‘આવરણ’ – અનાવરણની કથા
પાંચ વર્ષમાં અઠ્ઠાવીસ આવૃત્તિ કોઇપણ કૃતિ માટે અવિસ્મરણિય ઘટના કહી શકાય. કન્નડના પ્રસિદ્ધ લેખક એસ.એલ.ભૈરપ્પાની નવલકથા ‘આવરણ’ એ રીતે ધ્યાન ખેંચે છે. મૂળ કન્નડ નવલક્થાના હિંદી અનુવાદમાંથી સિદ્ધા દીક્ષિતે ગુજરાતીમાં તેનો અનુવાદ કર્યો છે. લેખકની આ ત્રીજી ઐતિહાસિક નવલકથા છે. જેમાં તેમણે ભારતભૂમિના કેટલાંક ઐતિહાસિક પાસાઓને સર્જનાત્મક સ્વરૂપે નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. સર્જક પ્રારંભે 'આવરણ'નો તેમને અભિપ્રેત અર્થ નોંધે છે - ' વિસ્મરણથી સત્યને ઢાંકી દેનારી માયાને આવરણ કહે છે. અસત્ય સ્થાપિત કરનારા કાર્યને વિશેષ કહે છે. વ્યક્તિગત સ્તર પર ચાલનારી આ ક્રિયાને અવિદ્યા અને સામૂહિક અથવા વૈશ્વિક સ્તરે ચાલતી આ પ્રક્રિયા માયા કહેવાય છે.'
સાહિત્ય સામગ્રીરૂપે ઇતિહાસને ખપમાં લેતું આવ્યું છે. આપણે ત્યાં મુન્શી, દર્શક, ર.વ.દેસાઈ જેવા સર્જકોએ ઇતિહાસની સામગ્રી લઇને સર્જનાત્મક શૈલીએ કથાને આલેખી છે. સાહિત્યનો સર્જક જ્યારે ઇતિહાસને સામગ્રીરૂપ્ર ખપમાં લે છે ત્યારે તેની કસોટી થતી હોય છે. કલાપક્ષે વફાદાર રહીને ઇતિહાસના સત્વને જેટલા સચવાઈ તેટલા સાચવવાની મથામણ કરતો હોય છે. સર્જક ઇતિહાસની સામગ્રી જરુર લે છે પરંતુ તે કલાના ભોગે ઇતિહાસના તથ્યોને વળગી ન રહેતા ઇતિહાસનું કલાપદાર્થમાં રુપાંતરણ કરી સર્જક ધર્મ બજાવવાનો પ્રયાસ કરે છે તો સાથે સાથે ઐતિહાસિક તથ્યોને તરડી-મરડીને વિકૃત કે વિસંવાદી ન બને એ પણ ખયાલ રાખે છે કે જેથી કરીને વાચકપક્ષે ભ્રામક ખયાલો પેદા ન થાય.
આવરણની વાત કરતા પહેલાં લેખકનું એક નિવેદન ધ્યાને લેવા જેવું છે - 'ઐતિહાસિક કથાવસ્તુનું સાહિત્યકૃતિમાં પરિવર્તન કરતી વખતે તો સાહિત્યકાર પર સત્યની બાબતમાં આવશ્યક જવાબદારી લેખન કરતી વખતે મને સતત સાવધ કરતી આવી છે. સંશોધન વગર સમકાલીન વિષય પર સાહિત્યરચના કરી શકાય પણ ઐતિહાસિક વિષય પર કલાનિર્મિતિ કરતી વખતે દરેક વિગત માટે સંશોધન આવશ્યક હોય છે. સાહિત્યકાર પર જવાબદારી હોય છે તે પોતે લખેલી સાહિત્યકૃતિમાં વ્યક્ત થનારા ઐતિહાસિક સત્યની. સત્ય અને સૌંદર્યની તુલના કરીએ તો સાહિત્યકારની અંતિમ નિષ્ઠા સત્ય પર જ હોવી જોઇએ. સત્ય તરફથી સગવડપૂર્વક મોં ફેરવી લઇ હું માત્ર કલાનિર્માતા છું કહી જવાબદારી ફગાવી દેવી એ સાહિત્યકારની દ્રષ્ટિથી યોગ્ય નથી.' સર્જક તરીકે લેખકનો સત્ય તરફનો આ અભિગમ યોગ્ય છે પરંતુ કલામાં સામગ્રીનું રૂપાંતરણ કરતી વેળાએ જે તે સત્યો-તથ્યો કથામાં કલાઘાટ પામી ઓગળી જવા જોઇએ તો જ જે તે નિર્ભેળ કલાકૃતિ સંભવી શકે અન્યથા કલાકિય રસવિઘ્નો આવવાની પૂરી શક્યતાઓ રહે છે એ પણ ખયાલ રાખવો ઘટે.
સર્જક 'આવરણ'માં ઇતિહાસના એક પાસાને કે એક સમયગાળાને કથાનું વસ્તુ બનાવે છે. તત્કાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, સતા અને તેમાંથી ઉદભવતા સંઘર્ષ, શોષણ, ન્યાય-અન્યાય,સદ-અસદ જેવા અનેક પાસાઓને લેખક અહીં જુદાં જુદાં પ્રસંગોથી નિરૂપે છે.
કથાનો આરંભ હમ્પીના ખંડેર પ્રદેશથી થાય છે. કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગ તરફથી સોંપવામાં આવેલ પુરાતાત્વિક કેન્દ્રોની ડોક્યુમેન્ટરી બનાવવાનું કામ રઝીયા અને આમિર ને સોંપવામાં આવે છે. રઝિયા મૂળે તો હિન્દુ યુવતી લક્ષ્મી છે જે મુસ્લીમ યુવક અમિર સાથે લગ્નગ્રંથી જોડાયા બાદ રઝિયા નામકરણ કરે છે. લગ્ન બાદ બંન્ને વચ્ચે અવારનવાર વૈચારિક અને વ્યાવહારિક મતભેદોથી સંઘર્ષ થતો રહે છે. એક સમય એવો આવે છે કે બંન્ને વચ્ચે લગ્ન સંબંધ હોવા છતાં બંન્ને જુદાં જુદાં રહેવા લાગે છે. રઝિયા પિતૃગૃહે રહેવા લાગે છે. અહીં તે વિદ્વાન પિતાની લાઇબ્રેરીમાં સંગ્રહિત પુસ્તકોનો પરિચય મેળવે છે. પરીણામે તેના મનમાં આંદોલીત થતાં કેટલાંક ઐતિહાસિક ખયાલોને ચોક્કસ આધાર મળે છે. જે તેને આવનારા સંઘર્ષમય સંજોગો સામે મજબૂત બનાવે છે. અને લક્ષ્મી ઉર્ફે રઝીયા પછીથી કોઇપણ દબાણ કે પરિસ્થિતિને વશ ન થતાં ઇતિહાસને બાઝેલા પડળો દુર કરવા ધરપકડ વ્હોરી લેવા સુધીનો સંઘર્ષ કરે છે. લેખકે અહીં પરિસ્થિતિ એવી નિર્માણ કરી છે કે જેથી ઇતિહાસના પડળો ખુલી શકે. રઝિયા-અમિરના માધ્યમ દ્વારા મોગલકાળની આક્રમક આતંકી દુર્ઘટનાઓ ઉપર પ્રકાશ પાડવાનો લેખકનો અભિગમ ઉપસી આવે છે. આ માટે લેખકે સંદર્ભસામગ્રીનો ઠોસ આધાર લીધો છે જે કૃતિના અંતે આપેલ સંદર્ભ યાદી પરથી જોઇ શકાય છે.
કૃતિમાં મૂળ કથાના સમાંતરે ચાલતી વિવાહિત સંબંધોની આટીઘુંટી મૂળ કથાના તંતુને જોડી રાખવા અને વિખરાયેલ સામગ્રીને આકાર આપવા માટે લેખકે સામગ્રીને અનુરૂપ એવી સર્જનાત્મક પ્રયુક્તિનો સહારો લે છે. લેખકની જે કૃતિને રસહીન થતાં બચાવી લે છે. લેખકના માનસપટમાં જે મથામણ ચાલે છે તે ઇતિહાસના એક કાલખંડ પર પ્રકાશ પાડવા માટેની છે. એ પણ એવા કાલખંડ કે જે ભિન્ન એવી સંસ્કૃતિઓના સંઘર્ષને સ્પર્શે છે.
‘આવરણ’ નવલકથા એક અત્યંત સૂક્ષ્મ અને સંકુલ સામાજિક, રાષ્ટ્રીય, ઐતિહાસિક સમસ્યાના વિશ્ર્લેષણ દ્વારા ભાવકોના ચિત્તને પણ ઝંકોરનારી સાહિત્યકૃતિ છે. એક તરફ આધુનિકતાના રંગે રંગાયેલ હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના સ્નેહલગ્ન અને લગ્ન પછી મુસ્લિમ યુવકમાં રહેલી કુટિલતા, કટ્ટરતા અને દંભનાં આવરણો દૂર કરતી સંકુલ કથાવસ્તુ છે. તો બીજી બાજુ મોગલકાળની આક્રમક આતંકી દુર્ઘટનાઓ ઉપર પડેલા આવરણને દુર કરતું કથાનક છે.
હંપી, વિજયનગરના ભગ્નાવશેષો, તેની પાછળની ઇસ્લામિક આતંકી કારવાઈઓનાં ઐતિહાસિક તથ્યો તેના માનસને ઝકઝોરીને બગાવત માટે પ્રેરે છે. સરકારી ઇતિહાસને વિકૃત કરનારી ષડયંત્રકારી ઝુંબેશમાં સામેલ થવાનો ઇન્કાર કરતી નાયિકા રઝિયાના પાત્રની સતત હાજરી નવલકથાને રોચક બનાવે છે. લેખક અહી બે તાણાઓને સાથે વણવાની મથામણ કરે .છે એક તો આંતરધર્મિય લગ્ન અને તેમાંથી ઉભી થતી વિષમ પરિસ્થિતિ તેમજ મોગલ સલ્તનત સમયની ઇતિહાસ આધારિત કેટલીક વાસ્તવિક પરિસ્થિતિ પર બાઝેલા આવરણોને દુર કરવા. જુદી જુદી રીતે સદીઓથી ચાલી આવતું સ્ત્રીઓનું શોષણ, ધર્મઝનુન કે પછી સતાની લાલસાને કારણે થતું પ્રજાનું ધર્મપરિવર્તન, જઝિયાવેરો, ગુલામીપ્રથા, ઠોસ વજુદ વિનાના આક્રમણો વગેરે બાબતો ઐતિહાસિક સંદર્ભે લેખક અહી ઉજાગર કરે છે. એટલે કે કથાવસ્તુ કથા મૂળે તો છે ઇતિહાસગર્ભની. પુસ્તકના આરંભે મનોગતમાં ગુજરાતી અનુવાદક સિદ્ધા દીક્ષિતે નોંધેલી એ બાબત પર વજુદવાળી છે કે ‘સામાન્ય રીતે આપણે ત્યાં આપણા ઐતિહાસિક ગ્રંથો વંચાતા નથી અને તેથી ઇતિહાસને સમગ્રતયા જાણી શકાતો નથી. પરંતુ આ પુસ્તકની વિગતો વાંચ્યા પછી ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા જરુર થશે’