Download this page in

સંશોધક રામલાલ ચુનીલાલ મોદી: ‘કવિ ભાલણ’ સંદર્ભે

મધ્યકાલીન ગુજરાતી સર્જક ભાલણ વિશે નારાયણ ભારતી, હરગોવિંદાસ કાંટાવાળા, કે.કા.શાસ્ત્રી, જેઠાલાલ ત્રિવેદી અને રામલાલ ચુનીલાલ મોદીએ સંશોધન કરીને પોતાના તર્કો અને અભિપ્રાયો પ્રગટ કર્યા છે. પ્રસ્તુત સંશોધનમાં રામલાલ મોદીએ ભાલણ વિશે કરેલા સંશોધનને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાનો ઉપક્રમ રાખેલ છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે, આ સંશોધક વિષયક કોઈ પણ પ્રકારની માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી. સાહિત્યના ઇતિહાસમાં પણ આમની નોંધ લેવામાં આવી નથી.

શ્રી સયાજી સાહિત્યમાળાના પુષ્પ ૩૩માં રૂપે ભાલણ વિષયક સંશોધન રામલાલ ચુનીલાલ મોદી પાસેથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ ઈ.સ ૧૯૧૯માં પ્રગટ થયો હતો. ગ્રંથને સાત પ્રકરણમાં ભાલણનો જમાનો, સમય, જીવન, કૃતિઓ, અન્ય કવિઓ અને કવિતા આમ વિભાજિત કરી મૂકી આપ્યું છે.

આ ગ્રંથની પ્રસ્તાવનામાં ભાલણને ઉત્તમ ગુજરાતી કવિઓની પ્રથમ હરોળમાં બેસાડે છે. નારાયણ ભારતી અને કાંટાવાળાએ ભાલણ સંબંધી કરેલાં સંશોધનોનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત આ ગ્રંથ લખવામાં સહાયરૂપ થનાર જદુનાથ સરકાર, મચેરજી પેસ્તનજી ખરેઘાટ, કેશવ હર્ષદ ધ્રુવ, તનસુખરામ ત્રિપાઠી, નટવરલાલ દેસાઈ પાસેથી મળેલી સહાય માટે તેમનો ઋણસ્વીકાર કરે છે. હવે ભાલણ વિષયક રા.ચુ.મોદીએ કરેલાં સંશોધનની ચર્ચા કરીએ.

પ્રકરણ એકમાં કવિ ભાલણના સમયની ભાષા અને સાહિત્ય વિશે વિસ્તૃત ચર્ચા કરે છે. નરસિંહ મહેતા અને ભાલણ સમકાલીન હતા, એવો પોતાનો મત રજૂ કરીને તેમણે નરસિંહ મહેતાનો સમય સંવંત ૧૪૭૧ થી ૧૫૩૫ નિર્ધારિત કર્યો છે અને કવિ ભાલણના સમયમાં ગુજરાતનો સુલતાન મહમુદ બેગડો હતો. તેમ જણાવે છે. ઉપરાંત કવિ ભાલણના સમયની રાજકીય અને સામાજિક સ્થિતિ કેવી હતી એ જણાવે છે. ભાલણના સમયે કબીર વિદ્યમાન હતા. ત્યારે ગુજરાતમાં સંપ્રદાયોની કેવી અસર હતી અને એ સમયે થઈ ગયેલાં મુસ્લિમ પીરો શાહ આલમ, ઈમામ શાહ, મુસા સુહાગ, આદિ સંતોનો ઉલ્લેખ કરે છે. તે સમયની સાહિત્યિક સ્થિતિ જણાવી. આ ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ હતો, તેમ નોંધે છે. ‘કવિ ભાલણના સમયમાં કબીર અને નાનક થયા પણ તેમની કાવ્યસંપત્તિ બહુ વિશાળ નથી.’ આમ આધાર વગર પોતાનો મત રજૂ કરે છે.

ભાલણના સમયની લિપિ અંગે ચર્ચા કરતાં કહે છે કે, ‘ તે વખતે આપણી હાલની ગુજરાતી લિપિ પ્રચારમાં આવી ન હતી, પણ ઘણું કરીને દેવનાગરીનું અંતિમ સ્વરૂપ હતું. જ્યારે ગ્રંથલેખનમાં તે વપરાતી ન હતી.’ પુરાવા સ્વરૂપે નારાયણ ભારતીએ રજૂ કરેલા ભાલણ અને તેના પિતાના કાગળો જે વાણિયાના જેવાં અક્ષરોવાળા પુરાવાને રા.ચુ.મોદી સંચયગ્રસ્ત માને છે.

ભાલણે તેમના ગ્રંથોમાં ‘ગુર્જર’ શબ્દ પુષ્કળ જગ્યાએ વાપર્યો હોવાથી અનુમાન કરી શકાય છે, કે ભાલણના સમયમાં ‘ગુર્જરભાષા’ સંજ્ઞા મળી ચૂકી હતી. તેમ તે જણાવે છે. ગુજરાતી ભાષાનું કાળવિભાજન નીચે પ્રમાણે પાડે છે.

1.આરંભકાળ સવંત ૧૫૦૦ થી ૧૭૦૦.
2.મધ્યકાળ સવંત ૧૬૦૦ થી ૧૯૦૦.
3.અર્વાચીનકાળ સવંત ૧૯૦૦ પછી.

પ્રકરણ ત્રણમાં ભાલણના જીવન સંબંધી બાબતો આપતા પહેલા જ કહે છે કે. ‘તેના સંબંધી જે કાઈ બાહ્ય હકીકત મળી છે. તેને કિંચિત તેના ગ્રંથો ઉપરથી ઉપજાવી શકાય છે.’ ભાલણ પાટણનો વતની હતો એવા નારાયણ ભારતીના મત સાથે સહમતી દર્શાવે છે. ભાલણની જ્ઞાતિ સબંધી વ્રજલાલ શાસ્ત્રીના કહેવા પ્રમાણે ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ હતો, અને બીજા ઘણાં તેને શ્રીમાળી બ્રાહ્મણ પણ કહેતા હતા કારણ કે તેના ઘરનું માલકીપણું એક શ્રીમાળી બ્રાહ્મણ ભાણાભાઈ નામે કરતાં હતા. પરંતુ તે શ્રીમાળી બ્રાહ્મણ નથી એવું ભાલણના બીજી વખતના ‘નળાખ્યાન’ની એક પંક્તિમાં આમ જણાવે છે કે,
“નાગરકાજે શ્રમ દૂબળો કવિને કર્મે લાગ્યોજી”

આથી તે નાગર નથી. એવો તર્ક તે રજૂ કરે છે. અને ‘દશમસ્કંધ’ની પુષ્પિકામાં ‘મો’ પાછળનો ‘ઢ’ લોપાઈ ગયો હોય એમ લાગે છે. આ કારણે ભાલણ મોઢ હતો એમ સિદ્ધ થાય છે. અને તેમની જ્ઞાતિ ત્રિવેદી મોઢ હોવાનું યથાર્થ જણાય છે. આવા ભારતીના મત સાથે સહમત થાય છે.

કવિનું નામ ભાલણ છે તેમ માને છે. જ્યારે ભારતી પુરુષોતમ એ જ ભાલણ છે એમ કહી જે આધાર રજૂ કરે છે. એ સંશયગ્રસ્ત છે. તેનું કારણ જણાવતા રા.ચુ.મોદી લખે છે કે, ‘કાગળમાં દવે પુરુષોતમ લખેલું છે. જ્યારે ‘કાદંબરી’ની પુષ્પિકામાં ત્રવાડી ભાલણ છે. આમ નારાયણ ભારતીના મતનું ખંડન કરે છે.

ઉપર પહેલા ભાલણની જ્ઞાતિ ત્રિવેદી સ્વીકારી હતી. પછી તે ત્રવાડી છે. એવું ‘કાદંબરી’ની પુષ્પિકના આધારે કહે છે. દવે પુરુષોતમ ભાલણના ઘરમાં જે શ્રીમાળી રહેતા હતા તેમના પૂર્વજો સંબંધી કાગળો એ ઘરમાં હોવાનુ સંભવ માને છે. આમ રા.ચુ.મોદી અહિયાં સંશોધક તરીખે તટસ્થ રહી શક્યા નથી.

ભાલણ બાલ્યકાળ સબંધી ભારતીના કહેવા પ્રમાણે જ પોતાની સહમતી દર્શાવે છે. જ્યારે ઉત્તરવયમાં ભાલણ રામભક્ત વૈષ્ણવ થયો હતો. એ વાત સ્પષ્ટ છે. તેમ ભાલણના ગ્રંથોના આધારે મને છે. કારણ કે ગ્રંથોમાં ‘ભાલણ પ્રભુ રઘુનાથ’ એમ આવે છે. કવિ ભાલણના ગુરુનુ નામ પરમાનંદ કે સદાનંદ માને છે, કારણ કે ભાલણની સમાધીની દક્ષિણ બાજુએ તેના ગુરુ પરમાનંદની ગાદી છે. ત્યાં પરમાનંદની ચાખડીઓ છે. એમ ભારતી માને છે. પરંતુ ભારતી પાછા તરત લખે છે કે તે જૂની હોય એમ જણાતું નથી. આવા શ્રદ્ધાશીલ લેખક આમ લખે તો ગાદી આધુનિક જ હશે. એમ લાગે છે. આમ રા.ચુ.મોદી પોતે પણ ભારતી ઉપર જ આધાર રાખતા જણાય છે.

કવિ ભાલણના ત્રણ પુત્રો હતાં. તેમ જણાવે છે. પરંતુ એમના પેઢીનામાનું વિવેચન કરતાં કહે છે. ભાલણના વંશના કોઈ પુરાવા મળતા નથી. કારણ ભારતીએ રજૂ કરેલા પેઢીનામામાં ભાલણના કોઈ પુત્રોના નામ જાણવામાં આવ્યા નથી. આમ પેઢીનામાને પણ રા.ચુ.મોદી શંકાશીલ ગણે છે.

ભાલણના સમયમાં કવિ ભાલણની જેટલી કૃતિઓ મળે છે, એટલી બીજા કોઈ કવિની મળતી નથી. એમ જણાવી ભાલણની કૃતિઓ ત્રણ ભાગમાં વિભાજિત કરી મૂકી આપી છે. (ક) છપાયેલી કૃતિઓ (ખ) છાપાયા સિવાય તેમણે મળેલી કૃતિઓ (ગ) જાણવામાં આવેલી પણ શોધવાની બાકી છે.

તેમણે નોંધેલી કૃતિઓ આ પ્રમાણે છે.
(ક) છપાયેલી કૃતિઓ.
1.‘શિવભીલડી સંવાદ’, બૃહત કાવ્યદોહન ગ્રંથ-૧ ઈ.સ ૧૮૯૦.
2.‘સપ્તશતી’, પ્રાચીનકાવ્ય ત્રિમાચિક ઈ.સ. ૧૮૮૭, અને બૃ.કા.દો. ગ્રંથ-૫ ઈ.સ. ૧૮૯૫.
3.બીજી વખતનું ‘નળાખ્યાન’, પ્રાચીનકાવ્યમાળા અંક-૧૧ ઈ.સ. ૧૮૮૯, અને બૃ.કા.દો. ગ્રંથ-૫ ઈ.સ. ૧૮૯૫.
4.‘રામબાલચરિત’ (અપૂર્ણ- પદ ૧૫) પ્રા.કા.માં. અંક-૧૧ ઈ.સ. ૧૮૮૯.
5.‘દશમસ્કંધ’, સંપા. હરગોવિંદાસ કાંટાવાળા, વડોદરા ઈ.સ. ૧૯૧૫.
6.‘કાદંબરી’, (પૂર્વભાગ) સંપા.કેશદ હર્ષદ ધ્રુવ, અમદાવાદ ઈ.સ. ૧૯૧૬.

(ખ) આ ગ્રંથો છપાયા નથી પરંતુ તેમને હસ્તપ્રતો મળી હતી.
7.‘મૃગીઆખ્યાન’, પોતાની હસ્તપ્રત સં.૧૭૭૮.
8.‘રામવિવાહ’, હીરાલાલ પારેખ પાસેથી મળેલી હસ્તપ્રત સં.૧૮૫૦.
9.પ્રથમનું ‘નળાખ્યાન’, ગુજરાતી પ્રેસની હસ્તપ્રત સં.૧૭૩૫.
10.‘દુર્વાસાઆખ્યાન’, હીરાલાલ પારેખ પાસેથી મળેલી હસ્તપ્રત (આરંભનો થોડો ભાગ).
11.‘ક્રુષ્ણવિષ્ટિ’, ડાહીલક્ષ્મી પુસ્તકાલય નડિયાદથી મળેલી હસ્તપ્રત અને હીરાલાલ પારેખની હસ્તપ્રત.

(ગ). નામ મળ્યા પરંતુ હસ્તપ્રત શોધવાની બાકી.
12.‘ધ્રુવાખ્યાન’ની હસ્તપ્રતો હ.કાંટાવાળાએ ઈ.સ.૧૮૮૫માં પાટણમાં જોઈ હતી.
13.‘સીતાહનુમાન સંવાદ’, ‘દુર્વાસાઆખ્યાન’ ત્રુટક), ‘મૃગીઆખ્યાન’ (અપૂર્ણ),

‘રામબાલચરિત’ના વધારાના ૧૪ પદો, ‘દ્રુપદીને ત્યાં ક્રુષ્ણ આવ્યાં’ આ હસ્તપ્રતો મારી પાસે છે એમ આદિત્યરામ પારધીએ ૭-૧૨-૧૯૦૪માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને પત્ર લખીને જણાવ્યું હતું. તપાસ કરતાં એ પ્રતો મળી નથી. હવે શ્રેષ્ઠ કૃતિઓ વિશે ચર્ચા કરે છે.

‘કાદંબરી’ની એક જ પ્રત ઈ.સ.૧૮૬૪માં શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ પાસેથી ‘ગુ. વર્ના.સો.’એ છ રૂપિયામાં ખરીદી હતી, બાદમાં કેશવ હર્ષદ ધ્રુવે તેનો પૂર્વભાગ સંશોધન સંપાદન પ્રગટ કર્યો છે, આ બાબતમાં રા.ચુ.મોદી કહે છે કે, ‘જગતની કોઈ ભાષામાં તેનો પ્રથમ અનુવાદ જો થયો હોય તો તે ગુજરાતી જ છે, અને તેનુ માન ભાલણને છે. એમણે ગુજરાતી ભાષાની મહત્તામાં પણ વધારો કર્યો છે’. તેમ જણાવી ‘કાદંબરી’ની કવિતા વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાં મૂળમાં નહીં તેવા ભાલણે કરેલ ફેરફાર પણ ઉદા. સાથે મૂકી આપે છે. કવિ ભાલણની ‘કાદંબરી’ની “ ગિહિલી કુણી કરી?” પંક્તિનો ઉપયોગ નાકરે પોતાના ‘વિરાટપર્વ’માં કર્યો છે તેમ તે જણાવે છે.

કવિ ભાલણનું પ્રથમનું ‘નળાખ્યાન’ અપ્રગટ છે. તેની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ના સંગ્રહમાં ઉપલબ્ધ છે. આ કૃતિ આપણાં સાહિત્યની ઉત્તમકૃતિઓમાં સ્થાન મેળવે એવી છે. રા.ચુ.મોદી જણાવે છે કે, “ઔચિત્યની દ્રષ્ટિએ ભાલણનું ‘નળાખ્યાન’ પ્રેમાનંદના ‘નળાખ્યાન’ કરતાં ચડિયાતું છે”. તેની ઉદા. મૂકીને ચર્ચા કરે છે. જ્યારે બીજીવારનું ‘નળાખ્યાન’ને બહુ ઉતરતા પ્રકારનું ગણે છે.

‘દશમસ્કંધ’ હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રગટ કર્યો હોવાથી રા.ચુ.મોદી મૂળ હસ્તપ્રત સુધી જવાનું જરૂરી સમજતા નથી. પ્રગટ આવૃતિના આધારે જણાવે છે કે, દશમસ્કંધ’માં શ્રીકૃષ્ણના બાલચરિત્રને કવિ ભાલણની ઉત્તમ પ્રસાદી માને છે. બીજી કૃતિઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી છે.

ભાલણના સમયની ભાષા કેવી હતી અને તેની વ્યાકરણગત વિશેષતા વિશે તે ભાલણની કૃતિઓને આધારે વાત કરે છે, કે નામના રૂપાખ્યાનમા વિભક્તિ પ્રથમા અને દ્વિતિયનો ‘ઉ’ પ્રત્યય કેટલાક નામોને લાગતો. પિઉ, રાઉ અકારાંત નામોનો ‘અ’ જતો રહી ‘ઉ’ વ્યંજન સાથે ભળી જવાનું ભાલણના સમયમાં શરૂ થઈ ચૂક્યું હતું. ‘નઇ’નો ‘નિ’ પણ થયો હતો

કવિ ભાલણની કવિતાના ગુણદોષ વિષયક ચર્ચા કરતાં કહે છે કે, ‘દયારામ, આખો અને શામળના ગુજરાતી સાહિત્યમાં અન્ય રીતે ઉંચા સ્થાન છે, પણ તેમની કવિતા એટલી ઉત્તમ નથી’. નરસિંહ અને દયારામ શૃંગાર રસમાં પ્રેમાનંદ હાસ્ય અને વીર રસમાં તો કવિ ભાલણ કરૂણ અને વત્સલ રસનું નિરૂપણ કરવામાં ઉત્તમ છે. ભાલણ ભાવ, ભાષા, અલંકાર, કલ્પના અને વર્ણન કરવામાં સાધારણ છે. ભાલણ ચરિત્ર નિરૂપણમાં પણ સામાન્ય છે.

અંતના પ્રકરણમાં કવિ ભાલણ, નરસિંહ મહેતા અને દયારામ આ ત્રણ કવિઓના સર્જનની સરખામણી કરતાં જણાવે છે કે, ભાલણે નરસિંહ મહેતાનું અનુકરણ કર્યું છે. નરસિંહ મહેતાની અસર ભાલણની કવિતામાં જોવા મળે છે. કવિ ભાલણની અસર તેના અનુયાયી કવિઓમાં કેવી છે. તેની ચર્ચા નાકર, પ્રેમાનંદ અને દયારામને ધ્યાનમાં રાખી નાકરમાં ભાલણની અસર ક્યાં જોવા મળે છે. તેનું ઉદાહરણ આપી જણાવે છે.

કળિયુગ પુષ્કરનો પોઠિયો થાય છે. આ પ્રસંગ ‘મહાભારત’, ‘નેચધચરિત’ અને ‘નલચંપુ’માં પણ નથી. આ પ્રસંગ ભાલણના ‘નાળાખ્યાન’માં છે. તેથી નાકરે પોતાના ‘નળાખ્યાન’માં આ પ્રસંગ ભાલણમાંથી લીધો છે એમ સાબિત થાય છે. આમ રા.ચુ.મોદીએ કવિ ભાલણ અને તેમના નામ, સમય, જીવન, કુટુંબ અને કવિતા સંબંધી પોતાના મતો અને તર્કો મૂકી આપ્યા છે.

તારણો:

રામલાલ ચુનીલાલ મોદીને જ્યારે એક મધ્યકાલીન સંશોધક તરીખે જોઈએ ત્યારે તેમની થોડી મર્યાદા પણ જોવા મળે છે. જેમ કે, ‘એક સંશોધક તરીખે રા.ચુ.મોદી તટસ્થ રહી શકતા નથી’ કારણ છે કે, પહેલા નારાયણ ભારતીએ રજૂ કરેલા ભાલણનું નામ પુરુષોતમ અને જન્મસમય ઇ.સ.૧૪૦૫ સંબંધી પુરાવા સંચયગ્રસ્ત માને પાછા એ જ પુરાવા સ્વીકારી લે છે. આ વાત સમજાય તેવી નથી. તેમના તર્કો શાસ્ત્રીય રીતે યોગ્ય જણાતા નથી. તો બીજી તરફ માત્ર ભારતી ઉપર જ આધાર રાખી સંશોધન કર્યું છે. તો સંશોધક તરીખે મૂળ હસ્તપ્રત સુધી જવાનું જરૂરી પણ નથી સમજતા આવું ‘દશમસ્કંધ’ની બાબતમાં બને છે.

તેમની મર્યાદાઓ બાજુ ઉપર રાખીને જોઈએ, તો રા.ચુ.મોદી મધ્યકાલીન કવિ ભાલણ વિષયક સંશોધન કરનાર આપણા એક મહત્વના સંશોધક બની રહે છે.

સંદર્ભ ગ્રંથ:

  1. ‘ભાલણ’. સંશોધક-રામલાલ ચુનીલાલ મોદી, પ્રકાશક-“આર્ય સુધારક” પ્રેસ વડોદરા, પ્રથમાવૃતિ ઇ.સ.૧૯૧૯.
  2. ‘ભાલણ, ઉદ્ધવ અને ભીમ’. સંશોધક-રામલાલ ચુનીલાલ મોદી, પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ, પ્રથમાવૃતિ ઈ.સ ૧૯૪૪.

કલ્પેશ પી.મકવાણા, એમ.ફિલ, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર. મો:૯૫૫૮૯૬૨૧૭૨ kalpeshm560@gmail.com