Download this page in

લઘુકથા
સુખી

‘બેન’ એટલે કે મારા શેઠાણી. મને ઘણીવાર ઇર્ષ્યા આવતી એમની. કેટકેટલું દીધું છે ભગવાને. આમ તો ભગવાનની મે’રબાનીથી સાયેબે ઘરનું અવડું મો...ટુ ઘર, ફળિયું, હિંચકો, ટી.વી., ફ્રિજ કેટલી બધી સાડીઓ, ને કેટલા બધાં ઘરેણાં. ક્યોને કોઇ વાતની ખોટ જ નંઇ. ને મારે...?
બેનને હું કે’તી, “ બેન, તમે કેટલા સુખી છો નંઇ ? ભગવાને રૂડું – રૂપાળું બધુંય દીધું છે; ને સાયેબેય કેવા મે’નતું. જંઇ જોવો તંઇ કામમાં ને કામમાં.” મારા બેનને ઓછું બોલવાના હેવા એટલે ઇ ખાલી ‘હા’ પાડી દે.
હમણાંથી મારા બેન માંદા છે. મહિનાથી પથારીમાં જ. મોંઢાનું નૂર જ ઊડી ગયું. શરીરમાં કાંય ચેતન ન મળે. પાણી – બાણી પીવા માંડ ઊભા થાય. પણ સાયબનુંય કે’વું પડે હો. ઘર આખું ઇ રૂમમાં જ ઊભું કરી દીધું. પથારીની પાંહે જ ટેબલ ઉપર પાણી ને ખાવાનું મૂકી રાખે. પથારીની હામે જ ટી.વી., પડખામાં ચોપડીયુંનોય ઢગલો. બેનને પડ્યા પડ્યા કોઇ વાતે અગવડતા જ નંઇ ને !
હું આ બધું જોયા કરું. એક દિ’ પોતા કરતાં – કરતાં નો’તું કે’વું તોય મારાથી બેનને કે’વાઇ ગ્યું,
“ બેન, તમે આટલા માંદા, આખો દિ’ રૂમમાં એકલાં પડ્યે – પડ્યે શે ગમે ? સાયેબને રજા નો મળે ? મને તો જરીક તાવ – તરિયો આવે કે મારો દેવલો હાર્યે ને હાર્યે. ને કાંઇ સેવા કરે...”
બોલતાં બોલતાં બેનના મોઢા હામું મેં જોયું ને હું બોલતી બંધ. બેનની આંખ્યું ભરેલી ને તોય ખાલી ખમ્મ. બેનની જેમ મેંય આખા ઘરમાં આંખ ફેરવી તો ઘરમાં ધોળી ફક્ક દિવાલો જ બીજું કાંય દેખાય જ નંઇ.
મને થોડું કમાતાં મારા દેવલા ઉપર આજે ભારે હેત ઊભરાણું.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, ટાવર પાસે, સુરેંદ્રનગર. મોબાઇલ: 99 1313 5028 ઇમેઇલ: nasim2304@gmail.com