ભારતનું લોકજીવન ભાતીગળ છે. અનેકવિધ ધાર્મિક, સામાજિક, સાહિત્યિક પરંપરાઓથી સભર આ દેશ છે. સાહિત્યમાં શિષ્ટ સાહિત્યની પરંપરા સાથે લોકસાહિત્યની પરંપરા પણ વિકસી છે.
લોકવિદ્યા (Folk lore) એ બધા જ પ્રકારનાં વિજ્ઞાનો, શાસ્ત્રો અને વિદ્યાઓનો આદિસ્રોત છે. જેમ કે ભવાઈ જેવા લોકનાટ્ય સ્વરૂપમાંથી શિષ્ટ નાટકે પ્રેરણા લીધી. જેની વાત આગળ કરીશું. લોકની હૈયા ઉકલતની વિદ્યાથી લોકસંસ્કૃતિનો ઉત્તરોત્તર વિકાસ થયો.
લોકસાહિત્ય એ લોકમાનસ દ્વારા ઉદભવેલી, ઘડાયેલી ને લોકલક્ષી વિધા છે. લોકસાહિત્યની મુખ્ય બે ધારાઓ લોકકથા અને લોકગીત. એટલે મૂળે તો શબ્દ અને સ્વર સાથે સંબંધ ધરાવતી જે લોકવિદ્યાઓ સિદ્ધ થઈ તેમાં લોકસાહિત્ય અને લોકસંગીત મુખ્ય છે. પછીથી શરીર માધ્યમે લોકનૃત્યની વૈવિધ્યસભર પરંપરા રચાઈ. સંગીતકલામાં જે સ્થાન સાત સૂરનું, સાહિત્યકલામાં જે સ્થાન કક્કાના બાવન અક્ષરનું એવું સ્થાન લોકજીવનમાં લોકસાહિત્યનું છે.
લોકસાહિત્યમાં મુખ્ય બે પ્રકાર- લોકકથા અને લોકગીત. તેમાં ગદ્ય તથા પદ્ય મુખ્ય. આમાં ત્રીજો પ્રકાર છે પદ્યગંધી લયાત્મક ગદ્યનો. એનો બંધ ગદ્યનો છતાં પ્રવાહિતા અને લોકભોગ્યતા સિદ્ધ કરવા એમાં પદ્યના અંશો ઉમેરાયા. લોકનાં રચેલાં સાહિત્યમાં ગાણાં તો અનેક પ્રકારનાં. પણ ગદ્ય-પદ્યનો ઉપયોગ વરત-ઉખાણાં-જોડકણાં-વ્યાવસાયિક કથાકથકો દ્વારા રજૂ થતી વાર્તાનાં પાત્ર કે પ્રસંગનાં વર્ણનોમાં ડિંગ, પાંચકડાં, હડૂલા, પ્રહેલિકા, ભવાઈ, રામવળા, ચંદ્રવળા વગેરેમાં પ્રયોજાય છે.
અત્રે ભવાઈ, એની લોકનાટ્ય કલા સંદર્ભે વાત કરવી છે પણ એ પહેલાં નાટક અને ભારતીય લોકનાટ્ય પ્રકારો વિશે ચર્ચા કરીએ. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નાટકની પરંપરા વિકસી. પદ્યનાટક, શીઘ્રનાટક, મૂકનાટક, શેરી નાટક, આધુનિક નાટક. લોકજીવનમાં લોકનાટ્યની વિવિધ શૈલીઓ-પ્રકારો સમગ્ર ભારતવર્ષમાં વિકસ્યા.
ભારતનાં જુદા જુદા રાજ્યોમાં લોકનાટ્યની વિવિધ પરંપરાઓ વિકસી છે. એ પરંપરાઓમાં જે-તે પ્રદેશની લોકસંસ્કૃતિની ભાતીગળ છાપ જોવા મળે છે. આ સૌમાં બંગાળ મોખરે છે. બંગાળી ભાષામાં ‘યાત્રા’ થિયેટરનો વિકાસ થયો અને શેરી નાટક પણ થયા. આ ‘દેશ્ય‘ નાટ્યપ્રકારો ચૌદમી સદીમાં શરૂ થયા. નાટકમાં દેશી રંગો અને લોકજીવનની સંસ્કૃતિ, જે-તે પ્રદેશની સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ભૌગોલિક, આર્થિક પરિસ્થિતિઓમાંથી ઉદભવ્યા. તેમના ભિન્ન-ભિન્ન સ્તર છતાં તે દરેકમાં સારા પ્રમાણમાં શાસ્ત્રીયતા છે. એમાં સંગીત, તાલ, નૃત્ય, વેશભૂષા, રંગભૂષા, લોકભાષા, લોક-સંગીતનો વિનિયોગ થયો છે. લોકનાટ્યકલાએ લોકોના મનોરંજન ઉપરાંત ધર્મ/નીતિનું શિક્ષણ પૂરું પાડ્યું છે.
ભારતના જુદા જુદા રાજ્યો પૈકી બંગાળમાં લોકનાટ્ય ક્ષેત્રે મોટા પાયે કામ કર્યું. ‘જાત્રા‘ એ બંગાળની લોકનાટ્ય પરંપરા છે. તામિલનાડુમાં ‘થેરુકૂત્ત‘ નામની લોકનાટ્ય પરંપરા વિકસી. થેરુ એટલે રસ્તો અને કૂત્ત એટલે નાટ્ય. આંધ્રપ્રદેશમાં ‘વીથિનાટકમ્‘નો વિકાસ થયો. વીથિ એટલે રસ્તો, ચોક. નાટકમ્ એટલે નાટક. આસામમાં ‘અંકિયા નાટ‘ જે ખુલ્લામાં ભજવાય તે. અસમીમાં અંકિયા નાટની પરંપરાથી પ્રેરિત અનેક પ્રયોગો થયા. ઊડિયા ભાષામાં જે નાટ્ય પરંપરા વિકસી એની પર બંગાળી ભાષાની અસર જોવા મળે છે. રામ, કૃષ્ણ અને ભરતની લીલાઓ, તાંત્રિક સમુદાયના અનુયાયીઓ દ્વારા ‘દંડ નાટ‘ ભજવાતાં. સામાજિક સુધારા માટેના ‘સ્વાંગો‘ બંગાળી ‘જાત્રા‘ જેવાં જ – રંગસ્થળમાં લગભગ ભજવાતાં. હિન્દી અને રાજસ્થાની ભાષામાં ‘ગવરી‘, ‘ભવાઈ‘, ‘સ્વાંગ‘, ‘ખ્યાલ‘ જેવાં લોકનાટ્યો ભજવાય છે. રાજસ્થાની ખ્યાલના નામો પણ જુદા જુદા મળી આવે છે જેમ કે કુચામની, સેખાવટી, હાથરસી, જયપુરી વગેરે. ‘ખ્યાલ‘માં ભવાઈના આવણાંની જેમ પાત્ર માટે વાંસની સીડી મૂકાતી અને પાત્ર આવતાં આવતાં સંવાદ બોલે, ગાય અને નાચે. આ લોકસંસ્કૃતિ અને લોકઅભિવ્યક્તિના બળૂકાં માધ્યમો છે. લોકનાટ્ય ‘ખ્યાલ‘ના કલાકારોએ તો રાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ મેળવી છે.
હિમાચલ પ્રદેશના મેદાની વિસ્તારોમાં ‘કરિપાલા‘ (રાસલીલા) અને સંગીત સંવાદવાળાં ‘બંથરા‘ અને ‘ભગત‘ જેવાં નાટ્ય મંચન સ્વરૂપો મળેછે. ખુલ્લા આકાશ નીચે તાપણાં તાપતાં એના જ પ્રકાશમાં નાટકો થતાં. ભવાઈની જેમ સામાજિક કટાક્ષો પણ એનો ઘણો ભાગ રોકતાં.
પંજાબમાં શ્રી ગુરુશરણ સિંઘના પ્રયત્નોથી શેરી નાટકો ઘણાં થતાં જેણે લોક જાગૃતિનું ઘણું કામ કર્યું હતું. કન્નડ ભાષામાં બે પ્રકારની પરંપરા મળે છે. ગ્રામ લોકનાટકો અને યક્ષગાનની પ્રથા. યક્ષગાનમાં પૌરાણિક તત્વોને તો ગ્રામલોકનાટકોમાં ભાતીગળ વિષયવસ્તુને સામેલ કરાતાં. તમિળ ભાષામાં કેટલીક સંસ્થાઓએ નાટ્ય પ્રવૃત્તિ કરેલી. તેલુગુ ભાષામાં ભક્તિનો પ્રચાર કરવા હેતુ નૃત્ય નાટકો ભજવાતાં. મલયાલમમાં ‘કુટિયાટ્ટમ‘ પ્રસિદ્ધ છે. જે કથકલીની પરંપરા જાળવે છે. આમ તો એ શાસ્ત્રીય નૃત્ય પ્રકાર જ છે પરન્તુ એમાં પુરાતન સમયથી નાટકની કલાના અંશો જોવા મળતાં. ત્યાં પ્રહસન પ્રકારના નાટકો વધુ ભજવાતાં. એ જ રીતે મરાઠી ભાષામાં પણ જોવા મળે છે. મણિપુરીમાં ‘રાસ‘, ‘થાંગ તા‘, ‘મોઈરંગ પર્બ‘, ‘વારિ લીબા‘ જેવી પ્રસિદ્ધ મણિપુરીની કથનશૈલીની પારંપરિક મંચનકલાઓ અસ્તિત્વમાં છે. એમાં પણ ભવાઈની જેમ અતિરંજકતાનું તત્વ ભળે છે. ગુજરાતમાં અતિપ્રચલિત લોકનાટ્ય પરંપરા તે ભવાઈ. હવે તો ભવાઈના વળતાં પાણી થયાં છે પણ એક કાળે ભવાઈ કલા સમૃદ્ધ હતી. કર્ણાટકમાં ‘બયલાટ‘ પ્રકાર વિકસ્યો. બયલ એટલે ખેતર અને આટ એટલે નાટક.
મૂળે મોગલોના પ્રભાવ હેઠળ ‘મજલીસો‘ એ પાંચ પ્રકારની લોકનાટ્ય પરંપરાઓ વિકસી હતી.
‘નાટક‘ એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ પરિસ્થિતિઓ, સંવેદનો, અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય. મહાન નાટ્યકાર શેક્સપિયરે તો કહેલું કે સકળ વિશ્વ એ એક રંગભૂમિ જ છે. વળી આપણાં ધાર્મિક-પૌરાણિક-ઐતિહાસિક ગ્રથોમાં પણ નાટકના ઉલ્લેખો મળે છે. જેમ કે ‘રામાયણ‘ અને ‘મહાભારત‘માં નાટકો ભજવાયાના ઉલ્લેખો મળે છે. સંસ્કૃત ભાષામાં તો વિદ્વાનોએ ‘काव्येषु नाटकं रम्यम्‘ કહી, નાટકને કાવ્યનો રમ્ય વિભાગ કહી નાટકનું ગૌરવ વધાર્યું છે. ભરતમુનિ તો બધી જ કલાઓનું દર્શન નાટકમાં મળે એમ કહે છે. આમ નાટક એ ચિત્ર, શિલ્પ, સાહિત્ય. સંગીત અને નૃત્ય એમ બધી જ લલિતકલાઓમાં સાહિત્યના ગદ્યના જુદા જુદા સ્વરૂપોમા ‘નાટક‘ બહુ જ મહત્વનુમ સ્વરૂપ છે. નાટક આમ તો મૂળે સમૂહભોગ્ય કલા જ છે.
ગુજરાતીમાં પ્રશિષ્ટ નાટક છેક ૧૯મી સદીમાં, એટલે કે અર્વાચીન યુગના આરંભે લખવા શરૂ થાય છે. અગ્રગણ્ય નામ દલપતરામ ડાહ્યાભાઈ કવિ. પરન્તુ એ પહેલાં જૂની ગુજરાતી રંગભૂમિ, દેશી નાટક મંડળીઓ, રામલીલા જેવા રંગમંચનો અસ્તિત્વમાં હતા. ભવાઈ એ લોકનાટ્યકલાનો અભૂતપૂર્વ આવિષ્કાર. ભવાઈમાંથી તો શિષ્ય નાટકોએ પણ પ્રેરણા લીધી હતી, લે છે. છેક આધુનિક યુગમાં, દાતઃ ચિનુ મોદી લિખિત ‘જાલકા‘માં લોકનાટ્ય ભવાઈનો આરંભે નાટ્યકારે સફળ વિનિયોગ કર્યો છે.
‘ભવાઈ‘ એ ગુજરાતની ઓળખ છે. જેમ નવરાત્રિ, ગરબા, અંબાજીનું સ્થાનક કે હોય સોમનાથ મંદિર. ભવાઈમાં બધી જ કલાઓનો અભૂતપૂર્વ સમન્વય છે. નૃત્ય, સંગીત, આ બે તો એની ધરી છે. નાટકના કથાવસ્તુમાં નર્તન સાથે ગાન પણ હોય. સંવાદ તો હોય જ. ભવાઈનું વિષયવસ્તુ આરંભે ધાર્મિક-પૌરાણિક કથાનકોમાંથી લેવામાં આવતું હતું. એ પછી એમાં સામાજિક વિષયવસ્તુ નો વિનિયોગ થયો. ભવાઈ એ ધર્મોપાસના માટે ‘જાતર‘ રૂપે ભજવાતી. માતાજીના (બહુધા) પ્રાંગણ-ચોકમાં એ ભજવાતી. ધીમે ધીમે ગામના પાદર અને શેરી સુધી આ ભવાઈ પહોંચી. ભવાઈ એ મંચનકલાનો અદભૂત આવિષ્કાર છે. સાડીઓના કે બીજા કાપડનાં પડદા રચી દેવામાં આવતા. પાત્રો આવતાં જાય ‘આળણું‘ ગાતાં ગાતાં અને સ્વનો પરિચય પોતે જ આપતા જાય. આરંભે મંગલાચરણની રસમ. પાત્ર ચહેરા આગળ થાળી ધરી કે ગણપતિનું માસ્ક પહેરી એક હાથમાં ઘંટડી વગાડી પોતે જ આરતી કરે. મશાલ કે ફાનસના અજવાળે આ ભવાઈ ભજવાતી. પેટ્રોમેક્સનો ઉપયોગ પણ ખરો. ભવાઈમાં ભૂંગળ અનિવાર્ય. રંગમંચની બન્ને બાજુ ભૂંગળ વગાડનારાં કલાકારો હોય. સંગીતના અન્ય કલાકારો મંજીરા, હાર્મોનિયમ, નાળ, ઢોલક, તબલાં, પખવાજ જેવાં વાદ્યો વગાડતાં. મોટે ભાગે સ્ત્રી પાત્રો પુરુષ જ ભજવે. વેશભૂષા ઝડઝમક ભરેલી રંગદાર. આકર્ષક ઘેરો મેકઅપ અને તા થૈયા તા થૈયા વારે વારે આવતાં નર્તન આવર્તમાંથી ભવાઈમાં એક પ્રકારની લયાન્વિતતા સર્જાતી.
ગુજરાતની આ લોકકલામાં ઐતિહાસિક, ધાર્મિક-પૌરાણિક કે સામાજિક વિષયવસ્તુનું ગૂંફન થતું હોઈ ભવાઈએ ગુજરાતની ધરોહરનું દસ્તાવેજીકરણ કરતું અમૂલ્ય કાર્ય કર્યું છે. શ્રી હસમુખ બારાડી લખે છે, ‘કંઠ પરંપરાનો ઈતિહાસ દરેક જાતિની લોકવિદ્યાનું સમર્થ અને સબળ અંગ છે. આ નિમિત્તે જ ઈતિહાસની મોટી ઘટનાઓની સાથોસાથ અદના માનવીની નાનામાં નાની ઘટનાઓનું પણ આ કલામાધ્યમે દસ્તાવેજીકરણ કર્યું છે.‘
ભવાઈ મોટે ભાગે ઉનાળાની રાત્રે ભજવાતી. ધાર્મિક-સામાજિક ઉપદેશ ઉપરાંત એમાં મનોરંજનનું તત્વ પણ ભળ્યું. ભવાઈએ સમાજ જાગૃતિનું ઉમદા કામ પણ કર્યું છે. જે-તે સમયની સળગતી સમસ્યાને સાવધ કરવાનું કામ કરી સામાજિક સંપ્રજ્ઞતા આ કલાએ દાખવીને સમાજ પ્રત્યેનું પોતાનું ઉમદા ઉત્તરદાયિત્વ બજાવ્યું છે. ‘ભવાયા‘ એ લોકનાટ્ય ભવાઈના મૂળ કલાકારો. ભવાઈ ભજવવી એ એમનો મુખ્ય વ્યવસાય. મૂળે ઊંઝાના હેમાળા પટેલની દિકરીનું મુસ્લિમ સૂબાએ અપહરણ કરતાં એને છોડાવવા સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ શ્રી અસાઈત ઠાકરે હિંમત દાખવી અને એક થાળીએ જમી હેમાળા પટેલની દિકરીને બચાવીને પરત લઈ આવ્યા પરન્તુ નરસિંહ જેવા નરસિંહને ન બક્ષનાર બ્રાહ્મણોએ અસાઈતને ન્યાત બહાર મૂકી દીધા. અસાઈત ઠાકરે ભવાઈ-લોકનાટ્યકલાને પોતાનો કુળધર્મ અને વ્યવસાય બનાવ્યો. તેઓ મૂળે વિદ્વાન અને પ્રશિષ્ટ જાતિનાં ને તેથી ભાષા ઉપર પણ કાબૂ ને શાસ્ત્રોનો અભ્યાસ-અધ્યાસ. આ બધું એમને ખપે લાગ્યું. મજબૂરીથી વંશ છોડવો પડ્યો પણ વિદ્વતા નગઈ. મૂળે તેઓ શાસ્ત્રીય ગાન અને નાટકના ‘નાયક‘ હતા. એ સમયે તજજ્ઞ-ઉચ્ચ કલાકારો માટે ‘નાયક‘ શબ્દ વપરાતો. જ્ઞાતિએ તરછોડ્યા છતાં અસાઈત ઠાકર પોતાની કલાના જોરે ખુમારીથી જીવ્યા. હેમાળા પટેલે એમને નિર્વાહ અર્થે જમીન પણ આપી. અસાઈતે ભવાઈના વેશો રચ્યા, અને ભજવ્યા. એમને ત્રણ પુત્રો હોઈ તેઓ ‘ત્રિઘરા‘ કહેવાયાં. તરગાળા શબ્દ કદાચ એના પરથી અપભ્રંશ થઈ રચાયો.
અસાઈત ઠાકરે ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવા કથાનકો લઈ ભવાઈ સ્વરૂપની રચના કરી ઠેર ઠેર ભવાઈ ભજવી. સાહિત્યિક સંસ્પર્શ ઉપરાંત ચિંતન અને ઉપદેશ તો ખરાં જ પરન્તુ મનોરંજનનું તત્વ પણ એમાં ભળ્યું. ભવાઈ આમ લોકરંજનનું માધ્યમ એવે ટાણે બની જે ટાણે મનોરંજનના ટાંચા સાધનો હતા. ભવાઈ પૂર બહારમાં ખીલી હતી. શિષ્ટવર્ગ ઉમળકાભેર એમાં જોડાતો. પરન્તુ ધીમે ધીમે ભવાઈમાં નિમ્ન કક્ષાનાં દ્વિઅર્થી-અશ્લીલ સંવાદો ઉમેરાયા અને શિષ્ટવર્ગ ભવાઈથી વિમુખ થવા લાગ્યા. વળી અતિરંજકતાના તત્વએ ભવાઈની શાલીનતાનો નાશ કર્યો. ભવાઈ-એ હવે પારોઠનાં પગલાં ભરવા માંડ્યા કારણ કે ભવાઈ એ ભવાયાનો વ્યવસાય હતો અને જે સારી દક્ષિણા મળતી તે ઓછી થવા માંડી. વળી સમાંતરે જૂની ગુજરાતી રંગભૂમિ અને પારસી રંગભૂમિએ કાઠું કાઢ્યું. મનોરંજનના માધ્યમો વધતાં ચાલ્યાં ને શિષ્ટ મૌલિક નાટકો લખાવા શરૂ થયાં એટલું જ નહીં ભજવાવા પણ શરૂ થયાં.
ગમે તેમ પરન્તુ ભવાઈ એ ગુજરાતની લોકકલાનો અમૂલ્ય વારસો છે. ભવાઈ ધર્મ કલા અને આસ્થાનો સમન્વય છે. ભવાઈના ઉત્તમ સમયગાળા દરમ્યાન આ કલા એનાં કલાકીય શિખર ઉપર ગૌરવભેર બિરાજતી હતી. ગુર્જર પ્રજાએ પણ એનાં હોંશભેર ઝીલણાં કરી એને લાડ લડાવ્યા. મૂળએ ઉત્તર ગુજરાતમાં ઊંઝા-વિસનગર-પાંચોટ જેવા સ્થળો ભવાઈના કેન્દ્રો હતા. વિસનગરમાં તો છેક હમણાં સુધી ભવાઈ કલાકેન્દ્ર ધમધમતું હતું. પરન્તુ ધીમે ધીમે સમૂહ-માધ્યમો વધતાં ચાલ્યાં અને ભવાઈની તાલીમ લેવાનું વલણ ઓસરવા લાગ્યું. ભવાઈના વળતાં પાણી થયાં.
ઉત્તર ગુજરાત પંથકમાં ભવાઈ નાટ્યકલાના ઉમદા કલાકાર રત્નોએ પોતાનાં અભિનયના અજવાળાં પાથર્યા. ચિનુભાઈ નાયકે ‘અસ્મિતા પર્વ‘માં પોતાની જીવનયાત્રાના સ્મરણો વાગોળતાં એ સોનેરી દિવસોની રસમય ગોષ્ઠી કરી હતી. ભવાઈના ઘણાં વેશોમાંથી સૌથી વધુ સુખ્યાત ‘મહાકાળીનો વેશ‘, ‘કજોડાંનો વેશ‘, ‘ઝંડાઝૂલણનો વેશ‘ વગેરે છે જે આજેય પ્રસંગોપાત ભજવાય છે. કેટલીક અંતરિયાળ વસતી બ્રાહ્મણ જ્ઞાતિમાં હજુય ‘જાતર‘ નિમિત્તે ભવાઈ ભજવવા કલાકારોને આમંત્રણ અપાય છે. પરન્તુ મહદ્અંશે ભવાઈ નેસ્તનાબુદ થઈ છે. સરકારી કાર્યક્રમોની જાહેરાતો કરવા માટે ભવાઈ શૈલીનો ઉપયોગ થાય છે ખરો પણ એ શુદ્ધ લોકકલા નથી. રંગલો, રંગલી, વેશગોર જેવાં પાત્રો જે મૂળે ભવાઈના મુખ્ય વાહકો હતાં અને પ્રજાને આનંદ મળે એવાં ધાણીફૂટ સંવાદ બોલતાં, નર્તન કરતાં એવાં પાત્રો હવે નથી જોવા મળતાં. આ માટે સરકાર અને સાહિત્યની સંસ્થાઓની ઉદાસીનતા પણ કારણભૂત ખરી. એક લોકકલાની અમૂલ્ય ધરોહર સમી ભવાઈ નાટ્યકલાને જાળવી રાખવી અને એની તાલીમના નિઃશુલ્ક વર્ગો ચલાવાય કે ભવાઈ કલાકારોને માનભર્યું સ્થાન અને વેતન મળે એવી તજવીજ કરવાની ખેવના હોવી ઘટે, જે છે જ નહીં. ભવાઈના અને એના કલાકારોના પુસ્તકો મળે છે. ઈતિહાસમાં પણ એના નોંધ છે, પરન્તુ આંગણા, મેદાન કે ચોકમાં જે ઝડઝમકભરી ભવ્ય ભવાઈ ભજવાતી તે તો હવે ક્યાં ? અલબત્ત નોંધવું ઘટે જ કે ‘દર્પણ‘ અકાદમીમાં મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ, દામિનીબેન, કૈલાસ પંડ્યા જેવા દિગ્ગજોએ આ કલાવારસો સચવાય એવાં સઘન પ્રયત્નો કર્યા પણ એનો વ્યાપ તો કેટલો ? ધીરુબહેન પટેલ લિખિત નાટક ‘ભવની ભવાઈ‘ પરથી મહેતા કેતને ફિલ્મ બનાવી અને સ્મિતા પાટીલ-મોહન ગોખલે પાસે ‘ભવાઈ‘ ભજવાવી અને એનું બળકટ રીતે સ્તુત્ય ફિલ્માંકન કર્યું પણ આટલાં ઓછાં ઉદાહરણોથી તો પાટણના પટોળાં સમી ભવાઈનું પોત શે ઝળકે ? હા, અસાઈત સાહિત્ય સભાના ડૉ. વિનાયક રાવલને કેમ ભૂલાય ?
સંદર્ભઃ-