લઘુકથા
વહાણ
નિશાળિયા માટે હું નવો હતો.વર્ગમાં જઇ હાજરી
લેવાનું કામ પહેલા થતું.
છેલ્લા એક અઠવાડિયાથી હું એને જોઇ રહ્યો હતો. હું હાજરી પૂરતો
ત્યારે કોઇ ‘ઓઉમ’, કોઇ ‘જયભારત’ તો વળી કોઇ ‘હાજર સા’બ’ બોલતું. પણ
એનો નંબર આવે એટલે એ ચૂપ. ઊંચી આંગળી કરી દે. મેં ચલાવેલું – નવાઇ
લાગેલી છતાં.
વર્ગમાં પ્રશ્નોત્તરી. વિદ્યાર્થીઓને રસ પડતો. એનેય મજા પડતી હોય
એવું લાગતું. દરેક વિદ્યાર્થી જવાબ આપવા ઉત્સુક હોય. ‘ સાહેબ મને,
સાહેબ મને’ સતત કહ્યા કરે. હું એને જોતો. ચહેરા પર ચમક દેખાય પરંતુ
કશું બોલે નહીં કે ઊંચી આંગળી કરે નહીં. ચાહી કરીને હું એને
પૂછવાનું ટાળતો એમ માનીને કે એ પોતે કશું બોલવા તૈયાર થાય છે કે
કેમ ?
અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓ સાથેનો મારો નાતો સરસ થઇ ગયો. એ બધા
મારા પિરિયડની રાહ જુએ. મનેય મજા આવતી. હું પણ આતુર હોઉં.
હું એમનો થઇ ભણાવતો. અમારી વચ્ચે લાગણીની નદી વહેતી હોય એવું
લાગતું. હું સફળ થતો હોવાથી મને આનંદ રહેતો.
આમ છતાં અઠવાડિયા દરમ્યાન એ એક પ્રશ્નનો જવાબ આપવા આગળ ન આવ્યો.
બોલ્યો પણ નહીં. ઊંચી આંગળીય કરી નહોતી. અને એ વાત યાદ આવતા મને એ
ખૂબ ખૂંચવા લાગ્યું. એટલે મેં ઘરેથી નક્કી કરી લીધું કે આજે તો એને
બોલતો કરવો. શા માટે જવાબ આપવા આગળ ન આવે ? સાચો કે ખોટો પણ એ
બોલતો થાય એમ તો કરવું જ.
મેં પ્રશ્નોત્તરીની શરૂઆત એનાથી કરી. એ ઊભો થયો. બોલ્યો નહીં. મેં
રાહ જોઇ.વર્ગમાં શાંતિ. મેં ફરીથી પ્રશ્ન કર્યો છતાંય જવાબ નહીં.
હવે એને ચૂપ જોઇને હું આવેગમય બનતો જતો હતો. પણ એ મૌન ધારણ કરીને
નીચું મોં રાખીને ઊભો રહ્યો.મને ગુસ્સો ચઢ્યો. મેં એને કહ્યું : ‘
અલ્યા મોઢામાં મગ ભરી રાખ્યા છે ?’
‘......’
‘ કાં અલ્યા ?’
‘......’
હવે મારા શરીરમાં આવેગ ફેલાવા માંડ્યો હતો. મેં કહ્યું : ‘ એલા
થાપડ ખાવી લાગે છે ? મોઢું ફાડીને કે’વાતું નથી કે જવાબ આવડે છે કે
નથી આવડતો ?’
‘......’
ન રહેવાયું. ન સહેવાયું. હું એની પાસે ગયો ને ઉપરા – ઉપરી બે થાપડો
મારી દીધી. ‘ સાલો, એના મનમાં સમજે છે શું ! જવાબ નથી આપતો હેં
?.....’
પાછા ફરતા મેં કહ્યું : ‘ બોલાવીને લાવજે તારા બાપાને. અહિંયા આટલા
રસથી ભણાવીએ ને તોય જવાબ આવડે નહીં – કે કાંઇ બોલવું નહીં.’
‘ પણ સાહેબ....’ એક વિદ્યાર્થીએ ડરતા – ડરતા કહ્યું, ‘ સાહેબ
એ....’
‘ શું છે તારે – સાહેબ સાહબે કરે છે તે ?’
‘ સાહેબ, એ તો જનમથી મૂંગો છે !’
‘ હેં ??!!!’ હું ચોંકી ઊઠ્યો. મારી મતિ મૂંઝાઇ ગઇ.
મને જાણે એવું લાગી રહ્યું કે મધદરિયે પહોંચેલું મારું વહાણ અચાનક
જ તૂટી પડ્યા.