આપણો લોકવારસો
લોકવિદ્યાના સંદર્ભે લોકસાહિત્ય અને લોકકથા
લોકવિદ્યા
ગુજરાતના લોકવારસા વિશે વિચારતા હોઈએ ત્યારે કેટલીક બહુમૂલ્ય જણસ આપણા એ વારસામાં સચવાઈ છે જેમાંથી એક લોકવિદ્યા છે. સામાન્ય રીતે લોકવિદ્યા એટલે લોકની સાંસ્કૃતિક પ્રક્રિયા. આ લોક શબ્દ વિશેની વિભાવનાઓ ક્રમશઃ વિસ્તરતી ગઈ ને પરિષ્કૃત થતી ગઈ છે. જેમ કે આરંભે લોક એટલે માત્ર જનજાતિ પછીથી એમાં ઉમેરો થતો ગયો.. આદિવાસીઓ, પછી ગ્રામજનો, પછી અર્ધશિક્ષિતો, પછી શિક્ષિતો. આમ, ક્રશમઃ વિસ્તરતી ગઈ અને પરિશ્કૃત થતી ગઈ છે. જેમ કે આરંભે લોક એટલે માત્ર જનજાતિ પછીથી અર્ધશિક્ષિતો પછી શિક્ષિતો આમ ક્રમશઃ લોક વિશેનો ખ્યાલ પરિપક્વ થયો. ટૂંકમાં, આ સમગ્ર એટલે કો અને એમના સમગ્ર સાંસ્કૃતિક સંદર્ભો અને આ લોક જે જીવન જીવે છે એસમગ્ર ઘટના એ લોકવિદ્યા. આ લોકવિદ્યાને ટકાવનારું તત્ત્વ મુખ્યત્વે તો જીવન સાથેનો સંબંધ અને સંદર્ભ બને છે. જે જીવન સંદર્ભ ગુમાવે તે કાળક્રમે લુપ્ત થાય જ્યારે તે વિદ્યામાં શ્રદ્ધા તેમજ ઉપયોગિતા અને મનોરંજન આ ત્રણ તત્ત્વો પડ્યા હોય ત્યારે તે લોકવિદ્યા જ સમય બદલાવા છતાં ટકે છે.
લોકસાહિત્ય
આપણું લોકસાહિત્ય એ લોકવિદ્યાનો જ એક પ્રકાર છે. આપણાં આ લોકસાહિત્યમાંથી એક વાત અંકે કરી છે કે અભદ્ર, અશિક્ષિત, અસંસ્કૃત કે અર્ધ સંસ્કૃત મનાતી જાતિઓને પણ પોતાની આગવી દૃષ્ટિ છે-આગવી સંસ્કૃતિ છે. તેમની આ સંસ્કૃતિ કંઠ પરંપરામાં સચવાઈ છે ને તે પછીથી તેની અભિવ્યક્તિ કથાઓ અને કવિતાઓના રૂપમાં થયા કરી છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે અક્ષરજ્ઞાનથી જ સંસ્કૃતિ સિદ્ધિ થાય, પછી સમજાયું અક્ષરજ્ઞાનથી જ્ઞાન મળે, સંસ્કૃતિ નહીં. માણસ સંસ્કારથી સમૃદ્ધ બનતો હોય છે. માત્ર જ્ઞાનથી નહીં. વળી, આ સંસ્કૃતિનાં કોઈ પ્રકારો નહીં, પરંતુ તેના જુદા જુદા સ્તરો હોઈ શકે. બાકી તો માણસની મૂળભૂત સંસ્કૃતિ એક જ હોય છે. એ નવાનવા સ્વરૂપે માણસની સાથે જ રહે છે-છૂટતી નથી. આ મૂળભૂત સંસ્કૃતિની જ્યાં સાદી-સરળ શૈલીમાં અભિવ્યક્ત તઈ હોય છે. એ લોકસાહિત્યમાં કાળક્રમે થોડા ફેરફારો પણ થાય છે. પણ અહીં જે કંઈ જૂનું કે પરંપરાગત છે તે વર્તમાનનો સંદર્ભ સિદ્ધ કરીને આવે છે. ટૂંકમાં, માણસ મૂળ સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલો જ રહે છે.
લોકકથા
આ લોકસાહિત્યના એક ઉપકાર લેખે લોકકથાની ચર્ચા આ અભ્યાસલેકમાં કરી છે. લોકકથા એ ઘટના –પાત્રો પ્રસંગ વગેરે કલ્પિત હોય કે ઐતિહાસિક કે અર્થ ઐતિહાસિક હોય, પરંતુ લોકકથા ત્યારે જ થાય જ્યારે એ પરંપરાગત હોય. પરંપરાગતતા એ એનું આગવું લક્ષણ છે. કંઠોપકંઠ અને દર પેઢી એ વહેતી રહે છે. લોકકથા એ કહેવા-સાંભળવા માટેની જ કથા છે. એટલે કહેનારે-કહેનારે અને જમાને-જમાને કે જૂથે-જૂથે, સમાજે-સમાજે એ જુદા જુદા રૂપમાં જોવા મળે છે. મૂળભૂત રીતે એ મૌખિક કળા છે. કોઈ દેશ, કોઈ લોક, કોઈ સંસ્કૃતિ એવી નથી કે જેની પાસે પોતીકી લોકકથાઓ ન હોય. આપણી બહુવિધ સંસ્કૃતિમાં તો આવી લોકકથાઓનો વિશાળ રાશિ છે. આ ક્થાઓ આપણો અદ્ભુત વારસો છે.
લોકકતા શબ્દપ્રયોગ આપણે ત્યાં પ્રથમવાર કરનાર પારસી સજ્જન રુસ્તમ ખુરશેદ ઈરાની છે. આપણે ત્યાં પારસીઓ દ્વારા શરૂઆતમાં થયેલા લોકકથાઓના સંપાદનો-સંકલનો જેવા કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન એન્ટિક્વેરીના અંકોમાં પૂતળીબાઈએ કરેલી કથાના સંપાદન, ફરામજી બહમનજીનું સંપાદનકાર્ય, કવિ રુસ્તમ ઈરાનીનું સંપાદન કાર્ય વગેરે... તેમજ ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તા ભાગ 1 થી 3 તથા બિન પારસીઓમાં સૌ પ્રથમ મહિપતરામ નીલકંઠ, હરજીવન પુરુષોત્તમ શુક્લ, જીવરામ ગોર, આ બધા દ્વારા સંકલન થયેલી લોકકથાઓએ આપણો મેઘાણી પૂર્વેનો સારો એવો સંચિત વારસો છે.
એક ચમત્કૃતિસભર ઘટના એ લોકકથાનો પ્રાણ છે. એ કહેવા સાંભળવા માટેની છે. કથા પ્રધાનતા એનું પ્રથમ લક્ષણ છે અને આગળ કહ્યું તેમ કલ્પિત ઐતિહાસિક હોવા છતાં પરંપરાગત હોવી જરૂરી છે. વળી કંઠોપકંઠે વહેતી હોવાથી એમાં મૌલિકતા ન હોય એ ભિન્ન-ભિન્ન રીતે કહેવાતી હોઈ અર્થાત્ કહેનારની પોતીકી છટાથી એ અભિવ્યક્તિ થતી હોય તેમજ સમયે સમયે ફેરફારો પણ થાય છે. પરિણામે લોકસાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ અહીં પણ પાઠ્યભેદ જોઈ શકાશે. ટૂંકમાં, લોકકથા તો બદલાતી રહે, કહેવાતી રહે, વહેતી રહે...
લોકકથાના અનેક પ્રકારો સૂચવાયા છે. છતાં એ કેવી રીતે ઉદ્ભવતી હશે અને વ્યાપી હશે ? આદિકથાઓનો સ્ત્રોત શું ? આ બધી ચર્ચાનો અંત હજુ આવ્યો નથી છતાં લેંગફેઝર જેવા વિદ્વાન જગતની લોકકથાનું મૂળ ભારત એમ માનવાને પ્રેરાયા છે. એમના મત લોકકથાનું ઉદ્ગમસ્થાન... તંત્ર આખ્યાયિકાનું કુળ, પંચતંત્રનું કુળ, કથાસરિત્સાગરનું કુળ વગેરેમાંની વાર્તાઓ છે.
આ વિશે પછીથી ગ્રિમભાઈઓ, બેન્ફી, જુલિયસ કોહ્ન, સ્ટિથ થોમ્પસન, જુંગ વગેરે વિદ્વાનો એના ઉદ્ભવથી લઈ તેનાં ઘટકો અને પ્રકારો વિશે ચર્ચા કરે છે. તેનાં પ્રકારનાં સંદર્ભે ભારતીય વિદ્વાન દિનેશચંદ્ર સેન ભારતીય લોકકથાના ચાર પ્રકારો દર્શાવે છે. (1) રૂપકથા (2) હાસ્યકથા (3) વ્રતકથા (4) ગીતકથા. અંતે ઝવેરચંદ મેઘાણી પણ લોકકથાના પાંચ પ્રકારો ગણાવે છે. (1) પરિકથા (2) રંજનકથા (3) પશુકથા (4) સ્થાનિક દંતકથા (5) સ્થાનાંતર પામતી દંતકથા. અને પુષ્કર ચંદરવાકર આઠેક પ્રકારની વાત કરે છે.
એક સ્પષ્ટતા અહીં કરવી જોઈએ કે ઉપરોક્ત બધા પ્રકાર-વિભાગ દર્શાવાય છે એના ધોરણો શું ? જે વાત જ જીભે જીભે ને સમુદાયે સમુદાયે જુદા જુદા રૂપ લેતી હોય એનું સ્વરૂપ હજુ બંધાયું ન હોય એ પરિસ્થિતિમાં મુશ્કેલી જ અનુભવાય. એટલે જે કહેવા સાંભળવા માટેની કાન-જીભનો વિષય છે. જે દરેક કહેનાર અને દરેક સાંભળનારે નવાં નવાં રૂપ ધરતી હોય, ભાવોનું સારી આરોહ-અવરોહ ધરાવતી હોય, જેમાં નાટ્યાત્મકતા –ગાંભીર્ય-તાટસ્થ્ય જેવા તત્ત્વોથી સભર હોય, સરવાણીની જેમ વહેતી હોય-આમ આટલું-આટલું કહેવા છતાં એ સ્વરૂપમાં બદ્ધ થતી નથી.
હવે ઉપરોક્ત કહ્યાં એવા-એવા તત્ત્વો ધરાવતી લોકમાનસને પ્રગટ કરતી એવી એક લોકકથા અહીં દૃષ્ટાંતરૂપે લઈ ચર્ચા કરીએ.
લોકકથાનું શીર્ષક - પટીનો અસવાર
કથક કે કહેનાર –જોરાવરસિંહ જાદવ
હાલાર પંથકની આ લોકકથા અશ્વને કેન્દ્રમાં રાખીને કહેવાય છે. કથા આ મુજબ છે. જામ રાવળાજીએ જામનગરની થાંભલી રોપીને દસેક વર્ષ થયા હશે. ઈ વખતે રાવળાજીને જામનગરની હદમાંથી હાંકી કાઢવા માટે સૌરાષ્ટ્રના વાઢેર, ભાણજી, જેઠવા વગેરે રાજપૂત રાજાઓ એકઠા થાય છે. તો બીજી બાજુ રાવળાજી પણ પોતાના યોદ્ધાઓને એકઠા કરે છે. એમાં અજાજીનો યુવાનપુત્ર મહેરામણ પિતાને બદલે યુદ્ધ કરવા ચાહે છે. રાવળજી તેની મશ્કરી કરતાં કહે છેઃ
તમે નાનું બાળ કેવાવ. તમારા મોઢાંમાંતો હજુ માનું દૂધ ફોરે છે.
આંય માશીને ધાવવાનું નથી હોં..
આ સાંભળી યુવાન મહેરામણ મનોમન નક્કી કરે છે કે હું સાચો રાજપૂત છું અને કહે છે કે મારી વીરતાનું પાણી બતાવવા માટે જ મારા બાપુએ મને આંય મોકલ્યો છે. યુદ્ધની તૈયારી ચાલે છે જેમાં સૌરાષ્ટ્રના રાજપૂત રાજાઓનો એક યોદ્ધો કરશનજી જામરાવળના નાનાભાઈ હરધોળજીને મારી નાખે છે. રાવળજી હુકમ કરે છે..... જાવ, મારા વીરાના મારતલને જીવતો કે મરેલો ઝાલી લાવો.. અનેક અસવારો કરસનજીની પાછળ પડ્યા. જેમાં સૌથી આગળ પહોંચ્યો મહેરામણ. એની પટી (કાઠિયાવાડી ઘોડાની એક જાત) ઘોડી લઈને મોત બનીને પાછળ પડ્યો. બંને ઘોડા વચ્ચે સ્પર્ધા થઈ. બંને ઘોડા એમના માલિકને વફાદાર હતા. કરસનજીની છાવણી થોડે જ દૂર હતી. મહેરામણે વિચાર્યું કે હાથ નહીં લાગે તો ખાલી હાથે પાછું જવું પડશે ને મલકમાં ક્યાંય મોઢું બતાવવા જેવું નહીં રહે. તે મરણિયો બની પટી ઘોડીના પડખામાં એડી ઝીંકી કહે છે... બાપ પટી, જોજે હોં, અંતરિયાળ રાખી મોત નો બગાડતી. ઉજળી આબરુના કાંકરા થાય એવું ટાણું નો આવવા દેતી હોં. માથેથી મેણું ભાંગવાનો રૂડો અવસર આવ્યો છે. ઉજળો કરી બતાવ્ય બાપ ! ને એણે પટીને કુદાવીને ભક્ષને માથે ગરજુ ત્રાટકે એમ પટીએ અંતર ભાંગ્યું ને કરસનજીના ઘોડા પાસ ખગાકઝબ દેતી ત્રાટકી ને મહેરામણે પોતાની સઘળી તાકાત એકઠી કરીને કરસનજીને માથે સાંગનો સણકતો ઘા ઝીંક્યો. દગો કરનાર કરસનજીનો વાંસો અને ઘોડાની ડોક બંનેને વીંધીને સાંગ ધરતીમાં દોઢેક હાથ ઉતરી ગઈ! કરસનજી જમી સાથે જડાઈ ગયો. પળવારમાં જામરાવળજી આવી ગયા ત્યાં આવીને જુએ છે તો મહેરામણ અને એની પટી ઘોડી બંને લોથ વળીને પડ્યા છે. તેમણે શાબાશી આપી નજીક જઈ જોયું તો... તાકાત કરવાથી મહેરામણની બેય આંખ્યુંના રતન બહાર નીકળી ગયા હતા. ઘોડીના ડાબલા ભાંગીને ભુક્કો થઈ ગયા હતા. લોહી વહેતું હતું અને ઘોડી પોતાના સ્વામી સામે જોતી મૃત્યુની રાહ જોતી હતી. આ જોઈને રાવળજી સાથે આવેલા ચારણ કવિ ગાઈ ઉઠે છે. .....
હાલાજી, તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું....
શૌર્યરસથી છલકાતી આ કથા વિક્રમ સંવત 1606ના સમયની છે. માથે આવેલું મહેણું ટાળવા મહેરામણ પટી વછેરી પર રાંગ વાળી (અસવાર થઈ) જે રીતે દુશ્મનની પાછલ પડે છે ને તેને પરાજય-મૃત્યુ આપે છે ત્યાં સુધીની કથાની ગતિશીલતા લોકકથાને નવું જ પરિમાણ આપે છે. અહીં પટી ઘોડીનું વીરતાભર્યું મૃત્યુ અને માલિકનું પણ.. એ ટેક, વફાદારી અને સ્વામીભક્તિ જેવા ગુણો પ્રાણીઓમાં કેવા ભરપૂર હોય છે એનું નિદર્શન જોવા તો મળે જ- સાથે રાજપૂતી શૌર્ય પણ એકમાત્ર મેણાંને ટાળવા યુદ્ધે ચડે, એ ટેકીલા યુવાનનું જીવન શૌર્યથી ભર્યું ભર્યું હોય એ વાતની સુખદ પ્રતીતિ મળે.
કથા કહેનાર શ્રી જોરાવરસિંહ જાદવ આ ક્ષેત્રના શ્રધ્ધેય પુરુષ છે. કથાના મુખ્ય બે પાત્રોના પ્રત્યક્ષ સંવાદથી કથાને આપણી સામે સાક્ષુશ કરાવી આપણને સંડોવે છે. આ પ્રકારની સુંદર રજૂઆત કરતા ભાવ અભિવ્યક્તિ આરોહ કથનનું બ ળકટપણું વાર્તાને જીવંત બનાવવાની સાથે શ્રી જોરાવરસિંહ જાવદ પણ કથક કહેનાર સાબિત થયા છે. એમનું નામ શ્રી કાનજી ભૂટા બારોટ અને દરહારશ્રી પૂજાવાળાની હરોળમાં લેવાવું જોઈએ.
અંતમાં લોકકથાએ આપણો એવો અમૂલ્ય વારસો છે જે આપણી ગતકાલિન લોક સંસ્કૃતિને તેનાં મૂળભુત રૂપમાં રજૂ કરીને આપણી ચેતનાને ઝંકૃત કરે છે. આપણાં જુદા જુદા સમયના લોક એના સમગ્ર જીવન સંદર્ભ અને જીવન સમગ્ર સમેત એક યા બીજી રીતે વ્યક્ત થાય છે. માનવકુળની સૈકાઓ જુની વાતો એ જે કંઠસ્થ પરંપરામાં કેમ સચવાણી છે-થોડા ફેરફાર થયા છતાં કેમ એનું અસ્તિત્વ જમાને જમાને રહ્યું છે અને આગળની પેઢીઓને કેટલું શિક્ષણ આપી શકે એમ છે. આ બધુ મુદ્દાઓનાં સમાધાન માટે એટલું અવશ્ય કહી શકીએ કે જ્યાં એની ઉપયોગિતા હોય ઉપરાંત જેમાં મનોરંજનનું તત્ત્વ પડ્યું હોય. ટૂંકમાં, આ ત્રણ બાબતો જ્યાં બરાબર સંયોગ પામીને આવી હોય એ વાત કંઠમાં પણ લિપિબદ્ધ થયા વિના સચવાઈ શકે છે. આપણી લોકકથાઓ એ નિમિત્તે આપણું લોકસાહિત્ય તેમજ લોકવિદ્યા માટે જ કંઠોપકંઠ સચવાયેલો લોકરાશિ છે.
સંદર્ભગ્રંથો:::
- મધ્યકાલિન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, લે. અનંતરાય રાવળ
- લોકસાહિત્યઃ વિભાવના અને પ્રકાર, ડૉ. હસુ યાગ્નિક
- ગુજરાતી લોકકતા સાહિત્ય, પ્રિયકાન્ત પરીખ
- લોકસાહિત્યની અશ્વકથાઓ, સંકલનઃ જોરાવરસિંહ જાદવ
- ઝવેરચંદ મેઘાણી જીવન અને સાહિત્ય, લે. જયંત પાઠક વગેરે
- મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. યશવંત શુક્લ, ર. ચૌધરી વગેરે
- લોકસાહિત્યનું સમાલોચન, ઝવેરચંદ મેઘાણી
- અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ધીરુભાઈ ઠાકર