શ્ટેફાન ત્સ્વાઈક્
૨૮ નવેમ્બર, ૧૮૮૧ના રોજ વિએના(ઑસ્ટ્રિયા)માં જન્મેલા શ્ટેફાન ત્સ્વાઈક્ એમના સમયના સૌથી વધુ વંચાતા લેખક હતા. સાહિત્યની દુનિયામાં એમને મળી એટલી લોકપ્રિયતા ભાગ્યે જ બીજા કોઈ સર્જકને મળી હશે. વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રલેખક, નાટ્યકાર અને કવિ ત્સ્વાઈક્ એક ઉત્તમ વક્તા પણ હતા. ૧૯૨૦ થી ૩૦ના દાયકામાં ત્સ્વાઈક્ યૂરોપના સૌથી વધુ અનુવાદિત થતા લેખક હતા. એમનાં પુસ્તકો ૫૫થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયાં, એમનાં નાટકો સફળતાપૂર્વક ભજવાયાં, એમની લગભગ તમામ વાર્તાઓ પરથી ફિલ્મો બની.
પિતા મોરિસ ત્સ્વાઈક્ કાપડઉદ્યોગ સાથે સંકળાયેલ ગર્ભશ્રીમંત વ્યક્તિ હતા. મા ઈડા બ્રેટ આઉસર પણ બૅન્કિંગ પરિવારમાંથી આવતાં હતાં. મોંમાં ચાંદીનો ચમચો લઈને જન્મેલા ત્સ્વાઈક્નું બાળપણ અતિશય સુખમાં વીતેલું. શાળામાં ભણતા ત્યારથી જ એમની કવિતાઓ અને લેખો સાહિત્યિક સામયિકોમાં છપાવા માંડેલાં. પોતાના સમયના દિગ્ગજ સાહિત્યકારોને ત્સ્વાઈક્ પ્રશંસાપત્રો લખતા. યુનિવર્સિટીમાં ભણતા ત્યારે એમનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયેલો. લેખનક્ષેત્રે એમની દેખીતી સફળતાને કારણે માતા-પિતાએ એમને કુટુંબના પારંપારિક વ્યવસાયમાંથી મુક્ત રાખેલા. નાનપણથી જ ત્સ્વાઈક્ને હસ્તપ્રતો એકઠી કરવાનો ગાંડો શોખ હતો. માત્ર ૧૬ વર્ષની ઉંમરે એમની પાસે ગ્યુઈથે અને બિથોવનની હસ્તપ્રતો હતી. એમના આ સંગ્રહમાં મોઝાર્ટના હસ્તાક્ષરમાં લખેલી અનુક્રમણિકા તથા બિથોવનના લખવાના ટેબલનો પણ સમાવેશ થતો હતો. પછીથી એમનો આ સંગ્રહ ‘National Library of Israel’ અને ‘British Library’માં રાખવામાં આવેલો.
શાંત, અંતર્મુખી એવા ત્સ્વાઈક્ ભણવા માટે બર્લિન ગયા પછી ખાસ્સા બદલાયા હતા. બર્લિન ગયા પછી એમણે અનેક દેશોના પ્રવાસ કર્યા અને અનેક સર્જકો, સંગીતકારો, પત્રકારોને તેઓ મળ્યા હતા. ખાસ કરીને બ્રસેલ્સમાં Emile Verhaerenને, પૅરિસમાં રાઈનર મારિયા રિલ્કે તથા રોમાં રોલાંને મળવા ઉપરાંત ત્સ્વાઈક્ ડબલ્યુ બી. યેટ્સ, પિરાન્દેલો, વાલેરી વગેરેને પણ મળ્યા હતા. એમના પ્રશંસકો તથા મિત્રોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન, સિગમંડ ફ્રૉઈડ, થૉમસમાન વગેરેનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી ઑફ વિએનામાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા ત્સ્વાઈકે ૧૯૦૪માં ‘The Philosophy of Hippolyte Taine’ વિષય પર શોધનિબંધ લખી ડૉક્ટરેટ મેળવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ વેળાએ ત્સ્વાઈક્ પણ અંતિમવાદી કહી શકાય એ પ્રકારના રાષ્ટ્રવાદ અને દેશભક્તિથી પીડાતા હતા. એ સમયે એમણે યુદ્ધની તરફેણમાં લેખો લખેલા. પરંતું ઑસ્ટ્રિયાના યુદ્ધસંગ્રહાલયમાં કામ કરતી વેળા ત્સ્વાઈક્ પ્રથમ વિશ્વયુદ્ધનાં ભયાવહ પરિણામોના સાક્ષી બને છે. વિનાશનાં એ ભયાનક દૃશ્યોથી એમને જે આઘાત લાગ્યો હતો તેમાંથી યુદ્ધનો વિરોધ કરતું નાટક ‘Jeremiah’(૧૯૧૭) લખાયેલું. થૉમસ માને આ નાટકને ‘પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલી સૌથી મહત્ત્વની સાહિત્યિક કૃતિ’ ગણાવી છે. યુદ્ધ એટલે સંસ્કૃતિ અને સભ્યતાનો હ્રાસ, માનવતા અને પ્રગતિનો શત્રુ એવું સત્ય ત્સ્વાઈક્ હવે સમજી ચૂકેલા. રાષ્ટ્રવાદના રોગમાંથી મુક્ત થઈ હવે ત્સ્વાઈક્ માનવતાવાદી બન્યા હતા. રોમાં રોલાં અને અન્ય મિત્રો વધુ સારા વિશ્વની રચનાના આદર્શો લઈને ચળવળ ચલાવતા હતા. ત્સ્વાઈક્ પણ ઘણા લાંબા સમય સુધી એ ચળવળ સાથે પ્રતિબદ્ધપણે જોડાયેલા રહેલા. હવે એમની કલ્પનાના યુરોપમાં કશે રાષ્ટ્રવાદ કે વેરઝેરને સ્થાન ન હતું. પોતાની નજર સામે પોતીકા જગતનો સર્વનાશ થતો જોઈને સર્જક ત્સ્વાઈક્ને ભારે આઘાત લાગ્યો હતો. આ મહાવિનાશ પૂર્વે એમણે જે વિશ્વનું સપનું જોયેલું એ યુદ્ધને કારણે ધ્વસ્ત થઈ ગયું. સુંદર, સંવાદિતાપૂર્ણ, આશાઓથી ભરપૂર વિશ્વ અવર્ણનીય આતંકમાં ફેરવાઈ ગયું.
સમય જતાં યુદ્ધ પછીનાં વર્ષોમાં આ આતંક જરાક શમ્યો. ત્સ્વાઈક્ સહિતનું યુરોપ ફરી એક નવી આશા સાથે જીવવા માંડયું. પણ ત્યાં જર્મનીમાં હિટલર અને નાઝીવાદનો ઉદય થયો. ૧૯૩૩માં હિટલરની સરમુખત્યારશાહીના ઉદયથી ત્સ્વાઈક્ના સુખી જીવનનો અંત આવ્યો. એમની માત્ર બે ભૂલ હતી. એક તો એ જન્મે યહૂદી હતા અને બીજી ભૂલ એ કે યહૂદી હોવા છતાં એમણે જર્મન ભાષામાં લખીને જર્મન સંસ્કૃતિને પ્રદૂષિત કરી હતી એવું નાઝીઓ માનતા હતા. જિંદગીનાં આરંભનાં વર્ષો અતિશય સુખમાં કાઢનાર ત્સ્વાઈકે જિંદગીના છેલ્લાં વર્ષો ક્રોસ પર કાઢેલાં. ત્સ્વાઈક્ની જિંદગીને જેવું ગ્રહણ લાગેલું એવું આ સદીના કોઈ જાણીતા લેખક સાથે ભાગ્યે જ થયું હશે. પહેલાં એમનાં પુસ્તકોને વખોડવામાં આવ્યાં. પછી તેના પર પ્રતિબંધ મુકાયો. એમની કૃતિઓને જાહેરમાં બાળવામાં આવી. ૧૯૩૪માં એમના ઘરમાં શસ્ત્રો છુપાવ્યા હોવાની આશંકાથી પોલીસે છાપો માર્યો અને ઘરને તળેઉપર કરી દીધું હતું. ત્સ્વાઈકે તરત જ લંડન જતી ટ્રેન પકડી અને પછી કદી વિએના પાછા નહોતા આવ્યા. આતંકના કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા હતા એ ત્સ્વાઈક્ જોઈ શકેલા. એમનાં પુસ્તકો પર જર્મનીમાં મુકાયેલ પ્રતિબંધને કારણે તેઓ જ્યારે સફળતાના શિખરે હતા ત્યારે જ તેમના ચાહકો સાથેનો તેમનો નાતો કપાઈ ગયો. આ સેતુભંગ એમના માટે અસહ્ય કહી શકાય એવો આઘાત હતો. એમનાં લખાણો દ્વારા એમનું વ્યક્તિત્વ, એમનું વજૂદ, એમનું સઘળું વ્યક્ત થતું હતું. એ દૂર થતાં તેઓ પોતીકા સાંસ્કૃતિક માહોલમાંથી જાણે કે નિષ્કાસિત થઈ ગયા.
૧૯૨૦માં ત્સ્વાઈક્ના લગ્ન ફ્રિડરિક મારિયા ફોન વિન્ટરનિત્સ નામનાં લેખિકા સાથે થયેલા. ૧૯૩૮માં ફ્રિડરિક સાથે છૂટેછેડા લઈ ત્સ્વાઈક્ એમની સૅક્રેટરી લોટે આલ્ટમાન સાથે લંડન મુકામે ફરીથી પરણ્યા. પોતાના અનેક પ્રવાસો દરમ્યાન ત્સ્વાઈક્ હંમેશાં કોઈ સ્ત્રીપાત્ર શોધી લેતા એની એમનાં પત્ની ફ્રિડરિકને જાણ હતી એવી લોકવાયકા છે. કદાચ એટલે જ ‘Letter From an Unknown Woman’ વાર્તાના લેખકમાં વિવેચકોએ ત્સ્વાઈક્ની ઝાંખી જોઈ હશે ને? છૂટાછેડા પછી પણ ત્સ્વાઈક્ અને ફ્રિડરિક વચ્ચે પત્રવ્યવહાર તો હતો. બ્રાઝિલ પહોંચ્યા પછી એમણે ફ્રિડરિકને લખ્યું હતું કે,‘I will be happy if I can forget Europe, accept our possessions as lost, become indifferent to fame and success and just be thankful to be alive in this divine landscape, while Europe is in misery and hunger.’ (જ્યારે યુરોપ દુઃખ અને ભૂખથી ત્રસ્ત છે ત્યારે જો હું યુરોપને ભૂલી શકું, આપણે બધી સંપત્તિ ગુમાવી દીધી છે એવું સ્વીકારી લઉં, કીર્તિ અને સફળતા તરફ બેપરવા બની જાઉં અને આ પવિત્ર પ્રદેશમાં જીવતો રહ્યો છું એ બદલ એનું ઋણ સ્વીકાર કરું તો કદાચ હું સુખી થઈશ.) ફ્રિડરિકે ત્સ્વાઈક્ વિશે પછીથી એક પુસ્તક પણ લખ્યું હતું. Stefan Zweig societyનાં સંસ્થાપક પણ તેઓ જ હતાં.
પોતે યહૂદી હતા છતાં જર્મનીમાં નાઝીઓની વધતી જતી તાકાતની નિંદા ત્સ્વાઈકે બહુ મોડી કરી એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. થૉમસ માનની જેમ ત્સ્વાઈક્ બીજા વિશ્વયુદ્ધ વખતના જાણીતા હિઝરતી હતા. પોતે દુનિયાભરમાં જાણીતા હતા છતાં રાજકીય બાબતોમાં તેઓ બહુ જાળવીને, ખચકાટ સાથે બોલતા. ત્સ્વાઈક્ એવું માનતા કે ‘બુદ્ધિજીવીઓએ પોતાનાં પુસ્તકોને વળગી રહેવું જોઈએ.’ એમનું આ પ્રકારનું વલણ એમના સમકાલીન સર્જકોને ખટકતું. Hannah Arendt જેવાએ તો આ બાબતે એમની આકરી ટીકા પણ કરી હતી. જો કે આ જ સમયગાળામાં એમણે Mary Queen of Scots અને Marie-Antoinette જેવી જીવનકથાઓ અને ‘Beware of Pity’ જેવી નવલકથા લખી એ પણ નોંધવું રહ્યું. એમના મૃત્યુ પછી એમની ટૅલિફોન ડાયરી પરથી ખબર પડેલી કે ત્સ્વાઈક્ એમના જેવા બીજા હિઝરતીઓ-લેખકો, સંગીતકારો, પત્રકારોના સંપર્કમાં હતા. એવું પણ કહેવાય છે કે જર્મનીમાં રહેતા યહૂદીઓની ચિંતાને કારણે તેઓ નાઝીઓની ટીકા કરતાં ખચકાતા હતા.
ત્સ્વાઈક્ લંડનમાં ખુશ ન હતા. ૧૯૪૦માં તેઓ ન્યૂયોર્ક ગયા પણ ત્યાં ચોપાસ જોવા મળતા નિરાશ્રિતોનાં ટોળાં એમને યુરોપની ભયાવહ સ્થિતિ ભૂલવા નથી દેતાં. બે મહિના યેલ યુનિવર્સિટીના મહેમાન રહ્યા પછી ૨૨ ઑગસ્ટ, ૧૯૪૦ના રોજ તેઓ બ્રાઝિલના પૅટ્રોપોલીસ નામના કસબામાં રહેવા ગયાં હતાં. બ્રાઝિલમાં એમનું ભવ્ય સ્વાગત થયેલું. બ્રાઝિલના વિદેશપ્રધાન એમના સ્વાગત માટે આવેલા. ચોપાસ પ્રેસના માણસો ઊભરાઈ રહ્યા હતા. ત્સ્વાઈક્ થોડા સમય માટે એવું માનવા લાગેલા કે હવે તેઓ જાતિ આધારિત દુનિયામાંથી નીકળીને એવા સ્વર્ગમાં આવી ગયા છે, જ્યાં નાત-જાત, યહૂદી-આર્ય જેવા ભેદને કોઈ અવકાશ નહોતો. જો કે, એમનો આ ભ્રમ બહુ ટૂંકા ગાળાનો નીકળેલો. બ્રાઝિલના સરમુખત્યાર Getulio Vergasએ ત્સ્વાઈક્ને આવકારેલા કારણ કે ત્સ્વાઈક્ દુનિયાભરમાં જાણીતા હતા. ત્સ્વાઈકે પોતાના પુસ્તક ‘Brazil : Land of the Future’માં આ સરમુખત્યારના વખાણ કરી વધુ એક વાર રાજકીય નાદાની દર્શાવેલી. રાજકારણથી, યુરોપ અને યુદ્ધથી દૂર રહી શકાય એ હેતુથી તેઓ બ્રાઝિલ ગયા હતા, પણ એવું થતું નથી. યુરોપની બદલાતી સ્થિતિથી તથા માનવસમાજની ચિંતાથી હતાશામાં ગર્ક થયેલા ત્સ્વાઈકે Jules Romaninsને પત્રમાં લખ્યું હતું : ‘My inner crisis consist in that I am not able to identify myself, with the me of passport, the self of exile.’ (સ્તળાંતર કરનારી મારી જાત અને નિર્વાસિત થનારી મારી જાત વચ્ચેના આંતરિક સંઘર્ષમાં હું મારા ‘હું’ને પારખી શકતો નથી.) બ્રાઝિલમાં વ્યક્તિગત રીતે એ ખુશ હતા પણ યુદ્ધના ભયાનક સમાચાર એમને વધારે હતાશ કરી રહ્યા હતા. એક સાથીદારને એમણે પત્રમાં લખ્યું હતું : ‘Perhaps those who quietly put an end to it all are the wisest. They rounded of their own lives, while we hang on, lingering under our own Shadow.’(કદાચ જે લોકોએ મૂંગા રહી આ બધાની ઉપેક્ષા કરી તેઓ સૌથી વધુ શાણા હતા. એમણે પોતાના જીવનમાં સમાધાનકારી વલણ અપનાવી લીધું. જ્યારે આપણા જેવા પોતીકી જીદના પડછાયા હેઠળ લટકતા રહ્યા.)
જિંદગીનાં છેલ્લાં બે વર્ષોમાં ત્સ્વાઈકે લખેલા પત્રોમાં નિરાશા, હતાશા ભારોભાર છે. ૧૯૪૨ના જાન્યુઆરીમાં તેમણે લખેલું કે,‘I am depressed about this endless war.’ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ ત્સ્વાઈક્ એમનાં બીજાં પત્ની લોટે સાથે પૅટ્રોપોલીસનાં ભાડાંનાં ઘરમાં આત્મહત્યા કરે છે. રાજકીય સન્માન સાથે થયેલી એ બેઉની અંતિમક્રિયામાં પ્રમુખ વર્ગાસ પોતે હાજર રહ્યા હતા. એ દિવસે પૅટ્રોપોલીસમાં તમામ દુકાનો બંધ રખાયેલી. ત્સ્વાઈક્ની આત્મહત્યાની દુનિયાભરનાં છાપાઓએ પહેલાં પાને નોંધ લીધેલી. ન્યુયોર્ક ટાઈમ્સે તો બીજાં દિવસે તંત્રીલેખ લખેલો જેનું શીર્ષક હતું : ‘One of the Dispossessed.’
આત્મહત્યા કરતાં પહેલાં ત્સ્વાઈકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે,‘My own language having disappeared from me and my spiritual home, Europe, having destroyed itself… I great all my friends !May they live to see the dawn after the long night is over !I all too impatient am going an alone.’ (મારી માતૃભાષા ખોવાઈ ગઈ છે. મારા આધ્યાત્મિક ઘર યુરોપે પોતાને ખતમ કરી દીધેલ છે. આ સંજોગોમાં હું મારા સૌ મિત્રોને અભિનંદન આપું છું. લાંબી કાજળકાળી રાત પછી ઊગનારા અરુણ પ્રભાતનું દર્શન કરવા તેઓ જીવતા રહે. અતિશય અધીરો બની ગયેલો હું એકલપંથે વિદાય લઉં છું.) યુરોપનાં અને યુરોપની સભ્યતાનાં ભવિષ્યને લઈને હતાશાથી પીડાતા ત્સ્વાઈકે એમના અંતિમ નિવેદનમાં લખેલું કે,‘It seems to me therefore better to put an end, in good time and without humiliation to a life in which intellectual work has always been an unmixed joy and personal freedom earth’s most precious possession.’ (મને લાગે છે કે વધુ અવહેલના કે અપમાનો પામ્યા વગર સારા સમયમાં જિંદગીનો અંત આણવો એ જ વધુ યોગ્ય છે. આ જીવન એટલે એવું જીવન જેમાં બૌદ્ધિક કાર્ય નિર્ભેળ આનંદનો વિષય હોય, જેમાં વૈયક્તિક સ્વતંત્રતા હોય, અને એ જ તો આ ધરતી પરની સૌથી મૂલ્યવાન મિરાત છે.) એમના અંતિમ પત્રમાં એમણે લખેલું : ‘At sixty years of age, I can no longer bear the thought of more years in this dreadful time.’ (સાંઠ વર્ષની ઉંમરે હવે આવા ભયાવહ સમયમાં વધારે વર્ષ કાઢવાનો વિચાર પણ હું ખમી શકું એમ નથી.)
૧૯ જુલાઈ, ૧૯૩૮ના રોજ ત્સ્વાઈક્ સાલ્વાડોર ડાલી સાથે ફ્રૉઈડને મળવા ગયા ત્યારે ફ્રૉઈડ મૃત્યુપથારી પર હતા. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૩૯ના ફ્રૉઈડ પરના અંતિમ પત્રમાં ત્સ્વાઈક્ લખે છે : ‘I hope that you are suffering only from the era,as we all do,and not from physical pain. We must stand firm now it would be absurd to die without having first seen the criminals sent to hell.’ (હું આશા રાખું છું કે તમે પણ અમારા બધાની જેમ સાંપ્રત યુગકાલીન પીડા અનુભવી રહ્યા છો, આ તમારી શારીરિક પીડા નથી. હવે આપણે સૌએ મક્કમ થવું પડશે. ગુનેગારોને નર્ક યાતનામાં સબડતા જોયા વિના આપણે મૃત્યુને અધીન થઈ જઈએ એનો તો કોઈ અર્થ જ નથી.) પણ આવું લખનાર પોતે જ જીવવાની હામ ગુમાવી આત્મહત્યા કરે છે!
પડકાર ઝીલવાને બદલે સતત પલાયન એ જાણે કે એમની પ્રકૃતિ બની ગઈ હતી. આત્મહત્યા પણ કદાચ એમની આ પલાયનવાદી પ્રકૃતિનો જ એક ભાગ હતી. બ્રાઝિલમાં ભૌતિક સુવિધાઓની વાતે ત્સ્વાઈક્ ખુશ હતા, પરંતું જેના થકી એમના જીવનને અર્થ મળતો હતો એ તમામ વસ્તુઓ અને સંબંધોથી એ વિખૂટા પડી ગયા હતા. ન પુસ્તકો હતાં, ન ચાહકો હતા, ન બૌદ્ધિક મિત્રો હતા. બ્રાઝિલની આબોહવા પણ એમને માફક નો’તી આવતી. ૧૯૩૮માં પ્રથમ પત્ની ફ્રિડરિક સાથેના છૂટાછેડા, નાઝીવાદે મૂકેલી માઝા, જર્મન ભાષા સાથે કપાઈ ગયેલો નાતો, સતત એક સ્થળેથી બીજા સ્થળે ભટકવાનું, માન્યતાઓ ખોટી પડવાની હતાશા...આ બધાં પરિબળોએ ભેળા થઈને ત્સ્વાઈક્ને માનસિક રીતે ખતમ કરી નાખેલા. એમાં હિટલરના જુલમો વિશે સાંભળીને ત્સ્વાઈક્ ભયાનક હતાશાનો ભોગ બન્યા. પોતીકી દુનિયામાંથી ફેંકાઈ ગયેલા, ભૂતકાળને ગુમાવી ચૂકેલા ત્સ્વાઈક્ને નિરાશ્રિત તરીકેનું જીવન અર્થહીન લાગ્યું હશે. આત્મહત્યાથી વધારે સારો વિકલ્પ એમને નહીં દેખાયો હોય એટલે સાંઠમા જન્મદિવસે એ પત્ની લોટે સાથે આત્મહત્યા કરે છે. એમની આત્મહત્યાથી અકળાઈને Andre Mauroisએ લખ્યું હતું : ‘the shame of civilization that can create a world in which Stefan Zweig cannot live.’ (‘આપણી સભ્યતાની એ શરમ છે કે એ શ્ટેફાન ત્સ્વાઈક્ જેમાં જીવી શકે એવું જગત ન સર્જી શકી.’)
સ્વરૂપ અને વિષયવસ્તુ – ઉભય દૃષ્ટિએ ત્સ્વાઈક્ના સર્જનમાં વૈવિધ્ય જોઈ શકાય છે. કવિતા, લઘુનવલ(Novella), નવલકથા, વ્યક્તિચિત્રો, નાટકો વગેરેનો એમના સર્જનમાં સમાવેશ થાય છે. અજ્ઞાત કહી શકાય એવી સામાન્ય વ્યક્તિઓ અને જેમણે ઈતિહાસને આકાર આપ્યો હોય – એમ બંને પ્રકારની વ્યક્તિઓનાં ચરિત્ર એમણે આલેખ્યાં છે. સુખશાંતિમય જીવન પછી પાછલી જિંદગીમા ત્સ્વાઈક્ને મર્મભેદક દુ:ખ અને કરુણતાનો અનુભવ થયેલો. એમની બધી જ કૃતિઓ - કથાસાહિત્ય, કલ્પનામંડિત વાસ્તવકથા કે પછી આત્મકથનાત્મક - માં આ દુ:ખ અને કરૂણ ઉત્કટ સ્વરૂપે વ્યક્ત થયાં છે. ઉજાસને ઢાંકી દેતો આ ઘેરો અંધકાર ત્સ્વાઈક્ દ્વારા સાહિત્યજગતને મળેલી અણમોલ વિરાસત છે.
ત્સ્વાઈકે પુષ્કળ લખ્યું છે, પરંતુ જે કૃતિઓ માટે દુનિયાભરના લોકોએ એમને અતિશય ચાહ્યા તે આ પ્રમાણે છે : ‘Letter from an Unknown Woman’,‘ The Royal Game’, ‘Amok’ ,‘Confusion of Feelings’, ‘Twenty-four-hour in Life of a Woman’, ‘Beware of Pity’, ‘Maria Antoinette : The Portrait of an Average Woman’, ‘The World of Yesterday’ વગેરે. આમ તો ત્સ્વાઈકે કવિતા, નાટક, જીવનચરિત્રો, નવલકથા, આત્મકથા બધું લખ્યું છે પણ એમનો સર્જકયશ એમની લાંબી વાર્તાઓ(Novella) અને જીવનચરિત્રો પર જ અવલંબે છે. એમની લાંબી વાર્તાઓએ એમને દુનિયાભરના લોકોના હૃદયમાં અમર કરી દીધા. એમની શૈલીને સૌથી વધારે અનુકૂળ નીવડેલાં આ સ્વરૂપ વિશે ત્સ્વાઈકે લખ્યું છે : ‘My beloved but unfortunate format, too long for news papers or magazine, too short for a book.’ એમની મોટાભાગની વાર્તાઓ ‘ટૂંકી વાર્તા’ સંજ્ઞામાં ન સમાય એટલી લાંબી છે. એમના કહેવા પ્રમાણે તો એ અનિવાર્ય સામગ્રી સિવાય કશું જ નથી સમાવતા. આ સંદર્ભે એમની કેફિયતમાં કદાચ કોઈને રસ પડે એવું માનીને અહીં નોંધું છું :
‘If I had to confess which quality has been predominant to make me a writer, I believe that I would have to name one which generally is not very much appreciated in private life – a great and insatiable curiosity… A psychological problem is as attractive for me in a living man as in an historical person; so my novels and biographies come out of the same source and are complementary to each other… In my Endeavour to explain a character or a problem to myself I write at first for my own pleasure. Then I begin to shorten, to leave out everything which is not strictly necessary, and books which have in my own manuscript more than a hundred thousand words appear when printed with only thirty or forty thousand. This constant and repeated work of concentration is what I like most and I believe that a part of the success of my books is due to the fact I have tried to eliminate much that is superfluous. Many of my stories (as AMOK, Letter from an unknown Women) are in fact concentrated full size novels.’
બારીક નિરીક્ષણ, વિગતોનું નકશીકામ અને પાત્રોનાં આંતરમનમાં ચાલતી લીલાઓનું આલેખન ત્સ્વાઈક્ના કથાસાહિત્યની એવી વિશેષતા છે જે દુનિયાભરના સર્જકોમાં ત્સ્વાઈક્ની આગવી છબિ ઊભી કરે છે. ‘The Governess’ જેવી આરંભગાળાની વાર્તામાં પણ આ ગુણ દેખાય છે. પાત્ર અને પરિવેશનું વૈવિધ્ય ધરાવતી આ વાર્તાઓ એના વાંચનારને રહસ્ય કે આશ્ચર્યનો ધક્કો અવશ્ય મારે છે. ત્સ્વાઈક્ની ‘Fear’ હોય કે ‘Amok’ હોય,‘Letter From an Unknown Woman’ હોય કે ‘The Royal Game’ હોય... વાચક કાયમ વિમાસતો રહેવાનો કે વાર્તા આટલી લાંબી હોવા છતાં એમાંની કોઈ વિગત, વર્ણન કે મનોમંથન વધારાના કેમ નથી લાગતાં? જે છે તે સઘળું અનિવાર્ય કેમ લાગે છે? આછી પાતળી ઘટના લઈ પાત્રનાં ચૈતસિક મનોમંથનો આલેખવાની ફાવટ ધરાવતા ત્સ્વાઈક્ના કથાસાહિત્યમાં ધસમસતો કથારસ નથી. પરંતું એમની કથનશૈલી તથા વાર્તાગૂંથણીનો જાદુ વાર્તા વાંચનાર ભાવકને એ હદે જકડી રાખે છે કે એ વાર્તા પૂરી કર્યા વગર ઊભો થઈ જ ન શકે. પરંપરાગત શૈલીએ વાર્તા કહેતો આ વાર્તાકાર કઈ હદે લોકપ્રિય હશે તેનું અનુમાન જગતભરની ભાષાઓમાં થયેલા એના અનુવાદો અને એમની વાર્તાઓ પરથી બનેલી અનેક ફિલ્મો પરથી કરી શકાય.
‘Fear’ ત્સ્વાઈકે ૧૯૨૦માં લખી હતી. સંપૂર્ણ સુખી, સંતોષી આઈરિન પ્રેમાળ પતિ અને બે બાળકો હોવા છતાંય લફરાં તરફ ધકેલાય છે આ વાર્તામાં. બ્લેકમેલરનો ભેટો થયા પછીનું આઈરિનનું મનોમંથન અદ્ભુત રીતે આલેખાયું છે. ૧૯૫૪માં આ વાર્તા પરથી પરદેશમાં ફિલ્મ બની હતી. આપણે ત્યાં આ વાર્તા પરથી સફળ હિંદી ફિલ્મ ‘ગુમરાહ’ બની ચૂકી છે. અશોકકુમાર, સુનિલ દત્ત અને માલાસિંહાને ચમકાવતી આ ફિલ્મમાં બ્લેકમેલરની અદાકારી નિભાવનારી શશિકલાએ એમની જિંદગીનો શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
૧૯૨૨માં પ્રકાશિત થયેલી ‘Letter From an Unknown Woman’ ત્સ્વાઈક્ની અતિશય જાણીતી, અતિશય લોકપ્રિય વાર્તા. વિવેચકો એને સાહિત્યજગતનું ઘરેણું કહે છે. ૧૯૪૮ અને ૨૦૦૪માં એના પરથી ફિલ્મો બની ચૂકી છે. આ વાર્તાના પુરુષપાત્રમાં ઘણા વિવેચકોએ ત્સ્વાઈક્ને જોયા છે. આત્મબલિદાન સુધી પહોંચતું આ વાર્તાની નાયિકાનું સમર્પણ હૃદયવિદારક છે. અહીં રજૂ થયેલ કલ્પનાતીત પ્રેમને, ઘેલછાની સીમા વટાવી ચૂકેલા સ્ત્રીના સમર્પણને વાર્તાનો નાયક સ્વીકારે, સાથે સાથે વાંચનાર પણ સ્વીકારે એ માટે જ અહીં પત્રની પ્રયુક્તિ વાપરી છે. મૃત્યુની પળે, પોતાને કદી નહીં ઓળખેલા પ્રેમીને પોતાના જીવનની પળેપળ વિશે રજેરજ કહેવા માગતી સ્ત્રી લખે નહીં તો શું કરે? આમ પણ જે તીવ્ર, ઉત્કટ ભાવાવેગ એ વ્યક્ત કરવા માગે છે એ પત્ર સિવાય શક્ય જ નથી. એણે પૂરેપૂરા વ્યક્ત થવું હોય, ઠલવાઈ જવું હોય તો એણે લખવું જ રહ્યું. સ્ત્રીનો પ્રેમ એકપક્ષી છે, એનું સમર્પણ ઘેલછાની સીમા વટાવી ચૂકેલું છે એ સ્વીકાર્યા પછી પણ એની ઉત્કટતાથી આપણે હલી જઈએ છીએ. વાર્તા પૂરી થાય ત્યારે વાચક વિમાસીને બોલી ઉઠવાનો કે આ સ્ત્રીને કોઈ કઈ રીતે અજાણી કહી શકે?
૧૯૨૨માં પ્રકાશિત થયેલી ‘Amok’ પણ ‘Letter From an Unknown Woman’ની જેમ Violent Feelingની વાર્તા છે. ત્સ્વાઈક્ પર સિગમંડ ફ્રૉઈડનો ઊંડો પ્રભાવ હોવાને કારણે ‘Amok’માં મનોવિશ્લેષણાત્મક તત્ત્વો દેખીતી રીતે જોઈ શકાય છે. આ વાર્તાનાં કેન્દ્રમાં પણ ઘેલછાની હદે પહોંચી ગયેલ પ્રેમ છે. લાલસા, આવેગ અને એનાં પરિણામોની આ કથા છે. એકતરફી પ્રેમમાં સ્ત્રી પાછળ ખુવાર થઈ જતા આ વાર્તાના ડૉક્ટર પોતાનો જીવ આપીને પણ પેલી સ્ત્રીનાં ગૌરવને અક્ષુણ્ણ રાખે છે. આ વાર્તા પરથી ૧૯૩૪, ૧૯૪૫ અને ૧૯૯૩માં ફિલ્મો બની ચૂકી છે. નિરંકુશ આવેગો અને તેનાં પરિણામોની આ વાર્તા પૂરી થયા પછી લાંબા સમય સુધી વાંચનારના મનમાં ચાલતી રહે છે.
ત્સ્વાઈક્ પર હતાશા સહેલાઈથી હાવી થઈ જતી. એમનાં વ્યક્તિત્વનું આ પાસું એમની બહુ જાણીતી વાર્તા ‘A Royal Game’માં ચેસની રમતનાં માધ્યમથી પરોક્ષરૂપે નિરૂપાયું છે. નાઝીઓની કેદમાં રહેલો ઑસ્ટ્રિયન વકીલ એના પર થતા અત્યાચારો સામે ટકી રહેવા મનોમન જાત સાથે ચેસ રમવાનું શરૂ કરે છે. ચેસની રમતમાં એ એટલો તો પાવરધો થઈ જાય છે કે વર્ષો પછી ચેસમાસ્ટરને પણ હરાવી દે છે. પણ જ્યારે પડકારરૂપે રમવાનું આવે છે ત્યારે હતાશાથી ઘેરાઈને એ હારી જાય છે. આખી વાર્તામાં સભ્યતાની પડતી દર્શાવાઈ છે. મૃત્યુના એક જ દિવસ પહેલા ત્સ્વાઈકે આ વાર્તા પ્રકાશકને મોકલાવી હતી. પણ આ એટલી તો અદ્ભુત વાર્તા છે કે એના વગર ત્સ્વાઈક્ની વાત અધૂરી જ રહે.
‘Fear’ હોય,‘Amok’ હોય કે ‘The Royal Game’ હોય... ત્સ્વાઈક્ પર ફ્રૉઈડનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૬ના ફ્રૉઈડ પરના એક પત્રમાં ત્સ્વાઈક્ લખે છે : ‘For me, Psychology is today the great passion of my life. Thank to you. We see many things. We say many things which otherwise we would not have seen nor said.’ (હું તમારો ઋણી છું કે મનોવિજ્ઞાન મારા મુખ્ય રસનો વિષય બન્યું. કારણ કે એના દ્વારા આપણે એવું બધું કહી શકીએ છીએ કે જે બીજી રીતે આપણે ન તો જોઈ શકીએ, ન તો કહી શકીએ.)
૨૧ ઑક્ટોબર, ૧૯૩૨ના ફ્રૉઈડ પરના પત્રમાં ત્સ્વાઈક્ લખે છે : ‘Everything I write is marked by your influence and you understand perhaps, that the courage to tell the truth, probably the essential thing in my books, comes from you. You have served as a model for an entire generation.’ (‘હું જે કંઈ લખું છું તે બધું જ તમારાથી પ્રભાવિત છે. મારાં લખાણોના પાયામાં રહેલી સત્ય કહેવાની હામ તમારા કારણે પ્રગટી છે એ કદાચ તમે સમજી શક્યા હશો. એક આખી પેઢી માટે તમે આદર્શરૂપ બની રહ્યા છો!’) મનોવિશ્લેષણ પ્રત્યેની ત્સ્વાઈક્ની નિસ્બત એમનાં લખાણોમાં એ હદે અભિવ્યક્ત થતી હતી કે એમના કથાસાહિત્યમાં તેમજ કલ્પનામંડિત જીવનકથાઓનાં કેન્દ્રીય પાત્રો Case historyનાં સ્વરૂપે જ નિરૂપણ પામ્યાં છે.
મૃત્યુના એક વર્ષ પહેલાં ત્સ્વાઈક્‘The World of Yesterday’ નામે આત્મકથા આપે છે. એમની આત્મકથામાં ભરપૂર અતીતરાગ છે. એમના બંને લગ્નો વિશે અહીં માત્ર માહિતી છે, મનોમંથન નહીં. આમ પણ ‘The World of Yesterday’ સ્મરણકથા ઓછી અને સમકાલીન સમયનું ઘોષણાપત્ર વધારે લાગે છે. તેઓ જાણતા હતા કે ગઈકાલની દુનિયાને તેઓ ફરી જોઈ શકવાના નથી. આત્મકથાની પ્રસ્તાવનામાં ત્સ્વાઈક્ પોતે અને પોતાની પેઢી જે કરુણાંતિકાનો ભોગ બન્યા તેની વાત કરે છે. ઈતિહાસે તેમને અને તેમના સમકાલીનોને જે આઘાત આપ્યો તેનું એમાં આલેખન છે. એમણે લખ્યું હતું : ‘I am forced to be a defenseless, powerless witness to humanity’s descent into a barbarism thought forgotten.’ (‘માનવતાનું અવિચારી જંગાલિયતમાં પતન થતું જોવા છતાં તેનો બચાવ ન કરી શકે એવા વીર્યહીન સાક્ષી થવાની મને ફરજ પડી રહી છે.’) અહીં વૈયક્તિક અને ઐતિહાસિક વિગતોનું સંકુલ સંયોજન છે. જે સમયમાં યુરોપનું પતન થઈ રહ્યું હતું ત્યારે ત્સ્વાઈક્ આંતરરાષ્ટ્રીય ભાઈચારાની વાત કરે છે. ઉજ્જવળ અતીત અને કાજળકાળા વર્તમાન વચ્ચેનો વિરોધ ત્સ્વાઈક્ના બયાનમાં સુપેરે પ્રગટ થાય છે : ‘મારો જન્મ એક શક્તિશાળી અને મહાન સામ્રાજ્યમાં થયો. બે હજાર વર્ષ પુરાણી મહાનગરી વિએનામાં મારો ઉછેર થયો. પણ મારે એક ગુનેગારની જેમ વિએના છોડવું પડ્યું. જે દેશમાં મારાં લખાણોએ મને લાખો ચાહકો આપ્યાં એ જ દેશમાં જર્મન ભાષાનાં મારાં એ સર્જનોને બાળીને રાખ કરી દેવામાં આવ્યાં. હવે હું ક્યાંયનો નથી રહ્યો. જ્યાં જાઉં છું ત્યાં આગંતુક, અપરિચિત બની ગયો છું, કહો કે મહેમાન બની ગયો છું. મારું વતન-યુરોપ ખોવાઈ ગયું છે. એણે વ્હોરી લીધેલ બીજી લડાઈમાં એણે પોતાને છિન્નભિન્ન કરી નાખેલ છે. મારા ભાગે બૌદ્ધિકતાનો દારુણ પરાજય અને બર્બરતાના ક્રૂર વિજયના સાક્ષી બનવાનું આવ્યું છે, જે મેં ક્યારેય ઇચ્છ્યું નો’તું.’ ત્સ્વાઈકે અહીં યહૂદીઓની દારુણ દશાનું, એમનાં દુર્ભાગ્યનું સ્તબ્ધ કરી દે એવું ચિત્ર રજૂ કર્યું છે. નાઝીઓના ત્રાસના આ દૃશ્યો આજે આટલાં વર્ષો પછી પણ આપણને ધ્રુજાવી જાય છે : ‘Now it was not merely theft and plunder, but every private lust for revenge was given free rein. University Professors had to scrub the streets with bare hands, pious grey-bearded Jews were dragged into the temple and forced by hooting youths to kneel and to shout in unison ‘Heil Hitler’. Innocent people were hounded like rabbits…’ ત્સ્વાઈક્ લખે છે : ‘નવા શાસનતંત્રનાં આગમન પહેલાં એક વ્યક્તિની હત્યા સુદ્ધાં સમગ્ર લોકસમૂહને આઘાત આપતી હતી. જ્યારે હવે વ્યક્તિનું કોઈ વજૂદ રહ્યું જ નથી.’ સારું થયું કે ગેસચેમ્બરમાં કરવામાં આવેલ સામૂહિક હત્યાકાંડ જોવા એ જીવતા ન રહ્યા.
૧૯૧૮માં છેક ત્સ્વાઈકે રોમાં રોલાંને લખ્યું હતું : ‘My aim would be one day to become not a great critic, a literary celebrity but a moral authority.’ (મારું લક્ષ્ય મહાન વિવેચક કે લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યસર્જક થવાનું નથી. માત્ર નીતિમત્તાનાં આદર્શરૂપ બનવાનું છે.) પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી જ વધારે સારા-સહિષ્ણુ વિશ્વની ચળવળ માટે રોમાં રોલાં સાથે જોડાનાર ત્સ્વાઈક્ની આ નૈતિક પ્રતિબદ્ધતા અને કરુણા પછીથી લખાયેલી એમની બહુ જાણીતી નવલકથા ‘Beware of Pity’માં પણ દેખાય છે.
પોતાના સર્જનમાં ત્સ્વાઈક્ વ્યક્તિગત જીવનની ઘટમાળને જે રીતે મૂલવે છે, જે રીતે એ યુગની ભયાનક આપત્તિઓનું આકલન રજૂ કરે છે તેમાં અડધી સદીના દારુણ ઈતિહાસનો પડઘો પડે છે. ગઈકાલની દુનિયાનો આ ચિતાર આપણને વિશ્વનાં ભાવિ વિશે સાવધાન કરે છે. ભલે વિશ્વની વર્તમાન સ્થિતિ દેખીતી રીતે જૂદી લાગે પણ દુરિત પરિબળોનો સંપૂર્ણપણે વિનાશ થયો છે એવું તો નહીં કહી શકાય. આ પરિબળો સાંપ્રત સમયમાં નવા રૂપે નજરે ચડે છે. એ પરિબળો ભલે છૂપાં હોય પણ વિકસિત ટેકનોલોજીની બહુ મોટી મદદ એને મળી રહી છે. એટલે એને વિકરાળ બનતાં જરાય વાર નથી લાગવાની. આપણી ચોપાસ સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો તળિયે જઈ રહ્યાં હોય એવું નથી લાગતું? એટલે જ ત્સ્વાઈક્નું જીવન અને કવન બંને અત્યારે પ્રસ્તુત છે. એમની જેમ મૂંગા રહેવું કે પલાયન કરવું હવે નહીં પોસાય. ત્સ્વાઈક્નાં લખાણોમાં પ્રગટ થતાં અતીતનાં વિશ્વ તરફ નજર રાખીશું તો કદાચ આવતીકાલના વધુ સમતોલ, વધુ બહેતર વિશ્વનો પાયો નાખી શકીશું.
- આ લેખ લખવા માટે શ્ટેફાન ત્સ્વાઈક્ વિશેના અનેક લેખોનો તથા એમની આત્મકથાનો ઉપયોગ કર્યો છે.
- ‘શ્ટેફાન ત્સ્વાઈક્ની વાર્તાઓ’ પુસ્તકની પ્રસ્તાવના