Download this page in

એશિયા ખંડના દેશોમાં ભારતીય ડાયસ્પોરા

ટૂંકસાર:

વૈશ્વિકરણની પ્રક્રિયાને વેગ મળવાને કારણે વિદેશગમનના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતીય સમાજમાં એક એવી ધાર્મિક માન્યતા હતી કે ‘દરીયો ઓળંગીને કે દરીયો પાર કરી વિદેશ ન જવાય' ખાસ કરીને આવી માન્યતાને કારણે લોકો વિદેશ જવાનું ટાળતા હતા. સમય જતા આવી ધાર્મિક માન્યતાઓ અને વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. વર્તમાન સમયમાં જનસમુદાયના સ્થળાંતરને કારણે હવે ભાગ્યે જ કોઈ સમાજ એવો મળશે કે જેના સભ્યો વિદેશમાં સ્થાયી ન થયા હોય. વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં ભારતીય ડાયસ્પોરાનું સ્થાન ખૂબ જ મહત્વનુ છે. છેલ્લી બે સદીઓથી ઘણા બધા ભારતીયો ભારતમાંથી વિદેશ ગયા અને ત્યાં જઈને તેમણે જે તે દેશનું નાગરીકત્વ સ્વીકાર્યું છે. આજે અમેરિકામાં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. આમ સમગ્ર વિશ્વમાં વિવિધ ખંડોમાં ભારતીય ડાયસ્પોરાનું અસ્તિત્વ વિદ્યમાન છે. મલેશિયામાં વિશ્વના સૌથી વધુ ચાઈનીઝ ડાયસ્પોરા અને ભારતીય ડાયસ્પોરાની વસ્તી છે. સિંગાપોરના શહેરોમાં સૌથી વધુ વસ્તી ભારતીય ડાયસ્પોરાની છે. પ્રાચીન ભારત સાથેના સંપર્કોએ સિંગાપોરના સમાજ પર ઉંડી સાંસ્કૃતિક અસર છોડી છે. હાલના સમયે, સંપૂર્ણપણે સમગ્ર ફિલિપાઈન્સમાં રહેતા હોય તેવા ભારતીયો અને ભારતીય ફિલિપિનોસ અંદાજે ૩૮૦૦૦ કરતા વધુ છે. મોટાભાગના ભારતીયો મનિલા, સેબૂ, નાના ડાવાઓ અને ઝામ્બોઆંગા જેવા સ્થળોએ જાણીત મુખ્ય શેહરો અને નાના નગરોમાં કેન્દ્રિત છે. સમગ્ર ફિલિપાઈન્સમાં રહેતા હોય તેવા ભારતીયો અને ભારતીય ફિલિપિનોસ અંદાજે ૩૮૦૦૦ કરતા વધુ છે. મોટાભાગના ભારતીયો મનિલા, સેબૂ, નાના ડાવાઓ અને ઝામ્બોઆંગા જેવા સ્થળોએ જાણીત મુખ્ય શેહરો અને નાના નગરોમાં કેન્દ્રિત છે. સમગ્ર એશિયા ખંડના જુદા જુદા દેશોમાં વિવિધ કારણોસર ભારતીય લોકો એ સ્થળાંતરણ કર્યા છે.

ચાવીરૂપ શબ્દો: વૈશ્વિકરણ, વિદેશગમન, એશિયા ખંડ, ભારતીય ડાયસ્પોરા, પરિવર્તન

પ્રસ્તાવના

વૈશ્વિકરણની પ્રક્રિયાને લીધે વિશ્વ એક નાનકડો સમુદાય કે એકમ બની ગયું છે. વર્તમાન સમયમાં સંચાર માધ્યમો, ઝડપી વાહનવ્યવહાર, આધુનિક મૂલ્યોનો સ્વીકાર જેવા પરિબળોના લીધે વૈશ્વિકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આ પ્રક્રિયાને કારણે વિદેશગમનના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ આજથી બે-ત્રણ સદી પહેલાના પરંપરાગત ભારતીય સમાજમાં તો લોકો વિદેશ જવાનું તો દૂર પણ પોતાના રાજયના અન્ય વિસ્તારોમાં પણ જતાં ન હતા. તે સમયે ભારતીય સમાજમાં એક એવી ધાર્મિક માન્યતા હતી કે ‘દરીયો ઓળંગીને કે દરીયો પાર કરી વિદેશ ન જવાય' ખાસ કરીને આવી માન્યતાને કારણે લોકો વિદેશ જવાનું ટાળતા હતા. સમય જતા આવી ધાર્મિક માન્યતાઓ અને વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. વર્તમાન સમયમાં જનસમુદાયના સ્થળાંતરને કારણે હવે ભાગ્યે જ કોઈ સમાજ એવો મળશે કે જેના સભ્યો વિદેશમાં સ્થાયી ન થયા હોય. સ્થળાંતર કરીને ગયેલા વિદેશભૂમિમાં વસતા સમુદાયનું રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રદાન મહત્વનું હોય છે. આ પ્રદાનને સમજવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થળાંતર કરી વિદેશમાં સ્થાયી થયેલા સમુદાયોના અભ્યાસોનું પ્રમાણ અને મહત્વ વધ્યું છે. આ પ્રકારના અભ્યાસોને Diasporology એવું નવું નામ આપવામાં આવ્યું છે. Diaspora શબ્દનો ઉપયોગ માતૃભૂમિ ન હોય ત્યાં સ્થિર થયેલા સમુદાય માટે થતો આવ્યો છે. ઈતિહાસમાં આ શબ્દ યહૂદી સમુદાય માટે વપરાતો હતો. આ કારણે હવે Diaspora શબ્દને બદલે trans-national community શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઈતિહાસકારોના મતે પૂરાકાળથી જ ભારત દેશ વ્યાપારક્ષેત્રે સમગ્ર વિશ્વ સાથેનો અનુબંધ ધરાવે છે. લગભગ 167 વર્ષ પહેલા 217 ભારતીયો 1845માં સ્પેનના બંદરે પહોચ્યાં હતા. આ દિવસે ઈતિહાસમાં સોનેરી પ્રકરણની શરૂઆત થઈ હતી. આથી દર વર્ષે આ દિવસ ‘The Indian Arrival day' તરીકે ઉજવવામાં આવે છે. આજના વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં ભારતીય ડાયસ્પોરાનું સ્થાન ખૂબ જ મહત્વનુ છે. બ્રિટિશરો અને બ્રિટિશ સામ્રાજય દ્વારા ભારતના લોકો પર કરવામાં આવેલા દમન અને અત્યાચારમાં આધુનિક ભારતીય ડાયસ્પોરાના મૂળ રહેલા છે. 19મી સદીમાં ભારતીયોને મજૂરો તરીકે આફ્રિકાના દેશોમાં કાળી મજૂરી માટે લઈ જવામાં આવતા હતા. આ સંજોગો અને પરિસ્થિતીમાં હજારો લાખો ભારતીય મજૂરો, મલેશિયા, મોરેશિયસ, ગુઆના, સુરીનામ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બીજી અન્ય જગ્યાઓ પર પણ વસ્યા હતા. કેટલાક ભારતીય વ્યાપારીઓ પણ વ્યાપારી તકો અને ધંધાદારી સ્પર્ધાઓ માટે 20મી સદીમાં તેમના પૂર્વજોને અનુસરીને ભારત છોડીને વિદેશ ગયા છે. આમ છેલ્લી બે સદીઓથી ઘણા બધા ભારતીયો ભારતમાંથી વિદેશ ગયા અને ત્યાં જઈને તેમણે જે તે દેશનું નાગરીકત્વ સ્વીકાર્યું છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે મૂળભારતીયો વિશ્વના અન્ય દેશોમાં જઈને ત્યાં નવ વસાહતી તરીકે સ્થાયી થયા અને આ ઘટનાને 'ડાયસ્પોરા' કહેવાય.

ડાયસ્પોરાનો મૂળ અર્થ વિકસાવવાની શરૂઆત હિબુ બાઈબલના ગ્રીક ભાષાંતર દ્વારા થઈ હતી. યહૂદીઓ ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં સ્થળાંતર કરીને વિશ્વના અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા તેના પરથી ડાયસ્પોરા શબ્દની ઉત્પત્તિ થઈ. આ શબ્દ તે સમયે પ્રચલિત બનયો ન હતો. પરંતુ યહુદીઓનું વારંવાર એક દેશમાંથી બીજા દેશ અને ત્યાંથી ત્રીજા દેશમાં સ્થળાંતરીત થતા રહ્યા. ત્યારે વારંવાર થતા આ પ્રકારના સ્થળાંતરને કારણે અઢારમી અને ઓગણીસમી સદીમાં ‘ડાયસ્પોરા' શબ્દ વધુ પ્રચલિત થવા લાગ્યો. પ્રાચીન ગ્રીસમાં ડાયસ્પોરાનો અર્થ ‘સ્કેટરિંગ' થતો અને તેનો ઉપયોગ એક પ્રભાવશાળી રાજયના નાગરીકોના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. ડાયસ્પોરા શબ્દ મૂળ સ્વરૂપે ‘છુટાછવાયા' શબ્દ પરથી ઉતરી આવ્યો છે. યહુદીઓની વસ્તીને ઈ.સ.પૂર્વે 530માં ઈઝરાયેલથી દેશવટો આપવામાં આવ્યો અને ઈ.સ.70માં ઝુદેઆમાના રોમન સામ્રાજય દ્વારા અને ત્યારબાદના ઐતિહાસિક હિલચાલના સંદર્ભમાં ઇઝરાયેલની વંશીય વસ્તી વિખેરાઈ ગઈ ત્યારે આ શબ્દ વાપરવામાં આવ્યો હતો. ઓકસફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી અનુસાર ડાયસ્પોરા શબ્દનો રેકોર્ડ 1876થી જોવા મળે છે. 1950ના દાયકાના મધ્યકાળથી ઈંગ્લેન્ડ અને અન્ય વિકસીત પ્રદેશો કે વિસ્તારોમાં રહેતા લાંબાગાળાના વસાહતીઓ માટે ડાયસ્પોરા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. Diaspora એ ગ્રીક ભાષાના Dia + Spora એ બે શબ્દોનો બનેલો છે. ડાયસ્પોરા વિશે કેટલાક ગુજરાતી વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ નીચે મુજબ દર્શાવી શકાય.

ડૉ. ધીરુ પરીખ મુજબ “ડાયસ્પોરા એટલે દેશાન્તર નિવાસી.'' સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સંસ્થા મુજબ “ડાયસ્પોરા વંશીય અને રાષ્ટ્રીય સમુદાયો છે જે પોતાની માતૃભૂમિ છોડીને અન્ય સ્થળે કાયમી માટે સ્થળાંતરીત થયેલું જૂથ છે. ત્યાં તેઓ એક જગ્યાએ જ રહેતા અને પોતાની માતૃભૂમિ સાથે સંબંધો જાળવી રાખે છે.” વિશ્વયુધ્ધ અને અન્ય પરિબળોથી થતા સ્થળાંતરને લીધે 'ડાયસ્પોરા' શબ્દ વધુને વધુ પ્રખ્યાત બન્યો. એટલે કે સ્થળાંતર કરી ગયેલા લોકો કાયમ માટે જે તે દેશમાં કાયમી નવવસાહતીઓ તરીકે વસવાટ કર્યો તેમણે ‘ડાયસ્પોરા' તરીકે ઓળખવામાં આવ્યા. વર્તમાન સમયમાં વિશ્વમાં આવા ઘણા બધા ડાયસ્પોરીક જૂથો જોવા મળે છે. તેવી જ રીતે ભારતીય ડાયસ્પોરિક જૂથો પણ વિશ્વમાં ઘણા બધા દેશોમાં જોવા મળે છે.

વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા :

ભારતમાંથી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક દેશાંતર રોમાની લોકોનું હતું. પારંપરિક રીતે તેઓ 'જિપ્સીઓ' તરીકે ઓળખાય છે. ભાષાકિય અને આનુવંશિક પુરાવાઓ દર્શાવે છે કે રોમાનીઓ ભારતીય ઉપખંડમાં જન્મ્યા હતા, અને 11મી સદી પહેલા તેમણે ભારત બહારના પશ્ચિમી દેશોમાં સ્થળાંતરા કર્યું ના હતું. સામાન્ય રીતે એમ મનાય છે કે રોમાની લોકો મધ્ય ભારતમાં જન્મ્યા હતા. તેમણે અર્વાચીન ભારતીય રાજય રાજસ્થાનમાં ઈસુના જન્મના 250 વર્ષ પહેલાની આસપાસના સમયમાં તેમણે ઉત્તર પશ્ચિમ ભારત (પંજાબ પ્રાંત) તરફ સ્થળાંતર કયુઁ હતું. ઈસુના મૃત્યુના 500 થી 1000 વર્ષ બાદના સમય દરમિયાન પશ્ચિમ તરફ રોમાની લોકોનું સ્થળાંતર મોટી સંખ્યામાં થયું હોવાનું મનાય છે.

ભારતીય ઉપખંડમાંથી અન્ય એક મુખ્ય સ્થળાંતરણ દક્ષિણ પૂર્વ એશિયા તરફનું હતું. તે હિન્દુ અને દક્ષિણના બૌદ્ધ રાજાઓના સૈન્ય અભિયાનના કારણે હિન્દુઓ દ્વારા થયું હતું અને બાદમાં સ્થાનિક સમાજ સ્થળાંતરીત વસાહતીઓમાં પરિણમ્યો હતો. 16મી સદીના મધ્યમાં રશિયામાં ભારતીય વેપારીઓની વસ્તી સ્થાયી થઈ હતી. રશિયન ઈતિહાસકારોએ હિંદુ વેપારીઓની હાજરીની મોસ્કો અને સેન્ટ પીટરબર્ગમાં 18મી સદીમાં નોંધી હતી. 19મી સદી દરમિયાન અને ભારત પર બિ્રટિશ શાસનના અંત સુધીમાં મોટાભાગના ગરીબ શ્રમિકોનું સ્થળાંતર કરાર આધારિત થતું હતું. મોરેશિયસ, ગાગાના, કેરેબિયન, ફિજી અને પૂર્વ આફ્રિકાના કેટલાક દેશોમાં થોડાઘણા પ્રમાણમાં કુશળ મજૂરો અને વ્યવસાયીકોએ ર૦મી સદીમાં સ્થળાંતર કર્યું હતું. આ ઘટનાને કારણે બ્રિટિશ સંસદ દ્વારા 1 ઓગષ્ટ, 1934ના રોજ મંજૂર કરાયેલો ગુલામી નાબૂદી કાયદાનો ફેલાવો થયો હતો. જેના કારણે ઘણીબધી ખેતીવાડી વસાહતોમાં કામ કરનારા લોકોની અછત સર્જાઈ. કારણ કે આઝાદ થયેલા મજૂરો તેમની આઝાદીનો લાભ લેવા જતા રહ્યા હતા. જેના કારણે ઘણી બ્રિટિશ વસાહતોમાં મજૂરોની ખૂબ જ અછત સર્જાઈ હતી. જેનો ઉકેલ સ્વરૂપે કામદારોને કરારમાંથી મુકત કરી તેમણે કાયમી સ્વરૂપના કામદારો તરીકે સ્વીકારવામાં આવ્યા.

મધ્યપૂર્વમાં ૧૯૭૦ની તેલની તેજી બાદ, સંખ્યાબંધ ભારતીયો ખાડી (આરબ) દેશોમાં કામ કરવા માટે સ્થળાંતરીત થયા છે. આધુનિક પરિવહન અને અપેક્ષાઓ સાથે 19મી સદીના કિસ્સાઓની જેમ આ સ્થળાંતર કાયમી હોવાને બદલે કરાર આધારિત હતું. જો તેઓ ત્યાં જન્મ્યા હોય તો પણ આ ખાડી દેશોની બિન-આરોબોને નાગરિક હકો ન આપવાની એક સમાન નીતિ છે તેથી તેઓ ત્યાનું નાગરિક્ત્વ પ્રાપ્ત કરી શક્ય નથી. યુ.એસ.એ.ની સોફટવેર તેત્ર અને ચઢતી અર્થવ્યવસ્થાએ સંખ્યાબંધ ભારતીયોને આકાર્ષ્યા અને તેઓ અમેરિકામાં સથળાંતરિત થયા. આજે અમેરિકામાં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. આમ સમગ્ર વિશ્વમાં વિવિધ ખંડોમાં ભારતીય ડાયસ્પોરાનું અસ્તિત્વ વિદ્યમાન છે.

એશિયા ખંડના દેશોમાં ભારતીય ડાયસ્પોરા :

એશિયાખંડના અનેક દેશોમાં ભારતીય ડાયસ્પોરા વિસ્તૃતરૂપે ફેલાયેલો જોવા મળે છે. આ વિસ્તૃત રીતે ફેલાયેલા ભારતીયોનો વિશ્વમાં અનેરો પ્રભાવ જોવા મળે છે.

મલેશિયામાં ભારતીય ડાયસ્પોરા :

મલેશિયામાં વિશ્વના સૌથી વધુ ચાઈનીઝ ડાયસ્પોરા અને ભારતીય ડાયસ્પોરાની વસ્તી છે. મોટાભાગના ભારતીયોએ બ્રિટિશ શાસન હેઠળ ખેતીવાડી વસાહતોના મજૂરો તરીકે દેશાંતર કયુઁ હતું. તેમાના મોટાભાગના લોકો તમિલ હતા પરંતુ મલયાલમ-તેલુગુ, પંજાબી અને ગુજરાતી બોલાનારા લોકો પણ તેમાં સામેલ હતા. તેમણે તેમની ભાષાઓ અને ધર્મને જાળવી રાખ્યા છે. મલેશિયામાં કુલ વસ્તીની એક મહત્વપૂર્ણ સંખ્યા શીખોની છે અને બાકીના ખ્રિસ્તીઓ અને મુસ્લિમો છે. અહીં ભારતીય ડાયસ્પોરાનો એક નાનો સમુદાય ચિઠ્ઠી પણ છે. જે ઈ.સ. ૧પ૦૦ પછીના સમયના તેમજ ચાઈનીઝો અને મયલ સ્થાનિકોના પહેલા સ્થળાંતરીત થયેલા તમિલ વેપારીઓના વંશજો છે. પોતાની જાતને તમિલ માનતા, મલય બોલતા અને હિંદુ ધર્મ પાળતા ચિઠ્ઠી લોકોની સંખ્યા આજે પણ મલેશિયાના વિવિધ ભાગોમાં જોવા મળે છે.

સિંગાપોરમાં ભારતીય ડાયસ્પોરા :

સિંગાપોરમાં ભારતીયો દક્ષિાણ એશિયન પિતૃ વંશના લોકો તરીકે ઓળખાય છે. સિંગાપોરના શહેરોમાં સૌથી વધુ વસ્તી ભારતીય ડાયસ્પોરાની છે. પ્રાચીન ભારત સાથેના સંપર્કોએ સિંગાપોરના સમાજ પર ઉંડી સાંસ્કૃતિક અસર છોડી છે. પ્રારંભમાં ભારતીય ડાયસ્પોરાની વસ્તી ઘણી ઓછી હતી. તેમાં મુખ્યત્વે કામદારો તરીકે આવેલા યુવાન પુરુષો, સૈનિકો અને કેદીઓનો સમાવેશ થાય છે. તમિલ ભાષાએ અંગ્રેજી, ચાઈનીઝ અને મલયની સાથોસાથ સિંગાપુરની ચાર અધિકૃત ભાષાઓમાંની એક છે. નિમ્ન આવકવાળા સમૂહો સાથે સિંગાપોરની ભારતીય ડાયસ્પોરીક વસ્તી તેના વર્ગીય સ્તર માટે જાણીતી છે. ભારતમાંથી સારી રીતે ભણેલા અને અકુશળ સ્થળાંતરીતો તેમજ સિંગાપોરમા વધતી આવક સમાનતાના ભાગરૂપે ૧૯૯૦ના દાયકામાં આ લાંબા સમયથી ચાલતી સમસ્યા વધુ દૃશ્યમાન બની છે. નાની બહુમતીઓ ધરાવતા શીખો અને હિંદુઓ સાથે સિંગાપોરના ભારતીયો વિવિધભાષી અને ધાર્મિક છે. અહીંયા લગભગ ર૦૦ વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય સંસકૃતિ ટકી રહી છે અને વિકાસ પામી છે. ર૦મી સદીના મધયથી અંત સુધીમાં વ્યાપક સિંગાપોરિયન સંસ્કૃતિમાં ભારતીય તત્વો વિખેરાઈ ગયા.૧૯૯૦ના દાયકાથી નવા ભારતીય ડાયસ્પોરાઓએ સ્થાનિક ભારતીય ડાયસ્પોરાની વસ્તીનું કદ અને ગૂંચવણ બંને વધારી દીધી છે. રાષ્ટ્રીય જીવનમાં અનેક ક્ષેત્રોના નેતાઓ તરીકે જાણીતા ભારતીય ડાયસ્પોરાઓએ સિંગાપોરમાં લાંબા સમયથી પોતાની અસરકારક છબી ઊભી કરી છે. સામૂહિકપણે પણ ભારતીય ડાયસ્પોરા રાજકારણ, શિક્ષણ અને કાયદા જેવા ક્ષેત્રોમાં સારી રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ઈન્ડોનેશિયામાં ભારતીય ડાયસ્પોરા :

ભારતીય લોકો ઈન્ડોનેશિયામાં ચાર પેઢીઓ કરતા વધુ સમયથી છે અને ઈન્ડોનેશિયન પાસપોર્ટ ધરાવે છે. કોઈ અધિકૃત આંકડા ન હોવા છતાં, એવો અંદાજ છે કે લગભગ રપ૦૦૦ જેટલા ભારતીય લોકો ઈન્ડોનેશિયામાં રહે છે. ભારતીય ડાયસ્પોરાના વ્યાપમાં જોઈએ તો હજારો સિંધી પરિવારોનો પણ સમાવેશ થાય છે. આ સિંધીઓ ભારતીય અપ્રવાસીના એ દ્વિતીય જથ્થાનો હિસ્સો છે જેમણે ર૦મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડોનેશિયાને તેમનું ઘર બનાવ્યું હતું. ભારતીય ડાયસ્પોરીક જૂથોમાં તમિલો અને કેટલેક અંશે શીખ લોકો મૂળ સ્વરૂપે ખેતીવાડી સાથે સંકળાયેલા હતા. જયારે સિંધીઓ અને પંજાબીઓએ મુખ્યત્વે પોતાની જાતને કાપડ વણાટના વેપાર અને રમતગમતના ધંધામાં સ્થાપિત જોડ્યા હતા. ઈન્ડોનેશિયામાં ભારતીયો સદીઓથી રહે છે. ભારતીય ડાયસ્પોરાઓએ ઈન્ડોનેશિયામાં ૧૯૭૦ના દાયકામાં શરૂ થયેલા મુખ્ય રોકાણના ધસારાને કારણે અન્ય ભારતીય રોકાણકારો અને વહીવટકારોને આકાર્ષ્યા છે. ઉદ્યોગ સાહસિકો અને વેપાર વ્યવસાયીઓના આ જૂથે છેલ્લા બે દાયકાઓમા આગળ વિસ્તરણ કર્યું છે અને હવે તેમાં એન્જિનિયરો, સલાહકારો, ચાર્ટડ એકાઉન્ટર્સ અને અન્ય વ્યવસાયીકોનો પણ સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયામાં ભારતીય ડાયસ્પોરાને ખૂબ સારી દૃષ્ટિથી જોવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે સમૃદ્ઘ હોય છે અને સ્થાનિક તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓ ધરાવતા વ્યકિતઓમાં સામેલ છે.

ફિલિપાઈન્સમાં ભારતીય ડાયસ્પોરા :

ફિલિપાઈન્સમાં ભારતીયો ઈ.સ.ની ચોથી સદી પછીથી અને ઇ.સ. ૧૭મી સદી સુધી હતા. હાલના સમયે, સંપૂર્ણપણે સમગ્ર ફિલિપાઈન્સમાં રહેતા હોય તેવા ભારતીયો અને ભારતીય ફિલિપિનોસ અંદાજે ૩૮૦૦૦ કરતા વધુ છે. મોટાભાગના ભારતીયો મનિલા, સેબૂ, નાના ડાવાઓ અને ઝામ્બોઆંગા જેવા સ્થળોએ જાણીત મુખ્ય શેહરો અને નાના નગરોમાં કેન્દ્રિત છે. અરબો અને ઈન્ડોનેશિયનો દ્વારા ઈસ્લામ અને કેથોલિઝમની શરૂઆત પહેલા અને બાદમાં સ્પેનિશ લોકો દ્વારા હિન્દુત્વ અને બૌદ્ઘ ધર્મના મિશ્રણને મુખ્ય ધર્મ બનાવ્યો હતો. મનિલા પરના બ્રિટિશ હુમલા સાથે પણ ભારતના ચેન્નઈ અને તમિલનાડુથી ભારતીય ડાયસ્પોરા આવ્યા. જેમણે સ્પેનિશ લોકો પાસેથી શહેર લઈ લીધું. તેમજ ૧૭૬ર અને ૧૭૬૩ વચ્ચે મનિલા, કૈન્ટા અને મોરોંગ (જે હવે રિઝાલ પ્રાન્ત છે) ની આસપાસના વિસ્તારો કબજે કર્યા. ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર જેવા પાડોશી દેશોમાં લગ્ન કરવા કરતા ઘણા ભારતીય ડાયસ્પોરાએ ફિલિપિનોસ સાથે આંતરલગ્ન કર્યા હતા. જેનું મુખ્ય કારણ એ હતું કે તે દેશોની વસ્તી મુખ્યત્વે મુસ્લિમ છે, અને તે યજમાન દેશોમાં મુસ્લિમો સાથે લગ્ન કરવું ભારતીય ડાયસ્પોરા માટે પ્રતિકૂળ છે. ૧૯૩૦ અને ૧૯૪૦ ના દાયકાઓ દરમિયાન ઘણા ભારતીયો અને ભારતીય ફિલિપિનોસે દાવાઓ સહિત ફિલિપિનોના પ્રાંતોમાં વસવાટ કર્યો. જયાં ઘણા જાપાનીઝો અને જાપાનીઝ ફિલિપિનો હતા અને હજુ પણ છે. હાલમાં અડધા જેટલા ભારતીયો અને ભારતીય ફિલિપિનો સમુદાય હવે ત્યાં વસે છે. ફિલિપાઈન્સમાં મોટાભાગના ભારતીય ડાયસ્પોરા અને ભારતીય ફિલિપિનોસ સિંધી અને પંજાબી છે. પરંતુ ત્યાં મોટા પ્રમાણમાં તમિલ વસ્તી પણ છે. કાપડ વેચાણ અને ખરીદ, લે-વેચના મુખ્ય ધંધાને કારણે તેઓ સમૃદ્ઘ મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો સમકક્ષ બન્યા છે. શીખ લોકો મોટા પાયે ધિરાણ અને વેચાણ કે લે-વેચમાં સામેલ છે. મોટાભાગના ભારતીય ડાયસ્પોરા અને ભારતીય ફિલિપિનો હિન્દુ અને શીખ છે.

શારાંશ

સમગ્ર એશિયા ખંડના જુદા જુદા દેશોમાં વિવિધ કારણોસર ભારતીય લોકો એ સ્થળાંતરણ કર્યા છે. વૈશ્વિકરણ અને તેના કારણે ઊભી થયેલી વિકાસની તકો એ ભારતીયોને અન્ય દેશોમાં સ્થળાંતરણ કરવા માટે આકર્ષણ ઊભું કર્યું છે. આજે વિશ્વના વિવિધ ખંડોમાં ભારતના લોકોનો વસવાટ જોવા મળેછે. જેમાં ખાસ કરીને એશિયા ખંડના દેશોમાં ભારતીયો વિશેષ પ્રમાણમાં સ્થાયી થયા હોવાનું માલૂમ પડે છે.

સંદર્ભસૂચિ:

  1. Bhaskar, TSL. “Indian Diaspora”. 2011: c 2. Web. 17 November 2012
  2. Jain, Jasbir, ed. Writers of the Indian Diaspora: Theory and Practice. Jaipur: Rawat, 1998
  3. Bhat, Chandrashekhar. 2003. India and the Indian Diaspora: Inter-linkages and Expectations. In Indian Diaspora: Global Identity, ed. Ajay Dubey, 11–22. New Delhi: GOPIO International, Kalinga Publications.
  4. Dubey, Ajay, ed. 2003. Indian Diaspora. Global Identity. New Delhi: GOPIO International, Kalinga Publications
  5. indiandiaspora.nic.in

Maheshkumar V. Chauhan, Ph.D. Research Scholar, F/12, University Staff Colony, Vallabh Vidyanagar, Anand Mo.No.-09687956994 E-mail ID-maheshv18061991@gmail.com