Download this page in

જાપાની તાન્કા ગુજરાતી કવિતામાં : રૂપ વિમર્શ

તાન્કા કાવ્યરૂપ જાપાનમાં છેક દંતકથાના સમયથી ખેડાતું રહ્યું છે. ‘તાન્કા’ કવિતાનું મૂળ જાણવા માટે જાપાની શૃંખલિત પદ્યપદ્ધતિને સમજવી જ રહી, આ શૃંખલિત પદ્યપદ્ધતિને સમજવા માટે જાપાનના નિવાસીઓની કવિતા સર્જનની મનોભૂમિ સુધી પહોંચવું આવશ્યક છે. જાપાનમાં કવિતાને વિશેષજ્ઞતાની વસ્તુ નથી માનવામાં આવી, કોઈ પણ વ્યક્તિ કવિતા રચી શકે છે; એનું સાહિત્યિક મૂલ્ય કેટલું હશે એ એક જુદો પ્રશ્ન છે પરંતુ જાપાની કવિતાના ઉદ્ભવમાં મનુષ્યની સહજ પ્રેરણા છે.

જાપાની લોકો આરંભે છેક દંતકથાના યુગથી લાગણીઓની ક્ષણોમાં ગીતો ગાતા રહ્યા છે, તેમની કવિતામાં ખાસ કરીને પ્રેમ, યુદ્ધ અને મિજબાનીઓ તેમના આદિમ જીવનના મહત્ત્વના પાસાં હતા. નારા યુગ (ઈ.સ. ૭૧૦ થી ઈ.સ. ૭૯૩)માં કુદરત-પ્રકૃત્તિને જોવાની દૃષ્ટિ વધી, ત્યારથી ‘તાન્કા’ અને ‘હાઇકુ’ કવિતા આવી. આ પ્રકારની કવિતામાં મુખ્યત્વે પ્રકૃત્તિનું નિરૂપણ કરવામાં આવતું.

તાન્કા જાપાની કાવ્યશૈલી ‘વાકા’નો એક પ્રકાર છે. દસમી સદીની શરૂઆતમાં વાકાનો કાવ્યપ્રકાર ‘તાન્કા’ ખૂબ પ્રચલિત થયો હતો, જાપાનમાં ‘ચોકા’ કાવ્યપ્રકાર પણ ખેડાતો, પરન્તુ ખૂબ ગણ્યા-ગાંઠ્યા કવિઓ જ આ પ્રકારમાં રચનાઓ કરતાં. તે પછી ‘વાકા’ કાવ્યપ્રકારને ‘તાન્કા’ જ માની લેવામાં આવ્યો. ‘તાન્કા’ કાવ્યપ્રકાર હાઇકુથી પણ બારસો વર્ષ જૂનો છે. ઘણાં બધાં ફેરફારો પછી ‘તાન્કા’ કાવ્યપ્રકાર જાપાની કવિતામાં સ્થિર થયો અને ખૂબ પ્રચલિત થયો. તાન્કામાં ક્રમશઃ પાંચ-સાત-પાંચ, સાત-સાતના ક્રમમાં કુલ ૩૧ વર્ણ અને પાંચ પંક્તિઓ હોય છે. આ તાન્કાના બે ભાગ હોય છે. પહેલા ખંડ (પાંચ-સાત-પાંચ)ને ‘કામિ- નો- કૂ' એટલે કે ઉચ્ચતર વાક્યાંશ જ્યારે બીજા ખંડ (સાત-સાત)ને ‘શિમો- નો- કૂ' એટલે કે નિમ્ન વાક્યાંશ કહેવાય છે. આઠમી સદીમાં સંપાદિત થયેલ જાપાનનો સૌથી જૂનો કાવ્યસંગ્રહ ‘માન્યોશૂ'માં તાન્કા પ્રકારની રચનાઓ જોવા મળે છે. જાપાની કવિતાનો સૌપ્રથમ સંપાદિત સંગ્રહ ‘માન્યોશૂ’ છે. જેમાં ત્રીજી-ચોથી સદીથી માંડીને આઠમી સદી સુધીના ૨૬૦ કવિઓનાં લગભગ ૪૫૧૫ જેટલાં કાવ્યો સંગ્રહાયેલ છે. ‘માન્યોશૂ’ની મોટા ભાગની કવિતાઓ ગીત-મુક્ત પ્રકારની છે. અહીં સંગ્રહાયેલા કવિઓ તેમની કવિતામાં સમાજના બધા વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમકે, રાજપરિવારના સદસ્ય, સામંત, સૈનિક, દરબારી, કવિ, ખેડૂત, ગૃહણીઓ અને અજ્ઞાત કવિઓ છે. તાન્કા કવિતામાં સાદગીની સાથે સાથે વિષયવૈવિધ્ય પણ જોવા મળે છે. જાપાની કવિતામાં પ્રકૃત્તિના પ્રતિ સહજ આકર્ષણ, દેશ-ભૂમિ પ્રત્યે અતૂટ પ્રેમ, પારિવારિક સંબંધોની સરળ અભિવ્યક્તિ અને જીવન જીવવાની અદમ્ય લલક છે. સ્વરૂપ પ્રમાણે જોઇએ તો, ‘માન્યોશૂ’ની કવિતામાં મુખ્યત્વે ત્રણ રૂપો જોવા મળે છે. ચોકા, સેદોકા અને તાન્કા. તેમાં ‘ચોકા’ લાંબી કવિતાનો પ્રકાર છે. માન્યોશૂ કાવ્યસંગ્રહમાં ૨૬૨ ચોકા છે. ‘સેદોકો’ ક્રમશઃ આ પાંચ-સાત-સાત-પાંચ-સાત-સાત વર્ણની છ પંક્તિઓનું કાવ્ય હોય છે. સેદોકાની કુલ સંખ્યા માન્યોશૂમાં ૬૧ની છે.

બીજા જાપાની પ્રકારોની કવિતા કરતાં 'તાન્કા' કાવ્યની સંખ્યા ‘માન્યોશૂ’ સંપાદિત કાવ્યસંગ્રહમાં સૌથી વધારે છે, જેમાં ૪૦૦૦થી પણ વધારે તાન્કા કાવ્યો છે. તાન્કાનો શાબ્દિક અર્થ થાય છે; ‘લઘુ-ગીત’. ‘માન્યોશૂ’ સંપાદિત કાવ્યસંગ્રહનો સમય જાપાની ઇતિહાસમાં ‘નારા યુગ’થી ઓળખાય છે. એ પછી આઠમી સદીના અંતથી માંડીને બારમી સદી સુધીનો યુગ ‘હૈયાન યુગ’થી ઓળખાય છે. આ સમયગાળો શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિના વિકાસનો યુગ છે. કવિતાક્ષેત્રમાં ‘માન્યોશૂ’નો તાન્કા કાવ્યપ્રકાર કવિતામાં લોકપ્રિય માધ્યમ તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો હતો; આ પ્રકારની કવિતાને રાજદરબારમાં પર્યાપ્ત સન્માન, પુરસ્કાર આદિ આપવામાં આવતું. સમ્રાટના આદેશ પર ‘નોસ્તુરાયુક્તિ’એ ઈ.સ. ૯૦૫માં એક નવા કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું. જેમાં છેલ્લા દોઢસો વર્ષની શ્રેષ્ઠ અને પ્રતિનિધિ રચનાઓ સંકલિત થયેલી છે. જે સંપાદિત કાવ્યસંગ્રહનું નામ હતું ‘કોકિન્શૂ’ અર્થાત્‘પ્રાચીન અને આધુનિક કવિતા સંગ્રહ’. આ સંપાદિત કાવ્યસંગ્રહમાં નવી અને જૂની ૧૧૦૦ જેટલી કાવ્ય રચનાઓ સંકલિત કરવામાં આવી હતી. ઈ.સ. બારસોથી માંડીને સોળસો સુધીનો સમયગાળો ‘કામાકુરા યુગ’ (ઈ.સ. ૧૧૯૨ થી ઈ.સ. ૧૩૩૩) અને ‘મુરામાચી યુગ’ (૧૩૬૪ થી ૧૫૭૩) એમ બે યુગમાં વિભાજીત છે. ‘કોકિન્શૂ’ પછી આવી કવિતા સંપાદનની એક પરમ્પરા ચાલી. તેરમી સદીના આરંભે ‘ફુજિવારા તેઈકા’એ ‘શિન કોકિન્શૂ’ અર્થાત્‘નયા પ્રાચીન તથા આધુનિક કવિતા સંગ્રહ’ નામે સંપાદન કર્યું. તે પછી બીજા ચાર અન્ય સહયોગીઓ સાથે મળીને તેઓએ ઈ.સ. ૧૨૩૫માં ૧૦૦ શ્રેષ્ઠ તાન્કા કાવ્યોને ભેગા કરીને, એક કાવ્ય સંપાદન કર્યું. વસ્તુતઃ આ સમય તાન્કા કાવ્યપ્રકારના ઉત્કર્ષનો સમયગાળો હતો. આ સંપાદિત કાવ્યસંગ્રહમાં સંગ્રહાયેલ ૧૦૦ જેટલાં કાવ્યો જુદા જુદા કવિઓ દ્વારા રચાયેલા જોવા મળે છે. આ કવિતા સંપાદનના ગ્રંથનું નામ હતું - ‘શત કવિ શતક’ (સો વ્યક્તિ: સો કવિતા).

તાન્કા કાવ્યપ્રકારમાં પાંચ-સાત-પાંચ, સાત-સાત વર્ણની પાંચ પંક્તિઓને આસાનીથી બે ખંડોમાં પાંચ-સાત-પાંચ અને સાત-સાત એમ છૂટી પાડીને પઠિત થાય છે. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો, તેમ તેમ કવિતા પ્રત્યે અભિજાત વર્ગની રુચિ જાગ્રત થઈ અને તાન્કા કવિતા માનસિક વિકાસ, સાંસ્કૃતિક અભિરુચિનું પ્રતીક બની; કવિતા પ્રતિયોગીતાનો એક પ્રિય ખેલ બની ગયો. જેમાં તાન્કાની પ્રથમ ત્રણ પંક્તિઓની રચના કોઈ એક વ્યક્તિ (કવિ) કરતી, અને બાકીની બે પંક્તિની રચના કોઈ બીજી પ્રતિયોગી વ્યક્તિ (કવિ) માટે છોડી દેવામાં આવતી. આવી રીતે એક અને એકથી વધારે વ્યક્તિઓ મળીને ‘તાન્કા’ કવિતા લખાવાની શરૂઆત થઈ. ત્યારથી ‘રેંગા’ પ્રકારની કવિતા, અર્થાત્ હારમાળા પદ્ય-રચનાની પરમ્પરાનો વિકાસ આરંભાયો. આગળ જોયું તેમ હારમાળા પદ્ય-રચનામાં એવું હોય છે કે, પહેલો વ્યક્તિ પાંચ-સાત-પાંચનાં ક્રમમાં ત્રણ પંક્તિઓ લખે છે, એ પછી બીજો વ્યક્તિ સાત-સાત એમ અંતિમ બે પંક્તિઓ રચે છે. એવી રીતે ત્રીજી વ્યક્તિ બીજાએ લખેલી બે પંક્તિઓને ધ્યાનમાં રાખીને આગળની પાંચ-સાત-પાંચ વર્ણની પંક્તિઓ લખે છે. આ ત્રણ પંક્તિઓનું આગળની પંક્તિઓ સાથે અનુસંધાન હોવું એ અનિવાર્ય નહોતું. આ હારમાળા જેવી રચના આ જ રૂપે આગળને આગળ વધતી રહી. ઈ.સ. ૧૪૮૮માં સોગિ, શોહાકુ અને સોચો નામના ત્રણ પ્રસિદ્ધ કવિઓએ આવી હારમાળા પદ્યરચનામાં કરી હતી. ભારતીય હિન્દી સાહિત્યમાં પણ આવા પ્રયોગો જોવા મળે છે. જેમકે, આલમ અને શેખ દ્વારા રચિત દોહા.

આ કાવ્યપ્રકારનું મુખ્ય લક્ષણ છે કે, જેમાં ભાવનાઓનો સંપૂર્ણ વિસ્તાર સહજ રૂપે કરવામાં આવે છે. સાંકેતિક ભાષાના પ્રયોગ દ્વારા આ કાવ્યપ્રકાર વધારે અર્થગર્ભિત બને છે. ‘તાન્કા’ અનુભવની કવિતા છે. જેમાં ઉપનામ યોજના પ્રયોગ એને વધારેને વધારે સમ્પ્રેક્ષણીય બનાવે છે. આ કાવ્ય આપણને સંજ્ઞાકાવ્યથી માંડીને ક્રિયાકાવ્ય સુધી લઈ જાય છે. ‘તાન્કા’ સ્પષ્ટ વાણીમાં વ્યક્ત કરવામાં આવે છે. સરળ અને સાદી શૈલીમાં જો કહીએ તો, દોરામાંથી કપડું બનાવીએ ત્યાં સુધી, બીજથી વિશાળકાય વૃક્ષ સુધી, એ રેખાઓથી શરૂ કરીને એક સુંદર મજાના ચિત્ર સુધી, એમ કહી શકાય કે સ્વરથી માંડીને સંગીત સુધીની આ યાત્રા છે. સવારમાં પક્ષીઓના મધુર અવાજ, પોતાની ‘મા’થી છૂટા પડેલાં વાછરડાંનું ભાંભરવું, પથ્થરોની વચ્ચે થઈને વહી રહેલા ઝરણાનું સંગીત, હલકી હવાની સાથે પીપળાના પાન તાળી પાડીને હવાનું આગમન કરતાં હોય, જરી ગયેલા પાનોની સરસરાહટ, વાંસના ઘસાવાથી ઊભો થતો અવાજ, પાન ઉપર પડતા વરસાદનો અવાજ, તરસી ભૂખી ચકલીઓ ઘરની પાસે આવીને ચીં ચીં કરી મૂકે તેનો અવાજ, આ બધામાં એક પ્રકારનો લય- સંગીત છે, આ લયને બાંધવાનો પ્રયત્ન પ્રકૃત્તિ ની સાથે સાથે જીવન-જગતમાં પણ કરવામાં આવ્યો છે. જ્યારે આવો જ કોઈ લય નિયંત્રિત થઈ જાય ત્યારે, તે છંદમાં પરિણામે છે. જીવનમાં લય હોવો જરૂરી છે. ભક્તિનો લય ઊર્ધ્વ થઈ લીન સુધી અને અનંત સુધી વિસ્તાર પામે છે. લય ન હોવાનો અર્થ એ છે કે, જીવનના આત્મીય સંવાદનો અભાવ. પૃથ્વી-સૃષ્ટિ કોઈ પણ સીમા ભૌગોલિક સીમાને જાણતી નથી અને માનતી પણ નથી. સાહિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ જો સંકુચિત ભૌગોલિક અને ક્ષેત્રીય સીમાઓનો દાસ હોય, તો એ જે કંઈ હોય, પણ સાચો સાહિત્યકાર નથી. જાતિ, સંપ્રદાય, પદ સૌથી પહેલા વ્યક્તિની સહજતા ઝૂંટવી લે છે. એ પછી બધુ સ્વતઃ વિલીન થઈ જાય છે. લયને જીવંત કરવાવાળા છંદની આ પરંપરામાં ભારતીય કવિતાની સાથે સાથે હૃદયની વ્યાપકતાને કારણે જાપાનના છંદો-લયની રચના ભારતીય ભાષાઓના કવિઓને ખૂબ ગમી છે. આઠમી સદીમાં ‘સેદોકા’ કાવ્યપ્રકાર જાપાનમાં ખૂબ પ્રચલિત હતો. તે પછી તેની ખ્યાતિ ઓછી થઈ. એનું સ્થાન તાન્કા આદિ પ્રકારોએ લીધું. ‘સેદોકા’ કવિતા પ્રેમી અથવા તો પ્રેમિકાને સંબોધિત કરવામાં આવતી હતી. આ પાંચ-સાત-સાત, પાંચ-સાત-સાતના બે પદો દ્વારા અધૂરી રચનાઓ મળીને સંપૂર્ણ રચના બનતી. જેને ‘કતૌતા' કહેવામાં આવતી. આ બે અધૂરા ભાગ ભેગા મળીને ‘સેદોકા’ કાવ્ય બનતું હતું.

આ બન્ને ભાગોમાંથી પહેલો ભાગ પાંચ-સાત-પાંચ પણ થઈ શકતો, પણ પહેલો ભાગ તાન્કાનો હિસ્સો હોવાને કારણે પાંચ-સાત-સાતની શૈલીને આધાર તરીકે માન્ય રખાઈ. આ ભાગો પ્રશ્નોત્તર રૂપે અથવા તો કોઈ સંવાદના રૂપમાં પણ યોજાતા હતા. આઠમી સદી પછી આ કાવ્યપ્રકાર ‘સેદોકા’ ઢીલો પડી ગયો. ‘કતૌતા’માં એક સળંગ રચના નથી હોતી, એની રચના બે ભાગમાં જોવા મળે છે, જેમાં કોઈ પણ એક વિષય પર નિશ્ચિત સંવેદના, કલ્પના અથવા તો જીવન અનુભવ હોય છે. બન્ને ‘કતૌતા’ પોતાની સંવેદના નિરૂપણ સાથે હોય છે. એક ભાગ બીજા ભાગ સાથે મળીને સપૂર્ણ રૂપ પામે છે. વિષયવસ્તુનો પ્રતિબંધ ‘કતૌતા’માં નથી. આ કોઈ પણ સંવેદન સાથે જોડાયેલી કવિતાનો કાવ્યપ્રકાર છે.

લઘુ-રચના તાન્કા ઊર્મિકાવ્યનો પ્રકાર છે. અર્થગર્ભતા, ઇંગિતો, લાઘવ અને અધ્યાહાર તાન્કાનો આત્મા છે. ખૂબ ટૂંકા ફલકમાં નકામાં ભાગને છોડી દઈને પૂર્ણને પ્રગટ કરવાની મથામણ તાન્કાના કવિએ કરવાની હોય છે. તાન્કાનો હાસ્યપ્રકાર ‘ક્યોકા’ (Kyoka) નામથી ઓળખાય છે. આ પ્રકારમાં શબ્દરમત, હાસ્ય, રમૂજ અને કટાક્ષ વગેરે જેવા ભાવો જોવા મળે છે. જાપાની કવિતામાં મોટે ભાગે આવી કાવ્યરચનાઓ અશિષ્ટ ભાષામાં રચાયેલી જોવા મળે છે. ક્યારેક તેમાં અશ્લીલ વિષયનું નિરૂપણ પણ થાય છે.

ગુજરાતી કવિતામાં જ્યારે જ્યારે જાપાની કાવ્ય પ્રકારો વિશે અત્યાર સુધીમાં જે ચર્ચા-વિચારણાઓ થઈ છે, તેમાં એક રીતે જોઇએ તો સ્વાભાવિકપણે હાઇકુ કેન્દ્રીય સ્થાને જોવા મળે. પાશ્ચાત્ય હોય કે પૂર્વ પ્રત્યેક કવિતાની સભ્યતા અને સંસ્કૃતિના મૂળમાં પોત પોતાના પ્રાચીન કાવ્યપ્રકારોની આખી પરમ્પરા અને કાવ્યશાસ્ત્રની વિભાવના પણ રહેલી છે. આપણી ભારતીય કાવ્યશાસ્ત્રની વિચારણા જે પ્રમાણેની છે એ પ્રમાણે જાપાની સાહિત્ય પરમ્પરામાં પણ પ્રાચીન સુગ્રથિત કાવ્યપ્રકારો અને દૃઢ થયેલી કાવ્યશાસ્ત્રની ઉપલબ્ધ થાય છે. જાપાની સાહિત્યના સમૃદ્ધ ઇતિહાસ તરફ નજર ફેરવીએ તો સ્પષ્ટપણે જણાય છે કે પ્રાચીન જાપાની કાવ્યપ્રકાર તેના પરમ્પરાગત કાવ્યશાસ્ત્રના હાર્દને વળગી રહીને કાળક્રમે પરિવર્તિત થતા રહ્યા છે. જેનું પ્રાચીન અને પ્રચલિત ઉદાહરણ તે કાવ્યમાં પ્રસ્તુત થતી પાંચ અને સાત પદો (ઑન્જી)ની પરમ્પરા છે. જાપાનીસ કાવ્યશાસ્ત્રની પરમ્પરિત પાંચ અને સાત અક્ષરના ચરણની કાવ્યશૈલી આજે પણ જીવંત છે એવું માની શકાય કે કદાચ સ્વરૂપની દૃષ્ટિએ સરળ ભાષા પ્રકારમાં સામાન્ય માનવી પણ પોતાનો ફાળો આપી શકે. કદાચ કાવ્યતત્ત્વની ઘહનતા સુધી ન પહોંચી શકે, પરન્તુ સ્વરૂપને સાચવીને તે ક્યોકા લખી શકે તે હેતુથી આ પરમ્પરા જળવાઈ રહી હશે. નિ:શકપણે કહી શકાય કે જાપાની કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ માત્ર એક વર્ગ પૂરતો સીમિત ન હતો પરન્તુ બહોળા જનસમુદાય તથા કવિઓના સહિયારા પ્રયત્નોથી આ કાવ્યપરમ્પરા ટકી. અહીં આપણે જાપાની પરમ્પરામાંથી આવેલા તાન્કા લઘુ-કાવ્ય પ્રકાર વિશે વિગતે અભ્યાસ કરવાના છીએ.

આરંભકાળે જાપાની કાવ્ય ‘વાકા’ તરીકે ઓળખાતા આ વાકાનો અર્થ જ જાપાની કાવ્ય એવો થાય છે. ચીનની કાવ્યશૈલીથી છૂટા પડીને જાપાની શૈલીમાં કાવ્યસર્જન કર્યું, અને પોતાની આગવી કાવ્યશૈલી અપનાવી તેમણે તેને ‘વાકા’ તરીકે ઓળખાવી. સાતમી સદીના કવિઓ અને વિદ્વાનો દૃઢપણે એવું માનતા કે જાપાની માનવ હૃદયની સંવેદનાઓ ચીનની કાવ્યશૈલીમાં મૂકી શકાય તેમ નથી, તેથી તેમણે પોતાની જાપાની કાવ્યશૈલીની આગવી ઓળખ પ્રસ્તુત કરવા ‘વાકા’ને હર્ષથી વધાવ્યું. લગભગ હજાર વર્ષ પહેલા કી-નો ત્સુરાયુકી નામના કવિ લખે છે કે, જાપાનની કવિતાના મૂળ માનવ હૃદયમાં વિસ્તરીને સંવેદનાઓના સિંચનથી તે અગણિતની જેમ શબ્દ રૂપે અંકૂરિત થયા છે. કાવ્યની અહીં ઉ.દા. તરીકે સંબોધી કવિ વાકાની વાત કરે છે જાપાની ભાષા મૂળ ચાઇનીઝ ભાષા પરથી બનેલી હોવાથી, પાંચમીથી સાતમી સદી દરમિયાન એટલે કે ભાષાના સંક્રાંતિકાળ દરમિયાન વાકા સ્વરૂપ ‘ઉતા’ તરીકે પણ ઓળખાતું. વાકાના વિવેચકો જાપાની કાવ્યને ચાઇનીઝ પરંપરાથી સંવેદનના સ્તરે જુદું ગણાવે છે. તેઓ માને છે કે કોઈ પણ સ્તરે વ્યક્તિના જીવનમાં બનતી મહત્ત્વની ઘટના જાપાની સંવેદનાને ઝંકૃત કરે છે ત્યારે, કાવ્ય સ્ફૂરે છે. પરન્તુ વ્યક્તિના જીવનની ઘટનાઓ સાથે વણાયેલો પ્રેરણા સ્ત્રોત કુદરત છે. વસંતમાં પણ પીગળ્યાં વિનાનો બરફ, ગ્રીષ્મની રાત્રિઓમાં સફર કરતા આગિયા, ઉનાળાની સવારે ખીલેલાં પુષ્પો, પાનખરનો ચંદ્ર, શિયાળાની શરૂઆતના પહેલ વહેલા ઉજ્જડ ખેતરો, પ્રત્યેક કાવ્યમાં કુદરતને સાથે લઈને જીવતા જાપાની કવિઓ કુશળ વણકરની જેમ શોક, દુ:ખ, પ્રેમ, આનંદ, હતાશા, આશા જેવી વૈશ્વિક માનવીય સંવેદનાઓને પ્રકૃત્તિના પ્રતીકો સાથે વણી ભાતીગળ વાકાનું સર્જન કરતા, વાકાની આ પરમ્પરા આજ દિન સુધી જળવાઈ રહી.

વાકામાંથી જ તાન્કાનો ઉદ્ભવ થયો. વાકા કાવ્યો સ્વાભાવિકપણે પાંચ-સાત-પાંચની શૈલીને અનુસરતા જાપાની કાવ્ય પરંપરાની ખૂબી એ છે કે, માત્ર પ્રશિષ્ટ કાવ્યપ્રકારો નહીં પરન્તુ લોકગીતો હાલરડાં અને પ્રસંગોપાત ગવાતા ગીતો પણ મહદંશે પાચ-સાતની શૈલીને અનુસરતા. કદાચ એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ ના લાગે કે જાપાની પ્રજાની વિશ્વવિખ્યાત શિસ્ત તેની કાવ્ય રચનામાં પ્રતિબિંબિત થાય છે. આ ૩૧ શ્રુતિનું વાકા કાળક્રમે પાંચ પંક્તિઓમાં પાંચ-સાત-પાંચ/ સાત -સાતની શૈલીમાં ગોઠવાઈને પ્રચલિત બનવા લાગ્યું. જે પાછળથી તાન્કા તરીકે ઓળખાવા લાગ્યો. આ જાપાની કાવ્યપ્રકારને ગુજરાતી કવિતામાં ઉતારવામાં સ્નેહરશ્મિ, કવિ ઉશનસ્, ધીરુ પરીખ, કિસન સોસા, રમેશ આચાર્ય, મધુ કોઠારી જેવા કવિઓનો યશસ્વી ફાળો છે. રમેશ આચાર્ય પાસેથી આપણને ‘હાઈફન’ નામે ઈ.સ. ૧૯૮૨માં ગુજરાતી કવિતામાં તાન્કા કવિતાનો સંગ્રહ સર્વ પ્રથમ મળી આવે છે. તે પછી કિસન સોસા દ્વારા ‘અવનીતનયા’ ઈ.સ. ૧૯૮૩માં તે પછી ‘અવનીગંધા’ જેવા બે તાન્કા સંગ્રહો મળે છે. કવિ રમેશ નિમ્બાર્ક ‘તરપંખડો' (૧૯૮૫) કાવ્યસંગ્રહમાં દશેક જેટલાં તાન્કા કાવ્યો આપે છે. તાન્કા વિવિધ ગુજરાતી ખ્યાત અને અલ્પખ્યાત સામયિકોમાં પ્રગટ થયા, આ વિદેશી કાવ્યપ્રકારને ગુજરાતીમાં કેટલાક કવિઓએ સ્વજનની જેમ અપનાવી લીધો, આ સંદર્ભે કવિ રમેશ આચાર્ય જણાવે છે કે: ‘ગુજરાતીમાં આ લઘુ-કાવ્ય પ્રકાર હજી ધીમે-ધીમે વિવિધ અને વિભિન્ન સર્ગશક્તિઓ વાળા કવિઓ તેને અપનાવવા લાગ્યા છે. જેમ જેમ તેનું ખેડાણ વધતું જશે જેમ જેમ તાન્કા એક કાવ્ય પ્રકાર તરીકે ખીલતો જશે, તેમ તેમ તેનો આંતરિક સ્વરૂપ આપણી સમક્ષ ખૂલતું જશે. હજી તો નવોઢાએ તેનો આછો ઘૂંઘટ સહેજ ઊંચક્યો છે, પણ તેટલા માત્રથી પણ તેના સૌંદર્યની આપણને પ્રતીતિ થઇ શકે છે.’

તાન્કા જાપાની કાવ્યપરમ્પરામાં આરંભે ‘યુટા’ (ઉતા) કે ‘વાકા’ તરીકે ઓળખાતા ‘તાન્કા’ સંજ્ઞાનો જાપાની ભાષાના સંદર્ભમાં શબ્દાર્થ તપાસીએ તો ‘કા' એટલે ‘કવિતા' અને ‘તાન' એટલે ‘લઘુ' આ અર્થ પ્રમાણે લઘુ-કવિતા, લઘુ-ગીત એવો અર્થ ‘તાન્કા’ માટે જાપાનમાં પ્રચલિત છે. સામાન્ય રીતે તાન્કા એટલે લઘુ-કાવ્ય. ચાઇનીસ શબ્દાવલીને વળગી રહેલા અનેક લંબાણપૂર્વક રચાતા કાવ્યો જાપાનના બહોળા જનસમુદાયમાં ટકી ના શક્યા, તદુપરાંત ચીનથી જુદી પોતાની આગવી ઓળખ ઊભી કરવા તથા જનસામાન્ય સુધી પહોંચવા જાપાની કવિઓ તાન્કા તરફ વળ્યા. પાંચ-સાત-પાંચ/ સાત-સાત (ઑન્જી) પદના તાન્કામાં પણ અનેક પ્રયોગો થયા. જેમા આઠમી સદીના અંતે તાન્કાના યતિમાં ફેરફાર આવવા લાગ્યો. જેમા ૫ અને ૭ (યતિ) ૫ અને ૭ (યતિ) અંતે ૭ ઑન્જીની શૈલીમાં તાન્કાનું સર્જન થયું. આઠમી સદીના કવિ લેડી કાસા આ પ્રકારના પ્રયોગો માટે ખ્યાત થયા હતા.

ગુજરાતી કવિતામાં તંકા, તાંકા, તાન્કા વગેરે સંજ્ઞાઓ આ લઘુ-કાવ્ય પ્રકાર માટે વપરાઈ, પછી તાન્કા સંજ્ઞા સ્થિર થઈ. કવિ રમેશ આચાર્ય જણાવે છે તેમ ગુજરાતી કાવ્યમાં તાન્કાનો ઉદ્ગમ તો સાતમા-આઠમા દાયકા દરમિયાન થયું. સ્નેહરશ્મિ, ધીરુભાઈ પરીખ વગેરે કવિઓ દ્વારા તાન્કા લઘુ-કાવ્ય પ્રકારે ગુજરાતી કવિતાના પટ પર પગ માંડ્યા. હવે ધીરે ધીરે કેટલાક કવિઓને આ પ્રકાર ગમવા લાગ્યો છે અને તેમાં સર્જનો થવા માંડયા છે. આ ઉપક્રમે આપણે કિસન સોસાનું એક તાન્કા કાવ્ય માણીએ.
રાત્રિનું પંખી
સુરજના માળામાં
ચીં ચીં કરતું
આખી રાત રડતું રહ્યુ;
સવારે હસ્યું (કિસન સોસા)

તાન્કાના ઘટકતત્ત્વોમાં ઑન્જી (ચરણ), પુરા-કલ્પન, કપોળ-કલ્પિતા, લય-પ્રાસનું વૈવિધ્ય, પ્રકૃત્તિ નિરૂપણ વગેરે મહત્ત્વના છે.

ઈ.સ.ની ૯મી સદીથી લઈને ૧૪મી સદી દરમિયાન તાન્કાના યતિ પહેલી અને ત્રીજી પંક્તિને અંતે મૂકવામાં આવતા, અને કાવ્યને ત્રણ ભાગમાં વહેંચવામાં આવતું, ૫/ ૭-૫/ ૭-૭. પંદરમી સદી પછી ૫-૭-૫ (યતિ)/ ૭-૭ની શૈલીમાં તાન્કા પ્રકાર સ્થિર થયો. તાન્કા રચતા જાપાનીસ કવિ વાચિક અને વાક્યરચનાની શૈલીના ઊંડા જાણકાર રહેતા. પોતાના વ્યાપક વિષયવસ્તુ સાથે તાન્કા કવિઓ ખૂબ જ સરળતાથી સામાન્ય જન સુધી પહોંચ્યા. રાજદરબારની વાતો, બૌદ્ધ ધર્મની કથાઓ અને મધ્યમ વર્ગની સંવેદનાઓ તેમજ ઇન્દ્રિયગત પ્રકૃત્તિના અનુભવો તાન્કાના કેન્દ્રસ્થાને રહ્યા. વિરહ, પ્રેમ, એકલતા અને વિચ્છિન્નતાની વેદના-સંવેદના ઝીલતા કાવ્યો રાજવી ઘરાણાના અગ્રણીઓ, સૈનિકોની પત્ની, સૈનિકોના પિતા, ખેડૂત, ગૃહલક્ષ્મી અને સુખ્યાત કવિઓ દ્વારા તાન્કા રચાયા.

તાન્કા પાંચ-સાત-પાંચ (યતિ) સાત-સાત એમ કુલ પાંચ પંક્તિઓ અને કુલ એકત્રીસ અક્ષરો/ શ્રુતિઓનું બાહ્યરૂપ ધરાવતો કાવ્યપ્રકાર છે. ઊર્મિકાવ્યના સ્વરૂપમાં આ પ્રકારનો સમાવેશ થાય છે. તેમાં માનવહૃદયનાં ભિન્ન ભિન્ન સંવેદનોને સાદી-સરળ ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. માનવીના હૃદયમાં અનેક સંવેદનો સ્ફૂરે છે. જે છંદમાં ઢાળવા જતા ક્યારેક તૂટી પણ જાય છે. એવાને એવા તાજા રહેતા નથી, તેથી ભાવકને તેમાંથી અર્થબોધ કરવામાં ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. પણ આ લઘુ-કાવ્ય પ્રકારમાં કવિ પોતાના ભાવવિશ્વને એવું ને એવું જીવંત રૂપ બક્ષી શકે છે. ભાવોને સહેજ પણ આંચ ના આવે એવી રીતે આ પ્રકારના બંધારણમાં કવિ ઢાળી શકે છે. કવિને છૂટથી ખૂલીને પોતાના વિચાર વિશ્વને પ્રગટ કરવાની આ સ્વરૂપમાં મોકળાશ મળી રહે છે. તાન્કા લઘુ-કાવ્ય પ્રકારમાં માત્રને માત્ર બાહ્યબંધન એટલું જ છે કે તે નક્કી કરેલ શ્રુતિઓ પ્રમાણે હોવો જોઇએ. એટલે કે કવિ પોતાના ભાવને મૂકી આપવા એકત્રીસ અક્ષરની કૃતિઓમાં ગડમથલ કરી શકે, તેથી વિશેષ બાધ કવિ માટે નથી. અહીં પિંગળશાસ્ત્રની જરૂર નથી એટલે કે, લઘુ-ગુરુની નિશાનીઓનું ધ્યાન કવિએ રાખવાનો હોતું નથી, એટલે કવિ પોતાની નિપુણતાનો ઉપયોગ કરી અહીં કાવ્યનિષ્પત્તિમાં નાવીન્ય લાવી શકે છે. એવી જ રીતે આ લઘુ-કાવ્ય પ્રકારમાં ઝાઝી શબ્દ અને અલંકાર પ્રધાન શૈલીને પણ કોઈ સ્થાન નથી. કવિએ પોતે પોતાના ભાવવિશ્વને સંવેદનને સાદી સીધી અને સરળ ભાષામાં મૂકી આપવાનું કામ પૂરું પાડવાનું છે. આપણે આગળ જોયું તેમ તાન્કામાં ફક્ત પાંચ પંક્તિઓ અને કુલ ૩૧ કૃતિઓ હોવાથી અહીં વધારે પડતી શબ્દ અને અલંકાર પ્રચૂર ભાષા સ્વાભાવિક રીતે જ શક્ય નથી, તાન્કા કવિએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. એટલે કે એકત્રીસ અક્ષરની સ્વરૂપ ગતિને લીધે અહીં વર્ણાત્મક વિશ્લેષણાત્મક વાક્યો ઢાળી ન શકાય એમ કરવા જતાં કાવ્ય મરી પરવારે છે.

કવિ પ્રકૃત્તિના વિવિધ ચિત્રો, રૂપ, આકાર, સૂક્ષ્મ તત્વો દ્વારા કાવ્યમાં ચમત્કૃતિ સાંધે છે, તો ક્યારેય સીધે-સીધું ભાવકથન પણ કરે છે તાન્કામાં આ ચિત્રો ચિત્રો જ ન રહેતાં વ્યંજના લઈને આવે છે. આપણા કવિ સ્નેહરશ્મિનું એક તાન્કા પ્રસંગોપાત માણીએ.
કૂવેથી વાળું
છલકાવતી બેડું
આખી વાટમાં:
વેરાયા માર્ગ ભીનાં
મોતીઓ જાનકીનાં ! (‘ગુડમોર્નિંગ તાન્કા!’માંથી, સ્નેહરશ્મિ )

તાન્કામાં તેની બાહ્યરચનારીતિ સરળ હોવાથી શબ્દ, વાચ્યાર્થ કે લક્ષણા મૂકી અટકી જતો નથી. કવિનો શબ્દ વ્યંજના લઈને વિશિષ્ટ ચમત્કૃતિ દ્વારા પ્રગટ થાય છે. આવી સરળ અભિવ્યક્તિ અને વ્યંજનાસભરતાને લીધે તાન્કા કોશિયાથી માંડીને કોષકાર સુધીના સર્વને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. આમ આ કાવ્ય પ્રકારમાં સામાન્ય વર્ગને આહ્લાદક અનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે તેમ કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞને પણ આ પ્રકારની લાક્ષણિકતાઓ ડોલાવી દેનારી છે. તેથી જ આ કાવ્યપ્રકાર માત્ર જાપાન દેશમાં જ અટકી ગયો નથી પરન્તુ વિશ્વભરના કવિઓને ભાવકોને આકર્ષવામાં પ્રમાણભૂત ઠર્યો છે.

જે તે કાવ્યસ્વરૂપની કે પ્રકારની સંપૂર્ણ સમજ તેને માણવાથી એટલે કે તેના સર્જનને પામવાથી આંતરિક રીતે વધુ વિશદ બને છે. ગુજરાતી તાન્કા કવિતાને સમજવાથી તેમાં ભરેલા સર્જક અનુભવને માણવાથી એટલે સિદ્ધાંત અને સર્જનમાંથી જે કશું નવું નીપજી આવ્યું છે, સ્ફૂટ થયું છે સ્પષ્ટ થયું છે તેને અહીં સમજીએ. હાઇકુ કરતાં કાવ્ય પ્રકારમાં કાવ્ય નિષ્પત્તિની વિશેષ ક્ષમતા છે. હાઇકુનો ઝબકારે આગિયાના ઝબકાર જેવો છે. તો તાન્કા એથી વિશેષ ઝબકારની સર્જક પાસે અપેક્ષા રાખે છે. અને ભાવક ચેતનામાં પણ વિશેષ ઝબકાર કરે છે. કવિની અને ભાવક બંને જુદા જુદા હોય છે, તેથી ભાવક વર્ગનો કાવ્ય અને કવિનો ભાવ ક્યારેક જુદી જુદી રીતે આવે છે. પરન્તુ હાઈકુની તુલનાએ ટાંકામાં કવિને ભાવ અભિવ્યક્તિ માટે વધારે વ્યાપક મળી રહે છે. જે ભાવને પોષી શકે છે. હાઇકુ પાંચ-સાત-પાંચની રચના હોવાથી કવિને અભિવ્યક્તિમાં સંપૂર્ણ રીતે જગા મળવા ક્ષતિ ઊભી થાય છે. જ્યારે તાન્કામાં કવિને આ પ્રકારે કોઈ મુશ્કેલી અવરોધરૂપ થતી બનતી નથી એમ ના કહેવાય પણ વધુ મોકળાશ મળે છે એમ જરૂર કહી શકાય. આમ કાવ્યની અભિવ્યક્તિમાં કચાશ રહેવાથી ભાવ સંપૂર્ણ ન જળવાય તેવી સ્થિતિ મહદ્અંશે જ ઊભી થાય. તેથી તાન્કાએ વિસ્મય અને આનંદ પમાડનારું કાવ્યરૂપ કહી શકાય. કોઈ પણ સર્જક માટે એ ખરું છે કે એ હંમેશા ભાવકને વિસ્મય પમાડે અને સાથે સાથે આનંદ-ઉલ્લાસ આપે. અને તેવા તત્વની શોધ માં હોય તે જ સર્જક કહેવાને લાયક છે. એમ કહી શકાય કે પ્રકૃત્તિ ના વિવિધ તત્વોની જેવી લીલા હોય છે એવી સર્જકની પોતાની પણ એક આનંદ લીલા હોય છે. કવિની લીલા અહર્નિશ અનેક સ્વરૂપોમાં ચાલતી હોય છે, તેમાંની કોઈ લીલાનું ચિત્ર કવિ કેવળ આનંદ ખાતર હોય છે. આવી નૈસર્ગિક ભાવાભિવ્યક્તિ માટે તાન્કા એ સુયોગ્ય પ્રકાર નીવડ્યો છે.

તાન્કાનું રૂપ જાળવીને ગઝલ લખી શકાય કે નહીં તે તપાસવું પણ રસપ્રદ થઈ પડે. વિવિધ કવિઓ દ્વારા તાન્કાનું ખેડાણ વધતા ગુજરાતીમાં તાન્કાને અનુરૂપ ભાષા પણ આવશે. વિવિધ કવિઓ દ્વારા તે ખેડાતા તેના વિવિધ રૂપો પણ જાણવા માણવા મળશે. કોઈ પણ કાવ્યસ્વરૂપનું ભવિષ્ય આખરે તો તેને ખેડનારા કવિઓ પર આધારીત છે, જાપાની કાવ્ય સાહિત્યનો ઇતિહાસ જોતા સદીઓ સુધી વિકસતું, વિલસતું અને વિરમતું જોવા મળે છે. એ જોતા તેની જીવિત રહેવાની શક્તિ સારી જણાઈ આવે છે. તાન્કાનું વિષયવસ્તુ વધુ વ્યાપક છે, તેમાં કવિ મધ્યમવર્ગ તેમજ ઇન્દ્રિયગત પ્રકૃત્તિ ના અનુભવો, માર્મિક-તાર્કિક ચિંતન, ધાર્મિક બાબતો, પ્રેમ-વિરહ, એકલતા વગેરે વિષયો સાથે કવિ તાન્કાને પ્રયોજી શકે છે. તાન્કા લઘુ-કાવ્ય પ્રકાર એક સમયે ચીની શૈલીથી જુદું પડી જાપાનની પોતાની આગવી શૈલીમાં ખેડાયું. એવી રીતે તે પછી જાપાનમાં કવિ-ભાવકોનો ખૂબ પ્રિય બનતો ગયો અને તે પછી ઘણો લોકપ્રિય બન્યો.

કોઈ પણ કાવ્યપ્રકારમાં ઓછી-વધતી મર્યાદાઓ તો રહેલી હોય છે, કોઈ પણ સ્વરૂપ તેના કવિ સામે તેના સ્વરૂપગત લક્ષણો અને મર્યાદાઓ લઈને આવે છે જેમકે; સોનેટ રચનાર કવિને તેના સ્વરૂપગત લક્ષણો સારી રીતે સમજી લેવા પડે છે, આત્મસાત્ કરવા પડે છે, એમ અનેક કાવ્ય પ્રકારોમાં બનતું હોય છે. ગઝલકારને ગઝલના સ્વરૂપગત રદીફ-કાફિયા પ્રત્યેક શે'રનું સ્વાતંત્ર્ય અને ગઝલ સંકલન સ્વીકારવું પડે છે. એક રીતે જોઇએ તો તાન્કા માં પણ ક્યારેક ક્યારેક તેની સ્વરૂપ ચુસ્તી ને લીધે કવિને કેટલીક બાધાઓ આડે આવે. તાન્કાના કવિની પણ એના થોડાક બંધનો સ્વીકારવા જ રહ્યાં. ગઝલ રચાય છે ત્યારે જેમ મત્લાનો અને મક્તાનો શે’ર અને વચ્ચેના શે’ર તેમાંનો વિવિધ સંભાર, ગઝલમાં પ્રયોજાયેલા છંદ સહિત બધું જ સાથે જ આવે છે તેમ તાન્કામાં પણ કલ્પન-ભાષા આદિ બધું સાથે જ રચાઈને આવે. કાવ્ય રચાયા પછી રાખી મૂકી સમયાન્તરે તપાસતા રહેવાથી તેને મઠારી શકાય પણ પ્રયત્નથી તે લખી ન શકાય, એકત્રીસ અક્ષરોનું બંધન હોવાથી પ્રત્યેક તાન્કા કાવ્ય તેના સર્જક માટે એક પડકાર હોય છે. આ કાવ્યપ્રકારમાં સર્જન કરવું એટલે ઓસરીમાં ઘોડા ખેલવવા જેવું સાહસ છે, નટની જેમ દોરડા પર બેલેન્સ રાખી પોતાની કળાનું પ્રદર્શન કરવા જેવું અઘરું કામ છે.

તાન્કાની આંતરિક-બાહ્ય વિશેષતાઓ પ્રત્યે ગહન ચિંતન કરતા વધુ એક ખ્યાલ ઊભો થાય છે કે, આ કાવ્યપ્રકારને એનો કોઈ સ્વતંત્ર લય છે ખરો? છંદના સ્વરૂપનો સમ્બન્ધ જો તે તે ભાષાના બંધારણ સાથે હોય તો, લય કાં તો તે ભાષાની પરંપરામાં પ્રચલિત કોઈ પ્રકારના પ્રતીત થાય, અથવા તો અછાંદસ ન હોય. હાઇકુ માટે પણ આવો પ્રશ્ન થાય છે. ગીત-ગઝલ અછાંદસ કાવ્ય સ્વરૂપ ને સ્વરૂપ ગત લય હોય છે. કાવ્યને આવશ્યક અથવા ઉપકારક તત્વોમાં લયનું પણ ચોક્કસ સ્થાન હોય છે તે સુવિદિત છે. ગીતમાં હોય છે તેઓને તેટલો લય ગઝલમાં પણ હોવો જોઇએ તેવી અપેક્ષા અસ્થાને છે. ગીતોમાં પણ લાંબા લયના ગીતો અને તેથી ઓછા લયના ગીતો હોય છે. લાંબો લઈ કે ટૂંકો લય એ શબ્દો પણ સાપેક્ષ છે. ભિન્ન ભિન્ન કવિઓના તેમ જ એક જ કવિના ગીતે ગીતે, ગઝલે ગઝલે કાવ્યે કવ્યે લયના પણ વિવિધ સ્વરૂપ અને પ્રમાણ મોજૂદ હોય છે. કાવ્યમાં તે સ્પષ્ટ અને તેના આગળ પડતા તત્વ તરીકે આંગળી મૂકીને નિર્દેશી શકાય તેવી સ્પષ્ટ રીતે હોય છે. તો પ્રચ્છન્ન, સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપે હોય છે. તાન્કામાં લયની વાત કરીએ તો અહીં અગમ પાલનપુરીનું એક પ્રસિદ્ધ તાન્કા કાવ્ય જોઇએ;
દોડતી ટ્રેન,
બારીથી અજવાળું
કૂદી પડતું,
અને તુરંત પસ્તાતું ;
સંગાથે ઘસડાતું !

આ તાન્કામાં ‘ઉ’નાં આવર્તનો અને પ્રાસ દ્વારા કાવ્ય શરૂ થઈ ત્યારથી માંડીને પૂરું થયું ત્યાં સુધીની પદાવલિમાં એક સહજ લયનિષ્પન્ન થાય છે; કવિએ તાન્કામાં લય મેળવણીને ધ્યાનમાં રાખવી જોઇએ. તાન્કા કાવ્ય-લઘુ પ્રકારમાં કાવ્ય નિષ્પત્તિની ક્ષમતા વિશે શ્રી રતિલાલ અનિલ અને એમના જેવા કેટલાક કવિઓને આ કાવ્યપ્રકારમાં કાવ્ય ઉપજાવવાની શક્તિ ઓછી શક્યતા વાળી જણાય છે; પરન્તુ જેમ દરેક જન્મેલું બાળક અપાર શક્યતાઓ ધરાવતું હોય છે, તેમ ગુજરાતીમાં ધીરે ધીરે પોતાની ઓળખ સ્પષ્ટ કરતા આ કાવ્યપ્રકારમાં પણ અનેક શક્યતાઓ છે, જે ભવિષ્યમાં જોઈ શકાશે.

આ કાવ્યપ્રકાર વીસમી સદીના સાતમા-આઠમા દાયકાથી ગુજરાતીમાં પ્રવેશ્યો, પરન્તુ તાન્કા લઘુ-કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં હળવે હળવે ઉઘડી રહ્યો છે. ગુજરાતી કવિતામાં સ્નેહરશ્મિ હાઇકુની જેમ પહેલ વહેલી વાર પોતાની કલમ અજમાવે છે. તે પછી કવિ ઉશનસ્, ધીરુ પરીખ, રમેશ આચાર્ય, કિસન સોસા, મધુ કોઠારી, રમેશ નિમ્બાર્ક વગેરે આધુનિક અનુઆધુનિક કવિઓએ આ જાપાની કાવ્યપ્રકારની ગુજરાતી કવિતામાં વિકસાવવા બહોળો પ્રયત્ન કર્યો. જેમ હાઇકુ જાપાની કાવ્ય પ્રકાર છે તેમ તાન્કા પણ જાપાની કાવ્ય પ્રકાર છે. આગળ વાત કરી તેમ સર્જક અભિવ્યક્તિની મોકળાશ હાઇકુ કરતાં વધારે છે, તેથી ઘણાં ખરા કવિઓને આ પ્રકાર ખૂબ ગમ્યો આ સ્વરૂપમાં હાઇકુ જેટલી સવિશેષ કાવ્યનિષ્પત્તિની શક્તિ છે. રમેશ આચાર્યે ‘કુમાર’ સામયિકમાં તાન્કા કવિતા પહેલીવાર આસ્વાદ માણ્યો, એમને એમાં રસ પડ્યો અને ‘હાઈફન’ (૧૯૮૨) શીર્ષકથી તાન્કાસંગ્રહ આપ્યો; પછી કિસન સોસા ‘અવનિતનયા’ (૧૯૮૩) સંગ્રહ આપે છે. ગુજરાતી ખ્યાત અને અલ્પખ્યાત સામયિકોમાં તાન્કા પ્રગટ થવા લાગ્યા, આ વિદેશી કાવ્યપ્રકારને ગુજરાતી કવિઓએ પોતાનાની જેમ અપનાવી લીધો. તાન્કાના ગુજરાતીમાં પગ મંડાણ થયા પછી જે જે કવિઓએ આ પ્રકારમાં સર્જન કર્યું તેમની કવિતાને રમેશ આચાર્ય ‘ગુડ મોર્નિંગ તાન્કા!’ એ શીર્ષક હેઠળ સંપાદિત કર્યા. તાન્કાસર્જન કરનારા કવિઓ તરફ એક નજર નાખીએ તો આ પ્રકારમાં સર્જન કરનારા કવિઓમાં સ્નેહરશ્મિ પ્રથમ હતા પછી ધીરુભાઈ પરીખ, કિસન સોસા, રમેશ આચાર્ય, અશોક ચંચલ, અગમ પાલનપુરી, દિલીપ જોશી, દેવ સોલંકી, હિંમત રાઠોડ, કિશોર મોદી, કિશોરસિંહ સોલંકી, મધુકાન્ત જોષી, મહેન્દ્ર જોશી, મીરાં આશિફ, પ્રકાશ નાગર, પુષ્કરરાય જોશી, રમેશ પાઠક, આર. જે. નિમાવત, શૈલેન રાવલ, સુરેશચંદ્ર પંડિત, સોલિડ મહેતા, સુરજ શ્રોફ, એસ. એસ. રાહી, તુરાબ હમદમ, ઉમેશ જોષી, યોગેશ જોશી વગેરે ખ્યાત અલ્પખ્યાત કવિઓએ આ પ્રકારને ખેડ્યો છે.

સંદર્ભો :::

  1. www.ahapoetry.com/a glossary of literary terms
  2. ગુડમોર્નિંગ તાન્કા! , સં – રમેશ આચાર્ય, ૧૯૮૪
  3. Kavitakosh.org
  4. तांका की महक, सं. प्रदीप कुमार दाश, २०१८

પ્રવીણ વણકર, શોધછાત્ર, ગુજરાતી વિભાગ, સરદારપટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. મો. 7984460991