રણમલ્લછંદના સંશોધક-સંપાદકઃ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
(‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ સંદર્ભે...)
આપણે સંશોધનો અંગે વાતો-વિચારો કરતાં હોઈએ છીએ. સંશોધન આમ કરવું જોઈએ ? સંશોધન આવું કર્યું હોય તો સારું ? પણ સંશોધનો કરતાં નથી. માત્ર એના અંગે વાતો-વિચાર જ કર્યા કરીએ છીએ. અને એટલે જ આ ક્ષેત્રમાં નજર કરીએ છીએ ત્યારે ગણ્યાં-ગાઠ્યાં અભ્યાસીઓ નજરે પડે છે. આમ ય સંશોધન કરવું એટલે ધુળ ધોયાના કામ બરાબર છે. અને તેમાં ય યશ મળવા કરતાં અપજશ વધારે મળે છે. કેમ કે સંશોધન થયા પછી લોકો તેમાંથી મહત્વની થોડી વિગતો જોવાને બદલે ખામીઓ વધુ કાઢે છે. સંશોધન કયારેય પુરુ થતું નથી. એટલે તે અપૂર્ણ હોય છે એવું મારું કહેવું નથી. પણ સંશોધન એ અવિરત ચાલતી પ્રકિયા છે. એક સંશોધન એની પછી થનાર સંશોધન માટે પ્રથમ પગથિયું બની રહે છે. આવા સંશોધનો દ્વારા માહિતીના દોષો નિવારી શકાય છે અને સત્યને રજૂ કરી શકાય છે. ઉ.દા. તરીકે જોઈએ તો કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધન કરીને પ્રેમાનંદના નામે અનેક નાટકો બતાવ્યાં હતાં. પણ આજ સંશોધનને નરસિંહરાવ દિવેટીયા પુનઃસંશોધન કરીને એ સાબિત કરી આપે છે કે આ નાટકો પ્રેમાનંદના નથી જ. એમના નામે ચઢાવી દવામાં આવ્યાં છે. તો આવી રીતે સાહિત્યમાં પણ સંશોધનો દ્વારા વિગતોને ચોખ્ખી કરી શકાય છે. આથી વિજ્ઞાન અને અન્ય શાસ્ત્રોની જેમ સાહિત્યમાં પણ સંશોધન-સંશોધકનું આગવું મહત્વ છે.
આપણે ગુજરાતી સાહિત્યમાં સંશોધનની વાત કરીએ એટલે આપણી સમક્ષ મધ્યકાળ અને લોકસાહિત્યનું જ સાહિત્ય પ્રથમ નજરે આવે છે. આ સિવાય પણ સંશોધન કરવાના ઘણા ક્ષેત્રો ગુજરાતી સાહિત્યમાં છે. એના તરફ જવાની જરૂર છે. આજના યુવાનો (મારા સાથે) મેં કહ્યું તેમ આ ક્ષેત્ર અંગે વાતો-વિચાર કરે છે પણ એમાં ડોકિયું કરતા નથી. એમને મોટા થવું છે પણ કામ કર્યાં વગર. આ એક હકીકત છે જેનો સ્વીકાર કરવો જ રહ્યો. અહીંયા હું એક એવા સંશેધક-સંપાદક વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેમણે સમગ્ર જીવન આ જ કામ કર્યું છે. આજના યુવાનોએ આવા પૂર્વસૂરિઓ પાસેથી ઘણું શિખવાની જરૂર છે. તેમાંના એક છે કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પાસેથી સંશોધનના અનેક ગ્રંથો મળી આવે છે. અહીં અમણે ઓગણીસમી સદીમાં કરેલું સંશોધન (પ્રગટ વીસમી સદીમાં) અંગે વાત કરવાનું મુનાસિબ માન્યું છે. એમના પંદરમાં શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યમાંના પાંચ કાવ્યોમાંથી રણમલ્લ છંદનું સંશોધન-સંપાદન કેવી રીતે કર્યું છે તે જોવાનો મારો ઉપક્રમ છે. એ જોઈએ તે પહેલા એમનો ટૂંકો પરિચય મેળવી લઈએ.
રા.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો પરિચયઃ
કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ તા. ૧૭-૧૦-૧૮૫૯ના રોજ દહેગામ તાલુકાના બહિયલ ગામે થયેલો. ધર્મ વૈષ્ણવ. જ્ઞાતિ સાઠોદરા નાગર. બી.એ. બાદ શિક્ષક તરીકે જોડાય છે. ૧૮૮૭-૮૮ દરમ્યાન ભુજની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું. આચાર્યમાંથી નિવૃત્ત બાદ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના માનાર્હ અધ્યાપક તરીકે સરકારે નીમેલા. બાદમાં ૧૯૩૪માં ત્યાંથી નિવૃત્ત થયા. બીજી ગુજરાતી પરિષદના પ્રમુખ પણ બન્યા હતા.
તેમના સંશોધન કાર્ય વિશે વાત કરીએ તો ‘કાદમ્બરી’નો પૂર્વ ભાગ(૧૯૧૬) અને ઉત્તર ભાગ(૧૯૫૪), પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’(૧૯૨૭), રત્નદાસ ‘હરિચંદ્રાખ્યાન’(૧૯૨૭) અને અખાકૃત ‘અનુભવબિંદુ’નાં સંપાદનો તેમજ ‘સાહિત્ય અને વિવેચન’ ભા-૧,૨ (૧૯૩૯,૪૧) ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’(૧૯૩૨) વગેરે પુસ્તકો ઉપરાંત સંસ્કૃત કૃતિના કરેલા અનુવાદો વગેરે તેમનું મહત્વનું યોગદાન છે.
‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ના સંશોધન કાર્ય વિશે...
‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ નામના પુસ્તકમાં કેશવ હ. ધ્રુવે પંદરમા શતકની મહત્વની કૃતિઓનું સંશોધન-સંપાદન કર્યું છે. સંશોધકે ઉપોદ્દઘાતમાં આ કૃતિઓનું પુસ્તક પ્રગટ માટે આર્થિક સહાય આપનાર સંસ્થા વિશે નોંધ કરી છે.
સંશોધકે ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ પુસ્તકમાં કુલ પાંચ ટૂંકા પ્રાચીન કાવ્યોનું સંપાદન કર્યું છે. જેમાં ‘રણમલ્લછંદ’, ‘વસંતવિલાસ’, ‘સીતાહરણ’, ‘ઉષાહરણ’, અને ‘પ્રબોધચિંતામણિ’નો સમાવેશ થાય છે. આ ટૂંકા કાવ્યોનું સંશોધન-સંપાદન કરવા પાછળ સંશોધકનો હેતુ સંશોધક કહે છે તેમ,-
तेमां में मात्र न्हानां सळंग काव्य लीधा छे. कादंबरी अने कान्हडदेप्रबंध जेवा लांबा काव्य वांचवा जेटली फुरसद न होय एवा रसिक जन माटे अने प्राचीन भाषानो परिचय केळववो होय एवा खंतीला अभ्यासक माटे आ संग्रह छे. छंद, देशी अने गीतना वपराटनो ईतिहास उकेलवामां पण ते मददगार थशे. (प्रस्तावनामांथी- पृ. 1) આ પુસ્તકની આરંભે મુકેલ પ્રસ્તાવના આ પુસ્તકનું ઘરેણું છે. આ લેખમાં સંશોધકે કૃતિ વિશે, તેની હસ્તપ્રત વિશે, કૃતિના કર્તા, સમય તથા કૃતિનું મુલ્યાંકન એની ભાષા સંદર્ભે લાંબો લેખ કર્યો છે. આ લેખમાંથી એમની સંશોધક-સંપાદનની પ્રકિયાનો ખ્યાલ મળી રહે છે. અહીં પાંચ કૃતિઓની વાત કરી છે તેમાંથી હું કેવળ પ્રથમ કૃતિ ‘રણમલ્લ છંદ’ કૃતિના સંદર્ભે સંશોધકે કરેલી સંશોધન-સંપાદનની પ્રક્રિયા વિશે વાત કરીશ.
રણમલ્લ છંદની હસ્તપ્રત સંશોધકને ડેકન કૉલેજના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ હતી. નવલરામ પંડ્યાએ ગુજરાત શાળાપત્ર સામયિકમાં જૂની ગુજરાતી ભાષાના અભ્યાસ માટે કાન્હડદેપ્રબંધ કાવ્ય છાપ્યું હતુ. સંશોધકે આ કાવ્યના પાઠની શુધ્ધિની ખરાઈ કરવા માટે પુણેથી હસ્તપ્રત મંગાવી હતી. એમાં સંશોધક કહે છે તેમ,-
अपूज पडी रहेला गोपनाथनी सेवा करतां जेम महेताजीने गोपीनाथनां दर्शन थयां, तेम मने पण एमांथी अणधार्यो अपूर्व लाभ थयो. (प्रस्तावनामांथी- पृ. 2)
એટલે કાન્હડદેપ્રબંધની આ જૂની હસ્તપ્રતમાં છેલ્લે રણમલ્લ છંદનો પણ ઉતારો હતો. જે સંશોધકને અજાણતા જ પ્રાપ્ત થયો છે. આ હસ્તપ્રતની અંતે શ્રીધર વ્યાસ કૃત रा रणमल्ल छंद । सं. 1662 । આટલું જ લખ્યું હતું. અહીં જે-તે વ્યક્તિ-લહિયાએ આ રચનાને ઉતારતી વખતે કર્તાનું નામ, ઉતારાની સાલ પણ આપ્યાં છે, પરંતુ આ ગ્રંથમાં ક્યાંય રચના સાલ કે કવિનું નામ આપ્યું નથી. જે અંગે સંશોધકે અનુમાન કરીને શોધી આપ્યું છે.
રણમલ્લ છંદનો રચના સમય નક્કી કરવા માટે સંશોધકે ઇડરના રાજા રાવ રણમલ્લનો ટૂંકો ઇતિહાસ અને પરિચય આપ્યો છે. જેના પરથી આ કૃતિ કયા સમયની હશે તે અનુમાન પણ વાચક સહજતાથી કરી શકે છે. આ સંશોધક તરીકે એમની વિશેષતા છે. રાજા રણમલ્લના ઇડર પર તે સમયના ગુજરાતના સુબા ઝફરખાને ત્રણ સવારી (ચડાઈ) કરી હતી. એમાં પ્રથમ સવારી ઇ.સ.1393ના આસપાસની (સંસ્કૃતના આધારો સાથે) મનાય છે. ત્રીજી સવારી દરમિયાન રાજા રાવ રણમલ્લ વિસનગર તરફ હતો એમ કહેવાય છે. અને એ સમયગાળો ઇ.સ.1401ની આસપાસનો મનાય છે. આથી રણમલ્લ છંદમાં આવતું વર્ણન પણ આ સવારીનું નથી. આથી રણમલ્લ છંદમાં આવતું રાજા રાવ રણમલ્લની બહાદુરીનું વર્ણન એ ઝફરખાનની બીજી સવારીનું છે. બીજી સવારીની તારીખ એ જ રણમલ્લ છંદની તારીખ. એમનું આ અનુમાન આગન્તુક નથી પણ ઇતિહાસના તથ્યોને આધારે કરેલું છે. આ અંગે એમનો જ મત જુઓ,-
बीजी ज सवारी एवी छे के जेमां झफरखान अधवच घेरो उठावी पाटन वळी जाय छे. फारसी तवारीखनवेशो तार्तरी तैमुरनी चडाईने लीधे खाली पडेला दिल्लीना पादशाही तख्त माटेनी तातारखाननी लिप्साने एना पिता झफरखानना अपसरणना कारण तरीके आगळ धरे छे, त्यारे गूजराती कवि राणा रणमल्लना धसाराथी हारी नासी छूटयाना कार्यरूपे वर्णवे छे. काव्यना आरंभमां श्रीधर कहे छे के मुसलमान लश्करनी खुवारी करनार बे, एक यमतुल्य तैमुर अने बीजो शकशल्य रणमल्ल. (जुओ रणमल्लछंद, तूक- 5) समकालीन प्रासंगिक लेख उतरकालीन गळायला इतिहास करतां वघारे विश्र्वासपात्र लेखाय, ए मान्यताने अनुसरतां, बीजी चडाईमां झफरखानने खुवारी खमी घेरो ऊठावी पाटण भागी जवूं पड्यूं अने रणमल्लनी जीत थई, एवा निर्णये हूं आवूं छूं. ए बीजी चढाईनी तारीफ ते ज रणमल्लछंद रचायानी तारीख. ए रीते ए काव्य ई.स.1398 मां तैमुरनी सवारी पछी तरत ज रचायूं ठरे छे, एटले के ईसवी चौदमा शतकना अंतमां. बे त्रण वरसना तफावत तरफ आंखमीचामणी करी में तेने ईसवी पंदरमा शतकनां काव्योमां अग्रस्थान आप्यूं छे. (प्रस्तावनामांथी पृ. 5-6)
આમ, સંશોધકે ઇતિહાસના તથ્યો અને પોતાના અનુમાનને આધારે રણમલ્લછંદની રચના સાલને મુકી આપી છે. અહીં સંશોધકની સંશોધન ર્દષ્ટીનો પરિચય મળી રહે છે.
આ ગ્રંથની પ્રસ્તાવનામાં સંશોધકે કર્તા-શ્રીધર વ્યાસ- અને તેમની મળતી કૃતિઓ અંગે પણ માહિતી આપી છે. તેમના મતે શ્રીધર વ્યાસ પાસેથી ત્રણ ગ્રંથો મળે છેઃ ભાગવત દશમ સ્કંધ (હસ્તપ્રતમાં કવિત ભાગવત), સપ્તશતી અને રણમલ્લછંદ. આ ત્રણેય રચનાઓ છંદોબધ્ધ છે. જેમાનું પ્રથમ કાવ્ય અધુરું છે. જેની સાચી હસ્તપ્રત મળતી નથી. જો મળે તો પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં મહત્વનું ઉમેરણ થાય. સપ્તશતીમાં માકંડેયપુરાણના દેવી ચરિત્રને ટૂંકમાં નિરૂપ્યાં છે. અને રણમલ્લછંદમાં ઇડરના રાજા રાવ રણમલ્લની વિરતાનું નિરૂપણ કર્યું છે.
મધ્યકાળમાં રણમલ્લછંદના શ્રીધર વ્યાસ સિવાય ગૌરીચરિત્ર અને રાવણમંદોદરી સંવાદના કર્તા પણ શ્રીધર મળે છે. પરંતુ સંશોધકે આ અંગે પણ દિવા જેવું સ્પષ્ટ કરી આપ્યું છે કે આ કૃતિઓનો રચનાકાર રણમલ્લછંદનો શ્રીધર વ્યાસ નથી પણ શ્રીધર મોઢ છે. કેમ કે એમના રાવણમંદોદરી સંવાદની રચના સાલ સંવત 1465 છે. જ્યારે રણમલ્લછંદની રચના સાલ ઇ.સ.1398 છે. આથી બે કવિ વચ્યે એકસો અગિયાર વર્ષનું અંતર થાય છે જે યોગ્ય નથી. આમ, સંશોધકે કર્તા અંગે પણ સ્પષ્ટતા કરી આપી છે. આ ઉપરાંત સંશોધકે આ કાવ્યમાંથી મળતી મહત્વની વિગતોનો આ ગ્રંથની પ્રસ્તાવનામાં નિર્દેશ કરી આપ્યો છે. જેવી કે,-
- આ ઔતિહાસિક કાવ્ય ઇ.સ.1393ના ઇડરની હકીકત અને એના પાંચ વરસ પહેલાની સવારી (ચઢાઈ)ની વિગત પુરી પાડે છે.
- મુસલમાન સુલતાનોને ઇડરના રાજાનો ત્રાસ તો પચ્ચીસ વરસ સુધી સતાવે છે એમનો ઉપદ્રવ ટાળવા છેવટે સુલતાન અહમદશાહને ઇ.સ.1427માં અહમદનગર વસાવવું પડે છે.
- આ કાવ્ય રજપુત રાજાઓની અને એ સમયના ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને રજૂ કરે છે.
આમ, મધ્યકાળમાં જૈનેતર કવિઓમાં શ્રીધર વ્યાસનું રણમલ્લછંદ મહત્વનું કાવ્ય છે. આ ગ્રંથમાં સંશોધકે આ ઉપરાંત મધ્યકાળના બીજા ચાર અતિ મહત્વના લઘુ કાવ્યોનું પણ સંશોધન-સંપાદન કર્યું છે. આથી આ ગ્રંથનું અને સંશોધક તરીકે કેશવ હ. ધ્રુવનું મહત્વ વધી જાય છે. પંદરમાં શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય ગ્રંથ એમને મહત્વના સંશોધક તારવી આપે છે. એમની પાસેથી આ સિવાય પણ સંશોધન-સંપાદન ગ્રંથો મળ્યાં છે. એમાંથી કેટલાક સંશોધનો અંગે સંશય પણ થયો છે અને આજે જે અસત્ય પણ પુરવાર થયા છે. સંશોધક તરીકે એ બધી મર્યાદાઓની સામે એમનો આ ગ્રંથ, એમાંનુ રણમલ્લછંદ કાવ્ય અને એમાં પ્રકટ બીજા કાવ્યો એમને ઓગણીસમી સદીના મહત્વના સંશોધક પૂરવાર કરે છે.
સંદર્ભ-
- ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, કેશવ હ.ધ્રુવ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ,પહેલી આવૃત્તિ ઇ.સ.૧૯૨૭
- ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૩, સં. રમણ સોની અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ :૨૦૦૫
- http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Keshav-Dhruv.html
- https://gu.wikipedia.org/wiki/કેશવલાલ_ધ્રુવ