Download this page in

લઘુકથા

હાશ !

ઘર ઢૂકડું આવતું ગયું, એમ – હેમ ગૌરીનો હરખેય વધતો ગયો. ક્યારે રસ્તો ખૂટે, ક્યારે ઘર આવે, ને ક્યારે....

ગૌરી ગામડાની ગોરી. બાપુજી ખેડૂત. ગામ આખામાં એનું ઘર ખાધેપીધે સુખી. મોટા ખોરડા, ઢોર – ઢાંખર, ને જમીન. આવા ઘરમાં ગૌરી મોટી એટલે કેટલીય જવાબદારી એના માથે. ઊઠે કે કામે વળગી જવાનું. વાસીદું, કપડા, વાસણ તો હોય જ, ઉપરથી ઘરમાં માલ – ઢોરેય ઘણાં એટલે સ્વર – સાંજ છ સાત ભેંસ દો’વી જ પડે. દમ નીકળી જાય. ઘર ને ઢોરમાંથી નવરી પડે કે વાડીએ ઊપડવાનું. દાડિયા ન કરે એટલે ખેતરના કામમાં હારોહાર વળગવું પડે. કમરતોડ કામમાંથી નવરાશ ક્યાં ગોતવી ?

ગૌરી આ બધામાંથી નવરી પડે કે બેનપણીઓ ચંપા, કાશી ને હંસાને બોલાવે. ચારેય મળી વાતુની રમઝટ બોલાવે. કો’કવાર શહેરની વાતુંય નીકળે. શહેર એટલે અજાયબી. વાતો સાંભળી ગૌરીનેય મન થાય કે પોતાનેય શે’રમાં રે’વા મળે તો કેવું હારું ? ગામડાની વેઠમાંથી તો છૂટા. એય ને જલસા – જલસા.

એમાં ગૌરીના નસીબ ઊઘડી ગયા. ગૌરીનું સાસરિયું ગામડામાં પણ ‘ઘરવાળા’ની નોકરી શે’રની સરકારી શાળામાં. જો’તું’તું ને શે’ર મળ્યું. એ ફૂલી ન સમાય. શહેરના બૈરા જેવી આખી સાડી પહેરવાની, ધાબાવાળું ઘર, ઢોર – ઢાંખરનું નામ નહીં, વળી, રાંધવાનુંયે ગેસ ઉપર. શહેરના ઘરનું કામ એને મન તણખલું. આખો દિ’ આરામ જ આરામ.

... ઘરનો ડેલો દેખાયો કે ગૌરીથી હૈયું હાથ ન રહ્યું. લાગલી દોટ જ મૂકી. ભેંસ દોહી રહેલી બાને જઇને વળગી પડી. ઘરમાં બધાયને મળાઇ ગયું કે તરત ઓરડામાં દોડી જઇ એ પોતાના જૂના જીમી – કાપડું ને ઓઢણી પહેરી આવી બાની હારે પોતાની માનીતી ભેંસોને દો’વા મંડી. બાની આનાકાનીને કાને ન ધરતાં પૂછ્યું,
‘ બા, હવે તો બાજરી વઢાતી હશે, નંઇ ?’
‘ હા.’
‘ કાલ હુંય તારી હારે વાડીએ આવીશ.’
‘ પણ એકાદ દા’ડો પોરો...’
બાના શબ્દો જાણે એના કાને જ ન પડ્યા. પોતે દોહી રહેલી ભેંસના આંચળમાંથી દૂધની સાથે આનંદનીયે શેડો ફૂટી રહી.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર,જિલ્લાસેવા સદન, ટાવર ચોક, સુરેંદ્રનગર. મોબાઇલ: 99 1313 5028