘડાય છે.' આ વાત અને જીવનના એક ગહન સત્યને કવિ આ નાનકડાં કાવ્યમાં ખૂબ જ સીધા સાદા અને સરળ શબ્દોમાં કહી જાય છે.પુરુષાર્થની પ્રધાનતા દર્શાવતો કાવ્યનો આરંભ ઉચિત અને યર્થાથ છે.અહીં કવિ ખુદને એટલે કે પોતાના ભરોસે હાલવાની અને મહેનતના હાથને ઝાલવાની વાત કરે છે. કેમકે બીજાના સહારે,બીજાના ભરોસે કે બીજાને બાવડે જે રહે છે તે ક્યારેય પણ આ સંસાર રૂપી સાગરને તરી શક્તો નથી. આપણા પોતાના ભરોસાથી જ સર્વ કાંઈ સિધ્ધ થઈ શકે છે. પૂર્ણ આત્મવિશ્વાસ હોય તો આપણે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી પાર કરી શકીએ છીએ.પણ જો બીજાને આધારે કે બીજાના ભરોસે રહીએ તો આપણે ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરી શક્તા નથી.આથી જ આપણે ત્યાં એક કહેવત ખૂબ જ પ્રસિધ્ધ છે જે અહીં ટાંકવાનું મન થાય છે કે-' પારકી આશા સદા નિરાશા ' આ કહેવત પ્રસ્તુત કાવ્યના સંદર્ભમાં ઉચિત ઉદાહરણ રૂપ છે.આ કાવ્યના પ્રારંભે જે વાત કરવામાં આવી છે તે જ વાત આ નાનકડી કહેવતમાં વર્ણવાય છે.આમ,કવિ કાવ્યનો આરંભ પુરુષાર્થના મહત્ત્વ દ્વારા કરે છે.કાવ્યના સંદર્ભમાં અહીં એક પંક્તિ યાદ આવે છે કે - ' સિધ્ધિ તેને જઈ વરે ,જે પરસેવે ન્હાય !' પુરુષાર્થના મહાત્મ્ય બાદ કવિ કાવ્યનો ક્રમબધ્ધ વિકાસ કરતાં આગળ લખે છે -
"ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …"
અહીં કવિ ખુદ અને ખુદા, સત્ અને અસત્, ભજન અને ભાજન દ્વારા કહે છે કે આ સર્વના કર્તા આપણે પોતે જ છીએ.જ્યારે આપણને ખુદને પોતાના પર વિશ્વાસ (ભરોસો) હોય નહીં ત્યારે ખુદા, ઈશ્વર પર શ્રધ્ધા રાખીને બેસીએ છીએ અને પાછા ગાતા પણ ફરતા હોય કે તારે ભરોસે તો રામ છે ! જેનું કોઈ નથી તેના ભગવાન છે. આવી વાતો આપણે વારંવાર સાંભળવા મળતી હોય છે.પણ જેને પોતાના પર જ વિશ્વાસ કે શ્રધ્ધા ન હોય તે ખુદા પર ખોટો વિશ્વાસ રાખી બેસે છે. કેમકે જો આપણને આપણી જાત પર જ વિશ્વાસ ન હોય તો ઈશ્વર પર વિશ્વાસ રાખવો ફોગટ છે. આપણે જો આપણી જાત પર વિશ્વાસ હોય તો તે ખુદાના ભરોસા બરાબર જ છે. બિન્દુમાંથી રેખાનું અને રેખામાંથી વર્તુળનું સર્જન થાય છે,તેમ પોતાનામાંથી જ શ્રધ્ધાનો, આસ્થાનો, વિશ્વાસનો પ્રારંભ થાય છે. આમ, કવિ અહીં ખુદ અને ખુદા બન્નેનો સમન્વય કરીને બન્નેને એક જ ગણાવે છે. આગળ કવિ લખે છે -
"બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…"
બળ અને બાહુ, હૈયું અને હામ, હોડી અને સાગર, સઢ અને સુકાન આ સર્વ દ્વારા કવિ આપણા આત્મવિશ્વાસની, આપણા લક્ષ્યની, આપણા ધ્યેયની વાત કરે છે. બાહુમાં બળ ભરી અને હૈયામાં હિંમત રાખીને મુશ્કેલીની પળોને જુકાવીને તેમાંથી આપણે બહાર આવવાનું છે. જીવન રૂપી ધ્યેયને આપણે નક્કી કરી આપણા હસ્તે જ સિધ્ધ કરવાનો છે.એવો દિશા નિર્દેશ કવિ અહીં સઢ અને સુકાન દ્વારા કરે છે. આમ, કવિ સ્વ પરનું ભાન કરાવવાની સાથે બળ બાહુનો સંબંધ દર્શાવીને હોડી અને સાગરનો પારસ્પારિક નાતો જણાવે છે, અને વ્યક્તિ માત્રને પોતાની શ્રદ્ધાનો અહેસાસ કરાવે છે.ત્યાર બાદ છેલ્લા અંતરામાં કવિ ચોટ સાથે રજૂઆત કરતાં કહે છે-
"કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ …."
પુરુષાર્થના મહિમા દ્વારા કાવ્યનો પ્રારંભ કર્યા પછી કવિ અંતિમ અંતરામાં કહે છે કે આપણને તારનાર કે ડુબાડનાર બીજું કોઈ નહીં આપણે પોતે જ છીએ .કેમકે આપણે પોતે જ આપણું સર્વસ્વ છીએ, આપણા સિવાય બીજું કોઈ નથી. આપણા ઉપર જ આપણું સર્વસ્વ રહેલું છે. આપણભાવ, શ્રધ્ધાભાવ, આસ્થાભાવ અને સ્વપુરુષાર્થભાવ આપણા દ્વારા જ પ્રગટ થાય છે.
અધ્યાત્મવિદ્યાના મહામંત્રને પ્રગટ કરતાં આ નાનકડાં કાવ્ય દ્વારા કવિએ ગાગરમાં સાગર સમાડવાનું કાર્ય કર્યું છે.આ એક નાનકડાં કાવ્ય દ્વારા કવિએ ઘણું બધું કહી દીધું છે.ખરેખર કવિનું આ કાવ્ય ઉત્તમ તો છે જ પણ સાથે સાથે જીવનના દર્પણ રૂપ અને સાર રૂપ પણ છે.
કવિ પ્રહલાદ પારેખના કાવ્યોને ઉમાશંકર જોશીએ આંખ,કાન અને નાકની કવિતા કહી છે,જે ચરિતાર્થ ઠરે છે.
સંદર્ભ ગ્રંથ :-