'દૂસરા અધ્યાય': બે અજાણ્યા પાત્રોનો તલસાટ
છેલ્લા બે દાયકા દરમ્યાન હિન્દી રંગભૂમિ ઉપર અજય શુક્લા લિખિત ‘તાજમહલ કા ટેન્ડર’ નાટક અત્યંત લોકપ્રિય રહ્યું છે. ઇપ્ટા દ્વારા રાકેશ બેદીના દિગ્દર્શન હેઠળ હજી પણ એનું સફળતાપૂર્વક મંચન થાય છે. અજય શુક્લાએ એ શ્રેણીમાં પછી 'તાજમહલ કા ઉદ્ઘાટન' નાટક પણ આપ્યું. રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાને કારણે ભ્રષ્ટાચારની રગેરગથી વાકેફ અજય શુક્લાએ આં બંને નાટકોમાં ભ્રષ્ટાચારને વિષય બનાવ્યો છે. વ્યંગ અને કટાક્ષની જે તીવ્રતા ‘તાજમહલ કા ટેન્ડર’ માં છે એ 'તાજમહલ કા ઉદ્ઘાટન'માં જોવા મળતી નથી. અહીં મારે અજય શુક્લાના પ્રથમ નાટક 'દૂસરા અધ્યાય' (૨૦૧૬) ચીશે વાત કરવી છે, જે વિષયની રીતે ઉપરનાં બંને નાટકોથી જુદું છે.
'દૂસરા અધ્યાય' ચાર લાંબા દૃશ્યોમાં વહેચાયેલું છે. બે પાત્રો- અભય અને નીરજાના વિશિષ્ટ સંબંધને કેન્દ્રમાં રાખે છે. પિસ્તાલીશની ઉંમરની આસપાસના અભયની સ્મૃતિરૂપે નાટક ભજવાઈ છે. અભય અને નીરજા જે રેસ્ટોરાંમાં અવારનવાર મળતાં હતાં એ રેસ્ટોરાંમાં બેઠાબેઠા અજય સ્મૃતિઓ વાગોળે છે.દશેક વર્ષ પૂર્વે અજય અને નીરજા મદ્રાસમાં એક મેનેજમેન્ટ ટ્રેનિંગ કોર્સ દરમ્યાન એકબીજાને મળે છે. બંને દિલ્હીના નિવાસી છે છતાં એકબીજાથી અત્યાર સુધી અપરિચિત છે અને આં કોર્સ બંને એકબીજાથી એટલાં પરિચિત થાય છે કે બંને ને એકબીજાનું વળગણ થઇ રહે છે. નીરજા પરિણીત છે, બાળકો છે, દિવાકર નામનો પતિ છે છતાં અભય પ્રત્યે એક જુદો લગાવ, વળગણ થયું છે. બંને કાયમ માટે સાથે રહેવાનો વિચાર કરે છે. હાં, વિચાર કરે છે, જીવનનો બીજો અધ્યાય શરૂ કરવાનો!
પહેલાં દૃશ્યમાં અભય રેસ્ટોરાંમાં નીરજાની રાહ જોતો બેઠો છે. આં રેસ્ટોરાંમાં જ બંને નિયમિત મળે છે. મળે છે ત્યારે હવે આગળ શું?- બંને આં સંબંધને કેવી રીતે નિભાવવો એની સતત ચર્ચા કરે છે. પંદર દિવસ મદ્રાસમાં સાથે રહ્યાં પછી દિલ્હી આવ્યા બાદ ચોવીસ કલાક દૂર રહેવાનું આવે છે ત્યારે અભય એ અંતર સહન કરી શકતો નથી. અભય નીરજા સાથે હવે પછીનો સમય, જીવન વીતાવવા માટે અધીરો છે. અધીરી તો નીરજા પણ છે પણ લગ્ન નામનું બંધન એને અટકાવે છે. બંને સાથે બેઠાં હોય છે ત્યારે પણ નેપથ્યધ્વનિ દ્વારા મદ્રાસની વાતો સતત યાદ કરતાં હોય છે.પ્રથમ બંને દૃશ્યોમાં બંને કઈ રીતે સાથે રહી શકે એ માટેની ચર્ચા કરતાં રહે છે.
ત્રીજા દૃશ્યમાં નીરજાએ અભય સાથે રહેવાનું મન બનાવી લીધું છે. વાતમાં ત્યાં વળાંક આવે છે, કે એ જ દિવસે દિવાકરને હાર્ટએટેક આવે છે અને હવે એણે લાંબો સમય પથારીવશ રહેવું પડે એમ છે. નીરજા માટે હવે ઘર-બાર છોડીને અને ખાસ કરીને પથારીવશ દિવાકરને છોડીને આવવું અઘરું બને છે. અભયને નીરજાનું આં વલણ પસંદ પડતું નથી.
ચોથા દૃશ્ય વખતે લાંબો સમય પસાર થયો છે. અભય પોતાની કારકિર્દી માટે વધુ સજાગ થયો છે અને પ્રમોશન માટે ત્રણેક વર્ષ વિદેશ પણ રહી આવે છે.અભય અને નીરજા દશેક વર્ષ પછી મળે છે. અભય હજી પણ અપરિણીત છે. નીરજાએ છેલ્લી મુલાકાત વખતે પ્રતીક્ષા કરવાનું કહ્યું હતું, અભય હજી પણ નીરજાની પ્રતીક્ષામાં છે. દરમ્યાન એ કવિતા લખતો થયો છે. નાટ્યકારે નાટકનો અંત સંદિગ્ધ રાખ્યો છે કે આ બંને પાત્રો મળે છે કે નહીં?- બંને જીવનનો બીજો અધ્યાય શરૂ કરી શકે છે કે નહીં?- આં પ્રકારના અંતમાં એમની નાટ્યકાર તરીકેની સૂઝ પ્રગટ થાય છે. આં બંને પાત્રો મળશે કે કેમ? મળશે તો કેવી રીતે મળશે?- આ ઉત્સુકતા આખા નાટકમાંથી પ્રગટ થતી રહે છે.
'દૂસરા અધ્યાય' નાટકમાં આમ ઘટનાના નામે ખાસ કશું બનતું નથી. અભય અને નીરજા સામસામે બેઠાં હોય છે અને વાતો કરે છે. એમની વાતના કેન્દ્રમાં એમનો સંબંધ રહ્યો હોય છે. એ સંબંધના પરિણામ-પરિમાણ પર કઈ રીતે પહોચવું, એ જ એમની વાતોનો સૂર છે.નાટકની ગતિ એ રીતે કદાચ ધીમી પણ લાગે છતાં નાટ્યકારે સમયના ચક્રમાં, એક સ્થાપિત વ્યવસ્થાના ચક્રમાં એક નિ;સ્વાર્થ સંબંધ જે રીતે ગૂંગળાતો જાય છે એની ટૂંકા સંવાદો દ્વારા અસરકારક રીતે રજૂઆત કરી છે. પોતાના વિશે, પોતાના ગમતાં વિશે, પોતાની પોતાના વિશેની જવાબદારી - સમાજવ્યવસ્થામાં શક્ય છે કે કેમ?-નીરજા જવાબદારીથી સભાન છે, આદર્શોની માયાજાળમાં સપડાયેલી છે અને બીજી બાજુ અભય સાથેનો નિ:સ્વાર્થ સંબંધ છે.બંનેને એકબીજાંને પામવાનો તલસાટ છે, આવેગ છે, અહીં કેવળ આકર્ષણ નથી પણ બંને એકબીજાને સંપૂર્ણ રીતે સમજે છે. આં સમજ નાટ્યકારે ટૂંકા સંવાદો અને સંવાદોના પુનરાવર્તન દ્વારા પ્રગટાવી છે.એકબીજાને કશું પણ કહ્યા વગર બંને એકબીજાંના મનની વાત સમજી શકે છે. નીરજા એ રીતે અભયની તુલના દિવાકર સાથે કરે છે. દિવાકર ઉમદા માણસ છે, નીરજાને એના તરફથી કોઈ તકલીફ નથી પણ જે હૂંફ, ઉષ્માનો અનુભવ મદ્રાસ ખાતે પંદર દિવસ દરમ્યાન અભય તરફથી થયો એ વર્ષો બાદ પણ દિવાકર તરફથી નથી થતો.પોતાની પોતાના વિશેની જવાબદારી સાથે પરીણિત હોવા છતાં નીરજા અભયનો સ્વીકાર કરે છે. બંનેનાં નિકટ આવવનું કારણ પણ એ જ છે કે કશું પણ કહ્યા વિના એકબીજાને સમજી શકે છે. પણ નીરજા બંધનો ફગાવી શકતી નથી. એ દિવાકરને એના કશા પણ વાંકગુના વગર છોડી શકતી નથી. અભય આં આખી વાતને આ રીતે મુકે છે: “ ઇતની અચ્છી તરહ સે હમ એક દૂસરે કો સમજને લગે... ઔર નિર્ણય કર લિયા હમેશા સાથ રહને કા, એક બૌદ્ધિક નિર્ણય.. કહીં કોઈ બચપને કા ઇનફૈચુએશન નહીં. ણ કોઈ પાસિંગ પૈશન. ઔર જિસ દિન તુમ યે તય કર કે જાતી હો કિ અબ મેરે સાથ હી રહના હૈ ઔર દિવાકર કો બતા દેની હૈ વાસ્તવિકતા, ઇન સમ્બન્ધો કી, ઉસ દિન ઉસે એટેક આતા હૈ ઔર તુમ વિવશ હો જાતી હો ઉસકી દેખભાલ કરને મેં ઐસી કિ...” (પા.૫૩)
નીરજાનો દ્વિધાભાવ નાટ્યકારે સરસ રીતે પ્રગટાવ્યો છે. એ અભયને ઝંખે છે તો દિવાકરની હે હાલત છે, એમાં એણે છોડી પણ શકતી નથી. અભય ઘણી બધી રીતે નીરજાને સમજાવવાની કોશિશ કરે છે. એ કહે છે: “ નીરજા તુમ કિસકે લિએ ત્યાગ કરને કી સોચ રહી હો. ઉસકે લિએ જો તુમ્હે સમજતા તક નહીં હૈ... ... મેરા સિર્ફ યે કસૂર હૈ કિ મૈ તુમ્હારે જીવન મેં શાયદ ૧૨-૧૩ સાલ લેટ આયા. અગર હમ પહલે મિલ લિએ હોતે તો સબ ઠીક હોતા. પર યે મેરા કસૂર નહીં હૈ ઔર સમય કી એક ગલતી કો અગર મૈ સુધારને કી કોશિશ કરતાં હું તો ઇસકા મુજે કોઈ ગિલ્ટ કોમ્પ્લેક્સ ભી નહીં હૈ.” (પા.૪૫) અભયને આખી વ્યવસ્થા સામે ઘણો આક્રોશ છે. નીરજા નિર્ણય નથી કરી શકતી એ બદલ એનાં પર ગુસ્સો પણ છે. એ કારણે જ એ પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થઇ જાય છે. એક સમયે નીરજાને જ પ્રાયોરિટી આપતો અભય ધીમેધીમે કારકિર્દીને પ્રાયોરિટી આપે છે. છતાં નીરજા પ્રત્યેની એની ઝંખના ઓછી નથી થઇ. આદર્શો સાથે જીવવું એણે ફાવતું નથી. એ કહે છે: “ યે સોચના કિ ઇસ જન્મ મેં હમ સાથ નહીં યા સુખી નહીં તો અગલે જન્મ મેં કુછ હોગા, યે અપની કમજોરી કો રેશમી કપડા પહનાના હૈ" (પા.૩૧)
અજય શુક્લાનું આં પ્રથમ નાટક છે. રામગોપાલ બજાજે ૧૯૯૮માં એની ભજવણી કરી હતી. ૨૦૧૬માં એ પુસ્તક રૂપે ઉપલબ્ધ થાય છે.બે પાત્રના આ નાટકમાં નાટ્યકારે જે રંગસૂચનો કર્યા છે, એ પણ નાટ્યકાર તરીકેની એમની સૂઝ પ્રગટાવે છે. નાટકના આરંભનું આં રંગસૂચન જુઓ: “ પર્દા હટને પર મંચ પર અંધકાર હૈ. કુછ પલ કી ખામોશી કે પશ્ચાત એક માચિસ જલને કા પ્રકાશ હોતા હૈ. માચિસ કી હલકી રોશની સે પતા ચલતા હૈ કિ પુરુષને સિગરેટ જલાઈ હૈ. ઇસી કે સાથ ગોલાકાર પ્રકાશ પુરુષ પર કેન્દ્રિત હોતા હૈ.” (પા.૭) આ ઉપરાંત ટેલીફોન મુકવાનો અવાજ સંભળાય ત્યાં સુધીનાં ઝીણવટપૂર્વકનાં રંગસૂચનો અહીં છે. આં પ્રકારનાં રંગસૂચનોથી નાટ્યકારની તખ્તા પ્રત્યેની સભાનતા પ્રગટ થાય છે. પણ મને પ્રશ્ન એ થાય છે, કે આમાં દિગ્દર્શકની સ્વતંત્રતા કેટલી રહે છે?
સમગ્ર નાટકમાં અભય અને નીરજા બંને રેસ્ટોરાંમાં બેઠાં છે અને એમની ભૂતકાળની વાતો નેપથ્યધ્વનિથી રજૂ થઇ છે. આં પ્રયુક્તિ એકથી વધુ વખત નાટકમાં લાંબો સમય રોકે એ રીતે પ્રયોજાઈ છે, એટલે ક્યાંક ગતિ અવરોધાઈ છે, એકવિધતા પ્રવેશી છે. હવે, કોઈ દિગ્દર્શક નેપથ્યધ્વનિનાં દીર્ઘ સંવાદોને દૃશ્યરૂપ આપવા માગતો હોય તો? નાટકમાં જે એકવિધતા પ્રવેશી છે એને તોડવા માટે એ જરૂરી પણ લાગે છે. આં નાટકમાં એવો ઘણો અવકાશ રહ્યો છે કે વર્તમાનની સમાંતરે ભૂતકાળનાં દૃશ્યો ભજવી શકાય. પુસ્તકમાં જે ધ્વનિરૂપે છે એણે દૃશ્યરૂપે ભજવવાની સ્વતંત્રતા દિગ્દર્શકને હોવી જોઈએ. નાટક એટલે તો દ્વિજ રહ્યું છે.
‘Same Time Next Year’ નાટક પરથી ગુજરાતીમાં વર્ષો પૂર્વે તારક મહેતાએ 'મોસમ છલકે' નાટક લખ્યું હતું, જેની સફળતાપૂર્વક ભજવણી થઇ હતી. 'દૂસરા અધ્યાય' અને 'મોસમ છલકે' બંને નાટકોની થીમમાં ઘણું સામ્ય રહ્યું છે. પણ બંનેની માવજત એકબીજાથી ભિન્ન છે. 'દૂસરા અધ્યાય' માં વર્તમાન અને ભૂતકાળની સહોપસ્થિતિ રચાઈ છે, નાયકની સ્મૃતિરૂપે ભજવાઈ છે જયારે 'મોસમ છલકે' સીધી રેખામાં ગતિ કરતું નાટક છે. અજાણ્યાં બે પાત્રો અચાનક એકબીજાને મળે, એકબીજાને ઝંખે, તલસાટ અનુભવે અને એ તલસાટનું પરિણામ? એટલે 'દૂસરા અધ્યાય'.
(દૂસરા અધ્યાય, અજય શુક્લા, રાજકમલ પ્રકાશન, નવી દિલ્હી,૨૦૧૬. મૂ.રૂ. ૨૫૦)