‘વાક્ કૌશલ’ [બોલવાની કળા] : ડૉ. યોગેન્દ્ર વ્યાસ
સ્વ. પ્રબોધ પંડિત બાદ ગુજરાતી ભાષાવિજ્ઞાનક્ષેત્રને વિકસાવવાનું અને વિસ્તારવાનું અદ્વિતીય કાર્ય કરનાર ડૉ. યોગેન્દ્ર વ્યાસે ભાષાવિજ્ઞાનક્ષેત્રે ઘણાં અભ્યાસો, સંશોધનો કર્યા છે. ભાષાવિજ્ઞાનક્ષેત્રમાં તેમનાં પ્રદાનની શરૂઆત બોલીવિજ્ઞાનક્ષેત્રે નૂતન કેડી કંડારનાર તરીકેથી થઈ છે.
ભાષાવિજ્ઞાનને જીવનનો એક અભિન્ન અંગ બનાવી તેમાં ઉત્તમોત્તમ કાર્યને મૂકનાર ડૉ. યોગેન્દ્ર વ્યાસના ભાષાવિજ્ઞાન ક્ષેત્રે ઘણાં પુસ્તકો પ્રગટ થયા છે. જેમકે; બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૨૦૦૬), - ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ – આ પુસ્તકોને ગુજરાત સરકાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં શ્રેષ્ઠ પુસ્તકો માટેનાં પુરસ્કારો મળ્યા. ‘ભાષા સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ભાષાવિજ્ઞાન અને ભાષા કૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), ‘ભાષા સજ્જ્તા અને લેખનકૌશલ’ (૧૯૮૫), ‘વાચનકૌશલ’, ‘વાક્ કૌશલ’ (૧૯૮૭), ‘ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ’ (૨૦૦૨), શ્બ્દાર્થચર્ચા (૨૦૦૨) જેવા પુસ્તકોમાં તેમનાં અભ્યાસના દર્શન થાય છે.
‘વાક્ કૌશલ’ [બોલવાની ક્ળા] દ્વારા અસરકારક ભાષાકૌશલની ક્ળા, વક્તૃત્વ ક્ળા વિકસાવવાની વાતને રજૂ કરતા ડૉ. યોગેન્દ્ર વ્યાસે પાંચ ભાગમાં પુસ્તકને વિસ્તૃત કરેલ છે.
- વાક્ કૌશલ
- વાતચીતનું કૌશલ
- વાર્તાકથનનું કૌશલ
- વર્ગ શિક્ષણ
- વક્તૃત્વ : એક વિશિષ્ટ વાક્ કૌશલ
આ પુસ્તકનો મુખ્ય હેતુ વક્તૃત્વ ક્ળા અસરકારક બનાવવાનો છે. ભાષાનો હળદાર રીતે રજૂ કરવાની રીતોને રજૂ કરતું આ પુસ્તક છે. ૫૩ પાનામાં બોલવાની ક્ળાને રજૂ કરતું આ પુસ્તક પાર્શ્વ પ્રકાશન દ્વારા (પ્રથમ આવૃત્તિ –૧૯૮૭) પ્રકાશિત કરવામાં આવેલ છે.
“બોલતાં ઘણાં માણસોને આવડે છે પણ બોલી જાણતાં બહુ ઓછાં માણસોને આવડે છે.” અસરકારક રીતે, પ્રભાવક રીતે, શ્રોતાગણ સાંભળી અર્થગ્રહણ કરી શકે એ રીતે બોલી જાણનાર ઘણાં ઓછા હોય છે. વાક્ કૌશલ એક કળા છે. વાતચીત કરવી કે વાર્તા કહેવી, પ્રવચન કરવું કે કથા કરવી એ બધાં કૌશલ્યો - વાક્ કૌશલ તરીકે જ ઓળખાય છે. આ બધાના મૂળમાં સારી રીતે બોલતાં આવડવું એ બાબત રહેલી છે.
વાકકૌશલ એ ભાષાવિજ્ઞાનના અભ્યાસી માટે પાયાનો વિષય છે. આપણે જ્યારે બોલીયે છીએ ત્યારે ધ્વનિઓની શ્રેણીઓનો ઉચ્ચાર કરીએ છીએ જે શ્રોતાઓના ચિત્ત પર અસર કરે છે અથવા પ્રભાવ પાડે છે. પ્રભાવનો આધાર મુખ્યત્વે ધ્વનિઓનાં ઉચ્ચારણો , એ ઉચ્ચારણોની શ્રેણીઓના આરોહ - અવરોહ અથવા લય અને એ ઉચ્ચારણો કે ધ્વનિઓની શ્રેણીઓને બોલવાની ઝડપ અને નાનો મોટો અવાજ એટલી બાબતો પર રહે છે.
ધ્વનિ - શ્રેણીઓનો ઉચ્ચાર કરતી વખતે કશોક અર્થ, સંદેશો, માહિતી, વિગતો આપણે શ્રોતાઓ સુધી પહોંચાડીએ છીએ. એ માટે માહિતી, વિગતોને એકત્ર કરવી. એનું ચયન અને સંપાદન કરવું મહત્વની વિગતો તારવવી, નકામી તેમજ બિન અસરકારક વિગતોને ટાળવી. એ વિગતોનો ક્રમ નક્કી કરવો આની પણ કાળજી લેવાવી જોઇએ.એ વિગતો પ્રમાણભૂત કે વિશ્વસનીય છે કે નહિ તે વાત શ્રોતાઓના મનમાં મૂકવી એ પણ એટલું જ જરૂરી છે.
જ્યારે શ્રોતાઓ સુધી કોઇ માહિતી, સંદેશો કે વિગતો પહોંચાડીએ ત્યારે એને જીવંત, રસિક, વધુ પ્રભાવક અને ચોટદાર બનાવવા આંખ, મોં, અને હાથની કેટલીક ભંગીઓ, મુદ્રાઓ, ચેષ્ટાઓ અને હાવભાવ પણ ઉપયોગમાં લઈએ છીએ. આ આંગિક અભિનય જે શ્રોતાઓને જકડી રાખે છે. કારણ કે, શ્રોતાઓની નજર હંમેશાં વક્તા તરફ મંડાયેલી રહે છે.
વ્યક્તિ કયા પ્રકારના સંભાષણમાં તૈયારી કરવા ઈચ્છે છે તે અતિ મહત્વનું છે. તેને આધારે આયોજન થાય છે. પ્રશ્નોત્તરી છે ? વાદવિવાદ છે ? કોઇ ઘટનાનું વર્ણન છે ? માહિતિની આપ લે છે ? વચન કે પ્રવચન આપવાની, ઉશ્કેરણી કરવાની, રમૂજ કરવાની, કટાક્ષના ચાબખા મરવાની, હૂકમો કરવાની, વાર્તા કહેવાની કે વર્ગશિક્ષણની કામગીરી કરવાની છે. આ માટે ભાષા પર પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે.
ભાષા પ્રભુત્વ માટે સંસ્ક્રૂત માં કહ્યું છે કે “ યદા યદા મુગ્ચતિ વાક્ય બાણં તદા તદા જાતિ કુલ પ્રમાણં માણસ” બોલે અને એના બોલે ફૂલ ખરે, સામા માણસને વશ કરી લે, એના વ્યક્તિત્વની સુવાસ ફેલાવી દે, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે અને એમના ઉપર છવાઇ જાય.
અસરકારક વાક્ કળા માટે ઉચ્ચારણ ખૂબ મહત્વનું છે. યોગેન્દ્ર વ્યાસ ઉચ્ચારણ દોષનાં કારણો દર્શાવતાં ‘બોલી’ ને રજૂ કરતાં ઉદાહરણો રજૂ કરે છે. જેમકે
- બાળપણથી કાલુ બોલવાની ટેવ પડી હોય.
- -‘ળ’ ને સ્થાને ‘ર’અથવા ‘લ’, ‘ડ’, ને સ્થાને ‘ળ’ અથવા ‘ળ’ ને સ્થાને ‘ડ’‘ન’ ને સ્થાને ‘ણ’ અથવા ‘ણ’ ને સ્થાને ‘ન’, ‘સ’ ને સ્થાને ‘શ’ અને ‘શ’ ને સ્થાને ‘સ’ ‘ઓ’ ને સ્થાને ‘ઑ” , એ ને સ્થાને ‘ઍ’, ‘આં’ ને સ્થાને ‘ઓં’, ઇ ને સ્થાને ‘એ’ , ‘સ’ ને સ્થાને ‘હ’ જેવાં ઉચ્ચારણોને કારણે બોલવાની ઝડપ કે ક્ષોભ કે ગભરાટ ને કારણે ઉચ્ચારણદોષ સંભવે છે.
ઉચ્ચારણોની ચોક્કસાઈ રાખવાના મુદ્દા:-
-સ્વસ્થતાનો ગુણ કેળવવો.
-આત્મવિશ્વાસ કેળવવો.
-વિષય પર પ્રભુત્વ
-ક્લિષ્ટ શબ્દપ્રયોગોને બદલે સરળ શબ્દો પંસદ કરવા
-મોટે મોટેથી બોલવાનો અભ્યાસ કરવો જેમકે; “સ્ટેશન પરના શો-કેઈસમાં શનિવારે સવારે શું સરસ પુસ્તકો જોયાં !” – જેવા વાક્યો ઝડપથી બોલવાની ટેવ પાડવાનો પ્રયત્ન કરવો જોઇએ.
-બોલીનાં ઉચ્ચારણોની ખામી દૂર કરવા માન્ય ઉચ્ચારણોનો અભ્યાસ કરવો જોઈએ.
-વાતચીત, કથનને વક્તવ્યમાં ભાષાના લય પર ધ્યાન આપવું
-શ્રોતાગણ ને જકડી રાખવા માટે આંગિક અભિનય
-કથનના ભાવને વધુ જીવંત, ચિત્રાત્મક ચોટદાર બનાવવા ધ્વનિશ્રેણીઓ જે અર્થ કે માહિતીનું વહન કરે તેને વધુ પારદર્શક કે સ્પષ્ટ કરવા આંગિક અભિનય મહત્વ નો ભાગ ભજવે છે.
વાક્ કૌશલ માટે કેવી કેવી કવાયતો કરી શકાય તેની વિગતવાર સમજ ઉદાહરણ સાથે ડૉ. યોગેન્દ્ર વ્યાસ આપે છે. જેમકે, પુનરાવર્તનની કવાયત, ખાલી જગ્યા પૂરોની કવાયત, પ્રશ્નોત્તરીની કવાયત, વર્ણનોની કવાયત – આ કવાયત દ્વારા વ્યક્તિમાં અભિવ્યક્તિની સાથે શબ્દભંડોળ, તર્કશક્તિ, લેખનકળા, સર્જંનશક્તિનો પણ વિકાસ થાય તેમજ શાળા, કોલેજ કક્ષાએ શિક્ષક –વિદ્ર્યાર્થી તેમજ કોઇપણ અધ્યેતાને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ જણાવવામાં આવી છે. સંવાદોની તાલીમ દ્વારા વિદ્ર્યાર્થીની શક્તિને કસવાની તક મળે એ જરૂરી છે. વાક્ય રૂપાંતરની તાલીમ દ્વારા એક વાક્યને અનેક રીતે, એ જ અર્થ વ્યક્ત થાય તે રીતે રજૂ કરવાની તાલીમ આપી શકાય. જેમકે, ‘ ચા ઓછી ખાંડવાળી છે’,’ ચામા ખાંડ ઓછી છે.’, ‘ચામાં મારે જોઇએ એટલી પૂરતી ખાંડ નથી.’
સાદા વાક્યને પ્રશ્નાર્થ કે આશ્ચ્રર્ય, હકારને નકાર, નકારને હકાર, સરળ ને સંકુલ વાક્યો, લાંબા વાક્યોને ટૂંકા વાક્યોમાં અથવા ટૂંકા વાક્યોને ભેગા કરી ઓછાં શબ્દો દ્વારા રજૂ કરવાની તાલીમ મળે તો ભાષાભિવ્યક્તિ અસરકારક બને.
વાતચીતનું કૌશલ
“વાતચીતનું કૌશલ એ બધાં કૌશલ્યોમાં પાયાનું કૌશલ છે.” એમ જણાવતાં ડૉ. યોગેન્દ્ર વ્યાસ પ્રશ્નો પુછવાની રીત અને તેનો યોગ્ય પરિસ્થિતિ અનુસાર જવાબ આપવાની કળાને મૂક્તાં ઉદહરણો રજૂ કરે છે.
પ્રશ્નોના ઉત્તર કેવી રીતે ઝડપથી છતાં પ્રભાવક રીતે આપી શકાય તે માટેની તાલીમ કેવી હોઈ શકે તે જણાવતાં તેઓ બે પ્રકારની રીતો રજૂ કરે છે. “(૧) તમને કોઇ પ્રશ્નો પૂછે અને તમે ઉત્તરો આપો. એ જ પ્રશ્નના બીજાઓએ આપેલા ઉત્તરો સાથે તમારા ઉત્તરો સરખાવો. (૨) બીજી રીત તમારી જાતે તૈયાર થવાની છે. પ્રશ્નોની યાદી બનાવો. એક પછી એક પ્રશ્ન લઈ એ પ્રશ્નના સંભવિત હોય એટલા બધા ઉત્તરોની યાદી બનાવો.”
વાતચીતના કૌશલ માટે કેવા ગુણો વિકસાવવા જોઇએ ? તર્કશક્તિ, તરત જવાબ આપવાની ફાવટ, સામાની વાતને યોગ્ય મોકો મળતાં સહજ રીતે ખોટી સાબિત કરી દેવાની સૂઝ, ચર્ચા પરાકાષ્ટાએ પહોંચે કે તરત તમારી વાત જ સાચી છે તેવું પૂરવાર કરી દેવાની આવડત જેવા ગુણો વાતચીત ક્ળાને અસરકારક બનાવે છે.
વાર્તાકથનનુ કૌશલ
વાર્તાકથન કરનાર પાસે એક ચોક્કસ હેતુ હોવો જોઈએ જેમકે વાર્તાકથનથી ચિત્તશક્તિ-તર્કશક્તિ, કલ્પનાશક્તિ, ગ્રહણશક્તિ, સમજશક્તિ પૃથક્કરણશક્તિ, સંયોજનશક્તિ, યાદશક્તિનો વિકાસ થાય. બાળક વધુ બુદ્ધિશાળી અને સમજ્દાર થાય તેમજ શ્રવણકૌશલ કેળવાય તો વાર્તાકથન ફળદાયી અથવા પરિણામદાયી બને.
વાર્તા કઇ રીતે કહેવી એ પણ એક કળા છે જેમકે, “બાળક્ની પાચન શક્તિ કેળવવા માટે સમજ્દાર મા શરૂઆતમાં બાળકને તદ્દન સરળતાથી પચી જાય તેવો દુગ્ધાહાર, રસાહાર, ફળાહાર અને અન્નાહાર તેમ તબક્કાવાર ખોરાક આપે છે. તેમ વાર્તા કથનમાં કરવાનું છે .“ બાળકને તેની વય, પક્વતા અનુસાર સમજાય એ રીતે વાર્તા કહેવી જોઇએ. જેથી એની ભાષા સમૃદ્ધ બને.
બે અઢી વર્ષના બાળકને વાર્તા કહેતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ?
-જાણીતાથી અજાણ્યા, પરિચિત પરથી અપરિચિત તરફ ગતિ કરવી.
-ટૂંકા વાક્યોનો ઉપયોગ કરવો . જેમકે; ‘એક હતી ચક્લી.’
-વાક્યોનું પુનરાવર્તન કરવું.
-પ્રાસાનુપ્રાસવાળાં અને લયવાળા વાક્યોનો ઉપયોગ કરવો.
-વયક્ક્ષા અનુસાર વાર્તા. શબ્દો, વાક્યોનો ઉપયોગ કરવો જોઇએ.
-ગદ્ર્યલય અને અભિનય સાથે વાર્તા રજૂ કરવી જોઇએ.
વાર્તાકથનથી બાળક્ની અમૂર્તિકરણની શક્તિમાં વધારો થશે અને એવું બાળક ગણિત ભાષા , ગણતરીઓ, પૃથકકરણ અને સંયોજનમાં પ્રવીણ થશે. વાર્તાકથનથી ભાષાનો લય અને એ લયની સાથે વણાઈને આવતી ભાષાસામગ્રી બાળક માટે આત્મસાત કરવી સરળ બનશે. “વાર્તાકથન જેટલું સરળ, લયબદ્ધ, પ્રવાહી, રસપૂર્ણ એટલી બાળકની ભાષાગ્રહણની મથામણ ઓછી ઝડપી, વ્યવસ્થિત અને ચોક્કસ બનાવવાની.”
વર્ગશિક્ષણ
પ્રકરણ-૪ માં શિક્ષકે કેવી રીતે વર્ગશિક્ષણ કાર્ય કરવું? શિક્ષક સજ્જ્તાની વાત કરવામાં આવી છે. શા માટે શીખવા જેવું છે? એની ઉપયોગિતા અને મહત્વ વિશે જો જાણકાર બને તો તેથી વિદ્ર્યાર્થી પ્રેરાશે . “ પ્રેરણા (Motivation) જેટલી તીવ્ર, ગરજ એટલી વધુ એટલી મથામણ , પ્રયત્ન, મહેનત, ધ્યાનની કેંન્દ્રીતા વધુ.”
વર્ગશિક્ષણ કરતી વખતે શિક્ષક પક્ષે કઈ કાળજી લેવાવી જોઇએ?
-શિક્ષક વિષયથી સજ્જ હોવો જોઇએ. (મુદ્દાની સ્પષ્ટતા હોવી જોઇએ.)
-ઈત્તર સહાયક સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ જેથી વિષય અસરકારક રીતે શીખવી શકાય. જેમકે , નકશાઓ, સ્લાઇઝ માટી, અન્ય ધાતુઓના નમૂનાઓ, જીવંત તથા વાસ્તવિક પદાર્થો વગેરે.....
-શિક્ષકની ભાષા પૃથકકરણ, સંયોજન, વિવરણ અને ખુલાસાની હોવી જોઇએ
-વિદ્ર્યાર્થીઓના સ્તરની ભાષા હોવી જોઇએ. (વય, વાતાવરણ, પર્યાવરણ, સામાજિક-ભૌગોલિક સ્થાન અનુરૂપ.)
-વર્ગશિક્ષણ પહેલા પાઠ્યપુસ્તકનું અધ્યયન શિક્ષકે કરવું જોઇએ.
-બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં રજૂઆત કરવી જોઇએ.
ડૉ. યોગેન્દ્ર વ્યાસ વર્ગશિક્ષણ કાર્યમાં શિક્ષક પક્ષે કઇ-કઇ જવાબદારી રહેલી છે તે જણાવતા કહે છે કે “પોતે જે વિદ્ર્યાર્થીઓને શીખવે છે તે વિદ્ર્યાર્થીઓના સ્તરની ભાષાને વિવરણની રીતે વાપરતાં આવડે તો વર્ગશિક્ષણ સફળતાથી થાય.”
વકતૃત્વ : એક વિશિષ્ટ વાક કૌશલ
“વકતૃત્વ એ કેળવવી પડે એવી અભ્યાસપૂર્વક સિદ્ધ કરવી પડે એવી કળા છે.” વકતૃત્વની વ્યાખ્યા આપતા કહે છે કે ; “ કોઇક જૂથની સામે પોતાના વિચારો, લાગણીઓ સંવેદનો વગેરે ધારાવાહી રીતે, સળંગ, સતત, મૌખિક રીતે રજૂ કરવાનું જે કૌશલ છે તે વકતૃત્વ.“
સારા શ્રોતા એ સારા વક્તા બની શકે છે. એવું આપણે સાંભળેલું છે. સારો શ્રોતા વક્તાને તેમજ તેના ભાષણનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ , અવલોકન કરશે. પૃથકકરણ અને વિવેચનાત્મક દ્રષ્ટિથી મહત્વના તેમજ બિનજરૂરી મુદ્દાને વિવેકશક્તિ અને અવલોકન શક્તિથી તારવશે. “ જે સારો રીડર છે અને નીડર છે એ જ સારો લીડર બની શકે .” એવુ કહેવાય છે કે કવિઓ બનતા નથી જન્મે છે. શિક્ષકો જન્મે છે બનતા નથી. તેમ વક્તાઓ જન્મે છે બનતા નથી. આવા સૂત્રો આપણે સાંભળીએ છીએ છતાં કવિઓ કે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે એમ સારા વક્તા બનવા માટે પણ તાલીમની જરૂર હોય છે.
સારા વક્તા કેવી રીતે બની શકાય ?
-સારા શ્રોતા બનો.
-ભાષા પર પ્રભુત્વ કેળવો
-માન્ય ભાષાના ઉચ્ચારણોનો આગ્રહ રાખો
-નાનાં-મોટાં જૂથો સમક્ષ ૩૦-૪૦ મિનિટ બોલવાની ટેવ પાડો
-પ્રસંગ અનુરૂપ પ્રસ્તુત – અપ્રસ્તુતનો વિવેક
-મુદ્દાઓની ક્રમબધ્ધ વ્યવસ્થિત રજૂઆત
-મૌખિક સરળ, સાહજિક અભિવ્યક્તિ
-ભાષાનો સભાન રીતે ઉપયોગ
-વિશેષણો, અલંકાર, કહેવત, રૂઢિપ્રયોગ તેમજ વિષય અનુસાર ઉદાહરણ દ્વ્રારા ભાષાનો સમતોલ ઉપયોગ કરો.
-સારા વાચક બનો
-સ્થળ, સમય પ્રમાણે સંબોધન કરવું એ એક આગવી છાપ ઉપસાવે છે.
-પહેરવેશ
-આંગિક અભિનય
-આત્મવિશ્વાસ
-બોલવાની ઝડપ / વાક્યોનું પુનરાવર્તન
-પ્રયોગદાસ્યનો ઉપયોગ ટાળવો. (એકના એક બોલાતાં શબ્દો, વાક્યોનો ઉપયોગ ટાળવો.)
-પ્રમાણભાન : યોગ્ય મુદ્દાને મહત્વ આપવું જોઇએ.
-આંતર વિરોધી વાક્યોનો ઉપયોગ ટાળવો જોઇએ.
-ઉચિત આંકડાઓ, અવતરણો, ર્દષ્ટાંતોથી સમર્થિત વકતવ્ય હોવું જોઇએ.
-પરિસંવાદો, ચર્ચાસભાઓ, મોકકોર્ટ, વકતૃત્વ જેવી સ્પર્ધાઓમાં અગાઉ બોલી ગયેલા
-વક્તાઓએ રજૂ કરેલા મુદ્દાની નોંધ લઈને નવા મુદ્દાઓ સાથે વક્તવ્ય રજૂ કરવું જોઇએ
વકતૃત્વનું પરીક્ષણ
વકતૃત્વમાં નિર્ણાયકે કયા - કયા માપદંડોનો ઉપયોગ કરવો જોઇએ ? કયા મુદ્દાને કેટલા ગુણ ફાળવવા જોઇએ ? તેની ચર્ચા કરતા તેઓ ભાષાસજ્જ્તાને મુખ્ય જણાવે છે. એ સાથે આરોહ – અવરોહ, વિષય મુદ્દાને યોગ્ય ન્યાય, ઉદાહરણ, આંગિક અભિનય, સ્વસ્થતા, સંબોધન જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી વકતૃત્વનું પરીક્ષણ કરવું અને ગુણ ફાળવવા જણાવે છે.
અંતે ડૉ. યોગેન્દ્ર વ્યાસ તાલીમ સહિત ની સ્પર્ધામાં પોતાના અનુભવોને રજૂ કરતાં વિદ્ર્યાર્થીઓને કેવી રીતે વકતૃત્વ કળા માટે તૈયાર કરવા, કેવી શિબિરોનું આયોજન કરવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી કે જેથી વિદ્યાર્થી તેમાં અસરકારક સાબિત થાય.
વકતૃત્વકળા એ ભાષા સાથે સંક્ળાયેલ કૌશલ છે. વકતૃત્વ કળા દ્વ્રારા આપણે વિદ્ર્યાર્થીઓ, શિક્ષકો તેમજ વક્તા અને શ્રોતા દરેક પાસે ભાષાને અસરકારક રીતે પહોંચાડી શકીએ છીએ. ભાષાને એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ સુધી વહેતી કરીએ છીએ. જેથી વ્યક્તિ જે - તે વિષય તેમજ ભાષામાં પ્રવીણ પણ બને છે. આમ વકતૃત્વ કળા એ ભાષાના અભિન્ન અંગ તરીકે દરેકે આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ ભાષાજીવી માટે અમૂલ્ય બાબત છે. જેથી વ્યક્તિત્વનો વિકાસ થાય.
આ પુસ્તક બાળકો, વિદ્ર્યાર્થીઓ. મા-બાપ, શિક્ષકો. અધ્યાપકગણ, વક્તાઓ અને શ્રોતા દરેકને ઘણું ઉપયોગી થાય તે હેતુસર વિચારોની રજૂઆત ડૉ. યોગેન્દ્ર વ્યાસે મૂકેલ છે.
સંદર્ભગ્રંથો::
- ‘વાકકૌશલ’ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ – ૧૯૮૭) પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ
- ‘બોલીવિજ્ઞાન’ અને ગુજરાતની બોલીઓ’ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ – ૧૯૭૪) યુનિર્વસિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ
- ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ (ત્રીજી આવૃતિ – ૨૦૦૬) નવસર્જન પબ્લિકેશન
- ‘ભાષા સમાજ અને સાહિત્ય ‘- ડૉ યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ – ૧૯૭૫) આદર્શ પ્રકાશન, અમદાવાદ
- ‘ભાષા સજ્જ્તા અને લેખન કૌશલ’ - ડૉ. યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ – ૧૯૮૫) નવસર્જન પબ્લિકેશન
- ‘ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ’ - ડૉ. યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ-૨૦૦૨) પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- ‘શબ્દાર્થચર્ચા - ડૉ. યોગેન્દ્ર વ્યાસ (પ્રથમ આવૃતિ -૨૦૦૨) પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ