Download this page in

આધુનિક ગુજરાતી ગઝલમાં છંદપ્રયોગો

આધુનિક ગુજરાતી ગઝલમાં છંદપ્રયોગોનું ખાસ્સું એવું પ્રાધાન્ય જોવા મળે છે. વ્યાપક આધુનિક સંવેદનને અભિવ્યક્ત કરવા પરંપરિત અરબી-ફારસી છંદોની સાંકળમાંથી નીકળી સંવેદનને રજૂ કરવાની મોકળાશ મેળવી છે. એટલે કે આધુનિક ગઝલકાર છંદોવિધાન પરત્વે વધુ સભાન બન્યો છે. ગઝલમાં છંદોના અવનવા પ્રયોગો કરે છે. ગઝલ માત્રામેળ છંદો (બહર) માં લખાય છે. છંદોના વજનને દોઢાવવાના-બેવડાવવાના પ્રયોગો; સંખ્યામેળ, અક્ષરમેળ કે માત્રામેળ સંસ્કૃત વૃત્તોને ગઝલમાં પ્રયોજવાના પ્રયોગો, ગઝલમાં દ્ધ્રી-છંદનો પ્રયોગ, લાંબી બહેર-ટૂંકી બહેરના પ્રયોગો, ડિંગળી છંદ, ભુજંગી છંદ, ભજનનો શ્રુંત્યાંત્મક ધ્વનિ વગેરે એકાધિક પ્રયોગો થયા છે.

ગઝલમાં પરંપરાગત શેર એકસરખાં માપ ધરાવતી બે પંક્તિઓનો બનેલ છે. આધુનિક ગઝલકારે તેમાં ભાંગફોડ કરી શે’રમાં ક્યાંક આવર્તનો લંબાવીને કે ટૂંકાવીને લખે છે.
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે !(શ્યામ સાધુ, ‘થોડા બીજાં ઇન્દ્રધનુષ’ , પૃ . ૨૮)

શ્યામ સાધુએ અહીં પ્રથમ શે’રની પહેલી પંક્તિમાં ‘ગાલગાગા’ નાં ચાર આવર્તનો અને બીજી પંક્તિમાં ‘ગાલગાગા’ નાં ત્રણ આવર્તનોથી શેરની રચના કરી છે. જયારે બીજાં શે’રમા પ્રથમ શેરથી ઊલટું પહેલી પંક્તિમાં ત્રણ આવર્તનો અને બીજી પંક્તિમાં ચાર આવર્તનોથી શે’ર રચ્યો છે. અહીં પંક્તિ આવર્તનોમાં કાપ મૂકીને કે પછી વધારો કરવા છતાં ગઝલની શેરિયત જળવાઈ રહે છે. શ્યામ સાધુનો આ પ્રયોગ આધુનિક ગુજરાતી ગઝલનો એક વિશિષ્ટ ધ્યાનાર્હ પ્રયોગ બની રહે છે.

ગઝલ એક જ છંદમાં રચાયેલ હોવી જોઈએ એવી એની શરત છે. આધુનિક ગઝલમાં દ્ધ્રી-છંદ’ નાં પ્રયોગો પણ થયા છે. એક જ ગઝલમાં બે વિભિન્ન છંદો પ્રયોજે છે.
બોરની રાતાશ ઠોલી જાઉં છું,
ઠળિયે ઠરેલ જિંદગીની પીળી બદબદુ ! (દાન વાઘેલા ‘ત્રિજ્યાં’, પૃ. ૩૩)

અહીં શે’રની પ્રથમ પંક્તિમાં ‘ગાલગાગા’, ‘ગાલગાગા’, ’ગાલગા’ નાં આવર્તન છે. જયારે બીજી પંક્તિમાં ‘ગાગાલગા’ નાં ત્રણ આવર્તનો મૂકે છે. અહીં ગઝલનાં લયનું પરિમાણ બદલાય છે. લય જળવાતો નથી.

આધુનિક ગુજરાતી ગઝલકારોમાં સંસ્કૃત તત્સમ વૃત્તોને ગઝલમાં પ્રયોજવાના નોંધપાત્ર પ્રયોગો થયા છે. રમેશ પારેખે ગઝલને શાર્દૂલ, અનુષ્ટુપ, ગુરુવજ્રા , શિખારિણી, મન્દાક્રાન્તા, લઘુપૃથ્વી, પૃથ્વી, પ્રલંબ પૃથ્વી, પ્રલંબ તોટક વગેરે વૃત્તોમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે.
પોતાનાં મુઠ્ઠીક સ્વપ્ન લઈને આ કાફલા જાય છે.
એની અંતરિયાળલૂંટ કરવા રસ્તા બધા નીકળે. (રમેશ પારેખ ‘છ અક્ષરનું નામ’ પૃ.૩૪૭)

ધીરે ધીરે સતત સપનાં ખૂટવાની કથા છે.
આંખો શું છે, બસ તરડ છે, તૂંટવાની કથા છે. (એજન’ પૃ.૩૪૯)

અહીં પ્રથમ શે’રમાં ‘શાદૂલ વિક્રીડિત’ છંદને પ્રયોજ્યો છે. જયારે બીજો શેર ‘મંદાક્રાન્તા’માં છે. અહીં ગઝલને વૃત્તોમાં લખી હોવા છતાં રમેશ પારેખે તેમાં ગઝલનો લય મેળવી શક્યા છે. ધીરેન્દ્ર મહેતા રમેશ પારેખના આ પ્રસંશ્ય પ્રયત્નની નોંધ લેતા લખે છે, “ “”””’’રમેશ પારેખ જેવા કવિ છંદપ્રભુત્વને લીધે વૃત્તોમાંથી પણ ગઝલને હેમખેમ પાર લઇ જઈ શક્યા છે ખરા, પરંતુ એમાં પસાર થતા એક બે ઉઝરડા તો એમને પણ જરૂર પડ્યા છે.”

સૉલીડ મહેતાએ વૃત્તગઝલમાં હરિગીત, ઇન્દ્રવ્રજા, ગુરુવ્રજા, શિખરિણી વસંતતિલકા, પૃથ્વી, માલિની વગેરે છંદોમાં ગઝલો લખી છે.
હું સૂર્ય થઈને ઢળતો રહું છું,
ને ભીડ વચ્ચે ભમતો રહું છું.(સૉલીડ મહેતા)

ઇન્દ્રવ્રજા છંદમાં કવિ આધુનિક સંવેદનોને વ્યક્ત કરે છે. ભીડની વચ્ચે ભમતાં ભમતાં સૂરજ ઢળવાની સાથે પોતે પણ પોતાને ઢાળી દે છે.
ઘરમાંથી ઘર નીક્ળે ઘેર-ઘેર ફેલાય,
ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય.
ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર,
બિસ્તર બાંધી નીકળે જવું હોય નહિ કયાંય. (જવાહર બક્ષી)

અહીં કવિએ પ્રથમ શે’રની બીજી પંક્તિમાં ‘ઘરનું ઘર થઈ જાય’ અર્ધપંક્તિને બીજ શેરની પ્રથમ પંક્તિમાં મૂકી દૂહાનો પ્રયોગ કર્યો છે.

ગઝલમાં છપ્પાના પ્રયોગો પણ થયા છે. નયન હ. દેસાઈ ની ‘અખાના છપ્પામાં ગઝલ ‘ નો એક શેર જોઈએ:
સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય ,
આમ કશું પણ કારણ નૈ ને આમ સમયનો ભડકો થાય. (નયન દેસાઈ, ‘સુખનવર’ સંપાદન, પૃ. ૨૨) સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય ,
સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય ,

અહી ‘સાંજ વગરની સાંજ ‘, ‘ દિવસ વગરનો તડકો’ અને કોઈપણ કારણ વગર પણ ‘સમયનો ભડકો’ થાય છે. કવિએ અહીં તત્વદર્શન તરફ આંગળી ચીંધી છે.

ગઝલમાં ભજનનાં લયને ઢાળવાના પ્રયોગો પણ થયા છે. ગઝલમાં ‘જી...રે... ‘ , ‘હોજી ‘,‘ પાનબાઈ’ , ;મીરાબાઈ’ વગેરે જેવા શબ્દપ્રયોગો દ્વારા ભજનનો લય પ્રગટાવે છે.
બાઈ મીરાં કહે હરિ ! રંગે રમાડો જીવને
થાવ પિચકારી તમે, હું વ્હાલનો ફાગણ બનું (હર્ષદેવ માધવ, ‘પાન સરનામું ન જાણે ઝાડનું આ દેશમાં’, પૃ.૩૫)

અહીં કવિએ ‘મીરાબાઈની ગઝલ’ માં મીરાંબાઈને વિષય બનાવી ગઝલમાં ભજનનો ધ્વનિ પ્રગટાવ્યો છે.
કપોળ કલ્પિત માણસ પવનપાતળી પળમાં હોજી,
મીંડાને પૃથ્વી માની લઇ ઊંચકી લઉં અકળમાં હોજી(હરીશ મીનાશ્રુ)

કવિ હરીશ મીનાશ્રુએ ‘હોજી’ રદીફ પ્રયોજીને આદ્યાત્મિક તત્વને ગૂંથીને ભજનનો લય પ્રગટાવે છે.

આધુનિક ગુજરતી ગઝલમાં ગઝલને પ્રલંબલયમાં પ્રયોજવાનું વલણ જોવા મળે છે. પ્રલંબલયમાં ગઝલરચવી એ કવિની સર્જકતાની કસોટી રૂપ છે. પ્રલંબલયમાં ખાસ કાળજી ભાવ સંવેદનમાં શિથિલતા ન આવે એ રાખવી જરૂરી છે.
અનાદિ મળ્યું છે. મને શ્વાસ-છળ ને પણે
મ્રૃત્યુ નામે જો સમજણ ઊભી છે.
તથાગત ! વસુ’ છુ’ હવે બેઉ મધ્યે હું
પીડાનો ઢળતો મિનારો બનીને.(જયેન્દ્ર શેખડીવાળા)

અહી દીર્ઘલય હોવા છતાં શે’રમાં ભાષાની તાજગી અને એમાં ભાવસંવેદનને સંયોજવામાં સર્જકની સર્જક્તાના દર્શન થાય છે. જીવન અને મૃત્યુની વચ્ચે ‘પીડાનો ઢળતો મિનારો’બની ઊભેલા કવિની વાચા સચોટ રીતે શે’રમાં નિરૂપણ પામે છે.

ગઝલને ટૂંકી બહેરમાં ઉતારવાના પણ થયા છે. આદિલ મન્સૂરી તો એક શબ્દમાં ગઝલ લખે છે.
ઈશ્વર,
પત્થર.
પ્રશ્નો,
ઉત્તર.
બિન્દુ,
સાગર.
માનવ,
પામર.
‘આદિલ’,
શાયર. (આદિલ મન્સૂરી, ‘ મળે ના મળે, પૃ. ૨૬)

અહીં કવિએ ‘ગાગા’ ના એક જ આવર્તનમાં ગઝલ લખી છે. એક જ શબ્દમાં ગઝલ લખી હોવા છતાં તેઓ ગઝલના પરંપરિત સ્વરૂપને સંપૂર્ણપણે વફાદાર રહ્યા છે. તેમના પછી આવો પ્રયોગ કરવા અમૃત ઘાયલ પણ લલચાયા છે.
‘ક્ષણ તો છલકાયા કરે
હું ભરું કે તુ ભરે !
કોણ ભીંજે કેટલું
ભીતરે ઝરમર ઝરે !(રાજેન્દ્ર શુક્લ, ‘ગઝલ સહિતા’ , મંડળ-૨, પુ.૯૦)

અહી કવિએ ‘ગાલગાગા’ નું એક આવર્તન અને ‘ગાલગા’ નું એક આવર્તન લઇ ગઝલ રચના કરી છે. લાઘવતા હોવા છતાં કવિ પોતાના સવેદનને સચોટ પણે આલેખે છે. રાજેન્દ્ર શુક્લ ‘મોનો ઈમેજ’ ગઝલ લખવાનો પ્રયોગ પણ કર્યો છે.
અંધકારને સ્કંધ
ટેકવી કપોલ,
જંપે જળ......
અંધ,
એકલી,
અબોલ,
કંપે પળ.....

અહીં કવિએ પ્રથમ પંક્તિને ત્રણ ખંડમાં અને બીજી પંક્તિને પાંચ ખંડમાં વિભાજીત કરી છે. અછાંદસ લગતી આ કૃતિ માત્રામેળમાં લખાયલી છે. શ્યામ સાધુ જેવા ગઝલકારે ગઝલને ગધ્યાત્મક ભાષામાં લખવાનો પ્રયોગ કર્યો છે.

આધુનિક ગઝલમાં છંદ પરત્વે થતા પ્રયોગોની નોધ લેતા ભગવતીકુમાર શર્મા લખે છે. ”ગઝલના છન્દોવિધાન પરત્વે પણ આધુનિક ગઝલકાર પ્રયોગલક્ષી અભિગમ દાખવી રહ્યો છે. ફારસી છંદો હજીયે ગઝલમાં પ્રમુખપણે પ્રયોજાય છે, છતાં સાંપ્રત ગઝલકાર ફારસી છંદોની મર્યાદામાંથી મુક્ત થતો જાય છે. અલબત્ત, અક્ષરમેળ સંસ્કૃત વૃત્તો ગઝલમાં પ્રચલિત થવાનો પ્રશ્ન નહિવત્ છે, પણ લયાત્મક, માત્રામેળ છંદ વધુને વધુ પ્રમાણમાં ગઝલ પ્રયોજવાનું આજના ગઝલકારોનું વલણ ઊઘડતું આવે છે. એ માટે તે ક્યારેક ‘છપ્પા’, ‘ચોપાઈ’, ‘દોહરો’, ‘મનહર’, ‘ગીતના લયો’ વગેરે અજમાવે છે”. આધુનિક ગઝલમાં છંદોવિધાન પરત્વે અનેક અવનવા પ્રયોગો થયા છે, પણ તેનું મહત્વ કેટલું ? તે પ્રશ્ન તો ઉભો જ છે. જો કે માત્રામેળ છંદો ગઝલને ઉપકાર થતા જણાય છે.

નવા છંદો સજૉતા રહે છે પરંતુ કયા છંદનું પ્રચલન કેટલું રહેશે એ કાળનું ચક્ર નક્કી કરે છે.સમયની ગળણીમાં કચરો ગળાતો જાય છે. પ્રવાહી, મધુર, લયાત્મક છંદો ટકી રહે છે, રેઢિયાળ અપ્રવાહી છંદો કાળગ્રસ્ત થતા જાય છે પરંતુ ઉત્સાહી છંદશાસ્ત્રીઓ એમને પુનજૅન્મ આપે છે. કહેવાની જરૂર નથી ફરીથી એ અપ્રચલિત છંદોંનું બાલમૃત્યુ થાય છે. પુનરપિ જન્મ,પુનરપિ મરણ.

સંદર્ભગ્રંથ:::

  1. ગઝલનું છંદ શસ્ત્ર, લે: જમિયત પંડ્યા
  2. સમજીએ ગઝલનો લય, લે: જીતુ ત્રિવેદી
  3. ગઝલનું છંદોવિધાન, લે: સુમન અજમેરી

પીયૂષ વડનગરી, પી.એચ.ડી રિસર્ચ સ્કોલર, ગુજરાતી વિભાગ, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ