આજકાલ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં સૌથી વધારે ખેડાતું જો કોઈ સાહિત્ય સ્વરૂપ હોય તો તે છે ‘ગઝલ’. તેની લોકપ્રિયતાનું રહસ્ય તેની શૈલીગત સરળતા,સચોટતા અને કાફિયા-રદીફની સંરચના છે. ગઝલ વાંચતા કે સાંભળતા તે સરળતાથી સમજી શકાય એવો પદ્ય પ્રકાર છે. અને એટલે જ ગઝલ પ્રકારને સહેલો ગણી કોઈપણ નવોદિત ગઝલ લખવા પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ તેના ઊંડાણને સમજ્યા વિના અને ગઝલ શાસ્ત્રના યોગ્ય અભ્યાસ વગર લખાયેલી ગઝલ અનેક દોષોવાળી હોય છે. એવા જ એક દોષ ‘કાફિયા દોષ’ની આપણે અહીં ચર્ચા કરવાના છીએ. આમ જોવા જઈએ તો આ દોષ વિષે અનેક વિદ્વાનોએ ઘણું બધું લખ્યું છે. તેના પર ઘણી ચર્ચાઓ થઈ છે. પણ મારે જે વાત મૂકવી છે એ જરા જુદા પ્રકારની છે. આ દોષો કેવા પ્રકારના હોય છે અને તે કેવી રીતે ટાળી શકાય તે બાબત મૂળથી બતાવવાનો મારો ઉપક્રમ છે.
‘ શેર રૂપી ઘરની છત એના કાફિયા છે.’[1] એટલે જો છત બરાબર બંધાય નહીં તો ગમે તેટલા રાચરચીલાવાળું ઘર હોય તો પણ શોભે નહીં. ગઝલ રૂપી ઘરને શણગારવા માટે કાફિયાનું તલસ્પર્શી જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે. તો આવો આપણે એની વિગતે ચર્ચા આરંભીએ.
‘કાફિયા’શબ્દનું મૂળ અરબી શબ્દ ‘કફુ’ છે. જેનો અર્થ થાય છે ‘પાછળ આવવા માટે તૈયાર.’[2] કાફિયા પોતાની પાછળ રદીફ નામના સાથીને બેસાડી દરેક શેરની પાછળ આવતો હોય છે. એવો સંકેત આ પ્રકારના નામકરણથી મળે છે. ઉર્દૂ–ફારસી પરંપરામાં કાફિયાનાં નવ અંગો ગણાવેલાં છે. કાફિયા તરીકે વપરાયેલા શબ્દને અલગ અલગ વર્ણો અને સ્વરોમાં વહેંચી નાખીએ તો તેનાં નવ અંગો આપણને સાંપડે છે. આ નવે નવ અંગો ઉદાહરણ સાથે સમજી તેમાં થતા દોષ વિષે જાણીએ.
(૧) વાદી: વાદીને રવી પણ કહે છે. વાદી પ્રાસના એ મુખ્ય વર્ણને કહેવામાં આવે છે કે એ વર્ણ શબ્દમાંથી કાઢી નાખીએ તો એ શબ્દ અર્થહીન બની જાય. એટલે કે જે અર્થ માટે શબ્દને લાવવામાં આવ્યો હોય એ અર્થ ન રહે.જો કોઈ ગઝલમાં ‘ચમન’ અને ‘સદન’ કાફિયા તરીકે લીધા હોય તો એમાં વાદી અક્ષર ‘ન’ છે. જો આ બંને શબ્દોમાંથી ‘ન’ કાઢી નાખીએ તો પહેલા શબ્દમાં ‘ચમ’ અને બીજા શબ્દમાં ‘સદ’ શબ્દ બચે. જે અર્થહીન છે. આમાં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે કાફિયા તરીકે લીધેલ શબ્દનો અંતિમ અક્ષર કે સ્વર દૂર કરી આ કસોટી કરવાની છે; પ્રથમ કે વચલો અક્ષર નહીં. ઉપરની બાબત થોડી આગળ વધારીને કહીએ તો જો કોઈ ગઝલમાં ‘સંસારી’ અને ‘તૈયારી’ કાફિયા તરીકે આવતા હોય છતાં અહીં વાદી તરીકે દીર્ઘ ‘ઈ’ ક્યારેય નહીં આવે કારણ કે આ શબ્દોમાંથી દીર્ઘ ‘ઈ’ કાઢી નાખીએ તો પણ ‘સંસાર’અને તૈયાર’ શબ્દો પોતાના મૂળ અર્થ સહિત બાકી રહે છે. તેથી ‘સંસારી’ અને ‘તૈયારી’ જેવા કાફિયામાં પણ વાદી તરીકે તો ‘ર’ જ રહેશે.
(૨) જડ : જડને ‘તાસીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાસીસનો અર્થ ‘મજબૂત કરવું’ એવો થાય છે. પ્રાસમાં વાદી અક્ષર પહેલાં એક આખો અક્ષર આવે અને આ અક્ષર પૂર્વે જો કાનો હોય તો તે કાનાને તાસીસ કહે છે. ઉદાહરણ તરીકે ‘સાગર’અને ‘ચાદર’માં વાદી ‘ર’ છે. આ ‘ર’ની પહેલાં બંને શબ્દોમાં અનુક્રમે ‘ગ’ અને ‘દ’ અક્ષરો આવેલા છે. આ ‘ગ’ અને ‘દ’ પૂર્વે બંને શબ્દોમાં કાના છે. આ કાના ‘તાસીસ’ કહેવાશે. જો કે રઈશ મનીઆરે પોતાના પુસ્તક ‘ગઝલ : રૂપ અને રંગ’માં વિનમ્રતા પૂર્વક જણાવ્યું છે કે તાસીસ તરીકે કોઈપણ સ્વરચિહ્ન આવી શકે. [3] આ તાસીસને પ્રાસોમાં લાવવો આવશ્યક નથી. તાસીસને પ્રાસોમાં લાવી આખી ગઝલ લખાય તો ઉત્તમ. પણ અહીં એક બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે તાસીસને પ્રાસોમાં લાવવો ભલે આવશ્યક ના હોય પણ જો મત્લામાં તેની જાળવણી થઈ હોય તો એ તાસીસ આખી ગઝલમાં જળવાય એ આવશ્યક છે.નહિતર સર્વાંગ સુંદર ગઝલ પણ દોષયુક્ત બને.
(૩ ) સંયોગી : વાદી અને તાસીસની વચ્ચે જે આખો અક્ષર આવે તે સંયોગી. સંયોગીને ‘દખીલ’ પણ કહે છે.‘ભારણ’ અને ‘કામણ’માં વાદી ‘ણ’ છે. તાસીસ ‘કાનો’ અને આ બંને કાફિયા વચ્ચે પહેલાંમાં ‘ર’ અને બીજામાં ‘મ’ સંયોગી છે. સંયોગી પણ પ્રાસમાં લાવવો આવશ્યક નથી. પણ જે યોજના મત્લામાં સ્વીકારી હોય એ આખી ગઝલમાં નિભાવવી પડે. એટલે કે જો મત્લામાં આપણે ‘ભારણ’અને ‘મારણ’ કાફિયા તરીકે લીધા હોય તો આખી ગઝલના કાફિયા તરીકે ‘ર’ સંયોગીવાળા કાફિયા લેવા પડે. બાકી ‘ભારણ’ અને ‘કામણ’ કાફિયા સાથે ‘સમરણ’, ‘વેલણ, ‘ફાગણ’, ‘વાસણ’ વગેરે જેવા બીજા કાફિયા પણ નભી શકે. આ કાફિયામાં ‘ફાગણ’ અને ‘વાસણ’ને બાદ કરતાં ‘સમરણ’ અને ‘વેલણ’માં તાસીસ કે સંયોગી નથી. તાસીસ અને સંયોગી એક બીજાને આશ્રયે આવે છે. તાસીસ વિના સંયોગી કે સંયોગી વિના તાસીસ કદી આવી ન શકે. તાસીસ કે જડ રૂપી પ્રાસોમાં સંયોગી અલગ અલગ હોય તો પણ ચાલે. જેમકે ‘ભારણ’, ‘કામણ’, ‘વાસણ’, ‘ફાગણ’ વગેરે.
(૪) અનુયાયી : અનુયાયીને રિદફ પણ કહે છે. આ અનુયાયી બે પ્રકારના હોય છે. એક ‘અનુયાયી’ અને બીજો ‘યુક્ત અનુયાયી’. સૌથી પહેલાં આપણે અનુયાયીની ચર્ચા કરીશું. વાદી કે રવી અક્ષરની પહેલાં જે દીર્ઘ સ્વરચિહ્ન હોય છે તે તમામ અનુયાયી છે. દામ,કામ,રામ,જામ જેવા કાફિયામાં વાદી ‘મ’ છે. તેની આગળનો કાનો અનુયાયી કે રિદફ છે. એવી જ રીતે કૂળ,શૂળ,મૂળ,ધૂળ કાફિયામાં અનુયાયી દીર્ઘ ‘ઊ’છે. શહેર,મહેર,નહેરમાં વાદી ‘ર’ અને એક માત્રા અનુયાયી છે. હવે ‘યુક્ત અનુયાયી’ની સમજૂતી મેળવીએ.
વાદી અને અનુયાયીની વચ્ચે જે અર્ધ અક્ષર આવે છે તે ‘યુક્ત અનુયાયી’ છે. ‘પાલ્ય’ અને ‘બાલ્ય’માં વાદી ‘ય’ અને તેની આગળનો કાનો અનુયાયી છે.અર્ધ ‘લ ’ યુક્ત અનુયાયી છે. એવી જ રીતે ‘પાત્ર’ અને ‘માત્ર’માં વાદી ‘ર’ અને કાનો અનુયાયી અને અર્ધ ‘ત્ ’ યુક્ત અનુયાયી છે.
કાફિયામાં સંયોગી અને અનુયાયી વચ્ચે ભેદ છે. ઉદાહરણ તરીકે ‘ગાન’ અને ‘સાજન’ બંને કાફિયામાં ‘ન’વાદી છે. પણ પહેલા કાફિયામાં કાનો અનુયાયી છે. જ્યારે બીજા કાફિયામાં કાનો ‘જડ’ કે ‘તાસીસ’ છે. કેમ કે ‘ગાન’ કાફિયામાં વાદી અને કાના વચ્ચે સંયોગી નથી. જ્યારે ‘સાજન’માં છે. વળી સંયોગી અને યુક્ત અનુયાયી વચ્ચે પણ એક મહત્વનો ભેદ છે. જડ(તાસીસ) અને વાદી વચ્ચે સંયોગી તરીકે આખો અક્ષર આવે છે. જ્યારે યુક્ત અનુયાયી તરીકે અર્ધ અક્ષર આવે છે.
અનુયાયી પ્રાસોમાં તે જ સ્વરચિહ્નો અને યુક્ત અનુયાયી પ્રાસોમાં તે અનુયાયી સ્વર ચિહ્નો ઉપરાંત અર્ધ અક્ષર પણ તેનો તે જ લાવવો અનિવાર્ય છે. નહિતર કાફિયા દોષ યુક્ત બને.
(૫) બંધ : પ્રાસમાં રવી(વાદી)ની પહેલાં અનુયાયી વગર જે અર્ધ અક્ષર આવે તેને ‘બંધ’ કે ‘કૈદ’ કહે છે.‘ગર્વ’, ‘સર્વ’, ‘પર્વ’ વગેરે કાફિયામાં ‘વ’ વાદી છે. અને અર્ધ ‘ર્’ બંધ છે. ઈરાનીઓએ બંધ અક્ષર માટે ‘બ’, ‘ખ’, ‘ર’, ‘જ’, ‘શ’, ‘સ’, ‘ગ’, ‘ફ’, ‘ન’, ‘વ’, ‘ય’, અને ‘હ’. એમ કુલ બાર અર્ધ અક્ષર નક્કી કર્યા છે. જ્યારે આરબોએ આ બાર અક્ષર સિવાય બીજા તેર અક્ષરો નક્કી કર્યા છે. પરંતુ ગુજરાતીમાં એવું નથી.
ગુજરાતીમાં તો બંધ અક્ષર તરીકે જે અર્ધ અક્ષર લીધો હોય તે અર્ધ અક્ષર બધા પ્રાસોમાં તેનો તે જ લાવવાનો હોય છે. જો એવું ન થાય તો કાફિયા દોષ સંભવે.
(૬) સબંધી : સબંધીને ‘વસ્લ’ પણ કહે છે. સબંધી વાદી પછી વાદીની સાથે જ આવે છે. તેને પણ વાદીની માફક દરેક પ્રાસમાં લાવવો આવશ્યક છે.
‘કામી’ અને ‘નામી’ કાફિયામાં વાદી ‘મ’ છે. ‘મ’ પછીની દીર્ઘ ‘ઈ’ વાદી નથી. કારણ કે આપણે આગળ જોયું એ મુજબ વાદી પ્રાસના એ મુખ્ય વર્ણને કહેવામાં આવે છે કે એ વર્ણ શબ્દમાંથી કાઢી નાખીએ તો એ શબ્દ અર્થહીન બની જાય. એટલે કે જે અર્થ માટે શબ્દને લાવવામાં આવ્યો હોય એ અર્થ ન રહે. તેથી ઉપરના કાફિયામાં દીર્ઘ ‘ઈ’ વાદી નથી. કેમકે દીર્ઘ ‘ઈ’ કાઢી નાખીશું તો ‘કામ’ અને ‘નામ’ શબ્દો પોતાના મૂળ અર્થ સાથે બાકી રહે છે. આથી વાદી માત્ર ‘મ’ જ થઈ શકે. વાદીના આગળનો કાનો અનુયાયી અને દીર્ઘ ‘ઈ’સબંધી કહેવાશે.
વાદી સાથે, વાદી પછીના દરેક અક્ષરો તેના તે જ સ્વરૂપે લાવવા પડશે. જો એમ ન થાય તો પ્રાસ દોષયુક્ત બને.
(૭) બહાર : સબંધી પછી તરત આવતા વર્ણથી ‘બહાર’ બને છે. બહારને ‘ખુરૂજ’ પણ કહે છે.‘તાપણાં’, ‘બારણાં’, ‘આપણાં’ વગેરે કાફિયામાં આવતો અનુસ્વાર બહારનું અંગ છે.
(૮) વિશેષ : સબંધી પછી આવતા સ્વર ચિહ્નને ‘વિશેષ’ કે ‘મઝીદ’ કહે છે. ‘સતાવીએ’,‘બતાવીએ’ જેવા કાફિયામાં સતાવ,બતાવ મૂળ શબ્દ હોવાથી ‘વ’ રવી અને દીર્ઘ ‘ઈ’ સબંધી છે. જ્યારે ‘એ’ વિશેષ કે મઝીદ છે. અહીં બહાર કે ખુરૂજની ગેરહાજરી છે.
(૯) નાઈરહ : વિશેષ પછી આવતા વર્ણને ‘નાઈરહ’ કહેવાય છે.‘પડકારવાનું’, ‘શણગારવાનું’ વગેરે કાફિયામાં અનુસ્વાર નાઈરહ છે.
આટલી વાત સમજ્યા પછી આપણે એક બાબતની સ્પષ્ટતા કરવી ઘટે કે જો પ્રાસમાં સ્વર પહોળો બોલાતો હોય તો પહોળો જ લાવવો જોઈએ. ‘મૉર’, જેવા પહોળા ઉચ્ચારવાળા પ્રાસોના સ્થાને ‘મોર’ જેવા પ્રાસોને ન લાવી શકાય. વળી કોઈપણ શેરના ઉલા મિસરામાં જે પ્રાસ આવે એ જ પ્રાસ સાની મિસરામાં પણ સરખા અક્ષરો અને અર્થ સહિત ન આવવો જોઈએ. પ્રાસાનુપ્રાસના પ્રભાવમાં તણાતો કવિ ક્યારેક કાફિયાની શુદ્ધતા વિસરી જાય છે અને તે કાફિયા દોષ કરી બેસે છે. પોતાના મનની લાગણીઓ-ભાવનાના તરંગોમાં વહી જઈ કોઈ નવોદિત ગઝલ (ગઝલ જેવું) લખી નાખે તો કાફિયા દોષના કારણે તે ગઝલ, ગઝલ ન બનતાં માત્ર તૂક બંધી બનીને રહી જાય છે. એટલે જો આ બાબતે સજાગ રહીએ તો આપણને સર્વાંગ સુંદર ગઝલ સાંપડે. વળી ગઝલ દોષ વિના લખાય તો એ ભાવકોને વધુ તુષ્ટિ અને આનંદ આપે છે. મરીઝ સાહેબનો એક શેર ટાંકી હું મારી વાત પૂરી કરું છું:
“ઓ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.”
પાદટીપ: