Download this page in

હિન્દી લોકસાહિત્યનાં સંશોધન- સંપાદનમાં ડૉ. સત્યેન્દ્રનું પ્રદાન

હિન્દી લોકસાહિત્ય એ ક્ષેત્ર અને વિષયની દ્રષ્ટિએ ગુજરાતી લોકસાહિત્ય કરતાં ઘણું સમૃદ્ર છે. કારણકે હિન્દી લોકસાહિત્યમાં અનેક સંશોધકોએ પોતાનું આગવું પ્રદાન કર્યું છે. જેમાં કૃષ્ળદેવ ઉપધ્યાય, ડૉ. કૃષ્ણગોપાલ મિશ્ર, ડૉ. શ્યામ પરમાર , ડો નરેન્દ્ર ઝા, ડૉ. રામશરણ ગૌડ, ત્રિલોચન પાંડેય, રામનરેશ ત્રિપાઠી વગેરેમાં ઉડીને આંખે વળગે એવું નામ હોય તો તે ડૉ. સત્યેન્દ્રનું છે. ડૉ સત્યેન્દ્રનો જન્મ ૦૨ સપ્ટેમ્બર ૧૯૦૭માં થયો હતો. તેઓ ચંપા અગ્રવાલ હાઇસ્કૂલ, મથુરામાં આચાર્ય તરીકે તેમજ હિન્દી વિભાગના અઘ્યાપક તરીકે જોડાયા હતા. રાજસ્થાન વિશ્વવિદ્યાલય જયપુરમાં પણ પ્રદ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ વચ્ચેના ગાળમાં તેઓ શેઠ જી.બી પોદાર કોલેજ, નવલગઢ(રાજસ્થાન) માં પ્રદ્યાપક તેમજ ઉપાચાર્ય તરીકે રહ્યા. શ્રી મહાવીર દિગમ્બર જૈન ઇન્ટર કૉલેજ, આગરામાં તેઓ રીડર તથા અધ્યાપક તરીકે જોડાયા. અંતમાં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં પણ રીડર તથા કાર્યવાહક નિદેશક તરીકે રહ્યા. તેમજ રાજસ્થાન હિન્દી ગ્રંથ અકાદમી, જયપુરમાં પણ નિદેશક તરીકે ફરજ બજાવી હતી.

ડૉ.સતેન્દએ સાહિત્ય સર્જન,વિવેચન,લોકસાહિત્ય, સાહિત્યિહાસ, અનુસંધાન પ્રવિધિ તેમજ સંશોધન- સંપાદન સંબંધી લગભગ 70 જેટલા પુસ્તકો તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. હિન્દી લોકસાહિત્યમાં વ્રજક્ષેત્રની લોકવાર્તાને પ્રકાશમાં લાવવાનું મહત્વનું યોગદાન ડૉ. સત્યેન્દ્ર કર્યુ છે. જે તેમની એક મોટી સિદ્ધ્રી ગણાય. આ ઉપરાંત ‘लोक - साहित्य विज्ञान ’, ‘ब्रज लोक साहित्य का अध्ययन ',’ ब्रज लोक संस्कृति ’ , ‘ मध्ययुगीन हिन्दी साहित्य का लोकतात्विक अध्ययन ’ , ‘लोकवार्ता की पगदंडियाँ 'ब्रज साहित्य का इतिहास ’ વગેરે લોકસાહિત્ય અંગેના મહત્વના પુસ્તકો તેમની પાસે મળે છે. તેમજ તેમણે સાધન, વ્રજભારતી, સાહિત્યસંદેશ ભારતીય સાહિત્ય વગેરે પત્રિકાઓનું પણ સંપાદન કર્યુ છે. આમ, જોઇએ તો તેમણે કરેલું સંશોધન સંપાદન એ વ્રજક્ષેત્રની લોકવાર્તાઓને કેન્દ્રમાં રાખીને કર્યુ છે. એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

' ब्रज साहित्य का अध्ययन ’ નામક સંશોધિત પુસ્તકએ ડૉ સત્યેન્દ્રનું પી.એચ.ડીની ઉપાધિ માટેનો શોધપ્રબંધ હોવાથી તે એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ થયેલું પુસ્તક છે. આ ક્ષેત્ર પૂસ્તકમાં તેમણે વ્રજક્ષેત્રની લોકવાર્તાને ખૂબ વિસ્તારથી રજૂ કરી છે. આ પુસ્તક ૧૯૫૭ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ડૉ. સત્યેન્દ્રનું આ મૌલિક પુસ્તક છે. અહી લોકસાહિત્યના બધા જ અંગો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમજ વ્રજક્ષેત્રનાં લોક- જીવનની ઝાંખીની સાથે- સાથે લોકજીવનની અને તેની અભિવ્યક્તિનો પણ સારો એવો અભ્યાસ ડૉ. સત્યેન્દ્ર કર્યો છે. લોકસાહિત્યના વિવિધ રૂપોનું વર્ગીકરણ તેમજ મૂલ્યાંકન, લોકવાર્તા અને લોકસહિત્ય સંબંધી ચર્ચા તેમજ તુલનાત્મક પદ્ધતિથી તેમણે વ્રજક્ષેત્રની વિવિધ પ્રવૃતિઓના વિકાસ અને વિસ્તારનો પણ સ્પષ્ટ અભ્યાસ અહી કરવા આવ્યો છે.

અહીં તેમણે વ્રજપ્રદેશ અને વ્રજભાષા અંગે જ પણ દંતકથાઓ આપી છે. એ બધી જ દંતકથાઓને તેમણે આ પુસ્તકમાં વણી લીધી છે. વ્રજક્ષેત્ર એટલે મથુરાની આજુબાજુનો બધો જ પ્રદેશ એમ ડૉ. સત્યેન્દ્રએ આ પુસ્તકમાં દર્શાવ્યું છે.

આ પુસ્તક સાત પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં પ્રથમ પ્રકરણમાં લોકવાર્તા અને લોક-સાહિત્યની પરિભાષા અંગેના અનેક વિદ્વાનોના સંદર્ભ ટાંકીને પોતાનો વિચાર રજૂ કર્યો છે કે,‘લોકસાહિત્ય એ લોકવાર્તાનું જ એક અંગ છે'. એમ માને છે. બીજા પ્રકરણમાં વ્રજલોક સાહિત્યના પ્રકારોનું ગ્રામ્ય સાહિત્યના આધારે પ્રકારો પાડાવામાં આવ્યા છે. આ બધી જ લોકવાર્તાને મેળવવા માટે તેમણે વ્રજ સહિત્ય મંડળ, મથુરાની આજુબાજુના બધા જા પ્રદેશના ગામડામાંથી જે લોકવાર્તા, ઉખાણાં તેમજ ગીત પ્રસિદ્ધ હોય તેના વિશે માહિતી પ્રાપ્ત કરીને વ્રજ લોકસાહિત્યના પ્રકારોનું વર્ગીકરણ કર્યું છે. ત્રીજા પ્રકરણમાં લોકગીતોનો અભ્યાસ કર્યોં છે. આ ગીતો જન્મથી લઇ મૃત્યુ સુધીના લોકગીતોને વણી લીધા છે. આ પ્રકરણને એક વિશેષતા છે કે અહીં એક ‘પ્રબંધગીત’ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે દરેક ગીતમાં એક લોકવાર્તા રજૂ કરી છે. ઉ.દા दांतिनि, गारी, 'पुरनमल' જેવી લોકવાર્તાને ગીતો દ્રારા રજૂ કરી છે. જે એક મોટી વિશેષતા ગણાય.

ચોથા પ્રકરણમાં લોકવાર્તા અંગે ખૂબ વિસ્તારથી અને સુક્ષ્મ રીતે અભ્યાસ કર્યો છે. ડૉ. સત્યેન્દ્ર લોકવાર્તા અંગે વાત કરતા જણાવે છે કે, ‘લોકોમાં પ્રચલિત અને પરંપરાથી ચાલી આવતી મૂળ મૌખિકરૂપથી પ્રચલિત વાર્તાઓ જ લોકવાર્તા કહેવાય છે.’ આમ, લોકસાહિત્યમાં લોકવાર્તાને પણ તેઓ સમાવી લે છે. લોકવાર્તાની પરિભાષાને વધારે સ્પષ્ટ કરતા એમ કહી શકાય કે ‘લોકવાર્તા શબ્દને લોકસંસ્કૃતિનો પર્યાય માને છે. લોકવાર્તા શબ્દ વિશાળ અર્થ ધરાવે છે. તેની અંદર એ બધા જ આચાર- વિચારની સંપતિ આવી જાય કે જેમાં માનવીનું મૂળ રૂપ પ્રત્યક્ષ થાય અને જેમાં પરિમાર્જન સંસ્કારની ચેતના કામ ન કરતી હોય જેમકે લૌકિક, ધાર્મિક, વિશ્વાસ, ધર્મગાથા, વાર્તા લૌકિકગ્રાથા અને કહેવત, ઉખાણાં વગેરેને લોકવાર્તાના અંગ કહી શકાય.

લોકતત્વ અંગે ડૉ. સત્યેન્દ્રનું માનવું છે. કે ‘લોક’ એ મનુષ્ય સમાજનો એવો વર્ગ છે જે અભિજાત્ય સંસ્કાર શાસ્ત્રીયતા અને પાંડિત્યની ચેતના કે અહંકારથી શૂન્ય છે. તેમજ જે એક પરંપરાના પ્રવાહમાં જીવંત રહેતા હોય એવા લોકોની અભિવ્યક્તિમાં જે તત્વો મળે છે તે જ લોકતત્વ કહેવાય છે.'

ડૉ. સત્યેન્દ્રએ વ્રજપ્રદેશમાં પ્રચલિત લોકાકથાઓને ૧) વાર્તા ૨) ધર્મ- માહત્મ્યની કથા ૩) અવદાન ૪) વીરકથાઓ ૫) સંતકથાઓ ૬) પુરાણકથા ૭) સંસ્કાર વર્ણનોથી સંબંધિત કથાઓ ૮) વિવિધ કથાઓ વગેરેને આઠ વર્ગોમાં વિભાજિત કરી છે. એ પુસ્તકમાં રજૂ કર્યું છે.

આ પુસ્તકમાં લોકોકિતની પણ ઘણી ચર્ચા છઠ્ઠા પ્રકરણમાં જોવા મળે છે. લોકોકિત અંગેની વિશેષતા દર્શાવતા ડૉ. સત્યેન્દ્ર કહે છે. ‘ લોકોક્તિએ ગાગરમાં સાગર ભરી દે એવી પ્રવૃતિ છે. જે જીવનના સત્યને ખૂબ સારી રીતે વ્યક્ત કરે છે. એ ગામડા લોકો નીતિશાસ્ત્ર કહેવાય છે. માનવજ્ઞાનનો ખજાનો જે બુદ્ધિ અને અનુભવરૂપી કિરણો દ્રારા ચરેબાજુ પ્રકાશ ફેલાવે છે. આ રાતે લોકોકિત એ ખાસ રેડિયો એક્ટિવની જેમ ચારેબાજુ પોતાનાં કિરણો ફેલાવે છે. કહેવત સાહિત્યએ સંસારનાં નીતિ સાહિત્યનું મુખ્ય અંગ છે. તેથી વ્યવહાર ડહાપણ અને સામાન્ય બુદ્ધિનું જેટલું પ્રમાણ કહેવતોમાં મળે છે. એટલું અન્ય કોઇ સ્વરૂપમાં મળતું નથી.’

આમ, આ પુસ્તક આપવા પાછળનો તેમનો મુજબ ઉદ્દેશ લોક અભિવ્યક્તિનું સાહિત્યિક મૂલ્યાંકન કરવાનું છે. છતાં જ્યાં જ્યાં તેમને અવકાશ મળ્યો છે ત્યારે તેમણે સમાજવિજ્ઞાન, નૃ-વિજ્ઞાન અને જાતિ-વિજ્ઞાનના તત્વોને પણ રજૂ કયૉ છે.

‘लोक साहित्य विज्ञान ‘ એ ૧૯૫૫ માં કલકત્તા વિશ્વવિદ્યાલય દ્વારા ડૉ. સત્યેન્દ્રએ સ્નાતક કક્ષાના- વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે આશયથી આ પુસ્તક લખાયું હતું અહીં ૧૬ જેટલા પ્રકરણો પાડવામાં આવ્યા છે. જેમાં લોકસાહિત્યની પરિભાષાને તેમજ લોકવાર્તાના તત્વમાં રહેલા લોક-માનસને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કર્યું છે.

લોકસાહિત્ય અંગે તેમણે ૧૬ પ્રકરણો આપ્યા છે. તેમાં લોકસાહિત્ય અને લોકવાર્તા અંગેનો ભેદ, લોકવાર્તા અંગેના અભિપ્રાયો, લોકગીતો, લોકનાટ્યો, લોકોક્તિઓ, મંત્ર, વગેરે લોકસાહિત્યની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. લોકસાહિત્ય અંગે ડૉ. સત્યેન્દ્રનું કથન જોઇએ તો તેઓ કહે છે કે ‘લોકસાહિત્યની અંદર એ બધી જ બોલીઓ અને ભાષાભિવ્યક્તિ આવી જાય જેમાં માનવીના એવા અવશેષ ઉપલબ્ધ હોય છે. જે પરંપરાગત મૌખિક ક્રમથી પ્રાપ્ત હોય એવી બોલી કે ભાષાગત અભિવ્યક્તિ જેમાં કોઇ કર્તા કે કૃતિ ના હોય જે કર્ણોપકર્ણ આવી હોય અને લોકજાતિની પ્રકૃતિમાં સમાવેલી હોય અને કોઇ વ્યક્તિ સાથે સંબંધ હોવા છતાં લોકસમૂહમાં સામન્ય તત્વોને પણ સમાવી લીધા હોય તેને લોકસાહિત્ય કહેવાય’ (લોક સાહિત્ય વિજ્ઞાન પૃ.15-16)

આ પુસ્કતમાં લોકવાર્તા અને લોકસાહિત્યનો ભેદ દર્શવવામાં આવ્યો છે. લોકસાહિત્યના મુખ્ય અને શિષ્ટ અંગોમાં કથા, ગીત, વાર્તા, નાટક તેમજ પૌરાણિક કાવ્યને ગણી શકાય તેવી જ રીતે લોકવાર્તા આ અંગોને આધારે ચાલે છે. પરંતુ પિરામિડના શિખરની જેમ એ લોકવાર્તા બીજા અંગોને પણ પૂર્ણ રીતે આધારિત હોય છે.

લોકનાટ્યની વિશેષતા દર્શાવતા ડૉ.સતેન્દ્ર આ પુસ્તકમાં જણાવે છે કે ‘લોકનાટ્યમાં સંગીતાત્મકતા અને ગેયતાની પ્રઘાનતા હોય છે. ગેયતામાં શાસ્ત્રીયરૂપ ન હોય પણ સંગીતના તત્વો વિદ્યમાન હોય છે. તથા આની રજૂઆતમાં લોકવાદ્યોનો આશરો લેવામાં આવે છે. વેશભૂષામાં લોકરુચિને વિશેષ ધ્યાનમં લેવામાં આવે છે.’(લોક સાહિત્ય વિજ્ઞાન)

આ પુસ્તકમાં તેમણે લોકનાટ્યના વર્ગીકરણ માટે ચાર વર્ગોમાં વિભાજિત કર્યું છે. ૧) નૃત્યપ્રધાન નાટ્ય ૨) હાસ્યપ્રધાન નાટક ૩) સંગીતપ્રધાન નાટ્ય અને ૪) નાટ્યવાર્તા એમ વર્ગીકૃતા કર્યું છે. ૧૨ પ્રકરણમાં તેમણે લોકગીતોની વિસ્તૃત ચર્ચા કરી છે. લોકગીતોનો અર્થ મહત્વ, પ્રકાર, ક્ષેત્ર વગેરેની વિસ્તૃત છણવટ આ પ્રકરણ જોવા મળે છે. લોકગીત અંગેનું ડો. સત્યેન્દ્ર કથન જોઇએ ‘લોકગીત એટલે એવું ગીત જે લોકજાતિની અભિવ્યક્તિ હોય અથવા જેમાં લોકજાતિ પણ હોય એ બધુ લોકગીતમાં સમાવાય છે.’(લોક સાહિત્ય વિજ્ઞાન પૃ. 157)

‘लोक साहित्य विज्ञान ’ માં તેમણે ડૉ. સાવિત્રી સરીન એ ડી. ફિલ ઉપાધિ માટે તૈયાર કરેલો શોધ-પ્રબંધનો એક અધ્યાય તેમણે આ પુસ્તકમાં રજૂ કર્યો છે. લોકસંસ્કૃતિ અંગેનો ડૉ. સત્યેન્દ્રનો અભિપ્રાય જોઇએ તો તે લોકસંસ્કૃતિને અંતે તો સલિલા(નદી) સરસ્વતી(વિદ્યા) ની જેમ સતત વહેતી જે હોય છે. એમ જણાવે છે.

આમ, આ પુસ્તકમાં ડૉ. સત્યેન્દ્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ શાસ્ત્રીય રીતે બધી વાતને સંદર્ભો આપીને આપણી સમક્ષ રજૂ કરી છે.

લોકવાર્તા અંગેનું તેમનું બીજુ પુસ્તક જોઇએ તે लोकवार्ता की पगदंडियाँ’ માં ડૉ. સત્યેન્દ્રએ લોકવાર્તાની સૈધાંતિક ચર્ચાઓ જોઇએ તો લોકવાર્તાના સ્વરૂપ અંગેના લેખો તેમજ વ્રજની આન, બાન અને શાન ગણાતા लाँगुर દેવીનું ગીત પણ આ પુસ્તકમાં પ્રતિપાદિત કર્યું છે.

‘लाँगुर ’ પરથી 'लाँगुरियाँ' લોકગીત બનાવામાં આવ્યું છે. 'लाँगुरियाँ' અંગે અનેક વિદ્વાનોના જુદા- જુદા મતો પ્રાપ્ત થાય છે. જેમાં ડૉ. વિદ્યાનિવાસ મિશ્ર અને ડૉ. મનોહરલાલના મત કરતાં ડો સત્યેન્દ્રનો મત આપણને આ શબ્દની વધારે નજીકા લાગે તેવો છે. ડૉ. સત્યેન્દ્ર માને છે. કે ‘કૈલાદેવીના મંદિર સમે લાગુંર(હનુમાન) મંદિર છે આ લાંગુરની મૂર્તિ વાસ્તવિકા રૂપા હનુમાનની મૂર્તિ છે. હનુમાન જ લાંગુર છે. 'લાંગુલ' શબ્દ હનુમાન(વાનર) માટે પ્રચલિત શબ્દ છે. અને તેના પરથી લાંગુર શબ્દ બન્યો અને તે કૈલાદેવી અને લાંગુરની ઉપાસના કરતાં લાંગુરિયા’ ગીતનો ઉદ્દભવ થયો હોય એવી સંભાવના છે. અથાત હનુમાનનો સંબંધ શક્તિ(દેવી) સાથે હોય એ સર્વમાન્ય ગણી શકાય’ આમ, ડૉ. સત્યેન્દ્રનો મત વધુ વિશ્વસનીય લાગે છે.

'लोक संस्कृति 'નામક સંપાદિત પુસ્તકમાં પણ તેમણે વ્રજક્ષેત્રનો સ્થાનીય ઇતિહાસ, વ્રજની કલાઓ તેમજ લોકગીતો પર પ્રકાશ પાડ્યો. ઇ.સ 1956 માં जाहरपीर गुरुगुएगा નામની લોકકથાને વ્રજભાષામાં રૂપાંતર કરીને તેને વિસ્તારથી રજૂ કર્યુ.

આ પુસ્તકમાં (ચંદાવલી) ચંદનાનુ કથનાત્મક ગીત રજૂ કર્યુ છે. જેમાં ડો.સત્યેન્દ્ર કહે છે કે ચંદાવલી ના ગીતનો મુખ્ય સ્વર પતિ-પત્નીના પરસ્પરના સબંધને સ્પષ્ટ કરે છે. ચંદાવલી એવી સ્ત્રીઓનુ પ્રતીક સમજવામાં આવે છે કે જેઓ દુશ્મનના કવચમાં ફસાઇને પણ પોતાની પ્રવિત્રતા (સત્યતા) ને આંચ આવવા દેતી નથી.

આજ રીતે ‘ब्रज साहित्य का इतिहास’ નામક પુસ્તકમાં પણ વ્રજના લોકગીતો ત્યાંની કલાઓ ઉપર ડો.સત્યેન્દ્ર એ પ્રકાશ પાડયો છે.આ ઉપરાંત લોકવાર્તાઓના આઠ વર્ગોને અનુલક્ષીને લખાયેલા 114 ગ્રંથોને ઉલ્લેખ આ પુસ્તકમાં ડો. સત્યેન્દ્રએ કર્યો છે.

અંતે 'मध्ययुगीन हिन्दी साहित्य का लोक तात्विक अध्ययन ‘ માં તેમણે લોકસાહિત્ય અને લોકવાર્તાની પરિભાષાને વિસ્તૃત રીતે સ્પષ્ટ કરી છે. તેઓ કહે છે કે, ‘લોકસાહિત્યને લોકવાર્તાથી આગળ માને છે. તેના સંદભૅમાં તેમણે આ પુસ્તક લખ્યુ છે.એક દષ્ટિએ લોકસાહિત્યનુ એક અંગ જ લોકવાર્તામાં સમાવેશ પામે છે.એવુ પણ લોકસાહિત્ય છે. કે જે, લોકવાર્તામાં ગણાતુ નથી.લોકવાર્તામાં માત્ર એવા લોકસાહિત્યનો સમાવેશ થાય છે જે લોકોની આદિમ પરંપરાને ગમે તે રૂપે સુરક્ષિત રાખે છે.’(મ.હિ.સા .ઇતિહાસ - સત્યેન્દ્ર)

આ પુસ્તકમાં પ્રેમગાથા કાવ્ય અને ભક્તિકાવ્યની ચર્ચા કરી છે.બધા સાહિત્ય લોકસાહિત્યમાંથી જ જન્મ લે છે.એ રીતે હિન્દી સાહિત્યના મધ્યકાળના રીતિયુગ પેહલાથી લોકતત્વોનુ પ્રાધાન્ય રહ્યું છે જે આ પુસ્તક ધ્વારા આપણને જાણવા મળે છે. અહીં લોકતત્વોની પ્રુષ્ઠભુમિને ઐતિહાસિક વિકાસની સાથે દર્શાવી છે અને તેની તાત્વિક વ્યાખ્યા પણ આપી છે. અહી લોકમાનસ અનેક ગતીઓ હોય તેને કુલ સાત પ્રકરણોમાં વિભાજીત કરી છે. 1)પ્રકરણમાં લોકસહિત્ય 2)માં નિગુણ સંપ્રદાય ના તત્વો 3)માં પ્રેમગાથા જેમાં પ્રેમની વાર્તાની રજૂ કરવામા આવી છે. 4) માં સગુણ ભક્તિ 5)રામ –શાણ 6) કાવ્ય –રુપોમાં લોકતત્વોની પ્રતિષ્ઠા 7) લોક વિશ્વાસ વગેરે વિષયોને અનુલક્ષીને ડો.સત્યેન્દ્ર એ પોતાની વાતને રજુ કરી છે.

આ ઉપરાંત અહીં તેમણે ઋગ્વેદની અંતર્ગત ધમેન્દદેવતાઓની વ્યકિતગત કથાઓમાં શરમા,શુનઃશેપ,કક્ષિવ્રત તથા સ્વનય,દીર્ઘતમસ્ ,અગસ્ત્ય લોપામુદ્રા ,વામદેવ વશિષ્ઠ આદિ 29 દેવતાઓની મુખ્ય કથાઓનો ઉલ્લેખ આ પુસ્તકમાં કર્યો છે.

આમ , ડો.સત્યેન્દ્રનું હિન્દી લોકસાહિત્યમાં અને ખાસ કરીને બ્રજ ક્ષેત્રની લોકવાર્તાઓને પ્રકાશમાં લાવવાનું મહત્વનુ યોગદાન કર્યુ છે. તેઓએ લોકવાર્તા,લોકોક્તિ,ઉખાણા,કહેવત,રમૂજીવાર્તા અંગે પોતાના મંતવ્યોને આપણી આગળ રજુ કર્યો છે.

સંદર્ભ સુચિ :

  1. भारतीय लोक साहित्य कोश - ડો.વીણા ગૌતમ,સુરેશ ગૌતમ
  2. लोक साहित्य का विज्ञान - ડો.સત્યેન્દ્ર
  3. मध्ययुगीन हिन्दी साहित्य लोकतात्विक अध्ययन - ડો.સત્યેન્દ્ર
  4. ब्रज लोक साहित्य का अध्ययन- ડો.સત્યેન્દ્ર
  5. ब्रज साहित्य का इतिहास - ડો.સત્યેન્દ્ર
  6. ब्रज संस्कृति- ડો.સત્યેન્દ્ર
  7. लोकवार्ता की पगदडियाँ- ડો.સત્યેન્દ્ર
  8. लोक साहित्य की भूमिका - ડો.સત્યેન્દ્ર

મકવાણા મીનાક્ષીબેન ડાહ્યાભાઈ, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, મો. 9173643218. E-mail: minaximakwana850@gmail.com