Download this page in

વિશ્વસાહિત્ય :સંજ્ઞા અને વિભાવના

જર્મન કવિ ગ્યુઇથે ૩૧ જાન્યુઆરી, ૧૮૨૭ની ડાયરીનોંધમાં પોતાના મંત્રી એકરમાનને લખ્યું કે, “રાષ્ટ્રિય સાહિત્યનો હવે આજે બહુ ઓછો અર્થ રહ્યો છે; વિશ્વસાહિત્યના પ્રારંભનો યુગ આવી પહોંચ્યો છે.” ગ્યુઇથે એ આ રીતે પહેલી વાર ‘વિશ્વસાહિત્ય’નો નિર્દેશ કર્યો. જર્મન ભાષામાં તે માટે તેમણે ‘Welt literature’ લખ્યું જેને અંગ્રેજીમાં ‘World Literature’ કહેવામાં આવે છે. આ પહેલાં ઇ.સ.૧૭૭૩ માં Schbzer નામનાં જર્મન વિદ્વાને આ સંજ્ઞા પ્રયોજી હતી. આ સંજ્ઞા પ્રોયોજવા પાછળ અનેક પરિબળો સૂચિતાર્થ છે.

‘વિશ્વસાહિત્ય’ સંજ્ઞાનું લક્ષ્ય પ્રારંભમાં યુરોપિયન સાહિત્ય રહ્યું, પરંતુ ધીમે ધીમે ‘International Literature’, ‘Universal Literature’ અને ‘General Literature’ જેવી સંજ્ઞાઓમાં વિસ્તરતું ગયું; એટલે જ ગ્યુઇથેને ત્યારે તેના મનમાં સ્પષ્ટ હતું કે, “ સાહિત્યએ કોઈ ભૌગોલિક સીમારેખામાં બાંધી શકાય તેવો પદાર્થ નથી કે કોઈ તત્ત્વ નથી, એટલે સાહિત્ય એ સમગ્ર વિશ્વનું સાહિત્ય છે” એટલે કે Literature of entire world. જુદા જુદા પ્રદેશોને સાંકળીને તેની ચેતનાનાં ઐક્યને સાધવું. આ ચેતનાનું ઐક્ય સધાય અને તેનાથી જે સાહિત્ય રચાય તે ‘વિશ્વસાહિત્ય’ તરીકે ઓળખાય છે. તેના માટે ભૌગોલિક સીમાંઓને અતિક્રમી જવાની છે, બીજા સાથે સલગ્ન થવાની તત્પરતા, બીજા માટેની સહિષ્ણુતા, બીજાની ભિન્નતાનો આદર, બીજા સાથે સહભાગિતાની ક્ષમતા વગેરે ખ્યાલો વિશ્વસાહિત્ય પાછળ રહેલા છે.

વિશ્વસાહિત્ય પાછળ કેટલાક પરિબળો સુચિતાર્થ છે. ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે સમયે બદલાતા જીવનમાં દરેક મનુષ્યનાં પરિપ્રેક્ષ્ય પણ બદલાતા ગયા. માનવીનું સ્થાન યંત્રોએ લઇ લીધું. તેના કારણે સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની વિભાવના ઉજાગર થઈ, તેની સાથે એક જગત, એક સંસ્કૃતિ અને એક સાહિત્યનાં બીજ તેમાં જોવા મળ્યાં. વૈચારિક આબોહવા સાથે વિજ્ઞાનની યંત્ર શોધ પણ મહત્ત્વની બની. કાર્લ માર્કસે ઇ.સ. ૧૮૨૫માં world market (વિશ્વબજાર)નો ઉલ્લેખ કર્યો. તેના કારણે આંતરરાષ્ટ્રીય સંપર્ક વધી ગયો. આ બધા પરિબળોને કારણે સંકુચિત રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ઉદ્ંડતાને કોઈ સ્થાન ન હતું; એટલે ગ્યુઇથેને આ પ્રકારની સંજ્ઞા આપવાનું સૂજયું હશે. રાષ્ટ્રીય સાહિત્યનો સંદર્ભ હવે ઓછો થતો ગયો, અને આંતરરાષ્ટ્રીય સંપર્કનો વિચાર વધતો ગયો. પરંતુ ગ્યુઇથે પહેલા જર્મનીમાં ઈ.૧૭૯૮માં શ્લેગલે ‘વિશ્વકાવ્ય’(Universal Poesie)નો સર્વસામાન્ય ખ્યાલ રજૂ કરેલો. તેમાં એમણે ‘વિશ્વનાગરિકવાદ’(cosmopolitanism)નો સંકેત કરેલો.

વિશ્વસાહિત્ય ઘણું વ્યાપક છે. જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે કે, જુદા જુદા સાહિત્યિક પરિપ્રેક્ષ્યો અને સાંસ્કૃતિક અભિજ્ઞતા એ બંનેને જેમાં જોડવા આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે, તેને વિશ્વસાહિત્ય કહી શકાય. કોઈ એક પ્રદેશના સાહિત્યિક પરિપ્રેક્ષ્ય જુદા જુદા હોય છે અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય પણ જુદા જુદા હોય છે. જયારે આ બંને સાહિત્યમાં એક સાથે જોડાય છે ત્યારે તે કોઈ એક પ્રદેશ કે પ્રાંતનું ના રહેતા આખા વિશ્વનું બને છે. વિશ્વસાહિત્યમાં સહિતત્ત્વ જોવા મળે છે. તેમાં ભાષા, સમયનાં બંધનોની સીમા અતિક્રમી જવાની છે. કાલિદાસનું ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ ફક્ત સંસ્કૃત ભાષાનું કે ભારતીય સંસ્કૃતિનું બની રહેતું નથી. તે આજે પણ આપણી સમક્ષ પ્રસ્તુત લાગે છે, એટલે કે તેને સમયની સીમા નડતરરૂપ બની નથી. તેની પ્રાચીનતા, તેમાં આલેખાયેલા ભાવો, સંવેદનાઓ, અભિવ્યક્તિ એ ચોક્કસ સમયમાં બંધાઈને રહેતી નથી. તેમાં અભિવ્યક્ત કરેલો સ્ત્રી-પુરુષનો પ્રેમ, પ્રત્યાખ્યાન, ગાંધર્વવિવાહ, એ આજે પણ આપણને સનાતન અને તેટલું જ પ્રસ્તુત લાગે છે. કેમ કે, તેવી પ્રાચીનતા અને નારીચેતના આજે પણ આપણને જોવા મળે છે. એટલે જ જર્મન કવિ ગ્યુઇથે આ કૃતિને વાંચતા તેનાથી પ્રભાવિત થઈને માથે મૂકીને નાચ્યા. આ છે સાહિત્યિક પરિપ્રેક્ષ્યની સાથે સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યનો વિસ્તાર. કળાકૃતિ દ્વારા એક દેશની સંસ્કૃતિને બીજા દેશનો ભાવક પણ પામી શકે છે. તેથી આ કળાકૃતિને વૈશ્વિક કૃતિ તરીકે ઓળખાવી શકાય. તેવી જ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’, પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’, રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’, ફકીરમોહન સેનાપતિની ‘છ વીઘા જમીન’, આલ્બેર કામૂની ‘ઇતરજન’, દોસ્તોયવ્સકીની ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’, વિશ્વના પરિપ્રેક્ષ્યમાં મુકાય તેવી કૃતિ છે. તેવી જ રીતે મિલ્ટન, હોમર, શેકસપિયર, ટી.એસ. ઈલિયટ વિશ્વ સર્જકો છે. તેઓ ભાષા, સમય અને ભૌગોલિક સીમાઓને અતિક્રમી ગયા છે. વિશ્વસાહિત્ય એટલે બધા રાષ્ટ્રોનાં સાહિત્યનો સરવાળો નહિ, પરંતુ વિશ્વમાન્ય સાહિત્ય જગતની ઉત્તમોત્તમ કૃતિઓ જે સ્થળ કાળની સીમાઓ ઓળંગીને સર્વત્ર આસ્વાદ યુક્ત બનેલી કૃતિ હોય તેવી કૃતિઓને વિશ્વસાહિત્ય કહેવું. ગીતા, બાઈબલ, શાકુંતલ, હેમ્લેટ, ઓડીસી, ઈલિયડ, રામાયણ અને મહાભારત વગેરેને વિશ્વમાન્ય સાહિત્યકૃતિ ગણી શકાય.

વિશ્વસાહિત્યની સંજ્ઞા અને તેની સમજ પરથી આપણને એ તો સમજાય કે કઈ કૃતિને વિશ્વાકૃતિ ગણવી. તેથી પણ વધારે વિશ્વસાહિત્ય વિશે જાણવા માટે આપણે વિશ્વના ઉત્તમ સર્જકોએ જે મંતવ્યો આપ્યા તે જોઈએ જેથી તેના વિશેનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. તેથી આપણે ગ્યુઇથે અને રવીન્દ્રનાથ વિચારોની સાથે સાથે અન્ય વિચારકોના મંતવ્યોને તપાસીએ.

૧. ગ્યુઇથે પોતાના જીવનનાં અંતિમ દાયકામાં વિશ્વસાહિત્યની વિભાવના આપી. તેમની વિભાવનામાં ‘વિશ્વ’નો સંદર્ભ કેવળ ભૌગોલિક ન હતો, પરંતુ માનશશાસ્ત્રી અને રસલક્ષી પણ હતો. બધા રાષ્ટ્રોની આધ્યાત્મિક ભૂખ વિશ્વસાહિત્યનાં જ્ઞાનથી સંતોષી શક્યા એમ ગ્યુઇથેનું માનવું છે. વિશ્વસાહિત્યની વિભાવના દ્વારા તેઓ એવું કહેવા માંગતા હતા કે, “મનુષ્યજાતમાં જે કઈ સાર્વત્રિક અને સર્વકાલીન, સર્વસામાન્ય અને સર્વમાન્ય છે તેને વિશ્વના સૌ સમર્થ સર્જકોએ પોતાની કૃતિમાં ઉત્તમ રસલક્ષી સ્તરે નિરૂપિત કરવું જોઈએ.” ઇ.સ. ૧૮૨૭માં ગ્યુઇથેએ એકરમાનને કહેલું, “National Literature does not mean much any more : the time of world literature is approaching, and everyone most now work to hasten its arrival.” (રાષ્ટ્રીય સાહિત્યનો કશો જાજો અર્થ નથી : વિશ્વસાહિત્યનો સમય આવી રહ્યો છે, અને એના આગમનને ત્વરિત બનાવવા દરેક જણે કામે લાગી જાવું પડશે.) ગ્યુઇથેનું આ ભાવી દર્શન હતું. આ રીતે સ્પષ્ટ થાય છે કે ગ્યુઇથેના મતે માત્ર રાષ્ટ્રીય કે પ્રાંતીય સીમાઓમાં પુરાઈ રહેનાર સાહિત્યનું મહત્ત્વ ઓછું છે. તેમના મતે આ યુગને અનુરૂપ એવી કોઈ વૈશ્વિક ઉદારતા અપેક્ષિત છે.

ગ્યુઇથે જયારે એમ કહે છે કે; આ વિશ્વસાહિત્ય, ત્યારે તેના મનમાં ત્રણ વસ્તુ છે : સ્વયંસંચાલિતપણું, વૈયક્તિતા અને રાષ્ટ્રીયતા. વૈયક્તિકરણનો જે અનુભવ છે તે સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાશે ત્યારે ફક્ત વ્યક્તિ કે સમાજ પુરતી સીમિત નહિ રહે, તે સંસ્કૃતિ સુધી પહોંચશે. તેને બીજી ભાષામાં ઉતારી શકીયે છીએ, તેને સમજી શકીયે છીએ અને આખી પરંપરાને આત્મસાત કરી શકીયે છીએ. કારણ કે તેમાં માનવ સંવેદન રહેલું છે. આ માનવ સંવેદનને ગ્યુઇથે Generlly Human તરીકે ઓળખાવે છે. કોઈ પણ દેશના સાહિત્યનું સર્વસામાન્ય લક્ષણ છે, માનવ સંવેદન. તે સંવેદન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, બંગાળી કોઈ પણ ભાષામાં એક જ રહેવાનું. ‘રામાયણ’, ‘મહાભારત’, અને ‘ઇલિયડ’નું જે યુદ્ધ હતું તે ફક્ત ભારત કે ગ્રીકનું નહિ પણ વિશ્વ માનવ સંવેદન, માનવ મૂલ્યોનું હતું. ‘ડોલ્સ હાઉસ’માં નોરાએ બધા વિચાર કાર્ય પછી ગૃહત્યાગ કર્યો છે; તેણે કૃત્રિમ જીવનનો ત્યાગ કર્યો છે. આ માનવ સંવેદન છે. આ રીતે જોઈએ તો ગ્યુઇથે સાહિત્યને સર્વ પ્રકારની સંકુચિતતામાંથી મુક્ત કરવા ઈચ્છતા હતા. આ એમની વિશાળ ભાવના હતી. વિવિધ સાહિત્યના સમન્વયનો તેમાં આદર્શ હતો. એટલા માટેથી ગ્યુઇથેના મનમાં વિશ્વસાહિત્યનો ખ્યાલ આવ્યો હશે.

૨. રેને વેલેક પણ ગ્યુઇથેના વિચાર પર લખે છે કે, -“World literature was used by him to indicate a time when all literatures would become one. It is the ideal of the unification of all literatures into great synthesis, where each nation would play its part in a universal concert.” (ગ્યુઇથેએ વિશ્વસાહિત્ય શબ્દનો ઉપયોગ એ સમય સૂચવવા કરેલો કે જયારે બધા સાહિત્યો એક થઈ રહેશે. બધા સાહિત્યોનો એક મહાન સમન્વય થશે, જ્યાં દરેક દેશ વૈશ્વિક મેળામાં પોતાની ભૂમિક ભજવશે.)

વિશ્વસાહિત્ય વિશેના એક અન્ય પ્રચલિત ખ્યાલની પણ રેને વેલેક વાત કરી છે. આ ખ્યાલ પ્રમાણે વિશ્વસાહિત્ય એટલે ‘પ્રશિષ્ટ કૃતિઓનો મોટો ભંડાર.’ આ રીતે વેલેક પ્રશિષ્ટ કૃતિઓને શ્રેષ્ઠ કૃતિનો પર્યાય ગણાવે છે. પરંતુ વિશ્વસાહિત્યનાં આવા ખ્યાલને વેલેક બરાબર ગણતા નથી, કારણ કે વિવેચનની નજરે ઉત્તમ ગણાયેલી આ પ્રકારની કૃતિઓ જે તે ભાષાનાં સમગ્ર સાહિત્યનો ખ્યાલ ભાવક પાસે રજુ કરી શકતી નથી. તેથી વેલેક વિશ્વ સાહિત્યને માટે ‘વ્યાપક સાહિત્ય’ શબ્દનો ઉપયોગ કરે છે.

૩. ઇંગ્લેન્ડમાં મેથ્યુ આર્નોલ્ડે (ઇ.૧૮૨૨-૧૮૮૮) ‘વિશ્વસાહિત્ય’ માટે ‘તુલનાત્મક સાહિત્ય’ એવી સંજ્ઞા પ્રયોજી અને વિશ્વના ભિન્ન ભિન્ન સાહિત્યોનાં પરિશીલન અને તેમાંના ઉત્તમાંશોનાં પ્રસારની વાત કરી હતી. એમણે વિવેચનની ફરજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વિવેચન એટલે, ‘a disinterested endeavor to learn and propagate the best that is known and thought in the world’ ( વિશ્વમાં જે ઉત્તમ જણાય છે તેના અભ્યાસ અને પ્રચારનું નિર્મમ સાહસ.) અહીં અર્નોલ્ડ પણ દેશ કે પ્રદેશના સીમિત સાહિત્યિક અર્થમાંથી બહાર નીકળી વિશ્વના વિશાળ સાહિત્યને સ્પર્શવાનો સંકેત કરે છે. આમ, સત્તરમી સદીનાં આરંભ પછીથી વિશ્વસાહિત્યની આબોહવા બંધાવા લાગી હતી.

૪. Norton Anthologyમાં વિશ્વસાહિત્ય માટે કહેવામાં આવ્યું છે, વિશ્વાસાહિત્યને સમજવું એટલે સાહિત્યનાં અભ્યાસનું વૈશ્વિક સ્તરે પામવું, એટલે કે પહેલા સંવેદના જોડાય છે, પછી તેમાં તે પુરેપુરી ઓગળી જાય છે, પછી તેનું વિશિષ્ટ સંયોજન થાય છે, ત્યારે તે વિશ્વસાહિત્ય બને છે. અનેક પ્રવાહોના સંમિશ્રણથી વિશ્વસાહિત્ય ઊભુ થાય છે. એટલા માટે તે વિશેની આપણને જે અનુભૂતિ થાય છે તે એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં થતી અવરજવર છે, આ થયું Cross Cultural Understanding. કોઈ એક સંસ્કૃતિ નહિ પણ વિશ્વની અનેક સંસ્કૃતિનું મિલન. માનવ અનુભવ વૈશ્વિક ફલક ઉપર મૂર્તિમાન થતો જોઈ શકાય છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે, એક દેશની સંસ્કૃતિને બીજા દેશની સંસ્કૃતિ ઉપર થોપી બેસાડવાની નથી. પરંતુ એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિના સાનિધ્યમાં મુકવાની છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘ઈલિયડ’, ‘ઓડીસી’માં ઘણી સમાંતર વસ્તુ જોવા મળે છે. ભારતીય સર્જક અને ગ્રીક સર્જક બૃહદ અંશે સરખી સંવેદના અનુભવે છે. એકની સંનિધિમાં બીજાને મુકવાથી તેનું ફલક વિસ્તરણ પામે છે.

૫. લંડનની કેગાન પોલ દ્વારા ‘ ધી ઇન્ટરનેશનલ સાયન્ટિફિક સીરીઝ’માં પંચાવનમાં ક્રમે ‘Comparative Literature’ નામનાં પુસ્તકનું ૧૮૮૬માં પ્રકાશન થયું હતું. તેના લેખક છે, હચેશન મેકોલે પોસનેટ ( Hutcheson Macaulay Posnett) તેમણે આ પુસ્તકમાં ‘વિશ્વસાહિત્ય’ નામના ચોથા ખંડના પહેલા પ્રકરણમાં વિશ્વસાહિત્ય એટલે શું? એ પ્રશ્નનો જવાબ આપતા વિશ્વસાહિત્યના ત્રણ લક્ષણો ગણાવ્યા છે : સાહિત્યની સનાતનતા, ચિંતનાત્મક વિવેકબોધ અને બાહ્ય પ્રકૃતિ અને મનુષ્ય સાથેના તેના સંબંધોનું સૌંદર્યલક્ષી સમાંસ્વાદન. પ્રથમ લાક્ષણિકતા પ્રમાણે, સીમિત સામાજિક સમૂહથી વિખુટા પડી સર્વસાધારણ સાહિત્યનું સર્જન કરવાની ભાવના અને પ્રવૃત્તિ સર્જક સેવતો હોય છે. આને પરિણામે સાહિત્ય સંકુચિતતામાંથી બહાર આવી વિશાળ પરિપ્રેક્ષ્યને તાકે છે. બીજી લાક્ષણિકતા પ્રમાણે, કલાકારને માટે હવે ભાષા જ પ્રારંભિક અભ્યાસનો વિષય બને છે. આમાં ધર્મગ્રંથો કે અન્ય સાહિત્યગ્રંથોનો ભાષાનાં અભ્યાસ પર વધુ ભાર આપવામાં આવતો હોય છે. ત્રીજી લાક્ષણિકતા પ્રમાણે, પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોનો મનુષ્ય સાથે કેવો સંબંધ રહ્યો છે, તેનો સૌંદર્યલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. કુદરતના વિવિધ તત્ત્વોમાં માનવજાતે જે દેવદેવીઓ કલ્પી અને જેની આરાધના કરી તેને માનવશાસ્ત્રીય ભૂમિકાએ નહિ, પરંતુ સૌંદર્યલક્ષી ભૂમિકાએ મુલવવાનો આમાં નૂતન અભિગમ છે. આમ સાહિત્યને વિશાળ ફલક પર જોવાનો અભિગમ જાગૃત થયો.

૬. આપણે ત્યાં પણ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ દિશામાં પ્રથમ પગરણ માંડ્યા હતા. જો કે એમણે વિશ્વસાહિત્ય માટે ‘Comparative Literature’ શબ્દ જ પ્રયોગ કર્યો છે. પરંતુ એની પાછળ એમની વિશ્વસાહિત્યની વિભાવના જ કામ કરી રહી હતી. એમના સાહિત્યિક વિચારો તથા વિભાવના વિશેના મંતવ્યોનો સંગ્રહ ‘સાહિત્ય’ નામથી ઈ.સ.૧૯૪૦માં જયંતીલાલ આચાર્યે ગુજરાતી અનુવાદ પ્રગટ કરેલો. રવીન્દ્રનાથ જણાવે છે કે, “સમગ્ર ઈતિહાસ દ્વારા મનુષ્ય પોતાની ગંભીરતમ અભિલાષાઓ અનેક સાધન દ્વારા, અનેક ભૂલોના સંશોધન દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે; જે જાણે છે કે માનવ સર્વે દિશામાં સમગ્રની સાથે બૃહદ ભાવે યુકત થઈને પોતાને મુકત રીતે જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જે જાણે છે કે પોતાની સ્વતંત્ર વ્યક્તિને રાજતંત્રમાં અને રાજતંત્રમાંથી ગણતંત્રમાં સાર્થક કરવાને પ્રત્યેક માનવ ઝૂઝે છે, જે જાણે છે કે માનવ વિશ્વમાનવમાં પોતાને વ્યક્ત કરવા માટે, વ્યષ્ટિ, સમષ્ટિમાં પોતાની ઉપલબ્ધી કરવા માટે કેટકેટલી ભાગદોડ કરી રહ્યો છે; તે જ મનુષ્ય સમગ્ર ઈતિહાસમાંથી તે નિત્યકાળના માનવની નિત્ય પ્રયત્નશીલ અભિલાષાઓને જાણવાનો પ્રયત્ન આદરે છે.” એટલે કે માનવ પોતાના પ્રયોજનના સંસારની બરાબર પાસે પાસે જ એક પ્રયોજનરહિત સાહિત્યનું સર્જન કરે છે. આ પ્રકારનું સાહિત્ય ચીરસ્થાયી બને છે અને એમાં પ્રગટેલો માનવ સ્થળકાળથી મુકત થઈને આદર્શ માનવ બને છે.

‘સાહિત્ય’નાં પાંચમાં પ્રકરણમાં રવીન્દ્રનાથ વિશ્વસાહિત્યની વિભાવના આપે છે કે, “સાહિત્યમાં મનુષ્ય પોતાના આનંદનો કેવી રીતે આવિર્ભાવ કરે છે અને એ આવિર્ભાવના જુજવા સ્વરૂપો દ્વારા માનવઆત્મા પોતાનું કયું નિત્ય રૂપ દર્શાવવા ઈચ્છે છે એ જ વિશ્વસાહિત્યમાં યથાર્થ જોવાનો વિષય છે.” આમ, તેઓ સાહિત્યને સર્જકનિરપેક્ષ, સમયનિરપેક્ષ, સ્થળનિરપેક્ષ ભાવે માણવાની હિમાયત કરે છે. રવીન્દ્રનાથ ટાગોર સમય અને સ્થળ નિરપેક્ષ ભાવે લખે છે કે, “વિશ્વસાહિત્યમાં વિશ્વમાનવને જોવાનો દ્રઢ નિશ્ચય આપણે કરીશું, પ્રત્યેક લેખકની રચનામાંથી તેની સમગ્રતાને ગ્રહણ કરીને, તે સમગ્રતામાં સમસ્ત માનવજાતના આવિર્ભાવના પ્રયત્નોનો મેળ સાધીશું, એવો સંકલ્પ કરવાનો સમય હવે આવી ગયો છે.” ઇ.સ.૧૯૦૭ માં તેમણે તેમના એક વ્યાખ્યાન માં કહ્યું હતુ કે, “સંકુચિત પ્રાંતવાદ, પ્રદેશવાદમાંથી આપણે મુકત થવું જોઈએ. પ્રત્યેક લેખકના લખાણને આપણે સમગ્રપણે જોવું જોઈએ. સમગ્રતાને આપણે મનુષ્યની વૈશ્વિક સર્જનાત્મકતાનાં ભાગ રૂપે જોવી જોઈએ. એ ‘વિશ્વ’ તત્ત્વ ‘વિશ્વસાહિત્ય’દ્વારા વ્યકત થયેલુ જણાશે.” દેશદેશની સીમાઓથી પર એવા વિશ્વમાનવની એમણે કલ્પના રજુ કરી છે.

આમ, રવીન્દ્રનાથની વિશ્વસાહિત્યની વિભાવના મહ્દઅંશે ગ્યુઇથેની વિશ્વસાહિત્યની વિભાવનાને મળતી આવે છે. રવીન્દ્રનાથે ભાવનાત્મક ભૂમિકાએ વિશ્વમાનવની સંકલ્પના રજૂ કરી છે. વિશ્વમાનવની સંકલ્પના એમની વિશ્વસાહિત્યની વિભાવનાનું આધારબિંદુ છે. બીજો ભાર એમણે ‘સમગ્રતા’ પર મુક્યો છે. એમણે વિશ્વસાહિત્યમાં વ્યક્તિતાનો નહિ પણ સમગ્રતાનો મહિમા કર્યો છે.

આમ, ૧૭-૧૮મી સદીમાં ‘સાહિત્ય’માંથી ‘વિશ્વસાહિત્ય’ તરફની ગતિ સુસ્પષ્ટ છે. આ બધા તથ્યો પરથી સમજી શકાય કે, સાહિત્યનું સર્જન નિષ્પ્રયોજન હોવું જોઈએ; દરેક ભાષાની સાહિત્ય કૃતિને સાથે રાખીને તેને સમજવી, જેથી કરીને જુદા જુદા ઇતિહાસો, સામાજિક સ્તરો, સંસ્કૃતિઓ, વગેરે જુદું નહિ રહે અને બધુ જ વૈશ્વિક બની જશે. ફક્ત ભારત નહિ પણ આખી પૃથ્વી એક કુટુંબ થઈને રહે. આ રીતે જોઈશું તો તે General Human બનશે. જ્ઞાતિ, ભાષા, દેશથી ઉપર માનવ, માનવચેતના હોવી જોઈએ. જો આવી રીતે સાહિત્યને જોવામાં આવે તો તે વિશ્વસાહિત્ય બને. આમ આપણે કહી શકીએ કે, વિશ્વની કોઈ પણ ભાષામાં રચાયેલી, ઉત્તમ ગણાતી, મનુષ્યજાતિના સર્વસામાન્ય અનુભવને સ્પર્શતી સાહિત્યકૃતિ એટલે વિશ્વસાહિત્ય. એટલે કે, કોઈ ગુજરાતી વાચક બંગાળી, મરાઠી, ફ્રેન્ચ, કે અંગ્રેજી ભાષાની કોઈ કૃતિ વાંચે અને પોતાના સમાજ, પોતાની સંસ્કૃતિ જેવા બીજા એક સમાજ, સંસ્કૃતિનો અનુભવ કરે છે. બંને સમાજોના સમાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રશ્નો સમાન છે, તેનો તેને થતો અનુભવ તે સમાજ પ્રત્યે એકત્ત્વનો ભાવ જન્માવે છે તે વિશ્વસાહિત્યની કૃતિ બને છે.

માનવહૃદયનાં ભાવો સર્વત્ર સમાન છે; સંસારના સુખ-દુઃખ બધે એકસરખા છે; તરુણ-તરુણીની પ્રેમઝંખના, મિલન અને વિરહ, સંતાનની એષણા, મૃત્યુનો, શોક અને વિષાદનો, કુટુંબવાત્સલ્ય, નીતિ-ધર્મ અને સદાચારની ભાવના, માનવજાતીમાં અમુક હૃદયવૃત્તિઓ એકરૂપ જ લાગશે. મહાકવિ કાલિદાસની કૃતિ ‘અભિજ્ઞાન શાકુંતલ’ અને અંગ્રેજી નાટ્યકાર શેક્સપિયરની કૃતિ ‘ટેમ્પેસ્ટ’માં પ્રણયભાવનાં ભિન્ન રીતે પ્રગટ થઈ છે. અભિવ્યક્તિ જુદી જુદી છે પરંતુ બંને સાહિત્યકારનું સવેદન એક જ છે. તેથી બંને કૃતિ વિશ્વસાહિત્યની કૃતિ બંને છે. એવી જ રીતે ‘મહાભારત’ અને ‘ઈલિયડ’ વિશ્વકૃતિ બને છે. કેમ કે બંનેમાં વિશ્વમાનવનાં સંવેદનોનું માર્મિક વર્ણન કરવામાં આવ્યું છે. માનવમાં જે મહાન છે, જે કઈ રોજિંદુ છે, જે ક્ષણ માત્ર નથી, તે જ માનવ સાહિત્યમાં સ્થાન પામીને આપમેળે માનવના વિરાટ સ્વરૂપને ઘડે છે.

પોતાની વિશિષ્ટતાઓને જાળવી રાખીને આપણે બીજાઓની વિશિષ્ટતાઓને સમજવી જોઈએ. આપણા રાષ્ટ્રીય સાહિત્ય સિવાય બીજા રાષ્ટ્રની સાહિત્યિક પરંપરાનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અન્ય ભાષાની કૃતિઓનું આપણે સ્વાગત કરવું જોઈએ. અત્યારે બે દેશ વચ્ચે કેવળ વ્યાપારધંધામાં જ આપ-લે થાય છે, પરંતુ તેની સાથે સાથે સાહિત્યિક આપ-લે થવી જોઈએ. પોતાની રાષ્ટ્રીય પરંપરાનું યોગ્ય દર્શન કરવા માટે અન્ય પરંપરાનું અવલોકન જરૂરી છે. જયારે માનવમનનાં એક કાર્ય તરીકે સાહિત્યને જોવામાં આવે છે ત્યારે દેશ, કાળ, ભાષા આદી સીમાડાને અતિક્રમી માનવમનની જે છબી ઉપસે છે તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સાહિત્યકૃતિમાં વૈશ્વિક સંદર્ભમાં વિશ્વાત્માની શોધ કરવાની છે. રાષ્ટ્રીયતાનાં આવેષભર્યા સંકુચિત મનોવર્તુળમાંથી વૈશ્વિકતાની ભાવનાં તરફ વિવિધ સાહિત્યનો સમન્વય કરવાનો છે.

સંદર્ભસૂચી ::

  1. ગુજરાતી વિવેચનનો અનુબંધ (ખંડ-૨)
  2. તત્ત્વસંદર્ભ, લે. પ્રમોદકુમાર પટેલ
  3. સન્નિધાન-૫
  4. કળા, સાહિત્ય અને વિવેચન, સં. પ્રમોદકુમાર પટેલ
  5. તુલનાત્મક સાહિત્ય અભ્યાસ, સં. વસંત બાપટ

દેસાઈ કુલદીપ વી., એમ.ફિલ., ગુજરાતી વિભાગ, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર, મો.:૯૫૮૬૯૮૯૫૭૮ k.desai107@gmail.com