મનહર મોદીની પ્રેરણાદાયી અછાંદસ રચના 'સમય'
સાહિત્યનાં મુખ્ય સ્વરૂપો પદ્ય અને ગદ્યમાં ઉદભવથી આજ દિન સુધી અવનવા ખેડાણો થતાં આવ્યાં છે. નદીના પ્રવાહની જેમ સાહિત્યનો પ્રવાહ પણ બદલાતો રહે છે. નદીની જેમ સાહિત્ય રાતો-રાત પ્રવાહ બદલતું નથી પરંતુ બદલાતી જતી જીવનશૈલીના કારણે સાહિત્યમાં પણ બદલાવ આવતો રહે છે. પદ્યમાં જોઈએ તો રાસ, ફાગુ, દુહા, પ્રબંધ, પદ, ઊર્મિકાવ્યો, સોનેટ, ગીત, ગઝલ, હાઇકુ વગેરે રૂપો ઉતરી આવ્યાં છે. પશ્ચિમના સાહિત્યપ્રભાવને કારણે ગુજરાતી સાહિત્યમાં આજે નવાં-નવાં રૂપો જોવા મળે છે. કવિતામાં હાલ મોટાભાગનાં કવિઓ અછાંદસ કાવ્ય તરફ આકર્ષાતા થયાં છે. કારણ કે કવિને કવિતાનાં માધ્યમ દ્વારા જે ભાવ પ્રગટ કરવો છે તે સરળતાથી અને ભાવકને એકદમ સમજાય તે રીતે અછાંદસ કાવ્ય દ્વારા કરી શકે છે. જયારે છંદોબદ્ધ રચનામાં કવિએ શબ્દ અને લયની યોગ્ય રીતે ગોઠવણી કરવી પડે છે. માટે કયારેક મૂળ ભાવની તૂટક અવદશા જોવા મળે છે. ગમે તે વ્યક્તિ પોતાના વિચારોને આડેધડ કવિતાના માળખામાં ઉતારી દે એ પણ અછાંદસ કાવ્ય ન કહેવાય. અછાંદસ કાવ્યને પણ પોતાનું આગવું સ્વરૂપ છે. અછાંદસનાં સ્વરૂપનો આછો ખ્યાલ આપી કવિ મનહર મોદી કૃત 'સમય' અછાંદસ કાવ્યના રસદર્શનનો અહીં ઉપક્રમ રહ્યો છે.
અછાંદસનો ઉદભવ પશ્ચિમી સાહિત્યમાં સો-સવાસો વર્ષ પૂર્વે થયો હોવાનું મનાય છે. જયારે આપણે ત્યાં ફ્રેંચ પ્રતીક્વાદીઓનાં પ્રભાવને કારણે અછાંદસનું સ્વરૂપ પ્રચલિત થયું છે. અછાંદસ માટે 'મુક્તપદ્ય', 'પદ્યમુક્તિ', 'ગદ્યકાવ્ય' જેવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આપણે જેને અછાંદસ કહીએ છીએ તે જ સંજ્ઞા પશ્ચિમમાં 'મુક્તપદ્ય'થી પ્રચલિત છે. પશ્ચિમમાં વપરાતી મુક્તપદ્ય સંજ્ઞાનાં બે સ્પષ્ટ તબક્કાઓ જોઈ શકાય છે. પહેલા તબક્કામાં ચુસ્ત અને નિયમિત છાંદસ રૂપોમાં કે પદ્યમાં મુક્તિ શોધવાનો પ્રયત્ન છે. જેને આપણે 'પદ્યમાં મુક્તિ' તરીકે ઓળખી શકીએ તો બીજા તબક્કામાં ચુસ્ત અને નિયમિત છાંદસ રૂપોથી કે પદ્યથી મુક્તિ શોધવાનો પ્રયત્ન છે. જેને આપણે પદ્યથી મુક્તિ કહી શકીએ.
પારંપરિક પદ્યરૂપોના ત્યાગથી એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય તે સ્વાભાવિક છે. માટે છંદોબદ્ધ રચનાનું માળખું નિયત હોવાથી તેમાં જહેમત ઓછી હતી. પરંતુ અછાંદસનું માળખું જાતે તૈયાર કરવું પડતું હોવાથી જહેમત અને જવાબદારી ખૂબ વધી જાય છે. જેમ કે ઈંટો કે તૈયાર નિયમિત ચોસલાથી જે સ્થાપત્ય રચાતું હતું. એને બદલે અનિયમિત આકારના વાંકાચૂંકા ઘાટઘૂટ વગરના પથ્થરો જોડીને એમાંથી સ્થાપત્ય ઊભું કરવું.
કવિને છંદોની પકડ ન હોવાથી અછાંદસ કાવ્યો લખતા થયાં છે એવું નથી પરંતુ છંદોના માળખા પર્ પ્રભુત્વ મેળવ્યું હોવા છતાં અથવા તો જેને મહત્ત્વની છાંદસ રચનાઓ આપી છે અને તે પોતાનાં ભાવને કંઈક જુદી રીતે રજૂ કરવા ઈચ્છે છે. તેને અછાંદસ કાવ્ય કહી શકાય. કવિ છાંદસક્ષેત્રે જે કંઈ વ્યક્ત કરવા માંગે છે. તેમાં પૂરેપૂરો સમક્ષ નથી માટે અછાંદસ તરફ વળે છે. ગુજરાતી સાહિત્યમાં આજે પૂરવેગે અછાંદસ કાવ્યો લખાય છે. પરંતુ બધા કાવ્યને અછાંદસના માળખામાં મૂકી શકાય તેવા નથી. ચંદ્રકાન્ત ટોપીવાળા તો પોતાના 'અછાંદસમીમાંસા' નામના પુસ્તકમાં ત્યાં સુધી કહે છે કે આપણે ત્યાં લખાતાં મોટાભાગનાં અછાંદસો લવારી સમાન છે. માટે અસ્તવ્યસ્ત શૈલીમાં લખાયેલા કાવ્યોને અછાંદસ તરીકે સ્વીકારી લેવા અનિવાર્ય નથી. ગુજરાતીમાં ન્હાનાલાલની અપદ્ય-ગદ્યશૈલીથી આજ સુધી ઘણાં બધા કવિઓએ અછાંદસ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે.
આધુનિક ગુજરાતી કવિતાના વિકાસના પ્રવાહમાં મનહર મોદીનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. મનહર મોદીએ 'આકૃતિ', 'ૐ તત્ સત્' કાવ્યસંગ્રહો ઉપરાંત '૧૧ દરિયા' અને 'મનહર અને મોદી' જેવાં ગઝલસંગ્રહો આપ્યા છે. 'એક વધારાની ક્ષણ' નામનો તેમનો અછાંદસસંગ્રહ પણ પ્રગટ થયો છે. તાર્કિક ભૂમિકા છોડીને માત્ર સાહચર્યની ભૂમિકાએ જેને અછાંદસ ક્ષેત્રે કામ કર્યું છે એવા કવિ મનહર મોદીની ગઝલો અને છાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યની ઓળખ બની છે. કવિની છંદો પરની પકડ હોવા છતાં પોતાના ભાવોને જુદી રીતે રજૂ કરવા માટે અછાંદસ તરફ વળે છે. મનહર મોદીની રચનાઓ મોટેભાગે સંકેતોની દિશામાં વળેલી છે. એવી જ એક 'ૐતત્ સત્' સંગ્રહની સાંકેતિક રચના 'સમય' છે.
સમયને તો કોણ ના પાડે?
આવે અને બેસે.
અહીં ખુરશી તો ખાલી જ પડી છે અને પણે આરામ-
ખુરશીમાં તો પત્નીના ફાટી ગયેલા ચણિયાનું ચિંદરડું
કેટલાય યુગોથી પડી રહ્યું છે.
સાફસુફી કરતાં કરતાં વધી ગયેલા ધૂળના ઢગલામાં મારા
ઘરની બારી ડોકિયું કરે છે ત્યારે સામેના ઘરનાં નળિયાં
ખડખડાટ હસે છે (મને બરાબર યાદ છે કે આવો જ
ખડખડાટ પરમ દિવસે રાત્રે મારી ડાબી આંખમાં થયો હતો.
પલંગ પર બેસીને ઝોકા ખાતા બગડી ગયેલા રેડીઓના
અવાજો 'ચાય ગરમ' પીધા કરે છે અને ભારત-વેસ્ટ
ઇન્ડીઝ-હારજીત જીતહાર વાગોળ્યા કરે છે.
કશું જ ન હોવાનો ભાર ઝીલી ઝીલીને એકાંત પુષ્ટ થયું છે.
ત્યારે પાંગરતા જતાં પાણીનો ખળખળાટ સાંભળવો કોને
ન ગમે?
અને પછી તો પાણી પણ પુષ્પ બની જશે.
સમયને તો કોણ ના પાડે?
આવે, બેસે અને જાય.
'સમય' શીર્ષક જોતા જ ખ્યાલ આવી જાય કે માણસ જુદા જુદા સમયના આવર્તનમાંથી પસાર થતો હોય છે. કવિ સમયને અહીં 'અનિયત સમય' તરીકે ઓળખાવે છે. અહીં નાયકની પત્નીની ગેરહાજરી કે પત્નીનો અભાવ કાવ્યનું ચાલકબળ છે. નાયકનું વર્તમાન પ્રબળ બંને તેનું મૂળભૂત અંગ ભૂતકાળ છે. અહીં નાયકના વર્તમાન અને ભવિષ્યને ભૂતકાળ જ ગતિ આપે છે. આખી રચના બે ખંડમાં વહેંચાયેલી છે. 'સમયને તો કોણ નાં પાડે?'થી શરૂ થઇ 'ખડખડાટ... મારી ડાબી આંખમાં થયો હતો' સુધીનો પૂર્વાર્ધ ભૂતકાળનો છે. જયારે 'પલંગ'થી શરૂ થતો ઉત્તરાર્ધ વર્તમાનનો છે. જે છેવટે ભવિષ્ય ભણી ફંટાતો જોવા મળે છે.
'ખાલી ખુરશી', 'ફાટી ગયેલા ચણિયાનું ચીંદરડું', 'ઘરની બારી', 'સામેના ઘરનાં નળિયા', 'બગડી ગયેલા રેડીયોના અવાજો', 'ભારત વેસ્ટ ઇન્ડીઝ હારજીત', 'પાંગરતાં જતાં પાણીનો ખડખડાટ સંભાળવો' જેવા બંને ખંડોના બાહ્ય ઉપકરણોને કવિએ ભીતરી ઉપકરણોનાં સંકેતોમાં રોપ્યા છે. પૂર્વાર્ધનાં ભૂતકાળ-ભાષા સંદર્ભો, ઉત્તરાર્ધના વર્તમાન ભાષા-સંદર્ભો સામે તોળાઈને આવે છે અને તે અંતે ભવિષ્યના ભાષા સંદર્ભોને લય આપે છે. પાછું છેલ્લે પ્રારંભની જ પંક્તિઓનું પરિવર્તન સાથેનું પુનરાવર્તન ત્રણે કાળને સંયોજીત કરી આપે છે. આવું આ અછાંદસ રચનાનું સ્થાપત્ય છે.
'સમયને તો કોણ નાં પાડે?
આવે અને બેસે.'
પૂર્વાર્ધની આ પંક્તિમાં સમયના વર્ચસ્વનાં સ્વીકારની સાથે સમયના વર્ચસ્વ પર કઈ રીતે પકડ મેળવી શકાય તેની વાત કરી છે. 'આવે અને બેસે'માં કવિ સમયને આવીને બેસવાનો સંકેત કરે છે.
'અહીં ખુરશી તો ખાલી જ પડી છે અને પણે આરામ-
ખુરશીમાં તો પત્નીના ફાટી ગયેલા ચણિયાનું ચીંદરડું
કેટલાય યુગોથી પડી રહ્યું છે.'
અહીં ખાલી ખુરશીમાં સમયને બેસવાનો સંકેત છે. તો પછીની પંક્તિમાં તેનો વિરોધ પ્રગટ થતો જોવા મળે છે. ખાલી ખુરશીમાં પત્નીની ગેરહાજરીનો સંકેત છે. જયારે 'આરામ ખુરશી'માં અને 'ફાટી ગયેલા ચણિયાનું ચીંદરડું'માં પત્નીના મૃત્યોનો સંકેત છે. તેમજ 'યુગોથી પડી રહ્યું છે'માં બદલાયેલાં સમયનું પરિમાણ વાતાવરણનાં વિષાદભારને વ્યક્ત કરે છે. તેની સાથે સાથે ઘરને વ્યવસ્થિત કરનાર પત્નીના અભાવને કારણે બધું અસ્તવ્યસ્ત પડી રહ્યું છે નો સંકેત જોવા મળે છે.
''સાફસૂફી કરતાં કરતાં વધી ગયેલા ધૂળના ઢગલામાં મારા
ઘરની બારી ડોકિયું કરે છે ત્યારે સામેના ઘરનાં નળિયાં
ખડખડાટ હસે છે (મને બરાબર યાદ છે કે આવો જ
ખડખડાટ પરમ દિવસે રાત્રે મારી ડાબી આંખમાં થયો હતો.
અહીં વિશિષ્ટ સંકેતો જોવા મળે છે. 'ધૂળના ઢગલામાં ઘરની બારી ડોકિયું કરે છે કે પછી મારા ઘરની બારી ધૂળના ઢગલામાં બહાર અંદર ડોકિયું કરે છે? અને આ ક્રિયાની સામે બીજી પંક્તિમાં કવિએ એક ઉપહાસ રચ્યો છે જેમાં 'સામેના ઘરનાં નળિયા ખડખડાટ હસે છે. આ અન્યનો ઉપહાસ છે કે કવિના પોતાનો જ કરુણ પ્રતિભાવ છે? એ કહેવું મુશ્કેલ છે. પહેલાં ખાલી ખુરશીની સામે આરામ ખુરશી મૂકી અને અહીં ઘરની બારીની સામે ખડખડાટ હસતા નળિયા મુક્યા છે. પહેલામાં સહવર્તીતા છે તો બીજામાં પૂર્વાપરતા છે.
કૌંસમાં આપેલી પંક્તિઓ 'મને બરાબર.... મારી ડાબી આંખમાં થયો હતો. માં કવિ કોઈ અપશુકન કે કરૂણભાવનો નિર્દેશ કરે છે. ડાબી આંખનું ફરકવું એ જ 'ખડખડાટ' વ્યક્તિ માટે કરૂણતાનો કે અપશુકનનો નિર્દેશ કહેવાય.
'પલંગ પર બેસીને ઝોંકા ખાતાં બગડી ગયેલા રેડીઓના
અવાજો 'ચાય ગરમ' પીધા કરે છે અને ભારત-વેસ્ટ
ઇન્ડીઝ - હારજીત જીતહાર વાગોળ્યા કરે છે.'
પૂર્વાર્ધમાં નાયકના પોતાના જીવનની સંડોવણી હતી જયારે ઉત્તરાર્ધમાં કવિ કંઇક જુદી રીતે વાત કરવા માંગે છે. અહીં જો કોઈ પલંગ પર બેસે છે તો તે રેડિયો, બગડ્યો હોય તો તે રેડિયો, 'ચાય ગરમ' પીતો હોય તો તે રેડિયો, ભારત-વેસ્ટ ઇન્ડીઝ હારજીત વાગોળતો હોય તો તે રેડિયો, અહીં રેડિયો નાયકનું સ્થાન લઇ લે છે. આવી અશક્ય, અશુદ્ધ ભાષાપરિસ્થિતિને કારણે રચનામાં લાગણીની અતિશયોક્તિ જોવા મળે છે. પૂર્વાર્ધની જેમ અહીં પણ વિરોધની પરંપરા તો ચાલુ જ રહે છે. બગડી ગયેલો રેડિયો અને 'ચાય ગરમ' ભારત-વેસ્ટ ઇન્ડીઝ હારજીત વગેરેમાં વિરોધાભાવ પ્રગટ થયો છે.
'કશું જ ન હોવાનો ભાર ઝીલી ઝીલીને એકાંત પુષ્ટ થયું છે.
ત્યારે પાંગરતા જતાં પાણીનો ખળખળાટ સાંભળવો કોને
ન ગમે?
અને પછી તો પાણી પણ પુષ્પ બની જશે.'
કવિ છેલ્લી પંક્તિઓમાં પાણીને પાંગરતું બતાવવાના ચમત્કાર દ્વારા પાણીને પુષ્પમાં રૂપાંતરિત થતું બતાવવાના ચમત્કાર સુધી પહોંચે છે. પાંગરતું પાણી અને પાણીનું પુષ્પમાં રૂપાંતર આંતરિક મનોવલણોનું સંમોહન છે. નાયકના વિરહને, તેનાં એકાંતને છેવટે જાણે જીવનઊર્જા તોડી પાડે છે. બર્ગસોને ચીંધેલી જડ, નિર્જીવ, નિષ્ક્રિય જીવનઊર્જા સામે નવા સ્વરૂપે વિકસતી, વિસ્તરતી જીવનઊર્મિ જોવા મળે છે. અંતમાં
'સમયને તો કોણ ના પાડે?
આવે, બેસે અને જાય.'
આવે, બેસે અને જાય'માં ભૂતકાળમાં આવે, વર્તમાનમાં બેસે અને ભવિષ્યમાં લઇ જાય એ સમયનાં ત્રણે રૂપોને નાયક એકસાથે નીરખે છે. સમયની આ ક્રિયા અવિરત ચાલતી રહે છે.
કવિએ વર્તમાનની આ અણી પરથી વહેતા સમયને સાંભળ્યો છે. 'સમયને તો...' જેવી પ્રથમ પંક્તિનો 'તો' પછીની બે પંક્તિમાં આગળ વધી જે રીતે સમતુલા જાળવે છે. તે શૈલી કાવ્યના પોતનું ધ્યાન ખેંચનાર ઉદાહરણ છે. સમયના આવરણમાં વીંટળાયને કવિ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જીવનને અછાંદસ કાવ્ય દ્વારા વ્યક્ત કરે છે.
સંદર્ભ પુસ્તકો :::
- 'અછાંદસમીમાંસા', ચંદ્રકાન્ત ટોપીવાળા
- 'આધુનિકોત્તર કવિતા', અજયસિંહ ચૌહાણ