‘મલાજો’ વૃત્તિ-પ્રવૃત્તિની વાર્તાઓ
શિક્ષક, નવલકથાકાર, ચરિત્રકાર, સંપાદક, વાર્તાકાર, શિક્ષણ સજ્જતા ધરાવનાર કલ્પેશ પટેલનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘મલાજો’ છે. ‘મલાજો’ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ ગ્રંથસ્થ છે, આ અગાઉ તેમની પાસેથી ‘શ્રધ્ધાભંગ’ અને 'વાડ’ જેવા વાર્તાસંગ્રહો મળ્યા છે. તેઓ નવલકથાકાર તરીકે પણ જાણીતા છે.
શિક્ષક તરીકેની નોકરી કરતાં કરતાં તેમના સર્જનનાં મૂળને ગામડામાં રોપીને શહેરમાં વિકસવા દેનાર સર્જકોમાં કલ્પેશ પટેલ ગુજરાતીસાહિત્યને પોતાની રચનાશૈલીથી અને રચનાઓથી સમૃદ્ધ કરતા રહ્યા છે. તેમના વાર્તાસંગ્રહ ‘મલાજો’ના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ભીતિ અકબંધ છે. સાચી વાત છે, કોઈપણ સર્જકને પોતાના સર્જન વિશે શંકા-કુશંકાઓ તો રહેવાની જ, તેઓ એ પણ જણાવે છે કે, જીવનની જેમ જ વાર્તા પણ એક ચેલેન્જ છે. પરંતુ કલ્પેશ પટેલ કદાચ આ ચેલેન્જને પહોંચી વળ્યા છે. એમની જાણ બહાર એમની વાર્તાઓ દ્વારા પોતાનું સોનાસણ ગામ અને એનો ગ્રામ પરિવેશ પોતાની વાર્તાઓમાં આબાદ ઝીલીને આપણી સામે મુક્યો છે. ગ્રામ-જીવન તો એમની નસેનસમાં વસે છે. પણ શહેરના રંગની વાર્તાઓય આ સંગ્રહમાં ધ્યાન ખેંચે એવી બળુકી બની છે. એમની વાર્તાઓમાં દલિતતત્વ પણ ખાસ્સી રીતે વણાયેલું જોવા મળે છે. એ વાતની પ્રતીતિ આ સંગ્રહની ‘દક્ષિણ’ અને ‘અરધો ભાગ’ જેવી વાર્તાઓ કરાવે છે.
સંગ્રહની પ્રથમ વાર્તા ‘કાઠું વરહ’ તેના તળપદા શીર્ષકથી જ ધ્યાન ખેંચે છે. બીજું કે આ વાર્તા ‘સર્જક સંવાદ ભાવનગર’ દ્વારા પુરસ્કૃત થઈ છે. પોતાને ત્યાં વરસાદ પડ્યો નથી એટલે ખેતરોમાં લીલો ઘાસચારો બૌ થયો નથી. અને ઢોરની સંખ્યા વધારે છે. એટલે બહેન બળબળતા બપોરે-એક આશાએ કે “ભાઈને ત્યાંથી એક ટ્રેક્ટર ચાર મળી જશે” પોતાને પિયર પોતાના ભાઈ પાસે આવી છે. લીલા વાર્તાની નાયિકા ભાભીનો સ્વભાવ જાણે છે. છતાંય તેને ભાઈ પર વિશ્વાસ છે. પણ બિચારી લીલાને ક્યાં ખબર છે કે ભાઈ માટે નાની અમથી વાતે કંઈ કંઈ વાતો કરતી તે ભાઈ હવે ભાભીના બોલે પગલું ભરે છે. જે આશાએ આવી છે તે તો ઠગારી નીવડે છે. ભાભીનું જુઠાણું ભત્રીજી પાસેથી લીલા જાણી લે છે કે, ભાઈ દુરના નહી નજીકના ખેતરે ગયા છે. બીજુ કે ભાઈ ઘરે આવે છે. ત્યારે ભાભી જોડે કંઈ કાનફુસી કરીને બહાર આવી ઘાસચારા માટે નનૈયો ભણે છે, ત્યારે લીલાને પારાવાર દુઃખ થાય છે. તે એ જ બળતા બપોરે પાછી વળી જાય છે. થોડી વાર રહીને રણછોડને એની પત્ની એટલે લીલાની ભાભી કહે છે કે, મન નથી લાગતું ને? “મનંયે નથી સોરવતું” એમ કહી રણછોડને સ્ટેશને મોકલે છે. રઘવાયો રણછોડ સ્ટેશને પહોંચે છે. પણ લીલાતો નીકળી ગઈ હોય છે. અને એ વખતે ઢીલો થઈ ગયેલો રણછોડ બીજી જ ઘડીએ બંધુ ભૂલીને પત્તા રમવા બેસી જાય છે. જમાનાની હવા ભોખા માણસને કેવો બદલી નાખે છે અને હોંશિયાર પત્ની કેવો પોતાના જ સગાઓ જોડે કેવો દાવ ખેલી નાખે છે. માણસના અકળ મનની આ વાર્તા અંતે આપણે ઝંઝોડી નાખે છે.
‘ખટમીઠાં બોર’ દલિત ચેતનાની વાર્તા રણછોડ બાપા ગામમાં ભગતની છાપ ધરાવે છે. પણ નવલ એમને શોમલી સાથે બિભત્સ હાલતમાં જોઈ જાય છે. જે માણસો ખાવા-પીવાની વાતે કે વસ્તુની આપ-લેની બાબતે આભડછેટ રાખે એ અંદર ખાને એજ જાતિની સ્ત્રીઓ સાથે શરીરસુખનો આનંદ લે છે આમ ટૂંકાપટમાં ધારદાર તમાચો મારતી વાર્તા ભલભલા ઉજળીયાતના દાંત ખાટા કરે એવી છે. સંગ્રહની શીર્ષક વાર્તા ‘મલાજા’ વાર્તા પ્રમાણમાં લાંબી છે. એ પણ દલિત ચેતનાની જ વાર્તા છે. ગામનો સરપંચ જે ખોટી દાનતનો છે. ગામનાં ઘણાય બૈરાં મનેખને પોતાના રૂઆબથી પોતાને તાબે કરેલ છે. જાતિયતા ઉજળા મનેખને મન જાણે રમત છે. એવો સૂર કાઢતી વાર્તા કાશીનું સરપંચના હાથે પતન થાય છે અને જેવી રીતે થાય છે તે પ્રસંગ અણધાર્યા અને જાણીબુઝીને બેસાડ્યો છે એમ લાગે છે. પણ કાશી પોતાના ઢોર અને બાળકને સાચવવા વિધવા થયા પછી સરપંચને મનથી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. નોંધારાના આધાર સરપંચ જ્યારે એટેકથી મરણ પામે છે. તે સમયે કાશી કામે પણ જતી નથી. આ સમયે એને બે ચિંતા એક સાથે થાય છે, એક તો એને સધિયારો કોણ આપે અને બીજું પોતાનું ઘર ને ઢોર કેમનું જીવશે ને છતાંય સ્ત્રી અવતારને વેઠ્યા વિના છૂટકો નથી. એ ભાવ વાર્તાના અંતે જોઈ શકાય છે.
‘આદમી’ વાર્તા એક સંસ્કારી સ્ત્રીનો પતિ કેવા અવળા રસ્તે છે. એ વાત એનો પતિ અને એની સાસુ બેઉ દબાવી રાખે છે. અને એને એના પતિના ભાઈબંધ રમેશ જાડે સારી સનાદે વાત કરતી જાઈને એની સાસુ વેણ-કવેણ કહી નાખે છે. પણ વાર્તાના અંતે એક નારીની ચેતના જાગી ઊઠે ત્યારે કેવો સણસણતો જવાબ આપે એનો પરિચય થાય છે.
‘જીવનચરા’ માં કુટુંબના મોભીને એના જ સંતાનો ઉતરતી ઉંમરે એનુ ધાર્યું ન કરવા દે અને પોતાનો જ સ્વાર્થ જુએ એ સ્થિતિજ ‘જનરેશન ગેપ’ નો નિર્દેશ કરે છે. પણ જોઈતાકાકાય જમાનાના ખાઈ બેદલ છે. છોકરાઓની ઉપરવટ જઈજાય ‘જીવનચરા’ કરે છે. વાર્તાનું બીજું પાસું જાઈએ તો જૂની-નવી બેઉ પેઢીએ સંપીને નિર્ણય લેવો અને બેઉએ એકબીજાને સહકાર આપવો એવો નિર્દેશ મળે છે. “હુંઢેલ” ખેડૂતના જીવનને ચરિતાર્થ કરતી વાર્તા છે. બે ભાઈઓ વચ્ચે ગજગ્રાહ ઊભો કરતી નારીઓ પણ સમાજમાં સર્વત્ર છે. એવી શાખ પૂરે છે. સારા-માણસને જ હંમેશા અપજશ મળે છે. એમ સૂચવી જાય છે. ‘પ્રતિક્રિયા’ વાર્તા જાતિયતાને બલકે શહેરની વરવી જાતિયતાએ છેક તળના ગામડાનાં કુટુંબ જીવન બરબાદ કરી નાખ્યા છે. એવી વાત કલીના દાંમ્પત્યજીવનથી કરી છે, તો શહેરની દરેક સ્ત્રીએ સમજી લેવું જોઈએ કે એ માત્ર એના પતિના શરીરસુખનું સાધન માત્ર નથી. એમ પણ સૂચવે છે. પન્નાનો અંતમાં જવાબ છે. પોતાના પતિને એ નારીચેતના જ છે. ‘અરધો ભાગ’ ગામડાના મજૂરની કથા રજુ કરે છે અને મોટા કહેવાતા મોટા ખેડૂતો વચન આપીને કેવા ફરી જાય છે? તે પરોક્ષ રીતે આજના રાજકારણને નિર્દેશે છે. ‘રૂપાંતર’ વાર્તા ખરેખર કાબિલે તારીફ છે. શહેરના સ્થળને લઈ લખાયેલી આ વાર્તા કોમીહૂલ્લડ પર લખાઈ છે. વિધર્મીઓની માણસાઈ કેવી હોય એ બતાવવા એક સ્ત્રી માનસિક રીતે કેટલું બલિદાન આપે છે તે પણ એક નારીની સહિષ્ણુતા વ્યક્ત કરતી વાર્તા છે. ‘દક્ષિણ’ દલિતચેતનાની વાર્તા છે. બે શિષ્યો પછાત જ્ઞાતિના અને બેઉના ગુરુ ઉજળીયાત જ્ઞાતિના પણ એ શિક્ષક જ્યારે રીટાયર્ડ થાય છે. ત્યારે એમના ભણાવેલા બે શિષ્યો જ એમનું પેન્શન શરૂ કરાવે છે. જેમને એ બ્રાહ્મણ શિક્ષક વારે વારે ઊતારી પાડતા હતા. આ વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કોમવાદને જ્ઞાતિવાદ શું આજેયે એટલા જીવંત નથી? એવો પ્રશ્ન આપણા મનમાં મૂકી જાય છે. “નરોવા કુંજરો વા” એકનો પતિ અને એ જ વ્યક્તિ બીજી કુંવારી છોકરીનો પ્રેમી બને છે. નારીવેદનાને રજૂ કરતી આ વાર્તા નારી ના મનની ભીતિ રજૂ કરે છે. શું કામ એણે સહન કરવું! અને નજર સામે જ બીજી સ્ત્રીને બરબાદીની ખાઈમાં ધકેલવાની હિંમત ભણેલી ગણેલી સ્ત્રી કરી જ કેમ શકે? એ પણ પ્રશ્ન આપણ ને થાય છે. ‘મન’ વાર્તા ખરેખર પ્રતીકાત્મક બની છે. નખસિખ ગેયકાવ્ય જેવી લાગી મને નળનું સતત ટપકવું આપણાં મનમાં કેટલાય વલયો જગાવી જાય છે. નારીનું પતન કેટલી ઝડપથી પોતે જ વ્હોરી લે છે, એ સમાજની તાસીર ઉજળીયાત ઘરોની અંધારી બાજુ રજુ કરતી વાર્તા છે.
‘પ્રેમ તો હું તને જ..’ વાર્તા શહેરી વિસ્તારની વાર્તા છે. એક સ્ત્રી પોતાના પતિને પોતાની નિર્દેષતા બતાવતી-બતાવતી કેવી રીતે બીજા પુરુષના પ્રેમમાં પડી જઈને પોતાના પતિને બેવફાઈ કરી બેસે છે. એ વાતનો સૂર મનના તાણાવાણાથી બતાવે છે. ‘અંધારુ’ વાર્તા મનોવૈજ્ઞાનિક ધોરણે લખાઈ છે. માનસિક રોગ કેવા પેંતરા અને આખરે પરિણામ પોતાની વિરુધ્ધ આવે એવી વાર્તા છે. સમજ્વામાં અઘરી પડે એવી છે. ‘રેઝિગ્નેશન’ આજના યુવાનોને અને પ્રોફેસરોને લાલબત્તી ધરતી વાર્તા છે. એક લેડી પ્રોફેસર પોતાની જાતિયતા સંતોષવા માસૂમ છોકરા-વિદ્યાર્થીના મોતનું કારણ બને એ પણ આજે અંદર-બારણે બનતી ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘નિર્ણય’ આજની વાસ્તવિક્તા બતાવવામાં કલ્પેશ પટેલ હિંમતવાળા સર્જક સાબિત થાય છે. પુરુષ જાતિનું આવું વલણ બતાવવું એ સહેલુ કામ નથી. આ સંગ્રહની અંતિમ વાર્તા ‘સોરી ફોર’ વાર્તા બે શિક્ષિત નારીની વાત કરે છે. એક છોકરી બસ એમ જ પોતાની આવેગની મારી એક વિધવા યુવાન સ્ત્રીને ચુંબન કરી લે છે. સાવ સહજ એના પ્રત્યાધાત એ ઊંચા સ્થાન પર બેઠેલી સ્ત્રીના મનમાં કેટલાય અવળચંડા ચેડા કરી જાય છે અને તૃપ્તિને “લેસ્બિયન” કહી દે છે. પણ પછી એનાજ વિચારોમાં એ ખુદ તૃપ્તિને મળવા તલસે છે અને જ્યારે તૃપ્તિ એને બોલાવે છે ત્યારે તે જાય છે. પણ તૃપ્તિ પોતાના વર્તન માટે માફી માગે છે. ત્યારે એ સ્ત્રી ભોંઠી પડે છે. “લેસ્બિયન” સબંધે બંધાવા જતી એ સ્ત્રી કામુક્તાનું દર્શન કરાવે છે. સ્ત્રીનો અંધારો ખૂણો બતાવે છે.
માણસનું મન ઉકેલવું સહેલું નથી, અને માણસે પૂરેપૂરો પોતાની આગળ ખોલવો એ એથીય અઘરુ કામ છે. કલ્પેશ પટેલને ગુજરાતી ભાષા જેટલી હાથવગી છે. એથીય અદકી તળપદી બોલી હાથવગી છે. આ સંગ્રહની એકાધિક વાર્તાઓ ગ્રામજીવન, ગ્રામભાષા અને ગ્રામચરિત્રને આપણી સામે લાવી મુકે છે. એમની બોલીની હથોટી-એમના મુળને ગુજરાતી સાહિત્યમાં નોખુ તારવી બતાવે છે. ગામડા- ગામના માણસો કેવી ચાલ-બાજી રમે છે. તે અને ગામડાની છુપાઈ રહેલી નરવી-નગ્ન વાસ્તવિક્તા અને એ વાસ્તવિક્તા સાથે જોડાયેલી સમસ્યાઓ તેમણે આ સંગ્રહની વાર્તાઓમાં આલેખી છે. માનવવૃત્તિ અને માનવીના બદલાતાં મન અને વર્તનને ઘણી ઝીણાવટથી દર્શાવી બતાવ્યાં છે.
(મલાજો, લેખક: કલ્પેશ પટેલ, પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૨, મૂલ્ય: ૧૧૦રૂ.)