ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે રેવાબેન તડવી અને ઈન્દુબેન પટેલનું પ્રદાન
આજે જ્યારે ગુજરાતી લોકસાહિત્ય સંશોધન – સંપાદન ક્ષેત્રે વ્યાપ વધી રહ્યો છે ત્યારે ઝવેરચંદ મેઘાણી, દુલેરાય કારાણી, પુષ્કર ચંદ્દરવાકર, જયમલ્લ પરમાર, જોરાવરસિંહ જાદવ, ખોડીદાસ પરમાર, ભગવાનદાસ પટેલ, શાંતિલાલ આચાર્ય, હરેન્દ્ર ભટ્ટ, હસુ યાજ્ઞિક, કનુભાઈ જાની, બળવંત જાની, અંબાદાન રોહડિયા જેવા લોકસાહિત્યના સંશોધકો-સંપાદકોના નામ તરત જ આપણી સામે આવે છે. તેઓએ ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે જ. પરંતુ સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રદાન પણ નાનું-સૂનું તો નથી જ.
મેઘાણી પૂર્વેનો સમય એટલે કે ૧૮૫૧થી ૧૯૨૩ના સમયગાળા દરમિયાન મેરિયન પોસ્ટન્સ, પૂતળીબાઈ વાડિયા, બાળાબેન દિવેટીયા અને ઇન્દિરાગૌરી રતિરામ, કુંદનગૌરી, વિજયાગૌરી જેવી સ્ત્રીઓએ લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. ત્યારબાદ મેઘાણીના સમયમાં તારાબહેન મોડક, હંસાબહેન કાનુંગા, જ્યોત્સના મજમુદાર, ચૈતન્યબાળા મજમુદાર, હંસાબહેન મહેતા, પદ્માબેન ઠાકોર, વિજયાબેન ઠાકોર અને શ્રીમતી મગનબહેનનું આ ક્ષેત્રે પ્રદાન રહ્યું. મેઘાણી પછીના સમયમાં તો ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે કામ કરનાર સ્ત્રીઓની સંખ્યા વધતી જોવા મળે છે. જેમાં સુધાબહેન દેસાઈ, માલિની મહેતા, કસ્તુરી નાનાલાલ, આશાબહેન કુંવરણી, પદ્મજાબહેન ચંદરવાકર, મધુકાન્તા ચોક્સી, જસુમતી નાનાલાલ, સજ્જનકુમારી જાદવ, કંચન જોધાણી, ચંદ્રિકા જોધાણી, ચંદ્રશોભા દેશમુખ, કપૂરબા દેસાઈ, કંચનગૌરી પરમાર, શારદાબહેન પરમાર, કોકિલાબહેન પાઠક, સવિતાબેન પીપળીયા, કાંતાબહેન ભગત, મનોરમાબહેન ભટ્ટ, શ્રદ્ધાદેવી મજમુદાર, કુસુમબહેન મહેતા, યશોમતીબહેન મહેતા, ગજરાબેન સોમાણી, મંગલાગૌરી ત્રિવેદી, મધુબહેન પટેલ, ચંદ્રિકાબહેન મુનશી, સુચેતા ભાડલાવાળા આદિ સ્ત્રીઓએ પ્રદાન કર્યું છે. ખાસ કરીને આ સ્ત્રીઓ પાસેથી લગ્ન સમયે વિવિધ વિધિઓ પ્રસંગે ગવાતાં લોકગીતો જેવા કે ગણેશ સ્થાપના, પૂજન પીઠી, મંડપ મુહૂર્ત, વરઘોડો, જાન આગમન, સગાઈ, ગજરોમાલણ, અગોળડા, શોભ, બનડાંબેઠક, કન્યાવિદાય અને ફટાણાંના ગીતો મળી આવે છે.
અહીં આપણે બે સ્ત્રીઓ - રેવાબેન તડવી અને ઈન્દુબેન પટેલે ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે કરેલ પ્રદાનનો પરિચય મેળવીએ.
રેવાબેન તડવીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ભદ્રાલી ગામમાં થયો હતો. જે જમાનામાં સ્ત્રીઓને મહત્વ અપાતું ન હતું, ઘરની બહાર નીકળવાની પણ પરવાનગી મળતી નહોતી તેમજ જ્યાં દિવસે પણ જવું ઘણું મુશ્કેલ હોય એવા વડોદરાના આદિવાસી વિસ્તારોમાં રાત્રે જઈને પણ ખૂબ મહેનત કરી માહિતી એકત્રિત કરી છે. આદિવાસી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે રેવાબેન તડવીએ જે પ્રદાન કર્યું તેમાં તેમના પતિ શંકરભાઈ તડવીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હસુ યાજ્ઞિક, ભગવાનદાસ પટેલ, બળવંત જાની જેવા લોકસાહિત્યના વિદ્વાનોએ પણ તેમના કાર્યની નોંધ લીધી છે.
‘લાલદેકુંવર અને હીરાદેકુંવરી’ (૧૯૬૩), ‘મેવાસની લોકકથા’ (૧૯૭૪), ‘આદિવાસી લોકનૃત્યો’ (૧૯૭૯), ‘આદિવાસી કલાવારસો’ (૧૯૭૯), ‘તડવી લગ્નગીતો અને વિધિઓ’ (૧૯૮૧), ‘કેસૂડાં કામણગારા’ (૧૯૮૩), ‘પરદેશી પરોણલો’ (૧૯૮૪), ‘પાલની લગ્નવિધિ’ (૧૯૮૬) – આ પુસ્તકો રેવાબેન તડવી અને શંકરભાઈ તડવીના સંયુક્ત સંપાદન-પુસ્તકો છે. જ્યારે ‘રાજલ પાતળી’ (૧૯૬૭), ‘મૂછો મેં માંળો’ (૧૯૮૭), ‘સાહેલી રે, આંબો મ્હોરિયો!’ (૧૯૮૮), ‘રાધા ગોરી ને કહાન કાળો’ (૧૯૯૫), ‘ઝમ્મ ઝાંઝરિયું રે’ (૧૯૯૯) અને ‘સાગની સોટી સીસમની ડોડી રે’ (૨૦૦૧) – આ રેવાબેન તડવીના સ્વતંત્ર પુસ્તકો છે.
રેવાબેન તડવીએ લોકસાહિત્ય સંશોધન-સંપાદનમાં જે કાર્ય કર્યું તેનો તેમના પુસ્તકો દ્વારા જ પરિચય મેળવીએ.
‘રાજલ પાતળી’ (૧૯૬૭)
આ પુસ્તકમાં સંખેડા તાલુકાના તડવીઓમાં પ્રચલિત નીંદણાના ગીતો છે. ખેતરમાં નીંદણ કરતી વખતે સ્ત્રીઓ ભાભીની મશ્કરીના, સંપત વિનાના બનેવીના, વહુના બલિદાનના, અણગમતા આણાના, બનેવીની છેતરપિંડીના, રાજલ પાતળીના, વહુની હત્યાના, માસીના હેતના અને દાદા-દીકરી વિશેના ગીતોનો સમાવેશ થયો છે.
‘તડવી લગ્નગીતો અને વિધિઓ’ (૧૯૮૧)
રેવાબેન તડવી અને શંકરભાઈ તડવીએ તડવી જાતિમાં થતાં લગ્નની વિધિ અને ગીતોનો આ સંગ્રહ કર્યો છે. દેવને વધામણું, ધોણ ભરવો, હનુમાનને તેલ ચડાવવું, વરને તેલ ચડાવવું, થાંભલી નાખવી, ગણેશ ચિતરવો, નોંતરી જવું, ઉકરડી નોંતરવી, સીમાડો પૂજવો, વરધ લેવા જવું, ગોરમટી લાવવી, મોસાળું : ગ્રહશાંતિ, વરધ ભરવી, ગોતરીજો ભરવો, વરકન્યા નવરાવવા, જાન ઉઘલવી, સામૈયું-ગરવાણું, કલવો, પોંખવું, હસ્તમેળાપ, કન્યાવિદાય, વરવધૂ પોંખવા વગેરે લગ્નસમયે થતી વિધિઓ અને તે દરમિયાન ગવાતાં ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘કેસૂડાં કામણગારા’ (૧૯૮૩)
જેમાં ૮૪ લોકગીતોનું સંપાદન કર્યું છે. આમાંથી મોટાભાગના ગીતો રેવાબેને સ્વકંઠેથી ઊતાર્યા છે. વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારવાળા ગામ - ભદ્રાલી, ગરડા, કોઠિયા, પોચંબા, સિમેલ વગેરે ગામોના તળપદા, તડવી, ભીલ અને રાઠવા જાતિના લોકો પાસેથી સંગ્રહિત કર્યા છે. જેમાં નવરાત્રિ ઉત્સવના, મેઘઉજવણીના, પંખીવિવાહના, માતા અને સાસુના, દિયર અને નણંદના, આણાના, સાસુના સિતમ વગેરેને લગતા ગીતોનો સમાવેશ થાય છે.
‘પરદેશી પરોણલો’ (૧૯૮૪)
સંખેડા, મેવાસ અને પાલ પ્રદેશના લોકગીતોનો સંગ્રહ છે. જેમાં વસંતનૃત્યગીતો, મેળાના પ્રણયગીતો, હોળીમાતાના ગીતો, બનેવી અને ભાભીની ઠેકડી ઉડાડતા ગીતો, સંસારના દુ:ખના ગીતો અને પરપુરુષ સાથે થતાં પ્રણયના ગીતોનો સમાવેશ થાય છે.
‘રાધા ગોરી ને કહાન કાળો’ (૧૯૯૫)
ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયું છે. જેમાં શ્રીકૃષ્ણજન્મના, રાધાકૃષ્ણના, મહીમાતાના લગ્નના, વિસલદેવ રાજાના મોરની ભાઈબંધીની, ગાંધીજી અને કસ્તુરબાના, ભાઈબહેનના હેતના અને દાદા-દીકરીના ગીતોનો સમાવેશ થાય છે.
‘સાહેલી રે, આંબો મ્હોરિયો!’ (૧૯૮૮)
આ પુસ્તકમાં વિવિધ પ્રદેશની વિવિધ જાતિના લોકગીતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં ઠાકરડા જાતિના ગીતો, જેતપુરપાવીના રાઠવાનાં લગ્નગીતો, નસવાડી તાલુકાના રાઠવાનાં લગ્નગીતો, પોરવાડનાં જાગરણનાં ગીતો, સંખેડા મેવાસના ભીલોના લગ્નગીતો, કન્યાવિદાયના અને જોબનવંતી વેવાણનાં ગીતોનો સમાવેશ થાય છે.
‘સાગની સોટી સીસમની ડોડી રે’ (૨૦૦૧)
વડોદરા જિલ્લાના તડવી અને ભીલ સમાજમાં શિશિર અને વસંતઋતુમાં થતાં રોળા, દાંડિયા અને આલોણિયાં નૃત્યગીતો આ પુસ્તકમાં સંપાદિત કર્યા છે.
લોકગીતોના સંશોધન અને સંપાદનની સાથે સાથે રેવાબેન તડવીએ લોકકથાના સંશોધન-સંપાદન ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ‘લોકસાહિત્યમાળા’ મણકામાં પણ અનેક લોકગીતો, લોકકથા, ઉખાણાં, કોયડા, કહેવતો આપ્યાં છે.
આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે રેવાબેન તડવીએ કરેલ પ્રદાન માટે તેમને ‘સંસ્કાર એવોર્ડ’ પ્રાપ્ત થયો છે તેમજ ૨૦૦૨ના વર્ષમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ તરફથી મોરારીબાપુના હસ્તે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. હાલ તેઓ આદિવાસી સાહિત્ય અકાદમી, રાજપીપળાના પ્રમુખ છે.
**********
તબીબી વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની જઈ એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી કોટા, રાજસ્થાનની મેટરનીટી હોસ્પિટલમાં સ્ત્રીરોગના નિષ્ણાત તરીકે સેવા આપનાર ડૉ.ઇન્દુબેન પટેલનું પણ ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેમનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૩૯ના રોજ મૂળ ગામ વલભીપુર પાસે આવેલ શાહપુરમાં થયો હતો.
ઈન્દુબેન પટેલે અખૂટ સમય, અવિરત શોધ તેમજ અથાક પરિશ્રમ દ્વારા ખૂણેખાંચરેથી ખોલીને લોકસાહિત્ય એકત્રિત કર્યું છે. એટલું જ નહિ, એકત્રિત કર્યા પછી એક કુશળ સંપાદક તરીકે એ બધું સંકલિત કરી વિવિધ પુસ્તકોમાં ગ્રંથસ્થ પણ કર્યું છે. આપણી પાસે માહિતી તો ઘણી હોય પણ જો તે યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો એ માહિતીનો કશો અર્થ સરતો નથી.
એમની પાસેથી ‘વરઘોડિયા’ (૨૦૦૫), ‘પ્રભાતિયાં અને ધોળ’ (૨૦૦૬), ‘વિવા-વાજન’(૨૦૧૦), ‘પર્યાવરણ પ્રીત – આપણું લોકગીત’ (૨૦૧૨), ‘સાંસ્કૃતિક વડલાની અડીખમ વડવાયું’ (૨૦૧૩), ‘પારિવારિક પ્રીત – આપણું લોકગીત’ (૨૦૧૪) વગેરે પુસ્તકો પ્રાપ્ત થયાં છે.
એમના આ પ્રદાનને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્રના (ભાલ) લોકગીતોનું શાસ્ત્રપદ્ધતિનું સંશોધન માટે કેળવણી મંડળ, રાજકોટ તરફથી સન્માન પ્રાપ્ત થયું છે. ‘સાંસ્કૃતિક વડલાની અડીખમ વડવાયું’ (૨૦૧૩) પુસ્તક માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનું પરિતોષિક પણ તેમને મળ્યું છે. આ ઉપરાંત પણ તેઓ ઘણાં પુરસ્કારોથી સન્માનિત થયાં છે.
તેમણે આપણા મહાનગ્રંથો ‘રામાયણ’ અને ‘મહાભારત’ને કેન્દ્રસ્થાને હોય એવા લોકગીતો પણ આપ્યાં છે. ‘વરઘોડિયા’ સંપાદન તેનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં આખી રામાયણ કથા જ રજૂ કરાઈ છે.
ઈન્દુબેને સંપાદિત કરેલા લગ્નગીતોમાં ગણેશસ્થાપના, કંકોત્રી લખવી, મંડપારોપણ, પીઠી, ઉકરડી, મામેરું, વરઘોડો, ગોતરડો, પોખાણાં, ચોરી મંગળ-ફેરા, કન્યાવિદાય, ફટાણાં વગેરે વિશેના ગીતો મળે છે. બળવંત જાની ઈન્દુબેનના ‘વિવા-વાજન’ પુસ્તકમાં જણાવે છે કે –
“કુલ ૪૩૭ જેટલી સંખ્યાનાં લગ્નગીતોનું ત્રીજું સંપાદન ‘વિવા-વાજન’ મને જ્યારે અવલોકવા માટે મોકલ્યું ત્યારે એમાં ખાસ્સો સમય ગયો. મેઘાણી સંપાદિત ‘ચૂંદડી’માં અને અન્ય સંપાદનોમાં ન હોય એવાં ઘણાં લગ્નગીતો અહીં સંગ્રહિત અંઘોળ અને સાયાંમાયાં જેવી કેટલીક લગ્નવિધિનો નિર્દેશ પણ અહીં પ્રથમ વખત દ્રષ્ટિગોચર થતો જણાય છે. એ રીતે ડૉ.ઈન્દુબહેન દ્વારા નવી સામગ્રી જ આપણને પ્રથમ વખત સુલભ થાય છે. એ કારણે લોકસાહિત્યના અભ્યાસીઓ અને સંસ્કારજગતનાં પ્રેમીઓ ડૉ.ઈન્દુબહેનના ઋણી રહેશે.” (પૃ.૫)
તેમના ‘પ્રભાતિયાં અને ધોળ’ પુસ્તકમાં પરંપરાગત પૌરાણિક કથાનક આધારિત ધોળગીતો, રામાયણ આધારિત ધોળ-ધવલકો’, કૃષ્ણજીવન સંદેશ આધારિત ગીતો તેમજ કથાપૂજા, તીર્થયાત્રા વગેરે સમયે ગવાતાં ગીતો રજૂ થયાં છે જેમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિભાવ રજૂ થતો જણાય છે.
ઈન્દુબેન પટેલે બાળપણમાં મા વિજુબા, મામી ઉજમબા અને માસી દિવાળીબેન પાસેથી સાંભળેલ ગીતો કંઠસ્થ કરેલ હતા આ સિવાય તેમણે ઘણી માહિતી ગામ, કુટુંબ, ઘર, લગ્નપ્રસંગ, સગાઈપ્રસંગ તેમજ ઘણીવાર પત્રવ્યવહાર દ્વારા એકઠી કરી હતી. આ રીતે એકત્રિત માહિતીને વ્યસ્થિતરૂપે તેમના સંપાદિત પુસ્તકોમાં મૂકી આપી છે.
તેમની પાસેથી પ્રાપ્ત થતાં લોકગીતોનાં સંપાદનોમાં હાલરડાં, લગ્નગીતો, ખાયણાં, રાંદલનાં ગીતો, તુલસીવિવાહનાં ગીતો, ઉત્સવ-મેળાનાં ગીતો, રાસ-રાસડા, ગરબા-ગરબી, મરસિયાં, પ્રભાતિયા, ફટાણાં, હાસ્યગીતો, બાળગીતો, દેશભક્તિને લગતાં ગીતો મળે છે. સગર્ભા કુમારિકાઓની વ્યથા, વિધવાઓની વેદના, સ્ત્રીભ્રૂણ હત્યા, અવિવાહિત સ્ત્રીઓની વ્યથા જેવા વિષયો કેન્દ્રમાં હોય એવાં લોકગીતો પણ મળે છે. સમાજ, કુટુંબ, તેનું ધાર્મિક જીવન, રીત-રિવાજ, માન્યતાઓ, વ્રત, તહેવારો, ઉત્સવ-મેળાઓ વગેરે તેમના સંપાદિત લોકગીતોમાં ગૂંથાઈને આવે છે. આ લોકગીતોમાં ખેડૂત, પશુપાલક, વનવાસી, દરિયાખેડુ તેમજ ગામને છેવાડે રહેતા લોકોનો સમાવેશ થયો છે. આ સિવાય તેમનું ‘પર્યાવરણ પ્રીત – આપણું લોકગીત’ સંપાદન બધા કરતાં અલગ પ્રકારનું છે. કારણકે તેમાં માત્ર મનુષ્યને લગતી વિવિધ પરિસ્થિતિઓ, પ્રસંગોને જ ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી, પણ પશુ, પક્ષી, વનસ્પતિ, જીવજંતુ વગેરે સર્વની વાત રજૂ થઈ છે. જે ખરેખર સરાહનીય કાર્ય છે. પર્યાવરણલક્ષી ગીતોમાં આવળ, બાવળ, બોરડી, આકડો વગેરે વગડાઉ વનસ્પતિ, વરિયાળી, લસણ, શેરડી જેવી ઉગાડાતી વનસ્પતિની જાતો, થોર, ખીજડો, લીમડો, પીપળો જેવા વૃક્ષોનું નિરૂપણ છે. વિવિધ જાતના ફળફળાદિ, કઠોળ, પુષ્પ વગેરેના શક્ય તેટલા વિભાગો પાડીને ગીતરૂપે નિરૂપિત કર્યા છે.
ઈન્દુબેન પટેલે જે પણ લોકગીતો સંપાદિત કર્યા તે કોની પાસેથી સાંભળ્યા કે કોની પાસેથી મેળવ્યાં એટલે કે તેમના માહિતીદાતાના નામ, ઠામ પણ દર્શાવ્યા છે. લોકગીતો જેવા સાંભળ્યા એવા જ મૂકી દીધાં છે. તેમાં શબ્દોમાં કોઈ ફેરફાર કર્યા નથી લોકગીતોના ગામઠી પ્રાદેશિક બોલીના શબ્દો ન સમજાય તો ત્યાં તે શબ્દોના અર્થ પણ આપ્યા છે. જેથી ભાવકને લોકગીતોના અર્થ અને ભાવ સમજવામાં મદદરૂપ થાય.
**********
રેવાબેન તડવી અને ઈન્દુબેન પટેલે પીએચ.ડી.ની ડિગ્રીના કોઈ હેતુ વગર માત્ર લોક અને લોકસાહિત્યના નિસબત સાથે જ લોકસાહિત્યક્ષેત્રે કામ કર્યું છે. જે લોકસાહિત્યક્ષેત્રે તેમનું અમૂલ્ય પ્રદાનરૂપ છે.