આદિવાસી ગામીત જાતિના લોકસાહિત્યમાં ‘ફાધર રેમન્ડ એ. ચૌહાણ’ નું પ્રદાન
આદિવાસીની વસતી મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં, જંગલોમાં, પર્વતો કે ખીણોમાં જોવા મળે છે. ભારતમાં આદિવાસીઓની વસ્તી થોડાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી જોવા મળે છે જેમાં ગુજરાત રાજ્ય પાંચમાં ક્રમે આવે છે. ગુજરાતમાં આદિવાસીઓ ઉત્તરમાં અરવલ્લીથી લઈ દક્ષિણના સહ્યાદ્રિની પર્વતમાળા સુધી ફેલાયેલાં છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં આદિવાસીઓ વસે છે. આદિવાસીઓ સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં ચૌધરી, ગામીત, ધોડિયા, વસાવા, ભીલ, દૂબળા અને કોટવાળીયા જેવી આદિવાસી પ્રજા વસે છે જેમાં દરેક જાતિ એ પરંપરા, સંસ્કૃતિ, રહેઠાણ, પહેરવેશ, બોલવામાં, લગ્નવિધિમાં, તહેવારોમાં અને ગીતો ગાવામાં બીજી જાતિ કરતાં અલગ જોવા મળે છે. અહીં ગામીત જાતિ અન્ય જાતિ કરતાં કઈ રીતે જુદી પડે છે તેની વાત ફાધર રેમન્ડે અહીં કરી છે.
આદિવાસી ગામીત જાતિના લોકસાહિત્યના પુસ્તકો:
આદિવાસી ગામીત જાતિને લગતા મહત્ત્વના ત્રણ પુસ્તકો ફાધર રેમન્ડ ચૌહાણ પાસેથી મળે છે. જેમના વિશેની વાત અહીં કરવામાં આવી છે. જેમાં પહેલું ‘ગામીત લગ્નવિધિ અને ગામીત લગ્નગીતો’ (૧૯૯૪), બીજું ‘ગામીત દંતકથાઓ’ (૨૦૦૨) તથા ત્રીજું ‘આદિવાસી ગામીત જાતિમાં હોળીનો તહેવાર અને હોળીનાં ગીતો’ (૨૦૦૫)ના પુસ્તકો પ્રાપ્ત થાય છે. અહીં દરેક પુસ્તકની વાત વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવી છે.
૦૧. ‘ગામીત લગ્નવિધિ અને ગામીત લગ્નગીતો’ (૧૯૯૪):
આ પુસ્તકને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ ભાગ-૧માં ગામીત લગ્નવિધિ અને ભાગ-૨માં ગામીત લગ્નગીતો વિશેની વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં આદિવાસી ગામીત લોકોમાં જે લગ્ન પરમ્પરા છે તેમાં લગ્ન નક્કી થાય છે ત્યારથી લઇ વિદાય સુધીની તમામ વિધિઓ તથા લગ્નગીતોને અહીં આવરી લેવામાં આવ્યાં છે.
ભાગ-૧ ગામીત લગ્નવિધિ
આદિવાસી ગામીત સમાજમાં લગ્નવિધિ કરવાની રીત અન્ય સમાજ કરતાં કઈ રીતે જુદી જોવા મળે છે. આ ભાગમાં લગ્નવિધિ સમયે થતી તમામ વિધિને આવરી લેવામાં આવેલ છે. જેમાં છોકરા-છોકરીની સગાઈ, ચાંદલો, લગ્નની તારીખ નક્કી કરવી, મંડપ મુહૂર્ત, પીઠીની વિધિ, લગ્નવિધિ અને વિદાય વગેરે વિધિઓની વાત આ ભાગમાં કરવામાં આવેલ છે. આ તમામ વિધિઓની માહિતી સરળતાથી ગામીત બોલીમાં આલેખી છે.
ભાગ-૨ ગામીત લગ્નગીતો
આ ભાગમાં કુલ ૨૨૧ લગ્નગીતો આપવામાં આવ્યાં છે. જેમાં વિવિધ પ્રકારના લગ્નગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રચલિત ગુજરાતી લોકગીતોની અહીં નોંધ આપી છે. ગામીત બોલીમાં કાવ્યસૃષ્ટિનો અનુભવ આપણને લગ્નગીતો દ્વારા થાય છે. લોકગીતો નાચવા માટે છે માટે જ સંગીતની દૃષ્ટિએ પણ સ્વરોની સુગમતા જોવા મળે છે. ગામીત જાતિના મોટાભાગના ગીતોમાં ધ્રુવપંક્તિનો ઉપયોગ થયેલ છે. અને આખું ગીત ઘુંટી-ઘુંટીને ગાવામાં આવે છે.
આવો બેસો બેસોને ભાઈ પાટલે
તમારે ચાંદલો ભરેલો જુએ વાટ
બેસોને ભાઈ પાટલે
આવો બેસો બેસોને ભાઈ પાટલે
તમારા તેલો ભરેલો જુએ વાટ
બેસોને ભાઈ પાટલે
આવો બેસો બેસોને જુએ વાટ
બેસોને ભાઈ પાટલે
લગ્નના મૂળમાં લોકોની આનંદોર્મિને બહાર લાવવાનો એક પ્રસંગ છે. દરેક જાતિમાં લગ્નગીતો ગવાય છે. પરંતુ અહીં ગામીત જાતિમાં જે લગ્નગીતો ગવાય છે તેના દ્વારા લોકોના મુખ પર આનંદ, મનમાં ચિંતા, દિલમાં દુઃખ, મશ્કરી જેવાં ભાવો ચેહરા પર જોવા મળે છે. બંને પક્ષો તરફથી ફટાણાં દ્વારા પોતાના ભાવોને રજૂ કરવામાં આવે છે. આવા પ્રસંગોમાં ઝઘડાંઓ કે અણબનાવોને સાઈડ પર મૂકી તમામ વાતોને ગીતો દ્વારા ખુલ્લેઆમ રજૂ કરે છે.
૦૨. ગામીત દંતકથાઓ
‘ગામીત દંતકથાઓ’ પુસ્તકમાં ૧૯ જેટલી દંતકથાઓ ગામીત લોકબોલીમાં અને ગુજરાતી ગદ્યમાં તેનો ભાવાનુવાદ સાથે દંતકથાઓ આપેલી છે. આ પુસ્તક કેન્દ્રીય સાહિત્ય અકાદેમી આદિવાસી ભાષા સાહિત્ય પ્રકલ્પ, ન્યુ દિલ્હી અંતર્ગત ૨૦૦૨માં પ્રગટ થયું હતું. ફાધર રેમન્ડે સોનગઢ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આઠ માહિતીદાતાઓ પાસેથી મૂળ ગામીત બોલીમાં કથાઓ ભેગી કરી છે. આ પ્રદેશ કે પ્રજાની કથાઓનું સંપાદન ઓછું કે નહિવત્ હોવાનાં કારણે આ સંપાદન ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. આ પુસ્તકમાં મોટાભાગની કથાઓ ઠગકથા કે ચાતુર્ય કથાઓ સાથે છે. અહીં બોધકથાઓ, પુરાકથાઓ, ચમત્કારીક, ચાતુર્ય કથા, મિત્રતાની કથા વગેરે કથાઓને ગામીત બોલીમાં અને શબ્દશઃ ભાવાનુવાદ આપવામાં આવેલ છે.
પ્રથમ કથા ‘બગલી અને સાધુ’ ગ્રામીણ વાર્તામાં બગલી દરરોજ સાધુના ખાવામાં ચરકે છે. તેથી એક દિવસ સાધુ બગલીને પકડીને તેનામાંથી કસદા બનાવવા માટે મોચી પાસે લઇ જાય છે. રસ્તામાં બગલીને છોડાવવા ગાયનો ગોવાળ અને ઘેટાંનો ગોવાળ પ્રયત્ન કરે છે. પરંતુ એ છોડતો નથી. અને અંતે મોચી બગલીને છોડાવે છે. બીજી કથા ‘ચતુર બહેન’માં છ બહેનોને રાક્ષસ મૃત્યુને ઘાટ ઉતારે છે. પરંતુ સાતમી ચતુર બહેન પક્ષીના અવાજ ઓળખી ચતુરાઈથી પોતાનો જીવ બચાવી ઘરે આવે છે. આ વાર્તામાં બુદ્ધિ ચાતુર્ય અને શણની વ્યુત્પત્તિની વાત કરવામાં આવી છે. ‘ડાંકણના રાજમાં ઘરજમાઈ’ કથામાં ઘરજમાઈ તરીકે ડાંકણના રાજમાં આવેલો પુરુષ જમાઈની ચતુરાઈ વિશેની વાત છે કથામાં ડાંકણ એ જમાઈ પર અત્યાચાર આચરે છે ને અંતે એક ડોસીની યુક્તિથી તે ત્યાંથી ભાગી છુટીને પોતાના માતા-પિતાના ઘરે જતો રહે છે. ‘મગરી અને શિયાળ’ કથામાં મગરી પાણી પીવા આવતા શિયાળને મારવાના ઘણાં પ્રયત્નો કરે છે. પરંતુ શિયાળ પોતાની ચતુરાઈથી બચી જાય છે. અંતે એક પ્રસંગમાં મગરીનો જીવ શિયાળ બચાવે છે તેથી બંને વચ્ચે મિત્રતા બંધાય જાય છે. ‘ડોસો અને ડોસી’ કથામાં ડોસાની પત્ની મૃત્યુ પામતા બીજી પત્ની લાવે છે. બીજી પત્ની ઘરે પાળેલી ગાયને જંગલમાં મૂકી આવવા કહે છે. જંગલમાં ગાયને વાઘણનો ભેટો થાય છે. બંને વચ્ચે મિત્રતા બંધાય છે અને ગાય અને વાઘણના બચ્ચાંઓ વચ્ચે પણ મિત્રતા થાય છે. આમ, કથાનક વાર્તાને આગળ વધારવા માટે અન્ય કથાઓ પણ જોડતો જાય છે. ‘જળ પ્રલય’ એ પુરાકથા છે જેમાં દાબિયા દેવ એ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જળ પ્રલય થવાથી ફરી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. તેની વાત આ કથામાં કરવામાં આવી છે. ‘અનાથ દીકરો’ કથામાં ડોસી-ડોસો, દીકરો અને વહુની વાત છે અહીં દીકરો ને વહુ ખેતરમાં બંટીનો પાક કરે છે જેને રોજ ખાવા માટે ગરુડપક્ષી આકાશ માળામાંથી આવે છે તે સમયે પોહનો પૂંછડીએ લટકી જાય છે અને આકાશમાં ગરુડપક્ષીના બચ્ચાંને મળે છે તેમની પાસેથી એવો લાડવો લાવે છે જેનાથી ભૂખ કે તરસ ના લાગે. તે અડધો લાડવો ખાય બાકીનો કુંટુંબીજનો માટે લાવે છે આથી તે બધાં જ્યાંથી લાડવો લાવ્યો હતો ત્યાં જવા માટે ગરુડપક્ષીની પૂંછ પર લટકી જાય છે અને અંતે આકાશમાળા પહોંચવાની અંતિમ ક્ષણે પોહનો બંને હાથ વડે લાડવો બતાવવા જાય છે ને બધા નીચે પડે છે અને મૃત્યુ પામે છે. ‘વાછડો અને વાઘ’ ગોવાળ અને ગાયની મિત્રતા, ગોવાળનું ભોજન ખાય જવાથી ગોવાળ ગાયને જંગલમાં છોડી આવે છે. પછી ત્યાં વાઘણ જોડે મિત્રતા, પછી તેમના બચ્ચાં વાઘ અને ગાયની મિત્રતા અંતે ગાય, વાઘણ અને મિત્ર ગાયના મૃત્યુ બાદ વાઘ પણ મરી જાય છે. ‘વાંઝણી ડોસી’ કથામાં ડોસા-ડોસીને બાળક નથી આવામાં ડોસો મૃત્યુ પામે છે. બાદ પરમેશ્વર આવે છે ને ડોસીને બે રોટલા આપે છે એક ખાવાનો ને બીજો કોઠીમાં મૂકી દેવાનો. પછી ડોસીને બાળક અવતરે છે તે બાળક મોટું થઈ પેલી કોઠી ખોલે છે ત્યાં રોટલાની જગ્યાએ પૈસાનો ઢગલો હોય છે આથી તે પૈસાના ઢગલામાંથી થોડાં પૈસા લઈ તે શહેર જવા નીકળે છે. રસ્તામાં જંગલ આવે છે ત્યાં ભરવાડો પાસેથી અજગરને બચાવે છે બાદ બિલાડીને ભીલો પાસેથી પૈસા આપીને બચાવે છે. અજગર પાસેથી ચમત્કારિત વીંટી મળે છે બાદ સારો બંગલો, પત્ની મળે છે. પછી પત્ની ભિખારી જોડે વીંટી લઈને ભાગી જાય છે બાદ ચાલાક બિલાડી તે વીંટી ફરી લાવી આપે છે અંતે આ છોકરો પત્ની વગર સારું જીવન જીવે છે. જેને ખાવાનું મળ્યું છે તેને ખાતા નથી આવડતું આ વાતનો બોધ મળે છે. ‘જેઠીયાભાઈ’ ચમત્કારિત કથામાં જેઠીયાની પત્નીના મૃત્યુ બાદ સાવકી મા લાવે છે તેને બાળકો ગમતા નથી આથી પિતા દીકરા-દીકરીને જંગલમાં મૂકી આવે છે આવા સમયે કરગરતા બાળકોને જોઈ દેવ તેમને ચીબડાના બીજ આપી છે તે ચીબડા કરીને જીવન ગુજારે છે. બાદ ગાયના દૂધ વડે જીવે છે. સાત માળના બંગલામાં રહેવું બાદ પિતા અને સાવકી માને મારી નાંખી અંતે સારી રીતે જીવન જીવે છે. ‘ઘરજમાઈની દશા’ કથામાં માનવભક્ષીના રાજમાં ઘરજમાઈ જવું. તાવ કે ખાંસી આવે તો સરપંચને ઘરે બોલાવવો. પછી તેને મારી તેનું માંસ જેને લઈ જવું હોય તે લઈ જાય. અચાનક જમાઈ માંદો પડવો પત્ની સારી હોવાથી તેને માતા-પિતાને ઘરે મોકલી દીધો. સારો થઈ ગયો હશે એમ માની પત્ની બોલાવવા માટે જાય છે પરંતુ તે ફરી આવતો નથી. ‘સાળો’ એક ગામમાં ચાર વ્યક્તિઓ રહેતા હતા તેમાં એક છોકરો અને છોકરી હતા. જેમાં છોકરીના લગ્ન થાય છે પછી બેન-બનેવીના ઘરે વારંવાર સાળાની અવરજવરથી બનેવી કંટાળી જાય છે આથી એક દિવસ પતિ-પત્ની સાળાને આવતો જોઈ જંગલમાં જતા રહે છે બાદ તે ઘરમાં ઘુસી માંસનું ભોજન ખાય જાય છે ને માળ ઉપર છુપાય જાય છે જેથી કરીને બેન-બનેવી આવીને પોતાની ચાલાકી વિશેની વાત કરે છે તે સાંભળી સાળો બેન-બનેવી સાથે નાતો તોડીને જતો રહે છે. ‘હજામનો દીકરો’ માં હજામ, દીકરો, મા અને રાક્ષસની વાત આવે છે જેમાં હજામના મૃત્યુ બાદ દીકરો હજામતનું કામ ચાલુ કરે છે તે દરમ્યાન તે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તેને રાક્ષસ મળે છે તે તેને ખે છે હું તને ખાય જઈશ પરંતુ છોકરો તેને કહે છે દેવનું ઢોલ ફાટી ગયું છે તો તમારું ચામડું કાઢવા માટે આવ્યો છું એમ કહી હજામ દીકરો બચી જાય છે ને બંનેની વાર્તાલાપથી કથાની ગતિવિધિ આગળ વધે છે. ‘બાપ છોડે પણ પાપ ન છોડે’ આમાં પતિ-પત્ની બંને સાથે મળીને ચોરી કરવા માટે જાય છે અને પકડાય જાય ત્યારે બંનેને સજા મળે છે આ સજાની વાત અહીં કેન્દ્રમાં છે માટે બીજાના વિરુદ્ધ ગુનો કરવાથી અંતે સજા મળે છે. ‘બડાઈખોર’ અહીં બડાઈખોર નામનું પાત્ર છે જે તીર વીંધવામાં માહિર છે તે પોતે એમ સમજે છે કે એના જેવો બીજો કોઈ તીર વીંધવામાં માહિર નથી. પરંતુ તે જ્યારે બીજી જગ્યાએ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તેના કરતાં પણ વધારે વિદ્યામાં નિષ્ણાંત એવા લોકો તેને મળે છે. માટે તેની બડાઈ મારવી નિષ્ફળ નીવડે છે. ‘ઠગ અને બુધ્ધુ’ શીર્ષક પરથી જ ખબર પડી જાય છે કે અહીં શું કહેવા માંગે છે. બન્ને મિત્રો એ પોતાની આવડતથી લોકોને ઠગે છે અને એકબીજાને છેતરતાં પણ હોય છે. અહીં મૃત થયેલું હોય છે ત્યાં એક વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવી લાવે છે અને બન્ને જણા વહેંચી લે છે. ‘માં-બાપ’ કથામાં બાપ એ દીકરાને પોતાની રીતે કામ કરીને ચાલ્યા કરવાનું એવું શીખવે છે. પરંતુ દીકરો એ બાપને શબક શીખવાડી વાતને ખોટી પાડે છે અહીં દીકરો બાપને શીખવે છે જીવન કેમ કરીને જીવવાનું. ‘પહેલો ખેડૂત’ આ પુરાકથા છે જેમાં ખેડૂતના જીવન અને ખેતરના વિધિવિધાનો સાથે જોડાયેલી તમામ વાતો આ કથામાં કરવામાં આવી છે. ‘કણબીઓ’ માતાના મૃત્યુ બાદ પિતા સાવકી મા લાવે છે સાવકી માને છોકરો ગમતો નથી આથી પિતા અને સાવકી મા બાળકને કૂવામાં નાંખી દે છે બાદ પેલી સ્ત્રી સામે પડેલ પથ્થર હટાવવા માટે કહે છે ને બાળકનો પિતા તે પથ્થર હટાવે છે ત્યાંથી નાગ નીકળે છે નાગના ડંખ મારવાથી બન્ને મૃત્યુ પામે છે આ બાજુ બાળક બચી જાય છે પછી બાળક એ વાડીનો માલિક બની જઈ સારું જીવન જીવે છે.
૦૩. ‘આદિવાસી ગામીત જાતિમાં હોળીનો તહેવાર અને હોળીનાં ગીતો’ (૨૦૦૫)
દક્ષિણ ગુજરાતના ગામીત આદિવાસીઓને કેન્દ્રમાં રાખી માત્ર હોળીનો તહેવાર અને હોળીને લગતાં ગામીત ગીતો પર વધુ પ્રકાશ પાડેલો છે. હોળીના ગીતોને ગામીત બોલીમાં અને તેનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તેમજ તેનો હાર્દ સમજાવવામાં આવેલ છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર હોળી પ્રગટાવવામાં આવી હોય તેવો ફોટોગ્રાફ્સ મૂકવામાં આવેલ છે. આ પુસ્તકને કુલ પાંચ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવેલ છે.
પ્રકરણ-૧ ‘ગામીતજનોને ઓળખીએ’
ગુજરાત રાજ્યમાં આદિવાસી ગામીત જાતિ કયા ક્રમે આવે છે તથા તેની વસ્તી અને ભણતર વિશેની વાત કરી છે. ભૌગોલિક રીતે જોઈએ તો ગામીત જાતિ મૂળ ક્યાંની છે તથા ગામીત જાતિ વિશેના વિદ્વાનોએ આપેલાં વિવિધ મંતવ્યોનો ઉલ્લેખ અહીં કરેલ છે. તેમજ ગામીત જાતિની વસ્તી વિવિધ તાલુકામાં વસેલ છે તથા તાલુકાવાર ગામોના નામો પણ આપવામાં આવ્યાં છે.
પ્રકરણ-૨ ‘ગામીત વાર્ષિક કૃષિચક્ર અને તહેવારો’
આદિવાસી ગામીત જાતિમાં વાર્ષિક કૃષિચક્રની વાત કરી છે જેમાં કૃષિચક્રની શરૂઆત અખાત્રીજથી થાય છે તથા આ અખાત્રીજના દિવસે લોકો ખેતીકામનું મૂહુર્ત અને ખેતીના ઓજારોની પૂજાવિધિ કરે છે તેની વાત કરવામાં આવી છે. તથા આદિવાસી ગામીત જાતિના કૃષિચક્ર વિશેનું માળખું આપવામાં આવેલું છે. અમુક તહેવારો ચોક્કસ તારીખે અને બીજા તહેવારો વરસાદ આધારીત કે મોસમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. મોટાભાગના તહેવારો લોકો ભેગા મળીને દેવોના ગીતો ગાઈ નાચ-ગાન સાથે ઊજવે છે. અહીં ગામીત જાતિના લોકો જે યાત્રાધામોમાં જાય છે તેનું કોષ્ટક બનાવવામાં આવ્યું છે જેમાં યાત્રાધામોના નામો, ભૌગોલિક સ્થળો, તાલુકો તથા જિલ્લાની માહિતી આપી છે.
પ્રકરણ-૩ ‘ગામીત જાતિમાં હોળીનો તહેવાર’
ગામીત જાતિમાં હોળીના તહેવારને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ‘હોળીનાં તહેવારની તૈયારી કેવી રીતે કરે છે?’ અહીં ગીબપૂજા કર્યા બાદ હોળીના ગીતો અને પૂજા કરવાથી હોળીના તહેવારની શરૂઆત થાય છે. બીજા ભાગમાં ‘હોળીના દિવસે તહેવાર કેવી રીતે ઊજવે છે?’ જેમાં ફાગણ મહિનામાં પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે તેની પૂજાવિધિ કર્યા બાદ લોકો પોતપોતાના ઘરે જઈ ખાય-પીઈને આનંદ કરે છે. ત્રીજા ભાગમાં ‘હોળીનો તહેવાર ઉજવ્યા પછીના પાંચ દિવસો’ જેમાં તહેવારના બીજા દિવસથી લઈ પાંચ દિવસ સુધી અમુક ગામીત ભાઈઓ ગેરીયાઓ બની નાચ-ગાન કરે છે જો આ દિવસોમાં લોકો કામકાજ કરે તો ગ્રામજનો તેને દંડ કરે છે. ગામીત આદિવાસીઓ પાંચ દિવસ સુધી કશું કામ કર્યા વગર તહેવારને ધામધૂમથી ઊજવે છે.
પ્રકરણ-૪ ‘ગામીત જાતિમાં હોળીનાં ગીતો’
ગામીત જાતિમાં પેઢી દર પેઢી જૂની પરંપરાઓથી હોળીનાં ગીતો ગવાય છે જેને ઓડિયો(દૃશ્ય) સ્વરૂપે રેકૉડિંગ કરી ૪૩ જેટલાં ગીતોનું સંપાદન કરી અહીં વિષયવાર વર્ગીકરણ કરી રજૂ કરવામાં આવેલ છે. જેમાં પર્યાવરણમાં થતાં ફેરફારો દર્શાવતાં ગીતો, હોળીના તહેવારમાં ખરીદી માટેના ગવાતાં ગીતો, હોળી આવે ત્યારે ગવાતાં ગીતો, હોળીબાઈનું વર્ણન કરતા ગીતો ગાવા નીકળે છે, મશ્કરી કરતાં ગીતો, હોળીના દિવસે ગવાતાં ગીતો, હોળી પ્રગટાવ્યા પછીના દિવસે ગવાતાં ગીતોને અહીં રજૂ કરવામાં આવેલાં છે. આ ઓડિયો કેસેટ બનાવવા માટે જે ૫૮ જેટલાં વ્યક્તિઓની યાદી બનાવી તેમનો આભાર વ્યક્ત કર્યા છે.
પ્રકરણ-૦૫ ‘હોળીનાં ગીતોનું હાર્દ’
આદિવાસી ગામીત જાતિમાં હોળીનાં ગીતોમાં જે હાર્દ જોવા મળે છે તેમાં બે બાબતો સૌથી વધુ મહત્ત્વની છે. એક તો હોળીના ગીતોની સાંગીતિક રચના જેમાં બે તાલનો ઉપયોગ થાય છે જેમાં એક તો ગામીત ચાંગીયો ઢોલના તાલોથી વગાડતાં આવ્યાં છે અને બીજું અમુક ગામીત ગીતો હિન્દુસ્તાની સંગીતના તાલ પર રચાયેલ છે. બીજા હાર્દમાં હોળીનાં ગીતોમાં ગૂંથાયેલું વિષયવસ્તુ જોવા મળે છે.
આમ, અહીં ગામીત જનજીવનમાં આવતાં વિવિધ પાસાંઓને આવરી લેતો હોળીનો તહેવાર છે. જેમાં ધર્મ અને જીવન એકમેકના અભેદરૂપે જીવંત નમૂનો સ્પષ્ટપણે જોવા મળે છે.
આમ, આ ત્રણેય પુસ્તકો ગામીત જાતિને આવરી લે છે. જેમાં ફાધર રેમન્ડે પ્રથમ તો ગામીત જાતિમાં જે લગ્નવિધિ થાય છે તથા લગ્નમાં ગવાતાં લગ્નગીતોને સંગ્રહિત કરી પુસ્તકરૂપે રજૂ કરેલ છે. તેમજ ગામીત જાતિમાં આવતી દંતકથાઓને ગામીત બોલીમાં અને તેનો ગુજરાતી ભાવાનુવાદ આપવામાં આવેલ છે. જેનાથી અન્ય ભાષાના લોકોને આ ગામીત દંતકથા વિશેની સમજ પડે એ લેખકનો મુખ્ય હેતુ છે. તથા ત્રીજા પુસ્તકમાં આદિવાસી ગામીત જાતિમાં હોળીનો તહેવાર અને તેને લગતાં ગીતોની વાત કરી છે અહીં કુલ પાંચ પ્રકરણો આપવામાં આવેલાં છે જેમાં ગામીતની ઓળખ, કૃષિચક્ર આધારિત તહેવારો, ગામીત જાતિમાં હોળીનો તહેવાર, ગામીત જાતિમાં હોળીનાં ગીતો અને હોળીનાં ગીતોમાં આવતું હાર્દ વિશેની વાત કરવામાં આવી છે. આ પુસ્તકો વડે ફાધર રેમન્ડે ગામીત જાતિમાં જે લગ્નવિધિ, લગ્નગીતો, દંતકથાઓ તથા હોળીનો તહેવાર અન્ય તહેવારની પણ વાત કરી છે. અહીં લેખકનો મૂળ હેતુ આ પુસ્તકો વડે ગામીત જાતિનો પરિચય આપવાનો છે.
સંદર્ભ સૂચિ :
- ફાધર રેમન્ડ એ. ચૌહાણ, ગામીત લગ્નવિધિ અને ગામીત લગ્નગીતો, પ્રથમ આવૃત્તિ- માર્ચ ૧૯૯૪, જીવન જ્યોત ઉનાઈ, તા. વાંસદા, જિલ્લો-નવસારી પ્રકાશક- જીતેન્દ્ર પટેલ રૂપલ પ્રિન્ટીંગ પ્રેસ ખંભાલીયા, ઉનાઈ
- ફાધર રેમન્ડ એ. ચૌહાણ (સંકલન અને ભાવાનુવાદ), ગામીત દંતકથાઓ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૨ પ્રકાશક - ગુજરાત સાહિત્ય અકાદમી, નવી દિલ્હી
- ફાધર રેમન્ડ એ. ચૌહાણ, આદિવાસી ગામીત જાતિમાં હોળીનો તહેવાર અને હોળીના ગીતો પ્રથમ આવૃત્તિ-૨૦૦૫, આદિવાસી પ્રગતિ કેન્દ્ર, સિંગી ફળિયું પી.બી.૫૪, આણંદ પ્રેસ ગામડી, આણંદ