Download this page in

માનવીય આવેગોને સંયમ અને ઔચિત્યપૂર્વક વ્યક્ત કરતી વાર્તા 'માટીનો ઘડો' (સર્જક : જયંત ખત્રી)

"માટીનો ઘડો" એ જયંત ખત્રીની ટૂંકીવાર્તા છે. તેમના "ખરા બપોર" નામના વાર્તાસંગ્રહમાં આ વાર્તા સંગ્રહાયેલી છે. આ વાર્તાનું કથાવસ્તુ સાવ પાણીપાતળું છે. રણવિસ્તારનો પરિવેશ છે. ચોમાસું સારું ગયું હોવાથી બીજલ નામનો એક માલધારી પોતાના પરિવાર સાથે સારા ઘાસિયાં મેદાનો ભણી સ્થળાંતર કરે છે. વચ્ચે આરામ લેવા એક સ્થળે રોકાય છે. એ સ્થળે કેટલાક તંબૂઓ છે. બીજલ અને તેની પત્ની રતની આસપાસનો લીલોછમ પ્રદેશ જુએ છે. એ પ્રદેશ જોતાં જ તેને તેનો ભૂતકાળ અને તેના પૂર્વજો સાંભરે છે. તે લાગણીભીનો બની જાય છે. રતની તેને આશ્વાસન આપે છે. બંને પોતાના રોકાણે પાછાં ફરી દીકરી રાણલને કોઈક તંબૂમાંથી પાણી માંગી લાવવા મોકલે છે. રાણલ યુવાન કન્યા છે. તે એક તંબૂમાં પાણી લેવા જાય છે. એક સરકારી સાહેબ એ તંબૂમાં રહેતો હોય છે. સંજોગાવશાત એ સમયે સાહેબ તૈયાર થતાં હતા અને અર્ધનગ્ન અવસ્થામાં હતા. રાણલ અને સાહેબની દૃષ્ટિ મળે છે. બંને મનોમન જાતીય આકર્ષણ અનુભવે છે. એ સરકારી અધિકારી પોતાની પ્રિયતમા-પત્નીના વિરહમાં જાતીય ઝૂરપો વેઠે છે. રાણલને જોતાં વેંત જ તેની પત્ની માટેની સુષુપ્ત કામભાવના જાગૃત થઈ ઊઠે છે અને રાણલ વડે તૃપ્ત થવાની અભિપ્સા સેવે છે. સરકારી સાહેબનો પોતા પ્રત્યેનો કામાવેગ જોઈ રાણલ પણ કામાતુર બને છે. બંને વચ્ચે દેહસંબંધ બંધાય છે. પરંતુ દેહસંબંધ બાંધ્યા પછી તરત જ પેલા સાહેબ રાણલને પોતાના તંબૂમાંથી બહાર જતાં રહેવાનું કહે છે. રાણલ પોતાને તેની સાથે રાખવા ખૂબ આજીજી કરે છે. પણ પેલા સાહેબ નિર્દયભાવે તેને જાકારો આપે છે. એ જ સમયે રાણલના માતાપિતા ત્યાં આવી ચડે છે. બીજલ આખી વાત પામી જાય છે. તે સાહેબના માથા પર બળપૂર્વક ફટકો મારે છે અને પત્ની તથા દીકરીને ઊંટ પર બેસાડી ત્યાંથી નાસી છૂટે છે.

વાર્તાનો મોટા ભાગનો કથાપટ અકસ્માત સરકારી સાહેબ અર્ધનગ્ન અવસ્થામાં રાણલ સામે આવી જવાથી બંને જે ભાવાવેગ અનુભવે છે તેના વર્ણનમાં રોકાય છે. વાર્તામાં પાત્રો-પાત્રો વચ્ચેના સંવાદો બહુ ઓછા જોવા મળે છે.

જયંત ખત્રીની વાર્તાઓનું એક સૌથી આકર્ષક પાસું એ તેમની વર્ણનકળા. તેઓ પાત્રોના સંવાદો દ્વારા કથાને ગતિ આપવાને બદલે તેમની ક્રિયા-પ્રતિક્રિયાઓનું બારીકાઈપૂર્વક વર્ણન કરી તેમના ચરિત્રને પ્રકાશિત કરવામાં વિશેષ રસ ધરાવતા હોય એવું જણાય છે. પરિણામે વેગપૂર્વક ચાલતી, રસપાન કરાવતી વાર્તા-કથા મળવાને બદલે વાર્તામાં વર્ણવાયેલ પાત્રોના વ્યક્તિ તરીકેના નાનાવિધ પાસાંઓ પ્રકાશિત થતાં જોવા મળે છે. તેમના વર્ણનો માત્ર વર્ણન ન બની રહેતાં, ક્યારેક પાત્રમાનસમાં ચાલતી ગડમથલના પ્રતીક બની રહે છે તો ક્યારેક પાત્રમાનસની કોઈક વૃત્તિ બની રહે છે. તો તેમની ઘણી વાર્તાઓમાં ભાવિમાં બનનારી ઘટનાઓનો પૂર્વ સંકેત કરવા માટે પણ વર્ણનકલાનો વિનિયોગ થયેલો જોવા મળે છે. 'માટીનો ઘડો' વાર્તાને પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. અહીં પણ વાર્તામાં કથાનું વર્ણન કરવાને બદલે પાત્રોની ક્રિયા-પ્રતિક્રિયાઓના વર્ણન દ્વારા તેમના વ્યક્તિત્વને ઉપસાવવામાં લેખકે વિશેષ રસ દાખવ્યો છે. તો તેમના ઘણાં વર્ણનો પ્રતીકાત્મક પણ હોય છે. રાણલ સાહેબના તંબૂમાં પાણી માંગવા જાય છે ત્યારે સાહેબ એને એકલીને આવેલી જોઈ જે ભાવ અનુભવે છે તેના ઓથારતળે રાણલનું મન તરત વિચારે છે :
"આજના ખરા બપોરે, દૂરના ડુંગરાની ધારે બધાં જ પક્ષીઓ ઊડી ગયાં હતાં ત્યારે એક બાજને આ નિષ્પ્રાણ ધરતી પર એણે આભ આંબતો જોયો હતો.....આજ સવારે, એક નાનકડા માટીના ઢેફાંની આસપાસ એક કરોળિયો ચૂપચાપ જાળું રચતો દેખાતો હતો.... અહીં અસ્તિત્વમાં ન હોય એવાં કલ્પનાનાં તાજાં ફૂલની શોધમાં નીકળી પડેલી રાની ભમરીને એણે સતત ગણગણતી, દિલ ઠાલવતી સાંભળી હતી."[1]

પ્રસ્તુત વર્ણનમાં સર્જકે સરકારી સાહેબ અને રાણલની મનોવાંછનાઓ પ્રતિ સંકેત કર્યો જણાય છે. પેલો 'બાજ' અને 'કરોળિયો' એ સાહેબની કામેચ્છાના પ્રતીક બની રહે છે. નિષ્પ્રાણ ધરતી પર બાજે એકલો શા માટે ફરે ? કશો શિકાર હોય તો જ તે દેખાયને ! તો 'તાજા ફૂલની શોધમાં નીકળી પડેલી રાની ભમરી' એ રાણલની મનોકામનાઓ પ્રતિ સંકેત કરતું પ્રતીક બની રહે છે.

માણસના મનમાં ચાલતી વૃત્તિઓને પ્રદર્શિત કરવા મોટાભાગના સર્જકો પાત્રો-પાત્રો વચ્ચેના સંવાદોનો માધ્યમ તરીકે સહારો લે છે. જ્યારે જયંત ખત્રી સંવાદો કરતાં પાત્રોના આંગિક હાવભાવો તેમજ ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા તેમની મનોવૃત્તિઓને પ્રગટ કરવામાં વાર્તાકાર તરીકેની કુશળતા દાખવે છે, એનું એક સુંદર ઉદાહરણ જોઈએ : રાણલ માટીનો ઘડો ઊચકવા નીચી નમે છે ત્યારે -
"એના ખભા પરથી સાડલાનો છેડો સરી પડ્યો. એની કિનાર પર ભરતમાં જકડાયેલાં આભલાંની ચમક સરી ગઈ, આકાશગંગા પૃથ્વી પર અવતરણ કરી ગઈ.
સાહેબની આંખે અંધારા છવાયાં.
તંબૂ, તેલનો કૂવો અને આ સમગ્ર રણવિસ્તાર એમના ટેબલ પરના નકશામાં એક નયા પૈસા જેટલી જગામાં સમાઈ ગયાં. એ ગોઠવણીમાં, ટાંચણીની અણીથી પણ નાનું એવું સાહેબનું અસ્તિત્વ ક્યાંક ખોવાઈ ગયાનું એમને સહસા ભાન થયું."[2]

નીચી નમેલી રાણલના દેહને જોઈને સાહેબને એમના ભૂતકાળના દિવસો યાદ આવી ગયાં. એમના ચિત્તમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલો કામાગ્નિ ભભૂકી ઊઠે છે. તેમનામાં ભભૂકી ઊઠેલા કામાગ્નિની તીવ્રતાનું ભાન કરાવતું બીજું એક અવતરણ નોંધીએ :
"પરવશ અંગો પર કાબૂ મેળવવાના પ્રયત્નોની નિષ્ફળતા સ્વીકારી સાહેબે રાણલ તરફ પીઠ ફેરવી અને અણછાજતી ઉતાવળથી રેશમનો ઝબ્બો ઊંચકીને પહેરી લીધો.
'લાવ, તને પાણી લાવી દઉં...'
અને રાણલને કશું કહેવાની તક આપ્યા વિના, એની હાજરીમાંથી ભાગી છૂટવા એ બારણાં તરફ ફર્યા.
રાણલ જોતી જ રહી.
ચોમાસાના ત્રણેય માસ એક પળમાં વરસીને ચાલ્યા જાય, એમ કશુંક એકસામટું, ઉતાવળું બની ગયું હતું... અપર્ણ કાંટાળા છોડની ડાળખીઓ એકબીજામાં પરોવાઈ ગઈ હતી...હૃદયનો એક થડકો બીજામાં અટવાઈ ગયો હતો...અને...અને એક આરઝૂ હોઠ પર મરી ગઈ હતી."[3]

આ અવતરણમાં સાદ્યંત સાહેબ અને રાણલ ઉભયની તપ્ત/અતૃપ્ત કામભાવનાનું સ્પષ્ટ છતાં સંયમી નિરૂપણ થયેલું જોવા મળે છે. વાર્તામાં સાદ્યંત વાર્તાનાયકના કામાવેગોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. આ નિરૂપનમાં જે સંયમ અને તજ્જન્ય શિષ્ટતા અનુભવાય છે તેના કારણે વાર્તા વધારે રસપ્રદ બની છે. સર્જકે અહીં ઉઘાડો શૃંગાર આલેખવાને બદલે શૃંગારનું સંયમપૂર્વકનું રૂપ સાકરિત કર્યું છે. આથી વાર્તા સર્વજનભોગ્ય બની શકી છે. આ સંદર્ભે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ભાગ-૬ માં વીનેશ અંતાણીએ નોંધ્યું છે :
"'માટીનો ઘડો'માં જૈવ આવેગનું નિરૂપણ થયું છે પણ લેખકનું ધ્યાન તેનાં પાત્રોનાં માનસિક સંચલનોના આલેખન તરફ વિશેષ રહ્યું હોવાથી આ વાર્તાનાયક સાહેબની હવસખોરીની નહીં પણ તેની લાગણીના વલવલાટ વિશેની વાર્તા બની છે."[4]

છતાં સાહેબ હવસખોર તો છે જ... તેની હવસખોર માનસિક્તાના દર્શન રાણલ તેના તંબૂમાં પ્રવેશે છે ત્યારથી જ થવા લાગે છે જુઓ :
"આંખને ખૂણે થથરતી કીકીઓ, હિલોળીને હમણાં જ સ્થિર થયેલી વાળની લટોવાળું રાણલનું મસ્તક, સૂર્યમુખી નમે એમ ખભા પર નમી પડ્યું હતું..... સદાકાળ જાળવવાનું મન થાય એવા સુઘડ દેહનુ અપ્રતીમ સૌંદર્ય ! ... અને તે આ સ્થળે ? કે જ્યાં નિત્યયુવા સૌંદર્યને પણ કાળ કોરી ખાય.... જાગૃતિ પણ જ્યાં એના અસ્તિત્વની હરપળે વિસ્મૃતિની ઓથ લેવા ઝંખતી રહે છે !"[5]

વાર્તાના આરંભ અને મધ્ય ભાગમાં તે આપણને તદ્દન સરળ અને વિરહી લાગે છે. તે પ્રિયતમા વિયોગના કારણે ભાવનાથી ગદગદિત થયેલો જણાય છે. પણ તેની તોછડાઈ અને નક્કર હવસખોરીના તેમજ નિર્દયતાના દર્શન વાર્તાના અંતે થાય છે. રાણલ સાથે કામસુખ માણી લીધા પછી તે તરત તેને ઘરમાંથી ચાલ્યા જવાનું કહે છે. તેની વર્તણૂંકમાં ધિક્કાર અને તિરસ્કારનો ભાવ છે. જે બન્યું કે જે બની ગયું એમાં રાણલ જ જાણે જવાબદાર છે એવું તેનું વર્તન છે. વાર્તારંભે વર્ણવાયેલ સાહેબનું પાત્ર અને વાર્તાન્તે વર્ણવાયેલ સાહેબનું પાત્ર - એક જ વ્યક્તિના ચિત્તમાં પડેલ નાનાવિધ વૃત્તિઓને સૂચવે છે.

રાણલનું પાત્ર પણ અતિસંકુલ રીતે નિરુપાયેલું છે. તે સતત સ્થળાંતરીત કરતાં રહેતા પરિવારમાં ઉછરેલી છોકરી છે. આથી સહજતયા તેને ભૌતિક સુખનું આકર્ષણ હોય જ. સાહેબના તંબૂમાં પ્રવેશતાં જ ત્યાંનું રાચરચીલું અને સુખોપભોગની સામગ્રીઓ જોઈ તે અભિભૂત થઈ જાય છે. તેના ચિત્તમાં પણ માનવસહજ આ બધાં ભૌતિક સુખો પામવાની વૃત્તિઓ જન્મે છે. પણ સાહેબ કહે છે કે અહીં બહુ પાણી નહીં હોય ત્યારે એને લાગે છે કે શું કામની આ બધી સુખ સાહ્યબી ? જ્યાં પાણી જ ન હોય ત્યાં આ બધી ભૌતિક સગવડો નકામી છે.

રાણલ અને સાહેબ વચ્ચે દેહસંબંધ બંધાય છે તેમાં રાણલના ચિત્તમાં પડેલી યુવતી તરીકેની કામભાવનાઓનો મહત્ત્વનો ભાગ છે. રાણલ તદ્દન સીધી અને સરળ છે. પણ તેના હૃદયના ઊંડાળમાં, તેના અચેતન માનસમાં કામભાવનાનો ચરુ વહેતો જણાય છે. એટલે જ તે સાહેબને અર્ધનગ્ન અવસ્થામાં જોઈને તરત બહાર નાસી જવાને બદલે કે બીજી દિશામાં ફરી જવાને બદલે સાહેબની સામે જ જોઈ રહે છે. એમની સાથે સંવાદ કરે છે ત્યારે તે અકળામણ અને મૂંઝવણના ભાવ જરૂર અનુભવે છે. પરંતુ તે ત્યાંથી નાસી જવાનું કે એવું બીજું પગલું ભરવાને બદલે એકધારું સાહેબ સામે અને ઘરની ભૌતિક સુખ સાહ્યબી તરફ જોયા કરે છે. જાણે તે સ્વયં જ સાહેબને જાતીય સંબંધ માટે ઇજન ન આપતી હોય !

સાહેબ પાણી ભરીને આવે છે ત્યારે રાણલ ટીપાય પર પડેલી છબી સંબંધે પૂછે છે. તે રાણી, સાહેબની પ્રિયતમાની તસવીર હોય છે. આ તસવીર જોઈ સાહેબ વિહવળ થઈ જાય છે. ત્યારે રાણલ વધારે પ્રશ્નો પૂછે છે, તેમના દેહને સ્પર્શે છે. જાણે રાણલ જ કામભાવથી પ્રેરાઇને સાહેબની સુષુપ્ત કામનાઓને જાગૃત કરે છે. અહીં સ્પષ્ટપણે અનુભવાય છે કે રાણલ સ્વયં જ જાતીય સુખ ઝંખતી હતી અને એ માટે તે સાહેબને ઇજન પણ આપે છે.

રાણલને સાહેબ સાથેનો સંબંધ ગમતો હતો એનો સંકેત વાર્તાના અંતમાં મળી રહે છે. બીજલ સાહેબને માથા પર ફટકારી દીકરી-રાણલ અને પત્ની-રતનીને લઈ નાસે છે ત્યારે રાણલ એની માને કહે છે કે :
"'પાણીનો ઘડો હું તંબૂમાં ભૂલી આવી.'
'ભલે રહ્યો ત્યાં જ,' બીજલ વચ્ચે બોલી ઊઠ્યો; 'કાચી માટીનો હતો !'
'પણ બાપુ,' રાણલ એને ખભે માથું ઢાળી ગઈ અને ગળે હાથ ભેરવતાં બોલી. 'એના પર ચીતરામણ સરસ હતું - એ ઘડો મને ગમતો'તો !'"[6]

આ સંવાદમાં 'માટીનો ઘડો' પ્રતીકાત્મકતાની કક્ષાએ પહોંચે છે, પ્રતીકાત્મકતા સિદ્ધ કરે છે. 'માટીનો ઘડો' અહીં રાણલના સાહેબ પ્રત્યેના ઋજુભાવનું પ્રતીક બની રહે છે.

બીજલનું પાત્ર માનવસ્વભાવના ગૂઢાતિગૂઢ પાસાંઓનું સંકેતક બની રહે છે. વાર્તાના આરંભમાં બીજલ આપણને એકદમ સંવેદનશીલ લાગે છે. એ આસપાસના પ્રદેશને જોઈ લાગણીભીનો થઈ જાય છે. તેની નજર સમક્ષ તેના પૂર્વજોની સ્મૃતિ તરવરી ઊઠે છે. એ સમયે રતની એને હૈયાધારણા આપી શાંત પાડે છે.

વાર્તાના અંતે આવતું બીજલનું ચરિત્ર રણવિસ્તાર જેવુ સાવ લુખ્ખું, સૂકું, લાગણીહીન લાગે છે. રાણલ અને સાહેબ વચ્ચે બનેલી ઘટનાને પામી જતાં, રાણલના મનની વાત જાણ્યા વિના કે સાહેબની વાત સાંભળ્યા વિના જ સાહેબના માથા પર જોરથી ફટકો મારે છે. આ જોઈ તેની પત્ની રતની બોલી ઊઠે છે :
"તમે માણસ નથી, રાક્ષસ છો !"[7]

આમ, આરંભમાં ઋજુ હૃદયનો લાગતો બીજલ અંદરથી કેવો કઠળ હૈયાનો છે તેનો અહીં સ્પષ્ટ ખ્યાલ આવે છે.

આમ, આ વાર્તામાં કોઈ તરત નજરે ચડે એવું વિષયવસ્તુ નથી, પરંતુ માનવમનની સંકુલાતિસંકુલ ભાવાવેગોનું સર્જનાત્મક આલેખન થયેલું જોવા મળે છે. છેલ્લે આ વાર્તાની કળાકીય સફળતા સંદર્ભે વીનેશ અંતાણીનું મંતવ્ય ટાંકીશ :
"જોકે આ વાર્તા તેના કોઈ પ્રતીકાત્મક ધ્વનિને લીધે નહીં, તેનાં પાત્રોનાં માનસિક વ્યાપારો અને ભાવસ્થિતિઓને વ્યક્ત કરવા માટે પ્રયોજાયેલાં પ્રાકૃતિક તત્ત્વો અને પરિવેશના સમુચિત વિનિયોગને કારણે વધારે સફળ કૃતિ બની શકી છે"[8]

સંદર્ભગ્રંથ સૂચિ :

  1. ખરા બપોર, ડૉ. જયંત ખત્રી; પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ-૩; પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮; પૃ. ૪૪
  2. એજન; પૃ. ૪૮
  3. એજન; પૃ. ૪૯
  4. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૬ (અભ્યાસલેખ નં - ૮, જયંત ખત્રી : લેખક - વીનેશ અંતાણી), સંપાદક : રમેશ ર. દવે; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬; પૃ. ૨૩૪
  5. ખરા બપોર, ડૉ. જયંત ખત્રી; પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ-૩; પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮; પૃ. ૪૩
  6. એજન; પૃ. ૫૯
  7. એજન; પૃ. ૫૮
  8. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૬ (અભ્યાસલેખ નં - ૮, જયંત ખત્રી : લેખક - વીનેશ અંતાણી), સંપાદક : રમેશ ર. દવે; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬; પૃ. ૨૩૪

ડૉ. રાજેન્દ્રકુમાર રમેશભાઈ બાંભણિયા, અધ્યાપક સહાયક, ગુજરાતી વિભાગ, શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કૉલેજ, મુનપુર, તા. કડાણા, જિ. મહીસાગર - 389240, મો. નં. : 9724545554, ઈમેઈલ : bambhaniya22@gmail.com