કોઈ પણ ભાષાના સાહિત્યની પવૃત્તિના પાયામાં સામયિકો રહેલા છે. સાહિત્ય ગ્રંથસ્થ થાઈ એ પૂર્વે ઘણે ભાગે સામયિકોમાં પ્રકાશિત થતું હોય છે. એમનું કાલ ક્રમે લુપ્ત થઈ થોડું ગ્રંથરૂપે સચવાતું હોય છે. આથી કોઈ પણ ભાષાની અર્વાચીન કાળની સંપૂર્ણ સાહિત્યિક પ્રવૃતિનું અધ્યયન કરવું હોય તો તે સમયના સામયિકોને તપાસવા પડે . સામયિકો એ જે તે સમાજના સંસ્કાર ઘડવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. આ સામયિકો એક વર્ષની અંદર નિયમિત સમયાંતરે પ્રગટ થાઈ છે. એમાં પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક કે અનિયતકાલીન પ્રગટ થતાં હોય છે. ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગથી લઈ અત્યાર સુધી ઘણા સામયિકો પ્રગટ થયા છે. એમાં ગાંધીયુગમાં આરંભાયેલ ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ સંસ્થાનું મુખપત્ર ‘ શ્રી ફર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસિક સામયિકનું ગુજરાતી સાહિત્યને ઉજાગર કરવા અને સાહિત્ય સેવા પૂરી પાડવામાં ખૂબ મોટો ફાળો છે.
શ્રી ફર્બસ ગુજરાતી સભા ‘ત્રૈમાસિકનો ઉદ્ભવ:
ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ સાહિત્ય પ્રવૃત્તિ ગાંધીયુગમાં થઈ છે. તેમાં સામયિકોનો ધણો મોટો ફાળો છે. ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસિક પણ ગાંધીયુમાં શરૂ થયેલ છે.ઈ.સ.૧૮૬૫માં ‘મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી’ એ ‘એલેકઝાન્ડર કિન્લોક ફોબ્સ’ની મદદથી ‘ગુજરાતી સભા’નામની સંસ્થા સ્થાપી. ‘એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ’ના મૃત્યુ પછી સંસ્થાનું નામ બદલી ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ રાખવામા આવ્યું અને આ સંસ્થા દ્વારા ઈ.સ.૧૯૩૬માં એપ્રિલ–જૂન માસમાં અંબાલાલ બુલાખીરામ જાનીના સંપાદન હેઠળ ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસિક સામયિકનો આરંભ થયો.
આ સમયિકનો આરંભ થવા પાછળનું કારણ અંબાલાલ જાની પ્રથમ અંકના નિવેદનમાં નોધે છે તેમ “તે સમયે ‘સયાજીરાવ ગાયકવાડ’પુરાતત્વ વિષે સંશોધકો અને વિદ્વાનોને ઉત્તેજન આપતા હતા.તેમજ સાહિત્ય સંશોધનો અને પ્રકાશનમાટે ગાયકવાડ સરકાર તરફથી વિવિધ પ્રવૃતિઓ,એરિઓન્ટલ સીરિઝ, અને સયાજીજ્ઞાન પ્રકાશમાળા ચાલતી હતી. એ સમયે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’લાઠીમાં ભરાઈ એમાં પુરાતત્વ સંશોધન અને સાહિત્ય સંશોધન વિષે પ્રશ્નો થયા અને એ સમયે એવા સંશોધનોના લેખોનું પ્રકાશન એ ‘વિદ્યાપીઠ’ના પુરાતત્વ’ સામયિકમાં થતું હતું પરંતુ એ કોઈ કારણ સર બધ થયું. એ પછી સામયિક ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’ તેમજ અંગેજી જર્નલો વિવેચન તેમજ સંશોધનનું સાહિત્ય પૂરું પડતું હતું. એ બંધ થઈ જતાં સાહિત્યના હિતેચ્છુઓ, અભ્યાસીઓ એ ‘શ્રી ફર્બસ ગુજરાતી સભાના’ વ્યવસ્થાપકોને એમણે માંગણી કરી અને સભાની વિશિષ્ટ ઉદેશ્ય વળી ત્રૈમાસિક ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ સામાયિક શરૂ થયું” ( ફર્બસ. ગુ.સ.ત્રૈમાસિક-વર્ષ.૧૯૩૬,અંક૧, પ્રસ્તાવના )અને આજે પણ એ અવિરત પણે ચાલુ રહ્યું છે.
આ ફર્બસ સામયિક ગુજરાત અને ગુજરાતી સાહિત્ય તેમજ અન્ય વિષયોની માહિતી પૂરી પાડવા માટે કાર્ય કરે છે. આ સમયિકની શરૂઆત થઈ ત્યારથી ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ એ કોઈ નફા કે વળતરની આશા રાખ્યા વગર પડતર કિમત થી પણ ઓછા ભાવે પ્રગટ કરી હતી. આ સામયિકનું લવાજમ તે વખતે ૩ રૂપિયા હતું અને એ વિદેશમાં પણ પહોચાડવામાં આવતું હતું. સભાના સભ્યોને વિના મૂલ્યે આપવામાં આવતું. એ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સંશોધકોને અરધી કિંમતે સામાયિક વિતરણ તે સમયમાં શ્રી ફર્બસ ગુજરાતી સભા’દ્વારા થતું હતું.
‘ફર્બસ’ સામાયિક પ્રગટ કરવાનો બીજો આશય એ શ્રી ફર્બસ ગુજરાતી સભા સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકોનો પ્રચાર કરવો, અને વેચાણ માટે મૂકવી તેમજ સાહિત્યનો પ્રચાર કરવો તે હતો. એ સમયની સાર્વજનિક શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને અરધી કિંમતે પોતાના પ્રકાશનનાં પુસ્તકો વેચતા. એના પ્રચાર-પ્રસાર માટે આ ‘ફર્બસ’ સામયિકમાં પુસ્તકનું નામ અને એની કિંમત સાથે છાપીને એનો પ્રચાર-પ્રસારકવાનો ઉદેશ્ય રહ્યો હતો.
‘ફર્બસ’ સામયિક ઈ.સ.૧૯૩૬ના એપ્રિલ- જૂન મહિનાથી શરૂ થયું. ત્યારથી અત્યાર સુધી એટલેકે ઈ.સ.૨૦૧૯ સુધી વર્ષના ચાર અંકનું એક પુસ્તક આ રીતે ૩૨૨ જેટલા અંકો આ ૮૨ વર્ષના ગાળામાં પ્રકાશિત થયા છે. ઘણી વાર બે અંકો એક સાથે કે ત્રણ અંકો એક સાથે કોઈ કારણસર પ્રકાશિત થયા છે. જેમ કે, ઈ.સ.૧૯૪૮, ૧૯૪૯,૧૯૫૦,૧૯૫૨,૧૯૫૪,૧૯૫૫,૧૯૫૭,૧૯૫૯, અને ૧૯૭૩ ના વર્ષના અંકો એક સાથે બે ત્રણ અંક પ્રકાશિત કર્યા છે. આરંભમાં આ સામયિક વર્ષના એપ્રિલ-જૂન માસથી પ્રથમ અંક પ્રકાશિત થતો હતો. એ ઈ.સ.૧૯૬૫થી ૨૧માં પુસ્તક પછી સમયિકની સુસંગતતા જાળવવા માટે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ત્રણ-ત્રણ માસ ના આંતરળમાં આ સામાયિક પ્રગટ થયું છે. સામયિકનું છાપકામ એના સંપાદકો મુજબ મુંબઈ, અમદાવાદ,નવસારી, વલસાડ,જેવા સ્થળોએ જુદી જુદી પ્રિટિંગ પ્રેસમાં થયુ છે.આજે એ મુંબઈમાં પ્રિન્ટ થાઈ છે. આ રીતે આ સામયિક નહિવત બદલાવથી પ્રકાશિત થતું રહ્યું છે.
શ્રી ફર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકની પ્રવૃતિઓ:
એક ચોખ્ખી સમાજ પ્રમાણે સાહિત્યિક સામયિકનું પ્રથમ કાર્યક્ષેત્ર સાહિત્ય જગત છે પરંતુ આખરે તેનું મૂળ સ્રોત માનવ જીવન કે સમાજ જીવન સાથે છે. એટ્લે સમયિકે સાહિત્ય સર્જનના પ્રશ્નોને સ્થાન આપવાની સાથે-સાથે સમાજ -સંસ્કૃતિ ક્ષેત્રે સર્જાયેલા મહત્વના પ્રશ્નો રજૂ કરવાના હોય છે. ટૂંકમાં સાહિત્ય ઉપરાંત લલિત કળાઓ ,સમાજવિદ્યાઓ અને તત્વચિંતનના ક્ષેત્રમાં જે મહત્વની ઘટનાઓ ઘટે, જે કઈ નવી પ્રવૃતિઓ થતી હોય, તેની નોધ પણ સાહિત્યિક સમયિકે અપનાવવાની હોય છે. સંમેલનો,અધિવેશનો, પરિષદો, વ્યાખ્યાનમાળા,અંજલિ કાર્યકમો, નિવાપાંજલિઓ, અવસાન નોધ, પુસ્તક પ્રદર્શનો, ચર્ચા સભાઓ,આંતરવિદ્યા શાખાની પ્રવૃતિના મહત્વના પ્રકાશનો, આભાર નોધ ઈત્યાદી સાહિત્યજગતના વૃતાંત નિવેદનએ સાહિત્યિક સામયિકનું અભ્યાસ કાર્ય છે અને એ જ રીતે ફર્બસ ગુજરાતી સભાની પ્રવૃતિઓ થતી રહી છે.
‘ફર્બસ’ સામયિક ઈ.સ.૧૯૩૬થી અંબાલાલ બુલાખીરામ જાનીના તંત્રીપદ હેઠળ આરંભ કરી ત્યારથી આજના સમય સુધી એની પદ્ધતિએ નહિવત બદલાવ સિવાય એવી જ રહી છે. અને એની આખી પ્રવૃતિએ ‘ફર્બસ ગુજરાતી સભા’ સંસ્થા દ્વારા કરવમાં આવતી.એ સમયે કાર્યવાહક સમિતિના પ્રમુખ- દીવાન બહાદુર કૃષ્ણલાલ મ. ઝવેરી, મંત્રી-હરસિદ્ધભાઇદિવેટિયા, કોષાધ્યક્ષ-ધર્મસુખરામ ત્રિપાઠી તેમજ કનૈયાલાલ મુનશી, પોપટ શાહ, મોતીચંદ કાપડિયા, જેવા સભ્યો આ સામયિક સાથે જોડાયેલા રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરતા. આવા વિદ્વાનોના હાથમાં ફર્બસ સમયિકનો કાર્યભાર હતો.
ફર્બસ સામયિકના સંપાદકો સમયે- સમયે બદલાતા રહ્યા છે. એની યાદી નીચે મુજબ છે.
આ સામયિક મુખ્યત્વે પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યના સંશોધનો, વિવેચન, વિશદીકારણ અને પ્રકાશનનું કાર્ય કરે છે. એ ઉપરાંત સંસ્કૃતિમાં ભાગ ભજવતી વિવિધ વિદ્યાઓ, શિલ્પ, સ્થાપત્ય,ચિત્રણ આદિ કળાઓ તેમજ ગુજરાતમાં પચલિત પુરાતન ધર્મો,મતો, સંપ્રદાયો આદિ ગુજરાતની સંસ્કૃતિ ઘડતરમાં ઉપયોગી થયેલા વિષયોને આ સામયિકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સામયિકનો મુખ્ય આશય સંશોધન લક્ષી લેખો પ્રકાશિત કરવાનો રહ્યો છે અને એ આજ સમય સુધી ચાલુ રાખ્યું છે. એમાં મધ્યકાળ,અર્વાચીન તેમજ લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાનને લગતા સંશોધનો આ સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આરંભમાં આ સામયિકમાં સંશોધનના જ લેખો પ્રકાશિત થતાં હતા. પરંતુ મજૂ ઝવેરીએ આધુનિક સાહિત્ય સમીક્ષાના પણ કેટલાક લેખો પ્રકાશિત કર્યા અને સમકાલીન સાહિત્યને પણ ફર્બસ સામયિકમાં સમાવેશ કરવામાં આવ્યા.
ફર્બસ સામયિક એના નિયમોને ચુસ્તપણે વળગી રહ્યું છે. તે સમયમાં બનતી રાજકીય ઘટનાઓ અને, ઉથલપાથલની પરિસ્થિતિથી તદન અળગું રહ્યું છે. એટ્લે હદ સુધી કે ઈ.સ.૧૯૪૭માં દેશની આઝાદી વિશે કે ઈ.સ. ૧૯૪૮માં ગાંધીજીના મૃત્યુનો અક્ષર શુદ્ધાં છાપ્યો નથી.પહેલાથી જ ઝગડા અને ઝહરેલી ટીકાઓથી અને ઉહાપોહથી દૂર રેહવાની નીતિ અપનાવેલી હતી. અંબાલાલ જાની પછીના તંત્રીઓએ પણ આ પરંપરા ચલુ રાખી પરિણામે સાહિત્ય સંશોધન વિશ્લેષણ કરતી વખતે સંપાદનના લેખો જ અહી છપાયાં છે. બીજી બાહરી પ્રવૃતિઓમાં આ સામયિકેરસ લીધો નથી.
આ સામયિકમાં વિવિધ કોલમો દ્વારા લેખો રજૂ થયા છે. જેમાં ચિત્ર પરિચય, સમાલોચન,ચર્ચાપત્ર, ગ્રંથ પરિચય,પુસ્તક પરિચય, સમીક્ષા, પત્રચર્ચા,ગ્રંથ સમીક્ષા, અહેવાલ,પ્રતિસાદ,એવા કોલમોમાં વિવિધ લેખોનો સમાવેશ કરીને પ્રકાશિત કર્યા છે.એમાં મંજુ ઝવેરીએ એની રચનારીતિમાં ઘણો બદલાવ કર્યા અને સમકાલીન સમયની કૃતિઓને ‘ફર્બસ’ સામાયિકમાં સ્થાન આપ્યું. સિતાશું યશશ્ચચંદ્રએ ‘અનુક્રમણિકા’ને‘સાંકળિયું’ નામાભિધાન કર્યું. આ રીતે સામયિકમાં સંપાદકોએ થોડા બદલાવ સાથે ફર્બસ સામયિકની કાર્ય પદ્ધતિ અપનાવી છે.
શ્રી ફર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક નું સંશોધન ક્ષેત્રે પ્રદાન :
શ્રી ગુજરાતી સભા ત્રૈમાસિકનું સંશોધન ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. આ સામયિકનો મુખ્ય ઉદેશ્ય જ સંશોધન લેખો પ્રકાશિત કરવાનો છે. ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી ઘણાં બધા સામયિકો પ્રકાશિત થયા છે. એમાં ફર્બસ સામયિકમાં સંશોધન કરવાની પદ્ધતિથી માંડીને સંશોધિત કૃતિઓ તેમજ ઇતર સંશોધનો પણ આ ફર્બસ સામાયિકમાં પ્રકાશિત થયા છે.ફર્બસ સામયિકનો ધ્યેય મંત્ર એ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યના સંશોધન, વિવેચન, વિશદીકરણના લેખો પ્રકાશિત કરવાનો છે. ઉપરાંત સાહિત્યમાં પ્રાચીનકાવ્ય,ગુજરાતની કળા તેમજ સંસ્કૃતિમાં યોગ્ય ભાગ ભજવતી વિવિધ વિદ્યાઓ, શિલ્પો, સ્થાપત્ય ચિત્રણ આદિકળાઓની હકીકત તેમજ ગુજરાતમાં તેમજ ભારતભરમાં પ્રચલિત પુરાતન ધર્મો, મતો, સંપ્રદાયો વગેરે ગુજરાતીની તે કળાનીસંસ્કૃતિના ઘડતરમાં ઉપયોગી થયેલા વિષયોની એ આ ત્રૈમાસિકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ફર્બસ સામયિકમાં સંશોધન ક્ષેત્રે ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક કળાઓ, વિવિધ ધર્મો, જાતી આદિના સંશોધનના લેખો પ્રગટ થયા છે.એમાં શરૂઆતના આંકોમાં સૌથી વધુ ઐતિહાસિક લેખોને મળ્યું છે. એમાં, સાહિત્ય- સંસ્કૃતિ અને ભૂગોળની દ્રષ્ટિએ મહાગુજરાતના સોલંકી રાજપુતોની ઉત્પતિ, ગુજરાતનું રેખાદર્શન,ગુજરાતનો ઇતિહાસ, મોગલોના સમયની ગુજરાતી લશ્કરી વ્યવસ્થા, લાટ પ્રદેશ અને દક્ષિણ ગુજરતનું દિગ્દર્શન, ૧૧મી સદીનું ગુજરાત, ગુજરાતનો અરબી ઇતિહાસ,ચાલુકય વંશનો ઇતિહાસ, ડાંગની વનરાઈ, જેવા લેખો ગુજરાતનોવંશ, પ્રાકૃતિ, ભૂગોળ, જાતિ, ધર્મ વગેરેના સંશોધનો અહી ફર્બસ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.એમાં નવસારીના સિસોદિયા ગામનું શંશોધન મણિલાલ દ્રીવેદીએ કર્યું હતું. એ ઉત્તમ સંશોધન નો નમૂનો અહી પ્રકાશિત કર્યા છે. એમાં અબુ ઝફર નાદવી સૈયદ, કૃષ્ણલાલ ઝવેરી, ધનપ્રસાદ મુનશી, મોતીચન્દ્ર કાપડિયા, વિજયલાલ ધ્રુવ, માણેકલાલ દવે,મુહમ્મદ ઉમર કોકીલ જેવા સંશોધકોએ આ સંશોધન લેખો આ ફર્બસ સામયિકમાં પ્રકાશિત કર્યા છે.
અહી આ સામયિકનો એક ઉદ્દેશ પુરાતત્વ, શીલ, સ્થાપત્યના લેખો નો સમાવેશ કર્યા છે. એમાં, ગુજરાતનું શીલ સ્થાપત્ય, વડોદરા રાજ્યમાં પુરાતન શોધખોળ, મુસલમાનના સિક્કાઓ ઉપરના ચિત્રો, ઉજજેનમાં મળેલા ૧૦માં શતકના તામ્રપત્રો, કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખો, ભરૂચના ઇસ્લામી યુગના શિલાલેખો, કેટલાક જૈન ધાતુપ્રતિમાં લેખો, ધવલધરના બે શિલાલેખો,ધોધા અને પીરમ પાસેના પ્રાચીન ઐતિહાસિક સ્થળો(બે નકશા સાથે), હુજારત્ન અરબી-પારસી શીલા લેખો,નવસારીના જૂના મસ્જિદવાળા શિલાલેખો, વગેરે લેખો આ સામયિકમાં પ્રકાશિત થયા છે અને આ લેખો ઇતિહાસને તપાસવા ખૂબ ઉપયોગી બને એવાછે.
આ ઉપરાંત ફર્બસ સામયિકમાં ગુજરાતી મધ્યકાલીનસાહિત્યમાં કૃતિઓનું સંશોધન, હસ્તપ્રતો,અનુવાદો, કર્તાવિષયક માહિતીના તથ્યો, વગેરે સંશોધિત કૃતિઓ અહી ત્રૈમાસિકમાં પ્રકાશિત થઈ છે.એમાં ‘હારમાલા’અને ‘ઉષાહરણ’ કૃતિઓ આ સામયિકમાં ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવી છે. એ ઉપરાત નરસિંહ, મીરા,શામળ,દયારામ, જેવા મધ્યકાલીન સર્જકોની જીવનકવન વિષયક માહિતી આ સંશોધનના લેખો માથી પ્રાપ્ત થઈ છે. એમાં નરસિંહ યુગના કવિઓ, વસંતવિલાસ, સંત મોભારામ અને એનું અપ્રસિદ્ધ સાહિત્ય , રાસ સહસ્ત્ર પદી, કાહનડદે-પ્રબંધ,સુરતના કેટલાક ભક્ત કવિઓ, જૈન ધાતુ લેખો, વિવાહર સલાકો,સિદ્ધહેમ ચંદ્રરાત અપભ્રંશ શસ્ત્રો, અખાના દોહા,ધીરા ભગત, નરસિંહ મહેતાની સંદિગ્ધ કૃતિઓ, રેવંતગિરી રાસુ, જેવા મધ્યકાળના લેખોનો સમાવેશ આ ફર્બસ સામાયિકમાં કર્યો છે. એમમધ્યકાળનાં સંશોધનોનું પણ પ્રદાન આ સામયિકમાં છે.
લોકસાહિત્યના સંશોધનો પણ આ સામયિકમાં વિશેષ સ્થાન ધરાવે છે. લોક સાહિત્યમાં લોકકાળમાં, લોકસાહિત્ય, પરંપરા લોકસંસ્કૃતિ, લોકજીવન, તેમજ લોક વાનગીઓનો સમાવેશ કર્યો છે. લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા સંશોધિત લેખો ફર્બસ સામયિકમાં છે. એમાં, લોકગીતો અને લોક બોલી સમીક્ષા,લોકગીત, લોકભાવના, ગુજરાતી રનીપરજકોમ, લોકસાહિત્યની વાનગી,અપ્રસિદ્ધ લોકસાહિત્ય, વસઇના ઝઘડાનું લોકગીત,લોકસાહિત્ય અને એનું અન્વેષણ તથા મૂલ્યાંકન જેવા લેખોનો સમાવેશ કર્યા છે. આ લેખો લોકસાહિત્યના સંશોધનના ભાગ રૂપે ફર્બસ સામયિકમાં પ્રકાશિત થયા છે. આથી લોકસાહિત્યના સંશોધનમાં પણ ફર્બસ સામયિકનું પ્રદાન છે.
ફર્બસ સામયિકમાં ભાષાવિજ્ઞાન અને ભાષાશાસ્ત્ર ને લગતાં સંશોધનો થયા છે. એમાં કોશસાહિત્ય તેમજ લિપિ, વર્ણ, ઉચ્ચારણ વગેરેના સંશોધનના લેખો છે. એમાં અર્વાચીન યુગના આરંભકાળમાં કે.કા.શાસ્ત્રીએ સંવત૧૭૧૦ના પત્રનો ભાષાવિજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસીનેઅર્વાચીન યુગનો આરંભ ક્યારે થયો એનું સંશોધન કર્યું છે. બીજા લેખોમાં આપણું કોશસાહિત્ય, અપભ્રંશ વ્યાકરણમા વૃદ્ધિ, ભાષશાસ્ત્રના નવાં સંશોધનો, આપણાં કોશ સાહિત્યના અનુસંધાનમાં ગુજરાતી ભાષાની બોલીઓ ગુજરાત અને લિપિકદમ્બક લેખન તથા અક્ષર શિક્ષણ, વિ.સં૧૬૬૬ ગુજરાતની બોલીના બે નમૂના, પ્રાકૃતિક ભાષાઓઅને અપભ્રંશ પ્રાકૃત ભાષાઓ, ગુજરાતી ક્રિયાપદની વ્યુત્પત્તિ નિયમો,ભાષાની ઉત્પતિ, એક નવું દ્રષ્ટિબિંદુ, ભાષા સંશોધનની ઉત્પત્તિ એની સંસ્કૃતિ ભૂમિકા, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ જેવા લેખો પ્રકાશિત કર્યા છે.
અર્વાચીન કાળના સંશોધનો પણ આ સામાયિકમાં મળી આવે છે.એના સ્વરૂપ, કૃતિ, અને સર્જક આધારિત સંશોધનો, એના જીવન વિષયક મહિતીવધુ જોવા મળે છે. તેમજ અર્વાચીન યુગનાં સ્વરૂપો, એકાંકી, ગઝલ, અછાંદસ રચનાઓ તેમજ અર્વાચીન યુગના કાવ્યો, નાટક, નવલકથા, નવલિકા, વિવેચન વગેરેની સમીક્ષાઓતેમજ કૃતિઓનું મૂલ્યાંકન વિશેષ જોવા મળે છે.અર્વાચીન યુગનાલેખોમાં સંશોધન કરતાં વિવેચનના, સમીક્ષાના લેખો વધુ જોવા મળે છે. છતાં સર્જક લક્ષી લેખોમાં સર્જક વિશેના સંશોધનો વધુ ધ્યાન ખેચે છે.એમાં નર્મદ, દલપતરામ,ખબરદાર, કેશવ હ. ધ્રુવ, કરસનદાસ માણેક,કવિ કોકિલ,કલાપી, વાડીલાલ ચોક્સી,વિદ્યા ગૌરી નીલકંઠ,કનૈયાલાલ મુનશી જેવા સર્જકો વિશેના સંશોધનો આ ફર્બસ સામયિકમાં જોવા મળે છે.
આમ, ફર્બસ સામયિકનું વિહંગાવલોકન કરતાં માલૂમ પડે છે કે આ સામયિક સાહિત્ય જ નહીં પરંતુ માનવજીવન ને સ્પર્શતી વિવિધ કળાઓ તેમજ સંસ્કૃતિ અને સાહિત્યને ફેલાવવા માટે આ સામયિકનું ઘણું યોગદાન છે. આટલા વર્ષો પછી પણ આ સામયિક અવિરત પણે પ્રકાશિત થતું રહ્યું છે. ઉત્તમ સંપાદકોના હસ્તે ઘડાયું અને સાહિત્ય જગતને વિસ્તારવાનું કાર્ય એ આરંભ થી અત્યાર સુધી સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું છે. મૂંબઈમાં રહીને ગુજરાત અને ગુજરાતી ભાષાની જ્યોત આજ દિન સુધી જલાવી રાખી છે અને આજે આ સામયિક ‘શ્રી ફર્બસ ગુજરાતી સભા’ સંસ્થા દ્વારા ડિજિટલ સ્વરૂપે એટ્લે કે સી.ડી રૂપે આજે ઉપલબ્ધ છે. આમ શ્રી ફર્બસ ગુજરાતી સભા અને એમના મુખપત્ર રૂપે પ્રકાશિત થતું ‘ફર્બસ’ સામયિકે ગુજરાતી સાહિત્ય અને સંશોધન ને ઉજાગર કરી નવી દિશા આપી છે.
સંદર્ભગ્રંથ :