છોકરી જેવા વરસાદનું ગીત
વિદ્યાનગરની નટખટ કોઈ છોકરી જેવો છે વરસાદ
રાહ હું જોઉં તો આવે નહિ સામે, ને પાછળથી કરે છે સાદ
અંધારે ખૂબ પણ વરસે નહિ સ્હેજેય
ને તડકામાં પાડે તિરાડ,
વાવાઝોડાની જેમ મૂંઝાતો રહું હું
સાંભળીને વીજળીની રાડ.
વરસે છે ધોધમાર તો ભીંજવે નહિ સ્હેજેય એવો છે મનનો અવસાદ
વિદ્યાનગરની નટખટ કોઈ છોકરી જેવો છે વરસાદ
ભરોસો નહિ એનો ક્યારે એ પડશે
ધોધમાર વરસી,
વરસીને એ ભીંજવે છે તનમન, તોય
આ આંખ તરસી.
તરસેલું મન મારું તરસને ઝંખે ને ઝંખનાને નામે વિષાદ
વિદ્યાનગરની નટખટ કોઈ છોકરી જેવો છે વરસાદ