Download this page in

હરગોવિંદદાસ કાંટાવાળાનું સંશોધન: પ્રેમાનંદ સંદર્ભે

પ્રસ્તાવના:

૧૯મી સદીનું સંશોધન એટલે ગુજરાતી સાહિત્યમાં સંશોધન પ્રવૃત્તિ તરફનું આપણું પ્રથમ પ્રયાણ. જેમાં અનેક સંશોધકોએ સાહિત્યના અનેકવિધ ક્ષેત્રોમાં સંશોધન સંપાદન કર્યું છે. જેમાંથી કેટલુંક આજે પણ પ્રસિદ્ધ પામ્યું નથી એટલે કેટલુંક સંશોધન સાહિત્યના ઇતિહાસમાં માત્ર સુચિત જ થયું છે.તેને પ્રકાશમાં લાવવાનું કામ સંશોધકોએ કરવું જોઈએ. આ આશયથી ૧૯મી સદીના મધ્યકાલીનક્ષેત્રે જે સંશોધન સંપાદન થયું છે. તેમાં પણ રાવસાહેબ હરગોવિંદદાસ કાંટાવાળનું ‘પ્રાચીન કાવ્યમાળા’ માં પ્રેમાનંદ સંદર્ભે કરેલું સંશોધન સંપાદન એ મારા રસનો વિષય છે.

મહીપતરામના શિષ્ય, સંસારસુધારક ગણિતિ લાલશંકરના મિત્ર અને એ બંન્નેના પ્રભાવ હેઠળ પ્રથમ પ્રાથનાસમાજની તથા પાછળથી આર્યસમાજની જનસુધારણાની પ્રવૃત્તિમાં સક્રિય રસ દાખવનાર રાવસાહેબ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનો જન્મ ૧૬-૦૭-૧૮૪૪ મોઢ વણિક કુટુંબમાં થયો હતો. તેઓએ ૧૮૬૪માં મેટ્રિક થઈને રાજકોટની ટ્રેનીગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યાં ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામાયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં વડોદરા રાજ્યના કેળવણીમાં જોડાયા. ૧૯૦૩માં ‘રાવબહાદુ’નો ઈલ્કાબ મળ્યો. ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને સાહિત્યના તંત્રી તેમજ તેમણે લેખનકાર્યની શરૂઆત ‘ગુજરાત શાળાપત્ર’ માંથી કરી પરંતુ તેમની વિશેષ ખ્યાતિ ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદક તરીકે તેમજ તળપદી ભાષાના આગ્રહી લેખક તરીકે જાણીતા છે. તેઓએ દહેજપ્રથા વિરુદ્ધ, વિધવાપુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ હિમાયત કરી હતી, સમાજસુધારકોમાં તેમનું નામ મોખરે છે.

‘પ્રાચીનકાવ્યમાળા’ શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડ સેનાખાસખેલ સમશેર બહાદુરના ઉદાર આશ્રયથી રૂ ૧૨૦૦૦/-ની સહાયથી હરગોવિંદદાસ કાંટાવાળા અને નાથાશંકર શાસ્ત્રીએ વડોદરા રાજ્યના થઈ ગયેલા કવિઓની અપ્રસિધ્ધ પ્રાચીન કવિતા સંભાળથી પ્રસિધ્ધમાં લાવવાના હેતુથી સંપાદિત થયેલો ગ્રંથ છે. ‘પ્રાચીનકાવ્યમાળા’ ગ્રંથનાં ૩૫ ભાગો આપણને પ્રાપ્ત થાય છે. તેમાં હરગોવિંદદાસ સાહેબે શામળ, વલ્લભ, નરભેરામ, ભાલણ, ધીરજ તેમજ પ્રેમાનંદ જેવા મધ્યકાલીન સર્જકોની અપ્રસિધ્ધ કૃતિઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યું છે.

‘ઉપરોક્ત ૩૫ ભાગોમાંથી તેમણે પ્રેમાનંદકૃત અષ્ટાવક્રાખ્યાન’ (ભાગ-૧૨), ‘રોષદર્શિકાસત્યભામાખ્યાન’ (ભાગ-૨૬) તેમજ ‘પાંચાલીપ્રસન્નાખ્યાન’ (ભાગ-૩૦) ‘Digital library of india’ વેબસાઈટ પરથી પ્રાપ્ત થાય છે

‘પ્રાચીનકાવ્યમાળા’માં તેમણે પ્રેમાનંદના કહેવાતા નાટકો અને વલ્લભના કહેવાતા આખ્યાનો પ્રગટ કરેલા છે. તેનાથી સાહિત્યની દુનિયામાં મોટો ઉહાપોહો થયેલો. આ ઉપરાંત મણિલાલ નભુભાઈ સાથે ‘વ્યવહારુ ભાષા’ અંગે વિવાદ ઉભો કરીને તેમણે મન:સુખરામનું સંસ્કૃતમય ભાષાના આગ્રહથી તદ્દન સામે છેડેનું ગણાય તેવું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું હતું. આ બંને ઘટનાઓ સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર બનેલી છે.

પ્રેમાનંદકૃત ‘અષ્ટવક્રાખ્યાન’:ભાગ-૧૨

પ્રસ્તુત કૃતિ સવંત ૧૯૪૬-૪૭ એટલે સન ૧૮૯૦-૯૧માં હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રકાશમાં લાવ્યા હતાં. ગુજરાતી ભાષામાં છંદોમય પ્રાચીનકાવ્યનું પહેલું-વહેલું દર્શન આપણને પ્રેમાનંદે જ કરાવ્યું એમ હરગોવિંદદાસે નોધ્યું છે.

અહીં હરગોવિંદદાસ કાંટાવાળા પ્રસ્તુત કૃતિનું સંશોધન કરતાં કૃતિના કથાવસ્તુને મૂળ કથાવસ્તુ સાથે સરખાવીને પ્રેમાનંદે ક્યાં ફેરફારો કર્યા છે અને કયા મૌલિક ઉમેરણો કર્યા છે. તે નોંધ કરે છે કે, ‘પ્રેમાનંદનાં નાટકો કહેવાતા એટલે તેમાં નાટકનાં લક્ષણોમાં અનિવાર્યતા હોય એ બધાને અનુસરીને વસ્તુસંકલના કરી છે. તેથી મૂળ કૃતિના અમુક પ્રસંગો અને વર્ણનોનો લોપ કર્યો છે. તો ક્યારેક મૂળ કથાવસ્તુમાં વિસ્તરણ પણ કર્યું છે.

આ કૃતિ સંપાદન કરતાં હરગોવિંદદાસે પ્રથમ આપણને મહાભારતની વનપર્વમાંથી અષ્ટાવક્રની મૂળ કથાવસ્તુને પહેલા વિસ્તારથી રજૂ કરી છે. અને પછી પ્રેમાનંદે જે રીતે ‘અષ્ટાવક્રાખ્યાન’ આપ્યું છે. તેની તુલના હરગોવિંદદાસ કાંટાવાળાએ કરી છે.

મૂળ કથાનકમાં માત્ર શાંતરસ બતાવ્યો છે. પરંતુ પ્રેમાનંદ જેવો રસયજ્ઞ કવિ મુખ્યરસ શાંતને પ્રયોજીને સ્થયીભાવને સમ રાખે છે. સાથે નાટકમાં આવતા રસને અનુકૂળ આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવને પ્રસંગાનુરૂપ વાપર્યા છે. એટલે હરગોવિંદદાસ પ્રેમાનંદનાં આ આખ્યાનને આખ્યાન ન કહેતાં નાટક કહેવાનું વધારે યોગ્ય ગણે છે.
ઉદા:
પુણ્યાશ્રમ, હરિક્ષેત્રે, ,રમણિક વન મહાપુરુષનો સમાગમ, એ વગેરે પ્રસંગોમાં ઉદ્દીપન વિભાવ છે. તો અનિત્યત્વના જ્ઞાનથી તમામ વસ્તુમાં નિ:સારપણું જોવું અથવા પરમાત્માસ્વરૂપ એ બધું આલંબન વિભાવ છે. અહીં ગૌણ રસો જોવા મળે છે.

હરગોવિંદદાસે આ ગ્રંથનું કાવ્યની દ્રષ્ટીએ મૂલ્યાંકન કરતાં નોધ્યું છે કે, ‘પ્રસ્તુત કૃતિમાં ક્યાંય ક્લિષ્ટતા નથી કે ક્યાંય છંદોલય જોવા મળતો નથી. અર્થનું સ્ફૂરણ થવાને લીધે વાંચનારને વિચાર કરવો પડતો નથી. અક્ષરસંહતી અનુપ્રાસ, શોભાપ્રસાદ વગેરે લક્ષણ અને ગુણ તેમાં ઠામ ઠામ દેખાય છે. આ ઉપરાંત એમાં વપરાયેલા અલંકારો પણ સામાન્ય વાચકને બોધિત થાય તેવા છે. ઉપરાંત દરેક કડવાનાં આરંભમાં એક છટાદાર અક્ષરમેળ છંદ મૂક્યો છે. અને તેની વિશેષતા એ છે કે તેમાં આખા કડવાનો સાર(તાત્પર્ય) સમાયેલું છે. જે મૂળકથાવસ્તુમાં આપણને જોવા મળતું નથી. પ્રેમાનંદની વિશેષતા નોંધતા હરગોવિંદદાસ નોંધે છે કે, ‘પ્રાચીન અને આધુનિક કવિને છંદની સરખામણીમાં ઘણાં ઉત્તમ છે જે પ્રેમાનંદને એક ઉચ્ચકોટીના કવિ તરીકે મૂલવે છે.’

આ ઉપરાંત આ કૃતિના કર્તા અંગે વિશેષ પ્રકાશ પાડતા કહે છે કે, ‘આ ગ્રંથ વાંચતા આપણને કવિનું કાવ્યગાન, ભાષાજ્ઞાન, આધ્યાત્મવિદ્યા અને તેને લગતા શાસ્ત્રોનું જ્ઞાન ઉત્તમ પ્રકાશનુ હશે એમ કહેવામાં કોઈ બાધ નથી.(અષ્ટાવક્રાખ્યાન પૃ-૨૩)રોષદર્શિકાસત્યભામાખ્યાન(ભાગ-૨૬)(સવંત- ૧૯૪૭-૪૮ સન ૧૮૯૧-૯૨)

‘પ્રાચીનકાવ્યમાળાનાં’ નાટકોનો આ પહેલો ગ્રંથ છે અને ગુજરાતી ભાષામાં પણ જૂના કવિની શૈલી પ્રમાણે રચાયેલા નાટકનો આ પહેલો જ ગ્રંથ છે. આ ઉપરાંત દૃશ્ય અને શ્રાવ્ય એમ કાવ્યના બે ભેદ છે. તેમાંથી શ્રાવ્યકાવ્ય અંગેના નાટકો પ્રાચીન કાવ્યમાળામાં એ પહેલા ઘણાં પ્રગટ થઈ ગયા પરંતુ દૃશ્યકાવ્યમાં પ્રગટ થયેલો આ પહેલો ગ્રંથ છે. એમ તેની વિશેષતા હરગોવિંદદાસ કાંટાવાળાએ તારવી આપી છે.

આ નાટક અંગે હરગોવિંદદાસ નોંધે છે કે આ નાટક દૃશ્યકાવ્ય હોવાથી દૃશ્યકાવ્યને સંસ્કૃતમાં ગ્રંથકારો રૂપક કહે છે. તેથી આ કાવ્ય રૂપક છે એમ તેઓએ જણાવ્યું છે. આ ઉપરાંત સંશોધકે આ આખી કૃતિને રૂપકનાં લક્ષણો અનુસાર મૂલ્યાંકન કર્યું છે. જેમકે,
આ નાટકમાં સત્યભામાની પ્રાપ્તિ અને પારિજાતકનું આણવું એ મુખ્ય વસ્તુ છે જેને રૂપકની ભાષામાં આપણે (આધિકારિક) કહીએ છીએ. જયારે ભૌમાસુરવદ, બાગમાં નગરલોકની ઉજાણી, સોળસહસ્ત્ર રાજકન્યાઓ પરણી આણવી એ પ્રાસંગિક વસ્તુ (ગૌણવસ્તુ) છે એમ જણાવે છે.

આ નાટકનું કથાવસ્તુ મિશ્ર છે. એટલે કે શ્રીદામો, નાગરિકા વગેરે પાત્રો તથા ઉજાણી વગેરે પ્રસંગ કવિકલ્પિત છે. જયારે મણિ ચોરવો, સત્યભામાની પ્રાપ્તિ, ભૌમવધ પારીજાતહરણ વગેરે પ્રસંગ ઐતિહાસિક છે. સંશોધક કૃતિના રસની તેમજ પાત્રના પ્રવેશ અંગે પણ ચર્ચા કરી છે. તેઓ જણાવે છે કે, આ નાટકમાં મુખ્ય રસ શૃંગાર છે. નાટકના નિયમ પ્રમાણે દરેક પાત્રનો પ્રવેશ ચમત્કારથી કરવો એ હોવાને કારણે પ્રેમાનંદે પણ અહીં દરેક પાત્રને ઉચિત ચમત્કાર પૂર્ણ પ્રવેશ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના નાટ્યગ્રંથોમાં વાક-ચાતુરીના પ્રસંગ કવચિત જ જોવા મળે છે. જે અહીં આપણને પ્રેમાનંદે બતાવ્યું છે.
ઉદા:
‘દેવી! કરજને કન્યા, કલંકિત સદા ભણું.
યથાર્થ વદવું મારે, ગમ તેમ તમે ગણ્યું’(રોષદર્શિકાસત્યભામાખ્યાન-પૃ-૩૮)

પ્રેમાનંદની વિશેષતા દર્શાવતા હરગોવિંદદાસ કાંટાવાળા નોંધે છે કે, પ્રેમાનંદના સમયમાં પ્રાકૃતભાષા જ હોય છતાં પણ કવિએ નાટકમાં આભીર (આહીર)ના પાત્રની ભાષા એવી પ્રયોજી છે કે, જાણે તે જૂની ગુજરાતી ના હોય! એવું આપણને જે કવિની જૂની ગુજરાતી ભાષાના જ્ઞાનવિશે પણ આપણને જ્ઞાત કરાવે છે.

આ કૃતિના કથાવસ્તુની ચર્ચા કરતાં કાંટાવાળા કહે છે, આ નાટકનું કથાવસ્તુ તો આપણને ચોથા અંક સુધી સમાપ્ત થતું જોવા મળે છે. પરંતુ નાટકના સપ્તાંકી હોવાને કારણે કવિ પ્રેમાનંદે અહીં બીજા ત્રણ અંકો ઉમેરીને કુલ સાત અંકનું કથાવસ્તુ આપ્યું હોય એમ લાગે છે.

આ નાટકનું અવલોકન કરતા કાંટાવાળા સાહેબ નોંધે છે કે, કવિ પ્રેમાનંદની અદભુત કવિત્વશક્તિ, તેનું સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન, તેની ગુજરાતી ભાષાની ખીલવવાની ઉત્કંઠા, તેનું નાટ્યશાસ્ત્રને અનુસરતા ગાયનોનું જ્ઞાન, તેની સંસારવ્યવહારની ઊંડી માહિતી, તેનું ગુજરાતી ભાષાનું બહોળું શબ્દજ્ઞાન, ગુજરાતી ભાષાના રૂઢવાક્યો અને ખૂબીઓનું સરસ જ્ઞાન તથા જનસ્વભાવનું તેનું સુક્ષ્મ અવલોકન અને માનસિક ભાવોની વાણી દ્વારા વર્ણનછટા એ વગેરે બતાવી આપે છે કે પ્રેમાનંદ સાચા અર્થમાં શિરોમોર અને ઉત્કૃષ્ટ કવિ છે.(રોષદર્શિકાસત્યભામાખ્યાન.પૃ-૨૬)

પ્રેમાનંદની ભાષા અંગેની ચર્ચા કરતા પ્રસ્તુત નાટકમાં જોઈએ તો મધ્યપ્રદેશના શહેરોમાં વસતાં ઉચ્ચવર્ણના અને ખાસ કરીને વિદ્વાન લોકો જે ભાષા વાપરે છે તે ઉત્તમ કહેવાય. સર્વદેશી વિદ્યાવર્ય પ્રેમાનંદની ભાષા ઉત્તમ ગણી શકાય. અહીં કૃષ્ણ જેવા પાત્રના મુખે જે ભાષા પ્રેમાનંદે બોલાવી છે. તે ઊંચી જાતની ગુજરાતી છે. આ ઉપરાંત પ્રેમાનંદના સમયમાં ઉચ્ચવર્ણની ઘરગથ્થુ અને હલકાં વર્ણની ભાષા કેવી હશે એ પણ તેમણે બતાવી આપી છે. એથી એ સમયની ભાષા હાલે ચાલતી ગુજરાતીને મળતી આવે છે. એમ કાંટાવાળાએ નોંધ્યું છે. એટલે કે લખાયેલી ભાષા ફરકવાળી હોય શકે પરંતુ વાતચીતની ભાષા આજે પણ મળતી આવે છે. જે ઘણી આશ્ચર્યની વાત કહી શકાય. ’પાંચાલીપ્રસન્નાખ્યાન’ ભાગ-૩૦ (સવંત-૧૯૪૭-૪૮-સન ૧૮૯૧-૯૨)

કૃતિના નામ પરથી આપણને એ આખ્યાન કૃતિ લાગે પરંતુ અહીં પ્રેમાનંદની પ્રાપ્ત કૃતિઓ નાટકનાં લક્ષણોને અનુસરીને રચાયેલી છે. એમ સંશોધક આપણને તેની વિસ્તૃત છણાવટ કરતાં જણાવે છે.

આ કૃતિનાં કથાવસ્તુ (વસ્તુસંકલના) અને તેનાં નાટક તરીકેના બંધારણની સંક્ષેપન અંગે નોંધ કરતા કાંટાવાળા સાહેબ નોંધે છે કે, આ ગ્રંથનું ઈતિવૃત(વસ્તુસંકલના) મહાભારતના આરણ્યકપર્વમાંથી લીધેલું છે. આ ઉપરાંત એમ પણ કહે છે કે ૧૪૫ થી ૧૫૭ અધ્યાય સુધીમાં આ કથા પૂરી થાય છે અને તેમાંથી પ્રેમાનંદે આ નાટકનું કથાવસ્તુ લીધું છે. પરંતુ કથાવસ્તુમાંથી કવિએ કયો- કયો ભાગ કેવી રીતે ગ્રહણ કર્યો છે તથા શી વ્યવસ્થા કરી છે એ નોંધનીય બાબત છે.

પ્રેમાનંદ એમના આ નાટકનાં દશમાં રૂપમાં લખે છે કે,
“કોઈ ઐતિહાસિક ઈતિવૃતમાં જે વૃતાંત નાટકના લક્ષણોથી અથવા રસથી વિરુધ્ધ હોય, તેનો ત્યાગ કરવો અને કદાપી જરૂર લાગે તો નાયક તથા રસને અનુસાર તેમાં ફેરફાર કરીને અથવા આગળ પાછળ ગોઠવીને નાટકના ઈતિવૃતની રચના કરવી.”(પાંચાલીપ્રસન્નાખ્યાન પૃ-૨૧)

આ ઉપરાંત મૂળકથાવસ્તુમાં અને પ્રેમાનંદની કથાવસ્તુનું અવલોકન કરીને પ્રેમાનંદે જ્યાં કેટલોક ભાગ નીરસ લાગતા લોપ કર્યો છે. ત્યાં હરગોવિંદદાસ કાંટાવાળાએ પણ ઉતારા કરતા એ ભાગ આગળ ત્યાગચિહ્ન (*) કરી બતાવ્યું છે. જેથી વાચકને તેનો ખ્યાલ આવે કે અહીં અમુક પ્રસંગોનો લોપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જ્યાં દ્રોપદીનો કીચક દ્વારા અપહરણનો પ્રસંગ આવે છે. ત્યાં પ્રેમાનંદ મુખ્ય કથાવસ્તુમાં થોડાં ફેરફાર કરીને એટલેસ્થળે પ્રેમાનંદે પાત્રાનુરૂપ ભાષા પ્રયોજી હોવાથી તથા ભારતીવૃત્તિથી વર્ણન કરવાનું હોવાથી કવિએ તેમ કર્યું છે. એમ છતાં એકંદરે અંકની ભાષારચના સરલ અને લૌકિક પ્રચારવાળી છે. જે આ નાટકમાં સમાયેલી કંઈ સેંકડો કહેવતોથી જ આપણને ખબર પડી આવે છે.

અંતે પ્રેમાનંદની વિશેષતા દર્શાવતા કાંટાવાળા સાહેબ કહે છે કે, નાટકના સંબંધે આમાં બહું સૌદર્ય છે તથા એક નાટ્યકારમાં હોવું જોઈએ એટલું બધુ જ્ઞાન આપણે પ્રેમાનંદમાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કવિ પ્રેમાનંદની ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ અને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે તીવ્ર લાગણી આપણે આ નાટકની નાન્દીમાં સૂત્રધાર અને નટના સંવાદમાં જોઈ શકાય છે.

અંતે નોંધવા જેવી બાબત એ છે કે હરગોવિંદદાસ કાંટાવાળાને પ્રેમાનંદના ઉપરોક્ત તમામ નાટકોની પ્રેમાનંદના સ્વહસ્તે લખયેલી હસ્તપ્રત મળતી નથી. પરંતુ પ્રેમાનંદના શિષ્ય વીરજીને હાથે લખાયેલી પ્રતો છે. એથી એમ કહી શકાય કે પ્રેમાનંદની જ હયાતીમાં જ તેમના શિષ્યએ આ પ્રત ઉતારી છે. તેથી તે આધારભૂત ગણી શકાય. અહીં સંશોધક જણાવે છે કે આ હસ્તપ્રતમાં જ્યાં જ્યાં સંશોધકને અશુદ્ધતા લાગી છે. ત્યાં જ ફેરફાર કર્યા એટલે કે બનતા સુધી અસલ પ્રતને વળગી રહ્યા છે. જે એક મધ્યકાલીન સંશોધકના સંશોધનમાં હોવી જોઈએ એ વિશેષતા અહીં જોવા મળે છે.

અંતે એક સંશોધક તરીકેની ઘણી વિશેષતાઓ આપણે હરગોવિંદદાસ કાંટાવાળામાં જોઈ શકીએ છીએ પરંતુ તેમની એક મર્યાદા એ છે કે તેમણે પ્રેમાનંદની કૃતિઓની ઉપરોક્ત હસ્તપ્રતો મેળવી છે. તો ક્યાંથી મેળવી છે અને કેવી મળે છે. એના કોઈ નમૂના રજૂ કર્યા નથી કોઈ પ્રાપ્ય સ્થળનો નામોલ્લેખ ક્યાંય પ્રાપ્ત થતો નથી. જે એક મધ્યકાલીન સંશોધક તરીકે મોટી મર્યાદા ગણાવી શકાય.

આમ, ઉપરોકત તમામ ભાગોની વિસ્તૃત ચર્ચા પછી એમ કહી શકાય કે તમામ ભાગોનું કાંટાવાળા સાહેબે સુક્ષ્મ રીતે અને ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. ઉપરાંત પ્રેમાનંદમાં તો સાહિત્યની, ભાષા વ્યાકરણ તેમજ નાટ્યશાસ્ત્ર, મીમાંસાદિ વિદ્વતા હતી જ પરંતુ આ સૌને સંશોધકે ત્યારે તપાસી શકે જયારે સંશોધકમાં એટલી વિદ્વતા હોય. અહી નાનામાં નાની વાતને કાંટાવાળા સાહેબે ખૂબ જ ચીવટપૂર્વક અને બખૂબી રીતે આપણી સમક્ષ રજૂ કરી છે. તેમણે પ્રેમાનંદનાં તમામ નાટકની સાહિત્યદર્પણના શાસ્ત્રના લક્ષણોને ધ્યાન રાખીને બતાવી આપ્યું છે. ત્યારે આપણને આ સંશોધકમાં એક ભાષાશાસ્ત્ર, છંદશાસ્ત્રી તેમજ નાટ્યશાસ્ત્ર, મીમાંસાદિના સારા જાણકાર એવા વિદ્વાન સંશોધકની પ્રતીતિ થાય છે.

સંદર્ભ ગ્રંથ:

  1. ‘અષ્ટાવક્રાખ્યાન’ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ-૧૨) સન-૧૮૯૦-૯૧
  2. ‘પાંચાલીપ્રસન્નાખ્યાન’ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ-૩) સન-૧૮૯૧-૯૨
  3. ‘રોષદર્શિકાસત્યભામાખ્યાન (પ્રાચીનકાવ્યમાળા ગ્રંથ ૨૬) સન-૧૮૯૧-૯૨
  4. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ-૨ (ધીરુભાઈ ઠાકર)
  5. ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૨ (અર્વાચીન કાળ)
  6. ભાલણની કાવ્યકૃતિઓ ખંડ-૨ (સંપાદક-બળવંત જાની)

મકવાણા મીનાક્ષીબેન ડાહ્યાભાઈ, પીએચ.ડી. સ્કોલર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. મો.૯૧૭૩૬૪૩૨૧૮ Email: makwanaminaxi850@gmail.com