લાંબા અંતરની મુસાફરી – પાટણથી મહુવા – પૂરા બાર કલાકની – તમને પૂરો કંટાળો લાવી દે. ને માથે ગરમી તો ઓહ, તોબાતોબા! વહેલી સવારથી જ પરસેવે નીતરતા થઇ જાઓ. વળી, એટલું ઓછું હોય કે સરકારી બસ, બારીનો સતત ખખડવાનો અવાજ, ને એન્જીનનો ઘૂર્રાટ. આનાથી અકળાઇ જ જવાય.
એક તો તમે જલ્દીથી ઘર પહોંચવા તલસતા હો, બેચેન હો, મન વારંવાર ઘરે પહોંચી જતું હોય, ઘરે જઇને કૂદકા – ભૂસકા, આમથી તેમ ભટકવાનું – નાચવાનું મન થતું હોય પણ બસ તો દુનિયાની સર્વ માયાથી અલિપ્ત હોય એમ એની એ જ ગતિએ ચાલ્યા કરે ને માથે ઉકળાટ તો ચાલુ જ. તમને એમ થાય કે જલ્દી અહીંથી નાસી છૂટાય તો સારું.
કમ સે કમ તમારા વતન તરફનું એકાદ ઝાડ જોવા મળે તોય તમને આમાંથી....
વળી બસની રેકઝીનની સીટ તમારા આંતર – બ્રાહ્ય ઉકળાટમાં વધારો કરે. ત્યાં જ વળી કોઇ સિગારેટ ફૂંકે છે ને તેનો સીધો જ ધૂમાડો તમારી પર આવે છે ને તમે મગજની સમતુલા ગુમાવવાની અણી પર આવ જાવ છો.
તમે ખુલ્લા ખેતરોને જોવા તરસો છો. તમે બારી બહાર નજર કરો છો તો હજુય એ જ રેતાળ પ્રદેશ ચાલે છે. સાવસુક્કી ભઠ્ઠું જમીન. વરાળ બહાર અંદર ફેંકાયા કરે. રેતી ઉડ્યા કરે. કાંટાવાળા બાવળની હાર સતત જોયા કરવાની. બીજા વૃક્ષો ભાગ્યે જ આવે. આ દ્રશ્ય અટકે ત્યાં ણ ગમતું બીજું શરૂ થઇ જાય. ઉદ્યોગોના નાના મોટા શેડ, નાની મોટી રેસ્ટોરાં ઇ. એક તણખલુંય તમારા પ્રદેશની નજદીક હોવાનો અહેસાસ કરાવે તોય તમે...
હવે કંટાળો, બેચેની ને એકવિધતાની છેલ્લી હદ આવી ગઇ હોય એવું તમને લાગે છે. તમને જોરથી માથું ભટકવવાનું મન થઇ આવે છે.
આહ! તમારું વતન. તમારું ઘર ક્યાં ? ક્યારે?
સાંજ ઢળવા માંડી. એક સ્ટેશન પર બસ અટકે છે. તમે ચીસ પાડવાની અણી પર જ હતા. ને ત્યાં એક સ્ત્રી તમને પૂછે છે, ‘ બેન, ઓલર્કોની બસ ક્યાં જાય સે ?’
ને અચાનક જ આ અવાજથી તમારામાં ખુશીની છોળો ઉછળી પડે છે. તમે તરત જ સ્ટેશનનું નામ વાંચી લો છો કે તરત જ હિલ્લોળાતા નીચે ઉતરી પડો છો, અને એમને એ બસ પાસ મૂકી આવો છો ત્યારે ખુલ્લા આકાશમાં, ઘરની નજીક જઇ રહેલા પંખીઓના જોશભાર્યા ઉડાનની લ્હેરો જાણે તમારામાં હિલ્લોળાવા માંડે છે.