Download this page in

‘હાર’

હરિવદનભાઈ ક્યારના ઉત્સુકતાથી ચુંટણીના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. સ્થાનિક ચુંટણીના આજે પરિણામ હતાં. પુષ્પા જરૂર જીતશે એવો એમને વિશ્વાસ છે. આ વિસ્તારના લોકો જ એમનો પરિવાર. વર્ષોની સેવા, કેટકેટલા વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા છે. એમનો પડ્યો બોલ ઝીલવા બધાં તૈયાર. બધાની મહેનતનું આજે પરિણામ આવશે.
પરિણામ તો આવી ગયું હશે પરંતુ હજી કેમ કોઈ આવ્યું નહિ ?
હરિવદનભાઈ હમણાં હમણાંના બહુ જ ઉદાસ રહેતા હતા. આસપાસના સમાજમાં જે બની રહ્યું હતું તે એમને દુઃખી કરતું હતું. એક દિવસ હરિવદનભાઈ સવારનું છાપું વાંચતા હતા. છાપાની એક એક ખબર વાંચીને એમનું હૈયું વલોવાઈ જતું હતું; પૂર્વ મંત્રીની ચાલુ ટ્રેઈનમાં હત્યા.....વિધાનસભામાં મંત્રીઓ સેક્સ વિડીઓ જોતાં પકડાયા.....કલેકટર ત્રણ લાખની લાંચ લેતા પકડાયા....ખેડૂતે ઝાડ પર લટકીને આત્મ હત્યા કરી...વિદ્યાર્થીનીને એક ટકો માર્ક ઓછો આવતા આત્મ હત્યા.......
છાપું હાથમાંથી સરી પડ્યું. અરેરે...શું થવા બેઠું છે મારા દેશમાં. આ માટે ગાંધી બાપુએ આઝાદીની લડાઈ લડી હતી ? આના કરતાં તો અંગ્રેજો સારા હતાં. રસ્તે જતી બકરીનો પણ કોઈ કાન પકડી શકતું નહોતું. આજે તો છડે ચોક ચોરી, લુંટફાટ, હત્યા, બળાત્કાર. કોઈ જાણે રણીધણી જ નથી. સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમણે પણ અંગ્રેજોની લાઠીઓ ખાધેલી. ઉષાબેન સાથે રેડીઓ સ્ટેશન ચલાવતા. અંગ્રેજોની રેડ પડતી અને અહીંથી ત્યાં અને ત્યાંથી બીજે ક્યાંક એમને દોડતાં રહેવું પડતું હતું. એકવાર પકડાઈ ગયા ત્યારે છ મહિનાની જેલ થયેલી. મુંબઈ યુનિવર્સિટીમાં ફાઈનલ વર્ષમાં હતા પરંતુ ગાંધીજીની હાકલ સાંભળી કોલેજ છોડી દીધી હતી. આઝાદી મળી પછી બાપુને પત્ર લખ્યો હતો; ‘આઝાદી મળી ગઈ હવે શું ?’ બાપુએ પોસ્ટકાર્ડમાં ઉત્તર વાળ્યો હતો ;’પછાત વિસ્તારમાં જઈ શિક્ષણનું કામ કરો.’ એ આદેશ માથે ચડાવી એ આ આદિવાસી વિસ્તારમાં આવી ગયા હતા. સ્કુલ માટે ક્યાંય જમીન ન મળી. કોઈકે કહ્યું કે ‘મસાણમાં જઈને નીહાળ કર’ તો ખરેખર સ્મશાનની જમીનમાં જ શાળા શરુ કરી હતી. શરૂઆતમાં બહુ તકલીફ પડી હતી. કોઈ વાલી પોતાના બાળકને શાળામાં મોકલતાં નહોતાં. બહુ સમજાવ્યા પછી એક, બે એમ કરતાં કરતાં સંખ્યા વધતી ગઈ. એક શાળા તૈયાર થઇ પછી જે આજે તો નંદનવન જેવી થઇ ગઈ છે. હજારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકોના સહયોગથી બીજી શાળાઓ, કન્યાશાળાઓ કરી. હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું. ગાંધીના આદર્શો પ્રમાણે જીવતાં શીખવ્યું. નોકરીએ વળગાડ્યા. જ્યાં પહેલાં ખોલરાઓ હતાં ત્યાં આજે પાકા મકાનો છે. આંગણામાં ટ્રેક્ટર, કારો, મોટરસાઈકલો ઉભી છે. લોકો આધુનિક ખેતી કરતાં થયાં છે. બધો પ્રતાપ એમનો. નેવું વર્ષની ઉમરે પણ ટટ્ટાર ચાલે છે, હજી રોજ નિયમિત રેટીઓ કાંતે છે, હાથના વણેલા ખાદીના કપડા જ પહેરે છે. સાદું ભોજન લે છે. ગયે વર્ષે એક દાંત પડ્યો, બાકીના બધાં સલામત છે. આદર્શો અને સિદ્ધાંતોમાં બાંધછોડ કરી શકતાં નથી. જોકે દેશની આ સ્થિતિ જોઈ ભારે દુઃખી છે. સતત વિચારતા હતા કે આ પરિસ્થિતિમાં શું કરી શકાય ?
હરિવદનભાઈ ઊંડા વિચારમાં બેઠા હતા એવામાં સ્કુલના આચાર્ય પંચાલ સાહેબ આવ્યા.
‘નમસ્તે’
હરિવદનભાઈનું ધ્યાન તૂટ્યું. ‘નમસ્તે. આવો આવો. બેસો’
‘શું વિચારમાં હતા ભાઈ?‘ આચાર્ય પંચાલ સાહેબે પૂછ્યું. સૌ નાનામોટાં એમને ભાઈ કહીને જ સંબોધતાં.
‘કંઈ નહિ. દેશની આજની સ્થિતિ જોઇને બહુ પીડા થાય છે. આઝાદીના કેવાં સપના જોયાં હતાં અને જુઓ શું થઇ રહ્યું છે.’
‘ભાઈ શું વાત કરીએ....જાણે જંગલમાં દાવ લાગ્યો છે, એને કેમ કરીને ઠારવો ?’ પંચાલ સાહેબે નિસાસો નાખ્યો.
‘અરે એમ નિસાસો નાખ્યે શું થાય. આ પરિસ્થિતિ સામે લડવું પડે.’
‘કેટલા સામે લડીએ ? બધાં વાતો આદર્શની કરે છે પરંતુ ગળા સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. કોઈને પોતાનાં બોલનું મહત્વ નથી. આજે આમ બોલે ને બીજે દિવસે ફરી જાય. કોઈનો વિશ્વાસ થાય એમ નથી. વાત આદર્શોની કરે પણ યેનકેન પ્રકારે ખુરસી જોઈએ છે. આપણે ગાંધીજીના સત્યથી છેક સામેના છેડે અસત્ય સુધી આવી ગયાં છીએ.’
‘એનું કારણ એ છે કે રાજકારણમાં ખોટા માણસો ઘુસી ગયા છે. સારા માણસોએ રાજકારણમાં પ્રવેશવું પડે. ખાલી વાતો કર્યે, ફરિયાદ કર્યે ન ચાલે. લડવું પડે, સહન પણ કરવું પડે. અંગ્રેજોનું રાજ સાઠ દેશોમાં હતું. હિંમત હારીને બેસી ગયા હોત તો કશું ન થાત. આફ્રિકાથી આવીને ગાંધીજીએ સૌથી પહેલું કામ શિક્ષિત અને સંપન્ન લોકો જે આઝાદીની લડતથી દુર રહેતાં હતાં અને અંગ્રેજોની ગુલામી કરતાં હતા તેમને સમજાવીને આઝાદીની લડતમાં જોડ્યા હતાં. તેથી જુઓ આઝાદીની લડતમાં આપણને કેવી કેવી પ્રતિભાઓ મળી, સરદાર, નહેરુ, સુભાષ, આંબેડકર, વિનોબા, આચાર્ય કૃપલાની, મૌલાના... વિશ્વની કોઈ મુવમેન્ટમાં એક સાથે આટલી પ્રતિભાઓ ક્યાંય જોવા મળી નથી. ગાંધીનો પ્રભાવ એવો હતો કે દૂરસુદૂરના ગામડાઓમાં લોકો સત્ય અને અહિંસાના માર્ગે ચાલ્યા, જેલોમાં ગયાં, કેટકેટલાં બલિદાનો આપ્યા. ગાંધીએ દેશને નીતિ અને પ્રમાણિકતાના માર્ગે જીવતાં શીખવ્યું.’
પંચાલસાહેબ મૌન રહીને સાંભળી રહ્યા. આ વાતો એમણે કેટલી બધીવાર સાંભળી છે!!
‘પંચાલ કૈક કરવું જોઈએ. જીતેન્દ્રને બોલવ. આપણો જુનો વિદ્યાર્થી, હવે ધારાસભ્ય થયો છે. એની જોડે વાત કરી જોઈએ.’
‘અરે સાહેબ એને બોલાવીને શું કરીશું ?’
‘કેમ ? એવું કેમ કહો છો ?’
‘સાહેબ કાલે જ એમણે પાટલી બદલી. પ્રજાતંત્ર પાર્ટીમાંથી જનસેવા પાર્ટીમાં ગયા.’ પંચાલસાહેબે માહિતી આપી.
‘શું વાત કરો છો ? આ તો પ્રજા સાથે દ્રોહ કહેવાય. એ તો પ્રજાતંત્ર પાર્ટીની ટિકિટ પર જીત્યા હતાને ?એમણે પક્ષ બદલવો હોય તો પહેલાં રાજીનામું આપવું જોઈએ અને ફરીથી પ્રજાનો મત માંગવો જોઈએ.’ હરિવદન ભાઈના અવાજમાં વેદના હતી.
‘એ તો કહે છે કે મારા મતદારોના કહેવાથી જ મેં પાર્ટી બદલી છે. પ્રજાનું કામ કરવું હોય તો સત્તામાં હોઈએ તો જ થાય.’
‘અરે એના પાંચ પચ્ચીસ મળતીયાઓને પૂછી લે એટલે પ્રજા મત થયો ? અને સત્તામાં હોઈએ તો જ કામ થાય? જેને પ્રજાનું કામ કરવું છે એને સત્તાની શું જરૂર ? પ્રજાનો સહયોગ જોઈએ.’ થોડીવાર મૌન રહ્યા પછી બોલ્યા ‘ના એવાં અપ્રમાણિક માણસને નથી બોલાવવો. એને મળો તો કહેજો કે કોઈને કહે નહિ કે એ આપણી સંસ્થામાં ભણ્યો હતો અને આપણો વિદ્યાર્થી હતો’.
પંચાલસાહેબ ભાઈનો સ્વભાવ જાણતા હતા. સિદ્ધાંતોમાં એ જરાય બાંધછોડ કરી શકતાં નથી.
‘પંચાલ, પ્રજા હતોત્સાહ થઇ ગઈ છે. નેતાઓમાં એમને વિશ્વાસ રહ્યો નથી. આપણે જ પહેલ કરવી જોઈએ. પ્રામાણિક વ્યક્તિને ચૂંટીને મોકલવી જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ.’ હરિવદનભાઈ થોડીવાર આંખ મીંચીને બેસી રહ્યા. પછી બોલ્યા ‘પંચાલ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે અપક્ષ.ઉમેદવાર ઉભો રાખીશું. આ માટે મને કન્યાશાળાના આચાર્યા પુષ્પાબેનનું નામ સુજે છે. યુવાન, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ છે, સેવાભાવી છે. તમારું શું માનવું છે ?’
‘જી આપનો વિચાર તદ્દન યોગ્ય છે. પરંતુ હવે ચૂંટણી માત્ર પૈસાથી લડાય છે અને જીતાય છે. લોકો જાતભાતના પ્રલોભનો આપે છે. લાખો રૂપિયા ખર્ચે છે. આપણે એવું નહિ કરી શકીએ.’ પંચાલસાહેબે દબાતે અવાજે હકીકત કહી.
‘હું આ વાતથી છેક અજાણ છું એવું નથી. પરંતુ આપણે આ વિસ્તારમાં દાયકાઓથી સેવા કરી છે. આ વિસ્તારનું એક પણ ઘર એવું નહિ હોય જ્યાં આપણા વિદ્યાર્થી ન હોય. આપણે એમને સત્ય અને અહિંસાના પાઠ શીખવ્યા છે. એમની પાસે જઈશું, સમજાવીશું. પ્રામાણિક ઉમેદવારને જીતાડી આપણે જ દાખલો બેસાડવો પડશે.’
‘પણ સાહેબ પુષ્પાબેનનું નામ નાનું પડશે. તમે ઉભા રહો તો કેમ ?’
‘અરે ! મારી તો ઉમર થઇ. હવે હું ન ચાલુ. પંચાલ, હું તમારું નામ પણ સૂચવી શક્યો હોત. તમે પણ સમાજ માટે ઘણું કર્યું છે. પરંતુ આપણે યુવાનોને અને ખાસ કરીને બહેનોને આગળ કરવી જોઈએ. દેશનું ભવિષ્ય યુવાનોને જ સોંપવું જોઈએ. પુષ્પાને હું સમજાવીશ. એના ફોર્મ ભરવાથી માંડીને ચુંટણીની તૈયારી કરવાની જવાબદારી તમારી. આપણા શિક્ષકો, વિદ્યાર્થીઓને સાથે લઈને ઘેર ઘેર પહોંચીએ. હું પણ બની શકશે એટલો પ્રચાર કરવા આવીશ. આપણું કર્તવ્ય છે પુરુષાર્થ કરવાનું. હારજીત હરીને હાથ’ હરિવદનભાઈના ચહેરા પર તેજ આવ્યું. મનોમન બોલ્યાં ‘તન્મે મનઃ શિવસંકલ્પમ અસ્તુ’.
પંચાલસાહેબ વંદન કરીને ગયા. હરિવદનભાઈ પણ આડે પડખે થયાં.
થોડાં દિવસમાં ચુંટણીની જાહેરાત થઇ. પુષ્પાબેનનું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાયું. જોરશોરથી ચુંટણીની તૈયારીઓ શરુ થઇ. પુષ્પાબેન સામે જિતેન્દ્રનો જમણો હાથ ગણાતો કાંતિ ઉભો હતો. એ પણ હરિવદનભાઈનો જ વિદ્યાર્થી. હરિવદનભાઈને જાણ કરવામાં આવી.
‘અરે ! આ જ તો લોકતંત્ર છે. ચૂંટણીમાં ઉભા રહેવાનો સૌનો અધિકાર. પ્રજા નક્કી કરશે કે એમનો પ્રતિનિધિ કોણ હશે. આપણે આપણી વાત પ્રજા સુધી પહોચાડો. બસ.’ હરિવદનભાઈ વિશ્વાસથી છલકાતા હતા. પ્રચાર જોરદાર ચાલતો હતો. રોજ એ બે કલાક સવારે અને બે કલાક સાંજે લોકસંપર્ક કરવા જતાં. ગામ લોકો એમનાં ચરણસ્પર્શ કરવા પડાપડી કરતાં હતાં. બધાંને મળીને શાંતિ પૂર્વક બેસાડીને નાનકડું પ્રવચન આપતાં. લોકોને આઝાદીનું મહત્વ સમજાવતાં. મતદાર તરીકેના હક્ક અને ફરજો શું છે તેની વાત કરતાં. લોકો તાળીઓનો ગડગડાટ કરતાં.
‘ભાઈઓ, માતાઓ બહેનો. આપણા સ્વાતંત્ર્યસેનાનીઓએ બલિદાનો આપીને આઝાદી હાંસલ કરી છે. એ આઝાદીને જાળવી રાખવાનું કામ આપણું છે. કોઈપણ પ્રકારના પ્રલોભનોમાં ફસાયા વિના તમારો મત આપજો. સત્તામાં જો પ્રામાણિક માણસો હશે તો જ દેશનો ઉધ્ધાર થશે. અમે તો આજે છીએ, કાલે નહિ હોઈએ. દેશની જવાબદારી આપ સૌના હાથમાં છે. પુષ્પાબેનને તમે જાણો છો. તમારામાંથી ઘણી બહેનો એમની પાસે ભણી હશે. આચાર્યા તરીકે ખુબ નિષ્ઠાથી અને પ્રમાણીકતાથી એમણે પોતાની જવાબદારી નિભાવી છે. આટલાં વર્ષોમાં એમનાં વહીવટમાં એક પૈસો આઘોપાછો થયો નથી. એમનાં ચારિત્ર્યની સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. એમને તમે વિજેતા બનાવો એવી મારી વિનંતી છે.’ હરિવદનભાઈનું ભાષણ પૂરું થયુંને જયજયકાર થયો. બધાં વારાફરતી આવીને કહી ગયાં કે જરાય ચિંતા ન કરશો, જીતશે તો પુષ્પાબેન જ. કાંતિભાઈની તો ડીપોઝીટ જપ્ત થઇ જશે.’ હરિવદનભાઈ ગદગદ થઇ જતાં. પંચાલસાહેબને કહેતા ‘જોયું પંચાલ. લોકોના હૃદયમાં સત્ય પ્રત્યે નિષ્ઠા છે જ. કોઈ યોગ્ય ઉમેદવારની જરૂર હતી. જોજે સત્ય જ જીતશે’.
હરિવદનભાઈને વિશ્વાસ હતો કે સત્ય જ જીતશે. એક પ્રામાણિક વ્યક્તિ આગળ જશે તો બીજા લોકોને પણ હિંમત આવશે અને બીજાં પ્રામાણિક માણસો આગળ આવશે અને એમ ધીરે ધીરે બધું બદલાશે.
ચુંટણીને બે દિવસ બાકી હતાને સમાચાર આવ્યા કે કાંતિ બધાંને સાડીઓ, વાસણો અને દારૂ વહેચે છે. દારૂનું નામ આવ્યું ને હરિવદનભાઈને ગુસ્સો આવ્યો.
‘પંચાલ, ચાલ મારી સાથે કાંતિ પાસે જવું છે’ એ તો નીકળ્યા. પંચાલ સાથે સાથે. કાંતિની ઓફીસ આવી. ભીડ હતી તોય એ તો ઘુસી ગયા ઓફિસમાં. કેટલાક લોકો ત્યાં પડેલા બોક્સ થેલીઓ વગેરે આઘીપાછી કરવા લાગ્યા. કાંતિ એકદમ આવીને પગે લાગ્યો.
‘પધારો ગુરુજી પધારો. તમે કેમ આવ્યા ? મને કહેવડાવ્યું હોત તો હું આવી જાત. બોલો શું સેવા કરું ?’ કાંતિની વાણીમાંથી મધ ટપકતું હતું.
‘કાંતિ આ હું શું સંભાળું છું ? તું વોટ મેળવવા લોકોને લાંચ આપે છે ? દારુ વહેંચે છે ? તું તો નશા ઉન્મૂલન સમિતિનો ચેરમેન હતો ભાઈ ...આપણાથી આવું થાય ? તું તો અમારો જુનો વિદ્યાર્થી. આપણે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું જોઈએ. પ્રજા તને વોટ આપે તો તું જીતજે, મને વાંધો નથી. પરંતુ પ્રામાણિક પણે કામ કર એવી અપેક્ષા છે.’
‘અરે ગુરુજી આપને કોઈકે મારી વિરુદ્ધ ભરમાવ્યા છે. કોઈને ન તો રૂપિયો આપ્યો છે કે ના તો દારુ વહેચ્યો છે.’ કાંતીએ હાથ જોડ્યા. આજુબાજુમાં ઉભેલા પણ કહેવા લાગ્યા કે ‘સાવ ખોટું...સાવ ખોટું....આતો કાંતિભાઈની ઈમેજ બગાડવા કોઈકે અફવા ફેલાવી છે’
‘ભલે. સાચું ખોટું તું જાણે. પણ ચુંટણી લડો તો પ્રમાણીકતાથી લડો ભાઈ’ કહીને હરિવદનભાઈ નીકળી ગયા. એ દુર નીકળી ગયા પછી કાંતિની ઓફિસમાં જોર જોરથી હસવાના અવાજો સંભળાયા ‘ડોસાને ખબર જ નથી કે દુનિયા બદલાઈ ગઈ છે....આદર્શવાદની તતુડી વગાડ્યા કરે છે... અરે આ ગાંધીયુગ નથી...એકવીસમી સદી છે....ગાંધી ગાંધી કરી ગંધાઈ ગયા તો ય છાલ છોડતાં નથી...’
પુષ્પા આવીને સારા સમાચાર આપતી. ‘લોકોનો ઉત્સાહ માતો નથી. કહે છે કે ‘બેન તમે જરાય ચિંતા ન કરશો, કોઈ લાંચ આપે તો પણ કોઈ લોભાવાના નથી. અમારાં બધાનાં મત તમને જ મળશે.’ હરિવદનભાઈના ચહેરા પર સ્મિત આવી જતું. પુષ્પાને આશીર્વાદ આપતાં અને કહેતાં: ’પ્રજાનો આ પ્રેમ યાદ રાખજે, જીતી જાય પછી ભૂલી ન જતી. આ પ્રજાની ખુબ સેવા કરજે.’
મતદાનના દિવસે જે રીતે ભારે મતદાન થયું, લગભગ એંશી ટકા. પુષ્પાની જીતની આશા વધી ગઈ હતી. પરંતુ પરિણામનો દિવસ આવ્યો અને પરિણામ ચોંકાવનારુ આવ્યું. પુષ્પા હારી ગઈ. હવે આ સમાચાર હરિવદનભાઈને કોણ આપે ? જવાબદારી પંચાલસાહેબ પર જ આવી.
હરિવદનભાઈ પરિણામની રાહ જોતાં અકળાતા હતા ત્યાં પંચાલ સાહેબને આવતા જોયા. એમની ચાલ જોઇને ચિંતા થઇ. શું પરિણામ આવ્યું હશે ?
‘સાહેબ પુષ્પા હારી ગઈ. માત્ર ત્રણ સો બાવન વોટ મળ્યા.’ પંચાલ સાહેબે સમાચાર આપ્યા.
‘શું વાત કરે છે ? હોય નહિ...અરે ઘેર ઘેર મારા વિદ્યાર્થીઓ, મારો આદેશ ઉથાપે જ નહિ ને આમ કેમ બન્યું ? પુષ્પા ક્યાં ગઈ ?’ હરિવદનભાઈથી મનાતું નહોતું.
‘એ તો રડતી રડતી ઘેર ગઈ. કાંતિ જીતી ગયો.’
હજી પંચાલસાહેબ વાત કરતા હતા ત્યાં જ નાચતું નાચતું, જયજયકાર કરતું, ગુલાલ ઉડાડતું ટોળું આવ્યું. ટોળાએ કાંતિને ઊંચકી લીધો હતો. કાંતિના ગાળામાં સમાય નહિ એટલા હાર હતા. એકદમ એ નીચે ઉતરી ગયો અને દોડીને પહેલાં હરિવદનભાઈના પગમાં પડ્યો, ગળામાંથી કાઢીને હરિવદનભાઈને હાર પહેરાવ્યો અને હાથ જોડી ઉભો રહ્યો. ‘સાહેબ આપના આશીર્વાદથી જીતી ગયો. આપે શીખવેલા આદર્શો પર ચાલીશ અને ગામલોકની સેવા કરીશ.’ હરિવદનભાઈ હજી કંઈ બોલે એ પહેલાં તો ટોળાની સાથે નીકળી ગયો.
હરિવદનભાઈએ ગળામાંથી હાર કાઢી સામે મુક્યો. વિચારવા લાગ્યા....ક્યાં ભૂલ થઇ ગઈ ? કોઈને પણ દોષ દેવો નક્કામો. ક્યાંક મારા આચરણમાં જ ખોટ રહી ગઈ. મેં આ લોકોને આવું શિક્ષણ આપ્યું હતું ? સમાજની સેવા થઇ શકે એ માટે આજીવન પરણ્યા નહિ. એક પૈસો ભેગો ન કર્યો. ન પોતાનું ઘર બનાવ્યું. બધું વ્યર્થ ગયું ? વિચારતાં વિચારતાં ગળે ડૂમો ભરાઈ ગયો. સામે પડેલા હાર સામે જોઈ રહ્યા.
અચાનક એમને પુષ્પાનો વિચાર આવ્યો. પુષ્પાનું શું થયું હશે ? નાસીપાસ થઇ ગઈ હશે. મારે એની પાસે જવું જોઈએ. મારા કહેવાથી એ ચુંટણીમાં ઉભી રહી હતી. મારે એને સમજાવવું પડશે કે સત્યની કસોટી થાય, સત્ય કદી હારતું નથી. એકદમ ઉભા થયાં ‘પંચાલ ચાલ પુષ્પાને મળી આવીએ. એને સમજાવીએ કે હજી ત્રણ સો બાવન લોકોને સત્યમાં શ્રદ્ધા છે. પરિણામ જે આવ્યું તે, આપણે હારવાનું નથી.’ સામે પડેલો હાર લઇ કચરા ટોપલીમાં નાખ્યો અને પંચાલસહેબને સાથે લઈને પુષ્પાના ઘર તરફ ચાલતાં થયા.....

દીપક રાવલ, A - ૫૦૨, સત્ત્વ ફ્લેટ્સ, કુણાલ ચોકડી પાસે, ગોત્રી, વડોદરા ૩૯૦૦૨૧ ravaldipak34@gmail.com mobile : 9998402254