‘પીડાની ટપાલ’ : દલિત–પીડિત-શોષિત-વંચિત સમાજની વેદના-સંવેદનાને વાચા આપતી કવિતા
વ્યવસાયે બેંક અધિકારી એવા કવિ નિલેશ કાથડ પાસેથી આપણને ‘એકલવ્યનો અંગૂઠો ’(૧૯૮૭ ), ‘અગ્નિકણ’(૧૯૯૯) અને ‘પીડાની ટપાલ ’(૨૦૧૫ ) એમ ત્રણ કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે.જેમાં ‘એકલવ્યનો અંગૂઠો ’ એ સંપાદિત કાવ્યસંગ્રહ છે. ‘પીડાની ટપાલ ’ કાવ્યસંગ્રહમાં દલિત–પીડિત-શોષિત-વંચિતસમાજની વેદના-સંવેદનાને અભિવ્યકત કરી છે. વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ચૂકેલા દલિતસમાજની પીડાને વિદ્રોહાત્મક સૂરે રજૂ કરી છે. પ્રારંભે કવિ નિલેશ કાથડે નોધ્યું છે : “એક છુપા જાણીતા અછૂતપણાના ડરને લીધે આજે ય જીવવા માટે જાત છુપાવવી પડે છે એ છુપાવવી ના પડત. આવા છુપા ડરને ભીતરે ભંડારી અમે કાયમ ફફડતા તમારી વચ્ચે જીવી રહ્યાં છીએ. આ ઉઘાડી વાસ્તવિકતા ને આજ નહિ તો કાલ કોઈએ તો કહેવી પડશે એમ માની મેં ‘પીડાની ટપાલ ’ લખી છે.”
વર્ષોથી અભાવો વચ્ચે જીવતાં દલિતોની સ્થિતિ દયનીય છે. પાયાની જરૂરિયાતો માટે પણ વલખાં મારતો દલિત સમાજ ઢસરડા કરી જીવન વિતાવે છે. યુગોથી દલિત – પીડિત-શોષિત-વંચિત સમાજ પોતાના જીવતર વિશે શું લખી શકે? એટલે જ કવિ તેમની પ્રથમ રચનામાં પંડની પીડા રજૂ કરે છે-
“ આંસુની દીવાલ પર શું લખવું?
દુઃખના હર હાલ પર શું લખવું?
રક્ત બાળી આંસુ છાંટી જીવ્યા,
જીવતરના હાલ પર શું લખવું?”
‘ચૌદમીનો સૂર્ય’ રચનામાં કવિ દલિત-પીડિત –શોષિત –વંચિત તથા સ્ત્રીઓના ઉદ્ધારક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને સૂર્ય સાથે સરખાવે છે. લાખો દલિતોના જીવનમાં પ્રકાશ પાથરનાર તથા અન્યાય, અસમાનતા, અત્યાચાર સામે સતત સંઘર્ષ કરનાર બાબાસાહેબને યાદ કરી, કવિ શોષણ કરનારાઓને ચેતવતા કહે છે –
“ સૂર્યના રથને તમે રોકી નહિ શકો
ભીમના પથને તમે રોકી નહિ શકો.”
‘હે મારા બાપ!’, ‘એમ થોડું કરવાનું હોય?’, ‘જાહેરમાં’, ‘તારા નામની’ કાવ્યમાં ડૉ. બાબાસાહેબ અને તેમની વિચારધારા વિષયવસ્તુ બની છે.
અસમાનતાને કારણે માનવમાનવ વચ્ચે ભેદરૂપી દીવાલો અનેક ગણી ઉભી થઇ છે. માનવ હોવા છતાં તેની માણસ તરીકે ગણના થતી નથી. આ પીડાને વ્યક્ત કરતાં કવિ કહે છે-
“નામ પૂછે, ગામ પૂછે, જાત પૂછે
એ પછી માણસ વચ્ચે માણસ ચણે છે”
‘આવતીકાલે’, ‘હાલ્ય મનવા’, ‘ક્યાં લગી’, ‘ઊઠો’ અને ‘જાગવાનો સમય થયો છે’ જેવા કાવ્યોમાં કવિએ દલિતસમાજને જાગૃત થવાની હાકલ કરી છે. બિનદલિતોના અન્યાયો-અત્યાચારો સામે પ્રબળ રીતે પ્રતિકાર કરવાની વાત કરતાં કહે છે-
“ દુઃખમાં વિત્યા દિવસ, ચાલો ઊઠો
ક્યાં સુધી સહેવા સિતમ, ચાલો ઊઠો .”
૨૧મી સદીના વિજ્ઞાનઅને ટેકનોલોજીના યુગમાં પણ માનવી જાતિવાદી માનસિકતા માંથી બહાર આવ્યો નથી એ વાસ્તવિકતા આ રચનામાં પ્રગટી છે. મોર, વૃક્ષ, ફૂલ, નદી અને પહાડ વગેરે દલિત માણસને સ્વીકારે છે. તેનું સામીપ્ય સૌને ગમે છે પણ એક માણસ જ માણસને પશુથી ય બદતર ગણી અસ્પૃશ્યતાનું સજ્જ્ડતાથી પાલન કરે. જાતિવાદનું વાસ્તવ અહીં પ્રત્યક્ષ થાય છે-
“ મેં માણસને પૂછ્યું: આભડછેટ એટલે શું?
મારી સામે જોયું,
દૂર ખસ્યો ને
ચાલવા લાગ્યો.”
‘આંખમાં આંસુ આંજી’ રચનામાં કવિએ ગરીબ-લાચાર સ્થિતિમાં જીવતા દલિત બાળકની માતાની વેદના આલેખી છે. કાળીમજૂરી કરીને બે ટંક રોટલા પામતી દલિત બાળકની માતાની સરખામણીમાં બિનદલિત બાળકની માતાનું જીવન કેટલું સુખ સુવિધાસભર હોય છે તેની માર્મિક અભિવ્યક્તિ જોવા મળે છે.
કવિ તમે ક્યાં હતાં ?’ રચનામાં ‘થાન હત્યાકાંડ’ વિશે કશું ના લખનાર –કશું ના બોલનાર જાણીતા લેખકને કવિ કેટલાંક વેધક પ્રશ્નો પૂછે છે.
‘આવતીકાલે’ કાવ્યમાં કવિએ દેશની સાંપ્રત પરિસ્થિતિ બાબતે લોકોને સચેત કર્યાં છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં મૂડીપતિઓ અને સત્તાધીશ રાજકારણીઓની મિલીભગત દેશ માટે ખતરારૂપ છે. જો પ્રજા સમયસર જાગૃત નહિ બને તો પરિસ્થિતિ ખૂબ વિકટ બની જશે અને એના ગંભીર પરિણામો પણ પ્રજાએ ભોગવવા પડશે એમ કવિ સ્પષ્ટપણે સમજાવે છે. કવિ જણાવે છે-
“આવતીકાલે જાગશો તો
બહું મોડું થઇ જશે
એમણે સૂરજને પણ વેચી દીધો હશે
ને તડકો આપશે રેશનકાર્ડમાં .”
આઝાદી મળ્યાંના આટલાં વર્ષો બાદ પણ સવર્ણોની માનસિકતામાં ઝાઝો ફેર પડ્યો નથી. આજેય દલિત પ્રત્યે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. તાજેતરમાં દલિતો સાથે બનેલી ઘટનાઓ આની સાક્ષી પૂરે છે. સાથે બસ કે ટ્રેન મુસાફરી કરનાર પણ એક યા બીજી રીતે ‘તમે કેવા છો’ એ પ્રશ્ન પૂછી લે છે. જાતિ જાણ્યા પછી તો બિનદલિતની વાણી, વર્તન અને વ્યવહાર બદલાઈ જાય છે. ‘કેવા છો’ કાવ્યમાં આ પીડાની અભિવ્યક્તિ જોવા મળે છે.
અમાનવીય, શોષિત, અત્યાચારી સમાજવ્યવસ્થાને ઉખાડી ફેંકવાની પ્રેરણા ડૉ. બાબાસાહેબ આંબેડકર પાસેથી પ્રાપ્ત થાય છે તે વાતની કબૂલાત ‘બાબાસાહેબ તમે બહુ યાદ આવો છો’ કાવ્યમાં કવિ કરે છે.
‘સાવરણો -૧થી ૯’ કાવ્યોમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ બાબતે દંભ –દેખાડો કરતાં રાજકારણીઓ- લોકોને કવિએ ખુલ્લા પાડ્યા છે. વર્ષોથી ગંધાતા ખૂણામાં પડી રહેલો સાવરણો આજે નામી-અનામી સૌના હાથમાં રમતો થઇ ગયો છે. અરે! એક રાજકીય પાર્ટીનું નિશાન પણ બની ચૂક્યો છે. અહીં સાવરણો પોતે પોતાની વેદના-સંવેદના વ્યક્ત કરતો હોય એવું અનુભવાય છે. ‘સાવરણો-૧’માં નીતા અંબાણીના સુંવાળા સ્પર્શથી પોતે મુકેશ અંબાણી બની જશે એવી કલ્પના સાવરણો કરે છે. ‘સાવરણો-૨’ કાવ્યમાં વર્ષોથી અસ્પૃશ્ય જેવા ગણાતા સાવરણા પર નામી-અનામી વ્યક્તિઓના હાથ ફરી વળ્યા એ બાબતનું આશ્ચર્ય અનુભવે છે. ‘સાવરણો-૩’ કાવ્યમાં વ્યક્તિ સ્વકીય રીતે સ્વચ્છતા સંદર્ભે સભાન નહીં બને ત્યાં સુધી સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું અશક્ય છે એ વાત રજૂ થઇ છે. ‘સાવરણો-૪’ કાવ્યમાં સાવરણો નેતા બની જાય તો – એવો ભય સ્વાર્થી રાજકારણીઓને સતાવે છે.
‘સાવરણો-૫’ કાવ્યમાં નદીને માતા તરીકે માનનાર દેશના લોકો જ વધુ ગંદકી કરે છે એ વાત કટાક્ષમાં રજૂ કરી છે. ‘સાવરણો-૬’ કાવ્યમાં સાવરણાને સાથે રાખી ફોટો પડાવનાર લોકોને સ્પષ્ટ શબ્દોમાં સાવરણો સંભળાવી દે છે કે, “મને ફોટા પડાવવાની લત લાગશે તો પછી સફાઈ કોણ કરશે?’’
‘સાવરણો-૭ ’કાવ્યમાં રાજકારણીઓએ સાવરણાનો નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરી કેવો બાજુ પર કરી દીધો તે વાસ્તવિકતા રજૂ થઇ છે. ‘સાવરણો-૮’ કાવ્યમાં ઉકરડાને ઓશીકું બનાવી સૂતેલો સાવરણો પોતાનો જય જય કાર સાંભળી સફાળો જાગી જાય છે. દેશના નામી-અનામી તથા પત્રકારો સૌ કોઈ તેની નોંધ લે છે. પોતાના પ્રત્યે આટલો પ્રેમ જોઈ સાવરણાને પોતાની રોજી-રોટી છીનવાઈ જવાનો ભય રહે છે. પરંતુ અહીં તો જુદું જ દ્રશ્ય જોવા મળે છે. સફાઈ કાર્યક્રમ પૂર્ણ થતાં સૌ કોઈ ત્યાં કાગળના ડૂચા તથા પાનની પિચકારીઓ મારી ચાલ્યા જાય છે. ‘સાવરણો-૯’ કાવ્યમાં સફાઈના નામે દંભ-દેખાડા અને અતિરેકથી થાકેલો સાવરણો તેને સફાઇકામ કરવા દેવાની વિનવણી કરે છે.
ચૂંટણી નજીક આવતાં વિવિધ રાજકીય પક્ષો લોભામણી જાહેરાતો અને વાયદાનો વેપાર કરી મતદારોને છેતરવાના જે ભિન્ન ભિન્ન કીમિયા અપનાવે છે એ બાબત ‘ટહુકા’ કાવ્યમાં અસરકારક રીતે રજૂ થઇ છે.
‘ના ચૂકવી શકું’ કાવ્યમાં કવિએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગુણગાન ગાયા છે. આંબેડકરના જીવન અને કાર્યોથી કવિ ખૂબ પ્રભાવિત છે કારણકે બાબાસાહેબના અથાગ સંઘર્ષ પછી જ શોષિત–પીડિત-વંચિતસમાજને અધિકારો મળ્યાં.
‘સત્ય જોવા’ કાવ્યમાં કવિએ રાજકીય પક્ષોની કરમકુંડળી રજૂ કરી છે. સત્તાલાલચુ રાજકારણીઓ સત્તાપ્રાપ્તિ માટે કેટલી અધમ કક્ષાએ જઈ શકે એ તરફ અંગુલીનિર્દેશ કર્યો છે.
સમગ્ર રીતે જોતાં ‘પીડાની ટપાલ’ કાવ્યસંગ્રહમાં દલિતસમાજની વેદના-વ્યથા આલેખાઈ છે. જીવતરની વેદનાનું હૃદયદ્રાવક ચિત્રણ જોવા મળે છે. કેટલીક કવિતાઓમાં ખુલ્લો વિદ્રોહ પણ જોવા મળે છે. પ્રસ્તાવનામાં નીરવ પટેલે નોધ્યું છે : “પણ આ દલિતકવિ નિલેશ કાથડ જુદી માટીનો કવિ છે અને એનું કારણ એ છે કે આ ગિરનારી ઘરાનાનો કવિ નહિ, બલ્કે આંબેડકરી ઘરાનાનો કવિ છે.” પ્રસ્તુત કવિતાઓમાં આંબેડકરી વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે. ‘પીડાની ટપાલ’ કાવ્યસંગ્રહની કવિતાને ભી. ન. વણકરે ‘વેણની વેદનાનો દસ્તાવેજ’ તરીકે ઓળખાવી છે. તેમણે નોધ્યું છે: “સોરઠી ધરાની ધીંગી સંવેદનાનો બળુકો અવાજ એટલે કવિશ્રી નિલેશ કાથડ. તેમના શબ્દમાં વેદનાસભર વિદ્રોહ પ્રગટે છે. વેદનામાં અતિવાસ્તવની સ્વ-અનુભૂતિ છે અને વિદ્રોહમાં વેધકતા રહેલી છે.”