Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘વન્યરાગ’ના સર્જકનો ધ્વનિરાગ

‘વન્યરાગ’ સર્જક પ્રભુદાસ પટેલનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં લેખક લખે છે,
‘ઉત્તર ગુજરાતની ઉત્તર-પૂર્વે અરવલ્લીની ગિરિમાળાઓમાં પથરાટ પામેલો વિજયનગર તાલુકો એ મારું રમણક્ષેત્ર. જીવનક્ષેત્ર છે...ડુંગરી ગરાસિયાઓ અને અન્ય સમાજોની ઉત્સવ ઉજવણીઓ, સામાજિક-ધાર્મિક વિધિવિધાનો અને લોકભાષા વગેરે તો નાનપણથી જ આત્મસાત થતાં ગયેલાં.’

વાર્તાઓમાંથી પસાર થયા બાદ દરેક ભાવક સર્જકની આ વાત સાથે સંમત થાય, એવી સ-રસ રીતે તેમણે ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજને અહીં આલેખ્યો છે.પરિવેશ અને બોલીની સાથે જ ‘વન્યરાગ’ની વાર્તાઓમાં એક ત્રીજું તત્ત્વ પણ એટલું જ મહત્ત્વનું છે. આ ત્રીજું તત્ત્વ તે સર્જક પ્રભુદાસ પટેલનો ધ્વનિરાગ. આ વાર્તાઓની સંરચનાને સૂક્ષ્મ દૃષ્ટિએ તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે વાર્તાકારે કેવી કુશળતાથી ધ્વનિ અને દૃશ્યનું સાયુજ્ય રચ્યું છે. ધ્વનિ અને દૃશ્યનું આવું જ સાયુજ્ય પુરોગામી સર્જક પન્નાલાલ પટેલની રચનાઓમાં જોવા મળે છે. ‘મળેલા જીવ’, નવલકથાના ચોથા પ્રકરણ ‘માયાના વમળમાં’ કાનજી અને હીરો ખેતરમાં બેઠાં હોય છે ત્યારે હીરાને જીવી વિશે વાત કર્યા પછી કાનજી અને હીરા બંન્નેના મનની ગડમથલ દર્શાવતું આ વર્ણન જુઓ.
‘બેઉ જણ વળી પાછા કંઈક વિચારમાં પડી ગયા હતાં. ચા પીતાં પીતાં થતાં સૈડકા સિવાય બધું શાન્ત હતું. માથા ઉપરથી પસાર થતાં કાગડાઓ પણ જાણે ચોરમિસાલે ઊડતા હતા. એથી થોડીક વધારે ઊંચાઇએ ઊડતા સૂડાના ટોળા બોલતાં બોલતાં જતાં હતાં પણ એમનો અવાજ પણ ઊગતા સૂરજના તેજમાં જાણે સમાઈ જતો હતો.’ (પૃ-૫૮)

પ્રકૃતિની નીરવતા વચ્ચે સંભળાતો ચાના સૈડકાનો ધ્વનિ કાનજીના મનની ઉથલપાથલને સચોટ રીતે વ્યક્ત કરે છે. એ જ રીતે છઠ્ઠા પ્રકરણમાં અંધારી રાતે જીવીને લેવા જતી વખતે કાનજી અને હીરાના જોડાનો તથા ધૂળાના ફાટેલા જોડાનો ધ્વનિ-એ વર્ણન પણ નોંધી શકાય.

‘માનવીની ભવાઇ’ નવલકથામાં તો ઠેરઠેર દૃશ્ય અને ધ્વનિની જુગલબંદી જોવા મળે છે. બીજા પ્રકરણ ‘વધામણી’માં આવતું કાળુના જન્મપ્રસંગનું વર્ણન જુઓ.
‘રાત પડી ચૂકી છે. ફળીના છોકરાં સૂઈ ગયાં છે. હાંલ્લાં ધોવાનો ‘ઘરઘરર’ અવાજ પણ વિરમી ચૂક્યો. મોટેરાંય ખાટલામાં પડી નસકોરાં બોલાવવા લાગ્યા: ‘ફરરરફાં! ફરરરફાં!’
એક પેલો લીંબડો જ, સ્મશાનનો નાયક બાબરો ભૂત તાને ચડી ધૂણતો ન હોય તેમ સુસવાટા બોલાવતો વીંઝાઇ રહ્યો હતો. ‘હીસસસ હા...! હીસસસ હા!’
...એના પાતળા દૂબળા કાઠામાનું કાળજું ‘ધબાક ધબાક’ કરતું જાણે ડાંગર ખાંડી રહ્યું હતું.’ (પૃ-૩૫-૩૬)

રાત્રિના સન્નાટામાં સંભળાતા આ અવાજો વાલા ડોસાના ઉચાટને સુંદર રીતે વ્યક્ત કરે છે. પાત્રના ભાવજગતની સંકુલતાને પન્નાલાલ ધ્વનિ અને દૃશ્યના સાયુજ્ય વડે રજૂ કરવામાં કુશળ છે. વાર્તાકાર પ્રભુદાસ પટેલ પણ પાત્રના ચિત્તમાં ચાલતી ઉથલપાથલને ધ્વનિ અને દૃશ્યના સાયુજ્યથી આલેખે છે. ‘ઉજાસ’, ‘દીકરી’, ‘અંધારા’ અને ‘વેર’- આ ચાર વાર્તાઓને આધારે પ્રભુદાસ પટેલ શી રીતે ધ્વનિ અને દૃશ્યનું સાયુજ્ય રચે છે તથા આ સાયુજ્ય તેમની વાર્તાની સંરચનામાં કેવી અગત્યની ભૂમિકા ભજવે છે તે વિગતે તપાસીએ.

‘ઉજાસ’એ આ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા છે. ગૌરી ધનિયાના મનમાં શંકાનું બીજ રોપે છે એ પહેલાં પત્ની સતુ, ભાઇ લખમણ અને દીકરા બચુ સાથે સુખેથી જીવતો ધનિયો સાગ કાપીને ઘરે પહોંચી જતો અને ત્યાંથી બકરાં ચરાવવા જતો. તેની આ દિનચર્યાનું વર્ણન જુઓ.
‘બાકી ધનિયો દરરોજ તો આ સમયે પહોંચી ગયો હોય છેક ગામના સીમાડે! ને ઘેર જઇ પેટ ઠારે કે પાછો તૈયાર થઇ ગયો હોય ગોવાળ જવાસ્તો! એય...ને ત્રીસ-ચાલીસ બકરાં...બેં...બેં...ના અવાજથી સીમ ગજવતાં દોડ્યે જતાં હોય ને પાછળ ‘એ હિયાં’…ને ‘ફુરરા’…ના વિશિષ્ટ ડચકારા કરતો ધનિયો. ને સાંજ થાક્યો પાક્યો ઘેર આવ્યો હોય ત્યારેય કો’ક તો રાહ જોતું બેઠું જ હોય.’ (પૃ-૨૭)

આ વર્ણનમાં ધ્વનિઓના કારણે બકરાં ચરાવવા જતાં ધનિયાનું ગતિશીલ એવું ચિત્ર રચાયછે. સાથે જ આ વર્ણન ધનિયાના સુખી લગ્નજીવનનો પણ સંકેત બની રહે છે. ઘરે પહોંચતાવેંત ધનિયાને સતુ સામે લેવા આવતી અને ઘરમાં પ્રવેશે કે તરત નાનકડો બચુ ધનિયાને વીંટળાઇ જતો. આવી સુખશાંતિથી જીવતો ધનિયો બકરાં ચરાવીને પોતાની ધૂનમાં જ ગીત ગાતો ઘર તરફ જતો હોય છે.
‘રયને કેવું બોલે પાબી (ભાભી) ફોરી રે ફોરી નેવરી વાજ્જે,
પાઇ (ભાઇ) મોટું હેં નોકરી પાબી, ફોરી રે ફોરી નેવરી વાજ્જે.’ (પૃ-૨૮)

મોટાભાઇ નોકરી ગયા છે અને ભાભીની ઝાંઝર ધીમેધીમે વાગી રહી છે એવો ભાવાર્થ આ ગીતનો છે. એક તરફ આ ગીત ધનિયાની પ્રસન્નતા સૂચવે છે. બીજીતરફ આ ગીત ગૌરી માટે ઉદ્દીપન વિભાવ બને છે. ગૌરીના આગમનથી ધનિયો ગીત ગાતો અટકે છે. ગૌરીએ મુકેલા તંગલાથી ધનિયાના ગીતના લયની સાથે જ તેના સુખી લગ્નજીવનનો પણ લય તૂટે છે. અહીં ગીત દ્વારા પ્રભુદાસ પટેલ ધનિયો અને ગૌરી બંનેના ભિન્ન વિચારોને રજૂ કરે છે. સાથે જ આગળ બનનાર પ્રસંગ તરફ પણ નિર્દેશ કરે છે. ગૌરીની વાત સાંભળીને ધનિયાના મનમાં જે તોફાન ઊમટે છે તેનું વર્ણન કરતાં લેખક લખે છે,
‘હડડડ કરતો વંટોળિઓ આવ્યો ને ધૂળ-પાંદડાને કચરો...બધુંય ફંગોળાતું ફંગોળાતું છેક આકાશની ચોટીએ પહોંચ્યું. એમ ને એમ ઘુમરાયા, ઘુમરાયા જ કરે.’ (પૃ-૩૦)

બહાર ઊઠેલો વંટોળ ધનિયાના ચિત્તમાં ઊઠેલા વંટોળને રજૂ કરે છે. વંટોળમાં અટવાયેલા વ્યક્તિને સાચી દિશા ન સૂઝે તેમ ધનિયાને પણ સાચા-ખોટાનો ખ્યાલ રહેતો નથી. વળી વળીને તેનું ચિત્ત સતુ-લખમણના સંબંધ વિશે જ વિચાર્યા કરે છે. આથીય સુંદર અને પ્રભાવક કહી શકાય તેવી ધ્વનિ અને દૃશ્યની સન્નિધિ તો લેખકે ગૌરીની મોહજાળમાં ધનિયો ફસાય છે તે પ્રસંગવેળાએ રચી છે. નવરાત્રિના દિવસોમાં મનજી ભગત માતાજીની સામે ધૂણી રહ્યા છે. એ જ સમયે ગૌરી ધનિયાને વળગી પડે છે. આ વર્ણન જુઓ.
‘ધીમેધીમે બાપનું માથું...ને પછી આખું ય શરીર ધ્રૂજવા માંડ્યું છે. ને...અહ્હે...અહ્હે...છોરાં...આજી કાળકા...અહ્હે...આજી મેલડી...ના પોકાર સાથે ઊભા થઇ ધૂણવા માંડે કે પૂંઠે બેઠેલા બીજાઓ પણ ઊભા થઇ અહ્હે...અહ્હે...કરતાં ધૂણી પડ્યા છે. મનજીભગતના એક હાથમાં મોરપિચ્છની સાવરણી, કેડે ખણખણતા ઘૂઘરાને જમણા હાથમાં સાંકળ ધૂણતા-ઠેકતા ને અહ્હે...અહ્હે...કરતા ભગત એક નવરાતિયાને સાંકળ આપે કે વારાફરતી બધાં નવરાતિયા સાંકળ હાથમાં લઇ ધૂણતા ધૂણતા ઠેકી ઠેકીને...અહ્હે આજી કાળકા…આજી જોગણી… એમ બોલતા બોલતા બે-ત્રણ ફટકા પોતાની પીઠા પર ઠોકીને બીજાને ઘરી દે છે.’ (પૃ-૩૩)

આ હોંકારા, ડાકલા, પડકારાની વચ્ચે જોઇતી તક ઝડપી લઇને ધૂપ માટે દેવતા કાઢતા ધનિયાને ગૌરી વળગી પડે છે. પેલા ડાકલા, પડકારા અને તેની જ પડખે પોતાની જાતીય તૃપ્તિની ક્ષણો શોધી લેતી ગૌરી. ગૌરીના પાત્રની સંકુલતા આ અવાજો વડે કેવી ઉપસી છે! અહીં તો ગૌરી ધનિયાને ધૂણાવી નાંખે છે. આમ, ‘ઉજાસ’ વાર્તામાં લેખક ધ્વનિજગતથી પાત્રનું ભાવજગત ઉઘાડે છે.

‘ઉજાસ’ કરતાં ‘દીકરી’ વાર્તામાં લેખક જુદી રીતે ધ્વનિને ખપમાં લે છે. એક તરફ લગ્નપ્રસંગે જ દીકરી ભાગી ગઈ છે એ વાત જાણીને વાલજી અકળામણ અનુભવી રહ્યો છે. તો બીજી તરફ આ વાતથી અજાણ લોક તો નાચતાં-કૂદતાં લગ્નગીતો ગાઇ રહ્યાં છે. આ લગ્નગીતોની સાથે લેખકે વાલજીની સ્વગતોક્તિઓ મૂકીને તેની અકળામણ, આક્રોશ, લાચારી, આબરૂ ગુમાવવાની બીક ઇત્યાદિ સંવેદનોને કલાત્મક રીતે રજૂ કર્યા છે. દીકરી ભાગી ગઇ છે એ વાતે મનોમન ખીજ અનુભવતો વાલજી બે હાથની મુઠ્ઠીઓ વાળી ધબાધબ કરતો છતી કૂટે છે. આ વર્ણન પછી તરત લેખક લખે છે,
‘હવે વાલિયાને ખૂબ જ ગમતું ગીત કોઇએ ઉપાડ્યું હતું:
ઉં નોનીક અતી (હતી) રે છોણી મેવાડમાં...
મારે વિવા કીધા રે છોણી મેવાડમાં...’ (પૃ-૫૫)

પોતે પત્ની શનુની વાતની ઉપરવટ જઇને દીકરીને શહેરમાં ભણવા મૂકી હતી. આ ક્ષણે વાલજી એ વાતે શનુની સામે શરમ અમુભવે છે. વાલજી મનોમન ધરતીમાની બાધા પણ રાખી લે છે. એમ કરીને કંઇક શાંત થાય ત્યાં વળી પાછુ જુવાનિયાઓનું ગીત તેના કાને પડે છે. આ બંને લગ્નગીતોને કારણે વાલાની સંકુલ માનસિક સ્થિતિ વધારે પ્રભાવક બને છે. આંગણામાં લોકો મસ્તીએ ચઢ્યા છે ત્યાં વાલાની છાતી બેસી ગઇ છે. દારૂ પીને જાતને વાલો કંઇક ધરપત આપવા જાય ત્યાં વળી તેની નજર ઘરની રંગેલી ભીંતો, ચોપાડમાં ફરફરી રહેલાં તોરણો અને ઝુમ્મરો પર ફરી વળે છે. વાલિયાએ માંડમાંડ રોકી રાખેલો આક્રોશ ધડાકાભેર ધસી આવે છે. વાલિયાનું આ ગાંડપણ વર્ણવતા લેખક લખે છે,
‘અને એકીશ્વાસે ચોપાડમાં ધસી ગયેલા વાલિયાએ ગાંડાની જેમ ફટ ફટ ફટ તોરણો તોડીને, મસળીને આમતેમ નાખવા માંડ્યા. તેનું મન એથીયે ન ધરાયું તે ધપાધપ ભીંતોને લાતો ઝીંકવા માંડી.’ (પૃ-૫૯)

‘ધબાધબ’, ‘ફટ ફટ ફટ’, ‘ધપાધપ’ આ રવાનુકારી શબ્દો વડે લેખક કેટકેટલું કામ લે છે! વાલિયાનો આક્રોશ, લાચારી, પીડા એ બધુંજ તેના વડે દૃશ્યરૂપ ધારણ કરે છે. લગ્નના મધુરાં ગીતોની સાથે આ અવાજો મૂકીને લેખકે જે વક્રતા રચી છે તે આસ્વાદ્ય છે. આ જ વાર્તાના અંતે વાલજીનો પ્રશ્ન ગામલોકો ભેગા મળીને ઉકેલવાનો પ્રયાસ કરે છે. પંચનો સભ્ય તળશીભાઇ ઉકેલ સૂચવતાં કહે છે કે કોઇ પોતાની દીકરી વાલિયાની દીકરીની જગ્યાએ પરણાવવા તૈયાર થાય તો પ્રશ્ન ઉકલે. આખું ગામ એકઠું થયું છે. ઝાડનું પાંદડું હલે તોય સંભળાય એવી શાંતિ છે. આ શાંતિની વચ્ચે રોતી-કકળતી કમળાનું આગમન વાલજી માટે આનંદની ઘટના બની રહે છે. સમગ્ર ગામ માટે પણ આ રુદન આનંદનો સંકેત બની રહે છે.

આ વાર્તામાં લેખકે લગ્નગીતોનો જે રીતે વિનિયોગ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. લોકોનો આનંદ અને વાલજીની વ્યથા તથા વાર્તાના અંતે કમળાનું રૂદન અને વાલજી તથા ગામલોકોનો આનંદ-ધ્વનિ અને દૃશ્યનું આવું જોડાણ વાર્તાની વ્યંજકતાને વધારે છે.

‘અંધારા’વાર્તા તો આખેઆખી ધ્વનિ પર ઊભેલી છે એમ કહીએ તો કશી અતિશયોક્તિ નથી. બાબુના સ્મૃતિપટ પર રૂપલી જીવંત થાય છે તે ક્ષણે બાબુના કાન સૌથી પહેલાં રૂપલીના ઝાંઝરનો અવાજ સાંભળે છે. એ અવાજ માત્રની યાદથી તેની છાતીના ધબકારા વધી જાય છે. અહીં ધ્વનિથી સ્મૃતિ અને સ્મૃતિમાં રૂપલીના સ્પર્શથી અનુભવાતી હૂંફ એવો ક્રમ વાર્તાકારે રાખ્યો છે. ત્યાં વળી ખાંવ્ ખાંવ્ કરતો બાબુ વાસ્તવજગતમાં પટકાય છે, ઝાંઝરના અવાજથી શરુ થયેલું સંસ્મરણ ખાંવ્ ખાંવ્ ના અવાજથી બાબુને વાસ્તવમાં લાવી દે છે. આ વાર્તામાં ખીમલાની જાતીયતા અંધારામાં જ બહાર આવે છે. અંધકારમાં માણસના કાન જ આંખનું કામ કરે છે. સ્પર્શ અને ધ્વનિ-આ બે દ્વારા જ અંધકારમાં રસ્તો ખોળી શકાય. એ રીતે જોઇએ તો ‘અંધારા’વાર્તામાં અવાજ ખૂબ મહત્ત્વનાં બની રહે છે. કહો કે, વાર્તામાં પરિવેશનું જ એક અંગ બની જાય છે. ખીમલાની જાતીયતા અને રૂપલી સાથેના તેના સંબંધો-આ ધ્વનિઓને કારણે જ લેખક સંયમિત રીતે આલેખી શક્યાં છે. રાત્રિના અંધકારમાં આંબા તળેથી આવતો ‘ખાક...થૂ’નો ધ્વનિ, તેની પડખે જ ચોપાડમાંથી આવતો ‘ખણખણણ’ અવાજ અને એ સાંભળીને જાગી જતો બાબુ અને બાબુનું ‘ખાંવ્...ખાંવ્’-આ ધ્વનિઓ અંધારામાં ઊઘડતી ખીમલાની વિકૃતિ, રૂપલીની જાતીયતા અને બાબુની લાચારીને વેધક રીતે રજૂ કરે છે. બાબુને સાચી વાત કહી દીધા પછી રૂપલીને ખીમલાના ખોંખારા ડામ જેવા લાગે છે. વાર્તાના અંતે બાબુને આંબો ખોંખારા અને ખિખિયાટા કરતો જણાય છે. આંબા પર કુહાડીના ઘાનો કચ કચ અવાજ અને તેની સાથે જ હાંફી રહેલાં બાબુની ‘ખાંવ્...ખાંવ્’-આ વર્ણનમાં જે દૃશ્યાત્મક્તા સિદ્ધ થઇ છે તે ધ્વનિના કારણે જ થઇ છે. પ્રભુદાસ પટેલની વાર્તાઓ ભાવકના આંખ અને કાન બંનેને સ્પર્શે છે.

‘વેર’ વાર્તામાં ઢોલ ઢબૂકતાંની સાથે જ ગામલોકો એકઠાં થઇ જાય છે. આ વર્ણન જુઓ.
‘ઢબાકટ ઢબાકટ ઢોલ ઢબૂક્યો ને ભાનમાં આવી ગયેલો ભેમો અવાજની દિશામાં દોડી પડ્યો...ઢોલ વાગતાં જ મગરી મગરી, ખોલરે ખોલરેથી ઉ...વુ...વુની કિલિયારીઓ સાથે, જાણે ગોફણમાંથી ગોળા છૂટ્યા હોય તેમ કોઇ ધારિયું લઇને, કોઇ કુહાડા સાથે તો વળી કોઇ બૂધો કે તીર-કામઠા સાથે હોળીચોકમાં...હાકલા, પડકારાના અવાજોથી ડુંગરીઓ જાણે ધૂણી ઊઠી.’ (પૃ-૭૩)

ભીમાના કહેવા પર ગામલોકો કાવજીના ઘરે પહોંચી જાય છે અને તેના કુટંબીઓને મારે છે. આ બધું જોઇ રહી છે કાયમ માટે મૌન બની ગયેલી રૂપલી. પ્રભુદાસ પટેલની સર્જકતા સુજ્ઞ ભાવક અહીં અનુભવી શકે. જે ઘરમાં જીવતેજીવ કાવજીના હાથનો માર ખાઇને રૂપલી રોતી, કકળતી, કણસતી હતી, એ જ ઘરમાં શાંત થઇ ગયેલી રૂપલીની કાયા સામે જ કાવજી અને તેના કુટંબીજનો કણસતાં પડ્યા છે.
‘ઘરમાં તૂટી-ફૂટી ગયેલાં નળિયા ને થાપડાનાં આમતેમ વેરાયેલાં ઠીકરાં, તૂટ્યાં-ફૂટ્યાં વાસણો વચ્ચે જાણે ઘોર નિંદરમાં પોઢેલી રૂપલીની કાયા. મારના દુઃખે કણસતાં કાવજીના કુટુંબીઓ અને કેડભાંગલા મકોડાની જેમ બેઠો વળવાનો પ્રયત્ન કરતા કાવજીને જોઇને તો ભીમાનું શેર લોહી વધી ગયું.’ (પૃ-૭૪)

આ જ દૃશ્ય જ્યારે ભીમાની સ્મૃતિમાં જીવંત થાય છે ત્યારે રૂપલીના મૃતદેહ પર ધસી જતી, રોકકળ કરતી તેની દીકરી ભીમાને દેખાય છે. રૂપલી તો કાયમ માટે મૂંગી થઇ ગઇ છે. પહેલા વર્ણનમાં રૂપલીનું વેર લેવાઇ ગયું એમ જણાય. તો આ બીજા વર્ણનમાં શું ખરેખર ભીમાએ રૂપલીનું વેર લીધું કે પછી તેના દુ:ખમાં વધારો કર્યો એવો સવાલ ભાવકને થાય. ભીમાને રૂપલીની દીકરીનું રૂદન પીગળાવી દે છે.
‘રૂપલીની કલ્પાંત કરતી દીકરી...રૂપલીના શબ પર ધસી જઈને ધબધબ છાજિયા લેતી ને બેઠા વળવાનો પ્રયત્ન કરતી બાપ કાવજી પાસે દોડી જઈને તેને બાથમાં લઈ લઈને, માથું કૂટતાં મણમણનાં આંસુ પાડતી એ છોકરી...’ (પૃ-૭૭)

હું દીકરી માટે જ જીવું છું એવું રૂપલીએ ભીમાને કહ્યું હતું. રૂપલીને ચાહતો ભીમો તેની દીકરીને શી રીતે અનાથ બનાવી શકે? રૂપલીનું કાયમી મૌન, મારથી કણસતો કાવજી અને રૂપલીના શબ પર માથું કૂટતી તેની દીકરી-આ આખું વર્ણન વિવિધ અવાજોના કારણે જ અસરકારક બન્યું છે. અહીં જાણે કે મૃત્યુ પામેલી રૂપલી ભીમાને વિનવતી જણાય છે.

આમ, આ ચારેય વાર્તાઓના આધારે કહી શકાય કે પ્રભુદાસ પટેલે ધ્વનિ અને દૃશ્યના સાયુજ્ય દ્વારા પાત્રોના મનમાં ચાલતી ઉથલપાથલને મૂર્ત રૂપ આપ્યું છે. કયાંક ધ્વનિઓ વિષયને વળ ચઢાવે છે તો ક્યાંક વાર્તાની સંકલનાને દૃઢ બનાવે છે. વિવિધ ધ્વનિઓ માનવજીવનનું અભિન્ન અંગ છે. એ દૃષ્ટિએ તે પરિવેશનું પણ મહત્ત્વનું અંગ છે તેની પ્રતીતિ ‘વન્યરાગ’ની વાર્તાઓમાં રહેલ ધ્વનિ અને દૃશ્યનું સાયુજ્ય કરાવે છે.

સંદર્ભ:

  1. વન્યરાગ’, પ્રભુદાસ પટેલ, પાર્શ્વ પ્રકાશન, ૨૦૧૪
  2. ‘મળેલા જીવ’, પન્નાલાલ પટેલ, સંજીવની પ્રકાશન, ૨૦૦૯
  3. ‘માનવીની ભવાઈ’,પન્નાલાલ પટેલ, સાધના પ્રકાશન, ૨૦૦૮
  4. ‘નવલકથા અને સિનેમા’,હીરેન્દ્ર પંડ્યા, પાર્શ્વ પ્રકાશન,૨૦૧૮


ડૉ. હીરેન્દ્ર પંડ્યા, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર.