નર્મદનો વ્યાકરણ વિચાર: વર્ણવિવેક સંદર્ભે
૧૯મી સદીનો પૂર્વાર્ધ એટલે અંગ્રેજો સ્થિર થયા તે સમય. બરોબર તે જ સમયે એટલે કે ઈ.સ.૧૮૩૩માં નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ સુરતમાં થયો. તેઓ ખરેખર અર્વાચીનોમાં આદ્ય સર્જક તરીકે યોગ્ય ઠરે છે. કારણકે તેમનું સર્જન વિપુલ માત્રામાં છે. જેમકે, તેમને નર્મકવિતા(કાવ્ય), મારી હકીકત(આત્મવૃત્તાંત), કૃષ્ણાકુમારી, રામજાનકી દર્શન, દ્રોપદીદર્શન, સીતાહરણ વગેરે જેવા નાટકો, ધર્મવિચાર(લેખસંગ્રહ), રાજ્યરંગ (ઇતિહાસગ્રંથ), નર્મકોશ(કોશ), મંડળી મળવાથી થતા લાભ, સ્વદેશાભિમાન, રોવા-કૂટવાની ઘેલાઈ, આપની દેશી-જનતા, સ્ત્રી-કેળવણી વગેરે જેવા નિબંધો, કવિ ચરિત્ર(મધ્યકાળના કવિઓના ચરિત્રો), ડાંડિયો(સામયિક), મેવાડની હકીકત, દયારામ કાવ્યસંગ્રહ, દશમસ્કંધ-નળાખ્યાન વગેરે જેવા સંપાદનગ્રંથો ઉપરાંત તેઓ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા, પ્રથમ નિબંધ, પ્રથમ કોષ, પ્રથમ ઇતિહાસ, વિવેચન, સંશોધન, સંપાદન કરનારો પ્રહરી પણ ગણાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમને અનેક નામોના બિરુદ મળેલા છે.જેમકે, ગુજરાતી ગદ્યના પિતા, અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા, સમય મૂર્તિ, સુધારાનો સેનાની, અર્વાચીનોમાં આદ્ય, નવા યુગના નાંદી તેમજ પ્રાણ મન તો પૂર્વજ પણ કહ્યો છે. આમ, ગુજરાતી સાહિત્યમાં ઉત્સાહભેર તેમનું નામ બોલાય છે.નર્મદાશંકર દવેએ આપેલું નર્મ વ્યાકરણ પુસ્તક પહેલા પણ ઘણા વ્યાકરણ વિશેના પુસ્તકો આવી ચૂક્યા હતા. તેમાં વ્યાકરણકારો ડ્રમંડ, ઈ. લેકી, રૂસ્તમજી સોરાબજી, વિલિયમ ક્લાર્કસ, ટી.સી.હોપ અને રૂસ્તમજી રતનજી ભરૂચા વગેરેએ રચેલા વ્યાકરણગ્રંથો વ્યાકરણના ઇતિહાસની ભૂમિકા પૂરી પાડે છે.
‘વ્યાકરણ એટલે ભાષાના નિયમ સમજવાનું સાધન.’ સંસ્કૃતમાં ‘વિ’ તથા ‘આઙ’ એ બે ઉપસર્ગો વિશેષપણું અને મર્યાદા બતાવે છે; ‘કૃ’ ધાતુનો અર્થ કરવું છે. - ‘કૃ’ને લ્યુટ પ્રત્યય લગાડેથી અને ઉપલા ઉપસર્ગો જોડેથી વ્યાકરણ શબ્દ સિદ્ધ થાય છે. શબ્દાદિકોના વિશેષે કરીને મર્યાદાપૂર્વક પ્રયોગો સિદ્ધ કરવાનું જે શાસ્ત્ર તે વ્યાકરણ. વ્યાકરણમાં વર્ણ, અક્ષર, શબ્દ, વાક્ય વગેરે દ્વારા રચાયેલું છે. જે ભાષા દ્વારા સિદ્ધ થયેલું છે. ભાષા બોલાય છે, લખાય છે તો, કોઈ સાંભળે છે. નર્મદે આપેલું પોતાનું વ્યાકરણ પુસ્તક ‘નર્મવ્યાકરણ’ બે ભાગમાં વિભાજીત છે, તેમાં પહેલો અને બીજો ભાગ મુંબઈ યુનિયન પ્રેસ, મુંબઈ દ્વારા માર્ચ, ઈ.સ.૧૮૬૫માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત થયો હતો. ગુજરાતી ભાષાનું વ્યાકરણ ભાગ પહેલો: વર્ણવિવેક છે. તેમાં પાંચ પ્રકરણમાં વિભાજીત છે. તેમાં વર્ણ, સ્વર, વ્યંજન, વર્ણસ્થાન, વર્ણ સંયુક્તિ, વર્ણસંધિ, વ્યંજનસંધિ, વિસર્ગસંધિ, વર્ણાનુંપૂર્વી તેમજ વર્ણવિકાર. આમ, દરેક બાબતનો નર્મવ્યાકરણ ભાગ-૧માં સમાવેશ કરેલો છે. ‘નર્મવ્યાકરણ’ ગુજરાતીનું પ્રથમ વ્યાકરણ તો નથી. પણ એ પહેલા ડ્રમન્ડથી માંડીને અન્ય અનેક દેશી-પરદેશી વિદ્વાનોને હાથે ગુજરાતી વ્યાકરણલેખનનું કાર્ય થયું હતું. ખાસ તો એ નોંધવું જોઇએ કે, આપણા આરંભના વ્યાકરણો પ્રવાસીઓએ અને પારસીઓએ તૈયાર કર્યા છે. નર્મ વ્યાકરણનું મહત્વને તેની વિશેષતા પુરોગામીઓની રચનાઓમાં નર્મદે કરેલા સુધારા અને સમાર્જનમાં છે.
વર્ણન સબંધી નો જે વિવેક તે વર્ણવિવેક. નર્મદે એવું જણાવ્યું છે કે, વર્ણ કેટલા છે? તે કેમ લખાય છે? તેમના કિયા કિયા ઠેકાણાથી બોલાય છે? તે એકબીજાની સાથે જોડાઈ છે તે વાત. આ ગ્રંથમાં કરી છે. સૌપ્રથમ તો તેમને ગુજરાતી ભાષામાં જે વર્ણો છે ૪૫ તેમણે ઉલ્લેખ કરેલો છે જેમાં ૧૧ સ્વર અને ૩૪ જેટલી સંજ્ઞા છે. જે સ્વર પોતાની મેળે સ્પષ્ટ બોલાય છે એટલે કે બીજા કોઈની સહાયતા વિના તે બોલાય છે જ્યારે વ્યંજન સ્વરની સહાયતા વિના સ્પષ્ટ બોલી શકાતા નથી અને જો વ્યંજનને સ્પષ્ટ બોલવા માટે તેમાં ઉભી રાખવામાં આવે છે. જે વ્યંજન નીચે નીચે કાપો મૂકવામાં આવે તે સ્વરને જોડવાથી નીચે તાણેલા કાપા વગરના લખાય છે. એ લખેલા વર્ણોને વર્ણમાળા પણ કહે છે વર્ણ ને લખવાની ક્રિયા તે લિપિ. જેમ કે, સ્વરો: અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ. વ્યંજન: ક, ખ, ગ, ઘ, ચ, છ, જ…વગેરે (અનુનાસિક સહિત)
મૂળ સંસ્કૃતમાંથી પણ લીધા છે તેમાં ઋ, લૃ ને સામેલ કર્યા નથી. તેમને કેટલાક ગુજરાતી પુસ્તકો સંસ્કૃત દેવનાગરી બાળ બોધ શાસ્ત્રી લિપિમાં લખાયા છે, લખાય છે, ને લખાશે માટે અને સંસ્કૃતમાંથી નીકળેલી બીજી પ્રાકૃત ભાષાના પુસ્તકો પણ બાળબોધ લિપિમાં લખાંતા આવ્યા છે માટે એ બાળબોધ લિપિ પણ અહીં લખી છે.જેમ કે, સ્વર : अ आ ई ऊ ऋ लू ए ऐ ओ औ... વ્યંજન: क, ख,ग, घ (अनुनासिक सहित)
જે વર્ણોનો ઉચ્ચાર સ્પષ્ટ થઈ શકે છે તેને અક્ષર કહેવાય. સ્વરો છે એ બધા અક્ષર છે પરંતુ વ્યંજન જાતે અક્ષર નહીં પણ સ્વર સાથે ભળીને અક્ષર થાય છે. એટલે કે અક્ષર તે વર્ણ પણ વર્ણ કે અક્ષર હોય અથવા ન હોય તો પણ વ્યવહારમાં અને મૂળાક્ષરો એક જ અર્થમાં ક્યારેક વપરાય તો તેને ભૂલ ના કહેવાય.
સ્વર: સ્વર અને વ્યંજનમાં વર્ણવ્યા છે તેમાં પણ સ્વરમાં પાછા બે ભેદ છે. હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હસ્વસ્વરો અ, આ, ઇ, ઉ અને ઋ ટૂંકા અવાજના અને ફટાફટ બોલાતા સ્વરો છે. પાછલા ત્રણ સ્વર વ્યંજન સાથે ભેરાઈ છે ત્યારે આવી નિશાની થાય છે જેમ કે, કિ, કુ અને કૃ તેમાંથી નીચેનો કાપો કાઢી નાખવામાં આવે ‘અ’ છે એમ જાણો. તેમજ હસ્વસ્વરને બમણા લંબાવવાથી દીર્ઘસ્વર મળે છે. તેની નિશાની કા, કી, કૂ, કે, કો, કૌ વગેરે વ્યંજનોનું ચોપડવાથી આવી નિશાનીઓ પ્રાપ્ત થાય છે. ૧. દીર્ઘસ્વરમાં અમુક શબ્દો એવા હોય છે કે ગામડાના લોકો તેનો ઉચ્ચાર પહોળો અને જાડો કરે છે તે ખોટો કરે છે એમ જાણવું. જેમ કે, કેડ, ખેર(ઝાડ) એવા શબ્દોમાં ‘એ’નો ઉચ્ચાર આને મોર (આંબાનો) અને કોઠ (ફળ)એવા શબ્દોમાં ‘ઓ’ નો ઉચ્ચાર. ૨. કેટલાક ફારસી શબ્દોમાં એનો ઉચ્ચાર લાંબો ચપટો થાય છે.જેમ કે, બેત, બેઈમાન, બેવફાઈ માં વિવૃત ‘ઍ’નો ઉચ્ચાર દેખાય છે અને ઓરતમાં વિવૃત ‘ઑ’નો ઉચ્ચાર દેખાય છે. હસ્વ સ્વર બોલતા જે કાળ જાય તેને એક માત્રા થઈ કહે છે. દીર્ઘની બે માત્રા ગણાય છે. અને જ્યારે ગીત ગાતા હોય બાળક રડતું હોય કે કોઈ મોટું માણસ રડતું હોય કોઈકને લાંબા અવાજથી બોલાવતા હોય ત્યારે તે ત્રણ અથવા વધારે માત્રાનો અથવા પ્લુત કહેવાય છે. તેમજ વ્યવહારમાં વપરાતા હસ્વ અને દીર્ઘ સ્વરોની નિશાનીઓ કેવી હોય છે તેની સમજૂતી આપે છે કાનો માત્ર, હસ્વ ‘ઈ’, દીર્ઘ ‘ઈ’, હસ્વ ‘ઉ’, દીર્ઘ ‘ઊ’, માત્રા અથવા તો એક માત્રા, બે માત્રા વગેરે જેવી નિશાનીઓ ની સમજૂતી આપી છે. ૩.નાકમાંથી જે ઉચ્ચાર થાય છે તેને અનુસ્વાર કહે છે. તેની નિશાની અક્ષરને માટે જમણી તરફ એવું એક બિંદુ મૂક્યું હોય છે. જેમ કે, અં, ઇં, ઉં, ઋં, આં, ઈં, ઊં... વગેરે. અનુસ્વારવાળા અક્ષરોને અનુનાસિક અથવા એવી સંજ્ઞા છે. કેટલીક ઠેકાણે અનુસ્વાર પોતાની પછી આવતા જે વર્ણ તે વર્ણના સવર્ગી વ્યંજન જે ઙ, ઞ, ણ, ન, મ્ વગેરે સરખા ઉચ્ચારના થાય છે. જેમ કે, અંક, રંગ (‘ક’ વર્ગનો અનુનાસિક લાગે) ગંજ, કિંચિત(‘ગ’ વર્ગનો અનુનાસિક લાગે), કંઠ, પિંડ(‘ટ’ વર્ગનો અનુનાસિક લાગે) લંબ, રંભા( ‘પ’ વર્ગનો અનુનાસિક લાગે) વગેરે શબ્દોને પોતાનો એક અનુનાસિક લાગતો હોય છે અને નર્મદ પણ કહે છે કે, અનુસ્વારો બિંદુરુપે લખવાની ચાલ છે તે કાઢી નાખવી જોઈએ.
અનુસ્વારની પછી આવતા ‘ય’ અને ‘લ’ને અનુસ્વાર પોતાનું અને પોતાના ઉચ્ચાર રાખીને ‘ય’ અને ‘લ’ને બેવડા કરે છે. જેમ કે, સંયોગ-સય્યોગ, સંલગ્ન-સંલ્લગ્ન, ચાંલો-ચાંલ્લો, હાંલું-હાંલ્લું. આવા અનુસ્વાર બંનેમાંથી કોઈપણ રીતે લખી શકાય. તેમજ અનુસ્વારની પછી ર, વ, શ, ષ અથવા હ એ હોય તો નાકના ઉચ્ચારણની સાથે કંઈક દાંત-હોઠથી ઉચ્ચારણ કરવું જોઈએ એને તો બિંદુ રૂપે જ લખવા. જેમ કે સંરક્ષણ, સંવત, સંશય, સંસાર, સિંહ વગેરે શબ્દો દ્વારા તે અનુરૂપ રહે છે. કેટલેક ઠેકાણે ‘મ’ જેવુ બોલાતું અનુસ્વાર ‘અર્ધચંદ્રાકારની નિશાની’ રૂપે લખાઈ છે જેમ કે, ઓમ અથવા ૐ. વ્યંજન: વ્યંજન 34 છે ને અ સ્વર મળેથી સ્પષ્ટ બોલાય છે. નર્મદે વર્ગો પાડી અને તેના નામ આપ્યા છે. ક, ખ, ગ, ઘ, ઙ (ક વર્ગ); ચ, છ, જ, ઝ, ઞ (ચ વર્ગ); ટ, ઠ, ડ, ઢ, ણ (ટ વર્ગ); ત, થ, દ, ધ, ન (ત વર્ગ); પ, ફ, બ, ભ, મ (પ વર્ગ); ય, ર, લ, વ (અંતસ્થ- અર્ધસ્વર); શ, ષ, સ, હ (ઉષ્માણ) આ પ્રકારે વર્ગો પાડેલા છે. પ્રત્યેક વર્ગમાં પહેલા અને ત્રીજા અક્ષરનો ઉચ્ચાર સહજ આયાસે એટલે કે ઓછી મહેનતે થાય છે તેને અલ્પપ્રાણ એવી સંજ્ઞા છે તેમજ પ્રત્યેક વર્ગના બીજા અને ચોથા ઉચ્ચાર વધારે ચાંપીને કરવો પડે છે તેને મહાપ્રાણ કહેવાય અને પ્રત્યેક વર્ગના પહેલા અને બીજા અક્ષરોને અને શ, ષ, સ એ ત્રણની કઠોરવર્ણ કહેવામાં આવે છે. પ્રત્યેક વર્ગના ત્રીજા ચોથા અને પાંચમા અક્ષરોને અને હ, ય, ર, લ, વ એ પાંચને કોમળવર્ણ કહેવામાં આવે છે. પ્રત્યેક વર્ગના પાંચમાંને ( ઙ, ઞ, ણ, ન, મ) અનુનાસિક એવી સંજ્ઞા કહેવાય છે.
ફારસી, ઉર્દૂ અંગ્રેજીમાંથી આવી વપરાતા શબ્દોમાં ‘સ’ ને ઘણો ‘ઝ’ એ બેના એકઠા ઉચ્ચાર જેવો ઉચ્ચાર આવે છે. જેમ કે ઝંદ, અઝમુદો, પોર્ટુગીઝ (સંદ, અસમુદો, પોર્ટુગીસ). ઙ, ઞ, ય અને ષ એ અક્ષરો સંસ્કૃત ફારસી અને અંગ્રેજી શબ્દોમાં જ આવે છે.
‘ડ’ નો ઉચ્ચાર બે રીતે થાય છે. એક તો ડમરુ ડાકણ થાય છે ને બીજો લડાઈ, અડાર વગેરે શબ્દોમાં થાય છે તેઓ ઉપરથી જોતાં જણાય છે. પરંતુ ઘણું કરીને ડ પ્રથમ હોય છે ત્યાં પોતાનો ઉચ્ચાર શુદ્ધ હોય છે પણ જ્યારે હોય ત્યારે ઘણો ભાગ ડ ને કઈક ભાગ ‘ઢ’નો ઉચ્ચાર થાય છે. એમ જોતા ઉપરથી લઢાઈ, અઢાર કેટલાક એમ લખે છે કે, પરંતુ નર્મદનો પોતાનો એવો મત છે કે, તે લ્હડાઈ, અહડાર એમ લખવું. ઉપરાંત એવું પણ કહે છે કે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ એ બેની મૂળાક્ષરમાં ગણના કરવી એ ખોટું છે એ જોડાક્ષર છે. અકારાન્ત શબ્દના અંત્ય વર્ણો વ્યંજન જેવા બોલાય છે પણ તેમ લખાતા નથી ને લખવા પણ નહીં બેસ-ઉઠ એમ લખાય છે પણ એના ઉચ્ચાર બેસ્, ઉઠ્ એવા થાય છે. મધ્ય ગુજરાત તથા ઠેઠ ગુજરાતમાં છેલ્લા અક્ષરને ય જોડે છે તે ન જોડો. ગણ ઠેકાણે ગણ્ય, બેસ ને ઠેકાણે બેસ્ય અને કર ને ઠેકાણે કરય એમ બોલવું ઠીક નથી. સુરત જિલ્લામાં ‘સ’ વિશેષે, કાઠિયાવાડમાં ‘ષ’ વિશેષે, અમદાવાદ જિલ્લામાં ‘શ’ વિશેષ વાપરવાની રૂડી પડી ગઈ છે તેને વળગી ન રહેતા શ ષ સ જ્યાં ઘટે તેવા તે વાપરવો.
‘શ’ ઉચ્ચાર સિસોટી વગાડતા હોઠ રાખવામાં આવે છે તેવી રીતે હોઠ રાખી વાયુ કાઢેથી થાય છે. ‘ષ’નો ઉપચાર મોઢું મોકળું કરી જીભનો છેડો તાળવા તરફ ઊંચો કરેથી થાય છે. ‘સ’ નો ઉચ્ચાર દાંત પિસ્યાથી થાય છે. આપણી ભાષાના શબ્દો બોલવામાં સ્વર ઉપર ભાર મૂકવાની રૂઢી નથી તોપણ તેવું કંઈક ઉચ્ચારણ થાય છે ખરું ઘણું કરીને પહેલા વર્ણના સ્વર ઉપર જરા વધારે ભાર મૂકવામાં આવે છે. જેમકે નિ॑કળવું, બિ॑હવું, ક॑રવું વગેરે. શબ્દોના જોડાક્ષરો હોય તો તેના પૂર્વના સ્વરની ઉપર જરા વધારે ભાર આવે છે જેમ કે, પરા॑ક્રમ પરમે॑શ્વર ચમ॑ત્કાર વગેરે. બે શબ્દ મળીને એક થયો હોય ત્યાં બીજા શબ્દના આદિ વર્ણના સ્વર ઉપર જરા વધારે ભાર આવે છે જેમકે ભરપૂ॑ર, માબા॑પ, જયસિં॑હ, મોતીલા॑લ, ભયભી॑ત વગેરે. કેટલાક શબ્દની આગળ ક, સ, અણ આદિ અક્ષરો મુકાય આથી આદિ અક્ષર પર ભાર મૂકવામાં આવે છે જેમકે ક॑જાત, ક॑નજર, સ॑જોડે, અ॑ણગળ, ક॑ઠેકાણું વગેરે.
નર્મ વ્યાકરણમાં આગળ જઈએ તો વર્ણસ્થાન વિશે પણ આપણને માહિતી પૂરી પાડે છે. જે જે વર્ણનું ઉચ્ચારણ મ્હોઢાના જે ભાગની મારફતે થાય છે તે તે ભાગ તે તે વર્ણનું સ્થાન કહેવાય છે. અ, આ; ક, ખ, ગ, ઘ ઙ અને હ એનું કંઠસ્થાન એટલે એ વર્ણો વિશેષે કરીને ગળાના જોરથી બોલાય છે અને એ પોતે કંઠ્ય અથવા કંઠસ્થ કહેવાય છે. ઇ, ઈ; ચ, છ, જ, ઝ, ઞ; ય અને શ એનું તાલુસ્થાન એટલે એ વર્ણો તાળવામાંથી-જીભ તાળવા તરફ જરા ઉંચી કરેથી બોલાય છે અને એ પોતે તાલવ્ય કહેવાય છે. ઋ; ટ, ઠ, ડ, ઢ, ણ; ર, ષ અને ળ એનું મૂર્ધા સ્થાન એટલે એ વર્ણોમાંથી જીભની ટોચ ઘણી વાંકી વાળીને તાળવાના ટોચ તરફ ઊંચી કરેથી બોલાય છે અને એ પોતે મૂર્ધન્ય કહેવાય છે. ત થ દ ધ ન; લ અને સ તેનું દંતસ્થાન એટલે એ વર્ણો ઉપલા હોઠ દાંતો ભીડી નાખ્યાથી બોલાય છે. અને એ પોતે દંત્ય કહેવાય છે. ઉ, ઊ; પ ફ બ ભ મ; એનું ઓષ્ઠસ્થાન એટલે એ વર્ણો બે હોઠોને એકબીજા સાથે લગાડવાથી બોલાય છે અને એ પોતે ઓષ્ઠ્ય કહેવાય છે. એ, ઐ એનો કંઠ તાલુસ્થાન એટલે ગળું તથા કાળુ એ બેની મારફતે બોલાય છે અને પોતે કંઠ્યતાલવ્ય કહેવાય. તેવી રીતે કંઠોઓષ્ઠય(ઓ, ઔ), દંત્યઓષ્ઠ્ય(વ), અનુસ્વારનું નાસિકાસ્થાન એ નાકમાંથી બોલાય છે તેમ ઙ, ઞ, ણ, ન, મ તેઓનું પોતાનું કંઠસ્થાન છે. તે વળી બીજું નાસિકાસ્થાન પણ છે. અને અંતમાં વિસર્ગનું કંઠસ્થાન, નર્મદ સારી રીતે આપણને વર્ણ સ્થાન અંગેની માહિતી સાંપડી આપી છે.
વર્ણસંયુક્તિ એટલે વર્ણને જોડવાની રીત; એ બે પ્રકારની છે. ૧. એકાદશાક્ષરી અને ૨. જોડાક્ષર. એક વ્યંજનમાં એક સ્વર મળવાથી થાય છે તે. એક વ્યંજનમાં ૧૧-૧૧ સ્વરો મળી શકે છે માટે એક વ્યંજનની એકાદશાક્ષરી કહેવાય છે. તેમાં જે અત્યારે બારાક્ષરી ભણાવાય છે તે જ પ્રમાણે નર્મદે એકાદશાક્ષરી છે. વ્યંજનમાં સ્વર ભળવાથી આદિક અક્ષરોની એકાદશાક્ષરી મળે છે. ત્યારબાદની માહિતી બારાક્ષરી પ્રમાણે ગોઠવી ચિન્હ સાથેના સ્વરની મદદથી જે વ્યંજન અક્ષર બન્યા છે તે, અહીં ચિન્હોરૂપે મુકેલા છે. આમ અહીં વ્યંજનની બારક્ષરી જોવા મળે છે. બે અથવા વધારે વ્યંજનોમાં એકાદો સ્વર ભળેથી જોડાયેલો મોટો ભારી અક્ષર થાય છે તેને જોડાક્ષર પણ કહે છે. જોડાક્ષર વિશેની કેટલીક બાબતો તેમને જણાવી છે. તે આ પ્રમાણે છે. કેટલાક જોડાક્ષર છેલ્લા અક્ષર પૂરા અને બાકીના પહેલા અડધા અડધા લખ્યાથી બને છે. (સ્ત, ત્ત- ત) કેટલાક જોડાક્ષર પોતાની નિશાની ન રાખતા નવે રૂપે જ દેખાય છે. (ક્ષ- ક અને ષ, જ્ઞ, જ & ઞ), કેટલાક જોડાક્ષર બંને સાથે આખાને આખા વળગી રહે છે. (કમ, ફલ, ડમ), કેટલાક જોડાક્ષરોમાં પહેલો વર્ણ વ્યંજન કાપો રાખે છે. (દમ, ડમ્મ, ગજ), ‘ર’ની સાથે જોડાતા વરણો ત્રણ રીતના હોય છે. ૧. આડા લીટા રૂપે અક્ષરની સોડમાં ભરાય રહે છે. જેમ કે; ક્ર, શ્રી, સ્ત્રી વગેરે. ૨. કેટલાક જોડાક્ષર બંને સાથે આખા ને આખા વળગી રહે છે. જેમ કે,કમ, ફલ, ડમ. ૩. અક્ષરને માથે અર્ધચંદ્રાકાર વળગાવવો. જેમ કે, પર્વત, મર્મ, વર્ણ વગેરે. એમાં ર તે રેફ કહેવાય છે. શબ્દમાં જોડાક્ષરને વાંચવાની રીત આમ છે કે, જોડાક્ષરના પહેલા વ્યંજનને તેની આદિના અક્ષર સાથે ચાંપીને બોલવો. પદ્મ શબ્દમાં પ, દ્મ એમ ન વાંચવું પણ પદ,મ એમ વાંચવો. મંત્રમાં મન, ત્ર એમ વાંચવું. કેટલાક જોડાક્ષર ચંપાઈને નથી બોલાતા જેમ કે ભણ્યો, કરયો એમાં ભણ, યો નહીં પણ ભણ્યો; ભ ઉપર ભાર ન મૂકવો. જેમ અક્ષરો હસ્વ અને દીર્ઘ તેમ જોડાક્ષર પણ હસ્વ દીર્ઘ કહેવાય. જેમ કે, ‘શ્ર’ એ હસ્વ જોડાક્ષર અને ‘સ્ને’ દીર્ઘ જોડાક્ષર.
વર્ણવિવેકમાં વર્ણસંધિનું સ્થાન મહત્વનું બની રહે છે. માટે નર્મદે વર્ણસંધિની સમજૂતી ઝીણવટપૂર્વકની આપી છે. બે વર્ણ પાસ પાસે હોય તેનો એક નવો જ સંયુક્ત વર્ણ કરવો તેનું નામ સંધિ. સંધિ એટલે કકડા જોડી-સાંધી, એક કરવું. ‘સમ’ એટલે સાથે અને ‘ધા’ એટલે કરવું. ત્રણ પ્રકારની સંધિ છે. સ્વર સંધી, વ્યંજન સંધી અને વિસર્ગ સંધિ.
સ્વર સંધિમાં થોડી અગત્યની બાબતોનો નર્મદે અહીં ઉલ્લેખ કરેલો છે.
૧. બે સમરૂપ ( હસ્વ અને દીર્ઘ) સ્વરો પાસ પાસે હોવાથી સમરૂપ દીર્ઘ સ્વર થાય છે.
- ‘અ’ અથવા ‘આ’ની પાસે ‘અ’ અથવા ‘આ’ આવેથી બંને મળીને ‘આ’ થાય છે. જેમ કે, સ્વ, અર્થ એમાં સ્વ માંનો અ અને અર્થનો અ એ બે મળી આ થઈ. સ, વ ની સાથે જોડાઈ સ્વાર્થ એવો શબ્દ કરે છે. એવા બીજા શબ્દો ઘરાંગણું, ધૂપારતી વગેરે.
- ઇ અથવા ઈની પાસે ઇઅથવા ઈ આવેથી ઈ થાય છે. હરિ+ ઈચ્છા=હરીઇચ્છા, કવીશ્વર, હરીન્દ્ર
- ઉ અથવા ઊની પાસે ઉ અથવા ઊ આવેથી ઊ થાય છે.
- અ અથવા આની પાસે ઇ અથવા ઈ આવેથી એ થાય છે. જેમકે, (ઈશ્વર(અ), ઈચ્છા(આ) તેનું ઈશ્વરેચ્છા)
- અ અથવા આની પાસે ઉ અથવા ઊ આવેથી ઓ થાય છે. જેમ કે, (પર, ઉપકાર તેનું પરોપકાર).
- અ અથવા આની પાસે એ અથવા ઐ આવેથી ઐ થાય છે. જેમ કે, (તથા, એવ તેનું તો તથૈવ).
- અ અથવા આની પાસે ઓ અથવા ઔ આવેથી ઔ થાય છે. જેમ કે, (જલ, ઓધ તેનું જલૌધ)
૩. ઇ અથવા ઈ, ઉ અથવા ઊ તેની પાસે વિરૂપ સ્વર આવેથી ઈ અથવા ઈનો ય ને ઉ અથવા ઊ નો વ થાય છે ને પછી તેનું પાસેના સ્વર પ્રમાણે રૂપ થાય છે.
વ્યંજન સંધિમાં સંધિની ઓળખ ઊભી કરાવે તેવું માળખું રચ્યું છે. જુદી જુદી જાતના બે વ્યંજનો સાથે મળ્યા પહેલાં વ્યંજન નું રૂપ બદલીને તેનું બીજાની સાથે મળી રેવું થાય તેને વ્યંજન સંધી કહેવાય. કોમળ વર્ણની પાસે કઠોર વર્ણ આવેથી તે કોમળ વર્ણની જગ્યાએ તેનો સજાતીય કઠોર અલ્પપ્રાણ થાય છે. જેમ કે, વાક ને પતિ તેનું વાકપતિ થાય છે કેમ કે ગ નો સજાતીય, ક ખ ઘ અંગ માનો એક પણ કઠોર જોઈયે માટે ક અથવા ખ અને અલ્પપ્રાણ જોઈએ માટે ક.
વિસર્ગ સંધિની વાત પણ ખૂબ જ સરળ ભાષામાં મૂકી આપી છે. વિસર્ગની પાસે ક, ખ આવેથી વિસર્ગ બદલાતું નથી. જેમકે, અંતઃકરણ, દુ:ખ વગેરે. ધિ:કારને ધિક્કાર એમ એમ લખવું યોગ્ય નથી. વિસર્ગની પાસે શ અથવા સ આવે થી વિસર્ગ પોતાને રૂપે રહે છે. અથવા બિંદુ રૂપ બદલીને શ અથવા સ થાય છે. જેમ કે, જ્યોતિ:શાસ્ત્ર અથવા જ્યોતિશશાસ્ત્ર, નિ:સંશય વગેરે લઈ શકાય. વિસર્ગ ની પાસે ચ અથવા છ આવે થી વિસર્ગનો શ થાય છે જેમ કે નિ: ચિંતનું નિશ્ચિંત.
વર્ણાનુપૂર્વી શબ્દો બનાવવા (બોલવા-લખવા) સારુ વર્ણોને એક પછી એક એમ સાથે મૂકવા (ભણવા-લખવા) તેનું નામ વર્ણાનુપૂર્વી અથવા અક્ષરજોડણી. ગુજરાતી ભાષાના શબ્દો મુખ્ય ત્રણ પ્રકારે વપરાય છે. પોતાને મૂળ રૂપે જ વપરાતા સંસ્કૃત અને બીજી ભાષાના શબ્દો જેવા કે કીર્તિ, કૃપા, ચંદન, સિંહ વગેરે. સંસ્કૃત અને બીજી ભાષાના અપભ્રંશ શબ્દો એ બે રીતના છે: ૧. જે શબ્દ મૂળ રૂપથી જરા-તરા બદલાયા હોય છે તે. જેવા કે, જમના-યમુના, ફળ-ફલ, વાઘ-વ્યાઘ્ર, સરવ-સર્વ, સઘળું-સકલ, જોગ-યોગ, આજ-અધ્ય, અક્કલ-અકાલ, ખુશાલી-ખુશહાલી, દરિયો-દરિયાવ વગેરે.. જે શબ્દ મૂળ રૂપથી ઘણા જ બદલાયા છે તે જેવા કે, અગિયારસ-એકાદશી, અજવાળું-ઉજ્વલા, અઠવાડિયુ-અષ્ટવાર ઉપરથી, પૂજા-રાધેઆરાધ્ય, સુથાર-સૂત્રધાર, વાડી-વાટિકા, ગ્રાહક પાણી-પાનીય વગેરે. મૂળ ભાષામાં છે તેવા નહીં અપભ્રંશ નહીં પણ મૂળ તળપદા ગુજરાતી શબ્દો.મોટો જથ્થો અપભ્રંશનો છે તે ઉપરથી કેટલાક કહે છે કે તળપદા ગુજરાતી છે કે નહિ પણ એ કહેવું ખોટું છે કેટલાક શબ્દોની વાચક નવા હોવા જોઈએ કેટલીક વસ્તુના નામ નવા હોવા જોઈએ અને કેટલીક વસ્તુઓના નામ જુદે જુદે ઠેકાણે જુદા જુદા હોવા જોઈએ.
અક્ષર જોડણીના ૩૨ જેટલા નિયમોની નર્મદે વાત કરી છે. ૩૧માં નિયમમાં વાત કરી છે કે, ચોપડીઓમાં જે જોડાક્ષરને બદલે એક જ અક્ષર રાખવામાં આવ્યા છે. તે ખોટું છે. અને જોડાક્ષર રાખવાનું સૂચન કરે છે. જેમકે, કિલ્લો, ચિઠ્ઠી, ચોખ્ખો વગેરે.
પછી તેમણે ૮૫ જેટલા ઉદાહરણ આપ્યા છે. જે ખરેખર ધ્યાન ખેંચે તેવા છે. આ બધા ઉદાહરણોમાં જ્યાં કૌંસમાં ‘આ નહીં’ એમ કહ્યું ત્યાં આજની દૃષ્ટિએ ઘણી જગ્યાએ જોડણી સાચી મનાય છે. જેમકે, એકરાર, હળદર, આવું, એંશી-હેંશી, ઓઠ-હોઠ, કંસાર, કંસારો, કર્યું, કીમત, કોણી, છીંક, છીંટ, જવાબ, સૌ, સહુ...વગેરે આજની દૃષ્ટિએ તેમણે આપેલી કેટલીક જોડણી ખોટી ગણાય: જેમકે, શિખવું, જિતવું, વિસ, તિસ, બિંજુ, ત્રિજું, ખિલવું,દીકરી વગેરે. તેમના હકારવાળી જોડણી: લ્હડાઇ, ન્હાવું, મ્હોરું, કહાડવું, જહારે, શ્હેર, જેને સાર્થ જોડણીકોશે આમની ઠેરવી છે. અને અંતે તેઓ જોડણી કઈ રીતે શીખવી તેની માહિતી આપે છે.
સંદર્ભ ગ્રંથો:
- નર્મવ્યાકરણ, લે. નર્મદ, પ્રકા. મુંબઈ યુનિયન પ્રેસ, આવૃતિ-૧૮૬૫
- નર્મવ્યાકરણ, સંપા. શુક્લ રમેશ મ., પ્રકા. કવિ નર્મદ યુગાવર્ત સૂરત, આવૃતિ-૨૦૦૦
- ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ, દેસાઈ ઊર્મિ, પ્રકા. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ, પ્રથમ આવૃતિ.૨૦૧૪
- નર્મદ: શોધ અને સમાલોચન, સંપા. શુક્લ રમેશ મ., પ્રકા. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ,આવૃતિ-૨૦૦૫
- નર્મદ, બ્રોકર ગુલાસદાસ, પ્રકા. કુમકુમ પ્રકાશન અમદાવાદ, પ્રથમ આવૃતિ.૧૯૭૭