બા નિશ્ચેત થઇ પથારીમાં પડી હતી. શરીર નંખાઇ ગયેલું. આંખો ઊંડી ઉતરી ગયેલી. રંગ કાળો મેશ. બા બા હતી જ નહીં. એને જોઇ મન કકળતું. બાપુજી બાના માથા પાસે ખુરશી રાખીને બેઠાં હતાં. ડોક્ટરેય જવાબ આપી દીધેલો. જેટલા કલાકો મળે એ અમારો નફો. પૈસા પાણીની જેમ ખરચવા છતાંયે અમે બાને કેન્સરમાંથી બેઠી કરી શકીએ એમ ન હતાં.
બા આ બાબતથી અજાણ હતી. બાપુજીની ઇચ્છા એવી કે બાને અંત ઘડી સુધી કંઇ ખબર ન પડે. અમારે ચિંતિત ચહેરે બા સામે ન જવું એવો બાપુજીનો આદેશ. મોત સાથે લડતી બાને સધિયારો આપતાં બાપુજીએ અમારી આંખેય ભીની ન થવા દીધેલી. અમે સૌ ટક્યા હતાં બાપુજીની હિંમતને લીધે જ.
પણ હવે વેઠાતું ન હતું. કેમ કેબાપુજીએય તૈયારી કરવાનું કહી દીધું. હું કામની યાદી લઇ બાની સામેની ખુરશીએ બેઠો હતો. અલ્પા અને મોટા ભાભી પાસે ‘એવી’ સાડીઓ ન હતી. એ લાવવી, મારા માટે અને મોટાભાઇ માટે સફેદ લેંઘો – ઝભ્ભો લાવવા, જે તે સગા – સંબંધીઓને જાણ કરવાની હતી તેના નામ – સરનામા અને ફોન નંબરની યાદી, સ્ટુડિયોવાળાને બાનો ફોટો મોટો કરાવવા આપવાનો, ‘કંઇ’ થાય કે તરત બાળકોને મિત્રોના ઘરે મોકલી દેવાં...
બા સવારથી મને આવી રીતે કામમાં પડેલો જોઇ રહી હતી. તેણે બાપુજીને નજીક બોલાવી પૂછ્યું,
“ આ હિતુ ક્યારનોયે શેની તૈયારી કરે છે ?”
“ એ... એ... તો... ” બાપુજી થોથાવાયા. “ હા... હા...થોડા દિવસોમાં જ તમારો ‘બર્થ ડે’ આવે છે, ને છોકરા – વહુઓની ઇચ્છા છે કે બધાએ ભેગા મળી ધામધૂમથી ઊજવવો. હમણાંથી કાંઇ પ્રસંગ કર્યો નથી; એટલે હિતુ....”
બા ફિક્કું હસી.
બાપુજી ઊભા થઇ રૂમમાં આંટા મારવા માંડ્યા. એમની લથડતી ચાલમાં હું એમની હામ તૂટી પડવાની તૈયારી જોઇ રહ્યો.