Download this page in

ઐતિહાસિક દ્રષ્ટિએ ‘સિકંદર સાની’ નાટક

શ્રી રઘુવીર ચૌધરી માનવજીવનની અસલિયતના ઉપાસક અને સર્જક છે. એમને મન સર્જવું એટલે પણ જીવવું – સચ્ચાઈથી, સુંદરતાથી અને શ્રૈયોભાવનાથી. પ્રત્યક્ષ જીવનની વચ્ચે રહી ને રઘુવીર ચૌધરીએ શબ્દની અને એ દ્વારા સમાજની સેવા કરવાનો ઉપક્રમ જાળવ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનાં બાપુપુરા ગામના વતની શ્રી રઘુવીર ચૌધરી કુટુંબીજનોના વહાલ અને પ્રકૃતિનુ સૌદર્ય પામતાં પામતાં જીવનપ્રત્યે વિધેયક દ્રષ્ટિ કેળવતા રહ્યા. ઇ.સ.૧૯૬૫માં પ્રકાશિત થયેલી અમૃતા ત્યારે પણ સાહિત્ય જગતની અપૂર્વ ઘટના ગણાઈ હતી. હિન્દી ભાષાના એક તેજસ્વી વિદ્યાર્થી અને આદરપાત્ર અદ્યાપક તરીકે યશ પામ્યા અને કિશોરવયથી જ ગ્રામસેવા તથા પૌઢશિક્ષણની પ્રવૃતિઓ આરંભી.

ઈ.સ.૨૦૧૩ની સાલમાં સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા સાહિત્ય ક્ષેત્રના સર્વોચ્ચ સન્માન સમી ફેલોશિપ માટે પસંદગી પામેલા ડૉ.રઘુવીર ચૌધરી વાસ્તવ અને ભાવનાનો, ચિંતન અને લાગણીનો, સત્ય અને સૌદર્યનો અનન્ય સમન્વય યોગ કરી શક્યા છે. કાવ્ય, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, વિવેચન,ચિંતન, પ્રવાસવર્ણન, રેખાચિત્ર, સંપાદન વગેરે મળીને દોઢસો પુસ્તકો દ્વારા સાહિત્ય સર્જનના તમામ સ્વરૂપોનું સુપેરે ખેડાણ કરનાર રઘુવીર ચૌધરી રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા સર્જક છે. સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર, દર્શક એવોર્ડ, ઉત્તરપ્રદેશ તરફથી સોહાર્દ પુરસ્કાર, હિન્દી સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ક.મા.મુનશી એવોર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમારચંદ્રક, ઉમા સ્નેહરસ્મિ પારિતોષિક અને જ્ઞાનપીઠ પુરસ્કારોથી નવાજિત રઘુવીર ચૌધરી સવિશેષ આનંદ અને સંતોષ અનુભવે છે.

રઘુવીર ચૌધરીના સાહિત્ય સર્જનની વાત કરીએ તો નવલકથામાં પૂર્વરાગ, અમૃતા, આવરણ, એકલવ્ય, તેડાગર, પરસ્પર, સખીઓ, વેણુ વત્સલા, ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, લાગણી, શ્રાવણ રાતે, રુદ્ર મહાલય, કંડક્ટર, પ્રેમતરંગ વગેરે છે. આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, બહાર કોઈ છે અને નંદીઘર વાર્તાસંગ્રહો છે. તમસા, વહેતાં વૃક્ષ પવનમાં તેમનાં કવિતા સંગ્રહો છે. અદ્યતન કવિતા, વાર્તા વિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના તેમનાં વિવેચન ગ્રંથો છે. સહરાની ભવ્યતા રેખાચિત્ર છે. બારીમાંથી બ્રિટન પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. વચનામૃત અને કથામૃત એમના ધર્મચિંતનના પુસ્તકો છે. સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોશી : વ્યક્તિત્વ અને વાઙમય સંપાદનો છે. પારિભાષિક કોશ, જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી, મેઘાણીની નવલિકાઓ સહસંપાદનો છે. માનવીની ભવાઇ, નિશીથ અને અન્ય કવિતાઓ, પ્રાચિના (ભોળાભાઈ સાથે) હિન્દીમાં અનુવાદિત છે. નાટકમાં અશોકવન, ઝુલતા મિનારા, ડિમલાઇટ, સિકંદર સાની, ત્રીજો પુરુષ અને નજીક છે. ગુજરાતી સાહિત્ય સભાના મત મુજબ ‘અમૃતા’ એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.

‘સિકંદર સાની’ ઐતિહાસિક પુષ્ઠભૂમિ ધરાવતું સાંપ્રત સંવેદનને લાક્ષણીક રીતે વ્યક્ત કરતું સંકુલ નાટક છે. નાટ્યકારે ઈતિહાસકારની દ્રસ્ટીએ નહીં પણ સૂફી શાયર અમિર ખૂસરોની દ્રસ્ટીએ અલાઉદ્દીન ખીલજીના ચરિત્રને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. ‘સિકંદર સાની’ નાટકની પ્રથમ આવૃતિ ડિસેમ્બર ૧૯૭૯ની સાલમાં પ્રગટ થયેલી જોવા મળે છે. ત્રણ અંકમાં વિભાજિત થયેલા આ નાટકને ૭૪ પુષ્ઠોમાં જ આવરી લેવામાં આવ્યું છે. નાટકના અંતિમ પુષ્ઠોમાં શ્રી રઘુવીર ચૌધરી અને બાબુભાઇ ભુખણવાળાના પત્રોનું આદાનપ્રદાન આલેખ્યું છે. આ પત્રોમાં બાબુભાઇ પોતાના પત્રને વાંચનના પ્રતિભાવરૂપ ગણાવે છે. વળતાં જવાબમાં રઘુવીર ચૌધરીએ પણ નાટક કઈ પરિસ્થિતિમાં લખાયું છે અને તેના પાત્રોએ કેવી અનન્ય ભૂમિકા ભજવી છે તે સૌનો સહદય આભાર માન્યો છે.

અલાઉદ્દીન ખીલજીએ ઈ.સ.૧૩૦૩માં મેવાડના રાણા રતનસિંહની અત્યંત સ્વરૂપવાન રાણી પદ્મિનીને હાંસલ કરવા ચિત્તોડ પર ચડાઈ કરી હતી. એવું કેટલાક ઈતિહાસકારો માને છે, પણ અલાઉદ્દીન પદ્મિનીને હાંસલ કરી શક્યો નહોતો. એતો જૌહર કરી ચિતામાં બળી મરી હતી. અલાઉદ્દીને તો આયનામાં કેવળ પ્રતિબિંબ જ જોયું હતું. અલાઉદ્દીનના માનસિક દ્વંદ્વ અને તેની આંતરિક વૃતિઓને દ્રશ્યરૂપ આપવા માટે નાટ્યકારે આયનાની આદમકદ ફ્રેમની કલ્પના કરી છે, જેના દ્વારા પદ્મિની મંચ પર આવનજાવન કરે છે. અહીં નાટકની શરૂઆત ઈ.સ.૧૩૧૬માં દિલ્હી માં આવેલા અમીર ખૂસરોના દિવાનખાનના દ્રશ્યથી થાય છે. પદ્મિની અલાઉદ્દીનની કલ્પના છે, ઝંખના છે, એ દેખાય છે પણ હાથમાં નથી આવતી. હાથવગી તો બેગમ છે જે પદ્મિનીનું વાસ્તવિક સ્વરૂપ છે અને એ માટે જ પદ્મિની અને બેગમની ભૂમિકા એક જ કલાકાર પાસે ભજવાય એવો આગ્રહ રખાયો છે.

‘સિકંદર સાની’ના ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર પ્રયોગો થયેલાં. સુપ્રસિદ્ધ નવલકથાકાર રઘુવીર ચૌધરીના આ નાટકનો હિન્દી ભાષા માં પ્રયોગ થયો. તેનો અનુવાદ સુશીલા જોષીએ કર્યો હતો. પહેલો પ્રયોગ તા.૧૯મી સપ્ટેમ્બર ઇ.સ.૧૯૯૬ ના રોજ થયો, પછી ગોવા ખાતે યોજાએલા વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે નાટ્યમહોત્સવમાં તા.૨૩મી સપ્ટેમ્બરે પ્રયોગ થયો અને ત્યારબાદ વડોદરા ખાતે યોજાયેલ ટ્રેડિશનલ થિયેટર ફેસ્ટિવલ ઇ.સ.૧૯૯૬ માં કર્ટન રેઇજર તરીકે આ નાટકનો પ્રયોગ ૨૨મી ડિસેમ્બરે થયો.

નાટકમાં કથાનકની ગુંથણી એ પ્રકારે કરવામાં આવી છે કે અમીર ખૂસરો અને અલાઉદ્દીન ખીલજીનું ચરિત્ર એક સાથે પ્રગટ થાય. અલાઉદ્દીના પત્ર દ્વારા જગતમાં જે કંઈ રમ્ય અને ભોગ્ય લાગે તે સઘળું હસ્તગત કરી લઈને તેના પર કાયમ માલિકી હક ઊભો કરવા માગતા માણસના મનસૂબાનું ચિત્ર ઉપસાવવાની નાટયકારની નેમ હોવાથી નાટકનું શીર્ષક અલાઉદ્દીન ખીલજી ન રાખતાં ‘સિકંદર સાની’ અર્થાત બીજો સિકંદર રાખવામાં આવ્યું છે.

નાટકમાં પાત્રોની ભજવણીની દ્રષ્ટિએ જોઈએ તો જિંદાદિલ શાયર, કુશળ મુત્સદી, રાજકારણી, હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિની એકતાના વિધાયક અને પ્રેમાળ પરિવારજન એવા અમિર ખૂસરોના વિવિધ પાસાં ડૉ.મહેશ ચંપકલાલે ખૂબ સાહજિકતાથી સચોટ રીતે ઉપસાવ્યા. પાત્રના ચિત્તની સૂક્ષ્મ સંઘર્ષ ક્ષણોની તેમણે એકોક્તિ દ્વારા એવી ધારદાર રજૂઆત કરી કે પ્રેક્ષકોએ અમુક સંવાદો વખતે તાળીઓથી તેમને વધાવી લીધા. ‘સિતારા’ની ભૂમિકામાં કૃતિ ભટ્ટે તરલ અને ચિત્તાકર્ષક અભિનય આપ્યો. પો. માર્કણ્ડ ભટ્ટે પોતાના આગવા વ્યક્તિત્વ અને અવાજ વડે અલાઉદ્દીનની ખુમારી, લાચારી, સૌદર્ય લોલુપતા અને સત્તાખોરી સુંદર રીતે પ્રગટ કર્યા, તો બેગમ અને પદ્મિનીની બેવડી ભૂમિકામાં દામિની અંતાણી પાત્રને ઠીક ઠીક નિભાવી ગયા. હસન દેહલવીની ભૂમિકામાં ડો. ભાનુપ્રસાદ ઉપાધ્યાય અને મલિક કાફૂરની ભૂમિકામાં અખિલેશ નાણાવટી ઝડકી ઊઠયા. વિમલ ઉપાધ્યાયે કુંતલ નાયક તરીકે અને અશ્વીન પારેખે મધિસુદ્દીન કાઝી તરીકે પાત્રોચિત અભિનય કર્યો.

આ નાટકનું કથાનક સાદું સરળ નહીં પણ અત્યંત જટીલ છે. નાટ્ય નિર્માણના વિવિધ તત્વો, સેટ રચના, પ્રકાશ આયોજન વેશભૂષા અને સંગીતનો કલ્પનાશીલ ઉપયોગ કર્યો છે. જો કે નાટકને દ્રશ્યાત્મક બનાવવામાં જેટલી ચીવટ તેમણે દાખવી છે તેટલી ચીવટ તેમણે નાટકના ‘શ્રાવ્ય’ પક્ષમાં રાખી નથી. સંવાદોના ઉચ્ચારણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ લાગતું નથી. ક્યાંક ક્યાંક હિન્દી ભાષા ખૂબ કઠતી હતી. સીતારા અને કુંતલ નાયકના સંવાદોમાં હિન્દીની છાંટ વરતાય છે. તેમ છતાં બીજા બધા જ પાત્રોના સંવાદો કૃતિની ઐતિહાસિકતાને સચોટ રીતે રજૂ કરે છે. અલાઉદ્દીન ખીલજી અને પદ્મિનીના સંવાદો નાટકને ઉત્તમ દિશા દર્શાવે છે.

અલાઉદ્દીન : (ખખડી ગયેલા ઊંડા અવાજમાં) પદ્મિની મારે પ્રકાશ જોઈએ છે. આમ અંધકારમાં ખોવાઈ ન જા.
પદ્મિની : હું તો પ્રકાશમાં ખોવાઈ ગયેલી છું. સળગતા પ્રકાશમાં.
અલાઉદ્દીન : તો તું પદ્મિની નથી. (આસન પરથી ઊભો થવા જાય છે, પદ્મિની છેક આગળ આવી જાય છે.)
પદ્મિની : હા હું પદ્મિની નથી. તારી નિષ્ફળતાની છાયા છું, તારી અતૃપ્તિની વેદના તારા પરાજયની અપકીર્તિ.
અલાઉદ્દીન : અપકીર્તિ? સુલતાન અલાઉદ્દીન કદી હાર્યો નથી.
પદ્મિની : એવું ઘમંડ ન કર તારા ઘડપણને એનો ભાર લાગશે.
અલાઉદ્દીન : કોણ કહે છે કે હું ઘરડો થયો છું? (રૂવાબથી ઊભો રહેવા મથે છે.)
પદ્મિની : જો, ધ્યાનથી જો, તારા હાથ કંપે છે.
અલાઉદ્દીન : એ તો તારી માસૂમ નજરનો વહેમ છે. આ મારા હાથ તો હિંદોસ્તાનની સલ્તનતની ઉત્તર-દક્ષિણ ધુરા સમા છે. બોલ, તને કયા હાથે સાહી લઉં? તારી ઈચ્છા જણાવ, એમ ખસ નહીં. પાછી દર વખતની જેમ ખોવાઈ ન જાય. તારે આગળ ના આવવું હોય તો ઊભી રહે. (સ્વગત) અરે, સાચેજ મારો લંબાએલો હાથ ઘરડો લાગે છે? આને પકડીને કંપતો અટકાવું કે પદ્મિનીને પકડી લેવા દોડું? એ આખી ને આખી અલોપ થઈ જાય એ પહેલાં એનો હાથ, અરે હાથ નહીં તો પાલવ પણ સાહી શકું તો – (પ્રગટપણે) પદ્મિની, (પકડવાં જતાં) તું શા માટે દોડવાની તકલીફ ઉઠાવે છે?
પદ્મિની : તકલીફ તો તને પડી રહી છે. ઘડપણે તારૂ ગળું પકડ્યું છે અને તું આખો ને આખો તારા સામ્રાજ્યની સાથે ધ્રુજી રહ્યો છે.

અહીં અલાઉદ્દીન ખીલજી અને પદ્મિનીના સંવાદો દ્વારા જાણવા મળે છે કે અલાઉદ્દીન પ્રૌઢાવસ્થાએ પહોંચી ગયો છે છતાંય દંભ હજુ એવો ને એવોજ કરે છે. બન્નેના સંવાદો દ્વારા જાણવા મળે છે કે પદ્મિની હવે હયાત નથી એતો કેવળ અલાઉદ્દીનની કલ્પના જ છે. તેને બેગમમાં પણ પદ્મિની જ દેખાય છે. નાટકના બીજા અંકમાં બેગમ અને અલાઉદ્દીનના સંવાદો દ્વારા પદ્મિની વિશેની વધારે માહિતી પ્રાપ્ત થાય છે.

અલાઉદ્દીન : (ગુસ્સાથી) તમે કેટલીવાર મને પદ્મિનીની યાદ આપ્યા કરશો? એ હવે એની રાખમાંથી ઊભી થવાની નથી.
બેગમ : એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે એક નહીં, અનેક પદ્મિનીઓ એમની રાખમાંથી ઊભી થશે અને તમને ઘેરી વળશે.
અલાઉદ્દીન : (જાત પર કાબૂ રાખી, હળવા થતાં) એ પદ્મિનીઓની સંગત મને ગમશે. (હસીને) ખૂબ ગમશે. તમે પણ પદ્મિની થઈ જાઓ બેગમ ! પણ પદ્મિની આવી પથ્થરની મૂરત ના હોય. એ તો વાદળી રેગિસ્તાનના આસમાન પર ઊડતી કોઈ વાદળી.
બેગમ : જેને ફૂંકી નાખી એનાં વખાણથી શું?
અલાઉદ્દીન : સાચી વાત તો એ છે બેગમ કે પદ્મિની હતી જ નહીં મે એને જોઈ જ નથી. જોયું છે ફકત એનું પ્રતિબિંબ. ત્યારથી હું એના મૂળ રૂપને શોધું છું.

અહીં અલાઉદ્દીન અને પદ્મિનીના સંવાદ દ્વારાજ જાણવા મળે છે કે તેણે પદ્મિનીનું કેવળ અરિસામાં પ્રતિબિંબ જ જોયું છે અને તેના પાછળ પાગલ બન્યો છે. અલાઉદ્દીન વિશે રઘુવીર ચૌધરી એક પત્રમાં સરસ પરિચય આપે છે. ‘અલાઉદ્દીન ખલનાયક નથી, આપણાંમાંનો જ એક, રમ્ય અને ભોગ્ય હસ્તગત કરી લેવાની નિષ્ફળતાનું પ્રતીક છે.’ જ્યારે અમિર ખૂસરો વિશે એ કહે છે કે, ‘એમાં સર્જક દ્વારા સત્તાનો મુકાબલો અભિપ્રેત છે.’ ઉમાશંકર જોષીએ તો પદ્મિની અલાઉદ્દીનની કલ્પના છે એમ સિતારાએ ખૂસરોની કલ્પના છે એમ પણ કહ્યું છે.

સમગ્ર નાટકને વાંચતાં જાણવા મળે છે કે અલાઉદ્દીન એ અવિશ્વાસુ અને ઘમંડી પાત્ર છે, તેને પોતાની જાત સિવાય કોઈ પર ભરોસો નથી. તેથીજ અંતમાં તેનો ભરોસો તૂટે છે અને મલેક કાફૂર દ્વારા અપાયેલા ઝૅરને પીને મૃત્યુને વરે છે. અને સદાને માટે રાજસિંહાસન ખોઈ બેસે છે. અલાઉદ્દીન જીવતો રહ્યો ત્યાં સુધી તેણે બધીજ સ્ત્રીઓમાં પદ્મિનીના જ દર્શન થાય છે. પોતાની બેગમમાં પણ પદ્મિની જ દેખાય છે. એ બંનેના સંવાદો દ્વારા જાણવા મેળે છે. અંતમાં મલેક કાફૂર દ્વારા સિતારાને લાવવામાં આવે છે તેને જોતાં પણ પદ્મિનીનો જ વિચાર આવે છે છેવટે જીવનની અંતિમ ક્ષણોમાં પણ પોતાના ખૂનના કાવતરાં થયેલાં છે તે જાણવા છતાં પદ્મિની વગર મારે મરવું નથી એમ બોલે છે. અંતે મલેક કાફૂર કૃરતા ધારણ કરી અલાઉદ્દીનનું મસ્તક કાપવાનો અભિનય કરી મહોરુ લઈને મંચ પર ખડખડાટ હાસ્ય સાથે પ્રવેશે છે, અને આ રહ્યા ‘સિકંદર સાની’ સુલતાન અલાઉદ્દીન. એમ કહેતાં જ નાટક સમાપ્ત થાય છે.

સંદર્ભ ગ્રંથસૂચિ :

  1. ‘સિકંદર સાની’, લેખક – રઘુવીર ચૌધરી, પ્રકાશક – ભગતભાઈ ભૂરાલાલ શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ – ૪૦૦ ૦૦૨, અમદાવાદ – ૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર ૧૯૭૯
  2. રંગભૂમિ કેનવાસે, લેખક – લવકુમાર મ. દેસાઇ, પ્રકાશક – ડો. લવકુમાર મ. દેસાઇ, ૨, શ્રીજીબાગ સોસાયટી, માંજલપુર, વડોદરા – ૩૯૦૦૧૧, પ્રથમ આવૃત્તિ – ૧૯૯૮
  3. ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો, સંપાદક – ભોળાભાઈ પટેલ, પ્રકાશક – રઘુવીર ચૌધરી, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, નદીકિનારે, અમદાવાદ – ૩૮૦૦૦૭, પ્રથમ આવૃતિ – સપ્ટેમ્બર ૧૯૮૨
  4. સાહિત્ય અને સિનેમામાં ઈતિહાસ, સંપાદક – ધ્વનિલ પારેખ, પ્રકાશક – રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવશ્રી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પ્રથમ આવૃતિ : ૨૦૧૨
  5. www.gujratisahityparishad.com

સુનિલ જે.પરમાર, પીએચ. ડી. રિસર્ચફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર, આણંદ -388120 મો-9586687850 Sunilparmar1709@gmail.com