રઘુવીર ચૌધરી કૃત ‘સોમતીર્થ’ : ઇતિહાસ આધારિત રાજકીય નવલકથા
રઘુવીર ચૌધરી કૃત ‘સોમતીર્થ’ ઐતિહાસિક નવલકથા તરીકે જાણીતી છે. ઐતિહાસિક નવલકથા કહું છું ત્યારે આ ‘ઐતિહાસિક’ વિશેષણ આ નવલકથા સંદર્ભે જરા ચર્ચાસ્પદ છે. આ નવલકથાના કેન્દ્રમાં જાણીતી ઘટના છે- મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી, સોમનાથ મંદિર લૂંટ્યું અને એ પાછો ગયો- આ ઘટના કેન્દ્રમાં છે. આ ઘટનાને લઈને આ પૂર્વે કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’, ધૂમકેતુની ‘ચૌલાદેવી’ અને ચુનીલાલ મડીયાની ’કુમકુમ અને આશકા’ નવલકથાઓ મળે છે. આ ઘટનાને લઈને ‘સોમતીર્થ’ એ ચોથી નવલકથા છે. પૂર્વેની નવલકથાઓ કરતાં ‘સોમતીર્થ’ કઈ રીતે જુદી પડે છે, એ તપાસવું રસપ્રદ છે.
૩૨ પ્રકરણ અને ૨૮૦ પૃષ્ઠોમાં આ નવલકથા વહેચાયેલી છે. મહમૂદ ગઝનવીનો પ્રવેશ નવલકથામાં ૨૦મા પ્રકરણમાં થાય છે. ૨૦મા પ્રકરણ સુધી નવલકથામાં મંદિરના જે વ્યવસ્થાપક યુવાચાર્ય સદાશિવ અને એની ઉપર છે મહાચાર્ય બૃહસ્પતિ- એની આસપાસ ઘટનાઓ બને છે. સદાશિવનો પ્રભાવ આ આખી નવલકથા ઉપર જોવા મળે છે. નવલકથાના નાયક તરીકે સદાશિવને મૂકી શકાય. મહમૂદ ગઝનવી ગઝનાથી નીકળી ચૂક્યો છે. આ વખતે એણે સોમનાથ મંદિર લૂંટવાનું નક્કી કર્યું છે. આ પૂર્વે પણ એ ભારત આવી ચૂક્યો હતો. સદાશિવનો પ્રયત્ન એ છે કે મહમૂદને સોમનાથ સુધી આવતો અટકાવવો. ૨૦ પ્રકરણ સુધી સદાશિવના આ પ્રયત્નો જોવા મળે છે. મહમૂદને મંદિર લૂંટતો અટકાવવો એ ઉપરાંત નવલકથામાં બીજો એક મુદ્દો છે, કે મંદિર પર કોનું આધિપત્ય સ્વીકારવું? અણહિલવાડ પાટણના રાજા ભીમદેવ સોલંકીનું આધિપત્ય સ્વીકારવું કે જૂનાગઢના રાજા રા’નવઘણનું આધિપત્ય સ્વીકારવું? ભીમદેવ સોલંકી અને રા’નવઘણ વચ્ચે પણ કોઈ મનમેળ કે એકતા નથી. સદાશિવનો સતત એ પ્રયત્ન છે, કે આ બંને રાજાઓ એક થઇ જાય. એમની એકતાને કારણે જે શક્તિ ઊભી થશે એનો સામનો મહમૂદ નહીં કરી શકે અને તો મંદિર લૂંટતું બચાવી શકાશે.
સદાશિવનો એક મત એવો પણ છે, કે મંદિર પાસે લખલૂટ સંપત્તિ છે,તો એ સંપત્તિનો ઉપયોગ નગરની રક્ષા માટે પણ કરવો જોઈએ. આ સંપત્તિનો ઉપયોગ કરીને નગર ફરતે એક કિલ્લો બનવવામાં આવે તો પણ મહમૂદના આક્રમણને ખાળી શકાય એમ છે, એવું સદાશિવ માને છે. પણ મહાચાર્ય બૃહસ્પતિનો મત જુદો છે. આ રીતે મંદિરની સંપત્તિનો ઉપયોગ નગર માટે કરવો કે કેમ, એ બાબતે મહાચાર્ય અવઢવમાં છે. આ સંદર્ભે દેશના બીજા ધર્માચાર્યોનો મત પણ લેવો જોઈએ, એવું એમને લાગે છે. એટલે, નગર ફરતે કિલ્લો બાંધવાની બાબતે નિર્ણય થઇ શકતો નથી. નવલકથાના કથાવસ્તુ સંદર્ભે મોટો મુદ્દો એ છે કે મહમૂદના આક્રમણ વખતે પશ્ચિમ ભારતના રાજાઓમાં એકતાનો અભાવ જોવા મળે છે.પૂર્વે પણ મહમૂદે આક્રમણ કર્યું હતું ત્યારે મોટાભાગના રાજાઓએ મહમૂદની શરણાગતિ સ્વીકારી લીધી હતી. મહમૂદને જે જોઈએ તે, અથવા થોડી ઘણી સંપત્તિ આપીને આ રાજાઓએ પોતાનું રાજ્ય બચાવી લીધું હતું. પણ આ વખતે સોમનાથ મંદિર લૂંટવાની વાત હતી. સદાશિવને શ્રદ્ધા હતી કે સોમનાથ સંદર્ભે રાજાઓ વચ્ચે એકતા સ્થપાશે પણ સદાશિવની શ્રદ્ધા તૂટે છે, રાજાઓ એક થઇ શકતા નથી.
મહમૂદના સૈન્યમાં ત્રણ હિંદુ સૈનિકો છે, તિલક, સુંદર અને શક્તિસિંહ. આ જ લોકો સોમનાથમાં આવીને કે પશ્ચિમ ભારતમાં રહીને ગુપ્ત બધી જ માહિતીઓ સોમનાથ સુધી પહોચાડે છે, જેને કારણે મહમૂદ સરળતાથી સોમનાથ સુધી પહોંચી શકે છે. માત્ર વિધર્મીઓએ સોમનાથ મંદિર લૂંટ્યું એવું નથી પણ મહમૂદ એ લૂંટી શકે, એ માટે સ્વધર્મીઓએ પણ મદદ કરી હતી, એવું આપણે કહી શકીએ.
સોમનાથ મંદિર લૂંટવાની કથાની સાથેસાથે બે પ્રણયકથાનું આલેખન પણ સમાંતરે ચાલે છે. એક, ભીમદેવ અને ચૌલાની પ્રણયકથા અને બીજી, રા’નવઘણ અને વૃંદાવતીની પ્રણયકથા. આ કથામાં ઇતિહાસ કેટલો છે એના પર પણ એક નજર નાખીએ. ૬ જાન્યુઆરી, ૧૦૨૬મા મહમૂદ સોમનાથ પર ચડાઈ કરે છે. આ એક ઘટના નવલકથામાં જોવા મળે છે. ભીમદેવ અને એની રાણી ઉદયમતી તથા ચૌલાસાથેના ભીમદેવના સંબંધો, ભીમદેવના કુટુંબની વિગતો આ બધું ઇતિહાસમાં જોવા મળે છે, જેનો નવલકથામાં લેખકે ઉપયોગ કર્યો છે. મંદિરની અઢળક સંપત્તિ, મંદિરનું વર્ણન આ બધી ઐતિહાસિક વિગતો આ નવલકથામાં જોવાં મળે છે. ઇતિહાસમાં મળતી વિગત પ્રમાણે ૫૦૦૦૦ સૈનિકો મંદિરનું રક્ષણ કરતી વખતે ખપી ગયા હતા.નવલકથાકારના ઐતિહાસિક જ્ઞાન વિશે માન થાય એ રીતે ઝીણીઝીણી વિગતોનું આલેખન અહીં જોવાં મળે છે. મહમૂદ ગઝનવીના સલાહકાર, જ્યોતિષ અને ઇતિહાસકાર તરીકે જાણીતા અલબરુનીનો ઇતિહાસ પણ અહીં મળે છે. ઉપરાંત, મહમૂદ ગઝનવીનો જન્મ કેવી રીતે થયો, કયા સંજોગોમાં એ સુલતાન બન્યો હતો, આ બધી ઈતિહાસની વિગતો નવલકથાકારે અહીં ખપમાં લીધી છે.
ઐતિહાસિક નવલકથા એવું જયારે કહીએ છીએ ત્યારે ‘ઐતિહાસિક’ એ વિશેષણ છે અને ‘નવલકથા’ એ સંજ્ઞા છે .એટલે મહત્ત્વ કોને આપવું? વિશેષણને કે સંજ્ઞાને? નવલકથાકાર રઘુવીર ચૌધરી આ બાબતે સ્પષ્ટ છે. એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “ ઈતિહાસની વિગતોને વફાદાર રહેવું ગમે પણ એમાંથી પસંદગી કરવી પડે એમ હોય તો કથાસૃષ્ટિનાં વાતાવરણને ઉપકારક થવાય એમ વર્તુ. આમેય લેખન દરમિયાન ઇતિહાસ વિશેની સભાનતા ઘટી જાય છે.”- એટલે ઇતિહાસ અળપાતો હોય તો પણ નવલકથા બને છે કે કેમ, એ તરફ નવલકથાકારનું લક્ષ્ય વધારે રહ્યું છે. ‘સોમતીર્થ’ ઐતિહાસિક નવલકથા સંદર્ભે જે પ્રશ્ન થાય તે એ છે કે નવલકથાનો નાયક સદાશિવ એક કાલ્પનિક પાત્ર છે. રઘુવીર ભાઈએ આ પાત્ર વિશે જણાવ્યું છે: “ સદાશિવ એ વિશુદ્ધ કલ્પના છે અને આ કથાનું સવાઈ સત્ય છે. અલબરુની જેવા વિદ્વાનો પણ જેમની સમક્ષ જિજ્ઞાસુની નમ્રતાથી વર્તે, એવા ધર્મપુરુષો ત્યારે ભારતમાં હતા, એ સૌનું પ્રતિનિધિત્વ કરે છે સદાશિવ.” એટલે જેને આપણે ઐતિહાસિક નવલકથાનો નાયક માનીએ છીએ એ નાયક ‘વિશુદ્ધ કલ્પના’ છે. એટલે, આ નવલકથાને ઐતિહાસિક ગણવી કે કેમ?
સદાશિવ જે રીતે વર્તન કરે છે, એનું પાત્ર જે રીતે આલેખાયું છે, એનું દૂરંદેશીપણું, એની સમજ, એ વિશે એક ઉદાહરણ જોઈએ: સદાશિવ બધાં રાજાઓને સમજાવવા માટે નીકળ્યા છે અને રસ્તામાં સુલતાનના સૈનિકોને હાથે કેદ થઇ જાય છે. સદાશિવ સૈનિકોને સમજાવતા કહે છે, “ આશીર્વાદ તો મૌનથી પણ આપી શકાય. પ્રશ્ન છે ચેતવણી આપવાનો. સુલતાનને મારા આશીર્વાદ છે કે એમને સદબુદ્ધિ સૂઝે. સદીઓથી અહીં ઇસ્લામની બંધુતાનો પ્રચાર કરી રહેલ ફકીરોને એમનું કામ કરવા દે. જો એમને સત્તા અને સંપત્તિનો લોભ હોય તો અહીંનાં રાજા-મહારાજાઓ સાથે યુદ્ધે ચડે. પણ ભગવાન સોમનાથનું ગૌરવ ખંડિત કરવા જતા એ ફકીરોનાં કર્યા કરાવ્યા પર પાણી ફરી વળશે. બે પ્રજાઓ વચ્ચે વિષવેલનાં બીજ રોપાશે.” મંદિરની ફરતે જે દીવાલ બનાવવાની વાત હતી એમાં બે પાત્રો મદદે આવે છે, ફરીદ અને દરવેશ. દરવેશ અને એના પૂર્વજોની આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિર રહ્યું છે. એટલે, બે જુદીજુદી કોમની પ્રજા જે બંધુતાથી રહેતી આવી છે એને મહમૂદનું આક્રમણ ખતમ કરશે, એ ચિંતા સદાશિવની છે.
મંદિર લૂંટાઈ ચૂક્યું છે. હવે, જે કંઈ થોડું ઘણું બચ્યું છે એનો કેવી રીતે ઉપયોગ કરવો? મંદિર નહોતું લૂંટાયું ત્યારે પણ સદાશિવનો મત હતો કે સંપત્તિનો ઉપયોગ નગરના કામ માટે કરવો. કારણ કે, મંદિર પાસે એટલી બધી સંપત્તિ હતી તો મહમૂદે મંદિર પર આક્રમણ કર્યું. જો સંપત્તિ ન હોત તો મહમૂદ પાસે મંદિર પર આક્રમણ કરવાનું કોઈ કારણ ન હોત. ફરી એકવાર મંદિરની જાહોજલાલી પાછી આવવા લાગી છે, શ્રેષ્ઠીઓ પાસેથી ધન એકઠું થવા લાગ્યું છે ત્યારે સદાશિવ કહે છે: “ હવે જે કંઈ દ્રવ્ય મંદિરને સમર્પિત થશે, એ સર્વપ્રથમ એ લોકો પાછળ ખર્ચાશે, જેમણે વધુ સહન કર્યું છે. દેવનગરી ખંડિત હોય, મનુષ્ય અસહાય હોય, ત્યાં સુધી દેવમંદિરની ભવ્યતા જીવનનો ઉપહાસ કરતી લાગે.” સદાશિવની વાણી આપણાં આજનાં ઘણાં મંદિરો સંદર્ભે સાચી ઠરે એમ છે.
સદાશિવની સાથેસાથે આ નવલકથામાં બીજું મહત્ત્વનું પાત્ર છે તે ચૌલા છે. સદાશિવની ગેરહાજરીમાં રાજાઓને સમજાવવાનું હોય કે પછી મંદિરનો વહીવટ હોય, બધું ચૌલા સંભાળે છે. એનું પાત્ર લેખકે આ રીતે ઉપસાવ્યું છે : “ ... અને યુવાચાર્ય કાશી ગયા છે ત્યારથી તો બંધુવર ત્ર્યંબક પણ વધુ ડહાપણ દાખવે છે. મંદિરની વિવિધ આરતી, ગર્ભગૃહની સજાવટ,નૃત્યમંડપની સ્વચ્છતા, ભોજનશાળાનો પ્રબંધ, અંગરક્ષકોની સાવધાની પ્રત્યેક વિષય જાણે કે એ યુવાચાર્યની ભૂમિકાની યાદ આપે છે.” સદાશિવની ગેરહાજરીમાં ચૌલા એક અગત્યનું કામ એ પણ કરે કે સ્ત્રીઓને પણ સ્વરક્ષણની તાલીમ આપે છે. ચૌલા પૂર્ણ સ્ત્રી છે. એનું દેવદાસી બનવાનું પણ નક્કી છે. સોમનાથ મંદિરને સમર્પિત થશે એ પણ નક્કી છે. પણ મંદિર ધ્વસ્ત થવાને કારણે એનો નિર્ણય બદલાય છે, પાછળથી એ ભીમદેવ સાથે લગ્ન કરે છે ને અણહિલવાડની રાણી બને છે.
આ વિષય પર પૂર્વે ત્રણ નવલકથાઓ લખાઈ હોય પછી રઘુવીરભાઈ આ ચોથી નવલકથા શું કામ લખે છે? સામનાથ મંદિર લૂંટાયાની ઘટનાના ૯૬૬ વર્ષ પછી ૧૯૯૨મા બાબરી ધ્વંસની ઘટના બને છે. બાબરી ધ્વંસની ઘટનાનાં ચાર વર્ષ પછી ૧૯૯૬મા રઘુવીરભાઈ ‘સોમતીર્થ’ નવલકથા આપે છે. ઇતિહાસમાં બનેલી એક ધર્મસ્થાન ધ્વસ્તની ઘટના અને આપણા સમયની ઘટનાને આ નવલકથા દ્વારા લેખક જોડે છે. બાબરી ધ્વંસ પછીનું ભારત અને ખાસ તો ગુજરાત, હિંદુ- મુસ્લિમ વચ્ચે તિરાડ મોટી થતી ગઈ અને એ ગોધરાકાંડ સુધી આવતાં તો એકદમ મોટી થઇ ગઈ. રઘુવીરભાઈ શોધવા એ માગે છે કે બાબરી ધ્વંસની ઘટનાનાં મૂળિયાં ક્યાં છે? સદાશિવનો સંવાદ પાછો યાદ કરીએ : “ .. બે પ્રજાઓ વચ્ચે વિષવેલનાં બીજ રોપાશે.” આ વિષવેલનાં બીજ ૯૬૬ વર્ષ પછી વિષવૃક્ષ બની બાબરી ધ્વંસની ઘટનામાં પરિણમે છે. ઈતિહાસની એક ઘટનાને લઈને લેખક આપણા સામ્પ્રતના બહુ મોટા પ્રશ્નને વાચા આપવા માગે છે.
આ નવલકથાના કેટલાક સંવાદો પણ એવા છે, કે આ નવલકથાને આપણા અત્યારના સમય સાથે જોડી આપે. એક પાત્ર ફરીદ બોલે છે, “ ક્યારેક લાગે કે વિધર્મીઓ કરતાં સ્વધર્મીઓ તરફથી જોખમ વધુ છે.” સુંદર, તિલક, અને શક્તિસિંહ જેવાં પાત્રો સંદર્ભે આ સંવાદ જોઈ શકાય. એક ગોવાળ સદાશિવ સાથે વાત કરતા કહે છે, “ ચોર હવે આવા ગાઢ જંગલમાં છુપાઈને રહેતા નથી. એ ખુલ્લામાં છડેચોક ફરે છે. પ્રભુ, હવે તો સારા માણસોએ છુપાઈને રહેવાનો વારો આવ્યો છે.” – આપણા સમયમાં બિલકુલ પ્રસ્તુત બને એવો આ સંવાદ છે .ઇતિહાસકાર અલબરુની સદાશિવનાં જ્ઞાન અને સમજ સામે બિલકુલ નમ્રતાથી વર્તે છે. પણ એક વાત એ સદાશિવને સમજાવટના સૂરમાં કહે છે, “ સદાશિવ, તમારા દેશની આ સૌથી મોટી વિશેષતા છે, અબાધ સહિષ્ણુતા. અને એ જ એની મર્યાદા નથી શું?“ હિંદુ ધર્મમાં રહેલા સહિષ્ણુતાના ગુણને કારણે આ દેશ પર સતત આક્રમણ થતાં રહ્યાં છે. ઈતિહાસની એક ઘટનાને લઈને સાંપ્રતની ઘટના સાથે એનું રચાતું અનુસંધાન આ નવલકથાને પૂર્વે આ વિષય પર લખાયેલી નવલકથા કરતાં જુદી પાડે છે. હું આ નવલકથાને ઐતિહાસિક નવલકથા કહેવાને બદલે ઇતિહાસ આધારિત રાજકીય નવલકથા કહેવાનું વધારે પસંદ કરું છું.
( રઘુવીર ચૌધરી, સોમતીર્થ, ૧૯૯૬, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ)