'આખેપાતર' : નારી વેદનાનાં અક્ષયપાત્રની કથા
એક હિન્દી અધ્યાપિકા હોવા છતાં માતૃભાષાનાં મમત્વનાં કારણે બિન્દુ ભટ્ટે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પણ પોતાની લેખની ચલાવી છે અને નારી જીવનને કેન્દ્રમાં રાખીને બે નવલકથા અને એક વાતૉ સંગ્રહ આપે છે. 'બાંધણી' નામક તેમનો વાતૉસંગ્રહ ખૂબ જાણીતો છે. તેમની પ્રથમ નવલકથા 'મીરાં યાજ્ઞિકની ડાયરી' 1992માં પ્રગટ થાય છે, જે તેમની ડાયરી શૈલીની એક પ્રયોગશીલ નવલકથા છે. ત્યાર પછી છેક સાત વર્ષ બાદ તેમની પાસેથી આ બીજી નવલકથા'આખેપાતર'1999માં મળે છે.આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થાય એ પહેલાં જન્મભૂમિમાં હપ્તાવાર પ્રકાશિત થાય છે. 'આખેપાતર' નવલકથા રાષ્ટ્રીય સ્તરે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પોંખાઈ છે.આથી આ નવલકથા માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં,ગુજરાતી ભાષાની પણ યશસ્વી કૃતિ છે.આ નવલકથામાં લેખિકાએ પત્રશૈલીની સાથે સાથે 'બાયફૉકલ' ટેકનિકનો પ્રયોગ કરીને ભૂતકાળ અને વતૅમાનની ગૂંથણી કરી કથાના પ્રવાહને વહેતો રાખ્યો છે.
આપણે સ્થૂળ રીતે જોઈએ તો કંચનબા જસાપરમાં દાખલ થાય છે ત્યાંથી કથાનો પ્રારંભ થાય છે,અને ત્રણ દિવસના અનુષ્ઠાન પછી ગામ છોડે છે ત્યાં કથા પૂર્ણ થાય છે.આમ બાહ્ય સમયગાળો તો ટૂંકો છે,પણ તેમા જ કંચનબાની અઠ્યોતેર વર્ષની જીવનલીલા કંચનબાની મનોમન સ્મૃતિ કથા રૂપે વણૅવાય છે.
કંચનબા અઠ્યોતેર વર્ષ પછી પોતાના પિતાના ગામ જસાપર આવે છે. જયારે કંચનબા ગામમાં આવે છે ત્યારે ગામલોકનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે.આ વાતથી કથાનો પ્રારંભ થાય છે.કંચનબાનાં આવવાથી ગામલોકો અનેક તકૅ લગાવે છે કે આટલા વર્ષ પછી શું કરવા આવ્યાં હશે? શું લેવા આવ્યાં હશે? વગેરે.પણ કંચનબા કોઈ સાથે કાંઈ બોલવાને બદલે સીધા સતીમાના સ્થાનકે જાય છે.ત્યાં ગયા પછી તે તેમના ભૂતકાળમાં સરતા જાય છે. તેમના આ સ્મૃતિ પ્રવાસથી જ આપણે તેમના પૂર્વ જીવન અને સંઘર્ષથી પરિચિત થઈએ છીએ.
જસાપરમાં બાળપણની ક્ષણો માણતા કંચનબા એક દિવસ પિતાના વ્યવસાય માટે પરિવાર સાથે કંરાચી જાય છે.ત્યાં ગયા પછી ભણવાની ઈચ્છા હોવા છતાં સમય અને સંજોગોવસાત તે ભણી શક્તા નથી.બાળપણ અને કિશોરાવસ્થાની વચ્ચે જ તેમની ઉપર ઘરની જવાબદારી આવી પડે છે. 14 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન અમૃતલાલ સાથે કરી દેવામાં આવે છે.હજુ તો ભણવા અને રમવાની ઉંમર હતી ત્યાં જ સસરાની સામે ન પડાય , નણંદને તમે કહી ને જ બોલાવાય , પતિ કહે તેમ જ કરાય વગેરે જેવી પરંપરિત બાબતોમાં કંચન ગોઠવાય જાય છે.ત્યાં જ અણધારી મુસીબત તેમના પર આવી પડે છે.ભારત આઝાદ થાય છે અને ભારતનું વિભાજન થાય છે.આથી રાતો રાત જાહોજલાલીમાં રાચતા તેમના પરિવારે વતન તરફ ભાગી છૂંટવું પડે છે.અહીંથી જ કથાનો અને કંચનબાના સંઘર્ષનો ખરો આરંભ થતો આપણે જોવા મળે છે.
કંચનબા પોતાના સંતાનો અને પરિવાર જનોને લઈને એકલા વતન તરફ જાય છે.જયારે પતિ અમૃત કમ્પાલા જાય છે .પતિથી છૂટા પડ્યા બાદ વતન પાછા ફરતાં તેમને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે.જેમકે,પુત્ર ગૌતમનું ખોવાય જવું,પાગલ સસરાનું દરિયામાં પડી જવું,ત્રીજા દિવસે બાળકો સાથે બંદર પહોંચવું, સસરાની તપાસમાં જતા રાહત છાવણીમાં બળાત્કારનો ભોગ બનવું.આ અને આવા અનેક વળાંકો ને સંઘર્ષ કંચનબાના જીવનમાં આવે છે. અને આમ કંચનબાનો પુત્રી,પત્ની અને પુત્રવધુ તરીકેનો એક તબ્બકો પૂર્ણ થાય છે,અને માતા તરીકેની જવાબદારી શરૂ થાય છે.
કંચનબા પિતાના ગામ જસાપરમાં આવી ગોરપદું કરી સંતાનોને મોટા કરે છે, અને રાત દિવસ એક કરી બધાંને ભણાવે છે. તે પોતાની પુત્રી અરુણાને વિકાસ ગૃહમાં મુકવા જાય છે ત્યારે તેમને ક્રાંતિકારી નણંદ જયાનો ઝરીના રૂપે ભેટો થાય છે.આમ અનેક સંઘર્ષ વચ્ચે અમૃતના આવવાની આશા સાથે કંચનબા સંતાનોને મોટા કરે છે. ત્યાં જ વર્ષો પછી કમ્પાલથી અમૃતના મૃત્યુના સમાચાર આપતો પત્ર મળે છે. જેમાં અમૃતે ઈવ નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતાં તેની પત્ર દ્વારા જાણ થાય છે.સાથે સાથે અમૃત કંચનબા માટે છોડી ગયેલા નાણાની વિગતો પણ પત્રમાં છે.આ આઘાતથી કંચનબા ભાંગી પડે છે. સમગ્ર વાતની જાણ તે સંતાનોને કરે છે. ફરી કંચનબાનો પરિવાર માંડ માંડ શાંતિથી શરૂ થાય છે ત્યાં કંચનબાનો મોટો પુત્ર ઈવે જે નાણા વિશે પત્રમાં જણાવ્યું હતું તે નાણા કંચનબાની ખોટી સહી કરી મેળવી લે છે.આ વાતથી કંચનબાને ફરી આઘાત લાગે છે અને કંચનબા કહે છે - " ચંદ્રકાન્ત તે ભૂલ નહીં,અપરાધ કર્યો છે.તે મારું દૂધ લજવ્યું છે.....હું માનતી હતી કે મારાં સંતાન મને ઉજાળશે ,પણ એ મારો ભ્રમ હતો."(પૃષ્ઠ 249) આમ,સ્વમાન ભેર જીવનાર કંચનબાનું સ્વમાન તેના પુત્ર દ્વારા જ હણાય છે. આ કારમાં આઘાતને પણ તે ચુપચાપ સહન કરી લે છે. આમ અનેક સંતાપમાં તપતા કંચનબા બધી બાજુથી એકલા પડી જાય છે. જેથી તે શહેર છોડી શાંતિ માટે વતન તરફ પાછા ફરે છે .અહીં પણ લોકોની ગેરસમજણ તેને નિરાંતે રહેવા દેતી નથી. આથી ત્રણ દિવસનું અનુષ્ઠાન કરી તે વતનમાંથી પણ ચાલી નીકળે છે.ત્યાં જ કથાનો અંત આવે છે.
જયારે એક પિતા સાથ છોડે છે ત્યારે પતિ સાથ આપશે અને પતિ સાથ છોડે છે ત્યારે સંતાનો સાથ આપશે એવું કંચનબા વિચારે છે પણ અંતે કંચનબાના જીવનમાં એકાંગી જ રહેવાનું લખ્યું હોવાથી તે એકલા રહી અનેક સંઘર્ષો અને સમાજનો સામનો કરે છે તથા બધાં સામે એકલા હાથે લડે છે.પણ અંતે વેદના સિવાય બીજું કંઈ તેમને પ્રાપ્ત થતું નથી.
આ રીતે 'આખેપાતર' નવલકથા કંચનબાની વ્યથાનું ,વેદનાનું અને સંઘર્ષનું આખેપાતર છે.' આખેપાતર' શીર્ષક પણ અહીં નવલકથા માટે ચરિતાર્થ થાય છે. કંચનબા હંમેશાં પોતાની સાથે એક છાલિયું રાખતાં હતાં.જે આ નવલકથામાં સુક્ષ્મ પ્રતીકાત્મકતા ધારણ કરે છે.જયારે કંચનબાને ચંદ્રકાન્ત એ છાલિયું પાછું તેમના મામીને આપવાનું કહે છે ત્યારે કંચનબા કહે છે -" કૃષ્ણએ દ્રૌપદીને અક્ષયપાત્ર આપ્યું હતું.વનવાસનો કપરો કાળ પાંડવોએ એ અક્ષયપાત્ર દ્રારા જ પાર પાડ્યો હતો.એમ મને રુખીભાભી જેવી ભોળા મનની સાચકલી સ્ત્રીએ આ આખેપાતર આપ્યું છે. મારા માટે આ 'આખેપાતર' જીવવાનો અને ઝઝુમવાનો આધાર છે. ભલેને આ કાળની ઝાળ મારી પરીક્ષા લીધા કરે. મારા જીવનનો ઝરો સુકાયો નથી એનું કારણ છે આ છાલિયું . એને જોવ છું ને મારા પગ ધરતી પર ટકી રહે છે. આ છાલિયું મને સતત યાદ અપાવે છે કે સમયથી મોટી કોઈ શક્તિ નથી . જો સુખની શીળી છાંય ટકતી નથી તો પછી દુઃખનો લાવા પણ નહીં ટકે. એને જોઈને હું શીખી છું કે બધું કાળને સોંપી દેવું અને જીવવાનો સંઘર્ષ છોડવો નહીં. આ જ મારી એક માત્ર કમાણી છે. આ છાલિયું તો ઈતિહાસનો બોધ પાઠ છે".(પૃષ્ઠ -244)
આ રીતે કંચનબાની વાત દ્વારા નવલકથાનું શીર્ષક સિધ્ધ થાય છે. આ 'આખેપાતર' નવલકથામાં પાત્ર, સ્થળ ,કાળ અને વાતાવરણ, સંવાદ,ભાષા અને ટેક્નિકનો પ્રયોગ સમાન માત્રામાં કર્યો છે. સંઘર્ષ તો નવલકથાનાં પાંને પાંને તથા પ્રકરણે પ્રકરણે જોવા મળે છે.ગામડાં અને શહેરનાં વાતાવરણને પણ લેખિકાએ ઉચિત ઉઠાવ આપ્યો છે.સાથે સાથે વાતાવરણ પ્રમાણે ભાષાનો પણ પ્રયોગ કરી જાણ્યો છે.
અંતે આ નવલકથા માટે એટલું કહી શકાય કે એક સ્ત્રી હોવાનાં કારણે જ કંચનબાને આટલા દુઃખ સહન કરવા પડે છે. એટલે કહી શકાય કે આ નવલકથા કંચનબાની વ્યથાની કથા છે. સાથે સાથે જીવનમાં આવી પડતી અણધારી પરિસ્થિતિઓ અને દુઃખદ ઘટનાઓ વચ્ચે પણ જેમ કંચનબા મક્કમપણે જીવ્યા છે તેમાંથી આજની નારીએ પ્રેરણા લેવી જોઈએ, કારણકે કંચનબાનો સંઘર્ષ આજની નારી માટે પ્રેરકબળ બની રહે છે.
આમ 'આખેપાતર' નવલકથા એક નારીના જીવનની વેદનાની,વેદનાના અક્ષય પાત્રની કથા બની રહે છે. જેમ અક્ષયપાત્રમાંથી કદી વસ્તુ ખૂટે નહીં તેમ કંચનબાના જીવનમાં વેદનાનો અંત આવ્યો જ નહીં. છેલ્લે તો એટલું કહેવાય છે જીવનના સાત દાયકા વિતાવી ચુકેલા કંચનબા સમય અને સંજોગો દ્વારા અનેક પરિસ્થિતિનો સામનો કરી વેદનાની,પીડાની આગમાં તપી કંચનમાંથી કંચનબા બને છે તેની આ કથા છે. આમ આ નવલકથા બિંદુ ભટ્ટની જ નહીં ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ નારીકેન્દ્રી નવલકથા છે.
સંદર્ભ ગ્રંથો :::
- 'અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ',લે.પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રકાશન- પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- 'આખેપાતર' , લે. બિન્દુ ભટ્ટ , પ્રકાશન- આર.આર.શેઠ એન્ડ કંપની, પુન:મુદ્રણ - ઓગસ્ટ 2012
- 'નવલકથા : ચર્ચા અને ચિકિત્સા', લે. બિપિન આશર, પ્રકાશન - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ