ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં પારસી સંશોધકોની સંશોધિત કૃતિઓ
ગુજરાતી સાહિત્યમાં સંશોધનની શરૂઆત મધ્યકાલીન જૈન મુનિઓથી થઈ ચૂકી હતી. પરંતુ ઓગણીસમી સદીમાં અંગ્રેજો દ્વારા આ સંશોધન પદ્ધતિને નવો આયામ મળ્યો. મધ્યકાલીન સંશોધનો ધર્મ અને ઈશ્વર કેન્દ્રિત હતા તે બદલાઈને સમાજ અને વ્યક્તિ ઉપર કેન્દ્રિત થયા. ઇતિહાસની એવી વાતો જે રાષ્ટ્રગૌરવ અને આત્મગૌરવ ધરાવતી હોય તે એકત્ર કરવાની આવશ્યકતા “Rule Britannia! Britannia Rule the Waves”ની માનસિકતા ધરાવતા અંગ્રેજ શાસક વર્ગને ભારતની અસ્મિતા તરફ અભિમુખ કરવા માટે ઊભી થઈ. તેમ છતાં તેની શરૂઆત તો અંગ્રેજો દ્વારા જ થઈ! આ ઉપરાંત છાપખાનાની ઉપલબ્ધિ, ગુજરાતી ભાષામાં સાક્ષરતાનું વધતું પ્રમાણ, વહીવટી નોકરશાહી પ્રથા, નવો અસ્તિત્વમાં આવેલ નોકરીયાત મધ્યમવર્ગ, ધર્મનિરપેક્ષ સમાજની વિકસતી સમજણ, મુંબઈનો મુક્ત વિચારસરણી ધરાવતો આર્થિક વિકાસ, આવાગમન માટેના સાધનોની સરળતા જેવા પરિબળોએ ગુજરાતી સાહિત્યમાં સંશોધન માટે સંશોધકોને જુસ્સો પૂરો પાડ્યો.
ઉપર નોંધ્યું તેમ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજ વિદ્વાનો જેવાં કે, જેમ્સ ફોર્બ્સ, એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ દ્વારા વહીવટી પ્રક્રિયાઓ અને અંગત શોખ પૂરો કરવા તો કેપ્ટન જર્વિસ, ફાધર વિલિયમ ફ્લાવર દ્વારા ધર્મપ્રચારાર્થે ગુજરાતી સાહિત્યનું સંશોધનકાર્ય આરંભાયું. આ સંશોધનો મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં પ્રગટ થયાં. આ જ અરસામાં ફરદનજી મર્ઝબાન દ્વારા કેટલાક સંસ્કૃત લખાણોનું અનુવાદ કાર્ય અને થોડું સંપાદન કાર્ય પણ હાથ ધરાયું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જોઈએ તો કવિ દલપતરામે ઇ.સ. ૧૮૫૦થી સતત ૨૫ વર્ષ સુધી ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન કર્યું જેમાં વિપુલ સંખ્યામાં હસ્તપ્રતોની નકલો પ્રકાશિત કરવામાં આવી. ઉપરાંત ‘ગરબાવળી’, ‘માંગલિક ગીતાવલી’ વગેરે મુખ્ય ગણી શકાય. કવિ નર્મદ દ્વારા ઇ.સ. ૧૮૭૦માં ‘નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીત’, ઇ.સ. ૧૮૭૩માં ‘નર્મકોશ’નું સંપાદન હાથ ધરાયું, ઇ.સ. ૧૮૭૯માં મહિપતરામ નીલકંઠ દ્વારા ‘ભવાઇ સંગ્રહ’, ઇ.સ. ૧૮૮૨માં ‘ભડલી વાક્ય’ વગેરે કેટલાક સંપાદન કાર્યો થયા. આ ઉપરાંત કચ્છી સંપાદક જીવરામ અજરામર ગોર, કર્નલ જે. ડબલ્યુ. વોટસન(કાઠીયાવાડ સર્વસંગ્રહ) પણ નોંધપાત્ર છે.
ઓગણીસમી સદી દરમિયાન શિક્ષણ પ્રાપ્ત કરવાની બાબતે બ્રાહ્મણો, વણિકો ઉપરાંત પારસીઓ પણ અગ્રેસર રહ્યાં. ખાસ કરીને મુંબઈ ઇલાકાના આર્થિક રીતે સક્ષમ પારસીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પત્રકારત્વ, સંશોધન અને સાહસવૃત્તિ કેળવવા દરમિયાન જીવન નિર્વાહ કરવામાં કોઈ આર્થિક બાધ રહેતો ન હતો. પારસીઓમાં આ કારણે સાહસવૃત્તિ અને સંશોધકવૃત્તિ ખીલી. કન્યા કેળવણીમાં તેઓ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર હતા. આ બધા પરિબળો ગુજરાતી સાહિત્ય માટે પણ લાભદાયી નીવડ્યા. ઓગણીસમી સદીમાં અનેક પારસી લેખકો સાહિત્યની અનેક બાબતોમાં ‘પાયોનિયર’ હતા. ઇ.સ.૧૮૫૦ થી ૧૯૦૦ દરમિયાન આગળ ઉલ્લેખ કર્યો તે સંશોધકોની સમાંતરમાં નીચેના પારસી સંશોધકોએ પણ પોતાનો ફાળો તેમની કૃતિઓ દ્વારા આપ્યો:
ચેરજી કાવસજી શાપુરજી લંગડા ‘મનસુખ’
મંચેરજી કાવસજી શાપુરજી લંગડાએ ફારસી પીંગળશાસ્ત્રનો અભ્યાસ કરી ઇ.સ.૧૮૬૦માં કવિતાની બાંધણી, પ્રકારો વગેરે પર સંશોધન નિબંધ લખ્યો હતો. ફારસી ગઝલ પ્રકારને ગુજરાતીમાં સૌપ્રથમ લાવનાર તરીકેનું માન કવિ મનસુખને પ્રાપ્ત થયું છે. તેમની ઇ.સ. ૧૮૫૫માં પ્રસિદ્ધ થયેલ કૃતિ ‘ગંઝનામેહ’માં કવિતા ઉપરાંત અન્ય વિષયોનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તક ચૌદ ભાગમાં પ્રકાશિત થયું હતું.
શોરાબજી હોરમજજી ચીકન
શોરાબજી હોરમજજી ચીકન પારસી પ્રસંગોમાં સ્વરચિત ગરબીઓ ગાનાર પારસી ગૃહસ્થ હતા. તેઓ પોતાની ઓળખ ચીકન છાપનાર અથવા પૂટલાં(પૂતળા) દેખાડનાર તરીકે આપે છે. તેઓએ લોકગીતના ચાર સંગ્રહો પ્રસિદ્ધ કર્યા હોવાનું ધ્યાનમાં છે. ‘રમૂજી ગરબાઓની ચોપડી’(૧૮૫૮), ‘રમૂજી ગરબાઓની નવી બીજી ચોપડી’(૧૮૬૨),’હિંદુઓના રાસ ગાવાની ચોપડી’(૧૮૯૪), ‘પારસી સ્ત્રી ગરબા અને લગ્નસરામાં બેઠાં બેઠાં ગાવાના સહર્વે ગીતોનો સંગ્રહ’ પ્રગટ કર્યા હતા. આ બધા સંગ્રહોમાં લોકપ્રિય ગીતો, સ્વરચિત ગીતો અને લગ્નગીતોનો ભેદ કરવો અઘરો છે. વળી, તેમાં વિરામસ્થાન અને ઢાળનો કોઈ નિર્દેશ કરેલો નથી પરંતુ ૧૯મી સદીના છઠ્ઠા દસકમાં તેમણે આવા સંગ્રહ બહાર પાડી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરેલ છે.
ફરામજી બમનજી માસ્ટર
પારસી સંશોધકોમાં ફરામજી બમનજી માસ્ટરનું લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. ગુજરાતી લોકસાહિત્યના સંશોધકોમાં ઝવેરચંદ મેઘાણી જેટલું જ મહત્વનું સ્થાન આ પારસી સંશોધકનું છે.
તેમનું પહેલું પુસ્તક ‘ રજવાડાની કથા’ ઈ.સ. ૧૮૭૨માં પ્રગટ થયું. તેમાં બાર કથાઓ હતી. કનુભાઈ જાની નોંધે છે કે: ‘એ બારેબાર કથાઓ પારસી ગુજરાતીની છાંટવાળી એક જ શૈલીમાં લખાયેલી હતી.’ તેમણે ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ના ત્રણ ભાગ આપ્યા. તેમણે પત્રકાર તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૮૪૧થી ઈ.સ. ૧૯૦૯ દરમિયાન લોકસાહિત્યના અનેક પુસ્તકો પ્રગટ કર્યા હતા. ઈ.સ. ૧૮૭૨માં ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ ભાગ-૧ લોકવાર્તા સંગ્રહ પ્રકાશિત થયો. તેનું અંગ્રેજી નામ ‘The Folklore of Gujaraat’ આપવામાં આવ્યું. આ પુસ્તકમાં આઠ દંતકથાઓ અને ચાર બાળવાર્તાઓ એમ કુલ મળીને બાર લોકકથાઓ છે. પ્રસ્તાવનામાં ફરામજી માસ્ટરે લખ્યું છે કે ‘એક અદના સંપાદક તરીકેની મારી હેસિયતને હંમેશા યાદ રાખી, મેં મારી જાતને પશ્વાદ્દભૂમાં જ રાખી છે. વાર્તાની ચિત્રાત્મકતા અને અસલિયતને હાનિ કરે એવું કદી મેં કર્યું નથી.’ ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ ભાગ ૨ ઈ.સ. ૧૮૭૪માં પ્રાકાશિત થયો. અહીં પણ બાર લોકકથાઓનું સંપાદન કરેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે કે ‘લોકવિદ્યા એ કાંઈ એકાંત ઓરડામાં બેસી, આરામથી લખતા, પોતાના દિમાગમાંથી ઉપજાવી શકાય એવો વિષય નથી. તેને એકત્ર કરવા માટે સમગ્ર ગુજરાત અને કાઠિયાવાડનો પ્રવાસ કરવો પડ્યો હતો. તે પ્રવાસ પણ સેંકડો માઈલોનો અને રેલ્વેમાર્ગથી દૂરનો હતો. એ અંગે થયેલ ખર્ચ અને શારીરિક શક્તિના વ્યયની તો વાત જ શી કરવી.’
ફરામજી બમનજી માસ્ટરને લોકસાહિત્યના સંશોધન-સંપાદનમાં જે જે મુશ્કેલીઓ પડી તેની વાત તેમણે ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ ભાગ ૩(૧૮૭૪)ની પ્રસ્તાવનામાં કરેલી છે. આ ત્રીજા ભાગમાં અગિયાર લોકકથાઓ છે. તેમાં પ્રસંગોપાત પારસીઓની નિરૂપાયેલી બોલી જોવા મળે છે.
‘પારસી સાહિત્યનો ઈતિહાસ’માં પીલાં ભિખાજી મકાટી લખે છે કે, ‘રાયચુરા અને મેઘાણીના વાચકો જો શ્રી પટેલ(ફ.બ.)ની લોકકથાઓ વાંચે તો તાજ્જુબ થયા વગર રહે નહિ, કારણ કે એ કથાઓ લખાયેલી છે શુદ્ધ અને સંસ્કારી ગુજરાતીમાં, પરંતુ પારસી હસ્તે. જેમ ફીરદુશીએ ‘શાહનામા’ દ્વારા ઈરાનની સંસ્કૃતિ અને સુધર્મને સજીવ કર્યા, હોમરે ‘ઈલિયડ’ અને ઓડિસી’ દ્વારા ગ્રીસની કીર્તિસુવાસ ફેલાવી, તેમ શ્રી પટેલે પોતાની કૃતિઓ દ્વારા કાઠિયાવાડની રજપૂત યુગની સંસ્કૃતિ સજીવ કરી અને તેની યશગાથાઓ ગાઈ.’
ફરામજી બમનજી માસ્ટરના ચાર પુસ્તકો ‘રજવાડાની કથા’ અને ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ના ત્રણ ભાગમાંથી આપણને કુલ સુડતાળીસ લોકવાર્તાઓ મળે છે. તેમણે લોકકથા અને દંતકથાઓનું સંપાદન મોટેભાગે શાસ્ત્રીય પદ્ધતિથી કર્યું છે. તેઓ કેટલીક કથાઓને ‘કચ્છી વાતો’, પ્રેમકથાઓ’, ‘પ્રકીર્ણ’ નામે ગ્રંથસ્થ કરવા ઈચ્છતાં હતાં પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. તેમના લખાણમાં પારસી છાંટવાળી પરંતુ પ્રમાણમાં શુદ્ધ ગુજરાતીનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તેમણે દુહા અને સોરઠાનો ઉલ્લેખ તેમના સાહિત્યમાં કરેલો જોવા મળે છે. તેમણે અંગ્રેજી પ્રસ્તાવનામાં જ વિવેચન કર્યું છે. આમ, ફરામજી બમનજી માસ્ટરે તેમની સંપાદિત લોકકથાઓમાં ક્યાંય પોતાનું પાંડિત્ય ઉમેર્યું નથી. તેઓ ગુજરાતી લોકકથાના શાસ્ત્રીય સંપાદન કરનારા પહેલા ઉપાસક હતા.
રૂસ્તમ ખુરશેદ ઈરાની
રૂસ્તમ ખુરશેદ ઈરાની લોકવાર્તાઓના સંપાદક અને પ્રકાશક તરીકે પારસી વિદ્વાનોમાં પ્રથમ હતા. પીલાં ભિખાજી મકાટી તેમને ‘પારસી સાહિત્યના મેઘાણી’ તરીકે ઓળખાવે છે. તેમણે સૌ પ્રથમ અંગ્રેજી શબ્દ ‘Folklore’ માટે ‘લોકકથા’ શબ્દ પ્રયોજ્યો. તેમણે જે લોકકથાઓ આપી તે ગુજરાત અને રજપૂતાના(રાજસ્થાન)ના પરિભ્રમણ દરમિયાન બ્રાહ્મણ, ભાટ, રાજપૂત વગેરે કથકો પાસેથી માહિતી મેળવી હતી.
તેમનું પ્રથમ પુસ્તક ‘રજપૂત વીરરસકથા’ ઇ.સ.૧૮૭૯માં પ્રગટ થયું જે મોટેભાગે રાજસ્થાનની કથાઓનો સમાવેશ કરે છે. ત્યાર બાદ છ વર્ષના અંતરાલ બાદ ઈ.સ. ૧૮૮૫માં એકસાથે ‘જનરમૂજ વાર્તાસંગ્રહ ભાગ ૧ અને ૨’, ‘વિલક્ષણ કથા’, ‘અકબર કથા’ અને ‘લોકકથા’ આ પાંચ સંપાદનો પ્રકાશિત કર્યાં. આ ઉપરાંત અંગ્રેજી, અરબી અને ફારસી ભાષાની પ્રચલિત વાર્તાઓ, ભારતીય ઈતિહાસની દંતકથાઓ તેમજ અરેબિયન નાઈટ્સની વાર્તાઓ આપી છે. ઈ.સ. ૧૮૭૯થી ઈ.સ. ૧૮૯૪ સુધીમાં તેઓએ કુલ ૫૫ પુસ્તકો પ્રકાશિત કર્યાં. આમ, રૂસ્તમ ખુરશેદ ઈરાનીએ આ સમયગાળા દરમિયાન લોકકથાના સંશોધન-સંપાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું હતું.
પૂતળીબાઇ જહાંગીર કાબરાજી
પારસી મહિલા સંશોધકોમાં પૂતળીબાઈનું કાર્ય નોંધપાત્ર છે. તેમણે સત્તર વર્ષની ઉંમરે ‘સ્ત્રીબોધ’ નામના સામયિકમાં તેમના લેખન કાર્યનો આરંભ કર્યો હતો. પૂતળીબાઈએ લોકગીત અને લોકકથા એમ બંને ક્ષેત્રે કામ કરેલું જોવા મળે છે. તેમના લોકસાહિત્ય વિષયક સંશોધનમુલક અભ્યાસલેખો ઇ.સ.૧૮૮૫ થી ૧૮૯૩ સુધી ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકના ચૌદથી પચ્ચીસ અંકમાં ‘Folklore in Western India’ શીર્ષક હેઠળ આપ્યાં. પરંતુ આ લોકકથાઓ ક્યાંથી અને કેવી રીતે મેળવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ તેમણે ક્યાંય કર્યો નથી. આ જ સામયિકમાં ઇ.સ.૧૮૮૯ના ઓગષ્ટ માસના અંકમાં ‘ગુજરીનો ગરબો’નું સંપાદન મળે છે. ઇ.સ. ૧૮૯૦ના નવેમ્બર માસથી ઇ.સ. ૧૮૯૩ના એપ્રિલ માસ સુધીમાં ૧૧ પારસી અને હિન્દુ લગ્ન ગીતો આપ્યાં. ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’ અંગ્રેજી ભાષાનું સામયિક હોવાથી આ ગીતો મૂળ ગુજરાતી ભાષામાં અને તેનો અનુવાદ કરીને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કર્યા છે. તેમની સંપાદિત ૨૦ કથાઓમાં ‘ચિત્રકારની યુક્તિ’, ‘અદ્દભુત વૃક્ષ’, ‘રાણીનો વેચનાર રાજા’, ‘તરતો મહેલ’, ‘બે ઠગ અને રાવળિયો’ વગેરે કથાઓનો સમાવેશ થાય છે. પારસી મહિલા સંશોધકોમાં પ્રારંભના સંશોધક તરીકે પૂતળીબાઈનું કાર્ય ખૂબ મહત્વનું ગણી શકાય.
આમ, ગુજરાતી ભાષામાં પોતાના ‘અશુદ્ધ ગુજરાતી’ માટે ઉપહાસ પામી સાહિત્યના મુખ્ય પ્રવાહથી વેગળા ગણવામાં આવતા આ પારસી સંશોધકોએ તત્કાલીન પરિસ્થિતિ મુજબ માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે યથાશક્તિ યોગદાન આપવામાં કસર રાખી હોય તેવું જણાતું નથી. તેઓની મોટા ભાગની કૃતિઓ પારસી છાંટ ધરાવે છે તે હકીકત સ્વીકારવી રહી. પરંતુ પોતાની સાંસ્કૃતિક મર્યાદાઓને ઓળંગી તેઓએ રાજસ્થાન અને કાઠીયાવાડનું ભ્રમણ કરી ત્યાંની વીરરસ ધરાવતી કથાઓ, હિન્દુ ગરબાઓ અને બાળવાર્તાઓ એકઠી કરવામાં સારો એવો પરિશ્રમ કરેલો જણાય છે. તેમના નબળા ભાષા-કૌશલ્ય છતાં ઉમદા પ્રયાસો કરનાર પારસીઓ તેમની કૃતિઓને કારણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે અવિસ્મરણીય છે.
સંદર્ભ સૂચિ :::
- પારસી સાહિત્યનો ઈતિહાસ,પીલાં ભિખાજી મકાટી.
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૩, ઉમાશંકર જોશી તથા અન્ય(સંપા.).
- અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ, મધુસૂદન પારેખ.
- અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા:૩, ધીરૂભાઈ ઠાકર.
- ‘પરબ’ અંક: ૭, વર્ષ ૩૯, ભોળાભાઈ પટેલ, પ્રસ્તાવના: વિસરાતા ગ્રંથો અને ગ્રંથકારો.
- ‘લોક ગુર્જરી’ અંક: ૧૮, સંપાદક ડૉ. બળવંત જાની, લેખ: ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે પારસીઓનું પ્રદાન, લેખક: પરમ પાઠક.
- ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા ભાગ ૧ અને ૨, ફરામજી માસ્ટર.