Download this page in

અગિયાર પાનાંની ‘વિશાળ આત્મકથા’ : ‘વક્રતામાં ગુજરાતી સાક્ષરો!’

ના! ના! ઉપર્યુક્ત શીર્ષક પરથી રખે એમ માનતા કે, નિર્મિશ ઠાકરના આ પુસ્તક ‘વક્રતામાં ગુજરાતી સાક્ષરો!’નું સાહિત્યસ્વરૂપ આત્મકથા છે. આ પુસ્તક વ્યંગચિત્રો (Caricatures) અને વ્યંગમુક્તકનો સરવાળો છે. આ પુસ્તકમાં નરસિંહ મહેતાથી લઈને ખુદ નિર્મિશ ઠાકર સુધીના કુલ ૭૪ સાહિત્યકારો વિશે તેમણે Unbiased (નિષ્પક્ષ) પ્રકાશ પાડ્યો છે. પ્રથમવાર એવું બન્યું કે, પુસ્તકની મૂળ સામગ્રી કરતાં પ્રસ્તાવના મને વધુ સ્પર્શી ગઈ હોય, વધુ રોચક લાગી હોય અને ખાસ તો નિર્દંભ અને દિલથી લખાયેલી લાગી હોય.

નિમ્મેસભૈ (નિર્મિશ ઠાકર)ના આ પુસ્તકમાંની અગિયાર પાનાંની પ્રસ્તાવના બારૂદથી કમ નથી. ઘણાંને તેમાં અભિમાન છલકાતું દેખાશે પણ તેમ નથી. એ વ્યકિત, કે જેની કળાની કદર ગુજરાત બહાર વિશેષ થાય, કળા હોય પણ કલાપારખું ન હોય, ગુજરાતી પીઢ સાહિત્યકારો તરફથી ભૂતકાળમાં તીખી પ્રતિક્રિયા મળી હોય… ત્યારે સ્વાભિમાની વ્યક્તિને શું થાય તે તો સમજવાની બાબત છે.

એક જાપાની કહેવત પ્રમાણે, દરેક માણસનાં ત્રણ ચહેરા હોય છે. એક જાહેર ચહેરો, એક સીમિત ચહેરો અને એક અંગત ચહેરો. જાહેર ચહેરો મોટેભાગે આદર્શોની વાત કરતો હોય, સીમિત ચહેરો એટલે માણસ પોતાના મિત્રો સાથે કેવી રીતે વર્તે તે. તેમાં દંભ વધુ અને સરળતા ઓછી હોય અને ત્રીજો ચહેરો તે અંગત, જે માત્ર પોતાના માટે હોય. જ્યાં પોતાની ખામી/ખૂબી નિખાલસતાથી ચર્ચાય છે. માણસ આવા બહુરૂપી ચહેરાને કારણે પોતાનો સ્વભાવ ઘડે છે. સફળતાના મુકામ પર પહોંચ્યા પછી મોટાભાગના જાહેર ચહેરાની નમ્રતા અને આદર્શો, કોટનના કપડાં પ્રથમ વખત ધોઈએ ને રંગ નીકળી જાય તેમ કાઢી નાખે છે અને તેનું સ્થાન લે છે, ‘આઈ એમ સમથિંગ’નો ઈશ્વરથીયે વિશેષ વ્યાપ્ત એક રોગ. આ બાબતનો અનુભવ કરી ચુકેલા નિર્મિશ ઠાકર માટે જ, આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણે આત્મકથાકાર બની બેસે છે.

ઘણાં લોકો આવો ઘમંડ સહન કરી શકતા નથી અને પોતપોતાની રીતે તેની સાથે ડીલ કરે છે. કોઈ ગુનો કરે, કોઈ કોર્ટ-કચેરીનાં ચક્કરમાં ફસાય તો કોઈ બહિષ્કાર કરે. જયારે નિર્મિશભાઈ શબ્દો થકી આક્રોશ ઠાલવે છે. ગુજરાતી સાહિત્યમાં તો વિવેચનનાંય વિવેચનના પુસ્તકો મળી આવે છે તો તેમાં નવું શું લાવવું? આનો ઉત્તર છે- ‘વક્રતામાં ગુજરાતી સાક્ષરો!’ તેઓ ૭૪ જેટલા ગુજરાતી સાહિત્યકારોના ધ્યાનાકર્ષક વ્યંગચિત્રો દોરે છે અને દરેક વિશે ચાર લીટીમાં વ્યંગમુક્તક પણ રચી આપે છે. તેમની કળા એટલી ખીલી છે, જાણે તેઓ મુક્તકને ચીતરે છે અને વ્યંગચિત્રને લખે છે. ચાર લીટીનાં મુક્તકમાં તેઓ જે-તે સર્જકના પ્રદાન, ગુણ-અવગુણ જેવી બાબતોને આવરી લે છે. નામનાપ્રાપ્ત સાહિત્યકારો વિશે પણ પોતાનો અલગ મત રજૂ કરતા ડરતા નથી. નરસિંહરાવ, કલાપી, ચંદ્રકાન્ત બક્ષી, અહમદ ગુલ તેમજ મુખપૃષ્ઠ ઉપર જેમનું વ્યંગચિત્ર છે તેવા સુરેશ દલાલ- આ તમામ ચિત્રો જોઇને નજર હટાવી ન શકીએ એટલા ગહન, યોગ્ય અને બેનમૂન છે. આદિલ મન્સુરીનું વ્યંગચિત્ર જોતાં જ ભાવક તેમની બેવતન થયાની વેદના પામી જાય છે. શબ્દ ન કરી શકે એ કામ તેમનું વ્યંગચિત્ર કરી જાય છે. ચાર લીટીના મુક્તક લખવા પણ તેમને સાહિત્યના અભ્યાસમાંથી પસાર થવું પડ્યું હશે, તેનો ખ્યાલ આવી જાય છે. પછી આ પુસ્તક અજોડ કેમ ન હોય?

સિતાંશુજી વિશે તેઓ મુક્તપણે અને મુક્તકરૂપે ‘હોય અઘરું ભલે, છપાયુંને? નામથી કામ ઓળખાયુંને?’- બેધડક કહી દે છે. પણ હું વાત તેમની સર્જકતાની કરું કે પછી તેમના પ્રસ્તાવનામાં છલકાતાં આક્રોશની? આખું પુસ્તક વાંચ્યા બાદ પણ મારું મન એ અગિયાર પાનાંની ‘વિશાળ આત્મકથા’ કહી શકાય એવી પ્રસ્તાવનામાંથી હટતું નહોતું. તેઓ ‘વાચકોની કસમ’ ખાઈને કહે છે કે, આવું પુસ્તક પહેલા ક્યાંય પણ, કોઈ પણ ભાષામાં બહાર પડ્યું હોવાનું સાબિત કરે તો આ પુસ્તક એ પાછું ખેંચી લેશે!

અમિતાભ બચ્ચન આવતાભેર છવાઈ ગયા, તેનું એક (એકમાત્ર નહીં) કારણ એ પણ ખરું કે, ફિલ્મોમાં તેઓ દૂષણ સામે લડ્યા. આમ, સમાજ ક્યારેય દૂષણોથી મુક્ત હોતો નથી તો એ સમાજનો જ એક હિસ્સો સાહિત્યકારો આમાંથી બાકાત કેમ રહી શકે? બેશક! બધા સાહિત્યકારોની વાત નથી પણ સરવાળે ચિત્ર તો નવોદિતો માટે No Vacancy જેવું છે. આમ, નિમ્મેસભૈના પુસ્તક પર વિવેચન કરીએ તો એક વાત પાક્કી કે, જાણે-અજાણે આપણે સાહિત્યમાં વ્યાપ્ત દૂષણોનું પણ વિવેચન કરીએ છે. જયારે નિમ્મેસભૈ ખુદને અકડુ- અવ્યાવ્હારિક- અહંકારી કહે છે ત્યારે ખરેખર તો તેઓ તેમને થયેલી મુશ્કેલીઓનો અરીસો ધરે છે. તેઓ, નવા સર્જનને પોતાની દ્રષ્ટિના માળખામાં ફીટ કરવાનો હઠાગ્રહ સેવતા પીઢ સર્જકો સામે બંડ પોકારે છે. શરૂઆતમાં, તમારી આ કળાની કોઈ ડિમાન્ડ નથી, આ કરવાનું રહેવા દો… જેવા નકારાત્મક અભિપ્રાય અને ખાસ તો તોછડાઈ તેમણે ‘મોટાં લોકો’માં જોઈ. માટે, ‘ડુંગર દૂરથી રળિયામણાં’ કહેવતમાં ‘માણસ નજીકથી અળખામણાં’ ઉમેરવાનું મને મન થાય છે.

ગોડાઉનના મજૂર તરીકે કારકિર્દી આરંભનાર નિમ્મેસભૈ બે વખત (ત્રણ પણ હોય) ‘લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્ઝ’માં સ્થાન મેળવી ચુક્યા છે. ‘અ-પૂર્વ’ શબ્દ સાથે તેમને વિશેષ લગાવ છે અને તેના કારણો પણ સમજી શકાય એમ છે. તેમણે જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ પછી આ જગ્યા મેળવી છે. ‘કમાઈ છે’ શબ્દને હું વધુ યોગ્ય સમજીશ. જે ફરિયાદો તેમને ‘જુનવાણી મગજની ઘરડી વ્યાખ્યા’થી છે તેમાં તેઓ એકલા કે પ્રથમ બેશક નથી. તેઓ વિસ્ફોટક અંદાજમાં કહે છે, ‘નિર્મિશ ઠાકર: મિસફિટ સાક્ષર?’- એ શીર્ષકમાં પ્રશ્નાર્થને બદલે પૂર્ણવિરામ હોત, તો ય નિમ્મેસભૈ ને કાંઈ ફરક ના પડે, પથ્થર ઉપર પાણી હોં!’ કળાને કદી પાળથી બાંધી શકાતી નથી. આર. કે. લક્ષ્મણ જેવા ઉચ્ચ ગજાનાં કાર્ટૂનિસ્ટ તેમના પુસ્તકનું લોકાર્પણ કરે અને પ્રણવ મુખરજી જેવી પ્રતિભા તેમના વ્યંગચિત્રોનાં પ્રદર્શનનું ઉદઘાટન કરે એ નિમ્મેસભૈ વિશે વધુ શું કહું? અને ગુજરાતમાં કે તેમના જન્મસ્થળ અમદાવાદમાં તેમની કળાની કદર ન થાય અથવા મોડે-મોડે થાય, એ લોકો વિશે પણ હું શું કહું? એક જગ્યાએ તેઓ નોંધે છે કે, ‘મને ઉપેક્ષનાર કે અપમાનિત કરનારની દશા બગાડવામાં હું ઉંમર જોતો નથી.’ (મેં આ બીકથી નહિ પણ હકીકતમાં પુસ્તક ગમ્યું છે, માટે Positive Review આપ્યો છે હોં)- આત્યંતિક લાગતા આ વિધાનમાં મને તો અભિમાન કરતા વેદના વધુ ઉભરાતી લાગે છે.

કોઈ પણ વ્યક્તિને સૌથી વધુ દુઃખ ક્યારે થાય? પ્રેમભંગ થાય ત્યારે? પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે? સ્વમાનભંગ થાય ત્યારે? ના! ના! ના! બલકે કળાની યોગ્ય સમયે કદર ન થાય ત્યારે. ધૈવત ત્રિવેદી કહે છે, ‘મોડો મળેલો ન્યાય ગુનો જ છે’- આ બાબત કળાક્ષેત્રેને પણ લાગુ પડે છે.

પુસ્તકમાંથી પસાર થયા બાદ મને લાગ્યું કે, ભલે આપણાં વિશે પણ વ્યંગચિત્રો કે વ્યંગમુક્તકો બને પણ નિમ્મેસભૈની નજરમાં આવવું એ ય એક લ્હાવો છે. પ્રસ્તાવનામાં નિર્મિશાઈ શૈલીથી આક્રોશ ઠાલવતાં નિમ્મેસભૈ પુસ્તકના અંતમાં ખુદ તેમના વ્યંગચિત્રમાં જાણે શાંત-સૌમ્ય બની જાય છે, વ્યથા ઠાલવીને હળવાફૂલ બની ગયેલા ભાસે ભાસે છે. ‘નાવડી કાણી, છતાં તરતી ગઈ! એમ સર્જકતા ય વિસ્તરતી ગઈ! હાસ્યને રુદન લગી ના ખેંચશો… કૈંક તો સારું લખો નિમ્મેસભૈ.’ આમ, ખુદ વિશેનાં મુક્તક થકી પુસ્તકનું मधुरेणमधुरेण समापयेन થાય છે.

નિમ્મેસભૈની સર્જક તરીકેની આંતરકથા જાણવી હોય તો પુસ્તકની પ્રસ્તાવના જ પર્યાપ્ત છે. આ સર્જક ભવિષ્યમાં આત્મકથા આપે, એની મને ચાતકપ્રતીક્ષા છે. કારણકે, મને વિશ્વાસ છે- તેઓ ‘આદર્શ મૂર્તિ’ બનીને નહિ આવે પરંતુ સચ્ચાઈથી ખુદને આલેખશે. આ વ્યંગચિત્ર રંગીન હોત તો ભાવકને ઔર વધુ મજા આવત નિમ્મેસભૈ. (વ્યંગચિત્રો બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય – એવો નિયમ હોય તો મને અજ્ઞાની ગણશો જી!) પુસ્તકના મુખપૃષ્ઠ પર સુરેશ દલાલનું વ્યંગચિત્ર નયનરમ્ય છે એટલું જ મનોહર દ્રશ્ય અંતિમ પૂંઠા પર છે. પ્રણવ મુખરજી સાથે તેઓ રાષ્ટ્રપતિભવનમાં છે અને સૌ તેમના વ્યંગચિત્રોનો આસ્વાદ લઇ રહ્યા છે. નિમ્મેસભૈના પુસ્તકનાં વિરામચિહ્ન પણ જાણે બોલકા છે. વધુ પડતો કૌંસપ્રયોગ થકી વાચકનો રસભંગ થવા સંભવ છે છતાં બધી રીતે આ પુસ્તક અજોડ છે, એ વાતમાં બેમત ન હોય શકે.

૨૦૧૪માં પ્રકટ થયેલું આ પુસ્તક છે…ક ૨૦૧૯માં મારાં હાથમાં આવ્યું એનો રંજ છે પણ આવ્યું તો ખરું એનો બમણો આનંદ છે. મોડે-મોડે પણ આપણે જાગીએ અને એમની માગણી વગર ગુજરાતમાં તેમના વ્યંગચિત્રોના પ્રદર્શનો યોજાય એવું કૈંક કરીએ. મન ભરીને તો જ જીવી શકાય કે જયારે મનમાં ભરેલું ન હોય. એ ન્યાયે- ‘બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ન કાંઈ’- કહેનાર રાજેન્દ્ર શાહ (?) કરતાં નિમ્મેસભૈ મને વધુ સાચા લાગે છે. બોલવું જ જોઈએ અને હૃદય પણ ખોલવું જ જોઈએ. જો આપણે સાચા હોય તો!

છેલ્લે… હું એક વ્યંગમુક્તક રૂપે (કારણકે, વ્યંગચિત્ર મારા બસની વાત નથી) નિમ્મેસભૈની અને વાચકની વિદાય લઈશ.
તમે નોંધેલી વ્યથા, નિમ્મેસભૈ સાર્વત્રિક છે,
દરેક ક્ષેત્રે ‘કળા’ને ‘અભિમાન’થી તકલીફ છે,
રીત છે સૌની અલગ જવાબ દેવાની પણ,
નવોદિતો માટે તમે પણ એવા ના બનો એ બીક છે.

[વક્રતામાં ગુજરાતી સાક્ષરો! – નિર્મિશ ઠાકર, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ-૨૦૧૪, મૂલ્ય- ૧૫૦રૂ.]

જાનકી મયંકકુમાર શાહ ‘ડૉલ્ફિન’, સરનામું: 90, જનકપુરી સોસાયટી, જંબુસર. જિ. ભરૂચ. 392150 નંબર: 98259 41188. મેઈલ: jankeeshah@gmail.com