'યયાતિ' નવલકથાનો અભ્યાસ
સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર વિ.સ. ખાંડેકર પાસેથી ગ્રામચેતના અને રાષ્ટ્રીય ચેતનાનો ધબકાર જીલતું સાહિત્ય મળે છે. તેઓ કોલેજમાં અધ્યાપકની નોકરી છોડીને શિરોડા ગામમાં વસ્યાં હતાં. એ સ્વાનુભવોનો નિચોડ એમની નવલકથા, નવલિકા અને આત્મકથામાં પામી શકાય છે. ખાંડેકર પાસેથી પૌરાણિક કથાનકને ઝીલતી 'યયાતિ' નવલકથા પ્રાપ્ત થાય છે. 'યયાતિ'ને ૧૯૬૧માં દિલ્હી સાહિત્ય અકાદમી તેમજ ૧૯૭૬માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. 'યયાતિ'નો ભારતની તમામ ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં ગોપાલરાવ ગ. વિદ્ધાંસ પાસેથી અનુવાદ મળે છે.
યયાતિ રાજા વિશે મહાભારતમાં બહુ જાણીતું ઉપાખ્યાન છે. જેના પરથી ભારતીય સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કૃતિઓનું સર્જન થયું છે. જેમકે કૃષ્ણાજી ખાડીલકરનું 'વિદ્યાહરણ' નાટક, ગિરીશ કરનાડનું 'યયાતિ' નાટક, કાન્તનું 'દેવયાની' અધૂરું રહેલું ખંડકાવ્ય, વીરુ પુરોહિતનું 'પૂરુ અને પૌષ્ટી' નાટક,નંદકિશોર આચાર્યનું 'દેહાંતર' નાટક વગેરે. આ કૃતિઓમાં પૌરાણિક કથાનક અને પાત્રોનું અર્થઘટન વિવિધ પરિમાણોમાં જોવા મળે છે.
'યયાતિ' પુરાણ કથાનો આશય લઈને લખાયેલી સ્વતંત્ર નવલકથા છે, એમાં પુરાકલ્પનના પ્રયોગ દ્વારા લેખકે પોતાની વાત મૂકી આપી છે. પુરાણના માધ્યમથી લેખકે કથા અને પાત્રોને સ્વયંની કલાદૃષ્ટિથી અદ્યતન યુગચેતના પ્રગટાવવા ખીલવ્યા છે. આ વાત પર પ્રકાશ પડતાં લેખક પ્રસ્તાવના કહે છે એ પ્રમાણે-
"ઉપાખ્યાનમાંના પાત્રો મોટે ભાગે જનતાના મનમાં પેઢી દર પેઢી પૂજતાં દૈવતો નથી. મહાકવિઓએ આદર્શ તરીકે એ દોર્યાં પણ હોતાં નથી. આ પ્રજ્ઞાવંત પ્રતિભાશાળી મોટેરાઓને જે શીખવવું હોય છે, લોકોને તેઓ જે કહેવા માગતા હોય છે, તેમાં ઉપયોગી થાય એ રીતે આ પાત્રોના સ્વભાવો ચીતર્યા હોય છે. એમાં અતિ બારીકાઈ કે સૂક્ષ્મપણું નથી હોતું. આ કારણે પૌરાણિક કથાઓને આધારે પોતાની કલાકૃતિ સર્જવા ટાણે લલિત-લેખક આવાં ઉપાખ્યાનોમાં પોતાને અનુકૂળ લગતા ફેરફારો કરી શકે છે."[1]
યયાતિ અને બંને નાયિકાઓ મૂળ કથા કરતાં જુદાં આલેખાયેલાં છે. મૂળ કથામાં કચનું પાત્ર સંજીવની વિદ્યા શીખ્યા પછી ફરીથી પ્રવેશ કરતું નથી. પરંતુ અહીં કથાને સુખાંત બનાવવા લેખક કચનો પુન:પ્રવેશ કરાવે છે.
'યયાતિ'નું કથાવસ્તુ પ્રણયત્રિકોણ છે, જો કચનો પણ સમાવેશ કરીએ તો પ્રણયનું ચતુષ્કોણ બને. આ નવલકથા જેમ બે નાયિકાની છે, તેમ બે નાયકની પણ છે. લેખકે બહુ નાટ્યાત્મક ઢબથી કથાવસ્તુની ગૂંથણી કરી છે. રસમાં તરબોળ થઈ શકાય એવાં પ્રસંગો અહીં બહુ સહજતાથી મૂકયા છે. દેવયાની કચને ચાહે છે. પોતાની મહત્ત્વકાંક્ષા સિદ્ધ કરવા એ યયાતિ સાથે લગ્ન કરે છે, શર્મિષ્ટાને દાસી બનાવવા પાછળ તેનાં પ્રત્યેની ઈર્ષ્યા છે. પરિણામે સર્જાયેલી પરીસ્થિતિ યયાતિ અને શર્મિષ્ટાને નજીક લાવે છે.
યયાતિ, દેવયાની અને શર્મિષ્ટા ત્રણ પાત્રોના કથનકેન્દ્ર દ્વારા નવલકથા કહેવાઈ છે. પાત્રો સ્વમુખે પોતાની વાત કરે છે. પોતાનાં જ ગુણો-દોષો અને થયેલી ભૂલોની કબૂલાત એ માટે અપાયેલાં ખૂલાસા, બીજાં પાત્રો અને પરિસ્થિતિ અંગેના દૃષ્ટિકોણની રજૂઆતકૃતિને આસ્વાદ્ય બનાવે છે. શરૂઆત મુખ્ય પાત્રોનાં બાલ્યકાળથી થાય છે, જે એમની વૃદ્ધાવસ્થા સુધી વિસ્તરે છે. સમગ્ર જીવનનું સરવૈયું કાઢવા બેઠેલાં પાત્રો ભૂતકાળ અને વર્તમાનમાં સાથે જીવે છે. એ રીતે ફ્લેસબેક ટેક્નિક વિનિયોગ અહીં થયો છે. જે-તે પાત્રની સ્વલિખિત ડાયરી વાંચતા હોઈએ એવો અનુભવ પણ વાચક તરીકે થયા કરે છે.
વરદાન અને શાપ પાત્રોના ચાલકબળ છે. યયાતિ નહુષને મળેલાં શાપને દૂર કરવાં દેવયાનીને પરણે છે. વનમાં ભટકતાં અને ઉદ્દેશ વિહીન જીવન જીવતાં યતિની દશા પણ પિતાને મળેલાં શાપથી પ્રેરિત છે. સંજીવની વિદ્યાની પ્રાપ્તિપછી કચ દેવયાનીને તરછોડે છે,આવી બીજી વાતો પણ ઉમેરી શકાય. બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળની ઉચ્ચતા સિદ્ધ કરવાં માટે સ્ત્રી પાત્રોમાં પરસ્પર સ્પર્ધા જોઈ શકાય છે. વર્ણવ્યવસ્થાના પાયા બહુ દૃઢ હોય એવો સમાજ છે. રાજમાતા અને દેવયાની વચ્ચેનાં ઘણાં સંવાદોમાં પોતપોતાના કુળ તરફનો પક્ષપાત વિવાદનું કારણ બને છે. મહેલમાં રહેતાં આશ્રિત સેવક-સેવિકાનું નિજી જીવન કે પોતાનું અસ્તિત્ત્વ હોતું નથી. એમનાં સમગ્ર જીવન પર રાજાનો હક હોય છે, એ જેમ ચાહે એમ એનો ઉપયોગ અને ઉપભોગ કરી શકે છે. આ ઉપરાંત વિવિધ યજ્ઞ નિમિત્તે કરવાની તૈયારી, ઋષિમુનિઓનું મહેલમાં આગમન, શુક્રાચાર્ય અનેરાજમાતાનું તપસ્યા માટે ચાલ્યા જવું જેવી ઘટનાઓ પરિવેશનું નિર્માણ કરે છે.
પૌરાણિક પાત્રોની વાતોમાં સંસ્કૃત પદાવલિઓના સ્થાને ભાષાની સરળતાનો ઉપયોગ થયોછે.સંવાદો બહુ સાહજિક લાગે તેવાં છે. એક રાજકુમાર અને ભવિષ્યના રાજા માટે એની માતા દ્વારા કરાયેલાં સંબોધનોમાં આપણને એ પ્રતીતિ થાય છે.
"ગાંડાભાઈ ! હું પણ એક દિવસ તારા જેવડી જ હતી નહિ?" (પૃ. ૧૨૬)
"અરે ગાંડાભાઈ ! મહારાજ અહીં શાના આવે ?" (પૃ. ૪૨૨)
"તારી છોકરી તો ભૂંડીભૂખ છે;" (પૃ.૧૯૦) ઋષિપુત્રી દેવયાની રાજકુમારી શર્મિષ્ટા માટે આવું કહે છે. ત્યારે પ્રતીતિના પ્રશ્નો પણ ઊભા થાય છે.
'યયાતિ'ના પાત્રો ભલે પૌરાણિક હોય પરંતુ આજના સમાજના પ્રતિનિધિ છે. સુખ અને આનંદ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. મહેલ, દાસ-દાસીઓ અનેક સગવડોની વચ્ચે રહીને નિજાનંદ ન અનુભવતાં પાત્રોની મનોદશામાં યંત્રયુગના માનવીની કરુણતા છતી થાય છે.
કચ નિર્લેપ ભાવે બધું જોય છે, પણ એને કંઈ સ્પર્શતું નથી. ગીતામાં કૃષ્ણએ સ્થિતપ્રજ્ઞ મનુષ્યના જે ગુણો કહ્યા છે. એ બધાંનું દર્શન આપણને કચમાં થાય છે. એની સમતા અને સ્થિરતા જ એની મૂડી છે. ત્રણ વખત મૃત્યુ પામ્યા પછી જીવન બક્ષનાર પ્રેમિકાને કર્તવ્ય માટે છોડીને જાય છે, જવું પડે છે. સ્વ સુખ માટે એ ક્યાં જીવે જ છે !
કચના સામા છેડે રહેલાં પાત્રોમાં વધતાં-ઓછાં અંશે સામાન્ય માનવીમાં રહેલાં લોભ, લાલચ, સત્તા, અભિમાન, ઈર્ષ્યા આ બધું છે. પોતાની સંકુચિતતાને ત્યાગી ન શકતા મનુષ્યની નિયતિ એને ક્યાં લઈ જાય છે,એ થકી એમની સુખ મેળવવા પાછળની દોડનો ક્યાંય છેડો દેખાતો નથી.
યયાતિ ઇન્દ્રિયોના ગુલામ બનેલ મનુષ્યના વાસ્તવને આલેખે છે. પ્રેમ માટે આજીવન ઝૂરતી વ્યક્તિ તરીકે એને જોઈ શકાય. યયાતિ પોતાના સુખ માટે જ જીવવા માંગતા માણસનું પ્રતિનિધિત્વ પણ કરે છે. રાજપાટ, અશ્વમેધ યજ્ઞ, પત્ની, પ્રિયતમા, પુત્ર આ બધાં હોવા છતાં એ મનથી અતૃપ્ત છે, શરીરથી અતૃપ્ત છે, દુ:ખી છે. વિષયવાસનામાં પીડાતો યયાતિ ભોગપ્રધાન માનવીના પતનને ખુલ્લું પાડે છે. આ સંદર્ભમાં મિથ અને મનોવૈજ્ઞાનિકનો સબંધ 'યયાતિ' વિશે ધ્વનિલ પારેખ નોંધે છે એ મુજબ,
" વ્યક્તિની કામવૃત્તિ એની પાસે કેવાં કર્મો કરાવે છે- એક પરાક્રમી રાજા એક વ્યભિચારી રાજા બની જાય છે. આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક શોધખોળને કારણે ભૌતિક સાધનોનું ઉત્પાદન ઝડપી થવા લાગ્યું. એનો પ્રભાવ પણ ઝડપથી પડવા લાગ્યો. જીવન બદલાયું તેમ મિથમાંથી પણ નવાં અર્થઘટનો પ્રાપ્ત થવાં લાગ્યાં."[2]
દેવયાની આધુનિક નારીનું પ્રતીક છે, એની ઈચ્છાઓ અને એષણા અનંત છે. રાજસત્તાનો મોહ અને અભિમાનમાં જીવતી આ નાયિકાને કોમળતા અને ઋજુતાના ભાવો સાથે કશો સબંધ નથી. એ બહુ જ પ્રેક્ટિકલ સ્ત્રી છે.
એની સામે શર્મિષ્ટામાં સંવેદના ભરપૂર છે. રાજકુમારી અને દાસી બન્ને અવસ્થાઓમાં જીવતી એ નાયિકાના ભાગ્યમાં અતિશય સહન કરવાનું આવે છે. કચને એ પોતાનો ગુરુ માને છે. શર્મિષ્ટાની સાલસતા એનાં પુત્રમાં અવતરી છે. દેવયાની જેવી સ્વયંને પ્રેમ કરતી વ્યક્તિના માનસનું પરિવર્તન શર્મિષ્ટાનો પુત્ર પુરુ કરે છે.મહાનતા અને ઉચ્ચ ચારિત્ર્યના દર્શન કરાવતી શર્મિષ્ઠા અને કચ બે વિરોધી કુળના હોવાં છતાં પ્રાકૃતિક સમાનતાના કારણે એક જ કુળના લાગે.
ધર્મના નામ પર જેટલો દંભ થઈ રહ્યો છે, એ શિક્ષિત લોકો પણ આંખ બંધ કરીને જોઈ રહ્યા છે. રાજકારણનો ટેકો એ પાખંડને ઢાંકે છે. સમાજમાં એનાં મૂળિયાં વધુ મજબૂત થઈ રહ્યાં છે. મંદાર અને મુકુલિકા જેવા પાત્રો આજે પણ આપણી વચ્ચે જીવી રહ્યાં છે. આપણે સાક્ષીભાવે એ જોઈ રહ્યાં છીએ. આ પરિસ્થિતિ પર લેખક દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે.
રાજમાતા પોતાના મોટાં પુત્ર યતિના વિરહથી વ્યાકુળ રહેતી એ જ રાજમાતા યયાતિના રાજ્યઅભિષેક સમયે પુત્રી અલકાના મૃત્યુથી પછી રડતી કલિકાનો વલોપાત સમજી શકતી નથી. અપશુકન ન થાય એ માટે એને બહુ રુક્ષતાથી ચાલ્યા જવાનું કહી શકે છે. પોતાનું પહાડ જેટલું દુ:ખ જયારે બીજાનું થાય ત્યારે એ રાઈ જેટલું લાગે એ પ્રકારનું વલણ મનુષ્યમાં સામન્ય બની ગયું છે.
યયાતિ અને યતિનું પતનમાંથી ઉત્થાન, દેવયાનીનું આસુરી સંપદાથી દૈવ સંપદા તરફની ગતિના કારણે આ પાત્રોમાં અંતમાં બદલાવ આવે છે. પરંતુ શર્મિષ્ઠા, કચ, શુક્રાચાર્ય, મંદાર, માધવ, અલકા આદિ શરૂઆતમાં જેવા હતાં એવા જ રહે છે.
અહીં પ્રણય છે, રાજનીતિ છે, સમાજ છે, કુટુંબ છે આ બધાંની કથા સમાંતર ચાલે છે.પ્રસ્તાવનામાં લેખક કહે છે એ મુજબ, "આ નવલકથા યયાતિની કામકથા છે, દેવયાનીની સંસારકથા છે, શર્મિષ્ઠાની પ્રેમકથા છે અને કચની ભક્તિગાથા છે." 'યયાતિ'માં આમ તો કયાંય સીધો ઉપદેશ અપાયો નથી. પરંતુ એના પાત્રો પોતાના વર્તન વ્યવહાર અને સંવાદ દ્વારા ભાવકના ચિત્તને ચોક્કસ પરિશુદ્ધ કરે છે. એમની ભૂલો અને નિમ્નતા જે રીતે સ્વમુખે ક્બૂલાઈ છે, એ આખી વાત હૃદયસ્પર્શી બને છે.
'યયાતિ' આપણા સાહિત્યની એક આસ્વાદ્ય નવલ તરીકે હમેશાં યાદગાર રહેશે.
સંદર્ભ :
- યયાતિ, લે. વિ.સ. ખાંડેકર, અનુ. ગોપાલરાવ ગ. વિદ્ધાંસ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્ર.આ. ૧૯૬૩, પુનમુદ્રણ ૨૦૦૯
- મિથ અને મનોવિજ્ઞાનનો સબંધ-'યયાતિ' વિષયક સર્જનોના આધારે, ધ્વનિલ પારેખ, સાહિત્યસેતુ, સં. ડો.નરેશ શુક્લ, નવે-ડિસે ૨૦૧૧